કોરોના / કોવિડ -19ની મહામારીને ખતમ કરવા માટેની દેશવ્યાપી તાળાબંધીની 50 દિવસ પૂરા થવામાં છે. ત્યારે અત્યાર સુધીની પરિસ્થિતિનું આકલન કરીને નીચેના પ્રશ્નોના સાચા તથ્યો આધારિત જવાબો મેળવીએ એ ખૂબ જરૂરી છે:
- આ તાળાબંધી કેટલી જરૂરી હતી?
- મહામારીને અટકાવવામાં તે કેટલી અસરકારક રહી છે?
- અત્યારની પરિસ્થિતિ શું છે?
- આવનારા દિવસોમાં શું કરવાની જરૂર છે?
એક વાયરસને રોકવા માટે 1.35 અબજ લોકોની વસતીવાળા આખા દેશને બંધ કરી દેવાનો આ કદાચ પહેલો દાખલો હશે. છતાં, એક ખતરનાક બીમારીથી બચવા માટે એમ કરવું જરૂરી છે એમ માનીને આપણે સૌએ એને ટેકો આપ્યો છે અને અનેક મુશ્કેલીઓ વેઠીને તેનું પાલન પણ કરી રહ્યા છીએ.
સરકારના પ્રખર આલોચકોએ પણ તાળાબંધીની જરૂરિયાતના મુદ્દે સરકારની કોઇ ટીકા નથી કરી. સંકટના સમયે આમ આખો દેશ એક થાય એ ઘણી સરાહનીય બાબત છે. આમ છતાં, અને કદાચ એટલે જ, હવે 50 દિવસ પછી તો આપણે આ પ્રશ્નો ઉઠાવીએ અને એના સાચા જવાબ મેળવવા કોશિશ કરીએ એ ખૂબ જરૂરી છે. લોકતાંત્રિક દેશના નાગરિક તરીકે એ આપણી ફરજ પણ છે.
એ તો સૌ સ્વીકારે છે કે આ તાળાબંધી તેમજ સોશીયલ ડીસ્ટંસીંગ વિગેરેને કારણે આપણે ખૂબ મોટી આર્થિક અને સામાજિક કિંમત ચૂકવી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં હજી વધારે કિંમત ચૂકવવાની થશે.
આપણે એ પણ જાણીએ છીએ કે આ પગલાંઓને લીધે સરકારોની અને ખાસ કરીને પોલિસની દંડાત્મક સત્તામાં અસીમ વધારો થઇ ગયો છે, જેનો દુરુપયોગ પણ થઇ શકે છે અને જોવા પણ મળી રહ્યો છે. અને દેશમાં જ્યાં ઇચ્છીએ ત્યાં રહેવાના અને કામ ધંધો કરવાનો મૂળભૂત અધિકાર અને સ્વતંત્રતા પણ કોરાણે મુકાઇ ગઇ છે. તેમ છતાં એક વાયરસે પેદા કરેલા અસાધારણ સંકટનો સામનો કરવા માટે આ પગલાંને આપણે વાજબી માન્યા છે. એટલે આ લેખમાં આ બીજા મુદ્દાઓને બાજુ પર રાખીને આ મહામારીને કાબુમાં લેવા માટે તે કેટલા જરૂરી હતા અને કેટલા અસરકારક પૂરવાર થયા છે એની જ ચર્ચા કરીશું.
કોરોના કોવિડ-19 શું છે?
કોરોના કોવિડ-19 એ શરદી કે ફ્લુ જેવો જ શ્વસનતંત્રનો ચેપી રોગ છે જે વાયરસથી થાય છે. કોવિડ-19નો આ રોગ જે વાયરસથી થાય છે તેને SARS-CoV-2 (સાર્સ – કોરોના વાયરસ -2) નામ આપવામાં આવ્યું છે. ડિસેમ્બર 2019માં ચીનના વુહાન શહેરમાં સૌ પ્રથમ વાર તે માણસમાં પ્રવેશેલો અને અત્યાર સુધીમાં તો દુનિયાના કેટલાયે દેશોમાં ફેલાઇ ચૂક્યો છે. આ વાયરસ સાવ નવો છે એવું નથી. તે ઘણી બાબતોમાં તેની પહેલાના SARS-CoV વાયરસ જેવો જ છે, જેણે 2003માં ચીન અને દક્ષિણ-પૂર્વી એશિયાના દેશોમાં Severe Acute Respiratory Syndrome (SARS)નામનો રોગ ફેલાવેલો.
શ્વસનતંત્રના બધા વાયરલ રોગોની જેમ આ રોગમાં પણ એકવાર આપણને એનો ચેપ લાગે પછી એ આપણા ગળાના (અને પછી ફેફસાના) કોષોમાં વૃદ્ધિ પામે છે અને આપણે 5-7 દિવસ સુધી ઉધરસ કે છીંક ખાતી વખતે ડ્રોપલેટ મારફત એને ફેલાવીએ છીએ. આ દરમિયાનમાં આપણું શરીર એની સામેના એન્ટેબોડીઝ પેદા કરીને વાયરસને મારી નાંખે છે. આ એન્ટીબોડીઝ આપણા શરીરને આ કે એના જેવા વાયરસ સામે કાયમ માટેની રોગ પ્રતિકારક શક્તિ (ઇમ્યુનિટી) પ્રદાન કરે છે. જેમને આ રોગનો ચેપ લાગ્યો હોય એમાંથી 80% લોકોમાં તો કોઇ લક્ષણો પણ જોવા નથી મળતાં કે સાવ હળવાં લક્ષણો જોવા મળે છે, બીજા (10-15%)માં ઉધરસ, શરદી, તાવ અથવા માથાનો દુખાવો જેવા સામાન્ય લક્ષણો જોવા મળે છે અને ફક્ત 5-10% ને જ શ્વાસની તકલીફ જેવાં ગંભીર લક્ષણો જોવા મળે છે. આ ગંભીર લક્ષણો પણ વાયરસને કારણે નહીં પરંતુ એને ખતમ કરવા એન્ટીબોડીઝ લડે ત્યારે ફેફસાના કોષોને જે નુકસાન થાય તેને કારણે તેમજ તેના પર ન્યુમોનીયાનો ચેપ લાગે તેના કારણે પેદા થાય છે.
જે રીતે આપણા શરીરમાં કોરોનાનો રોગ એની જાતે જ 5-7 દિવસમાં ખતમ થઇ જાય છે, તેમ સમાજમાં પણ એની મહામારી (એપીડેમિક) પણ 2-3 મહિનામાં એની જાતે જ ખતમ થઇ જાય છે. શરૂઆતમાં આપણા કોઇનામાં આ રોગ સામેની ઇમ્યુનિટી હોતી નથી, એટલે વાયરસ ઝડપથી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાવા માંડે છે. પરંતુ જેમ જેમ વધારે ને વધારે લોકોને એનો ચેપ લાગતો જાય છે, તેમ તેમ તેઓ સૌ એની સામે ઇમ્યુનિટી પણ મેળવતા જાય છે અને એટલે ફરી એમને એ રોગ લાગી શકતો નથી. આવી ઇમ્યુનિટી ધરાવનાર વ્યક્તિઓનું પ્રમાણ સમાજમાં વધતું જાય તેની સાથે વાયરસ માટે ઇમ્યુનિટી વગરની વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું મુશ્કેલ બનતું જાય છે અને તેઓ નવી વ્યક્તિને ચેપ આપ્યા વગર જ મરવા માંડે છે. આમ થોડા વખતમાં આ મહામારી ખતમ થઇ જાય છે, સમાજમાં ઇમ્યુનિટી વગરની ઘણી વ્યક્તિઓ હોવા છતાં. સમાજમાં લોકો રોગ થવાને કારણે તેની સામે ઇમ્યુનિટી મેળવી લઇને પોતાને જ નહીં પરંતુ બાકીના ઇમ્યુનિટી વગરના લોકોને પણ રોગ સામે રક્ષણ આપે છે. આ બાબતને હર્ડ ઇમ્યુનિટી (Herd Immunity) કહે છે. આ હર્ડ ઇમ્યુનિટી જ મહામારીને ખતમ કરે છે.
ભારતમાં કોરોના મહામારીની તરાહ અને સ્થિતિ
આકૃતિ 1 આપણા દેશમાં 1લી માર્ચથી 15 મે 2020 સુધી દરરોજ કોવિડ 19ના કેટલા નવા કેસો નોંધાયા તે દર્શાવે છે. ડાબી ધરી દરરોજ નવા કેટલા કેસો નોંધાયા (5 દિવસની ચાલુ સરેરાશના સ્વરૂપમાં, જેથી રીપોર્ટીંગની ભૂલોને કારણે પેદા થતી વિસંગતિઓ દૂર થઇ જાય) તે દર્શાવે છે, જે ભૂરા સ્તંબના સ્વરૂપમાં દર્શાવ્યા છે. જ્યારે જમણી ધરી આ જ આંકડા દર 10 લાખની વસતીએ કુલ કેટલા નવા કેસો નોંધાયા તે દર્શાવે છે, જે કેસરી રેખાના સ્વરૂપમાં દર્શાવ્યા છે. આ આકૃતિ દર્શાવે છે કે 24 માર્ચના રોજ જ્યારે તાળાબંધીની લાદવામાં આવી ત્યારે દૈનિક નવા કેસોની સંખ્યા 95 (10 લાખની વસતીએ 0.06ની) જેટલી હતી, અને ત્યાં સુધીમાં કુલ 469 કેસો નોંધાયા હતા અને 10 વ્યક્તિઓ મૃત્યુ પામી હતી. આ તમામ કેસો વિદેશ પ્રવાસેથી પાછા આવેલા કે તેમના કુટુંબીજનો કે તેમના સીધા સંપર્કમાં આવેલ વ્યક્તિઓના જ હતા.
તે એ પણ દર્શાવે છે કે 25મી માર્ચ પછી પણ નવા કેસોની સંખ્યા સતત વધતી જ રહી છે અને 15 મે સુધીમાં રોજના 4000 (દસ લાખની વસતીએ 2.93) કેસો સુધી પહોંચી ગઈ છે. શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 85,940 (દસ લાખે 64) થયા છે અને કુલ મૃત્યુ 2752 (દસ લાખે 2.00) થયા છે. આ તમામ કેસો એવા છે જેમનો ટેસ્ટ પોઝીટીવ હોય. એમાંના મોટાભાગનાને તો કોઇ લક્ષણો નથી. આઇસીએમઆરના પ્રતિનિધિએ 21 મી એપ્રિલના રોજ કરેલ પ્રેસ બ્રીફિંગ મુજબ, લગભગ 80% કેસોમાં રોગના કોઇ લક્ષણ જોવા મળતા નથી. (https://www.ndtv.com/india-news/coronavirus-80-per-cent-cases-asymptomatic-matter-of-concern-medical-research-body-icmrs-scientist-t-2214799). બીજા 15% કેસોમાં હળવાથી મધ્યમ લક્ષણો જોવા મળે છે અને ફક્ત 5% જ ગંભીર લક્ષણો ધરાવે છે, જેને વેન્ટિલેટરની જરૂર પડી શકે છે.

આ આંકડા શું દર્શાવે છે?
સૌપ્રથમ તો આ આંકડા એ દેખાડે છે કે માર્ચ મહિનામાં દેશમાં કોરોનાને લઇને એવી કોઇ જ કટોકટી ઊભી નહોતી થઇ કે જેને ડામવા માટે આવી દેશવ્યાપી તાળાબંધી કરી દેવી પડે. 24 માર્ચ સુધીમાં દેશમાં કોરોનાના 500 થી ઓછા કેસો નોંધાયા હતા અને એમાંથી 10 વ્યક્તિઓ મૃત્યુ પામી હતી. આની તુલનામાં આપણા દેશમાં દરરોજ ટીબીના સરેરાશ 7370 નવા કેસો થાય છે અને રોજ 1260 જેટલા લોકો મૃત્યુ પામે છે. તેમ છતાં, હજી સુધી કોઈએ ટી.બી. થી થતા આ મૃત્યુથી બચાનવા માટે તાળાબંધી કરવાની હાકલ કરી નથી.
એવું કહેવાય છે કે આ એક નવો જ રોગ છે, જેની સામે કોઇ દવા કે રસી નથી અને એણે બીજા દેશોમાં તબાહી મચાવી જ દીધી હતી, એટલે આપણા દેશમાં એને ઉગતો જ ડામી દેવા માટે તાળાબંધી જરૂરી હતી. નવા રોગને ઉગતો ડામી દેવાનો ઉદ્દેશ્ય તો ઉમદા જ હતો અને એની સામે કોઇને વાંધો ન જ હોય. પરંતુ એ માટે શું તાળાબંધી જ ઉપાય હતો? તે માટેનો સારામાં સારો ઉપાય તો એ દિવસોમાં વિદેશથી આવનારા બધા જ લોકોને 15 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરી દેવાનો હતો, જેથી એમાં કોઇ પણ વ્યક્તિ ચેપવાળી હોય તો તે પોતાના ઘરે જતા પહેલા સાજી અને વાયરસ મુક્ત થઇ જાય. પરંતુ આપણે તેમ ન કર્યું. માત્ર તેમને ચકાસીને જેમનામાં લક્ષણો હતાં એવા જ લોકોને અલગ કરીને ક્વોરેન્ટાઇન કરેલા. આના કારણે લક્ષણો વગરના ઘણા લોકો બહાર આવી ગયા અને રોગને ફેલાવવા લાગ્યા. માર્ચના અંતમાં પણ, છેલ્લા એક મહિનામાં વિદેશ યાત્રાથી પરત ફર્યા હોય તેમને અને તેમના સંપર્કોને શોધીને એમને 15 દિવસ માટે અલગ (ક્વોરેન્ટાઇન) કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું હોત તો પણ એ આખા દેશને બંધ કરી દેવા કરતા સહેલું હતું.
બીજી વાત આ આંકડા એ કહે છે કે જો તાળાબંધી કરવી જ હતી તો પણ પ્રવાસી શ્રમિકોને પોતાને ઘરે જતા અટકાવવા માટે કોઇ કારણ નહોતું. ત્યારે આખા દેશમાં 500 થી પણ ઓછા કેસો હતા અને તે પણ વિદેશયાત્રાથી પાછા આવેલા કે એમના કુટુંબીજનોમાં જ હતા. એટલે તે સમયે પ્રવાસી શ્રમિકોને આ રોગનો ચેપ લાગ્યો હોવાની સંભાવના શૂન્ય હતી. અને એટલે તેઓ પોતાની સાથે આ વાયરસ લઇ જશે અને પોતાના વતનનાં ગામો અને નગરોમાં તે ફેલાવશે એ વાત સાવ કાલ્પનિક હતી. તેમ છતાં, આપણે એમને તેમના વતન જવા દેવાનો કોઇ સમય પણ ન આપ્યો અને વ્યવસ્થા પણ કરી નહીં. એટલું જ નહીં, નાનાં બાળકો, વૃદ્ધ કે સગર્ભા બહેનો સહિત તેઓ જ્યારે પોતાની રીતે પગે ચાલીને જવા માંડ્યા, ત્યારે એમને રસ્તામાં જ રોકી દીધા કે કામચલાઉ જેલોમાં પૂરી દીધા અને કેટલાયે કેસોમાં એમની સાથે પ્રાણીથી પણ બદતર વ્યવહાર કર્યો. પોતાના બાવડાના બળે પ્રામાણિક રોજી રળતા આ લોકોને બીજાની દયા માયા પર જીવવાને મજબૂર બનાવી દીધા. પ્રવાસી શ્રમિકો સાથેનો આ વ્યવહાર તાળાબંધી પરનો મોટામાં મોટો ધબ્બો છે.
ત્રીજી બાબત આ આંકડા એ જણાવે છે કે આ તાળાબંધી અને સોશીયલ ડીસ્ટંસીંગ દ્વારા આપણે મહામારીને ઉગતી જ ડામી દેવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છીએ. હકીકતમાં તો કેસોની સંખ્યા દિવસે દિવસે વધતી જ રહી છે અને હવે તો કુલ કેસોની સંખ્યા 85,940 (10 લાખે 64) જેટલી થઇ ગઇ છે અને રોજના 4000 નવા કેસો નોંધાયા છે.
તબીબી નિષ્ણાતો એક દલીલ એવી કરે છે કે આ તાળાબંધીનો ઉદ્દેશ્ય વાયરસને શરૂઆતમાં જ ખતમ કરી દેવાનો નહીં, પરંતુ એની ઝડપ ઓછી કરી દેવાનો હતો, જેથી એક દિવસના મહત્તમ કેસોની શિખર સંખ્યા (ટોચ) નીચે લાવી શકાય અને આપણી આરોગ્ય વ્યવસ્થા વધારે પડતા કેસોના ભારથી તૂટી ન પડે.
પરંતુ એ પણ ખાસ મોટા પાયે થઇ રહ્યું હોય એવું જોવા મળતું નથી. નવા કેસો વધવાનો દર કદાચ થોડો ઘણો ધીમો થયો છે. પરંતુ હજી તો આપણે ટોચ પર પહોંચ્યા નથી. અને અત્યારે હવે જે ઝડપથી કેસો વધી રહ્યા છે એ જોતાં મહત્તમ દૈનિક કેસોની શિખર સંખ્યા ખરેખર કેટલી નીચી આવશે એ કહેવું મુશ્કેલ છે.
આરોગ્ય વ્યવસ્થા પર એક સાથે વધારે પડતા કેસોનો ભાર ન આવી પડે તે ઉદ્દેશ્ય હાંસિલ કરવાનો સારામાં સારો રસ્તો જેમને આ રોગથી વધારે જોખમ છે, એવા 65 વર્ષથી મોટી ઉંમરના તેમજ ડાયાબીટીસ, બ્લડ પ્રેસર, કેન્સર જેવા બીજા ગંભીર રોગો ધરાવનારાઓને ઘરની અંદર પણ માસ્ક, સોશિયલ ડીસ્ટંસીંગ, વગેરે દ્વારા આ રોગથી બચાવવાનો છે. જેમને જોખમ નથી એવા બાકીના લોકોને પોતાના કામ ધંધા ચાલુ રાખવા દેવાનો છે, જેથી તેઓ રોગ મેળવીને તેની સામે ઇમ્યુનિટી મેળવી લે અને હર્ડ ઇમ્યુનિટી પ્રસ્થાપિત કરવા માંડે.
આની સાથે જોડાયેલો મુદ્દો એ છે કે સોશિયલ ડીસ્ટંસીંગ કે તાળાબંધી જેવાં પગલાં ભરવા હોત તો પણ તે પાછળથી ભરવા જોઇએ. શરૂઆતમાં મહામારીને રોક્યા વિના એને આગળ વધવા દેવાનો છે, જેથી કરીને વધારે ને વધારે લોકો એની સામે ઇમ્યુનિટી મેળવતા જાય અને આપણે હર્ડ ઇમ્યુનિટી પ્રસ્થાપિત કરી શકીએ. અને જરૂર પડે તો પાછળથી આ વધારાના પગલા પણ લાગુ પાડી શકીએ, જેથી હર્ડ ઇમ્યુનિટી અને આ ઉપાયો એમ બંને મળીને મહામારીને ઝડપથી ખતમ કરી દે. પરંતુ એમ ન કરતાં આપણે શરૂઆતથી જ આખા દેશમાં તાળાબંધી લાગુ કરી દીધી. એમ કરવાથી મહામારી વધારે સમય સુધી રહે છે અને હર્ડ ઇમ્યુનિટી સ્થપાતી નથી, પરિણામે પ્રતિબંધો ઉઠાવી લઇએ ત્યારે મહામારી પાછો ઉથલો મારે છે અને ફરી શરૂ થઈ જાય છે.
જેમને વધારે જોખમ છે એમના પર બધું ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આપણે તો જેમને કોઇ લક્ષણો પણ નથી એવા લોકોને પણ અત્યાર સુધી 14 દિવસ સુધી હોસ્પીટલોમાં રાખ્યા છે. (જોકે હવે આવા કેસોમાં ઘરે સારવાર લેવાની છૂટ આપવામાં આવી છે). એને કારણે પણ હોસ્પીટલો પરનું ભારણ વધ્યું છે, જેની સીધી અસર ગંભીર લક્ષણોવાળા દર્દીઓની સારવાર ઉપર પણ પડે છે.
અત્યારની પરિસ્થિતિ શું છે ?
આ વધતા જતા કેસો સાથે પણ આપણા દેશની પરિસ્થિતિ હજુ એટલી ખરાબ નથી અને બીજા દેશોની સરખામણીમાં તો ઘણી સારી છે. અત્યાર સુધીમાં આપણે ત્યાં 74,281 (દસ લાખે 55) જેટલા કેસ થયા છે અને 2415 મરણ થયા છે. પ્રતિદિન નવા કેસોની સંખ્યા 3700 (દસ લાખે 2.8) જેટલી છે. આની સરખામણીમાં અમેરિકાના કુલ 12 લાખ (દસ લાખે 3600) કેસ નોંધાયા છે અને 70000 (દસ લાખે 200) લોકો મૃત્યુ પામ્યા છે અને યુરોપના 14 લાખ કેસ તથા 1.44 લાખ લોકો મૃત્યુ પામ્યા છે.
આપણી સ્થિતિ સારી છે તે તાળાબંધીને લીધે છે એવી પણ એક દલીલ થઇ રહી છે. પરંતુ એ સાચું નથી. તાળાબંધી, સોશીયલ ડીસ્ટંસીંગ વિગેરેથી પરિસ્થિતિ થોડી હળવી થઇ શકે છે, આવો ધરખમ તફાવત નથી પડતો. અને એમ હોત તો આંકડાઓમાં એ જરૂરી દેખાત.
આપણી પરિસ્થિતિ સારી છે એનું એક કારણ કદાચ એ છે કે દક્ષિણ પૂર્વી એશિયાના અન્ય દેશો, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડની જેમ આપણા દેશમાં પણ જે વાયરસ આવ્યો એ નરમ પ્રકારનો છે, જ્યારે દક્ષિણ કોરિયાથી ઇરાન થઇને ઇટાલીથી ન્યુયોર્ક ગયેલો વાયરસ વધારે તીવ્ર પ્રકારનો હતો. અથવા બીજું કારણ એ પણ હોઇ શકે કે આપણે ત્યાં આ મહામારી શિયાળો પૂરો થયા પછી માર્ચ મહિનામાં ફ્લુની સીઝન પૂરી થયા પછી શરૂ થઇ એટલે પણ એ નરમ હોય.
એ જે હોય તે, પણ આપણે ભૂલવું ન જોઇએ કે તાજેતરમાં જે ઝડપથી કેસો વધવા માંડ્યા છે તે જોતાં હજી પણ પરિસ્થિતિ વણસી શકે છે. એટલે બધું સારું છે એમ માનીને શાંતિથી બેસી શકીએ એમ નથી.
હવે શું કરવું જોઇએ ?
હવે શું કરવું એ સવાલ પર આવીએ ત્યારે એ તો સ્પષ્ટ છે કે તાળાબંધી કે સોશીયલ ડીસ્ટંસીંગ કે જેમને ચેપ લાગ્યો હોય એ બધાને શોધીને અલગ હોસ્પીટલમાં ક્વોરેન્ટાઇન કરી દઇને મહામારીને આગળ વધતી અટકાવવાના પ્રયત્નો કેસો ઓછા હતા ત્યારે પણ નિષ્ફળ ગયા છે. એટલે હવે જ્યારે કેસો ખૂબ વધી ગયા છે ત્યારે એ ઉપાયો ચાલુ રાખવાનો કોઇ મતબલ નથી.
તેને બદલે,નવો જ અભિગમ અપનાવીને આ તાળાબંધીના પ્રતિબંધોને દૂર કરવા જોઈએ અને જેમને એનાથી જોખમ નથી એ લોકોમાં આ રોગ ફેલાવા દેવો જોઇએ, જેથી ઝડપથી હર્ડ ઇમ્યુનિટી પ્રસ્થાપિત થવા માંડે. અને આપણી બધી શક્તિ અને ધ્યાન વૃદ્ધો તેમજ ગંભીર બિમારીવાળા લોકોને આ રોગથી બને ત્યાં સુધી બચાવવા માટે તેમજ રોગ થાય તો તેમને તરત જ યોગ્ય સારવાર મળી રહે તેના પર કેન્દ્રિત કરવું જોઇએ. વેલોર મેડીકલ કોલેજના ડો. જયપ્રકાશ મુલીયિલ જેવા પ્રતિષ્ઠિત એપીડેમીયોલોજીસ્ટ 14 એપ્રિલે તાળાબંધીનો પહેલો તબક્કો પૂરો થયો ત્યાર પહેલેથી આ અભિગમ અપનાવવાની સલાહ આપી રહ્યા છે. પરંતુ આપણે એ ધ્યાને નથી લીધી. કમસેકમ હવે તો એ ધ્યાને લઇએ એ સમયનો તકાજો છે.
મહામારીને ખતમ કરવા માટે એને વધવા દેવાનો આ અભિગમ સહેલાઇ ગળે ઉતરે એવો નથી. અને કેસો જ્યારે કૂદકે ને ભૂસકે વધી રહ્યા હોય, ત્યારે તો એ અપનાવવાની બીક લાગે એ પણ સ્વાભાવિક છે. પરંતુ આપણે એ ભૂલવું ન જોઈએ કે વ્યવહારમાં એક માત્ર હર્ડ ઇમ્યુનિટી જ (એની રસી ન મળે ત્યાં સુધી) આ મહામારીને ખતમ કરી શકે છે. અને એ પણ ન ભૂલવું જોઇએ કે આ રોગના 80-90 ટકા કેસો કાં તો લક્ષણો વગરના કે ખૂબ હળવા લક્ષણોવાળા જ છે, જેમને કોઇ સારવારની જરૂર નથી. એટલે 70000 કેસોમાંથી પણ 7000 થી 14000 એવા કેસો છે જેમને કદાચ હોસ્પિટલોમાં દાખલ કરવાની જરૂર પડી શકે અને માત્ર 3500 થી 7000 કેસોમાં જ ઓક્સિજન કે વેન્ટીલેટરની જરૂર પડી શકે એમ છે. માટે જેમને જોખમ નથી એવા મોટાભાગના લોકો માટે તો આ રોગનો ચેપ લાગવો એ ખરેખર તો એની રસી મળવા જેવી બાબત છે, જે એની સામે કાયમી ઇમ્યુનિટી આપે છે.
આ અભિગમ અપનાવવાનો અર્થ એ થાય કે :
- તમામ ચેપી કેસો અને તેમના સંપર્કોને શોધીને એમને ક્વોરેન્ટાઇન કરવાના બધા પ્રયાસો બંધ કરી દઇએ. આ ઉપાયો કારગર નથી નિવડ્યા અને વધતા જતા કેસો જોતાં એનો અમલ કરવો- કરાવવો અશક્ય છે.
- જેટલું બને એટલું જલ્દી તાળાબંધીનો અંત લાવીએ અને જલ્દીમાં જલ્દી ઉદ્યોગો, ધંધા, રસ્તા, રેલ્વે તેમજ વિમાન દ્વારા થતા જાહેર પરિવહન પરના તમામ પ્રતિબંધો હટાવી લઇએ અને શાળાઓ-કોલેજોને ખોલી દઇએ.
- માસ્ક પહેરવો, 2-મીટરનું અંતર જાળવવું, જેવા સામાજિક અંતર જાળવવાના નિયમોના ફરજિયાત અમલીકરણનો અંત લાવીએ. જે લોકો તેનું પાલન કરવા માગતા હોય તેઓ ચોક્કસ એમ કરી શકે છે.
- વૃદ્ધો અને ગંભીર રોગો ધરાવતી વ્યક્તિઓને કાયમ, પોતાનાં ઘરોમાં પણ, કડક સામાજિક અંતર (માસ્ક, અંતર, વગેરે) નું પાલન કરવાની સલાહ આપીને ચેપથી બચાવીએ. અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી, તેઓ ઘરના અન્ય સભ્યો સાથે પણ બને તેટલું અંતર જાળવીને અલગ રૂમમાં રહે એવી સલાહ આપીએ.
- એમને ન્યુમોનિયા અથવા શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તેમને તરત જ સમયસર સારવાર આપીએ.
- તમામ ખાનગી હોસ્પિટલો / ચિકિત્સકોને કોવિડ-19 દર્દીઓની સારવાર કરવાની મંજૂરી આપીએ. અલબત્ત, એક શરતે કે તેઓ જે દર્દીઓને સારવાર આપશે એમની સ્થિતિ અંગેના દૈનિક રિપોર્ટ એમણે આપવાના રહેશે. આવા સંજોગોમાં દેશની સંપૂર્ણ આરોગ્ય સેવાઓને સાંકળવી જરૂરી છે.
- આ મહામારી કેવી રીતે આગળ વધે છે એનું નજીકથી અને ઝીણવટપૂર્વક ધ્યાન રાખીએ હર્ડ ઇમ્યુનિટી વિકિત થઇ રહી છે કે નહીં એના પર નજર રાખવા માટે નિયમિત સેમ્પલ કેસોમાં એન્ટિબોડી ટેસ્ટ કરતા રહીએ. આ માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં, પણ રાજ્ય અને જિલ્લા સ્તરે પણ થવું જોઇએ અને મહામારીની સ્થિતિને આધારે જુદા જુદા રાજ્યો માટે જુદી જુદી વ્યૂહરચનાઓ અપનાવીએ.
સ્પષ્ટ છે કે આ વાતો આપણે અત્યાર સુધી જે કરતા અને સાંભળતા આવ્યા છીએ તેનાથી વિપરીત છે અને એટલે સ્વીકારવી મુશ્કેલ છે. આશા રાખીએ કે આપણે બદલાતી પરિસ્થિતિને અનુરૂપ નવો માર્ગ અપનાવવાની વિનમ્રતા અને સાહસ ધરાવીએ. એનાથી આ રોગ વિશેની ખોટી બીક પણ આપણા મનમાંથી નીકળી જશે. તાળાબંધી અને સોશિયલ ડીસ્ટંસીંગના નિયમોની સૌથી મોટી આડઅસર એ પેદા થઇ છે કે એણે આ રોગ વિશે એવો તો હાઉ પેદા કરી દીધો છે કે આપણે આપણા પડોશીઓને પણ બીક અને શંકાની નજરે જોતા થઇ ગયા છીએ અને વરસોથી આપણને ઘરકામમાં મદદ કરતા બહેનો કે ભાઇઓથી પણ ડરી રહ્યા છીએ. આ માહોલમાંથી આપણે જેટલી ઝડપથી બહાર આવી જઇએ એટલું સારું.
અંબરીષ મહેતા