“જે પોતાનો ઈતિહાસ જાણતાં નથી કે ઈતિહાસ પરથી વર્તમાનનો અભ્યાસ કરતાં નથી અને બોલતાં નથી એમનો ઈતિહાસ બીજાં લોકો મન ફાવે એવો જ લખી નાખેને? ” આ અવતરણ કાનજી પટેલ સર્જિત ‘ભીલની ભોંય’ લઘુનવલનું ધ્યાનકર્ષક વિધાન છે. ભીલોનાં ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને ગૂંથી લઈને કથાનાયિકા રૂપાળીની આસપાસ જીવન કેવી રીતે જિવાય છે તેનું આબેહૂબ વર્ણન કાનજી કરી શક્યા છે કારણ કે વાચક તરીકે એવી છાપ પડે છે કે કાનજી એ જીવન જીવ્યા છે, જીવે છે અને હજી કેટલોક સમય તો જીવવાના છે.
જળ, જંગલ અને જમીન પર આદિવાસીઓનો હક્ક છે, કેવી રીતે છે અને રહેવો જોઈએ તેની સમજની કથા પૂરી થતાં બિલકુલ અજ્ઞાત કે અજ્ઞાનને પણ સમજાય જાય એટલી સરળ અને સહજ રીતે પ્રસ્તુતિ થઈ છે. આદિવાસીઓ શોષિત જ છે અને એમનું શોષણ પહેલાં ધોળિયાઓએ અને પછી નવા શાસકોએ પણ કેવી રીતે કર્યું છે તેનું જ ગાણું ગાવાને બદલે આદિવાસીનો પનો કયાં ટૂંકો પડ્યો, એમની પોતાની કેટલી મર્યાદા છે, કેવા સંજોગોના કારણે એમણે પોતાની સંસ્કૃતિથી વેગળા થવું પડે છે અને અંદરોઅંદરની હોંસાતોંસી, દેખાદેખી, અંધશ્રદ્ધા ,ગરીબી, વ્યસનો વગેરેને કારણે જૈસે થે જેવી હાલત રહે છે તેનું પણ નિરૂપણ સુપેરે એમણે કર્યું છે. આમ તો કાલ્પનિક કથાનક છે પરંતુ વાચક તરીકે લાગે કે કોઈ વિશ્લેષણાત્મક પારિવારિક દસ્તાવેજીકરણ થઈ રહ્યું છે.
સ્ત્રીને ડાકણ માની એને એનાં પિયર કે સાસરાની વારસાઈથી વંચિત કરવાના કારસામાં નાયિકા રૂપાળી ફસાતી નથી. ઘરજમાઈ તરીકે આવેલો વહેમીલો પતિ એને સાથ આપવાનો બદલે ભૂવા ને એના સાથીઓની ચઢવણીથી એને ડાકણ માને છે અને અંતે એને છોડી જાય છે. પોતાનાં વનવાસી જીવન પર સરકારી દખલગીરીની હરહંમેશ લટકતી તલવાર, રાજકારણીઓનું નિસ્પૃહી વલણ,જનમાનસની સામાન્ય દેખાતી ઉદાસીનતાનું ચિત્રણ પણ અહીં સોંસરું ઉતરે છે. મહુડાના ઝાડ નીચે વખતોવખત ભેગાં થવું ને અતિશય દબાણનાં કારણે અસહનીય પરિસ્થિતિ આવે ત્યારે એક થઈ સામનો કરવાનું વલણ પ્રગટ થાય ન થાય ને વળી જૈસે થે! છતાં રૂપાળી અને પાછળથી એને જડેલો રૂપજી જેની સાથે મન મળી જાય છે તે બન્ને મળીને જનજાગૃતિ સાથે પોલીસ અને અદાલતનો સામનો કરે છે અને ન્યાય મેળવી શકે છે અથવા ન્યાયાધીશને સંમત કરી શકે છે. તેની પ્રવાહી રજૂઆત કરવામાં કાનજી સફળ થયા છે. આદિવાસીઓ જરૂરિયાતથી વધારેની ક્યારેય આશા રાખે નહીં અને પ્રકૃતિ સાથે સંતુલિત રહેવાનું પસંદ કરે તે લક્ષણ ઉજાગર કરવામાં પણ લેખક સફળ થયા છે. સ્વતંત્ર મિજાજ ધરાવતી પ્રજા પર કાયદાકાનૂનનો સકંજો વધે, બહારની દુનિયામાં ઝાંકી આવ્યા પછી બે સંસ્કૃતિના મેળમાં ગૂંચવણ અને મૂંઝવણનો અનુભવ થાય, સામાજિક આતંરદ્વંદ્વ , કૌટુંબિક અને વ્યક્તિગત મનોગત સંઘર્ષ,બજાર સંસ્કૃતિનો પ્રભાવ સાથે પરંપરા અને આધુનિકતાના મેળ માટે મથામણ , શહેરી સમાજની નકલ, ધાર્મિક અને સાંપ્રદાયિક પ્રભાવ, દહેજપ્રથા અને મોંઘાદાટ લગ્નોનો પગપેસારો, આ દરેક પાસાને સ્પર્શીને કાનજીએ આજનો આદિવાસી કયાં ? એ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન પણ કર્યો છે.
એક પીડા તાદ્રશ થઈ છે તે આદિવાસીના કપડાં, ઘરેણાં અને એમની કલાકારીગરીનાં આભાસી થાબડભાણાં માટેની ચિંતા. બંધ બાંધવા, જમીનથી વિસ્થાપિત કરવા, નહેરનું પાણી વાપરવાં ન દેવું, માલિકી માટે ફરીથી કાયદાના સકંજામાં લેવા અને એમના જ કુદરતી સ્ત્રોતોથી વંચિત રાખવાની વ્યૂહરચનાનો શિકાર બનાવવું. આ વિષચક્રમાં આદિવાસી સમુદાય કેવો ભીંસાયેલો છે, શિક્ષિત સમુદાય કેવો અલાયદો થઈ જાય છે, શહેરમાં કેવું શોષણ થાય છે તેની ચર્ચા રીતસર ઘુંટાયેલી છે. અહીં મને વારંવાર મારિયા શ્રેસ મિત્સ્કાબહેનની ‘ગિરાસમાં એક ડુંગરી’ ,ડાહ્યાભાઈ વાઢુનું ઢોલ, ગદ્યપર્વની કેટલીક વાર્તાઓ , વહીના કાવ્યોની યાદ આવતી રહી. સ્ત્રીઓ- યુવતીઓને સ્પર્શતી વાતો મેં પણ લખી છે છતાં જે અભિવ્યક્તિ એ સમાજમાં રહીને પ્રસ્તુતિ પામે તેની યથાર્થતા વિશિષ્ટ જ હોય. સાદો ખોરાક, લોકબોલી પર ભૌગોલિક વિસ્તારની છાંટ અને સાદી જીવનશૈલીનું વર્ણન વાસ્તવિક રીતે જ થયું છે. કેટલા બધા શબ્દો પોતીકા લાગે છે. જેમ કે કમખો, વાહદે,ઢેબરા,ખંધોડિયો, લોથ વગેરે. કેટલાક વાક્યો કે ગીતો પણ યાદ રહી જાય તેવાં છે. પંખીડું વિવા કરે, મોરે મંડપ રચ્યા, વૈયે વડાં કર્યા, કાબરે તેલ પૂર્યા, સમજી સંદેશો લાવી કે જાન આવી છે, મારી જાત ને બાપની ભોંય આદમીને સોંપી તોય એ મારો ન થયો તે ન જ થયો!, વાહદે પેઠો કાળજે વગેરે. લોહીમાં પાવતી પ્રકરણ તો લોહીથી લખાયેલું લાગે! કથાવાર્તા દ્વારા જનજાગૃતિનું કામ કેવી રીતે શક્ય છે તે મને તો અહીં દેખાયું છે. રૂપસિંગની પાંચમી પેઢીનું સંતાન તે આ રૂપજી અને હીરબાઈની વંશજ એ આ રૂપાળી. હીરબાઈએ સ્ત્રીઓની સેના બનાવેલી તો રૂપસિંગ એ આદિવાસી યોદ્ધા હતા જેમણે અંગ્રેજ સરકારને ખાસ્સી હંફાવેલી. આ કથા ખાસ્સી પ્રભાવક અને રસપ્રદ છે. “ધરતીની વાત “ , અંતના પ્રકરણમાં કથા પ્રવાહમાં જે સંવાદ છે તે મને નોંધવા જેવો લાગ્યો.:
ઑ મહારાજ, અરઝણ કહે, ‘ ભાઈ કળઝુગ, તમે ભલે આયા આ ધરતી પર . આ તમારા ખભે કુણ હે? તમારા પાંગે કુણ બાંધ્યું હે ?’
કળઝુગ કહે,’ ખભે મારી ઘરવાળી હે ને પાંગે મારી મા હે .’
‘ એમ કે?’ અરઝણ કહે.
‘ કેમ બૈરી ખભે ને મા પાંગે બાંદી હે?’
‘ માડીની વેળાઓ પૂરી થઈ ને ઘરવાળીનો વખત આયો હે.’
આ સાંભળીને ભેગું થયેલું માણસ બધું ખખડીને હસ્યું.
‘ બૈરીનું ધાંન તો રાખવું પડે કે ?’
અરઝણ કહે, માંન્યામાં નીં આવતું, અમેં હું થહે?’
‘બીજું હું થાય કળજુગમાં? ખમ્મા.’
કાનજીની આ કથા અમુક પાસાને હાથ લગાડે છે, હજી કેટલીક બાબતો રહી ગઈ હોય એવું મને લાગે છે. એ પાસા પર પણ ધ્યાન દોરાય તો સારું.લઘુનવલ છે બધું તો ન જ સમાવી શકે તે સમજી શકાય છે. વળી એમણે એમના બીજાં પુસ્તકોમાં એ પાસાને ધ્યાનમાં લીધાં જ છે. એમણે ભીલ પ્રજાને ધ્યાનમાં રાખી છે એટલે કથા એ સમુદાયની આસપાસ રમે છે. મને અહીં એક વાત લખવાનું મન થાય છે કે આપણે ત્યાં હમેશાં માળખાગત શોષણની વાત થાય છે. થવી પણ જોઈએ . ક્યાંક એમાંથી સંવેદનાનું વહેણ અલગ રીતે પણ પ્રગટે. મારો પિતૃ પરિવાર ઈમારતી લાકડાનો વેપારી. મારા પિતા- કાકા દિવસોના દિવસો કે મહિનાઓ જંગલમાં રહે અને દિવાળી પછી ઉઘરાણી માટે શહેરોમાં ભ્રમણ કરે. તે રીતે મારા શ્વસુરપક્ષે ઘાસનો ધંધો. બન્ને પરિવાર ખેતીવાડીમાં પણ ખરા. જોકે હવે એ વ્યવસાયમાં નથી . અમારા પિતા અમને સતત ટોકતા કે તમને જે સગવડ મળે છે તેની પછીતે જંગલમાં રહેતા આદિવાસીઓનો કેટલો ફાળો છે! વળી અમને સતત સાંભળવું પડતું કે તમારી તો બધી “માતેલાની મસ્તી “ છે! તે રીતે મારો શ્વસુરપક્ષ ઘાસિયા ખેડ સત્યાગ્રહની પૂરી ચળવળમાં આદિવાસી તરફે હિસ્સેદાર રહેલો ત્યારે પારડી ખેડ સત્યાગ્રહ અને નવનિર્માણ આંદોલનમાં અમે પણ જે વેઠેલું તે વેઠેલું જ છે! ઈતિહાસમાં જ નોંધ લેવાવાની હોય તો આવા ઉદાહરણોની આછીપાંખી નોંધ પણ લેવાવી જોઈએ. ઠાકોરભાઈ નાયકની’ રવિયા દૂબળાના રખેવાળ’ જેવી કથાઓ પણ છે. સામાજિક સંબંધના આ આંતરપ્રવાહમાં પણ ડોકિયું કરવું જરૂરી છે. મિશ્રલોહીનો એક મુદ્દો ઉપસી આવવાની તો પૂરેપૂરી શક્યતા છે.
આ વાત પર મેં ધ્યાન ભલે દોર્યું પરંતુ જે સત્ય છે અને જે નિસબતથી કાનજીએ લખ્યું છે તે મને તો વેધકતાથી સ્પર્શ્યું છે. કાનજીની સંવેદના પણ સોંસરી ઉતરી છે. કોશિયો સમજે અને અનેકતામાં એકતાની સાથે પૂરા ભારતીય સમાજનું સત્યદર્શન થતું રહે એ આશા સાથે ‘ભીલની ભોંય’ને આવકારવી જરૂરી છે. પુસ્તકનું મુખપૃષ્ઠ, રેખાંકનો માટે કાનજી, સફાઈદાર મુદ્રણ- પ્રકાશન માટે મુદ્રક- પ્રકાશક આણંદ પ્રેસ અને જોય બર્ક ફાઉન્ડેશન પર ખુશ થઈ જવાય. પ્રૂફ રીડર વજેસિંહ પારગી, ટાઈપિંગ માટે મોનાર્ક સોની, ટાઈપ સેટ અને ડિઝાઈન માટે ગોપાલ લીમ્બડનું પ્રદાન બધું જ અવ્વલ. ડો. રૂપાલી બર્કને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા પડે.
– બકુલા ઘાસવાલા(વલસાડ)
પ્રકાશક: જોય બર્ક ફાઉન્ડેશન
૧૦૫; આકૃતિ હાઈટ્સ,
આંગન બેન્ક્વેટ હોલની સામે,
સેટેલાઈટ, અમદાવાદ:૩૮૦૦૧૫
મૂલ્ય: ૨૨૦/-