કોરોના : વ્યાપક દ્રષ્ટિએ વિચાર કરવાના પડઘમ

આમ તો એ થવાનું જ હતું, અને થયું. આપણે પણ સમુદાયમાં ફેલાવો – community spreadની સ્થિતિમાં પહોંચી ગયા. આટલી મોટી વસ્તી ધરાવતા ભારત જેવા દેશમાં એ અવશ્યંભાવી જ હતું. કરોડો લોકો ભોજન, આશરો અને સુરક્ષા વિના લોક ડાઉન થયા. તંત્ર અને પોલીસની નિષ્કાળજી, બેજવાબદારી અને બેરહેમીના દાખલાઓ રોજ સમાચારપત્ર તેમજ ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં બયાં થાય છે. આજે તો હવે પ્રશ્ન એ છે કે દેશમાં કોરોનાથી વધુ લોકો મરશે કે ભૂખમરાથી ? ખાવાનું ન મળતાં આત્મહત્યા અને ઘરે પહોંચવા માટે ભૂખ્યાં-તરસ્યા ચાલતા જવાને કારણે મૃત્યુના આંકડા-કિસ્સા પણ નોંધાઈ રહ્યા છે.

આવી પરિસ્થિતિમાં એ વિચાર જરૂર આવે કે લોક ડાઉન (to break the chain) ચેપનો ફેલાવો રોકવા માટે સાંકળ તોડવી જરૂરી હોય તો પણ તેને કઈ હદ સુધી લઈ જવાય? આવું જડબેસલાક લોક ડાઉન શું જરૂરી હતું ? કે પછી રાજ્યને (સ્ટેટને/ સરકારને) બીજું કંઈ કરવું ન પડે એટલા માટે બધાને ઘરમાં પૂરી દીધા? ચાલો લોકોએ એ પણ સ્વીકારી લીધું. સરકારમાં વિશ્વાસ રાખ્યો. પરંતુ હકીકત શું છે ? લોકો તો ૨૧ દિવસ (અને આ લખાય છે ત્યારે જાહેર થઈ રહ્યું છે કે બીજા બે અઠવાડિયા માટે લંબાઈ ગયું છે) પૂરાઈને રહ્યા. પરંતુ એ સમય દરમિયાન સરકારે શી શી અને કેટલી તૈયારીઓ કરી ? ભારત જેવા 135 કરોડની વસ્તી ધરાવતા દેશ માટે કેટલા ઈમરજન્સી હોસ્પિટલ બેડની વ્યવસ્થા થઈ? સમાચાર માધ્યમો સતત એ વાત કરે છે કે ડોક્ટરો પાસે પૂરતા દવા-સાધનોનો અભાવ છે, અરે માસ્ક જેવી સાદી વસ્તુને માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમની પોતાની સલામતીનો સવાલ છે. ડોક્ટર, નર્સોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે અને તેમના મૃત્યુ પણ થઈ રહ્યાં છે. યુદ્ધમાં જે મહત્તા સેનાપતિ કે સૈનિકની હોય તે સ્થાન આજે આ રોગ સામે લડવા માટે ડોકટરો તેમજ આરોગ્યકર્મીઓનું છે. તેમની કાળજી લેવાની ક્ષમતા પર આપણે ધરાવતા નથી ? કે પછી આપણે (એટલે કે રાજ્ય-શાસન) એટલું રિઢું-ઉદાસીન છે? સમજાતું નથી.

હા, ભારત ગરીબ દેશ છે, દક્ષિણ કોરિયા કે જર્મનીની જેમાં આપણે મોટા પ્રમાણમાં covid-19 ટેસ્ટ ન કરાવી શકીએ. પણ જેટલા કરી શકીએ તેમ છીએ એટલા પણ કરવાનું માળખું ગોઠવાયું ખરું ? જો નહીં તો કેમ ?  અહીં દક્ષિણ કોરિયાનો કેસ ટૂંકમાં સમજી લેવા જેવો છે કારણ કે તેણે જે રીતે મહામારીની સાથે કામ લીધું છે અને આ રોગની ફેલાવાની ગતિને ધીમી પાડી છે તે ચોક્કસ સરાહનીય છે. દક્ષિણ કોરિયા એક પ્રજાસત્તાક દેશ છે. કીમ-વુ-જો, જે ચેપી રોગના નિષ્ણાત છે તેમનું કહેવું છે કે, ‘લોક ડાઉન કરવું એ અમને વ્યાજબી નહીં લાગ્યું. પરંતુ અમે કુશળ અને સુનિયોજિત ટેસ્ટિંગનો કાર્યક્રમ અમલમાં મૂક્યો.’ દક્ષિણ કોરિયાએ વાયરસનો ટેસ્ટ કરવા માટેની કિટ બનાવનારી કંપનીઓની તાત્કાલિક મીટિંગ બોલાવીને કહ્યું કે એક અઠવાડિયામાં હજારોની સંખ્યામાં કોરોનાનો ટેસ્ટ કરવાની કિટ બનાવો. યુદ્ધના ધોરણે આ કામ કરો. આજે હવે દક્ષિણ કોરિયા રોજની એક લાખ કિટ બનાવે છે. અને આ બધું કોરિયાએ ત્યારે જ કરી લીધું જ્યારે હજુ આ રોગ તેમના દેશમાં ફેલાયો ન હતો. આને કહેવાય આયોજન, તૈયારી, બાહોશી, દૂરંદેશી! ખેર આજ સુધીમાં (11 એપ્રિલ સુધીમાં) તેણે 3,50,000 લોકોના ટેસ્ટ કરી લીધા છે – એટલે વસ્તીના 7 ટકા, દર 142 વ્યક્તિએ એક ટેસ્ટ દક્ષિણ કોરિયા કરી ચૂક્યું છે!

ભારતને પણ પૂરતો સમય મળ્યો હતો. ૩૦મી જાન્યુઆરીએ ભારતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. આપણે પણ સારું આયોજન કરી શક્યા હોત જો આપણે એક મહિના સુધી ટ્રમ્પને આવકારવાની તૈયારીઓ કે બીજી રાજરમતમાં રચ્યાપચ્યા ન હોત. આપણે ત્યાં પણ અનેક સારી ફાર્મા કંપનીઓ તેમજ મેડિસિનના નિષ્ણાતો છે તેમને કોરોના સામે લડવા જરૂરી તૈયારીઓ કરવાની તાકીદ કરી શક્યા હોત. પરંતુ આપણે તો માસ્ક નિર્યાત કર્યા અને એટલું જ ઓછું હતું તેમ અમેરિકાની ધમકીને વશ થઈને hydroxy chloroquine તેને આપવા પણ તૈયાર થઈ ગયા. શું માત્ર નારાઓ, સૂત્રો, બેનરો અને ફોનની  રિંગટોનથી આપણે કોરોના સામે લડવાના છીએ ? શા માટે બાહોશીથી રાત-દિવસ એક કરીને કામ કરતા નેતાઓ નજરે નથી ચડતાં ? કે એવા દાખલા સામે નથી આવતા ? આપણા એક નેતા રામાયણ જુએ છે અને બીજા લુડો રમે છે અને ત્રીજા થાળી વગાડે છે- કોરોના ભગાડવામાં આ છે કેન્દ્રીય મંત્રીઓનો અભૂતપૂર્વ ફાળો.

નોઆખલી સળગ્યું ત્યારે ગાંધી પોતે ત્યાં પહોંચ્યા હતા. ત્યારે તેમની ઉંમર ૭૮ વર્ષની હતી. સુરતના પ્લેગ વખતે કમિશનર શ્રીરાવ હોય કે ઓરિસ્સાના વાવાઝોડા વખતે તત્કાલિન મુખ્યમંત્રી નવીન પટનાયકની ભૂમિકા – વિશેષ પરિસ્થિતિ ઉભી થાય ત્યારે દેશના મોભી તરીકે દેશના વડાનો એક વિશેષ રોલ હોય છે. જે માત્ર થોડા થોડાં દિવસે રાત્રે 8 વાગે ભાષણ આપી દેવાથી પૂરો થતો નથી. તેના માટે જાત ઘસવી પડે છે, બલિદાન આપવું પડે છે- દેશવાસીઓના બલિદાન માંગવા કે લેવાના નથી હોતા. ગાંધીજીએ કહેલું આંસુ લૂછવા જાઉં છું… એવું ચરિત્ર, એવા મોભી ક્યાંથી લાવવા ? ખેર !

જે રીતે અચાનક લોકડાઉન જાહેર થયું તેને કારણે લાખો લોકો-સ્થળાંતર કરનારા મજૂરો રસ્તા પર રખડી ગયા. કેટલાક કામના સ્થળે રોકાયા. એક અભ્યાસ પ્રમાણે ૪૦ ટકા મજૂરો પોતાના ઘરે પાછા જઈ શક્યા નથી. કેટલાક રસ્તામાં ફસાઈ ગયા. ચાર લાખ જેવા મજૂર શેલ્ટર હોમમાં છે. તો કેટલાક રઝળતાં, રખડતાં, ચાલતા ઘરે પહોંચ્યા, રસ્તામાં મૃત્યુ પામ્યા. કર્મશીલ હર્ષ મંદર અને અંજલિ ભારદ્વાજે આ મજૂરોને તાત્કાલિક રોજી ચૂકવવામાં આવે તેના માટે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો. આ લોકડાઉનના સમયગાળા દરમિયાન જ્યારે મધ્યમ વર્ગ-નોકરીયાત વર્ગને તેમના પગાર મળવાના છે તો શું આ સ્થળાંતરિત મજૂરોને તેમનો રોજ ન ચૂકવવો જોઈએ? આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ સરકારની નીતિગત બાબત છે અને કોર્ટ તેમાં દખલ અંદાજ કરશે નહીં. એટલું જ નહીં આ મજૂરીના પૈસા આપવાની કોઈ જરૂર નથી કારણ કે સરકાર તેમને ખાવાનું તો પહોંચાડી જ  રહી છે ! એવું લાગે છે જાણે આ દેશમાં હવે ન્યાયની પણ શ્રદ્ધાંજલિ લખવાના દિવસો પાકી  રહ્યા છે.

ધરતી પરની હકીકત એ છે કે આ સરકારે મજૂરો માટે જે પેકેજ જાહેર કર્યા તે ખૂબ જ નજીવા, તેમજ જીવન નિર્વાહ માટે અપૂરતા છે. અનાજ વહેંચણીની જાહેરાત થઈ છે. પણ લોકોને આવા લોકડાઉનના સમય ધક્કા ખાવા પડે છે, સડેલું અનાજ મળે છે, ગેરરીતિઓ થતાં સસ્તા અનાજની દુકાનો બંધ કરવાના પણ સમાચાર આવ્યા છે. 24 માર્ચે લોકડાઉન જાહેર થતાં જ સ્વયંસેવી સંસ્થાઓ અનાજ પહોંચાડવાની અને ફસાઈ ગયેલાઓને યોગ્ય સ્થાને પહોંચાડવામાં જોતરાઇ ગઇ હતી. પરંતુ કોરોના ફેલાવાના ભયને કારણે(?!) આ પ્રવૃત્તિઓ પણ મહદંશે રોકી દેવામાં આવી.

કુનેહ અને નિષ્ઠા હોય તો આ આવેલી આપત્તિને અવસરમાં ફેરવી શકાય અને ઘણા રચનાત્મક કામો રચનાત્મક વલણ સાથે કરી શકાય. પરંતુ કમનસીબે રાજકારણીઓ આવા સમયમાં પણ પોતાના સ્વાર્થથી મુક્ત થઈ શકતા નથી. આમાં ભાગ્યે જ કોઈ દેશ કે કોઈ પક્ષ બાકાત છે. અને જ્યાં આવા અપવાદો છે ત્યાં સ્થિતિ વધુ વણસી નથી – પણ તેની વાત ફરી ક્યારેક. આજે વિશ્વમાં વાતાવરણ એવું બનાવાયું છે કે આ રોગ માટે દોષનો ટોપલો ઢોળી દેવામાં કોકને કોક શોધી લેવાય છે. ચીન યુ.એસ.ને અને યુ.એસ.ચીનને ગાળો ભાંડે છે. તો અમેરિકા અશ્વેતોને દોષી માને છે અને ભારતમાં કોરોનાના પ્રસાર થવા માટે તબલીકી જમાતને દોષી ઠેરવવામાં આવી છે. (અલબત્ત નિઝામુદ્દીનનો મેળાવડો હોય કે કર્ણાટકમાં લગ્ન તેમજ જન્મદિવસની પાર્ટીના પ્રસંગ, એ દિવસોમાં જેમણે પણ આ કર્યું તે અત્યંત જોખમી મૂર્ખતાભર્યું તેમજ ગેરજવાબદાર વર્તન હતું. એમાં કોઈ શંકા નથી.) આવી પડેલું આ સંકટ એટલું મોટું છે કે આજે જરૂર છે નક્કર સક્રિયતાની. જેને અંગ્રેજીમાં optics કહે છે, માત્ર દેખાડો નહીં, પરંતુ અસરકારક actionનો સમય છે. રાજકીય પ્રચારમાં પરિણમે તેવા દીવા-મીણબત્તી અને થાળીઓ વગાડવાથી આગળ ઘણું કરવું પડે તેમ છે.

કેટલીક બુનિયાદી વાતોનો વિચાર કરવાનો પણ આ સમય છે. કોરોના જેવી આ મહામારી આજે વિશ્વમાં સૌથી ખરાબ સમયે આવી છે એવું લાગે છે. કારણ કે આજે દુનિયા પાસે ન કોઈ એવું સન્માનિત તેમજ ધીર ગંભીર નેતૃત્વ છે, ન કોઈ એવી આદરજન્ય સંસ્થા કે વૈશ્વિક સંકટની આ ઘડીમાં આખી સ્થિતિને પોતાના હાથમાં લે.

છેલ્લા કેટલાક મહિનાઓમાં આપણે સ્વાર્થ અને આત્મ સંરક્ષણની પરાકાષ્ઠા જોઈ છે. આમ તો જલવાયુ પરિવર્તનનો મુદ્દો પણ એટલો જ ગંભીર છે છતાં વિશ્વના સત્તાધીશો-નિર્ણયકર્તાઓ માનવતાના અસ્તિત્વનો સવાલ છે તે મુદ્દા પર જેમાં વૈશ્વિક સહયોગની જરૂર છે, જે બેજવાબદારી ભર્યું વર્તન કરે છે તે જોતા આ મહામારી અંગેનું તેમનું વર્તન કંઈ નવાઈ પમાડે તેવું તો નથી જ. પરંતુ, આપણને જરૂર એમ થાય કે આવી સંકટની ઘડીમાં જ્યારે દુનિયાના સૌથી શક્તિશાળી દેશો ઘૂંટણીયાભેર થઈ ગયા છે, ત્યારે આપણે એક થઇને થઈને આ વિશ્વિક મહામારીની સામે સંગઠિત વૈશ્વિક પ્રક્રિયા કેમ નથી આપી શકતા ? નિહિત સ્વાર્થથી ઉપર ઉઠીને માનવતાના કલ્યાણ માટે ઉપર ઉઠવાનું વિશ્વના નેતાઓ માટે કેમ શક્ય નથી બની રહ્યું?

અમેરિકા હોય, તુર્કિસ્તાન, બ્રાઝિલ કે ભારત બધે જ ધ્રુવીકરણ એટલું થઈ રહ્યું છે-થયું છે કે જે તે દેશના નેતાઓ હકીકતમાં આખા દેશનું નેતૃત્વ નથી કરતાં. નેતૃત્વનું ચરિત્ર એવું છે કે આખા દેશને સમગ્ર નેતૃત્વ આપી શકે તે શક્ય નથી બનતું. આવી પરિસ્થિતિ હોય ત્યારે આવી પડેલા સંકટમાં જે વિશેષ કર્તૃત્વની જરૂર પડે છે, તેની ઉણપ આજે આખા વિશ્વમાં વધતી રહી છે.

એક તરફ વૈશ્વિક નેતૃત્વનો અભાવ છે, તો બીજી તરફ આપણે વૈશ્વિકરણના જમાનામાં જીવી રહ્યા છીએ અને તેને એક આદર્શ સ્થિતિ માનીએ છીએ. શું આ કોરોના આપણને વૈશ્વિકરણ પર વિચાર કરવાનું નથી કરી રહ્યો ? ઓક્સફર્ડ યુનિવર્સિટીના ‘ગ્લોબલાઈઝેશન અને વિકાસના’ અધ્યાપક ઇયાન ગોલ્ડીનનું કહેવું કંઈ આમ છે : ‘આપણને લાગે છે કે વૈશ્વિકરણ બહુ સારું છે કારણ કે તે લોકોને ગરીબીમાંથી બહાર કાઢે છે, તકો પૂરી પાડે છે, દવાઓ, રસીઓ, નોકરીઓ, તેમજ પૈસા આપે છે. તેને કારણે જ ભારતે પણ બીજા વિકાસશીલ દેશોની જેમ પ્રગતિ કરી છે. વૈશ્વિકરણને કારણે જ ટેકનોલોજી, કૌશલ્ય, વસ્તુઓ, સેવાઓ તેમજ નાણાકીય આદાન-પ્રદાન અનેક દેશો વચ્ચે થાય છે. પરંતુ આ ખૂબ જોખમી પણ છે અને તેનાથી ડર લાગે તેવી પણ બાબત છે. હું વૈશ્વિકરણને સારું અને ખરાબ બંને માનું છું. તેનો ફાયદો ઉઠાવવા માટે તેનાથી ઉભા થતા જોખમો અંગે પણ વ્યવસ્થા કરવી જરૂરી છે. જે મોટાભાગે નજરઅંદાજ કરવામાં આવે છે આ જ કારણ છે કે જેનાથી આજે વૈશ્વિકરણ ખૂબ જોખમી સાબિત થઈ રહ્યું છે. આ મહામારી તેનું જ પરિણામ છે.

‘વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ચીનનો દબદબો ૧૪૦ કરોડ પર્યટક, તેમજ દર વર્ષે વ્યાપાર અર્થે દુનિયાભરમાં પ્રવાસ કરતા યાત્રીઓ સારી વસ્તુઓની સાથે ખરાબ વસ્તુઓનો પણ ફેલાવો કરે છે. કોવિડ-19 જેવી મહામારીને આ પરિપ્રેક્ષ્યમાં સમજવી જરૂરી છે. મુંબઈ તેમજ વુહાન જેવા શહેરોમાં ખૂબ ઝડપથી વિકાસ થયો. અહીં મોટા પ્રમાણમાં વિમાનોની અવરજવર છે. આવા શહેરોમાં કંઈ પણ થાય તો તેને આખા વિશ્વમાં ફેલાતા વાર ન લાગે તે સમજાય તેવી બાબત છે. આ મહામારીમાં પણ આપણે આ જ જોઈ રહ્યા છીએ. અને આ માત્ર કોરોનાની વાત નથી. સાલ 2008ની મહામંદી વખતે પણ આપણે આ ઘટના જોઇ હતી.

‘આનો જવાબ ડી ગ્લોબલાઇઝેશન નથી. આનો જવાબ ઊંચી દીવાલોનું નિર્માણ કરવું એ પણ ન હોઈ શકે. આવી દીવાલો આવનારા જોખમોને રોકી નહીં શકે. આ જોખમો એટલે હવામાનનું બદલાવવું, જુદા જુદા ભયંકર રોગચાળા અને આર્થિક સંકટ છે. આ ઊંચી દીવાલો માત્ર વિચારો, ટેકનોલોજી, રસીકરણ અને આર્થિક વ્યવહાર ને બહાર રાખી શકશે.

‘વૈશ્વિકીકરણમાં જે વસ્તુ ખૂટે છે તે છે રાજકીય અને માનવીય વૈશ્વિકરણ. આપણા માટે એ સમજવું જરૂરી છે કે આપણે દુનિયા એટલી જ મજબૂત હોઈ શકે જેટલું એની સૌથી નબળી કડીમાં જોર હોય. સંયુક્ત રાષ્ટ્રસંઘ ખૂબ જ પ્રયત્ન કરે છે. પણ આજે ૨૧મી સદીમાં એવા દેશો છે જે તેને સહકાર આપતા નથી, આ એક મોટો પડકાર છે.’

ઇઝરાયેલના લેખક યુવાલ હરીરી પર એટલા માટે હુમલો થયો કારણ કે તેમણે આક્ષેપ કર્યો કે બેન્જામિન નેતેન્યાહૂ (ઇઝરાયેલ વડાપ્રધાન) કોરોના ડિક્ટેટરશિપ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કોરોનાનું ઓઠું લઇ નેતેન્યાહૂ ઇઝરાયેલની બધી જનતાંત્રિક સંસ્થાઓનું ગળું દબાવી રહ્યા છે. હરીરીની ટીકા થઈ રહી છે કે આ સમય સરકાર પર લોકશાહી અંગે પ્રશ્નો ઉઠાવવાનો નહીં પરંતુ, સરકારના હાથ મજબૂત કરવાનો છે. અને કેટલાક વર્તુળોમાં એ ચિંતા પણ જોર પકડી રહી છે કે કોરોનાના કેસોની તપાસ કરવાના બહાને લોકશાહી સરકાર તેની જનતા પર ચોકી પહેરો(surveillance) ગોઠવી રહી છે. આરોગ્ય એક એવી બાબત છે કે કોઈપણ માણસ નબળો પાડી જાય. તેનો ફાયદો ઉઠાવાઈ રહ્યો છે.

અમર્ત્ય સેન પોતાના અભ્યાસમાં જણાવે છે તેમ રાજ્યમાં જેટલા પ્રમાણમાં ખુલ્લાપણું અને લોકશાહીના મૂલ્યો સ્થાપિત થયેલ હશે, મહામારી તેટલી જલ્દી રોકી શકાશે. જો ચીનમાં આવી મોકળાશ હોત તો ડૉ. લી વેનલિયાંગની ચેતવણી જાન્યુઆરી મહિનામાં ધ્યાન પર લેવાઈ હોત. તેમ કરવાનું તો દૂર, ચીની અધિકારીઓએ ડૉ. લી પર અફવા  ફેલાવવાનો આરોપ લગાડ્યો. તેમજ તેમની સખત ટીકા કરવામાં આવી. કમનસીબે ડોક્ટરનું કોરોનાને કારણે મૃત્યુ પણ થયું. પરંતુ આ વાત માત્ર ચીન જેવા બંધિયાર દેશની નથી. અમેરિકા જે વિશ્વનો સૌથી મુક્ત દેશ હોવાનો દાવો કરે છે તેના રાષ્ટ્રપ્રમુખ પણ શરૂઆતમાં કોરોનાને ‘બકવાસ’- ચીની વાઇરસ વગેરે કહીને ઉડાઉ જવાબો આપ્યાં હતાં. આજે અમેરિકા આજ રોગથી સૌથી વધુ મૃત્યુનો સામનો કરી રહ્યું છે.

અમેરિકાના ડૉક્ટરો કહે છે કે, સાર્વજનિક સ્વાસ્થ્ય વ્યવસ્થાને ધ્વસ્ત કર્યા પછી આ મહામારીથી બચવાની વાત કરવી એ અમેરિકા સાથે થઈ રહેલી એક ક્રુર મજાક છે. આ વાત બધા દેશો માટે સાચી છે. સાર્વજનિક સ્વાસ્થ્યના મુદ્દે એ સમજી લેવાની જરૂર છે કે આપણી સૌથી નબળી કડી જેટલાં જ આપણે મજબુત છીએ. જો સાર્વજનિક સ્વાસ્થ્ય સેવા જનતા સુધી, છેલ્લામાં છેલ્લા માણસ સુધી નહીં પહોંચે, જે પરિસ્થિતિ આજે મોટાભાગની વિકાસશીલ દુનિયામાં છે, તો આપણે આવી મહામારીનો સામનો નહીં કરી શકીએ. આજે હવે કોઈ એક દેશની આરોગ્ય વ્યવસ્થાને મજબુત કરીને પણ ચાલવાનું નથી. આજે સરકારો પોતાના બજેટમાં આરોગ્ય કરતાં લશ્કર પાછળ વધુ રૂપિયા, વધુ સંસાધનો ફાળવે છે. હવે આ વાત બદલાવી જોઈશે. સમગ્ર સ્વાસ્થ્ય પ્રણાલીમાં રોકાણ કરવાનું કોરોના આપણને શીખવી રહ્યો છે.

આખરે કોરોના તો એક ચેતવણી છે. આજે ભલે કોરોનાએ આપણા દિલો દિમાગને ઘેરી લીધા હોય, છેલ્લા આંકડા પ્રમાણે તેની અસર માત્ર ૨૦ લાખ લોકોને (વિશ્વમાં) થઈ છે. પરંતુ ગ્લોબલ વોર્મિંગ બહુ મોટા પ્રશ્ન લઇને આવી રહ્યું છે. અને એ પ્રશ્નો એવા નથી જે માત્ર લોકડાઉન કરવાથી કે માસ્ક પહેરવાથી ઉકલી જાય!

આરોગ્ય વ્યવસ્થા હોય કે ગ્લોબલ વોર્મિંગ, પડઘમ વાગ્યો છે સમાનતાનો. કોરોનામાંથી કંઈક શીખ લેવાની હોય તો આ છે : આપણે જીવી શકીશું જો સાથે-એક સમાન સ્તર પર હોઈશું તો જ. નિર્ણય માનવજાતે કરવાનનો છે.     

 -સ્વાતિ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s