સને 1925, સપ્ટેમ્બર-ઑક્ટોબર

મહાત્મા ગાંધીજી મુંબઈથી કચ્છ આવવા ‘રૂપવતી’ આગબોટમાં નીકળી ચૂક્યા હતા અને દ્વારકા થઈ માંડવી બંદરે ઊતરવાના હતા. આગબોટ દ્વારકાથી નીકળી ચૂકી હતી, તેવા સમાચાર બંદરની કચેરીમાંથી મળ્યા હતા. કાંતિપ્રસાદ અંતાણીના આગ્રહને માન આપી મહાત્મા ગાંધીજી આવી રહ્યા હતા. ડક્કા ઉપર કાંતિપ્રસાદ અંતાણી અને ભૂજના માનસિંગ કચરાભાઈ અને અન્ય આગેવાનો હજારીગોટાના હાર પકડીને ઊભા હતા. કાંતિપ્રસાદ ગાંધીજીને ગમતી સૂતરની આંટી લઈને આવ્યા હતા.
‘દક્ષિણ આફ્રિકામાં ગોરી સરકારને હંફાવી ગાંધીજી દશ વર્ષથી હિંદમાં આવી ગયા છે, અને જાણે સૂતેલા દેશને જગાડી દીધો છે હોં !’ કાંતિ-પ્રસાદે વાતો કરવી શરૂ કરી. ‘તોપ, તલવાર વગર આફ્રિકાની સરકારને એમણે મનાવી.’ માનસંગ શેઠે અનુમોદન આપ્યું. ‘આફિક્રાની ગોરી સરકારે બાપુને જેલમાં બહુ કષ્ટ દીધેલાં.’ કાંતિપ્રસાદે ટોક્યા.
‘પણ ગાંધીજીએ તો હિંદમાં આવી ચંપારણમાં ગવર્નર સાહેબને પણ નમાવ્યા અને નીલવરોના તીન કઠિયાના ત્રાસમાંથી ગરીબ ખેડૂતોને છોડાવ્યા.’ વલ્લભદાસ બોલ્યા. ‘વળી ખેડા અને બારડોલીમાં સત્યાગ્રહ કરી મુંબઈના ગવર્નરને નમાવ્યો.’ રવજી તેરશીએ ઉમેર્યું. ‘પંજાબમાં જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીબાર કરી જલિયાંવાલા બાગમાં હજારો લોકોને ઢાળી દીધા, તો ગાંધીજીએ આખો દેશ ખળભળાવી મૂક્યો.’ ‘રાજદ્રોહનો ગુનો હિંમતપૂર્વક સ્વીકારી જેલમાં ગયા, પરંતુ સરકારે છોડી દેવા પડ્યા.’
‘ગાંધીજી આપણા કાઠિયાવાડના ને પાછા વાણિયા, એટલે હડતાળની તો એમને ખબર હોય જ. અમદાવાદમાં મિલોની હડતાળ પડાવી સાંચા અટકાવી દીધા. પહેલાં આપણું વાણિયાલોક રાજની સામે હાટને તાળાં મારી હડતાળ કરતું.’
‘પણ ગાંધીજી આ અહિંસા લાવ્યા ક્યાંથી ?’ ‘એલા, વાણિયા તો અહિંસામાં જ માને ને ?’ પાછાં મહેશ્ર્વરી બોલ્યાં અને સૌ હસી પડ્યાં.’ ‘પણ આ સત્યાગ્રહ ?’ સુરજીએ પૂછ્યું. ‘એલા, એય આપણે ત્યાંના ચારણ બારોટ ત્રાગાં કરતા’તા,’ મથુરાદાસ બોલ્યા. ‘હા, આપણા મહાદેવ ખેંગારજી બીજાએ ચારણોના ગામ લાખીયારવીરાને તોપથી ઉડાવી દેવા હુકમ કર્યો તો ચારણ આઈ જીવાંમા અને એમની દીકરી દિપાબાઈએ જીવતાં અગ્નિપ્રવેશ કરી ત્રાગું કર્યું હતું અને ખેંગારજીને નમાવ્યા હતા. આજની તારીખે પણ લાખીયાવીરાના ગઢવી ભૂજનું પાણી પીતા નથી.’ રવજીએ કિસ્સો યાદ કર્યો.
‘વાગડના કટારિયા ગામે વ્યાજખાઉ વાણિયાનો બવ તરાસ હતો. તો ચારણ આઈ દેવલબાઈએ પોતાનું શિર કાપીને ત્રાગું કર્યું હતું.’ મથુરાદાસે બીજો કિસ્સો કહ્યો. ‘રાજ સામે લડવા હથિયાર ન હોય ત્યારે આતમબળ જ વાપરવું પડે ને ! ગાંધીજીના કહેવા પ્રમાણે જો આખા દેશની પ્રજા છાતી ખોલીને ઊભી થઈ જાય તો અંગ્રેજોની તોપો ને બંધૂકો ક્ાંય કામ ન આવે.’ કાંતિપ્રસાદે સમજાવ્યું.
‘પણ આ ગાંધીજીને અંત્યજોના ઉદ્ધારનું ભૂત ખોટું વળગ્યું છે ભૈસાબ !’ લક્ષ્મીદાસે વાતનો વિષય બદલ્યો. ગાંધીજી નાતજાત – ધરમના ભેદમાં માનતા નથી. એમના આશ્રમમાં અંત્યજના કુટુંબને રાખ્યું. તે આશ્રમ બંધ કરવાની વેળા આવી. ખુદ કસ્તુરબાને પણ એમણે આશ્રમ છોડવા કહી દીધું. ગાંધીજી ટેકીલા બહુ. લીધી ટેક મેલે નહિ.’ ‘ઈ ખરું, પણ હમણાં પહેલાં તો દેશની આઝાદી લઈ લઈએ. પછી આભડછેટની મૉકાણ માંડીએ તો ઠીક રયે.’ મથુરદાસે પાઘડી ઉતારી માથું ખંજવાળ્યું. ‘ના ઈમ નૈ. ગાંધીજી કયે સે કે પેલાં આપણે આઝાદી માટે તૈયાર થૈએ, તી કેડ આઝાદી. દેશમાંથી અંત્યજ અને મુસલમાન માટેની આભડછેટ જવી જ જોઈએ.’ કાંતિપ્રસાદે સમજાવવા પ્રયત્ન કર્યો.
‘ગાંધીજી આંય પણ અંત્યજોની મોકાણ માંડવાના અને ઉપાધિ થવાની.’ માનસિંગ શેઠે દહેશત વ્યક્ત કરી. ‘ગાંધીજીએ ત્રાવણકોરમાં વાયકોમના શિવમંદિર જતા રસ્તા પર ચાલવાનો હક અંત્યજોને અપાવ્યો.’ ‘ગાંધીજી તો આતમરામની ભાષા બોલે છે, એ અન્યાય સાંખે તેવા નથી. એટલે બોલવાના જ.’ ‘જેવી અલ્લાની મરજી.’ મહેશ્ર્વરીએ ફરી સૌને હસાવ્યા.
સૂરજડાડો રાશવા ચઢવા આવ્યો એટલે દરિયો જાણે હવે મોડો મોડો જાગી ગયો હતો અને મોજાં ડક્કા પર આવી-આવીને પછડાતાં હતાં. આકાશમાં ઢોમડા ચીસાચીસ કરતા ઊડાઊડ કરતા હતા અને માછવામાંથી માછીમારો નકામો માલ ફેંકતા હતા તેને ઝપટમાં લેતા હતા. દરિયામાં ઠેરઠેર કોટિયા, ગુરાબ, જમરી, ધગી, ધાઉ, બતેલા, બગલા, બચ્છા નાંગરેલા હતા અને દરિયાનાં મોજાં સાથે ઊંચાનીચા થયા કરતા હતા.
ત્યાં દૂર આગબોટનો ધુમાડો દેખાયો. ‘એ આવ્યા માતમા ગાંધી…’ ડક્કે ઊભેલા માછીમારો બોલી ઊઠ્યા. પોર્ટ ઓફિસરે દરબારી લોંચનો પગો (રસ્સો) છોડ્યો અને ગાંધીજીને આગબોટમાંથી ઉતારી લઈ આવવા ઊપડ્યો. મહારાવે પોર્ટ ઓફિસરને ગાંધીજીને લઈ આવવા હુકમ કરી દીધો હતો. થોડી વારમાં તો આગબોટ નજીક આવી ગઈ. ગાંધીજી અને બીજા બે-ત્રણ જણ ઊતરીને લોંચમાં બેઠા. લોંચ ધક્કા પર આવી, એવા ગાંધીજી કૂદીને ડક્કા પર ચઢી ગયા. કાંતિપ્રસાદ, માનસિંગ શેઠ અને અન્ય સૌએ દોડીને ગાંધીજીને નમન કર્યાં. કાંતિપ્રસાદે સુતરની આંટી પહેરાવી, માનસિંગ શેઠ અને બીજા સૌએ હજારીગોટાના હાર પહેરાવ્યા અને ‘મહાત્મા ગાંધી અમર રહો…. મહાત્મા ગાંધી ઝિંદાબાદ… વંદે માતરમ…’ એવા સૂત્રોચ્ચાર કર્યા. ઢોલ-ત્રાંસા અને શરણાઈ વાગ્યાં.
ગાંધીજીએ હાથ જોડી સૌને હસતાં હસતાં પ્રણામ કર્યા. ‘કેમ છો કાંતિપ્રસાદ ? તમારી ઇચ્છા પૂરી થઈને ?’ ગાંધીજીએ કાંતિપ્રસાદના ખભે ટપલી મારી.’ ‘જી, બાપુ.’ કાંતિપ્રસાદે નીચા નમી ચરણસ્પર્શ કર્યા. ગાંધીજીએ પોતડી પહેરી હતી અને ખભે ખેસ હતો. ઉઘાડું માથું ઉંદર ફરી ગયા હોય તેવા માથે થોડા વાળ હતા. પાછળ ચોટલી હતી. ગાંધીજી સાથે આવેલા મહાદેવભાઈ અને મણિલાલ કોઠારીનું પણ હાર પહેરાવી સ્વાગત કર્યું.
બંદરની બહાર માનસિંગ શેઠે બે-ત્રણ ગાડાં તૈયાર રાખ્યાં હતાં. છાંયો રહે એટલે માફા બાંધ્યા હતા અને ધડકીઓ પાથરી હતી. બળદને પણ કચ્છી ભરતની ઝૂલોથી શણગાર કર્યા હતા અને ડોકમાં ખંભાતી ઘૂઘરા રણકતા હતા. ગાંધીજી, મણિલાલ કોઠારી અને મહાદેવભાઈ દેસાઈ ગાડામાં બેઠા એવાં ગાડાં ભૂજના માર્ગે ચાલવા માંડ્યાં. ગાંધીજીના બપોરના ભોજન માટે બાફેલાં શાકભાજી, ગોળ સાથે ભેળવેલી ભૂંજેલી માંડવી, કેળાં અને ખજૂર કાંતિપ્રસાદે ગાડામાં રાખ્યાં હતાં. અંધારું ઊતર્યે ગાડાં ભૂજ પહોંચ્યાં. કચ્છના મહારાવે સંસ્કૃત પાઠશાળામાં ઉતારાની વ્યવસ્થા કરી આપી હતી. રાત્રે ગાંધીજીએ લીંબુપાણી જ પીધું. થોડી આડીઅવળી વાતો કરી. ગાંધીજી થાકેલા હતા એટલે તરત ઢોલિયામાં સૂઈ ગયા.
બીજે દિવસે સવારે જ સરઘસ નીકળ્યું. ગાંધીજી ગાડામાં બેસી સૌનાં વંદન સ્વીકારતા હતા અને બોખા મ્હાેંંએ હસતા હતા. પછી નાગરવાડીમાં જાહેરસભા થઈ. નગરશેઠ સાકરચંદ પાનાચંદે માનપત્ર વાંચ્યું અને ચાંદીના રેંટિયાની ભેટ આપી. ગાંધીજીએ સત્યાગ્રહ અને અહિંસાની શક્તિ સમજાવતાં કહ્યું કે ‘અંગ્રેજોની ગોળીઓ સામે ખુલ્લી છાતીએ ઊભા રહીએ તો જેનો સૂરજ ક્યાંય આથમતો નથી તેવી ગોરીસત્તાને નમાવી શકાય. સૂતરના તાંતણે હું દેશને આઝાદી અપાવીશ. શરત એટલી કે ઘેરઘેર રેંટિયો ચાલે અને કાંતિપ્રસાદની જેમ સૌ ખાદી પહેરે. પરદેશી કાપડ છોડે.’ ગાંધીજીએ કાંતિપ્રસાદ સામે સૂચક રીતે જોયું. પછી પાછા બોલ્યા, ‘હિંદુસ્તાનની વસતિના પાંચમા ભાગ અંત્યજોને આપણે કાયમ દબાયેલો રાખવા માંગતા હોઈશું તો સ્વરાજ એક અર્થહીન શબ્દ બની રહેશે. તમે સભામાં અંત્યજોને આઘા અને જુદા બેસાડ્યા છે પરંતુ હવે તેમની વચ્ચે જઈ ભાષણ કરીશ.’ એમ કહી ગાંધીજી મંચ પરથી ઊતરીને ચાલતા થયા. સભામાં હો હા મચી ગઈ.
‘જોયું ને ? મને ખબર હતી જ કે ગાંધીજી આભડછેટની મોંકાણ માંડવાના જ !’ વલ્લભદાસ ચિડાયા. વાળુ માટે સૌ સાથે બેઠા. ગાંધીજી માટે ખીચડી, બાફેલી ભાજી અને બકરીનું દૂધ હતું. અન્ય લોકો માટે શાક, કઢી, રોટલા હતા. વાતો કરતાં કરતાં ગાંધીજી કાંતિપ્રસાદને કહે, ‘કાંતિપ્રસાદ, કચ્છમાં અંત્યજોની હાલત વિશે વાત કરો.’ મથુરદાસથી ન રહેવાયું. ‘બાપુ, પહેલાં સ્વરાજ લઈએ, પછી અસ્પૃશ્યતા નિવારણ ન થાય ?’ ‘ના, મારે સ્વરાજ દૂધે ધોયેલું જોઈએ, અસ્પૃશ્યતાના અને હિંદુ-મુસલમાનના લોહીના ડાઘવાળું સ્વરાજ મને ન ખપે.’ ગાંધીજીએ નન્નો ભણ્યો. ‘બાપુ, કચ્છના અંત્યજ વણકરોનું ભરત અને વણાટકામ પરદેશમાં વખણાય છે. માંડવી બંદરેથી લિવરપુલ માલ જાય છે. પરંતુ ઈજારદારોના ઓર્ડર મુજબ જ તે વણી શકે અન્યથા મીઠાના કોરડા ખાવા પડે !’ કાંતિપ્રસાદે વાત શરૂ કરી.
‘ઓહો હો ! આવો અત્યાચાર ?’ આ સાંભળીને ગાંધીજી ચમકી ગયા. ‘હા, બાપુ. વળી અંત્યજોને ન્યાય અને સજા ઠેકેદારો કરે છે. અપીલ કોટવાળ સાંભળે. કચ્છની કોર્ટમાં કેસ ન ચાલે. તેને ભૂંડી-ભૂંછી કહે છે.’ કાંતિપ્રસાદે ઉમેર્યું. ‘આ તો બહુ ભૂંડી વાત છે !’ ગાંધીજીએ હાથ ધોઈ અંગૂછાથી હાથ લૂછ્યા. ‘આમ કરો, કાલે મહારાવ ખેંગારજી સાથે મારી મુલાકાત ગોઠવો, કાંતિપ્રસાદ, હું એમને કાને વાત નાંખીશ !’ ગાંધીજી ઊભા થઈ ગયા.
?????????????
બીજા દિવસે સવારે નવ વાગે શરદબાગ પેલેસ સામેના બગીચામાં ગાંધીજી મહારાવ ખેંગારજીને મળ્યા. મહારાવ ખેંગારજી જોધપુરી કોટ-સૂરવાળ અને કચ્છી પાઘ પહેરી આવ્યા. પાઘમાં કલગી ફરકતી હતી. તેમાં નીલમ ચમકતું હતું. ગળામાં સોનાનો અછોડો અને મોતીઓની પાંચ-સાત માળા લટકતી હતી. હાથે બાજુબંધ, અંગે કડાં હતાં. પગમાં ચાંદીના ભારે તોડા હતા. કાંતિપ્રસાદને આ જોઈ ફાળ પડી, ‘હમણાં ગાંધીજીએ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં રાજાઓની સભામાં સંભળાવ્યું હતું કે આવાં સ્ત્રી જેવાં ઘરેણાં પહેરો છો, તે તમને શોભતાં નથી, એમ અહીં પણ મહારાવને ટોકશે કે શું ?’
ગાંધીજી પણ પહેલાં સૂટેડ બૂટેડ હતા. અંગ્રેજ બારિસ્ટર જેવા જ હતા. પંદર હજાર પાઉન્ડની વાર્ષિક આવક હતી. પણ પછી દક્ષિણ આફ્રિકામાં કુલીનો વેશ પહેરી લીધો. હિંદ આવ્યા ત્યારે કાઠિયાવાડી અંગરખું અને માથે પાઘડી પહેર્યાં, પણ રેલવેના થર્ડ કલાસમાં હિંદ દર્શન કરતાં એમણે ઓરિસ્સામાં જોયું કે બે સ્ત્રીઓને પહેરવા ફક્ત એક જ સાડી હતી. એમણે ભરથરીની જેમ સઘળા વેશ અને ખેસ ઉતાર્યો અને ટૂંકી પોતડી ધારણ કરી. કાંતિપ્રસાદના મનમાં વિચાર આવતા રહ્યા. પરંતુ ગાંધીજીએ મહારાવને વંદન કર્યા અને કશું બોલ્યા નહિ, તેથી કાંતિપ્રસાદને હાશ થઈ. મહારાવે ચાંદીની તશ્તરીમાં કચ્છી ખજૂર, કેળાં, કાજુ, ગુલાબપાક, બદામ ઇત્યાદિ ગોઠવ્યાં હતાં. ‘મહાત્માજી, આ કચ્છી ખજૂર ચાખો. બહુ મીઠી હોય છે.’ મહારાવે આગ્રહ કર્યો. ‘કાંતિપ્રસાદ, મહેમાનોને ગુલાબ પાક ચખાડો.’ ગાંધીજીએ હસીને ખજૂર લીધી. પછી કચ્છ રાજ્યોમાં અંત્યજોની હાલત વિષે પૂછ્યું.
‘મહાત્માજી, કચ્છમાં અંત્યજોને કોઈ જ તકલીફ નથી. રાજ્ય એમનું બરાબર ધ્યાન રાખે છે. અમે કચ્છી જાડેજા જ્યારે પ્રથમ વાર રાજગાદી પર બેસીએ, ત્યારે અંત્યજોની આંગળીના રક્તથી મહારાવના ભાલે તિલક કરવામાં આવે છે. અને એમ અંત્યજોનું બહુમાન કરવામાં આવે છે. કચ્છમાં આભડછેટની પ્રથા છે જ નહિ. ભૂજિયા ડુંગરની તળેટીમાં નાગપાંચમના દિવસે નાગપૂજન પછી અંત્યજ મહારાવના ભાલે ચાંદલો કરે છે.’ મહારાવ ખેંગારજી અસ્ખલિત બોલી ગયા.
‘મને આ સાંભળી આનંદ થયો મહરાવશ્રી, હું કચ્છ આવ્યો છું તો હું અંત્યજોને મળીને જાત તપાસ તો કરીશ જ. પરંતુ મહારાવશ્રી, અંત્યજો રાજતિલક કરે છે તે સારી વાત હોવા છતાં તેટલા માત્રથી મને સંતોષ થતો નથી. અંત્યજોને રાજના અન્ય નાગરિકો જેવા જ હરવા-ફરવા-રહેવાના, ખાવા-પીવાના અધિકાર હોવા જોઈએ. આપના રાજમાં વણાટ અને ભરતકામ કરતા વણકરોને આઝાદી નથી અને ઈજારદારોના વર્કઓર્ડર મુજબ જ કામ કરવું પડે છે. અન્યથા મીઠાના પાણીમાં બોળેલા કોરડા તેમને મારવામાં આવે છે, તે આપ અટકાવો.’ ગાંધીજી અટક્યા. મધ-લીંબુપાણીનો ઘૂંટ લઈને કહે, ‘આપના રાજમાં ભૂંડી ભૂંછીનો ન્યાય છે. તે રદ કરો. અંત્યજોને પણ અન્ય નાગરિકોની જેમ આપની અદાલતમાં ન્યાય કે સજા મળવી જોઈએ. ઠેકેદારો ચીભડાના ચોરને ફાંસીની સજા કરે છે અને અપીલ કોટવાળથી આગળ થઈ શકતી નથી. તેથી મહારાવશ્રી, આ પ્રથા બંધ કરવા મારી આપને અપીલ છે.’ ગાંધીજીએ વાત પૂરી કરી અને ખજૂર લીધી.
‘મહાત્માજી, આ બંને પ્રથાઓ આ ઘડીથી અટકાવવા હુકમ કરું છું.’ મહારાવે દિવાન તરફ જોઈને કહ્યું, ‘દિવાનજી, સાંજ સુધીમાં હુકમો નીકળી જવા જોઈએ.’ ‘હુકમ સરકાર.’ દિવાને માથું ઝુકાવ્યું. ‘કાલે નગરવાડીમાં અંત્યજોને સભામાં બોલાવવા વાત કરી તો નાગર આગેવાનોએ વિરોધ કરેલો, કેમ કાંતિપ્રસાદ ?’ ગાંધીજીએ કાંતિપ્રસાદને પૂછ્યું. આ કાંતિપ્રસાદ ભડવીર છે. એમણે કોઈનું ન સાંભળ્યું અને અંત્યજોને બોલાવ્યા, પરંતુ તેમને જુદા બેસવું પડ્યું. અંત્યજો વચ્ચે જઈને ભાષણ કરવા ગયો તો ઊહાપોહ મચ્યો.’ ગાંધીજીએ ઊઠતાં ઊઠતાં કહ્યું. મહારાવ ખેંગારજી પણ કશું બોલ્યા વગર સ્મિત કરતા ગાંધીજીને વંદન કરીને ઊભા થયા.
?????????????
બીજે દિવસે ફરી જાહેરસભા યોજાઈ. કાંતિપ્રસાદે અંત્યજોને સૌથી આગળ બેસાડ્યા. ગાંધીજીએ કહ્યું કે ‘આપણા અખા ભગતે પણ આભડછેટ અદકેરું અંગ છે એટલે કે વધારાનું નકામું અંગ છે, એમ કહ્યું છે. અંગ્રેજો આપણને તેમની કલબોમાં પેસવા દેતા નથી. પાટિયું મારે છે કે કૂતરા અને હિંદીઓએ આવવું નહિ. આપણે અંત્યજો સાથે કરેલો વ્યવહાર જોઈ અંગ્રજો આવું શીખ્યા છે.’
?????????????
ભૂજના મોઢવણિક સમાજ તરફથી ગાંધીજીનો સત્કાર કરવામાં આવ્યો. ગાંધીજી કહે, ‘મને તો જ્ઞાતિએ નાતબહાર મૂકેલો છે. અંત્યજો માટે જીવ બાળું છું તો હવે મારાથીય લોક અભડાય છે. આપણા નરસી મહેતાને નાતબહાર મૂકેલા અને મને ખાતરી છે કે આ કાંતિપ્રસાદને પણ નાગરો નાત બહાર મૂકશે જ.’ ગાંધીજીએ કાંતિપ્રસાદ તરફ ઈશારો કર્યો. સભામાં સૌ હસી પડ્યાં.
?????????????
પછી ગાંધીજીનો રસાલો દેશલપુર પહોંચ્યો. મંજલથી દેશલપર ગાંધીજીના દર્શને આવેલાં ખાદીધારી સાધ્વીમૈયા અને તેમની મંડળીની બહેનોની ખાદી પ્રવૃત્તિ જોઈ ગાંધીજી રાજી થયા અને બોલ્યા, ‘સૂતરના તાંતણે સ્વરાજ સાચું, પણ અંત્યજોને આવી સ્થિતિમાં રાખીને હિંદુસ્તાનનું સ્વરાજ મળે તો તે સુધ્ધાં હું ન લઉં.’ ‘બાપુએ વિદ્યાપીઠનું ફંડ ન મળે તો કાંઈ નહિ, પણ વિદ્યાપીઠમાં અંત્યજ વિદ્યાર્થી દાખલ થશે જ એમ કહેલું.’ કાંતિપ્રસાદે મહેશ્ર્વરીના કાનમાં કહ્યું. કોટડામાં ગાંધીજીએ અંત્યજ શાળાનો પાયો ખોદ્યો અને લોકોને સંબોધન કર્યું. ‘રામ નિષાદને ભેટ્યા હતા, શબરીનાં એંઠાં બોર ખાધાં હતાં. મારી મા કહે, આ ઉકાને ન અડાય. કેમ નહિ ? પૂછીને મેં મા સામે બળવો કર્યો હતો અને ઉકાભાઈને અડ્યો હતો.’
સાંજે ત્યાંથી નીકળી ગાંધીજીનો રસાલો કચ્છ ગોધરા આવ્યો. શેઠ ઠાકરસીના બંગલે ગાંધીજીનો ઉતારો રાખ્યો હતો. વાતવાતમાં કહે, કાઠિયાવાડમાંથી અસ્પૃશ્યતાનિવારણ કાર્ય માટે પૈસા ઊગરાવવા એ સાજો દાંત ખેંચી કાઢવા જેવું છે, મારે મન ઠાકરસીભાઈ, અસ્પૃશ્યતા-નિવારણનું કાર્ય આધ્યાત્મિક ક્રિયા છે !’ ઠાકરસી મૂછોમાં હસતા રહ્યા.
પછી જાહેરસભા થઈ. ત્યાં પણ ગાંધીજીએ ખાદી પછી તરત અસ્પૃશ્યતા નિવારણની વાત કરતાં કહ્યું કે, ‘અસ્પૃશ્યતા હિંદુ ધર્મનું અંગ નથી પણ તેમાં પેસી ગયેલો સડો છે. અસ્પૃશ્યતા જીવે એના કરતાં હિંદુ ધર્મ રસાતાળ જાય એ હું વધારે જ ઇચ્છું.’ હજાર લોકોએ તાળીઓ ન પાડી, તેથી કાંતિપ્રસાદ ઝંખવાયા. રાત્રે જમતાં જમતાં વાતો ચાલી. ‘મહાત્માજી, આ અંત્યજો મુડદાલ માંસ છોડે તો અસ્પૃશ્યતા દૂર થાય.’ જમતાં જમતાં ઠાકરસી બોલ્યા. ‘આ કંઈ એમને ગમતી વાત નથી, ઠાકરસીભાઈ, એ દર્શાવે છે કે એમની દરિદ્રતા કેટલી કરુણાજનક છે. હું તો ઇચ્છું છું કે તેઓ પણ મારી જેમ કોળાનું શાક ખાય !’ સૌ આ સાંભળી હસી પડ્યાં.
?????????????
માંડવી પહોંચ્યા ત્યારે ત્યાં નગરશેઠે એમનો સત્કાર કર્યો. તિલક કર્યું ને ફૂલમાળા પહેરાવી. લોહાણા બોર્ડિંગની મુલાકાત લીધી. વિદ્યાર્થીઓને રેંટિયાથી કાંતવાનું શીખવાડ્યું. લોહાણા સમાજે માનપત્ર આપ્યું. ગાંધીજીએ ભાષણ કર્યું કે ‘આવતે જન્મે હું બ્રાહ્મણ, વૈશ્ય કે શૂદ્ર પણ નહિ, અતિ શૂદ્ર જ જન્મવા માગું છું.’
સાંજે બ્રહ્મપુરીમાં સભા થઈ. ત્યાં ગાંધીજી પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે સભામાં આવવા બે દરવાજા રાખવામાં આવેલા. તેમને નવાઈ લાગી. ‘કાંતિપ્રસાદ, બે દરવાજા કેમ રાખ્યા છે ? તપાસ કરો.’ ‘બાપુ, એક દરવાજો ઉપલી વરણ માટે છે અને બીજો દરવાજો નીચલી વરણ એટલે કે અંત્યજો માટે રાખ્યો છે.’ કાંતિપ્રસાદે ખચકાતાં ખચકાતાં સમજાવ્યું. ‘તો હું અંત્યજોના દરવાજેથી જ દાખલ થઈશ.’ ગાંધીજીએ મક્કમતાથી કહ્યું. કાંતિપ્રસાદ મૂંઝાયા, ‘બાપુ, માંડ આ લાકોને અંત્યજો માટે સમજાવ્યા છે અને વ્યવસ્થા કરી છે.’ ‘હું અંત્યજ છું, વણકર છું, ચમાર છું, ખેડૂત છું, સફાઈ કામદાર પણ છું. એટલે એમના દરવાજામાંથી જ જઈશ.’ ગાંધીજીએ પગ ઉપાડ્યો. ગાંધીજી ગંદી ગલીમાં થઈ અંત્યજોના દરવાજેથી દાખલ થયા એવા અંત્યજોએ ઊભા થઈ ‘મહાત્મા ગાંધીની જય’ બોલાવી.
ત્યાં તો સભામાંના કેટલાક લોકો લાકડીઓ લઈ એકદમ અંત્યજો પર તૂટી જ પડ્યા. ચીસાચીસ અને હો હા મચી ગઈ. અંત્યજો માર ખાતા, રાડો પાડતા બીકના માર્યા સભા છોડી ભાગી ગયા. ગાંધીજી હત્પ્રભ થઈ ઊભા રહી ગયા. ‘બાપુ, સ્વરાજ મેળવવું મુશ્કેલ છે, પરંતુ આભડછેટ દૂર કરવી અઘરી છે.’ કાંતિપ્રસાદ ગળગળા થઈ ગયા.
સભાના આગેવાનો દોડી આવ્યા અને ગાંધીજીને મંચ તરફ લઈ ગયાં. માંડ સભાને થાળે પાડી. ગાંધીજી ગદ્ગદ કંઠે માંડ માંડ બોલવા લાગ્યા, ‘આ જે થયું તે ઠીક થયું નથી. અસ્પૃશ્યતા સાથેનું સ્વરાજ મારા ખપનું નથી. સાર્વજનિક મેળા, બજાર, દુકાન, શાળા, ધર્મશાળા, મંદિર, કૂવા, આગગાડી, મોટર ને જાહેરસભા – જ્યાં બીજા હિંદુઓને જવાનો અધિકાર હોય ત્યાં અસ્પૃશ્યોને પણ અધિકાર છે જ.’ ભાષણના અંતે આગેવાનો માનપત્ર વાંચવા ઊભા થયા.
‘એ તકલીફ ન લેશો. હું માનપત્ર સ્વીકારવાનો નથી.’ ગાંધીજીએ હાથ જોડ્યા ત્યારે ચશ્માં પાછળ એમની આંખો ભીની હતી, તે કાંતિપ્રસાદે જોઈ લીધું.
– પ્રવીણ ગઢવી
466/2, સેક્ટર-1, ગાયત્રીમંદિર પાછળ, ગાંધીનગર