કોરોના મારગ ચીંધે છે…

પ્રતિકાત્મક ચિત્ર

કોરોનાનો ફેલાવો વધ્યો અને જાણે સમગ્ર વિશ્વ ધીમું પડી ગયું અથવા કંઈક કેટલુંય જાણે થંભી ગયું. કોરોનાને કારણે લોકો ઘરની બહાર નીકળતા નથી, પોતાના ઘરમાં પુરાયેલા છે. લોકોની ગાડીઓ પાર્કિંગમાં છે, વાહનો ચાલતા નથી એટલે રસ્તાઓ પણ સુમસાન બન્યાં છે. વિમાનો મથકમાં હેન્ગરોમાં પડ્યા છે અને ઘણી ફેક્ટરીઓ પોતાના ધુમાડા ઓકતી બંધ થઈ ગઈ છે. જાણે કે શહેરોની ગતિ અથવા કહીએ કે જીવનની ગતિ ધીમી પડી ગઈ છે.

મનુષ્ય માટે ઘણી રીતે ઘાતક આ પરિસ્થિતિમાં માનવતા સામે ચોક્કસ પડકારો સર્જાયા છે. પરંતુ આ બધા વચ્ચે પણ ધરતીના બીજા જીવો પોતાની ઈચ્છાઓ પૂરી કરી રહ્યા છે, મુક્ત હરી-ફરી રહ્યાં છે. પ્રકૃતિ અને પર્યાવરણ જાણે ફરી શ્વાસ ન લઇ રહ્યું હોય તેવી ઘટનાઓ બની રહી છે.

 • બીજા વિશ્વયુદ્ધ બાદ પ્રથમ વખત હવા આટલી શુદ્ધ થઇ રહી છે. આ પહેલાં ૨૦૦૮માં મહા મંદી સમયે હવાની ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો હતો. અત્યારની હવા છેલ્લાં ૭૫ વર્ષમાંની સૌથી વધુ શુદ્ધ હવા છે.
 • દુનિયાભરના શહેરોમાં ૩૦ટકા કે તેથી વધુ ટ્રાફિકમાં ઘટાડો નોંધાયો છે. જેના પરિણામ સ્વરૂપ શહેરોની હવા ૫%થી લઈને ૩૦% જેટલી શુદ્ધ બની છે.
 • દુનિયાભરના શહેરોમાં હવામાંથી હાનિકારક વાયુઓનું પ્રમાણ ઘટતાં આકાશ ચોખ્ખું દેખાવા લાગ્યું છે. રાત્રે નરી આંખે દેખાતા તારાઓની સંખ્યામાં વધારો થયો છે.
 • દિલ્હીમાં ગત વર્ષના માર્ચ મહિનામાં હવાની ગુણવત્તાનો આંક ૧૫૬ હતો તે આ વર્ષે ઘટીને ૭૭ રહ્યો છે.
 • ભારતમાં, લોકડાઉનને કારણે ગંગા નદીના પાણીની ગુણવત્તામાં સુધારો થવા લાગ્યો. આઈઆઈટી બનારસના કેમિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર ડો.પી.કે. મિશ્રાના જણાવ્યા અનુસાર ગંગાના પાણીમાં ૪૦-૫૦ ટકાનો સુધારો થયો છે.
 • વન્યપ્રાણી શહેરમાં ફરતા હોય તેવા કિસ્સાઓ ભારત સહિત અન્ય કેટલાક દેશોમાં બની રહ્યાં છે. ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં હાથી ફરતો જોવા મળ્યો હતો. રાજ્યના શહેરી વિસ્તારોમાં વાઘ અને હરણ ફરતાં હોય તેવા સમાચાર મળી રહ્યાં છે.
 • ભારત અને નેપાળના ઘણા શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો થયો છે. દિલ્હી અને કાઠમંડુ જેવા મહાનગરોમાં લાંબા સમય પછી આવી શુદ્ધ હવા જોવા મળી છે. ભારતના જલંધર શહેરમાંથી હિમાલયની પર્વતમાળા વર્ષો પછી નરી આંખે જોઈ શકાય છે.
 • હજી વધુ કેટલાક દિવસ આવી જ પરિસ્થિતિ ચાલશે તો જર્મની પોતાના ૨૦૨૦ના પ્રદુષણ ઘટાડવાનું પોતાનું લક્ષ્ય સિદ્ધ  કરી લેશે.
 • ઇટાલીના પ્રખ્યાત શહેર વેનિસમાં સામાન્ય દિવસોમાં લાખો પ્રવાસીઓ મુલાકાત લે છે. શહેરની સુંદરતાની સાથે, ગંદા પાણી અને ક્રુઝ વહાણોનું પ્રદૂષણ વેનિસની જાણે ઓળખ બની ગયું હતું. પરંતુ લોકડાઉનને કારણે વેનિસની નહેરોમાં પાણી સ્વચ્છ થયું છે. એટલું ચોખ્ખું કે નહેરનું તળિયું સ્પષ્ટ રીતે જોઈ શકાય અને તેમાં તરતી માછલીઓ પણ.
 • બ્રિટેનના દરિયાકાંઠાના લૈંદદનોમાં પહાડી બકરીઓ કેટલીકવાર પસાર થતી જોવા મળે છે. પરંતુ હમણાના દિવસોમાં બકરીઓ ડર વિના ગલીઓમાં ફરતી જોવા મળે છે.
 • થાઇલેન્ડના લોપબૂરીમાં, આ દિવસોમાં વાંદરોઓ તોફાન કરી રહ્યાં છે. સ્થાનિક મીડિયા અનુસાર, આજ કાલ પ્રવાસીઓ આવતા નથી, તેથી વાંદરાઓને પૂરતો ખોરાક મળતો નથી. આથી વાંદરાઓનાં ટોળાં ખોરાક માટે એકબીજા સાથે સતત ઝઘડતાં હોય છે.

હજી યાદી લાંબી થઇ શકે….પરંતુ આ ટૂંકા ગાળાની રાહતો છે. જરા રાહત દેખાશે કે ઉદ્યોગો ધમધમતાં થઇ જશે. શહેરોના રસ્તા વાહનોના ઘોંઘાટ સાથે ઉભરાઈ જશે. આપણે પણ પોતાનું જીવન પહેલાની જેમજ ગોઠવવામાં લાગી જઈશું. અથવા વધુ ઉપભોગ પાછળની દોટ-સ્પર્ધામાં પડીશું.

જેમ માણસે પોતાના અને કુદરતના સંબંધ વિશે વિચારવાનું છે તેજ રીતે માણસ-માણસ વચ્ચેના સંબંધો અંગે પણ વિચારવું રહ્યું. કોરોના કટોકટીના આ સમયમાં ડોક્ટરો, આરોગ્ય કર્મચારીઓ અને પોલિસની ભૂમિકા અને જવાબદારી અત્યંત મહત્વની છે. તેમના વિશે ઘણું કહેવાયું પણ છે.

પરંતુ તે સાથે લગભગ ૧૩૫ કરોડની વસ્તીવાળા ભારતમાં, કે જ્યાં માનવ સંસાધનોની છત છે. આપણા માટે પાયાના કામ કરતા વ્યક્તિની મહેનતનું મૂલ્ય નજીવું છે અથવા નથી. ઘણી વખત તો જાણે આપણે મન તે વ્યક્તિનું જ કશું મૂલ્ય નથી હોતું. મહેનત કરનારને સમાજમાં પૂરતું મહત્વ પણ આપવામાં આવતું નથી. આપણી આસપાસ કેટકેટલાં વ્યક્તિઓ નાના-નાનાં અને કેટલીક વખત કહેવાતા ‘હલકાં’ કામો પણ કરે છે. જેથી આપણું જીવન સુખરૂપ ચાલે.

પછી ભલે તે ઘરના કામમાં મદદરૂપ થતી વ્યક્તિઓ હોય ખાસ કરીને મહિલાઓ, કચરો ઉપાડતો કે સફાઈ કરતો કર્મચારી હોય, ડિલીવરી બોય, કે  જે ઘરે ચીજ-વસ્તુઓ પહોંચાડે છે. આપણને જે સાધનોનો ઉપયોગ કરવાની ટેવ પડી ગઈ છે તે ચીજ-વસ્તુઓ કે સાધનો બગડે તેને બનાવનારા, રીપેર કરી આપનારા કારીગરો હોય. કઈ કેટલી જરૂરિયાતો પૂરી કરતાં લારી-ગલ્લાંવાળાઓ કે નાના દુકાનદારો હોય. અતિ મહત્વનું આપણા ખોરાકનું ઉત્પાદન કરતો ખેડૂત. કે આપણા પરિવારની સ્ત્રીઓ હોય. આ બધાના પાયાના, અતિ મહત્વના કામોને એટલાં તો સહજ માની લીધાં છે કે જાણે આપણે તેને અવગણતા ન હોઈએ?! વળી તેમની સામે રૂપિયાનું જોર બતાવવાનું આપણે ચૂકતાં નથી.

પરંતુ કોરોના કટોકટીના આ સમયમાં, ઘણાં લોકો (દરેક નહીં) તેમનું મહત્વ સમજવા લાગ્યા છે. જાતે કામ કરીને કામનું મહત્વ તો સમજાયું જ છે, સાથે નિયમિત રીતે(મજબુરીમાં તો નહી!) તે કરવું કેટલું અઘરું છે તે સમજાઈ રહ્યું છે. આપણામાંના ઘણા લોકોએ આપણું જીવન સરળ બનાવતાં આ વ્યક્તિઓ અંગે ભૂતકાળમાં વિચાર્યું હશે કે? કોરોનાના જોખમ વચ્ચે પણ એવી કોઈ વ્યક્તિ હશે કે જે સવાર-સાંજ પાણીનો પુરવઠો પહોંચે તે નિશ્ચિત કરતી હશે, કઈ કેટલા વ્યક્તિઓ શાકભાજી-ફળ ઘર સુધી પહોંચાડે છે. કચરો લેવા કર્મચારી નિયમિત આવે છે. જો તે આ કરવાનું બંધ કરશે તો શું થશે?

આપણે માત્ર સ્વાર્થવૃતિ છોડીને પરસ્પરના સંબંધ અને જરૂરિયાત અંગે વિચારવું રહ્યું. વસ્તુ કે સેવાનું માત્ર નાણાંકીય કિંમત ન આંકીને તેનું જીવન મૂલ્ય સમજીને આગળ વધવાની જરૂર નથી લગતી ? સ્વસ્થ પર્યાવરણ અને સ્વસ્થ સમાજમાં આપણે સૌને જીવવું છે. પરંતુ આ અંગે બદલાવ આપણાથી શરૂ થશે. કોરોનાથી આપણી મર્યાદાઓ અને આપણી સામેના પડકારોસામે આવ્યાં છે. સમય મળ્યો છે વિચાર અને મંથન કરવાનો. બીજો કોઈ કોરોના આવે તે પહેલાં આપણે વધુ સારું પર્યાવરણ અને વધુ સારો સમાજ બનાવવાની દિશામાં નાના પણ ડગ માંડીશું? આપણી જીવનશૌલીમાં પરિવર્તન લાવી શકીશું કે નહી?                          – પાર્થ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s