પછી શું તમે ને હું જીવતા રહીશું ખરા?

આ લેખ તમારી પાસે આવે છે ત્યાં સુધીમાં આનંદ તેલતુંબડે અને ગૌતમ નવલખાને જેલમાં પૂરી દીધા હશે. એપ્રિલની શરૂઆતમાં સર્વોચ્ચ અદાલતે નારાજગી બતાવતા કહ્યું હતું કે આ બંને હજી સુધી મુક્ત કેમ ફરી રહ્યા છે. આ દેશમાં હવે ન્યાયનો અર્થ ‘એવા બધા લોકોનું જેલમાં જવું’ જેમનાથી સરકાર નારાજ છે. ન્યાયાલયો સરકારની મદદ માટે નહીં તો બીજા શા માટે છે ?

આ સરાસર અન્યાય છે. આ બે સાથીઓની ધરપકડ એ વર્તમાન સમયની સૌથી બિનજરૂરી જ નહીં પરંતુ તર્કહીન બાબત છે. ભારતીય રાજ્યશાસનને એ ખબર ન હોય કે આ મિત્રોને કોઈ અપરાધ વિના જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. એ વાત માની શકાય તેમ નથી. આ દેશમાં જો ન્યાય બચશે તો એ વાત જરૂર સાબિત થશે કે સરકારી દાવો પાયા વિનાનો હતો. 

આ સાથીઓની ધરપકડ તેમના પરિવારજનો માટે તો તકલીફ દેય છે જ પરંતુ, દેશની જનતાને તેથી વધુ ચિંતા થવી જોઈએ કારણ કે તેને (જનતાને) અભિવ્યક્તિ સ્વાતંત્ર્યથી વંચિત કરવા તેમજ ગુલામ બનાવવા તરફનું આ એક વધારાનું કદમ છે. કારણ કે આ બંને મિત્રો આખરે શું છે, વાણી સિવાય. તેઓ બોલે છે, લખે છે. એવા લોકો વિશે અને તેમના તરફથી કે જે મતદાતા તો છે, પરંતુ ચૂંટણીમાં મત આપ્યા પછી તેમને અપ્રાસંગિક બનાવી દેવાય છે. એટલું જ નહીં તેમને સદંતર માહિતીના અભાવમાં કે અંધકારમાં ધકેલી દેવાય છે. આનંદ તેમજ ગૌતમ જેવા વ્યક્તિઓ જનતા માટે અત્યંત મૂલ્યવાન છે. કારણ કે તેઓ જનતાને વિવિધ માહિતી પૂરી પાડે છે, જે મેળવવાનો તેમનો અધિકાર છે અને જરૂરિયાત પણ. આવા લોકો જેને અંગે જનતાએ હર હંમેશ સાવધ રહેવું જ જોઇએ તેવા રાજ્યના ઈરાદાઓ અંગે જ જનતાને માહિતગાર કરે છે એમ નહીં, પરંતુ જનતાને તેના પોતાના પૂર્વગ્રહોથી પણ ચેતવતા રહે છે.

અને તેથી જ તેમનો સંઘર્ષ બંને તરફનો છે. તેઓ શાસનની ટીકા કરે છે તો બીજી તરફ લોકની પણ ટીકા કરતાં અચકાતા નથી. આનંદ તેલતુંબડેની ગણતરી દલિત બૌદ્ધિકમાં થાય છે. પરંતુ તેઓ દલિતોમાં માત્ર એક જ સ્વરના પ્રભુત્વની વિરુદ્ધ લખતા રહ્યા છે. ગૌતમ નવલખાને માઓવાદીઓના તરફદાર માનવામાં આવે છે, પરંતુ માઓવાદીઓ તેમના પર હંમેશા વિશ્વાસ કરતા નથી. કારણ એટલું જ કે આ બંને સાથીઓને પોતાનો સ્વાર્થ નથી. તેઓ લોકોને કે સરકારને સારું લાગે તેવું નહીં જે સાચું છે તે કહે છે. ધરપકડની તલવાર આ બંને પર એક વર્ષથી વધુ સમયથી લટકેલી હતી. જ્યારથી દેશના જુદા જુદા વિસ્તારોમાંથી રાજકીય તેમજ માનવ અધિકાર કાર્યકર્તાઓને પકડવાની મુહીમ સરકારે શરૂ કરી હતી. પૂના પોલીસનો દાવો છે કે તેણે વડાપ્રધાનની હત્યાનું એક મોટું કાવતરું પકડી પાડયું છે. જે બધાને પકડવામાં આવ્યા છે, તે કાર્યકર્તાઓ આ ષડયંત્રના ભાગ હતા તેવું તેનું કહેવું છે. શું આ બંને કાર્યકર્તાઓની ધરપકડથી બધું બરાબર થઈ જશે ? જેમ લેખની શરૂઆતમાં કીધું છે, ફરી દોહરાવું છું – આ ધરપકડો બિલકુલ બિનજરૂરી અને અતાર્કિક છે તે પણ આવા વિશિષ્ટ સમયમાં.

અહીં જરા યાદ કરી લઈએ કે આ આખી વાતની શરૂઆત કેવી રીતે થઇ હતી. આ ધરપકડો કેટલી બેબુનિયાદ તેમજ છેતરામણી છે, તેનાથી આપણને તેનો ખ્યાલ આવશે.

૨૦૧૭ની ૩૧ ડિસેમ્બર અને ૨૦૧૮ની ૧લી જાન્યુઆરીએ પૂના પાસે ભીમા કોરેગાંવ નામની જગ્યાએ પેશવા રાજ્ય તેમજ ઈસ્ટ ઈન્ડિયા કંપની વચ્ચે થયેલ યુદ્ધમાં પેશવા પર કંપનીના વિજયની ૨૦૦મી વર્ષગાંઠના પ્રસંગે થયેલ દલિતોના એક મિલન ‘એલગાર પરિષદ’ પછી થયેલી હિંસાની તપાસમાંથી આ આખી વાતની શરૂઆત થઈ. હિંસા દલિતો ઉપર થઈ હતી. જેનો આરંભ બે હિન્દુત્વવાદીઓ સંભાજી ભિડે તેમજ મિલિંદ એકબોટે નામના શખ્સો પર હતો. પરંતુ મહારાષ્ટ્રના તે વખતના મુખ્યમંત્રીએ તેમને પોતાના તરફથી નિર્દોષ જાહેર કરી દીધા. આ બંને આજે આઝાદ ફરી રહ્યા છે. પરંતુ સાથે સાથે શ્રી ભિડેના એક શિષ્ય પૂનાના રહેવાસી તુષાર તામગુડેએ એક એફઆઈઆર દાખલ કરી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે એલગાર પરિષદમાં ઉશ્કેરણીજનક ભાષણો કરવામાં આવ્યા હતા. તેને કારણે જ હિંસા થઈ હતી. બસ આ એફ.આઇ.આર માત્રથી પૂના પોલીસની તપાસની દિશા બદલાઈ ગઈ.

એલગાર પરિષદનું આયોજન એક ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. એ સિદ્ધાંતનો પ્રચાર કરીને આયોજનમાં કોનું કોનું દિમાગ કામ કરતું હતું, તેની શોધ કરવાને નામે પોલીસોએ આખા દેશમાં જુદા જુદા સ્થળોએ છાપા માર્યા (રેડ પાડી)ને સુધા ભારદ્વાજ, શોમા સેન, રોના વિલસન, સુરેન્દ્ર ગાડલિંગ જેવા વકીલો, કાર્યકર્તાઓ અને કર્મશીલોની ધરપકડ કરવામાં આવી. આ બધા સાથીઓ એક યા બીજી રીતે લોકોનો અવાજ બનીને લોકોના પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે, તો કેટલાક કુદરતી સંસાધનોના ખાનગીકરણ વગેરે વિશે અવાજ ઉઠાવતા રહ્યા છે. આ બધાની વચ્ચે એવી વાત પણ ચલાવવામાં આવી કે (જે અંગે કોઇ પુરાવા હજુ સુધી સરકાર રજૂ કરી શકી નથી) આ લોકો વડાપ્રધાનની હત્યાનું કાવતરું કરતા હતા. આ બહાને લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આનંદ તેલતુંબડે તેમજ ગૌતમ નવલખાને અત્યાર સુધી ન્યાયાલયોમાંથી રાહત મળી હતી. પરંતુ આખરે ન્યાયાલયની ધીરજનો પણ અંત આવી ગયો. તે આ સાથીઓને બને તેટલી જલ્દી જેલમાં જોવા માંગતી હતી, અને તેમ કરવામાં આવ્યું. પ્રશ્ન એ છે કે જે સિદ્ધાંત પર તેમને અત્યાર સુધી રાહત આપવામાં આવી હતી તેમાં કોઈ ફેરફાર ન થયો હોવા છતાં શા માટે તેમને પકડી લેવાયા ? ખરેખર આ ધરપકડ સ્વતંત્ર ભારતના તાબુતમાં (શબ પેટીમા) એક વધુ ખીલો છે. સ્વતંત્ર ભારત એ શબ્દ જ્યારે વાપરું છું ત્યારે સ્વતંત્ર મગજના ભારતની વાત કરી રહ્યો છું. એ આઝાદી જે પોતાના લોકો સાથે મતભેદ કરવાની-હોવાની હિંમત આપે છે.

જે એલગાર પરિષદના તથાકથિત કાવતરાના માટે ગૌતમ અને આનંદને અદાલત જેલમાં મોકલી રહી છે તેના આયોજનના વિચાર સાથે અસહમતી જાહેર કરતા આનંદે જે લખ્યું હતું તે વાંચો અને વિચારો કે કેમ તેનું બહાર રહેવું તેમજ સ્વતંત્ર રહેવું જરૂરી છે,

‘ ૨૦૦ વર્ષ પહેલાં પુણેની ભીમા નદીને કિનારે વસેલું કોરેગાંવમાં અંગ્રેજો તેમજ મરાઠાઓ વચ્ચે છેલ્લું યુદ્ધ થયું હતું. આ યુદ્ધ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના મૂળિયાં વધુ ઊંડા લઈ ગયું હતું. આ લડાઈ માર્યા ગયેલા સૈનિકોની યાદમાં અંગ્રેજોએ આ યુદ્ધના મેદાનમાં એક વિશાળ શિલા-સ્થંભ બનાવડાવ્યો. જેના પર 49 લોકોના નામ લખ્યા છે. તેમાંથી 22 લોકોના નામની આગળ ‘નાક’ છે જે બતાવે છે કે આ લોકો મહાર હતા. આ સ્મારક સૈનિકોની બહાદુરીના પ્રતીકરૂપે બનાવવામાં આવ્યું હતું. 1883માં અંગ્રેજ સૈન્યમાંથી મહારને નોકરી ન દેવાના નિર્ણયને બદલવા માટેની વિનંતી કરવામાં પહેલી પીઠીના મહાન નેતાઓ જેવા કે બાબા વલંગકર, શિવરામ જનાબા કાંબલે તેમજ ડૉ.આંબેડકરના પિતા રામજી આંબેડકર દ્વારા આ હકીકતોનો જોરદાર ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અંગ્રેજ સૈન્યમાં મહારોને નોકરી ન આપવાનો નિર્ણય 1857ના બળવાના કારણે લેવામાં આવ્યો હતો.આ બળવા પછી અંગ્રેજોએ સૈન્યમાં ભરતી અંગેની પોતાની વ્યૂહરચના બદલીને કેવળ ‘લડાકુ જાતિ’ઓને પોતાના સૈન્યમાં જગ્યા આપી હતી. પરંતુ જ્યારે બાબાસાહેબ આંબેડકર ભીમા કોરેગાંવની લડાઈ અને પેશ્વા શાસનના જાતીય શોષણ વિરુદ્ધ મહાર સૈનિકોના યુદ્ધના રૂપમાં રજૂ કર્યું ત્યારે તેમણે ખરેખર તો એક ભ્રમણાની રજૂઆત કરી હતી. જેમ કોઈપણ આંદોલન ઊભું કરવા માટે કેટલાક ભ્રમની જરૂર હોય છે, શક્ય છે તેમને એ સમયની જરૂર લાગી હોય. પરંતુ તેની એક સદી વીતી ગયા બાદ જ્યારે આ ભ્રમ એક રીતે ઇતિહાસના ભાગરૂપે અપનાવાઈ ગયો છે અને દલિતોની ઓળખ સાથે જે રીતે જોડાઈ રહ્યો છે, તે એક ચિંતાનો વિષય હોવો જોઈએ.

ગયા થોડાં દિવસોમાં ઘણા દલિત સંગઠનનો એ આ લડાઈની ૨૦૦મી વર્ષગાંઠને લઇને એક અભિયાન શરૂ કર્યું છે. આ ઉજવણી માટે એક સંયુક્ત સંગઠન બનાવવામાં આવ્યું જેનો હેતુ નવી પેશાવાઈ એટલે કે હિંદુત્વના વધતા જતા બ્રાહ્મણવાદ વાળા શાસનની વિરુદ્ધ હુમલા કરવો. હિન્દુત્વ સામે લડવાનો નિર્ણય સરાહનીય જરૂર છે પરંતુ આ ઉદ્દેશ માટે વાપરવામાં આવી રહેલી ભ્રમ(મિથક) આ હેતુથી બિલકુલ ઊંધો છે. કારણકે આજે એ જ જ્ઞાતિવાદી પ્રવૃત્તિઓને વધુ મજબુત કરે છે જેમાંથી નીકળવાની જરૂર છે.’

આવું સાફ-સાફ જેણે દલિતોને કહ્યું, તેને હિંસા ભડકાવવાના ગુના હેઠળ પકડવા એ બાબત કોઇ તર્ક સાથે બેસતી નથી. આનંદ અને ગૌતમ, કે શોમા અને સુધાનો અર્થ છે કે સતત થનારો વિચાર-વિમર્શ. આ ચર્ચાઓ લોકશાહીના શરીરમાં લોહી સંચાર સમાન છે. તેના રોકાઈ જવાનો અર્થ છે કે લોકશાહીનું મરી જવું. તેના પછી શું તમે ને હું જીવતા રહીશું ખરા ?

અપૂર્વાનંદ (ધ વાયરમાંથી અનુવાદિત)

લેખક દિલ્હી યુનિવર્સિટીમાં અધ્યાપન કાર્ય કરે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s