જલ્દી આવો, કાંતિભાઈ !

29 એપ્રિલ 2012ની સાંજે પિંડવળ હીંચકે બેસીને ઝૂલવાનું હતું તમારી સાથે ! મુંબઈના નવજવાન મંડળના તમારા યુવાકાળના મિત્રો સાથે હું ય મુંબઈથી આવી રહ્યો’તો તમને મળવા ! પણ… તમે એ સાંજ પડવા ન દીધી ! તબિયત નબળી પડવા માંડી એ દિવસોમાં ય “જલ્દી જલ્દી જાઉં અને પાછો આવીને આ વિજ્ઞાનના ઉપકરણો હું ય વાપરતો થાઉં” એવી ગમ્મત મોજથી તમે કરતા. પણ તમે ઉતાવળા થયાં. મારી જેમ ઘણાને પિંડવળના એ હીંચકે ઝૂલતાં ગોઠડી કરવી હતી તમારી સાથે !

કાંતિભાઈ શાહ

ઘણી સંસ્થાઓના સ્થાપકો સામે એમના પછી કોણ ? એવો પ્રશ્ન આવતો હશે. ‘સર્વોદય પરિવાર ટ્રસ્ટ’ના સ્થાપક એવા એ ચારેય વંદનીય વ્યક્તિ – કાંતાબેન, હરવિલાસબેન, ડૉ.નવનિતભાઈ અને કાંતિભાઈ – ને આ બાબતે ગૂંગળામણ થઈ હશે ? “Blood is thicker than water, but water is purer !” એવી ઉક્તિ ય એમના જ મોઢેથી સાંભળેલી ! અને જુઓ… આજે આટલા વર્ષે ‘સર્વોદય પરિવાર ટ્રસ્ટ’એ ધરમપુરના ડુંગરોમાં સેવાકાર્યોના દીપની જ્યોત સોહામણી અને ગૌરવભરી રીતે પ્રગટેલી રાખી છે !

હા, યાદ છે ને મને ! વિનોબા આશ્રમ, વડોદરાના નિસર્ગ ઉપચાર કેન્દ્રમાં છેલ્લે મળ્યાં આપણે. એ જુદું જ રૂપ હતું તમારું ! બ્રેડ બનાવતાં તમે શીખી ગયેલા, વિનોબાના કેટલાક લખાણો સંક્ષિપ્ત કરવાની મેં વાત કરી ત્યારે “તમારે હવે એ બધું જે રીતે કરવું હોય તે જરૂર કરો” એમ કહીને જાણે હવે એ પ્રવૃત્તિઓ પ્રત્યે નિર્લેપ થઈ રહ્યા હતા ! પિંડવળ જઈને બધો સામાન-પત્રો-ફોટા એવું બધું ય ઓછું કરવા માંડ્યા ત્યારે ય અમે તમારો સંકેત ન સમજ્યા!

“આપણે વારસામાં વિચાર આપવાનો છે” એવો જીવનનો મહામૂલો પાઠ મને સહજ વાતોમાં શીખવી ગયેલા. મારા જેવા કેટલાય હશે જેમને વિનોબા વિચારના અધ્યયનનો અવકાશ એમણે ગુજરાતી ભાષામાં કરેલા પુસ્તકોથી જ થયો હશે. હવે રહી રહીને આજે તમે પ્રત્યક્ષ નથી ત્યારે એ વાત વધુ સ્પષ્ટ સમજાય છે કે વિચારનો વારસો જાળવે તે જ આપણો સાચો વારસદાર ! અને એટલે તુરંત તમારી બીજી ઉક્તિ – “Blood is thicker than water, but water is purer!” યાદ આવી જાય છે ! ઝંખું છું અને પ્રયત્નમાં ય છું લોહીના સંબંધોથી ઉપર ઉઠેલા માનવીય સંબંધો જીવી જાણવા ! અને એમાં કાંઈ હું એકલો થોડો છું ?! એક આખી જાત-જમાત કહી શકાય એટલા છે તમારા શબ્દોમાં – “મારા વ્હાલા” !!

ચાલે છે ! સરસ ચાલે છે – “ભૂમિપુત્ર” ! રજનીભાઇના દિલમાં તમારું વિશેષ સ્થાન છે એ સૌ જાણે છે. તમને આપેલા કોઈક વચનને બંધાયેલા એ સુપેરે સઘળી જવાબદારી સંભાળી રહયા છે. અને બહેન સ્વાતિ ય એણે સ્વીકારેલ જવાબદારીઓ એજ ઝીણવટભરી ચીવટ અને ચોકસાઈથી સંભાળે છે. અને…યજ્ઞ પ્રકાશનના પુસ્તકો ? એ તો તમે હાથમાં લઈને હરખાવ એવા સુંદર સ્વરૂપે “યજ્ઞ પ્રકાશન”ને શોભે એવા સઘળા વિષયોને સાંકળીને પારુલબેન પ્રકાશિત કર્યે જ જાય છે ! એક આખી નાનકડી ફોજ છે આ સૌની સાથે જે તમે જ જાણે તૈયાર કરી ગયેલા. જેમાં શેરબાનુબહેન, મનીષભાઈ એક નહી બંને-નાના ને મોટા અને બાઈન્ડીગનું કામ સંભાળનારામુકેશભાઈ પણ ખરા જ.  નિલેશભાઈ ઓફિસકામમાં મદદમાં જોડાયા છે. તમારા મિત્ર હસમુખ પારેખ જેવા કેટલાય ઉત્સાહી ચાહકો-વાચકો હજી એમના પરિચિતોમાં હરી-ફરી-મળી લવાજમ નોંધે છે ! હા, વડોદરામાં ફરીને લવાજમ નોંધનારા  ઠાકોરકાકા હજી થોડા મહિના પહેલાં જ સદેહે ન રહ્યા.

ભૂમિપુત્રના ઘણા ચાહકો-વાચકોને ચિંતા હતી પહેલા અને છેલ્લા પાનની ! છેલ્લું પાન આશાબેને સંભાળેલું એ તો તમારી જાણમાં. પહેલું પાન મહેન્દ્રભાઈ એ સંભાળી લીધું છે. અને વચ્ચેનાં પાન ? સાંપ્રત અને શાશ્વત એવા વિષયો અંગેના અર્થસભર લેખોથી છલકાતું રહ્યું છે ભૂમિપુત્ર ! નવા પડકારો આવ્યા અને એને અનુરૂપ વિગતો સંકળાતી ગઈ છે. ભૂમિપુત્રમાં જે તત્વ જીવતું જોવા તમે ઝંખ્યું એ જીવંત રહ્યું છે એથી વિશેષ તો શું લખું ? 

તમે ઝંખેલી સામાજિક નિસ્બતને ભૂમિપુત્ર સાથે સંકળાયેલા આ સૌએ જીવંત રાખી છે. પણ એમ ન માનશો કે બધું યથાતથ જ રહ્યું છે ! ઘણું બધું બદલાયું છે ભૂમિપુત્ર કાર્યાલયમાં ! સ્થૂળ ફેરફારો તો ખરા જ પણ કાર્યપદ્ધતિના નવા પ્રયોગ પણ છે ! એ બધું તમને ગમે એવું જ તો ! તમને ધ્યાનમાં રાખીને કશું નથી કર્યું – પણ °નવી પેઢી જે કંઈક કરશે એ સારા માટે જ હશે” એવી તમારી શ્રદ્ધાને જાણું છું એટલે આમ લખું છું ! બરાબર છે ને ?! હવે ભૂમિપુત્રની વેબસાઈટ બનાવી છે અને એના પર ભૂમિપુત્રના આખા અંકની pdf ફાઈલ આપણે ઓનલાઈન મુકવાનું શરુ કર્યું છે. ભૂમિપુત્રનું ફેસબુક પેજ પણ બનાવ્યું છે. વિચારને વ્યાપક ગુજરાતી વાચકો સુધી પહોંચાડવા યોગ્ય માધ્યમો સાંકળી શક્યા છે એનો સૌને આનંદ છે.

અને તમને ગમે એવી વાત ! એક ફૂટડો યુવાન આવી મળ્યો છે – “ભૂમિપુત્ર”ને આજકાલ ! પાર્થ ત્રિવેદી એનું નામ ! તમને ગમશે એની સાથે ! તમને જે પેલા “વિજ્ઞાનના ઉપકરણો” વાપરવાની ઝંખના હતી ને તે એની સાથે રહીને સાકાર કરતા તમને જોવાનો મને તો ખૂબ ખૂબ આનંદ થાત ! થોડી રાહ જોઈ હોત તો ? આ જ જન્મે એ બધું થઈ જ શક્યું હોત ને ?!

ખેર ! કહીને ગયા છો…”જલ્દી જલ્દી જાઉં અને પાછો આવીને આ વિજ્ઞાનના ઉપકરણો હું ય વાપરતો થાઉં” તો પછી રાહ કાં જોવડાવો ? જલ્દી આવો, કાંતિભાઈ !

એક પછી એક એમ જોતજોતામાં આઠ વર્ષ વીત્યાં સ્વ.શ્રી કાંતિભાઈ શાહને ગયા ને ! “ભૂમિપુત્ર” અને કાંતિભાઈ એકમેકના પર્યાય બની રહેલા એવું એક્ત્વ એમનું રહ્યું. વીતેલાં વર્ષોમાં સંપાદકો-વાચકો-ચાહકોની પ્રેમભરી નિસ્બત થકી એ સુપેરે ચાલતું રહ્યું છે. એ વધુને વધુ ઉત્કૃષ્ટ સ્વરૂપે એના મૂળભૂત હેતુને સાર્થક કરતું રહે એ જ શ્રેષ્ઠ સ્મરણાંજલિ હોઈ શકે સ્વ. શ્રી કાંતિભાઈને. એમની પુણ્યતિથિએ અનાયાસ આ ભાવો શબ્દોમાં પ્રગટ્યા તે “ભૂમિપુત્ર”ને… અને એમ કરતાં કાંતિભાઈને અર્પણ !

ડૉ. અશોક ગોહિલ, (કેવડિયા કોલોની)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s