‘હાફ કોરોના’

ટ્વિટર પરથી સાભાર

 જ્યારે હું ટ્વિટર પર કોઇ વિષય પર બહુમતિના વિચારો સાથે અસહમત થાઉં છું ત્યારે મને ‘ચાઇના કા ‘માલ’, ‘ચાઇનીઝ’, ‘ચિંકી’ વગેરે જેવાં નામોથી સંબોધવામાં આવે છે. હવે તેમાં એક નવો ઉમેરો થયો છે-‘હાફ કોરોના’. જોકે હવે આ મુદ્દાઓ અંગે ધ્યાન ન આપવાનું ઠરાવ્યું છે. અને હું એ પણ જાણું છું કે આ એ જ લોકો છે, જે આજે મને ટ્રોલ કરશે, પરંતુ જ્યારે હું તેમને રૂબરૂમાં મળીશ ત્યારે મારી સાથે એક સેલ્ફી લેવાની માંગણી પણ કરશે. તેમ છતા એક ચાઇનીઝ માતાના બાળક તરીકે મારો ઉછરવાનું મારા માટે સરળ ન હતું. કોવિડ-૧૯(કોરોના)નાં આવવાથી ટ્રોલર્સ પાસે મારા માટે તથા ઉત્તર-પૂર્વનાં લોકો માટે નવો શબ્દ હાથ વગો બન્યો છે. તે છે – ‘હાફ કોરોના.’

એક ભારતીય તરીકે આપણે જ્યારે કોઇને ‘કોરોના’ અથવા ‘ચીની વાયરસ’ તરીકે બોલાવીએ છીએ ત્યારે આપણને એ યાદ રહેવું જોઈએ કે આપણાં દેશમાં જ મલેરિયાના અઢળક કેસો છે. દર વર્ષે બે લાખ જેટલાં ભારતીયો ટી.બી.ના કારણે મૃત્યુ પામે છે. તે એક ચેપી રોગ છે તથા આપણાં દેશમાં મલેરિયાના આટલાં બધાં કેસ હોવાનું કારણ છે સ્વચ્છતા અંગે ઉપેક્ષા. હવે તમે એક કલ્પના કરી જુઓ કે એક ભારતીયને વિદેશમાં ‘મલેરિયા’ અથવા ‘ટી.બી. ફેલાવનાર’ તરીકે સંબોધવામાં આવે તો કેવું લાગે!

ચાઇનીઝ મૂળની મારી માતાએ ક્યારેય પોતાને “નવી સંસ્કૃતિમાં ભળવું અઘરૂ છે” તેવી ફરિયાદ કરી નથી. પરંતુ અલગ-અલગ સંસ્કૃતિ વચ્ચે ઉછરવાનો બાળક તરીકે મારો અનુભવ સરળ ન હતો. અમારા સંયુક્ત કુટુંબમાં જ્યારે કોઇ વિષયમાં જો મારો મત જુદો હોય તો તેમાં મારો કોઇ વાંક નથી એવું પણ સ્થાપિત કરવામાં આવતું. અને આ તો મને મારી ચીની માતા દ્વારા શીખવવામાં આવ્યું છે, તેવું ભાન કરાવવામાં આવતું.

લોકોને ખ્યાલ પણ નહી હોય પરંતુ બાળપણથી તેમનું ધ્યાન મારા તરફ જતું, કારણ કે હું નાની હતી તે સમયથી લોકો ટીકીને જોતા. જ્યારે હું યુવાન થઇ ત્યારે વિચાર્યું કે, મારો ચહેરો થોડો અલગ છે, સાથે હું જરા ઊંચી અને શ્વેત છું, કદાચ એટલે જ હું દેખાવમાં અલગ લાગતી. પરંતુ આમાં રંગભેદનો દ્રષ્ટિકોણ છે તેવું હું ત્યારે સમજી ન શકી. જે બાળકો મને આ અંગે ટોણો મારતાં હતા તેમને હું શાંતિથી સમજાવતી કે મારો ચહેરો મોટો છે એટલાં માટે મારી આંખો નાની દેખાય છે. હું જ્યારે યુવાન અને સમજણી થઇ ત્યારથી આ બધા નામો(નેઈમ કોલિંગ) મને વધુ પરેશાન કરવા લાગ્યાં. મેં અનુભવ્યુ કે આમાંથી એક પણ નામ સ્વીકાર્ય ન હતા. આ ફક્ત મારી સાથે નથી થઇ રહ્યું. મેં જોયું છે કે ઉત્તર-પૂર્વમાં રહેતા આપણાં જ લોકો સામે કેવા ભેદભાવ રાખવામાં આવે છે તથા મોટાં શહેરોમાં તેમણે હિંસાનો સામનો કરવો પડે છે.  

મારે કહેવું છે કે ઉત્તર-પૂર્વમાં રહેતા લોકો એટલાં જ ભારતીય છે જેટલાં બીજા કોઈ. જો તમને હેરાન  કરવામાં આવે તો ન્યાય મેળવવા પ્રયત્ન પળવારનો પણ વિચાર કર્યા વિના કરજો અને અન્યોને પણ તેમ કરવાની હિંમત આપજો. હું સમજી શકું છું કે આ મુશ્કેલ છે તેમ છતાં. જેમ જેમ વધું લોકો આ અંગે પ્રશ્નો ઉઠાવશે તેમ આ પજવણીને અવગણવી મુશ્કેલ બનશે તેથી આ કરવું જરૂરી છે.

ચાઇનીઝ ખાણા અંગે અત્યારે ઘણી ટીકા ટીપ્પણીઓ અને તપાસ ચાલી રહી છે. ચાઇનીઝ ખાણું, થાઇલેન્ડની શેરીઓમાં પીરસવામાં આવતા વિશિષ્ટ જંતુઓ અથવા જાપાનમાં કંઈક બીજું તો વળી કેટલુક ભારતનું અવનવું જેટલુ જ વિચિત્ર છે. હું ચીનમાં કદાચ ક્યારેય આ વિશેષ બજારો જેને વેટ માર્કેટ(જીવંત પ્રાણીઓ વેચાય અને કપાય) કહે છે, તેની મુલાકાત લેવાનું સાહસ ન કરું. મારા માતા-પિતા પણ ક્યારેય ત્યાં ગયા નથી. પરંતુ મારા પિતાને હંમેશા અલગ અલગ પ્રકારના ભોજનનો સ્વાદ લેવાનું ગમે છે. અને એમાં ખોટું પણ શું છે? જ્યારે આપણને આપણી સંસ્કૃતિ વિશે કોઈ સવાલ ઉઠાવે તે પસંદ નથી તો  તેમની સંસ્કૃતિ અને ખાવાની ટેવો અંગે સવાલ ઉઠાવનારા આપણે કોણ? વાજબી નિસબત વ્યક્ત કરવાની એક રીત હોય. પરંતુ આખીને આખી સંસ્કૃતિ સામે બદલો લેવાની વૃત્તિ અથવા સંપૂર્ણ જાતિને દોષ આપીને તેમ કરવું શક્ય નથી.

ભારતમાં ચાઇનીઝ લોકોને લઇને કેટલીક ગેરસમજો છે. જેમકે તેમને કોઇ સ્વતંત્રતા નથી તથા સરમુખત્યારશાહી શાસનનાં લીધે ત્યાં કોઇ ખુશ નથી. જો કે બધાં જ ટ્રોલિંગ્સ(રૂપિયા લઈને અથવા દ્વેષને કારણે વિવિધ સોશિયલ મીડિયા પર લોકોના અંગત ચરિત્ર પર અપશબ્દો લખવાની પ્રવૃત્તિ) તથા આઇ.ટી.સેલ્સ તરફ નજર નાખું છું તો મને પ્રશ્ન થાય છે કે આપણાં દેશમાં અભિવ્યક્તિની આઝાદી કેટલી છે. મેં મારા મામા તથા મારી નાની બંનેને તેમની ૯૦ની ઉંમરે જોયા છે, તો ખ્યાલ આવે છે કે તેઓ બંને ત્યાં ખુશ છે. અમારી પાસે દરેક પ્રકારની સગવડતા તથા નોકર-ચાકર હોવા છતાં મારા નાની ત્યાં એકલાં રહે છે તથા તેમણે અમારી સાથે ભારત આવવાની સદંતર ના પાડી દીધી.  

મારી નાનીના પિતાજીએ ભારત આવીને ટાગોર સાથે અભ્યાસ કર્યો હતો. મહાત્મા ગાંધીએ તેમને તે સમયનાં અવિશ્વાસભર્યા વાતાવરણમાં શાંતિનો સંદેશો આપવા બદલ “શાંતિદૂત”નું બિરુદ આપ્યુ હતું. તેઓ સિંગાપોર-ચાઇનીઝ વર્તમાનપત્રનાં મુખ્ય તંત્રી હતા અને તેઓ ગાંધીજીની આત્મકથાનું ભાષાંતર કરવા માંગતા હતા. આ કામમાં તેમની મદદ કરવા મારી માતા ભારત આવીને વસ્યા. મારા વડનાના વર્ધામાં જ મૃત્યુ પામ્યા અને તેમની કબર કસ્તુરબા મેડીકલ હોસ્પિટલમાં છે. 

ચીનીઓ સાથે સરખામણી કરવા માટે બીજી ઘણી બાબતો છે. મેં ૨૦૦૨ માં સૌ પ્રથમવાર ગ્વાંગ્ઝુનો પ્રવાસ ખેડ્યો હતો, અને જોયું કે શા માટે આ દેશ ઓલોમ્પિકનાં મેડલનાં કોષ્ટકમાં ઉચ્ચ સ્થાને છે. ત્યાંના લોકો માત્ર બે કલાક બપોરનાં ભોજનનો વિરામ લે છે, અને તમે તે લોકોને ઓફિસનાં ફોર્મલ કપડામાં ત્યાંની શેરીઓમાં ગોઠવેલ ટેબલ્સ પર પીંગ-પોંગ રમતાં જોઇ શકો છો. તેઓએ એ વાતનું ધ્યાન રાખ્યું છે કે તેમનાં કોર્પોરેટ જગતનાં કર્મચારીઓ પણ કામની સાથે સાથે જરૂરી શારિરીક પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન આપે. ત્રણ વર્ષથી લઇને નેવું વર્ષ સુધીનાં લોકો ખચા-ખચ ભરેલા મનોરંજક સ્ટેડિયમમાં રમત રમતાં, તેનો આનંદ માણતા જોઇ શકો છો.     

હું મારી માતા જેટલી મહેનતું નથી, મેં તો વારસામાં ફક્ત તેની ત્વચા તથા સૌમ્ય રીતે ચીની ખાન-પાનની વસ્તુઓ ખાવાની આદત મેળવી છે. પરંતુ હું જાણું છું કે ચીની લોકો સૌથી વધું મહેનતું હોય છે. મારી માં સવારના આઠ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી દવા બનાવતી એક કંપની માટે સલાહકારની ભૂમિકા સફળતાપૂર્વક ભજવે છે. જે દક્ષિણ ભારતીય પરિવારે તેનાં દેખાવને કારણે તેને ક્યારેય સંપૂર્ણપણે સ્વીકારી નહી તેની સાથે તેણે પરિવારમાં સમાધાનપૂર્વક જીવી. તે ચાઇનીઝ ભોજન માટે ટેવાયેલી હતી, પરંતુ જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે પણ આહાર માટેની તેની પ્રબળ ઇચ્છાઓને સંતોષવામાં આવી ન હતી. તેમાં વળી હું પુત્ર તરીકે પેદા ના થઇ એ કારણે પરિવારમાં સહુ કોઇ ખુશ ન હતું. પરંતુ મારા માતા-પિતા એકબીજાની પડખે ઊભા રહ્યા, એટલાં માટે જ તેમણે મારા માટે જે કર્યુ એના માટે હું ગર્વની લાગણી અનુભવું છું.

મારા આ વારસાને લીધે હું ક્યારેય ભારતીય અને ચીનીઓ વચ્ચે કોઈપણ સામાન્ય અનુમાન નહી કાઢું. હું ધાર્મિક અને લૈંગિક ભેદભાવને અવગણીને બધાની સાથે એક સમાન વ્યવહાર કરવા પ્રયત્ન કરું છું. મારો દૃષ્ટિકોણ વ્યાપક  છે. હું એક જાહેર જીવનમાં કામ પાર પાડતી વ્યક્તિ છું. માટે તમે મારી રમત સામે પ્રશ્નો ઉઠાવી શકો છો પરંતુ મારી દેશ-ભક્તિ સામે ક્યારેય નહિ. મને ટ્રોલ કરતા મારા વિરોધીઓ કરતાં રાષ્ટ્રગાન સમયે વધુ વખત ઉભી રહી છું.   

અન્યોને અને માણસાઈને સમ્માન આપવાનું મહત્વ હું સમજુ છું. જે એક ભારતીય તરીકે કોવિડ-૧૯(કોરોના) સામે લડવા માટે આજે ખૂબ જરૂરી છે.

જ્વાલા ગુટ્ટા (ઇન્ડિયન એક્સપ્રેસના લેખનો ચેતન પ્રજાપતિ દ્વારા અનુવાદ)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s