- કોરોનાના સંક્રમણને કારણે શહેરોમાં મજૂરી કરનારો બહુ મોટો વર્ગ પોતાના ગામોમાં જઈ રહ્યો છે, અને તે જશે, કારણ કે તે ગામમાં વધુ સુરક્ષા અનુભવે છે. તેમના વસાવવાની વ્યવસ્થા તો વિચારવી જ પડશે.
- કૃષિ અને ગ્રામોદ્યોગ જ એવાં બે ક્ષેત્ર નજરે ચડે છે જેમના ભરોસે તેઓ સ્વાશ્રયી થઈ શકશે. તેથી આપણી કૃષિ અને ગ્રામોદ્યોગ આધારિત અર્થરચનાને પ્રાથમિકતા આપવી પડશે.
- માત્ર વરસાદના ભરોસે ખેતી કરતાં ખેડૂતો આનંદપૂર્વક જીવી શકે તેવી વ્યવસ્થા નિર્માણ કરવી પડશે.
- શ્રમજીવી વર્ગ (ખેડૂત તથા ખેતમજૂર) પોતાના જીવનની જરૂરિયાત પૂરી કરી શકે તેવું માળખું ઊભું કરવું જોઈએ.
- આજની અર્થવ્યવસ્થામાં મૂડીનું જ રાજ ચાલે છે. બજાર તેનું માધ્યમ છે. તેને બદલે શ્રમનું(લક્ષ્મીનું) રાજ ચાલવું જોઈએ. ત્યારે જ શ્રમજીવી સુખેથી જીવી શકશે. શ્રમજીવી વર્ગને માટે બજારથી વધુમાં વધુ મુક્તિ એ પહેલું પગથિયું હશે. આ સિક્કાની બીજી બાજુ જોઈએ તો ‘સ્વાવલંબન માટે ખેતી અને ગ્રામોદ્યોગનો’ મંત્ર અર્થવ્યવસ્થામાં સ્થાપિત કરવો પડશે.
- શ્રમજીવી વર્ગમાં ખેડૂતો અને ભૂમિહીન મજૂરો છે. આ બંનેમાં સહયોગ જરૂરી છે, નહીં તો ખેડૂત વિરુદ્ધ મજૂર એવી સ્થિતિ ન ઊભી થવા પામે! બીજી રીતે જોઈએ તો ખેડૂતે મજૂરોનો વિશ્વાસ સંપાદન કરવો પડશે. એટલે કે ખેડૂત અને મજૂર બંનેએ મળીને એક સંયુક્ત કુટુંબ બનાવવું પડશે. કારણ કે ખેતી એ શ્રમના સહયોગ વિના થઈ જ ન શકે. આજે શ્રમની કિંમત રૂપિયામાં અંકાય છે. બજાર કે જ્યાં રૂપિયાનું જ રાજ છે, તેના પર આધારિત મજૂર, તેના શ્રમની અંકાતી કિંમતમાંથી જીવન જરૂરિયાતોને પૂરી નથી કરી શકતો. જો મહેનતાણું રૂપિયાને બદલે, ખેડૂત તેના ખેતરમાં ઉત્પાદિત થતી જીવન જરૂરી પેદાશોના રૂપમાં આપે તો ખેડૂત અને મજૂર બંને બજાર મુક્તિ સાધી શકશે. બજાર મુક્તિનો અર્થ છે, શોષણ મુક્તિ. પરસ્પરાવલંબથી સંબંધ પણ વિકસશે.
આનો મતલબ એ પણ છે કે ધરતીમાતા શ્રમના પ્રસાદના રૂપે જે-જે જીવનજરૂરી વસ્તુ આપી શકે છે ( જૈવ વિવિધતા, એકથી વધુ પાક વગેરે દ્વારા) તેને શ્રમજીવીનું સહિયારું કુટુંબ (ખેડૂત + મજૂર) ખેતીથી મેળવશે.
- ખેડૂત એકાકી પાક કે રોકડિયો પાક લેવાનું ટાળશે, તેને બદલે તે અનેક વિધ ઉત્પાદનો(લક્ષ્મી = અનાજ, ફળ, શાકભાજી, મસાલા વગેરે) લેશે, સ્વાવલંબન માટે તેમજ વિવિધતા દ્વારા અન્ન-સુરક્ષા મેળવવા, ખેડૂત આ બધું કરશે.
- અન્નને ભગવાન માનનારા, ઝેર-મુક્ત અનાજ તરફ વળશે, રસાયણિક ખેતીથી છૂટકારો મેળવવા માંગશે, સજીવ ખેતીના વિજ્ઞાનથી ધરતીની ફળદ્રુપતા ફરીથી મેળવશે. ખેતીથી મેળવેલ લક્ષ્મીને પોતાના સાથીદારોમાં સહયોગ કરીને વહેંચશે, અને તેનું બૃહદ કુટુંબ સમૃદ્ધ થશે. જીવનમાં સાદાઈ હશે, શ્રમ તો રહેશે જ, પણ એકલાપણું નહીં રહે. અસુરક્ષાનો ભાવ ઓછો થશે, સંતોષ હશે. શ્રમ સંસ્કૃતિ( સમતા, બંધુતા અને સ્વતંત્રતા)ની રચના કરશે.
લોકાભિમુખ સરકારે શું-શું કરવું જોઈએ ?
- ખેતીમાંથી મળેલ કોઈ પણ ઉત્પાદન આયાત કે નિકાસ નહીં કરે.
- ખેતરમાં થતા ઉત્પાદન બજાર શોધવા જિલ્લાની બહાર ન જાય, તો જ સ્થાનિક માંગને ધ્યાનમાં લઈને ખેતીનું ઉત્પાદન થશે અને બજાર શોધવા જવું પડે એટલે કે સ્વદેશી ભાવનાને પૂરક બને તેવો વ્યવહાર થશે.
- જે ઉત્પાદનો ગ્રામોદ્યોગ દ્વારા થઈ શકે છે, તેમને માટે મોટા ઉદ્યોગો ઊભાં કરવાનું ટાળવામાં આવે, જેથી ગ્રામોદ્યોગોને રક્ષણ મળે.
- ખેતીની જે પેદાશોને જિલ્લાની બહાર મોકલવાની જરૂરિયાત લાગતી હોય તેનો અધિકાર સરકાર પ્રાઈવેટ સેકટરને ન જ આપે અને સાર્વજનિક વિતરણ વ્યવસ્થા દ્વારા જ તેની વહેંચણી વગેરે કરવામાં આવે.
- સજીવ ખેતીને પ્રોત્સાહન આપવા માટે નીંદણનાશક(Pesticide, Herbicide) અને રસાયણિક ખતરો પર પ્રતિબંધ મૂકવામાં આવે. જેવું છત્તીસગઢના દંતેવાડામાં કરવામાં આવ્યું છે.
- ખેત પેદાશોના ઉત્પાદનમાં થનાર ખર્ચથી બમણો ટેકાનો ભાવ મળશે તેવી ખાતરી સરકાર આપે. (સ્વામીનાથન કમિશન મુજબ સજીવ ખેતીની પેદાશોને દોઢ ગણા ટેકાના ભાવની ભલામણ છે.)
- ગૌ-સંવર્ધનને પ્રોત્સાહન મળે. (સંકરિત નહીં પણ સ્થાનિક જાતો, જેમના બળદો પણ ખેતીમાં કામ લાગે).
- ઉર્જા સ્વાવલંબન માટે ગોબર ગૅસ તથા સૌર ઉર્જાને વધુ પ્રાથમિકતા આપવામાં આવે.
- જળ-જમીનની જાળવણી માટે ‘પાણી ફાઉન્ડેશન’ દ્વારા મહારાષ્ટ્રમાં વર્ષ ૨૦૧૯ સુધી રાજ્ય સ્તરીય ‘સ્ત્યમેવ જયતે વૉટર કપ સ્પર્ધા’ રાખવામાં આવતી હતી. તેવી સ્પર્ધાઓ શરૂ કરીને ગ્રામ-સમાજના શ્રમદાનથી તેમની ભાગીદારી મેળવવી.
- આરોગ્ય સેવા, શિક્ષણ, ગૅસ સિલિન્ડર(ઉજ્વલા યોજના), પીવાનું પાણી, અનાજ-સહિતનું રેશન આ સઘળું સામાજિક સુરક્ષાના ભાગ રૂપે ગામડાંના સમાજને મળે.
સ્વયંસેવી ક્ષેત્રમાં કયા કયા પ્રયોગો થવા જોઈએ ?
- મોટા ખેડૂતો જેઓ પોતે ખેતી કરી શકે તેનાથી વધુ જમીન ધરાવે છે તેઓ પોતાની વધારાની કેટલીક જમીન શ્રમ આધારિત જીવન જીવવા ઇચ્છુક યુવા દંપતીઓને સાધન, સુવિધા અને લઘુત્તમ મૂડીની સાથે, ‘સ્વાવલંબન માટે ખેતીના પ્રયોગ’ એ વર્તમાન સમયમાં કેટલા વ્યાવહારિક છે તેની પરખ માટે ઓછામાં ઓછું ત્રણ વર્ષ માટે આપે. સમાજ આને ખેડૂતોના સામાજિક યોગદાન તરીકે આ પ્રવૃત્તિને જુએ.
- આવાં Visionary યુવા-દંપતી, જો સામુહિક ખેતીનો પ્રયોગ કરવા ઈચ્છે તો જે મિત્રો આવા કામોમાં વિશ્વાસ ધરાવે છે તેઓ તેમને ટેકો કરીને પોતાની સામાજિક પ્રતિબદ્ધતા દર્શાવે.
– ઊલ્હાસ જાજુ(સેવાગ્રામ, વર્ધા)