શહીદની પત્ની

ગામના સૌને મોઢે એક જ વાત હતી,

          ‘સુણ્યા કે નહીં? હરિચરણનો છોરો રામચરણ શહીદ હોઈ ગયો.’

          ‘હા, સુણ્યા તો મૈ પણ છે કે, કાશ્મીર સીમા પે ડ્યુટી બજાવતાં રામચરણ શહીદ થઈ ગયો.’

રામચરણનાં મ્રૃત્યુના સમાચાર મળતાંની સાથે ઘરમાં રોકકળ મચી ગઈ.લાલુની દાદી, કાકી, ફોઈ બધી સ્ત્રીઓ ભેગી થઈને છાતી કૂટવા લાગી. હજી તો લાલુ આઘાતથી મૂઢ થઈ ગયેલી માને પૂછી રહ્યો હતો કે, ‘મા, આ સઘળા આવું કાંઈ કરે છે? મને તો ડર લાગે હે!’ ત્યાં તો સ્ત્રી વર્ગમાંથીએક આવીને માનો ચાંદલો ભૂંસવા લાગી તો બીજી પથ્થર લઈને એની કાચની બંગડીઓ તોડવા લાગી. દાદીએ માના હાથમાં સફેદ સાડલો મૂક્યો અને કહ્યું ‘દેખ બહુ, આજસે લાલ, હરા, પીલા રંગના સાડલા પહેરવાના બંધ. જા, જઈને આ રાંડેલાનો સાડલો પહેરી આવ.’

 રડી રડીને બેવડ વળી ગયેલી, લાલચોળ આંખોવાળી માને જોઈને પોતાનાં પેટમાં ગુંચળાં કેમ વળતા એ લાલુને ન સમજાતું પણ એને આ બધું ગમતું નહોતું એટલું તો નક્કી. બધાના સમજાવવા છતાં માનું રડવાનું અટકતું જ નહોતું. છેવટે દાદાજીએ આવીને કંઈક કડક અવાજે કહ્યું,

‘બસ હવે બહુ થ્યો લાલુકી મા, થારો સુહાગ ગ્યો તો અમે પણ અમારો છોરો ખોયો સે પણ અમે કાળજે પથ્થર એટલા વાસ્તે મૂક્યો હે કે, એ તો શહીદ થઈ ગ્યો સે. દેશનું રખોપું કરવા વાસ્તે એણે જીવ આપી દીધો ઈ વાતનું આપણને અભિમાન હોવું જોઈએ, સમજી?’

 નાનકડો 8-10 વર્ષનો લાલુ બિચારો શું સમાજે કે, શહીદ એટલે શું એને એટલું સમજાતું હતું કે, એના પાપા કોઈક એવી જગ્યાએ ગયા છે જ્યાંથી હવે કદીય પાછા ફરવાના નથી. એને પણ ખૂબ રડવું હતું પણ મા એને છાતીએ વળગાડતી અને રડતી ત્યારે એ ચૂપચાપ એનાં ચાંદલા વિનાનાં સૂનાં કપાળને જોયા કરતો.

ચાર-પાંચ દિવસ પછી રામચરણનો મ્રૃતદેહ ગામમાં લાવવામાં આવ્યો ત્યારે આખું ગામ ઉમટી પડ્યું હતું. જે લાકડાની પેટીમાં એને સૂવડાવ્યો હતો એની પર ત્રિરંગો વીંટાળવામાં આવ્યો હતો. ગામના સૌએ એને હાર પહેરાવ્યા હતા. જીપમાં બેસીને શહેરમાંથી નેતાજી પણ આવ્યા હતા. સરપંચ દાદા એમની આગળ-પાછળ ફર્યા કરતા હતા. હાથમાં માઈક લઈને નેતાજી બોલ્યા હતા,

 ‘આ ગામના સપૂત રામચરણે ભારતમાની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે. તમને સૌને એ વાતનું ગૌરવ હોવું જોઈએ કે, એ તમારામાનો જ એક હતો. એના માતા-પિતાને આવા પુત્રરત્નને જન્મ આપવા બદલ હું ધન્યવાદ આપું છું. આ પરિવારને શહીદ નિધિમાંથી સહાય મળે એ માટે હું પૂરા પ્રયત્ન કરીશ…’ આ પછી એ ઘણું બોલ્યા હતા પણ લાલુને તો રામચરણ અને શહીદ સિવાય બીજું કંઈ સમજાયું નહોતું.

 પિતાનાં નિર્જીવ શરીરને સ્મશાને લઈ જતા હતા ત્યારે સરઘસ કાઢીને ‘રામચરણ અમર રહો’ ‘શહીદકી જય હો’ ના નારા સાથે લોકો દોડતા હતા. આ બધું જોઈને લાલુને થયું, હવે કોઈ દિવસ મને મારા પાપાનું મોઢું જોવા નહીં મળે એમાં આ બધાને ખુશ થવા જેવું શું લાગતું હશે?

શરૂ શરૂમાં શાળામાં માસ્તરજી અને સાથે ભણતા દોસ્તો લાલુને શહીદ રામચરણ નાયકનો દીકરો કહીને માનથી જોતા. મા ને પણ ગામલોકો વીર શહીદની પત્ની કહેતા પણ ધીમે ધીમે બધું બદલાતું ગયું. એક દિવસ નિશાળમાં જીતુ કોઈ વાત માટે એની સાથે મારામારી  કરવા લાગ્યો ત્યારે માસ્તર સાહેબે એને કહ્યું’ જવા દે ને જીતુ, બાપ વગરનો છોકરો છે. એની સાથે શું ઝઘડવાનું? તમારા કુટુંબની ઈજ્જત આબરુ છે. આ વિધવાના દીકરા સાથે તારી શું સરખામણી?’

મા ના કપાળેથી હવે શહીદની પત્નીનું લેબલ નીકળીને વિધવાનું લેબલ ચોંટી ગયું હતું. ઘર આખાના ઢસરડાં એને માથે આવી ગયા હતા .એને માટે છપ્પરપગી, કાળમુખી ને અપશુકનિયાળ જેવા વિશેષણો વપરાતાં હતાં. દાદા અને કાકા ઘણીવાર કોરા કાગળ પર મા પાસે સહી કરાવી લેતા. આ બધી વાત સાથે કંઈ લેવા-દેવા ન હોય એમ એ યંત્રવત સહી કરી આપતી. રામચરણના જવાથી ઘરમાં બીજા કોઈને કંઈ ફરક પડ્યો હોય એવું નહોતું લાગતું, માત્ર મા દિવસે દિવસે વધુ ને વધુ દુબળી-પાતળી અને નિસ્તેજ થતી જતી હતી.

લાલુ શાળાએથી આવ્યો ત્યારે કોઈ દિવસ નહીં ને આજે માને સૂતેલી જોઈને ગભરાયો. અત્યારે તો એ સાંજની રસોઈની તૈયારી કરતી હોય એને બદલે સૂતી કેમ હશે? દોડતા એની પાસે જઈને એણે પૂછ્યું, ‘શું થયું મા? અટાણે કેમ સૂતી છે?’

 એને બોલતાં બહુ કષ્ટ પડતું હતું. માંડમાંડ એ બોલી, ‘થોડો તાવ છે. ગળું બહુ સુકાય છે. જરા પાણી લાવી આપ ને!”

 બહાર અજાણ્યા માણસો સાથે વાત કરી રહેલા દાદાને કહ્યું, ‘દાદા, મારી માની તબિયત બરાબર નથી.. જલ્દી ડૉક્ટરને બોલાવોને!’

  ‘છોરા, એમ કંઈ જરા જરામાં દાક્તરને ન બોલાવાય. તારી દાદી સૂંઠ- મરી નાખીને ઉકાળો પીવડાવે એટલે હમણાં ઊભી થઈ જાવેગી.’

માને માથે હાથ ફેરવતો અને આંસુ સારતો લાલુ બેઠો હતો ત્યાં દાદા અને કાકા પેલા મહેમાનો સાથે અંદર આવ્યા. દાદાએ સીધી વાત શરુ કરી, ‘ દેખ વહુ, સરકારે થારા નામે શહીદ ફંડમાંથી જમીન ફાળવી હૈ. આપણને તો એની જરૂરત ના હૈ. આ સાએબને બૌ મોટો ઈસ્ટોર કરવા વાસ્તે જમીન જોઈએ છે.મું ઈ બધા પૈસા લાલુના નામે બેંકમાં જ મૂકી દેવાનો છું. ચાલ ઊભી થા ને આ બધા કાગળ પર સહી કરી આપ!’

 ઊભા થવાના પ્રયત્નમાં મા પથારીમાં પડી ગઈ અને ડોકું ઢાળી ગઈ. એ સાથે જ દેશના મોરચે શહીદ થયેલા રામચરણની પત્ની ઘરના મોરચે શહીદ થઈને પતિની પાછળ ચાલી નીકળી.

(શુભકાંત બેહેરાની ઉડિયા વાર્તાને આધારે)                                         – આશા વીરેંદ્ર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s