શું શીખવે છે ‘કોરોના’ ? – ભાગ ૨

 કોરોનાનું સંક્રમણ કયાઁ થયું છે ? શહેરોમાં, જ્યાં દેશ-વિદેશથી યા બહારથી પ્રવાસીઓ આવ્યાં છે. માંસાહારના શોખથી જન્મી છે આ વિપત્તિ. ગામડાઓમાં જોવા મળેલા એકલદોકલ કેસ, સ્થાનિક રહેવાસીઓને કારણે નહીં, બહારથી આવેલાં વ્યક્તિઓના સંક્રમણથી થયાં છે. શહેર અને ગામડાંમાં ભારતનું વિભાજન કેમ થયું? બુદ્ધિજીવી વસ્યા શહેરોમાં. લોભે શહેરો બનાવ્યાં. શ્રમજીવી બચી રહ્યાં ગામમાં.

સમાજને સુચારું રૂપથી ચલાવવા માટે શાસન-રાજ્યનું સર્જન થયું. બુદ્ધિજીવીઓએ શાસન-સત્તા કબજે કરી. ભલાઈ-Benevolence નો વેશ ધર્યો. શ્રમજીવી સમાજ સત્તાધારીઓમાં વિશ્વસ મૂકીને સૂઈ ગયો. રાજ્યએ સુચારું નિયમન માટે કાયદાઓ ઘડયાં. બધાં માનવો એકસમાન છે, પણ થોડા લોકો બીજાઓથી વધુ સમાન છે – All men are equal, but some are more equal than others -ની સમાજ રચનાએ આકાર લીધો.

મનુષ્યને જીવવા માટે અનાજ, શાક, ફળ વગેરેની જરૂરિયાત છે. જે કુદરતી સંસાધનો (જળ, જંગલ, જમીન) પર શ્રમ કરીને પેદા થાય છે. મનુષ્યના જીવનનો એ આધાર છે. ધરતી માતાએ આપેલા આ પ્રસાદને આપણી સંસ્કૃતિમાં ‘લક્ષ્મી’ કહેવાય છે. તેને આપણે દેવતા માનીએ છીએ. ખરું જોતાં માનવ શરીર-શ્રમનું જ તે રૂપ છે. શ્રમજીવી એ એવો અનંતનાગ છે જેના પર પૃથ્વી સ્થિર છે. મનુષ્ય જીવન શ્રમજીવીના પરાક્રમથી ફુલે-ફળે છે. શ્રમજીવીના પ્રતિ માનવ સમાજે કૃતજ્ઞતા રાખવી જોઈએ.

કુદરત પરિગ્રહ કરવા નથી દેતી. વસ્તુનું રૂપ (પ્રસાદ રૂપમાં : લક્ષ્મી) એ ટૂંક સમયમાં નાશ થનારું – perishable છે. તેને લાંબો સમય સંગૃહીત કરી શકાતું નથી. લક્ષ્મી ઘર-ઘરમાં વહેંચી શકાય છે. સમાજને તે સંપન્ન બનાવી શકે છે.

 બુદ્ધિજીવી-સત્તાધારી વર્ગ, મહેનતથી બચવા માંગતો હતો. તેથી એવી સમાજ રચના કરી જ્યાં લક્ષ્મી સંગૃહીત કરી શકાય. વસ્તુ-વિનિમય વ્યવસ્થાથી શ્રમમૂલ્યથી વસ્તુઓ મેળવવાને બદલે વસ્તુઓ વિનિમયના સાધનના રૂપે રૂપિયો અવતરિત થયો. રૂપિયાને સંગૃહીત કરી શકાતો હતો. ધીમે-ધીમે ઉપભોગની વસ્તુઓની બજારમાં કિંમત શ્રમમૂલ્ય( ઉત્પાદનમાં જેટલો શ્રમ લાગ્યો હોય તેના પ્રમાણમાં) ન રહીને બજારમાં તેની માંગ અને પુરવઠાના આધાર પર નિશ્ચિત થવા લાગી. માંગ કૃત્રિમ રીતે પણ વધારી દઈ શકાય છે. ઉપભોગની વસ્તુઓનું મૂલ્ય નિશ્ચિત કરવાનો અધિકાર ઉત્પાદકના હાથમાંથી નીકળીને રૂપિયા સંગૃહીત કરવાવાળા બુદ્ધિજીવીઓના આધિપત્યમાં જવા માંડ્યો.

 રૂપિયા સંગૃહીત થઈ શકે તે માટે ‘સબૈ ભૂમિ ગોપાલ કી’ની સંસ્કૃતિમાં સુચારું નિયોજનને નામે વ્યક્તિગત માલિકીયતનો કાયદો બુદ્ધિજીવી સત્તાધારીઓએ ઘડ્યો. નૈસર્ગિક સંસાધન-જમીન હવે રૂપિયામાં ખરીદી શકાતી હતી. કાયદાની સુરક્ષા માટે રાજદંડ આવ્યો. રાજદંડ ભલાઈ-benevolenceના વાઘા પહેરીને બળવાન થતો ગયો. શરીર શ્રમ કર્યા વિના રૂપિયો હવે બજારમાં કમાઈ શકાતો હતો. શ્રમમૂલ્ય આધારિત અર્થવ્યવસ્થાએ ‘લફંગા રૂપિયા’(ઇતિ વિનોબા) ની સત્તાની સામે ઘૂંટણિયા ટેકવી દીધાં. મૂડીવાદી સત્તાનો જન્મ થયો. ‘લક્ષ્મી’ એ દેવતા હતી, હવે તેનું આસુરી રૂપ પ્રગટ થયું.

 જો આસુરી સત્તાને પરાસ્ત કરવી હોય તો અસુરને પરાસ્ત કરવો પડશે. અસુર છે ‘લફંગો’ રૂપિયો. આજે તેનું રાજ ચાલે છે બજારમાં. તે શ્રમજીવીને ભૌતિક વિકાસનું લોલિપોપ દેખાડે છે. બજાર એ મોહને પ્રોત્સાહન આપે છે. બજાર ‘લફંગા રૂપિયાની’ મદદથી શ્રમજીવીના શોષણનું સાધન છે, તેમને પરાવલંબન તરફ ધકેલનારુ, લાચાર બનાવનારુ, આ વાત સમજી લેવી પડશે. શ્રમજીવીએ બજાર તરફથી મુખ ફેરવી લેવું પડશે. આ પ્રવાહમાં આપણે વહી ન જઈએ તે બાબતે સજાગ રહેવું પડશે.

  બજાર-મુક્તિ એટલે ‘લફંગા રૂપિયા’ પરનું પરાવલંબન ઓછું કરવું. તે પોતાની કૃષિની મદદથી વધુને વધુ સ્વાવલંબનની તરફ વળવું. જીવનાવશ્યક વસ્તુઓના આદાન-પ્રદાનથી સમાજ-જીવનમાં વિવિધતા અને પ્રચુરતાના બીજ વાવવાં. લક્ષ્મીના પ્રસાદને શિરોધાર્ય માનીને સાદગીભર્યા જીવનમાં સમાધાન માનવું. પરસ્પર સહયોગથી શ્રમજીવી જીવનને સુસહ્ય બનાવવું. નષ્ટ કરેલ પર્યાવરણને પોતપોતાના ક્ષેત્રમાં પુનઃઉછેરવું. પરસ્પર મૈત્રી ભાવથી સહભાગી જીવનશૈલી( સહભાગી શાસન, સહભાગી શિક્ષણ વગેરે)ની રાહ ખૂંદવી.ધીરે ધીરે કાંચન મુક્તિ તરફ કદમ વધારવા. સગુણ-નિરાકાર સમાજની આરાધના કરવી. ગ્રામ-સ્વરાજ્ય તરફ કદમ વધારવા.

  બુદ્ધિજીવીઓએ  શ્રમજીવી જીવનનો આદર કરતા રહી, તેને આચરણમાં લાવે તો તેમનો સ્વીકાર કરવો જોઈશે. ‘શક્તિના નિયમની’ ઉપેક્ષા કરીને ‘પ્રેમના નિયમની’ સ્થાપના કરવી જોઈશે. ગાંધીએ રસ્કિનના પુસ્તક ‘અન ટુ ધીસ લાસ્ટ’(સર્વોદય)થી પામેલી શિખામણ – “કૃષકનું જીવન સૌથી મંગળમય જીવન છે”- આ વાતને અનુભૂતિમાં ઉતારવી જોઈશે.

‘સ્વાવલંબનને માટે ખેતી’ એ પહેલો પડાવ. સર્વાનુમતિથી નિર્ણય લેવાની આચાર-સંહિતા બીજો. સમાજ-નિષ્ઠા એ ત્રીજો પડાવ છે.

ઉલ્હાસ જાજુ(૦૬/૦૪/૨૦૨૦)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s