જ્યારે મૂળભૂત સુરક્ષાને નકારવામાં આવે છે, આશા મરી પરવારે છે

 લાખો સ્થળાંતરિત મજૂરો અને વંચિતો માત્ર ત્રણ અઠવાડિયાના ટૂંકા સમયગાળામાં આજીવિકા, આવકની સલામતી અને પોતાનાં સ્વમાન એમ ત્રણેય વાત ગુમાવી બેઠા છે.  તેઓ જાણે છે કે તેઓ વાઇરસની ઝપેટમાં આવી શકે છે, પરંતુ તેમના માટે આ દેશ વ્યાપી લૉકડાઉન કોરોનાની બીમારી કરતાં પણ બદતર છે. 

દરેક વ્યક્તિનું જીવન અમૂલ્ય હોવાની વાત કરતાં વડાપ્રધાને લોકો પાસેબીજા 18 દિવસની શિસ્ત અને બલિદાનની માગણી કરી. આ પ્રકારના આકરા આદેશો મીઠાં મીઠાં શબ્દો બોલીને દેશ માટે બલિદાનની માંગણી કરવાની એક કાયમી પદ્ધતિ જ થઈ ગઈ છે. સરકારના બીજા નીતિ ઘડનારાઓની જેમ પોતાના વક્તવ્યમાં વડાપ્રધાને પણ માત્ર રોગના ફેલાવવાની જ ગણતરી માંડી. લોકડાઉનના કારણે જે ભૂખ અને અસલામતીની પરિસ્થિતિ સર્જાઈ, તેનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. લાખો પુરુષો, સ્ત્રીઓ, બાળકો અને તેમાં પણ ખાસ કરીને દેશભરમાં ગીચ વસ્તીઓમાં ફસાયેલાં અને પોતાની આજીવિકા ગુમાવનાર સ્થળાંતરિત મજૂરો માટે લેવાયેલ કોઈ નક્કર પગલાં વડાપ્રધાનના ભાષણમાં ન હતાં.

વડાપ્રધાને આપણને સાત સૂત્રોનું પાલન કરવા કહ્યું છે. પહેલું, તેમણે કહ્યું ઘરડાં લોકોની વિશેષ કાળજી લો. પરંતુ વડાપ્રધાને પોતાનાં છ વર્ષના કાર્યકાળમાં વૃદ્ધોની માગણીઓ કયારેય સાંભળી નથી. કેન્દ્ર સરકાર દ્વારા દેશના એક તૃતીયાંશ વૃદ્ધોને સામાજિક સુરક્ષા હેઠળ દર મહિને 200 રૂપિયાનું વૃદ્ધાવસ્થા પેન્શન આપવામાં આવે છે જે તેમની ક્રૂર હાંસી નહીં તો બીજું શું છે? આ રકમમાં વર્ષ ૨૦૦૭થી કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત વધારાના 1000 રૂપિયા બે મહિના માટે ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે.  એવી આશા છે કે વૃદ્ધ માણસો બે મહીના સુધી, મહીને વધારાના 500 રૂપિયાની મદદથી આ સમસ્યાનો સામનો કરે.  જ્યારે બાકીના મોટી સંખ્યાના ‘વરિષ્ઠ નાગરિકો’એ આ નજીવી રકમમાં સંતોષ માનવાનો છે. જો રાજ્ય તેમને સહાય નહીં કરે તો તેઓ ભૂખ્યા અને નિરાધાર બની રહેશે. 

બીજું, વડાપ્રધાને લોકડાઉનની ‘લક્ષ્મણ રેખા’ને ચોકસાઈથી વળગી રહેવા અને ‘સામાજિક અંતર’ના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા કહ્યું. શહેરી ગરીબ વર્ગ માટે તો ‘સામાજિક અંતર’ અને ‘લક્ષ્મણ રેખા’ ક્રૂર મજાક છે. તેઓ તો ખૂબ જ નાની અને અતિશય ખરાબ જગ્યામાં રહે છે. તેમને માટે મોકળાશવાળી જગ્યાનો પહેલાંથી જ અભાવ છે તે જાણીતું છે.  નોકરીમાંથી છુટા થતાં અને પ્રાથમિક જરૂરિયાત સંતોષવા માટે રૂપિયા ન હોવાના કારણે તેઓ ઘરે જવાની માગ કરી રહ્યા છે. જ્યાં તેઓ સ્વમાન સાથે જીવી શકે અને બચી પણ શકે.

ત્રીજુ, વડાપ્રધાને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુષ મંત્રાલયના આપેલાં પ્રોટોકોલ (દિશા નિર્દેશો)નું પાલન કરવા કહ્યું છે. પોતાના ભાષણમાં મહામારીને ફેલાતી અટકાવવા માટે કરાતાં પરીક્ષણ તથા આરોગ્ય સંબંધી સરકારની વ્યૂહરચનાનો ભાગ્યે જ કશો ઉલ્લેખ કર્યો. તેના બદલે તેઓ આપણને આયુષ મંત્રાલયે તૈયાર કરેલાં પગલાંઓ તરફ લઈ ગયા. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે 16 સુવિખ્યાત વૈદ્યો દ્વારા તૈયાર કરાયેલી આ ગાઇડલાઈનમાં દિનચર્યા અને ઋતુચર્યાની વિનંતી કરાઈ છે. 11 મુદ્દાની આ ગાઈડલાઈનમાં વિવિધ પ્રકારની ઔષધીઓ અને મસાલાઓના ઉપયોગનું કહેવાયું છે, જે ભારતમાં લોકોએ ભાગ્યે જ જોયા હશે અને તેમની ખરીદવાની ક્ષમતા પણ નથી. આખો દિવસ ગરમ પાણી પીવાની, ઉપરાંત દરરોજ અડધા કલાક માટે યોગ-પ્રાણાયામ અને ધ્યાન કરવાની સલાહ અપાઈ છે. છેલ્લે આયુષ મંત્રાલય, જાહેર કરેલી વાતનો નકાર કરતાં લખે છે કે આ સલાહ કોવિડ-19ની સારવાર માટે હોવાનો દાવો કરતાં નથી. તો પછી એ કહેવાનો અર્થ શું છે?

ચોથું, વડાપ્રધાને કોરોનાથી બચવા માટે તમામ લોકોને મોબાઈલમાં ‘આરોગ્ય સેતુ એપ’ ડાઉનલોડ કરવાની અને તેનો ઉપયોગ કરવાની સલાહ આપી.  કેટલા શહેરી અને ગ્રામીણ ગરીબો પાસે સ્માર્ટ ફોનની સુવિધા છે ? તેમને કેવી રીતે સમજાશે કે તેઓ મોબાઈલ એપ દ્વારા કોવિડ-19થી સુરક્ષિત રહી શકે ? આ એપની ‘પ્રાઈવેસી’ અને ‘ડેટાની  સુરક્ષા’ને લઈને અનેક સવાલો ઉભા થયાં છે. સાથે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ એપ ત્યારે જ અસરકાર રીતે કામ કરે જ્યારે અંદાજે  50 ટકા ભારતીય પ્રજા તેને ડાઉનલોડ કરે. 

પાંચમું, વડા પ્રધાન ઇચ્છે કે લોકો પોતાને ત્યાં કામ કરતાં લોકો પ્રત્યે કરુણા દાખવે. તેમણે કહ્યું કે કામદારોને નોકરીમાંથી કાઢી નાંખશો નહીં તેમજ તેમનો પગાર કાપશો નહીં. સાથે સાથે શ્રમ અને રોજગાર મંત્રાલયે માલિકોને આદેશ આપ્યો કે લોકડાઉન દરમિયાન કામદારોને નોકરીમાંથી કાઢી ન મૂકે અને પૂરતો પગાર ચૂકવે. પરંતુ સરકાર પોતે રોજગાર બાંહેધરી આપતી મનરેગા યોજના ચલાવે છે. જેમાં સરકાર સૌથી વધુ કામદારોને લાભ આપી શકે તેમ છે.  સરકારે આ યોજનામાં 24 માર્ચથી શરૂ કરીને 20 એપ્રિલ સુધી લોકોના પગાર આપવાની ના કહી દીધી! ઉલ્લેખનીય છે કે મનરેગાને લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી ન હતી. ખરાબ સ્થિતિમાં મૂકાયા હોવા છત્તાં ખાનગી ક્ષેત્રના લોકોએ આ નિર્દેશોનો કેટલાંક અંશે પાલન કર્યું હોય તેવા દાખલા છે. જેનો રેકોર્ડ સરકારે મનરેગાના કામદારો સાથે જે કર્યું તેના કરતાં તો સારો જ છે. 

છઠું, કોરોના વાઇરસને કારણે ઉદ્દભવેલી સ્થિતિને પહોંચી વળવા માટે લીધેલાં કડક પગલાંઓને કારણે જેમની પર સૌથી વધુ અસર થઈ છે તેવા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનું વડાપ્રધાનશ્રી એ કહ્યું. જો સરકારે પોતે તેના પર અમલ કર્યો હોત તો પરિણામો ઘણા સારા આવ્યાં હોત. દુર્ભાગ્યે સરકારે આ અંગે માત્ર શાબ્દિક ચર્ચાઓ જ કરી. જે ઝડપથી ભૂખમરો, ગરીબી અને નિરાશા ફેલાઈ રહ્યા છે, તે જોતા સરકારે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા પડશે. આપણી સમક્ષ કેટલીક રાજ્ય સરકારો અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લેવાયેલાં સક્રિય કામગીરીના નોંધપાત્ર ઉદાહરણો છે. ભારત સરકાર પાસે સ્થિતિને કાબુમાં લાવવા માટેના યોગ્ય ઉપાયો હોવા છત્તાં આ વિકટ પરિસ્થિતિમાં શ્રમિકો અને નબળા વર્ગો પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવામાં તે નિષ્ફળ રહી છે. સરકારે લોકડાઉન જાહેર કર્યું તે પહેલાંથી ગોડાઉનો અનાજથી છલકાઈ રહ્યા હતા. ભૂખ અને પૂરતો ખોરાક ન મળવાના ભય સામે લડવાના મહત્ત્વના ટાણે સરકાર પીડીએસ સિસ્ટમને સાર્વત્રિક બનાવી શકી નહીં, તેના કારણો સમજાતા નથી. જ્યારે કામદારોની આજીવિકા સૌથી વધુ જોખમમાં મુકાઈ ત્યારે જ બરાબર મનરેગાના વિકલ્પને દૂર કરવામાં આવ્યો. આવા વિશ્વાસઘાતી પગલાં પછીનો ઉપદેશ ઠાલો અને નકામો છે.

સાતમું, વડાપ્રધાને આપણને ડૉક્ટરો સહિત કોરોના સામે લડી રહેલાં લડવૈયાઓના કામને બિરદાવવા કહ્યું. પરંતુ જો ગરીબોને ડૉક્ટર અને નર્સની સેવાઓ સહેલાઈથી મળી જાય તો તેઓ તેમની પૂજા કરશે. ભાંગી પડેલી જાહેર આરોગ્ય વ્યવસ્થાનું મહત્ત્વ પહેલાં ક્યારેય આપણને સમજાયું નથી. આરોગ્યતંત્ર અને કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામ કરી રહ્યાં છે જે સરાહનીય છે. પણ તેની સાથે સાથે દેશના તમામ નાગરિકોને  આરોગ્યની એક સમાન સેવા મળે તેની ખાતરી પણ થવી જોઈએ. આરોગ્ય સેવા સાથે જોડાયેલ લોકો અને સ્વતંત્ર નાગરિક સંગઠનો ઘણા સમયથી આરોગ્ય ક્ષેત્રમાં જાહેર રોકાણ વધારવા અને હેલ્થ કૅરની સુવિધાઓની ક્ષમતા વધારવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે. તેમ છત્તાં આપણા વડાપ્રધાન અને તેમની સરકાર માને છે કે નબળી પડેલી જાહેર આરોગ્ય વ્યવસ્થાની કમજોરી છુપાવવા તાત્કાલિક ધોરણે, તાળીઓ પાડવા જેવા જાહેર કાર્યક્રમ યોજવા જરૂરી છે.

મહામારી સામે લડવા માટે રાજકીય કુશળતા(સ્ટેટ્મેનશિપ) જોઈએ. આવી વિકટ પરિસ્થિતિમાં લોકોને સાથે રાખીને અને લોકોની તકલીફ અને જરૂરિયાતને નિવારવા માટે નક્કર પગલાં લેવા જોઈએ. ઉપરાંત તમામ લોકોની વિકટ સ્થિતિ અને જરૂરિયાત માટે સહાનુભુતિપૂર્વક કામ લેવું પડે. જ્યારે ખોરાક, આરોગ્ય અને રોજગારની સુરક્ષાને નકારવામાં આવે ત્યારે આશા પણ મરી પરવારે છે.

આ સંકટ કલ્પનાશીલ અને મહત્વાકાંક્ષી એવા રાજ્ય તેમજ નાગરિકોની ભાગીદારીને આહ્વાન કરે છે. ખોરાકનો અધિકાર, લઘુત્તમ વેતન સાથે કામ કરવાનો અધિકાર અને તમામને સ્વાસ્થ્ય સુવિધાની સમાન તક પ્રાપ્ત થાય, તેવાં મૂળભૂત અધિકારો સહુને આપવાની તક રાજ્ય એ ઝડપી લેવી જોઈએ.  આ અધિકાર  આપવાથી આપણને ગરીબી ઘટાડવામાં મદદ મળશે, આપણે રોગચાળાનો વધુ આત્મવિશ્વાસપૂર્વક અને સહકારની વ્યૂહરચના સાથે સામનો કરી શકીશું,. ખાદ્ય સુરક્ષા અધિનિયમનના અસરકારક અમલથી અનાજ અને દાળ સાર્વત્રિક રીતે પહોંચાડી શકીશું. પ્રાથમિક રોજગારીના મુદ્દાને ઍમ્પ્લોયમેન્ટ ગેરંટી ઍક્ટના વિસ્તારથી અને નવસંસ્કરણ દ્વારા અમલ કરી શકીશું. જાહેર અને ખાનગી સેવાઓ સાથે મળીને કામ કરે તે આજના સમયની માંગ છે.

આંબેડકર જયંતીના દિવસે વડાપ્રધાને બંધારણના આમુખને યાદ કરતા કહ્યું ” WE,THE PEOPLE OF India”(આપણે, ભારતના લોકો). જેમાં ભારતના બંધારણથી લોકશાહી વિકાસની વાત વણાયેલી છે. અત્યારે આપણે આપખુદશાહી-પિતૃસત્તાક વ્યવસ્થા અને સ્વાતંત્ર્ય, બંધુત્વ અને સમાનતાનો અધિકાર આપતાં લોકતંત્રમાંથી એકની પસંદગી કરવાની છે. આપણે વ્યક્તિના ગૌરવને સુનિશ્ચિત કરી શકીશું, ત્યારે જ આપણે એકતાની સાચી ભાવનાને આ લોકશાહી રાજ્યમાં સુરક્ષિત કરી શકીશું. બંધુત્વવાદના ખ્યાલને આપણા આમુખમાં સ્થાન આપવામાં આવ્યું છે. તો આ સિદ્ધાંતોનો ઉપયોગ મહા વિકટ પરિસ્થિતિનો સામનો કરવા કરવો જોઈએ.

–     અરુણા રોય અને નિખિલ ડે ના લેખનો રક્ષિત શાહ દ્વારા અનુવાદ.

One thought on “જ્યારે મૂળભૂત સુરક્ષાને નકારવામાં આવે છે, આશા મરી પરવારે છે

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s