
સામાન્ય રીતે કોઈ પણ ઘટનાને કારણે આર્થિક, સામાજિક, રાજકીય અને પર્યાવરણીય અસરો ઊભી થતી હોય છે. કોરોના વાયરસ અને તેના કારણે થયેલા લોકડાઉનમાં લગભગ તમામ દેશોમાં આર્થિક પ્રવૃત્તિઓમાં મોટા પાયે ઘટાડો થયો છે. માત્ર જીવન જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન અને વહેંચણી ચાલુ છે. ભારત પણ તેમાં અપવાદ નથી. જ્યારે આર્થિક પ્રવૃત્તિઓ બંધ થાય ત્યારે સ્વાભાવિક રીતે તેની અસર દેશના અર્થતંત્ર પર પડે છે. તે ઉપરાંત, તમામ દેશો આંતરરાષ્ટ્રીય વેપારના કારણે એકબીજા સાથે સંકળાયેલા છે તેથી એક દેશમાં આવેલી મંદી બીજા દેશના આર્થિક વૃદ્ધિ દરને નોંધપાત્ર રીતે અસર પહોંચાડે છે. અર્થશાસ્ત્રમાં કાયમ વિનિમય (trade off)ની વાત કરવામાં આવે છે. કોરોના વાયરસના ફેલાવાના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન કરવામાં આવ્યું છે તેમાં પણ આ બાબત લાગુ પડે છે. ઘણાં અર્થશાસ્ત્રીઓ અને બિન સરકારી સંસ્થાઓમાં કામ કરતા નિષ્ણાતો જણાવે છે કે જો રાજ્ય દ્વારા યોગ્ય નાણાકીય મદદ જરૂરિયાતમંદ લોકો સુધી નહીં પહોંચે તો કોરોના કરતા વધારે મૃત્યુ ભૂખમરાને કારણે થશે કેમ કે લોકો પાસે લોકડાઉન દરમ્યાન આવક નથી અને બચતો વપરાઇ રહી છે. ગુજરાતનાં સુરત શહેરમાં બનેલી ઘટના પણ દર્શાવે છે કે જો લોકો સુધી નાણાકીય સહાય નહીં પહોંચે તો દેશમાં અંધાધૂંધી ફેલાઈ શકે છે.
શા માટે પ્રતિકૂળ આર્થિક અસર ઊભી થશે?
ભારતીય અર્થતંત્ર આમ પણ છેલ્લાં 2 વર્ષથી મંદ ગતિએ આગળ વધી રહ્યું હતું અને હવે લોકડાઉનના કારણે તેની ઉપર વધારે પ્રતિકૂળ અસર ઊભી થશે જ. અર્થતંત્રમાં તેને પરિણામે મંદી આવશે અથવા તો દેશની કુલ આવક ઘટશે તે નિશ્ચિત છે. સામાન્ય રીતે કોઈ પણ અર્થતંત્રમાં મંદી આવવાનાં બે કારણો હોઈ શકે છે. પહેલું કારણ છે બજારની કુલ માંગ ઉપર નકારાત્મક અસર અને બીજું કારણ છે બજારના વસ્તુઓ અને સેવાઓના પુરવઠા ઉપરની નકારાત્મક અસર.
વર્તમાન સમયમાં કારખાનાં, લારી-ગલ્લા, બાંધકામ, હોટલો, થિયેટર્સ, મોલ્સ વગેરે જેવી આર્થિક ઉત્પાદનની અને સેવાઓની પ્રવૃત્તિઓ બંધ છે. તેથી પ્રથમ તબક્કામાં વસ્તુઓ અને સેવાઓના પુરવઠા ઉપર નકારાત્મક અસર ઊભી થશે. પુરવઠા ઉપર નકારાત્મક અસર ઊભી થવાને કારણે ઉત્પાદન ઓછું થશે અને દેશની આવક એટલે કે જી.ડી.પી. ઘટશે. ઉત્પાદન ઘટવાને કારણે આ ક્ષેત્રોમાં કામ કરતા લોકોની આવક ઘટશે અને કદાચ કેટલાક લોકોને કામમાંથી છૂટા પણ કરવામાં આવશે. તેથી બીજા તબક્કામાં તેની માંગ ઉપર નકારાત્મક અસર ઊભી થશે.
લોકડાઉન ખૂલ્યા બાદ થોડા સમય સુધી દેશનાં બજારોમાં વસ્તુઓ અને સેવાઓનાં માંગ અને પુરવઠા વચ્ચે મોટો તફાવત ઊભો થવાની સંભાવના છે કે જેથી ફૂગાવો થશે, એટલે કે વસ્તુના ભાવમાં વધારો થશે. લોકડાઉન ખૂલ્યા બાદ તરત જ તમામ વસ્તુઓ અને સેવાઓની માંગ નહીં વધે કારણ કે આરોગ્યની ચિંતાને કારણે સાવચેતીના હેતુ માટે લોકો બચતો વધારશે અને અમુક સેવાઓ કે જ્યાં ભીડ હોય છે જેમ કે હોટેલ, ખાણીપીણીનાં બજારો, થિયેટર, પર્યટનનાં સ્થળો વગેરે જગ્યાઓએ જતાં લોકો ડરશે અને આથી તેના ઉત્પાદનમાં કે તેમાં કામ કરતા લોકોની આવકમાં તરત જ વધારો થવો શક્ય લાગતો નથી.
ભારતના આંતરરાષ્ટ્રીય વેપારમાં ચીન અને અમેરિકા બંને મહત્ત્વનો હિસ્સો ધરાવે છે. હાલમાં બંને દેશોમાં આર્થિક પ્રવૃતિઓ લગભગ બંધ છે. દેશની કુલ આયાતમાં ચીનનો ફાળો 14.63% છે જ્યારે નિકાસમાં તેનો ફાળો 5.08% છે. ચીનમાં લોકડાઉન હોવાને કારણે તેની પ્રતિકૂળ અસર ભારતના ઉદ્યોગો ઉપર પડી છે અને સમય જતાં વધુ અસર પડશે. ચીનમાં ઉદ્યોગ ક્ષેત્રનો વૃદ્ધિ દર ઘટવાને કારણે તેની અસરો જે 15 દેશો ઉપર સૌથી વધુ પડશે તે યાદીમાં ભારત પણ છે. એક અંદાજ મુજબ ચીનમાં થયેલા લોકડાઉનના કારણે તેનું ઉત્પાદન 2% આસપાસ ઘટશે. આથી તેની પ્રતિકૂળ અસરો બીજા દેશો ઉપર પણ જોવા મળશે.
આમ, વિદેશ વેપાર ઓછો થવાને કારણે તેની પ્રતિકૂળ અસર દેશની કુલ આવક અને રોજગારી પર જોવા મળશે. World Economic Forumના અંદાજ પ્રમાણે આંતરરાષ્ટ્રીય વેપાર બંધ અથવા તો ઓછો થવાને કારણે ભારતને 34.8 કરોડ ડોલરનું નુકસાન થશે. તેમાં કોઈ જ બેમત નથી કે લોકડાઉનના કારણે પ્રતિકૂળ સામાજિક અસરો પણ ઊભી થશે જેમ કે ઘરેલૂ હિંસા, બાળ શોષણ વગેરેના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થયો છે અને તેને નાણામાં માપવા અશક્ય છે. બીજી તરફ એવી પણ એક દલીલ છે કે વિશ્વમાં પ્રદૂષણ ઓછું થઈ રહ્યું છે અથવા તો પર્યાવરણમાં સુધારો થઈ રહ્યો છે. આપણે એ બાબત સ્પષ્ટપણે સમજી લેવી જોઈએ એ કે આ માત્ર લોકડાઉન પૂરતું સીમિત છે.
લોકડાઉન અને જી.ડી.પી.
જી.ડી.પી. એટલે દેશની અંદર રહેતાં લોકો દ્વારા જે ઉત્પાદન થાય છે તેનું નાણાકીય મૂલ્ય. સામાન્ય રીતે જીડીપી એ દેશની આર્થિક પરિસ્થિતિનું ચિત્ર રજૂ કરે છે. વિશ્વ બેંક દ્વારા કરવામાં આવેલા અંદાજ મુજબ સમગ્ર વિશ્વની આવકમાં 2% નો ઘટાડો, વિકાસશીલ દેશોની જીડીપીમાં 2.5% નો ઘટાડો અને વિકસિત દેશોની જીડીપીમાં 1.8% જેટલો ઘટાડો નોંધાશે.
લોકડાઉન ખૂલ્યા બાદ તરત જ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન પણ વધશે નહીં કારણ કે બજારમાં હજુ પણ જૂનું ઉત્પાદન હાજર છે. અર્થતંત્ર રાબેતા મુજબ ચાલુ થશે એટલે સૌ પ્રથમ જે ઉત્પાદન થઈ ચૂક્યું છે તે બજારમાં આવશે અને તેના થોડા સમય બાદ નવું ઉત્પાદન શરૂ થશે. જો મે મહિના સુધીમાં આર્થિક પરિસ્થિતિ થાળે પડી જાય તો 2020-21ના એપ્રિલ-જુનના ત્રણ માસ દરમ્યાન જીડીપીનો વૃદ્ધિ દર લગભગ એક ટકાની આસપાસ રહેવાનો અંદાજ છે અને ત્યાર બાદ ઉત્પાદનની પ્રવૃત્તિઓ તેમની કાર્યક્ષમતા મુજબ ચાલુ થાય તેવી સંભાવના લાગે છે. જો એમ થાય તો જુલાઈ-સપ્ટેમ્બરના ત્રણ માસ દરમ્યાન જીડીપીનો વૃદ્ધિ દર 3.5%ની આસપાસ રહેવાનો અંદાજ છે.
‘સંયુક્ત રાષ્ટ્રો’ના એક અહેવાલ મુજબ 2020-21માં ભારતનો જીડીપીનો વૃદ્ધિ દર 4.8% રહેવાનો અંદાજ છે. રેટિંગ એજન્સી મૂડીઝ મુજબ લોકડઉન પહેલાં જીડીપીનો વૃદ્ધિ દર ચાલુ વર્ષે 5.3% રહેવાનો અંદાજ હતો અને હવે તે 2.5% અંદાજવામાં આવ્યો છે. જ્યારે ક્રિસિલ દ્વારા જીડીપીનો વૃદ્ધિ દર 5.2% અંદાજવામાં આવ્યો છે. આ બાબત સ્પષ્ટપણે એમ દર્શાવે છે કે ચાલુ વર્ષે દેશની આવકના વૃદ્ધિ દરમાં ચોક્કસપણે મોટો ઘટાડો થશે.
લોકડાઉન અને રોજગારી
કોરોના મહામારીની આવક ઉપર જેમ વિપરીત અસર થશે તેમ રોજગારી ઉપર પણ ખૂબ જ ગંભીર અસરો પડશે. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રોમાં દૈનિક પગાર ઉપર કામ કરતા લોકોનું પ્રમાણ ખૂબ વધારે છે. તદુપરાંત, તેમની પાસે કોઈ લેખિત કરારો હોતા નથી. સરકારના સામયિક શ્રમ દળ અહેવાલ (PLFS) 2017-18 મુજબ દેશમાં ગ્રામીણ વિસ્તારોમાં 25% અને શહેરી વિસ્તારમાં 11.8% લોકો છૂટક કામ કરનારા છે એટલે કે તેમની પાસે કોઈ નિશ્ચિત કે કાયમી કામ નથી.
જે લોકો બિન-ખેતી ક્ષેત્રમાં નિયમિત પગાર ઉપર કામ કરે છે તેમાંથી 71.1% લોકો પાસે કોઈ પણ લેખિત કરાર નથી, જ્યારે 49.9% લોકો સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી સામાજિક સલામતીનો લાભ લેવા માટે પાત્ર નથી. દેશમાં આશરે 14 કરોડ લોકો એવા છે કે જેમની પાસે કોઈ પણ લેખિત કરારો નથી. લોકડાઉનના કારણે તેમણે તેમની રોજગારી ટૂંકા ગાળા માટે ગુમાવવી પડે તેવી સંભાવના છે અથવા તો તેમણે આખો કે તેથી ઓછો પગાર ગુમાવવો પડશે. જો સરકાર યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે તેમને નાણાકીય મદદ નહિ કરે તો બેરોજગારી ખૂબ જ વધી જશે.
CIIના અંદાજ મુજબ કોરોના મહામારીને કારણે માત્ર ઉદ્યોગ ક્ષેત્રમાં 2 કરોડ લોકોની રોજગારી છીનવાઈ જશે. અહીં પ્રશ્ન માત્ર નોકરી છીનવાશે તેટલા પૂરતો સીમિત નહિ રહે. રોજગારી ન છીનવાય તે તો મહત્ત્વનું છે જ પરંતુ સાથે સાથે બજારમાં નવી રોજગારીનું સર્જન થાય તે પણ તેટલું જ આવશ્યક છે કેમ કે દર વર્ષે દેશના શ્રમ દળમાં નવા યુવાનો ઉમેરાતા જાય છે. લોકડાઉન બાદ તરત જ નવી રોજગારીનું સર્જન થાય તે શક્ય નથી પરંતુ વર્તમાન રોજગારીનો દર જળવાઈ રહે તેવી પણ કોઈ શક્યતા દેખાતી નથી એટલે કે દેશમાં ટૂંકા ગાળામાં બેકારીનું પ્રમાણ વધશે અને તેની પણ પ્રતિકૂળ અસર જીડીપી ઉપર પડશે.
આમ, કોરોના મહામારીના કિસ્સામાં બે બાબતો સ્પષ્ટ થાય છે. પહેલી એ કે દેશની આવક ઘટશે એટલે કે મંદી આવશે અને બીજું બેકારી વધશે. પરંતુ આ અસર સમયના ટૂંકા ગાળા માટે જ રહેશે એમ લાગે છે. જેમ જેમ અર્થતંત્ર પાટે ચડતું જશે તેમ તેમ બજારમાં રોજગારી વધશે અને આવક પણ વધશે પરંતુ તેનો ચોક્કસ સમય કહેવો અત્યારે ખરેખર જ કઠિન છે. અહીં એ બાબત સમજવી ખૂબ જ મહત્વની છે કે વર્તમાન સ્થિતિમાં આર્થિક વૃદ્ધિ કરતા લોકોનું જીવન વધુ અગત્યનું છે.
પ્રા. આત્મન શાહ
અધ્યાપક,અર્થશાસ્ત્ર વિભાગ
સેંટ ઝેવિયર્સ કોલેજ, અમદાવાદatman.shah@sxca.edu.in