
જે પ્રચાર થાય છે તે કેવળ મુખ દ્વારા થાય છે. મુખથી બોલવું, આટલો જ પ્રચારનો અર્થ છે. પરંતુ પ્રકાશન મૌનથી પણ થઇ શકે છે. પૂર્ણશુદ્ધ હૃદયના કોઈ મહાત્મા હોય અને આશીર્વાદ આપે તો તેમના આશીર્વાદથી પણ પ્રકાશન થઇ શકે છે. પ્રકાશને અંધકારનો અભાવ ન કહી શકીએ, પ્રકાશ વસ્તુ છે, અંધકાર અવસ્તુ છે. પ્રકાશમાં શક્તિ હોય છે. અંધકારમાં કોઈ શક્તિ નથી હોતી. લાખો વર્ષોના અંધકારમાં પ્રકાશ લઇ જાઓ, એક ક્ષણમાં અંધકારનું નિવારણ થશે.
‘પ્રકાશ’ બિલકુલ સ્વતંત્ર શબ્દ છે. આપણા હિન્દુસ્તાનનો ખાસ શબ્દ છે. અંગ્રેજીમાં એક શબ્દ છે ‘પ્રોપગેન્ડા’. તે બિલકુલ ઉપર-ઉપરની વસ્તુ છે. બીજો શબ્દ છે ‘પબ્લિસિટી’(પ્રસિદ્ધિ, પ્રસારણ). પબ્લિસિટી પણ ન થવી જોઈએ.
શુદ્ધ વિચાર લોકોને સમજાવીએ. તે વિચારોનો પ્રકાશ આપણે આપણા વ્યવહાર અને પ્રયોગોમાં વધારીએ. તે વિચાર મજબુત, ગંભીર અને વ્યાપક બને.
‘પબ્લિસિટી’ થી પુણ્યક્ષય થાય છે. ‘પ્રકાશન’થી પુણ્ય ફેલાય છે.
– વિનોબા
——-
વિનોબાને જાણવા-સમજવાવાળા એક સાથીએ હાલમાં જણાવ્યું કે વિનોબાએ એક વખત એમ પણ કહેલું કે –‘આજે જો આપણે દૂર-દૂર સુધી જોઈ શકીએ છીએ, તો તે એટલા માટે કે આપણે આપણા પૂર્વજોનાં ખભા પર બેઠા છીએ.’ હવે સમજાય છે કે કઈ રીતે વિનોબા જેવાં પ્રકાશિત અને પ્રકાશમાન પૂર્વજોના ખભા પર ઉભા રહીને જીવન, સમાજ અને રાજનીતિની બધી વસ્તુ દૂર-દૂર સુધી સ્પષ્ટ જોવા મળે છે.
અનુવાદ : દેવાંગ – સંકલિત રજૂઆત : અવ્યક્ત