કોરોના અને ભારતીય લોકતંત્ર

કોરોનો સામે દુનિયાભરની સરકારોએ યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરી છે. તે કેટલી અસરકારક છે અથવા નથી, તેના કેટલાક પરિણામો પણ સામે આવવા લાગ્યા છે. ભારતમાં એક તરફ લોકડાઉન ચાલુ છે, હજારો સ્થળાંતરિત મજૂરો ઘણી તકલીફો વેઠી રહ્યાં છે, દુનિયાભરના અભ્યાસો દર્શાવે છે કે મહિલાઓ પર હિંસાનું પ્રમાણ વધ્યું છે, બજાર અને અર્થતંત્રો આવતા બે-ત્રણ વર્ષમાં બેઠા થશે કે નહી તેને અંગે અટકળો ચાલી રહી છે. તો બીજી તરફ આરોગ્ય ક્ષેત્રે પણ સરકારની તૈયારીઓમાં ગંભીર ઉણપો સામે આવી રહી છે. લોકડાઉનનો એક હેતુ એ પણ છે કે લોકો પોતાની પ્રવૃત્તિઓ ઓછી કરે અથવા બંધ કરે ત્યારે સરકાર જાહેર સ્વાસ્થ્ય અને આરોગ્ય સેવાઓ અસરકારક બનાવવામાં પોતાની શક્તિ લગાવે. અત્યારે જે વિગતો બહાર આવી રહી છે તેમાં, સ્થાનિક અપવાદો બાદ કરતા કેન્દ્ર અને મોટાભાગની રાજ્ય સરકારો પુરતી ગંભીરતા સાથે આ અંગે કામ કરતી હોય તેવું લાગતું નથી.

આ ઉપરાંત કેટલીક ઘટનાઓ એટલી ઝડપી બની રહી છે કે, ભય અને અનિશ્ચિતતાના આ વાતાવરણમાં આપણું પુરતું ધ્યાન તે તરફ જતું નથી. વિશ્વભરની લોકશાહીમાં ઘણી સરકારો કોરોના કટોકટીના સમયમાં વધુને વધુ સત્તા પોતાના હાથમાં લઇ રહી છે. ચીનમાં સરકારનું નિયંત્રણ છુપું નથી, પરંતુ ઇઝરાયલ જેવા રાષ્ટ્રમાં લોકોએ આ સમયમાં પણ રસ્તા પર આવીને લોકશાહી બચાવવા માટે દેખાવો અને પ્રદર્શનો કર્યા. છેલ્લાં વર્ષોમાં આપણે ત્યાં લોકશાહીમાં લોકોની ભાગીદારી અને સરકારની પારદર્શિતા-જવાબદેહી સામે પડકારો વધ્યાં જ છે. કોરોના કટોકટીમાં સરકાર દ્વારા લેવાયેલ ઘણા પગલાંઓ ભવિષ્યમાં બીજા પડકારો તરફ દિશા નિર્દેશ કરે છે.

 1. પારદર્શિતા અને જવાબદેહી સામે સવાલ ?

કોરોનાવાયરસ કટોકટીને પહોંચી વળવા સામે લડત આપવા વડાપ્રધાન દ્વારા વિશેષ ‘પીએમ કેર ફંડ’ની રચના કરવામાં આવી છે. 28મી માર્ચના રોજ કેબિનેટ દ્વારા રચાયેલી પીએમ કેર ટ્રસ્ટની સમિતિમાં વડાપ્રધાન અધ્યક્ષ તરીકે અને વરિષ્ઠ મંત્રીમંડળના સભ્યો ટ્રસ્ટી પદે નીમવામાં આવ્યા છે.

આ કટોકટીના સમયમાં પીએમ કેર ફંડમાં ફાળો આપવા માટે કોર્પોરેટ જગતના લોકો અને જાણીતી હસ્તીઓને કહેવામાં આવ્યું. સાથે આ હસ્તીઓ એ બીજાઓને પણ તેમ કરવા અપીલ કરી. થોડાં સમય પછી તો કોરોના અંગેની માહિતી જાણવા માટે તૈયાર કરાયેલી ‘આરોગ્ય સેતુ એપ’ દ્વારા પણ તેમાં રૂપિયા જમા કરવાની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી. તાજેતરમાં, કેબિનેટ સચિવો, તમામ અધિકારીઓ, જાહેર ક્ષેત્રના ઉપક્રમો અને અન્ય લોકોને પીએમ કેર ફંડમાં ફાળો આપવા કહેવામાં આવ્યું છે.

અહીં સૌથી મહત્વનું એ છે કે 1948થી વડા પ્રધાન રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ) અસ્તિત્વમાં છે.  ત્યારે આ જુદું ભંડોળ ઉભું કરવાની જરૂર શા માટે પડી ? તે પ્રશ્ન વિપક્ષ સહિત ઘણા નાગરિકો ઉઠાવી રહ્યાં છે. કેટલાક મુખ્યમંત્રીઓએ પોતાના રાજ્ય રાહત ભંડોળ કરતાં પીએમ કેર ફંડને વધુ પ્રાધાન્ય આપવામાં આવે છે તે અંગે પ્રશ્નો અને શંકા ઉભી થાય છે. એક કારણ એ પણ છે કે આમ કરવાથી રાજ્ય સરકારોએ કેન્દ્ર તરફ સતત હાથ લંબાવવા પડે છે.

આ વ્યવસ્થા વિકેન્દ્રિત નથી. તે ઉપરાંત અહીં સવાલ પારદર્શિતા અને જવાબદેહીનો પણ છે. કારણકે આ રૂપિયાનો હિસાબ આપવા માટે સરકાર બંધાયેલી નથી. આ વિગતો એક સમાચાર સંસ્થાને જણાવવામાં આવી છે. ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલ (કેગ)ના સુત્રોના જણાવ્યાં મુજબ : ‘આ ભંડોળ વ્યક્તિઓ અને સંસ્થાઓના દાન પર આધારિત હોવાથી ચેરિટેબલ સંસ્થાના હિસાબ ઓડિટ કરવાનો અમને કોઈ અધિકાર નથી.’ અહીં ધ્યાનમાં રહે કે ‘કેગ’ ભારત સરકાર, રાજ્ય સરકારોના બજેટની તેમજ વિવિધ ખાતાઓમાં ફાળવવામાં આવેલાં નાણાનું ઓડીટ કરે છે.

પીએમ કેર ફંડની સમીક્ષા કરવી કે નહી તે હવે ટ્રસ્ટની સમિતિ નક્કી કરશે. કેગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘જ્યાં સુધી ટ્રસ્ટીઓ અમને ઓડિટ કરવાનું કહેશે નહીં ત્યાં સુધી અમે ખાતાઓનું ઓડીટ કરીશું નહીં.’ હવે સરકાર કહે છે કે પીએમ કેર ફંડનું ઓડીટ, ” ‘સ્વતંત્ર ઓડિટર્સ’ દ્વારા થશે, જેમની નિમણૂક ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવશે” . એટલે કે સરકાર દ્વારા નિમણુંક પામેલ વ્યક્તિઓ સરકારના જ હિસાબની સમીક્ષા કરશે. ઘરના ભૂવા અને ઘરના જ ડાકલાં.

2. પ્રિવસી(ગોપનીયતા) જળવાશે કે માહિતીનો વેપાર થશે? :

ડેટા(માહિતી) : આજની સદીમાં અતિ મહત્વનું પાસું છે. ઈન્ટરનેટ, મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયા દ્વારા ખાનગી કંપનીઓ અને સરકાર મોટા પાયે ડેટા ભેગો કરે છે. તેના સારા અને નરસા બંને ઉપયોગો સમગ્ર દુનિયામાં થાય છે. સરકારે કોરોના સામે લડત આપવા-કોરોના વાયરસનો ફેલાવો જાણીને અસરકારક પગલાં લઇ શકાય તે માટે મોબાઈલ એપ બનાવી છે. દરેક માધ્યમો દ્વારા આપણને આ એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે. તેની પોતાની ઉપયોગીતા અને મર્યાદાઓ છે. વધુ ટેક્નીકલ વિગતમાં ન જતા આપણા દેશના જ નિષ્ણાતો એ કેટલાક પાયાના ભય સ્થાનો દર્શાવ્યા છે. જે સમજી લેવા જોઈએ.

 • ભારતમાં ગોપનીયતા(અંગત માહિતી અધિકાર) અંગે અસરકારક કાયદાઓ અસ્તિત્વમાં નથી. આથી એપમાં જે શરતો છે તે સ્વીકારવા સિવાય આપણી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.
 • સરકાર લોકોનો જે ડેટા લઈ રહી છે તેનો ઉપયોગ ભવિષ્યમાં થઈ શકે છે. જો આ ડેટા ભારત સરકાર માટે પણ સુલભ છે તેવી પરિસ્થિતિમાં સરકારે લોકોને જણાવવું જોઈએ કે તેઓ આગામી સમયમાં આ ડેટાનું શું કરવાના છે? કોરોના કટોકટી પૂરી થયા પછી પણ સરકારની પાસે આ ડેટા હશે કે તે દૂર કરવામાં આવશે. તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.
 • આ એપ્લિકેશનની ગોપનીયતાની નીતિ(પ્રાઇવસી) સાથે જોડાયેલી જોગવાઈ છે, સરકાર ક્લાઉડ (ફોન મેમરી ઉપરાંત અલગ અલગ જગ્યાએ જ્યાં ડેટા સંગ્રહ થાય છે તે )માં સંગ્રહ થયેલી વ્યક્તિગત માહિતી જરૂરી તબીબી અને વહીવટી અધિકારીઓને આપી શકે. આ જોગવાઈ અસ્પષ્ટ છે, ટૂંકમાં તે સરકારને આપણી વ્યક્તિગત માહિતી બીજાને આપવાની મંજૂરી આપે છે. અહીં સમસ્યા એ છે કે ભારતમાં વ્યક્તિગત ડેટા સુરક્ષા સંબંધિત કોઈ કાયદો નથી, જેના દ્વાર ડેટાના સંગ્રહ અને ઉપયોગને મર્યાદિત કરી શકાય.
 • ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ(ટેક્નોલોજી દ્વારા વ્યક્તિઓ પર નજર રાખવી) દ્વારા એકત્રિત કરવામાં આવતા ડેટાનો જાણ બહાર ઉપયોગ કરવામાં આવશે, ત્યારે વ્યક્તિના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન થશે તેમજ સુપ્રીમ કોર્ટના આદેશનું પણ ઉલ્લંઘન થશે, કારણકે ‘આધાર’ કેસમાં સુપ્રીમ કોર્ટે દરેક વ્યક્તિની ગોપનીયતાને બંધારણીય અધિકાર તરીકે ગણાવ્યો છે.
 • સરકાર કહી શકે છે કે જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે. કારણ કે સમુદાયના ટ્રાન્સમિશનનું જોખમ વધી રહ્યું છે, તેથી સંપર્કનું ટ્રેસિંગ જરૂરી છે. પરંતુ પરિસ્થિતિ સુધરે ત્યારે આ ડેટાનું શું થશે ? તે અંગે સરકાર કોઈ બાંહેધરી આપી રહી નથી. આવી સ્થિતિમાં, આ ડેટાનો દુરૂપયોગ થઈ શકે તેવી સંભાવના છે.

કોરોના વાયરસના ચેપને કારણે લોકો ભયભીત છે. તેથી આ અંગે પુરતા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા નથી. ભારતમાં જ નહી વિશ્વભરની સરકારો આ સમયમાં ‘ડેટા’ દ્વારા શક્તિ(અંકુશ) મળી રહી છે, જેનો ઉપયોગ ભવિષ્યમાં લોકોની વિરુદ્ધ થઈ શકે છે અને તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે. ચુંટણી પ્રક્રિયામાં આ ડેટાનો વિવિધ રીતે ઉપયોગ કરવામાં આવે છે તેના પુરાવાઓ અને પરિણામો આપણી સામે આવ્યા જ છે. લોકોએ આ વિશે જાગૃત રહેવું પડશે. આ રોગચાળાની તીવ્રતા ઓછી થાય ત્યાર પછી કાનૂની માર્ગ અપનાવવા પડશે. જેથી લોકોની ગોપનીયતા અને ડિજિટલ સ્વતંત્રતા બચાવી શકાય.

3. UAPA : વિધાર્થીઓ અને પત્રકારો પર કેસ :

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ 1967માં, ૨૦૧૯ના વર્ષમાં બહુ મોટા સુધારા કરવામાં આવ્યા છે. જે ગેરબંધારણીય છે તેવી દલીલ સાથે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલુ છે. પરંતુ ૨૦૧૯ના ઓગસ્ટ મહિનામાં આ સુધારાઓ અમલી બન્યા છે. આ સુ કે કુધારાઓ શું છે તે સમજીએ.

 •  આ કાયદા અંતર્ગત હવે માત્ર સંસ્થાઓ જ નહીં, પણ વ્યક્તિઓને પણ આતંકવાદી જાહેર કરી શકાય છે. એટલું જ નહીં, શંકાને આધારે કોઈને પણ આતંકી જાહેર કરી શકાય. વિશેષ વાત એ છે કે આમ કરવા માટે તે વ્યક્તિનો કોઈ પણ આતંકી સંગઠન સાથે સંબંધ બતાવવો જરૂરી રહેશે નહીં.
 • વ્યક્તિ પર આતંકવાદીનો આરોપ લાગે તો, હવે પ્રથમ તેણે આરોપ દૂર કરવા માટે કોર્ટની જગ્યાએ સરકાર દ્વારા બનાવેલ રિવ્યુ કમિટીમાં જવું પડશે. બાદમાં કોર્ટમાં અપીલ કરી શકાય.
 • નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી(એનઆઈએ)ના ડાયરેક્ટ જનરલ (ડીજી) પણ આતંકવાદી જાહેર કરાયેલ વ્યક્તિ અથવા જૂથની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપી શકશે. અત્યાર સુધી, જે રાજ્યમાં મિલકત હોય ત્યાંના ડીજીપીની મંજૂરીથી જ મિલકત જપ્ત કરી શકાય એવું હતું.
 • એનઆઈએના ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી પણ આતંકવાદી પ્રવૃત્તિઓની તપાસ કરી શકશે. હમણાં સુધી આ તપાસનો અધિકારફક્ત ડીએસપી અને મદદનીશ કમિશનર અથવા તે કક્ષાના અધિકારીને હતો.
 • યુએપીએ એક્ટની કલમ 43 ડી (2) વ્યક્તિને આ કાયદા હેઠળ, 30-દિવસ પોલીસ કસ્ટડી મળી શકે છે. ઉપરાંત અદાલત 90 દિવસ સુધીની ન્યાયિક કસ્ટડીમાં મોકલી શકે છે.(ટૂંકમાં આરોપીને ચાર્જશીટ વિના લાંબો સમય જેલમાં રાખી શકવાની જોગવાઈ કરવામાં આવી છે.)

હવે આપણને પ્રશ્ન થાય કે આ કથા અત્યારે કેમ કરવી પડે છે. છેલ્લા એક મહિનામાં(કોરોના લોકડાઉનના સમયમાં) સરકારે પત્રકારો, કર્મશીલો સામે આ કાયદા હેઠળ કેસ દાખલ કર્યા છે.

જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદ, જામિયા મીલીયા ઇસ્લામીયાના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘના પ્રમુખ શિફા-ઉર-રેહમાન તેમજ જમ્મુ-કશ્મીરમાં ‘ધ હિન્દુ’ અખબારના શ્રીનગરના સંવાદદાતા પીરઝાદા આશિક સામે, પત્રકાર ગૌહર ગિલાની અને 26 વર્ષીય ફોટોગ્રાફર મશરત જાહરા સામે સોશિયલ મીડિયા પોસ્ટને કારણે યુએપીએ અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

આ કાયદો અસ્તિત્વમાં આવ્યો ત્યારથીજ વિવાદોમાં રહ્યો છે. સંઘર્ષગ્રસ્ત વિસ્તારોમાં કામ કરતા કર્મશીલો અને પ્રશ્નો ઉઠાવતા કાર્યકરોને ચૂપ કરી દેવા આ કાયદા અંતર્ગત હેરાન કરવામાં આવે છે. સરકારી આંકડા મુજબ 67% કેસોમાં આરોપી નિર્દોષ સાબિત થયા છે. માત્ર સોશિયલ મીડિયા પોસ્ટને કારણે આ ગંભીર આરોપો લગાવવા કેટલા યોગ્ય છે? આ વ્યક્તિઓ દોષી છે કે નહી તે ન્યાયતંત્ર નક્કી કરશે, પરંતુ ભારતીય દંડ સંહિતાની બીજી ઘણી કલમો અંતર્ગત તેમની સામે કેસ દાખલ કરીને તપાસ કરી શકાય તેમ હોય ત્યારે યુએપીએ શા માટે?

ન્યાય અને કાયદાની પ્રક્રીયા જટિલ અને સમય લેનારી બને કે જેથી વ્યક્તિની શક્તિઓ ક્ષીણ થઇ જાય, ફરી પોતાની વાત મુકતા અચકાય અને પ્રશ્નો પૂછવાનું ટાળે તે હેતુથી સરકાર કાયદાઓમાં ફેરફાર કરીને વધુને વધુ સત્તા પોતાના હાથમાં લઇ રહી છે.

એક તરફ સુપ્રીમ કોર્ટમાં આ કાયદાથી વ્યક્તિના મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે તે અંગે કેસ દાખલ થયો છે અને કોર્ટે સરકારને નોટીસ બજાવી છે. તો બીજી તરફ સરકાર આ કાયદાનો ઉપયોગ કરીને પત્રકારો અને સવાલ ઉઠાવતા લોકોને હેરાન કરી રહી છે. આ કટોકટીના સમયમાં સરકાર પોતાની ટીકા કે મર્યાદા તરફ ધ્યાન દોરવણીને હકારાત્મક લઈને શું વધુ અસરકારક કામ ન કરી શકે ?

4. સાંપ્રદાયિકતા અને દ્વેષ :

ભારતમાં સાંપ્રદાયિક કોરોનાએ લાખો લોકોના વિચારો રોગ ગ્રસ્ત બનાવ્યાં છે. નીઝામુદ્દીનમાં થયું તે બેજવાબદારી ભર્યું હતું અને તેનો બચાવ ન થઇ શકે. પરંતુ સામે સમુદાય વિશેષ સામે દ્વેષ ફેલાવવાનું કામ ટીવી ન્યુઝ ચેનલોએ વિશેષ કર્યું. કોરોનાના ભય વચ્ચે આ દ્વેષથી બળતામાં ઘી જેવું કામ થયું. લોકો સામાન્ય શ્રમજીવી મુસલમાનો પ્રત્યે ભેદભાવ કરવા લાગ્યા. આ અંગે કેટલાય ખોટા સમાચારો(ફેક ન્યુઝ) વાયરલ થયાં. મુસલમાન પાસેથી વસ્તુઓ ન લેવી, પોતાના મહોલ્લામાંથી ખરાબ રીતે હાંકી કાઢવા વગેરે જેવી ઘટનાઓ બની રહી છે.

દુનિયાભરમાં દુઃખ અને ગમગીનીનો માહોલ છે. યૂરોપ અને અમેરિકામાં હજારો લોકો મૃત્યુ પામ્યાં છે અને લાખો લોકોને કોરોના થયો છે. ત્યારે સંવેદનશીલ પત્રકારોની ભાષા અત્યારે વધુને વધુ શાલિન અને નમ્ર થયેલી અનુભવી શકાય છે, રજૂઆત શોકયુક્ત હોય છે. સામે આપણે ત્યાં મોટાભાગની ટીવી ચેનલોમાં હિંસા અને આક્રમકતાનું ઝેર ઓકાઇ રહ્યું છે. આ છેલ્લા ઘણા સમયથી ચાલુ છે અને કોરોના કટોકટીના સમયમાં પણ સાંપ્રદાયિકતા અને એકબીજા પ્રત્યે દ્વેષ ફેલાવવાનું કામ ચાલ્યાં જ કરે છે. બિનસાંપ્રદાયિક હોવું જાણે ગુનો હોય એમ ચીતરી દેવામાં આવે છે. પહેલાં દ્વેષ ફેલાવનારને છૂટો દોર આપવામાં આવે અને પછી સરકારના મંત્રી કે વડાપ્રધાન ટ્વિટ કરીને નિંદા કરશે.

આ બધા વચ્ચે ભારત પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં બે સ્થાન પાછળ ગયું છે. ૧૮૦ દેશોમાં ભારતનો ક્રમ ૧૪૨માં થયો છે. જે ગયા વર્ષ કરતા બે ક્રમ પાછળ છે. આ અંગે કારણ અપાતા રિપોટર્સ વિધઆઉટ બોર્ડર્સના અહેવાલમાં જણાવ્યું છે કે,‘સરકાર દ્વારા મીડિયા પરનું દબાણ વધ્યું છે. સાથે કેટલાક સ્વતંત્ર પત્રકારો સામે સુનિયોજિત રીતે(ટ્રોલ આર્મી દ્વારા)’ દ્વેષ ફેલાવવાનું ચાલી રહ્યું છે.’

પાલઘરમાં બનેલી ઘટના જરા તાજું ઉદાહરણ છે. બે સાધુઓની બાળક ચોરીની અફવા હેઠળ પોલીસની હાજરીમાં ભીડ દ્વારા હત્યા કરવામાં આવી. સાધુઓ હશે એટલે સામે મુસલમાન જ હોય તેવું માનીને મોટાભાગની ટીવી ચેનલો દ્વેષ ફેલાવવામાં લાગી ગઈ. કેસની વધુ વિગતો બહાર આવીને ખ્યાલ આવ્યો કે લગભગ ૧૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમાં એક પણ મુસલમાન વ્યક્તિ નથી. પરંતુ સાંપ્રદાયિકતા ફેલાવા અંગે કોઈ ન્યુઝ ચેનલ સામે પગલાં લેવાયા હોય તેવું ધ્યાનમાં આવતું નથી.

આ દ્વેષ ભરેલી સાંપ્રદાયિક ભીડના હાથમાં આપણે ન્યાયનું કામ સોંપી દીધું છે. પોલીસની ભૂમિકા સગવડતા મુજબ ગોઠવાય છે. તે ભીડને અનુકુળ થઈને કામ કરે તો પોલીસ પોતાના પક્ષે અને નહિતર પોલીસ પર અવિશ્વાસ. કાયદાકીય પદ્ધતિથી ન્યાય મળે ન મળે એટલે ભીડ પોતે જ માન્યતાઓના આધારે હત્યા કરીને સાવચેતી અને રક્ષણ પૂરું પડવાનું કામ ભારતીય લોકતંત્રમાં કરી રહી છે. આ ઘટનાઓ દિવસે-દિવસે વધી રહી છે. આરોપીઓને દાખલારૂપ સજા થઇ હોય તેવું ધ્યાનમાં નથી. કટોકટીના આ સમયમાં ખોટા સમાચારો ન ફેલાય, કોરોના ઉપરાંત બીજી કોઈ બાબતો વિશે નાગરિકો ભયમાં ન જીવે તે સુનિશ્ચિત કરવાનું સરકારનું કામ જરા વધુ પડતું જ ધીમું લાગે છે.

(આરબ દેશો તરફથી ધર્મનિરપેક્ષતા અંગે ‘ટીપ્પણી’ કરવામાં આવતા સરકાર જરા હરકતમાં આવી હોય એવું લાગે છે. અમેરિકી આયોગ દ્વારા ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની પરિસ્થિતિ છેલ્લા એક વર્ષમાં વધુ કથળી છે, તેવા વિશેષ ચિંતાજનક ૧૪ રાષ્ટ્રોની યાદીમાં ભારત છે….તે અહેવાલને સરકારે પક્ષપાતપૂર્ણ ગણાવીને રદિયો આપ્યો છે.)

5. પર્યાવરણ અંગેની નીતિમાં ઢીલ :

કોઇપણ મોટા પ્રોજેક્ટ માટે EIA : એનવાયરમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ મહત્વનું અને અત્યંત જરૂરી મનાયું છે. આ અંતર્ગત જે-તે પ્રોજેક્ટનું નિર્માણ શરુ થાય તે પહેલાં તેની પર્યાવરણ(પ્રકૃતિ અને આસપાસના લોકો/વિસ્તાર) પર શું અસર થશે તે અંગે અભ્યાસ કરવામાં આવે છે. આ અંગેનો અહેવાલ લોકોને બતાવવો, તેમના સલાહ અને સૂચનો ધ્યાનમાં લેવા જરૂરી મનાયા છે. અ અંગે અસરગ્રસ્ત લોકો વચ્ચે જાહેર સુનાવણીનું આયોજન કરવાનું હોય છે. તે પછી પ્રોજેક્ટનું કામ શરુ કરી શકાય અથવા જો લોકો-પર્યાવરણને થતું નુકસાન વધુ હોય તો પ્રોજેક્ટને મંજૂરી ન પણ મળે તેવી જોગવાઈ હતી.

માર્ચ મહિનામાં સરકારે આ અંગે નવી રૂપરેખા જાહેર કરી છે. લોકડઉનના દિવસોમાં સરકારે એનવાયરમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટના નવા જાહેરનામાં પર લોકોને ટીપ્પણીઓ મોકલાવવા કહ્યું છે. ખેડૂતો અને આદિવાસીઓ જેને આનાથી સૌથી વધુ અસર થવાની તે પોતાની વાત કઈ રીતે રજુ કરી શકે ?

વળી સરકારે નવી રૂપરેખામાં નિર્ણય પ્રક્રિયામાં લોકભાગીદારી ઓછી કરવા સાથે મોટા પ્રોજેક્ટ માટે પર્યાવરણ જાળવણીની વાત બાજુ પર મુકવા પ્રયત્ન કર્યા છે. કેટલીક ચિંતાજનક સૂચિત જોગવાઈઓ નીચે મુજબ છે.

 • જાહેર સુનાવણી દરમિયાન લોકોએ પોતાની વાત રજૂ કરવા માટે 30 દિવસને બદલે 20 દિવસની જોગવાઈ કરવામાં આવી છે.
 • 2006ની સૂચના હેઠળ જાહેર સુનાવણી 45 દિવસને બદલે હવે 40 દિવસમાં પૂર્ણ કરવાનું સૂચવાયું છે. આ સમયગાળો ઘટાડવાનું મુખ્ય કારણ એ છે કે નવા રોકાણો માટે EIAને એક રીતે ઔપચારિક અને ‘સરળ’ બનાવી દેવો. જાહેર સુનાવણીનો સમય ઘટશે તો પ્રોજેક્ટ દ્વારા અસરગ્રસ્ત લોકોને મંતવ્યો, ટિપ્પણીઓ અને સૂચનો તૈયાર કરવા પૂરતો સમય મળશે નહીં. તો આવી જાહેર સુનાવણી અર્થપૂર્ણ નહી રહે.
 • પ્રોજેક્ટ બન્યા બાદ દર છ મહિને એક રિપોર્ટ તૈયાર કરવાનો હોય છે જેમાં દર્શાવવામાં આવે છે કે જે શરતોને આધારે પ્રોજેક્ટને પરવાનગી આપવામાં આવી છે તે મુજબ તેમની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છેકે નહી. નવા ડ્રાફ્ટ મુજબ દર વર્ષે ફક્ત એક જ વાર રિપોર્ટ સબમિટ કરવો જરૂરી બનાવે છે. (આ જોગવાઈ પ્રક્રિયાની અસરકારકતા ઘટાડે છે સાથે લાંબા ગાળામાં શક્ય છે કે પર્યાવરણમાં એવું નુકસાન થાય કે જેની પુરતી શક્ય ન હોય)
 • નવા ડ્રાફ્ટમાં એવા પ્રોજેક્ટ્સ અથવા પ્રવૃત્તિઓની સંખ્યામાં પણ ઉમેરો કરવામાં આવ્યો છે કે જેને હવે EIA પ્રક્રિયા કરવાની જરૂર નથી. ઘણા પ્રોજેક્ટને સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. જેથી હવે તેમને પર્યાવરણ કે જે-તે વિસ્તારના લોકો પર પ્રોજેક્ટના વિપરીત પરિણામોના કોઈ અભ્યાસ કરવાની જરૂર ન રહે.

એનવાયરમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ ૨૦૦૬ની જોગવાઈઓમાં સરકારે કરેલ સુધારા માત્ર ઉદ્યોગોનેધ્યાનમાં રાખીને કર્યા હોય તેવું લાગે. આ નવા ડ્રાફ્ટમાં જે ફેરફારો સૂચવાયા છે તેની પર્યાવરણ કે લોકો ઉપર જે વિપરીત અસરો પડશે તે અંગે ખાસ કશું વિચારાયું લાગતું નથી. લોકડાઉનના સમયમાં આ પ્રક્રિયા ચલાવીને સરકાર લોકોને પોતાની વાત મુકવાની તક માર્યાદિત કરી રહી છે. તો બીજી તરફ મોટા પ્રોજેક્ટ અંગેની નિર્ણય પ્રક્રિયામાં લોકોની ભાગીદારી ઘટાડી રહી છે.

ભારતના સંદર્ભમાં આ કાયદાકીય અને નીતિગત ફેરફારો અને તેની અસરો કોરોના પછી પણ ભારતીય લોકતંત્ર અને સમાજ પર તેની અસરો લાંબા સમય સુધી રહેશે. જાહેર સ્વાસ્થ્યની સુવિધાઓ વિકસાવવા અને જાળવવા માટે સરકારના હાથમાં વધુ સત્તા આવે તે આ સમયની જરૂરિયાત છે. પરંતુ આ સત્તાનો ઉપયોગ જરૂરિયાત મુજબ, કોઈ ભેદભાવ વિના અને નિશ્ચિત સમય પુરતો માર્યાદિત રહે તે નિશ્ચિત કરવું જરૂરી છે. આ ઉપરાંત પ્રશ્નો અને વૈચારિક વિરોધનું દમન પણ ન થવું જોઈએ. લોકડાઉન સહિત આ કોરોના કટોકટીમાં જે જરૂરી પગલાં લેવામાં આવે તેમાં માનવાધિકાર અને નાગરિકની પાયાની સ્વતંત્રતાનું રક્ષણ કરવું જરૂરી બને છે. કોઈ વ્યક્તિ ભોજન માટે લોકડાઉનનો ભંગ કરે તો તેની સામે થતી પોલીસની હિંસક કાર્યવાહી કે કાયદાની પ્રક્રિયા સ્વીકારી શકાય ખરી! સરકાર પોતાની સત્તા માનવીય સંવેદના સાથે ન વાપરે તો, સરકારના પગલાંઓની અસર સમગ્ર સમાજ માટે કોરોના કટોકટી પછી પણ લાંબા સમય સુધી ભોગવવાની આવશે. લોકોએ પણ જાગતા રહેવું પડશે. આ સમય પસાર થઈ ગયા પછી સરકારના પગલાંઓનું મૂલ્યાંકન અને સમીક્ષા કરીને પોતાના અધિકારો સુનિશ્ચિત કરવા, કામોનો હિસાબ માંગવા અને લોક વિરોધી નીતિઓ માટે લડત આપવા તૈયાર રહેવું પડશે….કોરોના સામે લડત આપીશું…જીતીશું અને બીજી લડતમાં લાગી જશું.

-પાર્થ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s