કોરોનાને કારણે અર્થવ્યવસ્થા પર થયેલી માઠી અસરો ખૂબ ચર્ચામાં છે. કોરોના સામેની લડાઈની સાથે અર્થવ્યવસ્થાને કઈ રીતે સંભાળવી એ આજનો સળગતો પ્રશ્ન સરકાર સન્મુખ ઊભો છે. પોણા ત્રણ લાખ કરોડ ડૉલર પર સ્થિર થયેલી અર્થવ્યવસ્થા એ પાંચ લાખ કરોડ ડૉલર સુધી ઉડાન ભરશે એવું સપનું આપણે જોઈ રહ્યાં હતા. વિશ્વનાં ૮૬% અબજપતિઓ દેવાળીયા થવાનો વારો આવી શકે છે, તેવી આજની પરિસ્થિતી છે. મુકેશ અંબાણીની સંપત્તિ પાછલાં બે માહિનામાં ૨૮% ઓછી થઈ ગઈ છે. વિશ્વબેંકના અંદાજ મુજબ ભારતનો વિકાસદર ૪.૮%થી ૫% ઘટીને ૧.૫%થી ૨.૮% પર આવી જશે. આનો અર્થ એવો છે કે, ન તો સરકાર કે ન બજારમાં રોકડ બચવા પામશે. આજે પણ રાજ્ય સરકાર પાસે પોતાના અધિકારીઓને પગાર આપવાના પૈસા નથી.
તો પછી બજારમાં ખેડૂતને પાકની કિંમત કઈ રીતે મળશે ? જયારે બજારમાં પોતાની જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા જશે ત્યારે તેની પાસે તે માટે રૂપિયા ક્યાંથી આવશે ? કૃષિ કેન્દ્રો પાસેથી ઉધારમાં લાવેલાં બીજ, રસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વગેરેના પૈસા ચૂકતે કર્યા વિના તેમને ફરીથી કઈ રીતે તે મળશે?
એપ્રિલ અને મે મહિનાઓ ખેતીની પૂર્વ તૈયારી માટેના હોય છે. હવે વગર ખર્ચાની ખેતી તરફ વળવું જ પડશે. જો રોકડિયા પાકો કપાસ, સોયાબીન વગેરેની કિંમત બજારમાંથી ન મળવાની હોય, તો ખેડૂત માટે હવે કયો રોકડિયો પાક બચશે ? જે જીવન ઉપયોગી વસ્તુઓ છે તેની માંગ શહેરના બુદ્ધિજીવી લોકો કરશે. તેમાં પણ વર્ષા આધારિત ખેતીને એટલે કે ખરીફ પાકને વધુ પ્રાથમિકતા આપવી પડશે, કારણ કે મોટાભાગના ખેડૂતો પાસે સિંચાઇની વ્યવસ્થા નથી અથવા અધુરી છે. સોયાબીનને બદલે જુવાર પર આવવું જ પડશે. કપાસની રોપણી સ્વાવલંબન પૂરતી કરીએ. ( ‘દોઢ ક્વિન્ટલ દેશી કપાસ’ – ગ્રામ સેવા મંડળ, ગોપુરી, વર્ધાની વસ્ત્ર સ્વાવલંબન યોજના છે) તેટલો કપાસ રોપીને બાકીની જમીન ખાદ્ય પદાર્થો ( જુવાર, બાજરી, ડાંગર, નાગલી વગેરે, કઠોળ વર્ગના – મગ, મઠ, અડદ, તુવેર, ચોળી વગેરે, ઉપરાંત દેશી અનાજો – રાજગરો વગેરે, તેલ વર્ગનાં – તલ, મગફળી, કુસુમ વગેરે અને શાકભાજી તથા ફળ) માટે તૈયાર કરવી પડશે.
શેરડી વાવો તો તે ગ્રામોદ્યોગ દ્વારા પોતાના તેમજ આજુબાજુના વિસ્તાર માટે ગોળ બનાવવા થઈ રહે તે પૂરતી જ કરવી. (ખાંડ બનાવવાના કારખાના માટે નહીં) પોતાના બૃહદ પરિવારના અન્ન સ્વાવલંબન માટે આ જરૂરી બનશે. જે પેદાશો પોતાની જરૂરિયાતથી વધારે થઈ હોય તેનાથી શહેરના બુદ્ધિજીવી વર્ગની માંગ પૂરી કરવા માટે પોતે નક્કી કરેલા ભાવે પોતાના ઘરેથી જ વેચશે, આને માટે ખેડૂત બજારે નહીં જાય. આ રીતે આ વર્ષે ખરીફના રોકડિયા પાકો હશે – જુવાર, બાજરી, તેલીબિયાં, કઠોળ, અનાજ અને શાક-ફળ રહેશે. રવી પાકોનું આયોજન પણ ખેડૂતોએ આ દૃષ્ટિથી જ કરવું પડશે. અન્ન સુરક્ષા એ પહેલી પ્રાથમિકતા રહેશે અને બજાર મુક્તિ આપણું લક્ષ્ય હશે.
હાલની પરિસ્થિતી એવી છે કે કપાસ ખેતરેથી નીકળીને ઘરે આવી ગયો છે, પણ વેચાતો નથી. સરકાર ટેકાનો ભાવ આપી શકશે અને ક્યારે આપી શકશે તેનો કોઈ ભરોસો નથી. હાથમાં પૈસા નથી, શહેરના બજારમાં શાકભાજીના ભાવ ઊંચા છે, પણ પૈસા શાકના વેપારી અને વચેટિયાઓ પાસે જાય છે. કારણ કે ખેડૂત પોતે બજારમાં પોતાના શાક-ફળ વગેરે વેચી શકે તેવી વ્યવસ્થા હજુ ઊભી થઈ નથી. ડુંગળીની બજાર કીંમત ૩૦ થી ૪૦ રૂપિયા છે જેમાંથી ખેડૂતને માત્ર ૮ રૂપિયા મળે છે. હાફૂસ કેરીની કીંમત (જે મોટેભાગે નિકાસ કરવા માટેનો રોકડિયો પાક છે) અડધાથી પણ નીચે જઈ રહી છે. શહેરના બજારમાં શાક-ફળ પહોંચાડવાનું પણ અઘરું હોય છે. જલ્દી બગડી જાય તેવા પાકો ખેતરમાં જ પડી રહે યા ઢોરોને ખવડાવી દેવાય એવી પરિસ્થિતી થઈ છે.
બાજરી–જુવાર કરવી હોય તો આખા ગામ અને વિસ્તારમાં કરવી પડે છે નહીં તો તેના દાણા પક્ષીઓ ખાઈ જાય છે. ખેતીની પેદાશોની યોગ્ય કિંમત મેળવવી હોય તો આખા ગામે ખેતીની પાક-યોજના બનાવવી પડે અને સાથે વચેટિયાઓ વિનાની વેચાણની વ્યવસ્થા પણ કરવી પડે. હવે ખેતી માટે આખા ગામે એક થવું જરૂરી છે, તો જ સામા વહેણે આપણે ટકી શકીશું. આજ છે આપણી સામુહિક સાધના. કોરોના ખેડૂતોને સ્વાવલંબન માટે સજીવ ખેતી તરફ વળવાનો નિર્દેશ કરી રહ્યો છે. ગ્રામસભાના સંગઠન તરફવાળી રહ્યો છે. સહયોગ કરવાની દિશા દેખાડી રહ્યો છે. વિશાળ-પરિવારની રચનાનો સંકેત આપી રહ્યો છે. આ હકીકતની સોનેરી બાજુ એ છે કે સ્વાવલંબન માટે ખેતી કરનાર ખેડૂત અને તેને મદદરૂપ થનાર શ્રમજીવી વર્ગ, પોતાની મહેનતથી અન્નસુરક્ષા પ્રાપ્ત કરી શકશે.
આનું કારણ આપણે સારી રીતે સમજી લેવા જેવું છે – ‘લફંગા રૂપિયાની અર્થવ્યવસ્થા’થી ‘લક્ષ્મીનું વરદાન જેને મળેલું છે તેવી અર્થવ્યવસ્થા’ (શ્રમ પ્રધાન સહયોગી લેબર કરેન્સી) તરફ આગળ વધીએ, સંગઠિત થઈએ તો ! ઉપરોક્ત અર્થવ્યવસ્થાને અપનાવવી એ આપણી સરકારના લોકાભિમુખ ચરિત્રની અગ્નિ પરીક્ષા હશે.
ડૉ. ઊલ્હાસ જાજૂ(સેવાગ્રામ, વર્ધા)
શું શીખવે છે ‘કોરોના’ ? ભાગ ૧થી ૬, સમગ્ર લેખ શ્રેણીનું અનુવાદ દેવાંગે કર્યું છે.