ગૂજરાત વિદ્યાપીઠ – અમદાવાદ દ્વારા વિનોબા-125 નિમિત્તે તા.4 માર્ચ 2020ના રોજ એક દિવસનો રાજ્યસ્તરીય પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રંથ ‘सबै भूमि गोपाल की’ના લેખક શ્રી પરાગભાઈ ચોલકર તેમજ બ્રહ્મવિદ્યામંદિરના સાધિકા બહેન અને કાલિન્દીતાઈની વિશેષ હાજરી તેમજ પ્રવચનો થયા. આ ઉપરાંત વિદ્યાપીઠના અનામિક શાહ, રાજેન્દ્રભાઈ ખીમાણી તેમજ સર્વોદય કાર્યકર મહેન્દ્રભાઈ ભટ્ટ, ભારતીબહેન, દીપિકાબહેન, ભદ્રાબહેન, જ્યોત્સનાબહેન વગેરે એ પ્રાસંગિક વાતો રજૂ કરી હતી.

પરાગભાઈની રજૂઆતના મુખ્ય મુદ્દાઓ –
- વિનોબાજીએ ભૂદાનયાત્રાના 13 વર્ષ દરમ્યાન 70થી 80 હજાર કિ.મી.ની યાત્રા કરી અને કુલ 42 લાખ એકર જમીન દાનમાં મળી હતી. તેમાંથી આશરે 25 લાખ એકર જમીન લોકોને વહેંચાઈ હતી. જ્યારે સરકારે સિલીંગ એક્ટ અને અન્ય કાયદાઓ કર્યા પછી પણ સમગ્ર ભારતમાંથી 50 લાખ એકર જમીન પ્રાપ્ત થઈ શકી હતી. (‘सबै भूमि गोपाल की’ ખંડ-3 પાન નં. ૫૧)
- કાકા સાહેબ કાલેલકરે કહ્યું હતું કે આઝાદી સમયે ભારતમાં 3000 જાતિઓ હતી. તેમાંથી 20 જાતિઓ એવી હતી જેમની પાસે પરંપરાગત જમીન ન હતી. ભૂદાન દ્વારા આવી જાતિઓ જેમાં દલિતો અને આદિવાસીઓ સમાવિષ્ટ હતા તેમને જમીન મળી, તેમની આર્થિક સ્થિતિ સુધરી.
- વિનોબાના જીવનમાં વિચાર અને વ્યવહાર સાથે સાથે ચાલતા રહ્યાં છે. જો વિચારમાં પરિવર્તન થાય તો વ્યવહારમાં પરિવર્તન થાય માટે વિનોબાજી કહેતા કે, ‘આપણું કામ સમજાવવાનું છે. શંકરાચાર્યે પણ સમજાવવાનું કામ કર્યું છે. ત્યાર બાદ વ્યક્તિ કે સમાજ નક્કી કરે છે શું કરવું છે.’
- વિનોબા કહેતા ‘પોતાના વિચારમાં રહેલા સત્યાંશને બીજાને સમજાવવો તે સત્યાગ્રહ છે. ગાંધીજીએ અન્યાયનો પ્રતિકાર અહિંસાથી કરવાને સત્યાગ્રહ કહ્યો છે.’ વિનોબાનો આગ્રહ સામાવાળાને સમ્યક વિચાર કરવામાં મદદ કરવાનો રહ્યો છે.
- વિનોબા ગાંધીના યુગ કાર્યને આગળ લઈ ગયા. ગાંધીજીના વિચારને નવા પરિપ્રેક્ષ્યમાં રજૂ કર્યા, નવા શબ્દો શોધ્યા. વિનોબાજીએ વિચાર ભાથુ ગાંધી પાસેથી તો લીધું સાથે સાથે અન્ય વિચારકો, સંતો પાસેથી પણ લીધું.
- ગાંધી અને વિનોબામાં દ્વૈત પણ નથી અને અદ્વૈત પણ નથી. લોકો વિનોબાજીને ગાંધીજીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી માને છે અને જવાહરલાલ ને રાજનૈતિક ઉત્તરાધિકારી માને છે. પરંતુ વિનોબા જ ગાંધીજીના સાચા રાજનૈતિક ઉત્તરાધિકારી છે.
- જીવનનું કોઈ ક્ષેત્ર ભાગ્યે જ એવું હશે જેના પર વિનોબાએ વિચાર પ્રગટ ન કર્યાં હોય. અધ્યાત્મ, ધર્મ, રાજનીતિ, સમાજ શિક્ષણ બધાજ ક્ષેત્રમાં એમણે પોતાના વિચાર આપ્યા છે. વિનોબાજીએ બધા ધર્મોનું અધ્યયન કર્યું અને તેમનો સાર પણ લખ્યો. તેમણે નિવૃત્તિનાથ, જ્ઞાનદેવ, નામદેવ, એકનાથ અને તુકારામ, આ પાંચ સંતોના વિચારનો સાર સમજાવતા પુસ્તકો પણ પ્રગટ કર્યા (વધુ વિગતો માટે વિનોબા સાહિત્ય ખંડ ગ્રંથ ૧૦ અને ૧૧, પંચામૃત- ભાગ એક અને બે જુઓ)
- અધ્યાત્મ વિશે વિનોબા માને છે કે મુક્તિ માટેની સાધના સામૂહિક જ હોઈ શકે. મુક્તિનો અર્થ થાય છે ‘હું’પણાનો નાશ. માત્ર પોતાની મુક્તિ ઇચ્છવી એ પણ સ્વાર્થ છે.
- વિનોબાએ બ્રહ્મવિદ્યામંદિર પવનાર (વર્ધા)ની સ્થાપના કરી. તેમણે મજૂરીના ક્ષેત્રમાં પણ બ્રહ્મવિદ્યાને દાખલ કરવી જોઈએ એમ કહ્યું. જેમાં અધ્યાત્મ પંથે ચાલનારા એ ગરીબો સાથે તેમજ મજૂરો સાથે એકરૂપ થવું જોઈએ. તેમની સંવેદનાને સમજવી જોઈએ. તેમજ સાધકોએ કોઈને પણ બોજરૂપ ન બનવું જોઈએ. આપણે સમજવું જોઈએ કે અધ્યાત્મ + વિજ્ઞાન = સર્વોદય.
- ગાંધીજી નઈ તાલીમને પોતાના સર્વોત્તમ દેણગી માનતા હતા. વિનોબાજી ઉત્તમ શિક્ષક હતા.(જુઓ પુસ્તક શિક્ષણ વિચાર) તેમના મતે શિક્ષણનો ઉદ્દેશ અહિંસક સમાજ રચવાનો હોવો જોઈએ.
- વિનોબાજીએ ગાંધીજીની શાસન મુક્તિની વાતને આગળ ધપાવવા લોકશક્તિ વધારીને રાજ્ય શક્તિને ક્ષીણ કરવા પર ભાર આપ્યો છે. તેમનું પુસ્તક ‘સ્વરાજ્ય શાસ્ત્ર’ લોકશાહીને નવા સ્વરૂપે રજૂ કરે છે. આજની લોકશાહીમાં લોકોની સીધી ભાગીદારી નથી.
- અર્થશાસ્ત્ર ક્ષેત્રે વિનોબાજીએ બજાર મુક્તિ અને કાંચન મુક્તિની વાત કરી હતી. વ્યક્તિ અને ગામડાંએ સ્વાવલંબી થવું જોઈએ. બજારથી છુટવાની કોશિશ કરવી જોઈએ. કાંચન મુક્તિ એટલે કૃત્રિમ રીતે છાપેલા પૈસામાંથી મુક્ત થવું. વિનોબા કહેતા, ‘પૈસા તો રાક્ષસ છે. જે શ્રમ દ્વારા પ્રાપ્ત થાય છે તે ‘લક્ષ્મી’ છે. લક્ષ્મી સારી છે.’ તેઓ માનવીય શ્રમથી કરવામાં આવતી ખેતીને ઋષિ ખેતી કહેતા હતા.
- બુદ્ધિજીવીઓ વિનોબા ઉપર સંશોધન કાર્ય કરવાથી કોઈક કારણસર દૂર રહ્યાં છે. આમ કરવાથી વિનોબાને નહીં પણ બુદ્ધિજીવીઓને જ નુકશાન થયું છે.
કાલિન્દીતાઈએ ‘વિજ્ઞાન અને અધ્યાત્મ’ વિષયને ન્યાય આપતા નીચે પ્રમાણેની વાતો રજૂ કરી.
- ધર્મનું સ્થાન હવે વિજ્ઞાન અને અધ્યાત્મ લેશે.
- આજે આપણી સામે રોજ કોઈને કોઈ ભયાનક ટેકનોલોજી આવે છે. આપણે એવી જીવન પદ્ધતિ અપનાવીએ જેથી ટેકનોલોજીનું રૂપ શાંત થઈ જાય અને તેને જાકારો મળે.
- વિજ્ઞાનના આ નવા વિનાશકારી રૂપને નકારવા માટે મનથી ઉપર ઉઠવાનું છે. આપણે અનેક પ્રકારની વાસનાઓનો ત્યાગ કરવો પડશે.
- ઉપનિષદમાં આનંદ બ્રહ્મને પ્રાપ્ત કરવા માટે આપણે અન્ન બ્રહ્મ, પ્રાણ બ્રહ્મ, મન બ્રહ્મ, વિજ્ઞાન બ્રહ્મની ભૂમિકાઓમાંથી પસાર થઈ આગળ જવાનું છે. આનંદ બ્રહ્મમાં મનથી ઉપર ઉઠી આનંદ કોષમાં પ્રવેશ કરવાનો છે. આપણે ઋષિમુનીની ચેતના પ્રાપ્ત કરવાની છે.
- વિજ્ઞાનની સામે સામૂહિક ચેતના જગાવવી પડશે ધર્મ, પંથ, રાજનીતિથી ઉપર ઊઠવાનું છે.
- વિનોબાએ બધા ધર્મોનો સાર આપણી સામે મૂક્યો છે તેઓ સત્ય, પ્રેમ, કરરૂણાની વાત કરે છે.
- આપણે નિરુપાધિક બુદ્ધિથી વિચારવું પડશે આપણે કોઈનો ન્યાય તોળવો નથી.
- ભૂદાનમાં એક સમયે સામૂહિક ઇચ્છા શક્તિ જન્મી હતી, પરંતુ ધીરે ધીરે તે ક્ષીણ થતી ગઈ અને સર્વોદય કાર્ય ધીમું પડતું ગયું.
- દેશમાં ભૂદાન યાત્રા દરમ્યાન કાર્યકર્તાઓનું ઇન્દોર ગ્રુપ, મુંબઈ ગ્રુપ, ગુજરાત ગ્રુપ વગેરે નજરમાં આવ્યા હતા. તેમાંથી આજે માત્ર ગુજરાત ગ્રુપ બચ્યું છે.
- આપણે ચિત્તને અહંકાર મુક્ત બનાવીને ગ્રામસ્વરાજ્ય તેમજ બ્રહ્મવિદ્યાની દિશામાં આગળ વધવાનું છે.
હાજર રહેલા સર્વોદય કાર્યકર્તાઓ અમૃત મોદી, મહેન્દ્રભાઈ, ભારતીબહેન, દીપિકાબહેન, જ્યોત્સનાબહેન, મોહનભાઈ અભવાણી, રવજીભાઈ સોલંકી વગેરે એ વિનોબાજીની સાથેના તેમજ ભૂદાનકાળના કેટલાક સંસ્મરણો તાજા કર્યા. અનામિકભાઈ શાહે યજ્ઞ પ્રકાશન અને ભૂમિપત્ર દ્વારા થતા કામને બિરદાવ્યું. રાજેન્દ્રભાઈ ખીમાણી એ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પદયાત્રા પ્રવાસ દ્વારા સારો એવો લોક સંર્પક દ્વારા જ સાચું શિક્ષણ પ્રાપ્ત થાય છે તેમ જણાવ્યું.
શ્રી પ્રકાશભાઈ શાહે (તંત્રી, નિરીક્ષક) ગાંધીજીએ 1940માં પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબાજી અને બીજા વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે જવાહરલાલને પસંદ કર્યા તેમની ભૂમિકા સમજાવી. ગાંધીજીએ બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલયમાં આપેલા પ્રવચનની વાત કરી, જેના થકી વિનોબાજીનો જીવન રાહ બદલાયો. રામ મનોહર લોહિયા પર પણ આ ભાષણની સારી અસર થઈ હતી. સાથે તેમણે જોડ્યું હતું કે ભૂદાનનું પ્રથમ પગલું પોચમપલ્લીના દલિતોની સ્થિતિમાં પરિવર્તન લાવનારું હતું તે આપણે ભૂલવું ન જોઈએ.
આ પ્રસંગે સમાંતર સત્રમાં કુલ ૪૬ લેખો, નિબંધ રજુ કરવામાં આવ્યા. પ્રો.પુષ્પાબહેન અને ભદ્રાબહેને સત્રનું સંચાલન કર્યું. તેમાં મુખ્ય વિષયો નીચે પ્રમાણે હતા.
0 વિનોબાની સર્વોદય દૃષ્ટિ 0 વિનોબા: વિજ્ઞાન અને અધ્યાત્મ 0 વિનોબાના શિક્ષણ વિચાર 0 વિનોબાજીની સ્વરાજ સાધના 0 ભૂદાન યજ્ઞ
સમગ્ર પરિસંવાદ સફળ બનાવવામાં વિદ્યાપીઠના હરિભાઈ પટેલ, કપિલ દેશવાલ અને પ્રેમાનંદ મિશ્ર તથા અન્ય મિત્રોએ સારી જહેમત ઉઠાવી હતી.
– કપિલ દેશવાલની સંકલિત નોંધને ટૂંકાવીને. (મો. 9427341019)