વર્ષ ૧૮૯૦માં મહર્ષિ તોલ્સ્તોય પોતાના જાણીતા લેખ ‘વ્હાય ડુ મેન સ્ટુપફાઈ દેમસેલ્વ્સ’માં કહ્યું હતું કે આ સમગ્ર આધુનિક સભ્યતા આટલી જટિલ બની છે, કારણ કે તેનું નિર્માણ અલગ અલગ નશા કરતાં વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું હતું કે…
‘નશાકારક વસ્તુઓને કારણે દુનિયામાં જેટલા લોકો મુત્યુ પામે છે એટલાં તો બધા યુદ્ધો અને ચેપી બીમારીઓથી પણ મૃત્યુ નહી પામ્યાં હોય. લોકો આ વાત ઘણી સારી રીતે જાણે છે. અને એટલે એમ કહેવું કે ‘બધા પીએ છે એટલે હું પણ પીઉં છું’ અથવા ‘સમય પસાર કરવા પીઉં છું’ કે પછી
‘આનંદ મેળવવા માટે પીઉં છું’ આ કારણો સાવ ખોટાં છે.’

…માણસ પોતાના જીવનમાં બે પ્રકારના કાર્યો કરતો જોવા મળે છે. એક તો એવા કામો જે તેનો અંતરાત્મા અથવા તેનું નૈતિક માનસ(માંહ્યલો) સ્વીકારે, એટલે કે આ કામો તેની અંતર આત્માની પ્રેરણા અનુસાર થાય છે. અને બીજા એ કામો જે તેના અંતર આત્માના અવાજની વિરુદ્ધ જાય છે. પરંતુ તેનાથી માણસ પહેલાની જેમજ પોતાની દિનચર્યા/જીવન ચર્યા ચાલુ રાખી શકે છે.
…અંતરાત્માના અવાજ મુજબ કામ કરવા માટે એક જ મારગ છે, કે આપણે આત્માને ઉન્નત બનાવીએ, પોતાના આત્મિક જ્ઞાનમાં વૃદ્ધિ કરીએ અને આત્મિક સુધારની દિશામાં પોતાનું ચિત્ત અને કર્મ વાળીએ.
અંતરાત્માના આદેશ પર પડદો પાડી દેવા માટેના બે રસ્તાઓ છે. બાહ્ય રસ્તો એ છે કે આપણે પોતાની જાતને એવા કામોમાં વ્યસ્ત રાખીએ કે આપણું ધ્યાન અંતરાત્માના અવાજ તરફ જાય જ નહી. આવી જ રીતે આંતરિક ઉપાય એ છે કે આપણે નશો કરીને અંતરાત્માના અવાજને જ મલિન બનાવી દઈએ અથવા કહીએ કે દબાવી દઈએ.
બાહ્ય સાધનો જેવા કે રમત-ગમત, ગીત, ચિત્ર(રંગ), નાટક, ફિલ્મો માં વ્યસ્ત થઇ જતા ઘણાં લોકો પોતાના અંતરાત્માના અવાજને સાંભળી શકતાં નથી, જે તેમને મારગ ભૂલ્યાનો સંકેત આપતા હોય છે. તેમ છતાં આ બાહ્ય સાધનો અંતરાત્માનો આવાજ અને મનુષ્યના કાર્યના આંતરવિરોધને કાયમ માટે અવગણી શકતા નથી.
…આથી જેમને આત્મઉન્નતી અથવા જ્ઞાન વિકાસનો રસ્તો અઘરો લાગે છે તેઓ ‘જૈસે થે’ જીવવા માટે નશાને રસ્તે ચાલે છે. જે અચૂક આંતરિક ઉપાય છે. એટલે કે નશાકારક ચીજો મગજને વિષ યુક્ત કરીને આપણા અંતરને કુંઠિત બનાવી દે છે.
આ તો એવી જ વાત થઇ કે જ્યારે માણસ કોઈ બાબત જોવા ઈચ્છતો ન હોય, અથવા વાસ્તવિકતાનો સામનો કરવામાંથી પીછે હઠ કરવા જાણે પોતાની આંખો બંધ કરી લે છે.
…લગભગ દરેક વ્યક્તિ એ વાત જાણે છે અને સ્વીકારે છે કે પોતાના અંતરાત્મા અને વિવેકબુદ્ધિના પ્રશ્નોથી બચવા માટે જ લોકો નશાકારક ચીજોનો ઉપયોગ કરે છે. કેટલુંક અનૈતિક જીવન જીવવા અથવા અનૈતિક કામ કરવાની હિંમત ભેગી કરવા લોકો નશો કરે છે.
દરેક વ્યક્તિ જાણે છે કે માણસ જ્યારે નશામાં ચૂર ચૂર હોય ત્યારે એવા કામો કરવા માટે તૈયાર થઇ જાય છે – જેને તે સ્વસ્થ હોય ત્યારે જાણી બૂજીને પણ કરવાની કલ્પના ન કરી શકે.
તેમ છતાં એવી દલીલો પણ કરવામાં આવે છે કે ચોરી, હત્યા, બળાત્કાર જેવા જઘન્ય ગુનાઓ હંમેશા નશા કરતી વ્યક્તિએ કર્યા હોય અથવા તેની સાથે સંકળાયેલા હોય એવું જરૂરી નથી.
પૈસાદાર ઘરોના કેટલાક લોકોની માન્યતા એવી છે કે કેટલાક નશાકારક પદાર્થોનું સેવન નિયમિત અને થોડી માત્રામાં કરવામાં આવે તો તબિયત સારી રહે છે અને અંતરાત્મા પર તેની કોઈ અસર થતી નથી. આ અવસ્થામાં જો કદાચ કોઈ ખોટું અથવા મૂર્ખતાપૂર્ણ કામ થઇ જાય તો એવું માનવામાં આવે છે કે એ નશાને કારણે થયું નથી, પરંતુ આપ મળે જ થયું છે.
… પરંતુ જો કોઈ વ્યક્તિ આ બાબતને ગંભીરતા અને નિષ્પક્ષતાથી ધ્યાનમાં લે – અને પોતાની ખરાબ ટેવોથી પોતાને બચાવવાનો પ્રયાસ કરે, તો આ સમગ્ર બાબત સ્પષ્ટ રીતે સમજી જશે. તે સમજી જશે કે નાના પ્રમાણમાં નશાની અસરો પણ ઘણા દિવસો સુધી ટકી રહે છે.
આપણે એ વાત સમજીને સ્વીકાર્યા વિના છૂટકો જ નથી કે નશો ભલે કોઈપણ પ્રકારનો કેમ ન હોય – તંબાકુ, દારૂ, બીડી-સિગારેટ કે બીજું કઈ, થોડીક માત્રામાં હોય કે વધુ, નિયમિત લેતા હોય કે ક્યારેક, કહેવાતા ઉચ્ચ વર્ગમાં હોય કે ગરીબ વર્ગમાં. તે માત્રને માત્ર પોતાના અંતરાત્માના અવાજને દબાવવા અથવા વાસ્તવિક જીવનના વિરોધાભાસ સામે આંખ આડા કાન કરવા જ વપરાય છે.
મારા પ્રિય વાચકો, તમારે હંમેશાં યાદ રાખવું જોઈએ કે મનુષ્યનું આખું જીવન તેના હાથ, પગ અથવા પીઠ દ્વારા ચાલતું નથી, પરંતુ અંતરાત્મા દ્વારા ચાલે છે. તે ખૂબ જ સુક્ષ્મ અને અગોચર છે.
માણસની અંદર આધ્યાત્મિક અને પાશવી એમ બંને પ્રાણીઓ(વૃત્તિઓ) રહેલા છે. મનુષ્ય જેટલો નશો કરે છે તેટલો જ તે નૈતિક બાબતો પ્રત્યે જડ બને છે.
કહેવાતા શિક્ષિત લોકો ઓછી માત્રામાં પણ આલ્કોહોલ, ડ્રગ્સ, તમાકુ અને સિગારેટ વગેરેનું સેવન કરે તો પણ તેનુંપરિણામ સમાજ માટે વધુ ભયંકર છે. જેઓ એમ માને છે કે નશો હોવા છતાં, લોકોએ ઘણું સર્જનાત્મક કાર્ય કર્યું છે, તેઓ જાણતા નથી કે જો કોઈ વ્યક્તિ નશો ન કરે તો તે કેટલા મહાન કાર્યો કરી શકે.
એક મિત્રએ મને કહ્યું કે જો કાન્ટ તમાકુનું વધુ સેવન કરતાં ન હોત, તો તેમના અન્ય ગ્રંથો આવી વિચિત્ર અને ખરાબ રીતે લખાયા ન હોત.
આમ, આપણા સમાજમાં જે પણ કાર્યો કરવામાં આવે છે, પછી ભલે તે આપણા શાસકો અથવા શિક્ષકો હોય, શાસિત હોય અથવા શિષ્યો હોય, તે મોટાભાગના કાર્યો ત્યારે થાય છે જ્યારે તેમને કરનારાઓનું મગજ ઠેકાણે ન હોય.
તેને મજાક, રમૂજ અથવા અતિશયોક્તિ ન સમજીએ. આપણા જીવનમાં રહેલી અવ્યવસ્થા અને પંગુતાનું મુખ્ય કારણ એ છે કે મોટાભાગના લોકો સતત નશામાં હોય છે.’
— લિયો તોલ્સ્તોયના લેખમાંથી કેટલીક સંપાદિત સામગ્રીનો અનુવાદ