રેલવે અને રોગચાળો – ગાંધીજી શું કહે છે?

ઇંગ્લેન્ડથી દક્ષિણ આફ્રિકા પાછા ફરતા મહાત્મા ગાંધીએ 1909માં હિન્દ સ્વરાજ લખ્યું હતું. આ પુસ્તકમાં, એક વાચકની ભૂમિકા ભજવતા, તે વિવિધ પ્રશ્નો પૂછે છે અને સંપાદકની ભૂમિકામાં તેમના જવાબો આપે છે.

‘હિંદુસ્તાનની દશા–રેલવેઓ’ એ પ્રકરણનો ભાગ અહીં મુક્યો છે. ગાંધીજી તેમાં આપણી સામે પાયાના કેટલાક પ્રશ્નો ખડા કરે છે.

– આપણે જેને સુધારો માનીએ છીએ તે સુધારો છે કે કુધારો?

ટેકનોલોજી અને યંત્ર આવવાથી આપણી ઝડપ વધી તે ચોક્કસ છે, પરંતુ તેનાં જોખમો આપણા ધ્યાનમાં છે ખરા?

ગાંધી માને છે કે રોગચાળો ફેલાવવા પાછળ એમની ભાષામાં રેલવે પરંતુ સમજવાની રીતે જોઈએ તો પરિવહનનો મોટો ફાળો છે. આજે કોરોનાની બાબતમાં પણ એ એટલું જ પ્રસ્તુત લાગે છે. વૈશ્વિકરણના લાભના ફળોનો સ્વાદ લેવો આપણને પસંદ છે…પરંતુ તેનાથી વૈશ્વિક સ્તરે જે જોખમો ઉભા થયા છે તેને આપણે પુરતા સમજતાં નથી ત્યારે તેની સામેની સજ્જતાની તો વાત જ બાજુએ રહી. હિંદ સ્વરાજ વાંચીને આપણે દરેક પોતાના ગાંધીને પામીએ તેવી પ્રાર્થના સાથે…

-સં


वाचक : હિંદુસ્તાનની શાંતિનો જે મારો મોહ હતો તે તમે લઈ લીધો. હવે તો મારી પાસે તમે કંઈ રહેવા દીધું હોય એમ યાદ આવતું નથી.

अधिपति : હજુ તો તમને માત્ર ધર્મની દશાનો મેં ખ્યાલ આપ્યો છે. પણ હિંદુસ્તાન કેમ રાંક છે, એ વિશે તમને મારા વિચારો હું જણાવીશ ત્યારે વખતે તમને મારી ઉપર જ તિરસ્કાર છૂટશે; કેમકે જે કંઈ આજ સુધી તમે અમે લાભકારક માન્યું છે તે મને તો ગેરલાભકારક જણાય છે.

वाचक : એવું વળી શું છે?

अधिपति : હિંદુસ્તાનને રેલવેએ, વકીલોએ ને દાક્તરોએ કંગાલ બનાવ્યું છે. તે દશા એવી છે કે, જો આપણે વેળાસર નહીં જાગીએ તો ચોમેરથી ઘેરાઈ જઈશું.

वाचक : આપણો સંઘ દ્વારકા જશે કે નહીં એ વિશે મને ધાસ્તી છે. તમે તો બધું જે સરસ જોવામાં આવ્યું છે, મનાયું છે, તેની ઉપર જ હુમલો શરૂ કર્યો! હવે શું રહ્યું?

अधिपति : તમારે ધીરજ રાખવી પડશે. સુધારો તે કેવો કુધારો એ તો મુસીબતે માલૂમ પડે તેમ છે. તબીબો તમને કહેશે કે, ઘાસણીના દરદવાળો મોતના હાડા લગી પણ જીવવાની આશા રાખ્યા કરે છે. ઘાસણીનો રોગ ઉપરથી દેખાય એવી ઈજા કરતો નથી. વળી તે રોગ માણસને ખોટી લાલી આપે છે. તેથી રોગી વિશ્વાસે તણાયા કરે છે અને છેવટે ડૂબે છે. તેમ જ સુધારાનું સમજવું, તે અદૃશ્ય રોગ છે. તેનાથી ચેતજો.

वाचक : ઠીક છે ત્યારે હવે રેલવે પુરાણ સંભળાવો.

अधिपति : તમને ઊગી આવશે કે રેલવે ન હોય તો અંગ્રેજોનો કાબૂ હિંદુસ્તાન ઉપર છે તેટલો ન જ રહે. રેલવેથી મરકી ફેલાઈ છે. જો રેલ ન હોય તો થોડાં જ માણસો એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે અને તેથી ચેપી રોગો આખા દેશમાં નહીં જઈ શકે. સહેજે ‘સેગ્રેગેશન’ – સૂતક – આપણે પહેલાં પાળતા. રેલવેથી દુકાળ વધ્યા છે, કેમ કે રેલવેની સગવડતાથી લોકો પોતાનો દાણો વેચી કાઢે છે. જ્યાં મોંઘવારી હોય ત્યાં અનાજ તણાઈ જાય છે, લોકો બેદરકાર બને છે અને તેથી દુકાળનું દુઃખ વધે છે. રેલવેથી દુષ્ટતા વધે છે. ખરાબ માણસો પોતાનો ખરાબો ઝપાટાથી ફેલાવી શકે છે. હિંદુસ્તાનમાં જે પવિત્ર સ્થાનો હતાં તે અપવિત્ર થયાં છે. અગાઉ લોકો બહુ મુસીબતે તેવી જગ્યાએ જતા. તેવા લોકો ખરેખર ભાવથી ઈશ્વર ભજવા જતા, હવે તો ધુતારાની ટોળી માત ધૂતવા જાય છે.

वाचक : આ તો એકતરફી વાત તમે કરી. જેમ ખરાબ માણસો જઈ શકે તેમ સારા પણ જઈ શકે છે. તેઓ કેમ રેલવેનો પૂરો લાભ નથી લેતા?

अधिपति : સારું હોય એ તો ગોકળગાયની જેમ ચાલે છે. તેને તો રેલવેની સાથે ન જ બને. સારું કરનારને સ્વાર્થ હોય નહીં. તે ઉતાવળ નહીં કરે. તે જાણે છે કે માણસની ઉપર સારાની છાપ પાડતાં જમાનો જોઈશે. નઠારું જ કૂદી શકે છે. ઘર બાંધવું મુશ્કેલ છે, પાડવું એ સહેલું છે. એટલે હમેશાં રેલવે એ દુષ્ટતાનો ફેલાવો જ કરશે એમ ચોક્કસ સમજવા જેવું છે. તેથી દુકાળનો ફેલાવો થાય કે નહીં તે વિશે કોઈ શાસ્ત્રકાર મારા મનમાં ઘડીભર વહેમ પેસાડી શકશે, પણ રેલવેથી દુષ્ટતા વધે છે તે તો મનમાં કોતરાઈ ગયું છે તે જનાર નથી.

वाचक : પણ રેલવેનો મોટામાં મોટો લાભ બીજા ગેરફાયદાને ભુલાવી દે છે. રેલવે છે તો આજે હિંદુસ્તાનમાં એક પ્રજાનો જુસ્સો જોવામાં આવે છે. એટલે હું તો કહું છું કે રેલવે ભલે આવી.

अधिपति : આ તમારી ભૂલ જ છે. તમને અંગ્રેજે શીખવ્યું છે કે તમે એક-પ્રજા ન હતા, ને થતાં સેંકડો વર્ષો જશે. આ વાત તદ્દન પાયા વગરની છે. જ્યારે અંગ્રેજો હિંદુસ્તાનમાં ન હતા ત્યારે આપણે એક-પ્રજા હતા, આપણા વિચારો એક હતા, આપણી રહેણી એક હતી ત્યારે તો તેઓએ એકરાજ્ય સ્થાપ્યું. ભેદ તો પછી તેમણે જ પાડ્યા.

वाचक : આ વાત વધારે સમજવી પડશે.

अधिपति : હું જે કહું છું તે વગર વિચાર્યે નથી કહેતો. એક-પ્રજાનો અર્થ એવો નથી કે આપની વચ્ચે અંતર ન હતું; પણ આપણા મુખ્ય માણસો પગપાળા કે ગાડાંમાં આખા હિંદુસ્તાનમાં ફરતા, તેઓ એક-બીજાની ભાષા શીખતા ને તેઓની વચ્ચે અંતર ન હતું. જે દીર્ઘદર્શી પુરુષોએ સેતુબન્ધ રામેશ્વર, જગન્નાથ અને હરદ્વારની જાત્રા ઠરાવી તેઓનો શો વિચાર હતો એમ તમે માનો છો? તેઓ મૂર્ખ ન હતા એમ તમે કબૂલ કરશો. તેઓ જાણતા હતા કે ઈશ્વરભજન તો ઘેર બેઠાં થાય છે. તેઓએ જ આપણને શીખવ્યું છે કે મન ચંગા છે તેને ઘેર બેઠે ગંગા છે. પણ તેઓએ વિચાર્યું કે હિંદુસ્તાન તેઓએ એક મુલક બનાવ્યો છે તે એક-પ્રજાનો હોવો જોઈએ. તેથી તેઓએ જુદાં જુદાં સ્થાનકો ઠરાવી લોકોને એકતા નો ખ્યાલ એવી રીતે આપ્યો કે, જેવું દુનિયામાં બીજી જગ્યાએ નથી. બે અંગ્રેજ એક નથી તેટલા એક આપણે હિંદી હતા અને છીએ. માત્ર તમે અમે જે સુધર્યા છીએ તેને મન જ હિંદુસ્તાનમાં જુદી જુદી પ્રજા છીએ એમ આભાસ આવ્યો. રેલવેથી આપણે જુદી પ્રજા માનતા થયા ને રેલવેથી આપણે એક-પ્રજાનો ખ્યાલ પાછો લાવતા થયા છીએ એમ માનો તો મને બાધ નથી. અફીણી કહી શકે છે કે અફીણના ગેરફાયદાની આપણને ખબર પડી, વાસ્તે અફીણ એ સારી વસ્તુ છે. આ બધું તમે ખૂબ વિચારજો. તમને હજુ શંકાઓ ઊઠશે. પણ તે બધીનો નિર્ણય તમારી મેળે તમે કરી શકશો.

મોહનદાસ કરમચંદ ગાંધી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s