સમાજમાં હિંસા ભૂખમરાને કારણે જન્મે છે – વિનોબા

આજે દુનિયામાં જે હિંસા થાય છે, તેનું કારણ એ છે કે આપણે ઓછામાં ઓછો શ્રમ કરીને વધુમાં વધુ લાભ મેળવવાનું વિચારીએ છીએ. આમ તો આને જ ચોરી કહેવાય. આપણે સૌ બહુ મોટા ચોર છીએ. જે ઓછો શ્રમ કરવા ઈચ્છે છે અને બીજાના શ્રમનો લાભ ઉઠાવે છે. જો આપણે આ સમજીને બદલાઈએ તો સમગ્ર દુનિયાનું ચિત્ર જ બદલાઈ જશે.

સમાજમાં હિંસા એટલા માટે નથી જન્મતી કે લોકોને તેમાં રુચિ છે અથવા રસ પડે છે. પરંતુ તેનું જનમવાનું કારણ ભૂખમરો છે. આજે અનેક લોકોને ભૂખ્યા રહેવું પડે છે. સ્વાભાવિક છે કે આ હાલતમાં દુનિયામાં શાંતિ રહેવી અશક્ય છે. દરેક વ્યક્તિ ઉત્પાદનના કામમાં રસ લે તો જ આ સમસ્યાનો ઉકેલ આવશે.

દુનિયામાં જે ને મરવાનું છે, તે સમય આવે મૃત્યુ પામશે જ. જેને ભોજન મળે છે તે પણ મરશે અને જે ભૂખ્યો છે તે પણ મરશે. મારવાની શક્તિ ભગવાને પોતાના હાથમાં રાખી છે અથવા કહીએ કે તે દરેકની પાસે પહેલાંથી જ રહેલી છે. આ સાર્વજનિક શક્તિ છે અને દરેક તેનો ઉપયોગ કરી શકે છે. માટે મરવું એ કોઈ ખાસ અથવા મહત્વનો પ્રશ્ન નથી.

હું તો મરવાની બાબતમાં ઘણો જ નિષ્ઠુર અથવા જરા સારો શબ્દ વાપરીએ તો નિશ્ચિંત છું. લોકો ઓછો ખોરાક મળવાથી અથવા ખોરાક ન મળવાને કારણે મૃત્યુ પામ્યા એ દુઃખની વાત છે. પરંતુ બીજાએ તેમને મરવા દીધા એ વધારે દુઃખની વાત છે. મૃત્યુને તો આપણે કોઈ અટકાવી શકતા નથી. પરંતુ પોતાના સુખનો અતિ અલ્પ ભાગ, અલ્પાંશ કેમ કોઈને આપી ન શક્યા તેનું મને દુઃખ છે.

કેળવણી અંગે વિચારવું પડશે.

ઘણી વખત શાળાઓમાં શ્રમકાર્ય અથવા પરિશ્રમ સાથે મનોવિનોદ પણ ચાલે છે. હું તેનો નકાર નથી કરતો. કારણ કે તેમાં નાદબ્રહ્મની ઉપાસના છે. પરંતુ આપણા ધ્યાનમાં એ બાબત રહેવી જોઈએ કે આપણા દેશમાં લોકો ભૂખ્યા છે. આ દ્રશ્ય નજર સામે રાખો કે કોઈ ભૂખથી વલખા મારી રહ્યો છે અને બીજો વલખા મારીને મૃત્યુ પામ્યો છે. આ યાદ રાખીને નાચવું હોય તો નાચો અને ગીત ગાવા હોય તો ગાવ અને વગાડવું હોય તો વગાડો.

લોકો ચિત્રકામ શીખે છે. હું એમને સલાહ આપું છું કે એક એવું ચિત્ર દોરે જેમાં એક માણસ ભૂખથી વ્યાકુળ છે બીજો ભૂખને કારણે મરવા પડ્યો છે અને ત્રીજો ભૂખથી મૃત્યુ પામ્યો છે. એવું ચિત્ર સામે રાખીને કામ કરવું જોઈએ.


ત્યારે ભારતમાં શિક્ષણનું સ્વરૂપ શું હશે એની ખરી ખબર આપણને પડશે. સ્કૂલો કહે છે કે અમે સાંસ્કૃતિક કાર્યક્રમ કરીએ છીએ. ઠીક છે. હું તમારી કદર અને કિંમત કરું છું. મનુષ્યના જીવનમાં તેનું સ્થાન છે. પરંતુ એની પાછળ એવા પાગલ ન બની જઈએ કે તે આપણા શિક્ષણનું મુખ્ય ધ્યેય જ બની જાય. અને આપણી મુખ્ય સમસ્યા તેમાંથી ગાયબ થઈ જાય અને આપણે તેને ભૂલી જઈએ.

બજેટમાં ખર્ચ શેના માટે?

આજની સરકારો સૈન્ય વધારી રહી છે. એના માટે બજેટ પણ ફાળવી રહી છે. આ માટે જાતજાતના કરવેરા લોકો પર નાંખે છે. પહેલા આપણે સૈન્ય વધારીએ અને પછી આપણા પાડોશી દેશો પણ તેનું અનુકરણ કરે. તો આનો અંત કેવી રીતે આવશે ? સેના વધતી જશે, પરંતુ આમાં ક્યાંયના ગરીબોની મદદ થશે નહીં. ગરીબોના વિકાસ માટે અને દેશના વિકાસ માટે પૈસા બચશે જ નહીં. સેના બધું જ ખાઈ જશે. જ્યાં સુધી સૈન્ય પાછળ ખર્ચ થશે ત્યાં સુધી ગરીબી નાબુદી અશક્ય છે. લડાઈ થાય કે નહીં લોકોનો સંહાર નિશ્ચિત છે.

કોઇ દેશના પ્રધાનમંત્રી એ કહ્યું કે અમે સૈન્ય-સુરક્ષાને એટલી મહત્વની ગણીએ છીએ કે ભલે અમે ભૂખ્યા રહીએ. પરંતુ ભૂખથી મરનાર લોકો કોણ છે? દેશની ગરીબ જનતાને જ ભૂખે મરવાનો વારો આવે? આનો અર્થ એટલો જ થયો કે લોકો ભૂખે મરે તો તેની સરકારને પડી જ નથી.

ભૂખ્યાની જવાબદારી સમગ્ર વિશ્વની

આજે સમાચાર આવે છે કે ‘આટ આટલા લોકો મૃત્યુ પામ્યા’. આના પર રાજ્ય સરકાર કહે છે કે ‘આ લોકોનું મૃત્યુનું કારણ ખાવાનું ન મળવું તે નથી. પરંતુ તેઓ બીમારીને કારણે મર્યા છે.’ આમાં રાજ્યનો કોઈ દોષ નથી. ભૂખથી લોકો મરે છે તે ઘટનાને બને ત્યાં સુધી સરકાર નકારે છે અથવા નકારવાનું ઈચ્છે છે. પછી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવે છે. આ તો જાણે ફૂટબોલની રમત જ થઈ ગઈ ! અહી ચોક્કસ એવું કહી શકાય કે, ‘આ જવાબદારી માત્ર રાજ્યની નથી. રાજ્યની સાથે સાથે કેન્દ્ર સરકારની પણ છે અને સમગ્ર વિશ્વની છે.’

સમજવાની વાત એ છે કે દુનિયાની જવાબદારી તો છેલ્લે આવે છે. એ પહેલા જવાબદારી કેન્દ્ર સરકારની છે અને તેનાથી પહેલાં રાજ્ય સરકારની. સૌથી વધુ જવાબદારી હોય તો તે ગામડાની છે. ગામડામાં કોઈ વ્યક્તિ ભૂખથી મૃત્યુ પામે અને મુખ્યમંત્રી દોડે પણ ગામના બાકી લોકો શાંતિથી ખાતા રહે તો તે ખોટી વાત છે. ગામના લોકોની જવાબદારી પહેલી છે. ગામમાં બધાએ સાથે મળીને અનાજ ભેગું કરીને પરસ્પર વહેંચીને ખાવું જોઈએ.

વિનોબા

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s