વિશ્વમાં – ખાસ કરીને ત્રીજા વિશ્વમાં – વિકાસનું સ્વરૂપ અને માળખું એવું જોવા મળે છે કે નિષ્ણાત ડિઝાઇન-નકશો બનાવે, સરકાર તેનો અમલ કરે, વહીવટ તંત્ર તેનું વ્યવસ્થાપન કરે, બળુકા તેનો લાભ લે અને ગરીબ / મેહનત કરનાર તેની કિંમત ચૂકવે. આ હકીકત ગયા 70 કહો કે 200 વર્ષની વાસ્તવિકતા રહી છે પછી તે ખાણ હોય, કારખાના હોય કે નદી પર બાંધવામાં આવેલ બંધ હોય.
‘વિકાસ’ એ નિષ્ણાત-રાજકારણી-અધિકારી-સ્થાપિત હિતવાળાનું ફરજંદ હોવાથી જાણે વિમાનમાંથી / પેરાશૂટમાંથી ન ઉતરતો હોય તેવો સંસ્થાનવાદી અભિગમ જોવા મળે છે. આ અભિગમના લક્ષણો નીચે મુજબના હોય છે :
- વિકાસના પ્રોજેક્ટ માટે વધુ પડતી જમીન લોકો પાસેથી બળજબરીપૂર્વક લેવી.
- જાહેર હિતની કોઈ સ્પષ્ટ વ્યાખ્યા કરવી નહી.
- લાભ-ખર્ચનું કોઈ પારદર્શી મૂલ્યાંકન નહીં.
- પર્યાવરણ પર થનારી અસરનું વિશ્લેષણ નહીં.
- સામાજિક અસરનો વિચાર નહીં.
- અસર પામનારા લોકો સાથે કોઈ સંવાદ નહીં.
- જૂજ રોકડ વળતર. પરિણામ સ્વરૂપે આદિવાસી, ખેડૂત, શ્રમિક, ગ્રામીણ વ્યક્તિએ શહેર તરફનો રસ્તો પકડવો પડે, રસ્તાની પડખે ‘ભૂરા પ્લાસ્ટિક’ના છાપરા નીચે અથવા ઝુંપડપટ્ટીમાં રહેવું પડે. અને પછી કહેવાતો ભણેલો વર્ગ એમને ગુનેગાર, શહેર પરનો બોજ ગણે.
આ અંગે સવાલ પૂછનારને ‘વિકાસ વિરોધી’, ‘દેશ વિરોધી’, ‘નક્સલ’નો બટ્ટો લગાડી દેવાય ત્યાર પછી જવાબ આપવાની જરૂર રહેતી નથી. હકીકત એ છે કે જવાબ થોડા સમય માટે ટાળી શકાય, હંમેશ માટે નહી. ‘ઉપદ્રવી’ના સવાલના, સ્વસ્થ મૂલ્યાંકન, તટસ્થ વ્યક્તિઓની સલાહ વહેલા-મોડા ગણકારવી તો પડતી જ હોય છે.
આવા પ્રયત્નોના પરિણામ સ્વરૂપે જ આપણે દેશમાં માહિતી અધિકારનો કાયદો, રોજગાર બાંહેધરીનો કાયદો, આદિવાસીઓ માટે જમીન અધિકારનો કાયદો, જમીન સંપાદનનો ૨૦૧૩નો નવો કાયદો, અન્ન સુરક્ષાનો કાયદો વગેરે હાલના વર્ષોમાં પસાર કરવાની ફરજ પડી છે. પરંતુ કાયદાઓનો યોગ્ય અમલ થાય તે માટે જુદી લડત, ફરીથી લડત, સતત લડત લડવી પડે તે આપણી લોકશાહીની વિડંબના છે. કાયદાનો અમલ ન કરવો પડે, માત્ર દેખાડવાથી ચાલી જાય તેવો પ્રયત્ન સ્થાપિત હિતોનો હોય જ. પરંતુ કાયદો કાગળ પર આવે એટલે સિદ્ધાંત સ્વીકારવો પડે એ સ્પષ્ટ છે.
સરદાર સરોવર, નર્મદા બંધને 1980ના દાયકામાં ગુજરાતની જીવાદોરી તરીકે આગળ કરવામાં આવ્યો. કારણકે ન-પાણીયા વિસ્તારને પીવાનું પાણી, દુકાળગ્રસ્ત વિસ્તારને પિયત ના વાયદા જોરશોરથી કરવામાં આવ્યા હતા. અને નર્મદા બંધ બંધાતા ગુજરાતના બધા પ્રશ્નો હલ થઇ જશે તેવું સ્વપ્ન રજૂ કરવામાં આવ્યું હતું. જે હવે બંધ, પાણી-પિયતને કોઈ યાદ નથી કરતુ. આજે આ વિસ્તરમાં હવે પર્યટન, સી-પ્લેન, બોટિંગ, રીવેર રાફ્ટિંગ, શોપિંગ મોલ, પ્રાણી સંગ્રહાલયની ઝાકજમાળ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં મોલ ઓછા હોય તેમ નદી, પહાડ, જંગલની વચ્ચે મોલ બનાવવાનો શો મતલબ છે? કે પછી પહાડ નીચે ને નદી કિનારે “શોપિંગ” નો નશો કઈ જુદો હોય છે?

વાગડીયા, કેવડીયા, કોઠી, નવાગામ, લીમડી અને ગોરા – આ છ ગામોની જમીન નર્મદા બંધ અને નહેર માટે 1962-63માં લેવાઈ. તેનું વળતર અપાયું પ્રતિ એકર રૂ. 50થી 250. પછી બંધનું સ્થાન બદલાયું, બંધ બંધાયો વડગામની ભૂમિમાં. પણ લીધેલી જમીન ખેડૂતોને પાછી શું કામ આપવી? એવો સરકારનો અભિગમ રહ્યો ને આજ સુધી છે.
વાસ્તવિકતા એ છે કે…
- વધુ પડતી જમીન નું સંપાદન થયું હતું.
- મોટાભાગની સંપાદિત જમીન કોઈ દિવસ વપરાઈ નહી.
- જે હેતુ માટે સંપાદન થયું હતું તે માટે વપરાઈ નથી, હેતુફેર કરવાં આવ્યો.
- જમીનનો કબજો લોકો પાસે જ રહ્યો.
જમીન સંપાદન કાયદો, 2013, મુજબ જો પાંચ વર્ષ માટે આ જમીન, જે હેતુથી સંપાદન કર્યું હોય તે માટે વપરાય નહીં તો તે સંપાદન ફોક થવું જોઈએ, જમીન તેના મૂળ માલિકને મેળવી જોઈએ. પણ કોઈ કાયદાનો સામાન્ય લોકોને લાભ મળતો હોય તો તે કાયદો કેવી રીતે રહેવા દેવાય? દેશમાં ઠેક-ઠેકાણે ખેડૂતો-આદિવાસીઓ આ કાયદાનો સહારો લઈને પોતાની જમીન પાછી મેળવવાનો પ્રયત્ન કરવા મંડ્યા. વાત સુપ્રીમ કોર્ટમાં ગઈ.
કોર્ટે કાયદાનું અર્થઘટન કરવાને બદલે અર્થ જ જાણે બદલી નાખ્યો. જેને પરિણામે ખેડૂત અને રાજ્ય અથવા ઉદ્યોગ- ગૃહ વચ્ચેના જમીનને લગતા વિવાદમાં લાભ બળુકા પક્ષ એટલે કે રાજ્ય અને ઉદ્યોગ ગૃહોને મળશે તેવો ચુકાદો આપ્યો. છ ગામની ગુજરાત હાઈકોર્ટની લડતમાં પણ લોકોની હાર થઇ. આજે હવે સરકાર કોરોના લોકડાઉન છતાં, ખરેખર તો લોકડાઉનનો લાભ લઈને લોકોની જમીનનો કબજો લેવા આ છ ગામમાં પોલીસ ઉતારી રહી છે. આ બધું શેન માટે? લોકડાઉન પૂરું થાય ત્યારે પર્યટક સી-પ્લેન, બોટિંગ, રીવેર રાફ્ટિંગ, શોપિંગ મોલ, પ્રાણી સંગ્રહાલય માટે આવશેને?
આશ્ચર્ય એ વાતનું છે કે બીજા અનેક મહત્વના કામો બાજુ પર મુકી આ કોરોના કાળમાં સરકારને પ્રવાસન માટેના પ્રોજેક્ટ માટે આદિવાસીઓની જમીન કબજે કરવાનું સૂઝે છે. આ ‘જરૂરી સેવાઓ’ની નીચે આવે છે?
દરેક બાબતમાં બનતું હોય છે તેમ બધા નિયમો, કાયદાઓ ગરીબોને લાગુ પડે છે. બળુકા વર્ગ કે શાસનને જે કરવું હોય તેમાં કશું આડે આવતું નથી. કાયદો પણ તેમના હાથમાં છે અને સ્થળ પર પોલીસ દ્વારા જોહુકમી પણ તે ચલાવી શકે છે.
આટલા વિપરીત સંજોગોમાં પણ લોકો લડી રહ્યા છે. કારણ કે જમીનો જ તેમની જીવાદોરી છે. અને તેમને ખાતરી છે કે ખેતી જ ‘આત્મનિર્ભરતા ‘ તરફ જવાનો સાચો માર્ગ છે નહિ કે પ્રવાસન – વળી કોરોનાએ પણ આ સુપેરે સમજાવી દીધું છે.
– સ્વાતિ