કૃષિમાં જૈવવૈવિધ્ય

હમણાં જ ૨૫મી મે ગઇ. ફળોના રાજા કેરીની ભરપૂર સીઝનમાં કેસર કેરીને હેપી બર્થ ડે કહેવું પડે. ૧૯૩૪ની સાલમાં જૂનાગઢના તત્કાલિન નવાબે તેનું નામકરણ કરેલું. કેરીની આવી તો ૧૧૦૦ જાતો ભારતમાં પ્રવર્તે છે. દરેકના સોડમ, સ્વાદ, રંગ, કદ,પાકવાનો સમય, ગોટલાનું કદ અને ઉપયોગમાં કાંઈને કાંઈ વૈવિધ્ય છે. કેરીની એક જાતનું નામ છે કાવસજી પટેલ! આંબાનું આટલું બધું વૈવિધ્ય ભારતમાં એટલા માટે જોવા મળે છે કે ઉત્ક્રાંતિ દરમ્યાન આંબાનો જન્મ આજના ભારતની ભૂમિ પર થયો છે. એટલે તો તેનું વૈજ્ઞાનિક નામ રખાયું છે, Mangifera indica.

જેવું આંબાનું તેવું જ ચોખાનું! ભારતમાં ડાંગરની ૪૩,૦૦૦થી વધુ જાતોનો ઉદ્ભવ થયો! વિશ્વની ચોખાની વિવિધતાનો ત્રીજો ભાગ ભારતમાં ઉદ્ભવ પામ્યો. રીંગણની પણ ૩૦૦૦થી વધુ જાતો ભારતમાં જોવા મળે છે!

જ્યારે બાયોડાઈવર્સિટીની વાત કરીએ છીએ ત્યારે આપણી સમક્ષ જંગલના પ્રાણીઓ, પક્ષીઓ અને પતંગિયાના ચિત્રો રજૂ થાય છે. તે જૈવ વૈવિધ્ય જંગલનું છે. પ્રવાસીઓને આકર્ષનારું આ વૈવિધ્ય ક્યારેક જોવા મળે છે એટલે અચરજ પમાડનારું લાગે છે. પણ આપણા ભોજનમાં, રસોડાના કોઠારમાં, ખેતરમાં જોવા મળતું જૈવ વૈવિધ્ય નજર અંદાજ ન કરી શકાય. છેલ્લાં વીસ વરસથી ૨૨મી મેના રોજ આંતરરાષ્ટ્રિય જૈવવૈવિધ્ય દિવસ તરીકે ઊજવાય છે.

ગયા વરસ (૨૦૧૯)નો વિષય હતો “આપણું જૈવવવિધ્ય, આપણો ખોરાક, આપણું સ્વાસ્થ્ય”. આ વરસનો વિષય હતો “આપણી સમસ્યાઓનો ઊકેલ કુદરત પાસે છે”. બંને વિષયો સૂચક છે. હરિયાળી ક્રાંતિ દરમ્યાન કૃષિ રસાયણો સાથે એવાં બીજ અપાયાં કે જે કૃષિ રસાયણો અને પિયતની સગવડ હોય તો વધુ ઉત્પાદન આપે. ઝેરી રસાયણોએ કૃષિ-જૈવવૈવિધ્યમાં ખાસ્સો ઘટાડો કર્યો. ભૂલ સમજાતાં ૧૯૯૦ પછી કૃષિ-જૈવવૈવિધ્ય (Agrobiodiversity) શબ્દ અને તેની વિભાવના પ્રજા સમક્ષ રજૂ થતાં ગયાં. તે તરફ વિજ્ઞાનીઓનું ધ્યાન પણ તે પછી ખેંચાયું. આજે કૃષિ-જૈવવૈવિધ્યને જૈવ વૈવિધ્યના વિષયની મહત્ત્વની શાખા ગણાય છે.

કૃષિમાં ત્રણ પ્રકારે જૈવ વૈવિધ્ય હોય છે.

એક તો એક જ ખેતરમાં પાકોની વિવિધતા (Crop Diversity) જેમ કે, બાજરી સાથે મગ અને તુવેર, કપાસ સાથે મકાઇ. બીજું એક જ પાકની વિવિધ જાતોનું વૈવિધ્ય (Intraspecific Varietal Diversity). આપણે ત્યાં ઘઉં, ડાંગર, કેરીની જેમ દરેક પાકની અનેક જાતો છે. દરેક જાતનું આગવું DNA હોય છે અને તેને આધારે તેના બહાર દેખાતાં લક્ષણો અને ગુણો આવે છે. ડાંગરની અમુક જાતો વગર પાણીએ થાય અને અમુક જાતો છ ફૂટ પાણી ભરાય તો ય જીવે !

કપાસની ચાર મુખ્ય પ્રજાતિઓમાંની બેનો ઉદ્ભવ ભારતમાં થયો છે. નાના રણની ધાર ઉપર સુરેન્દ્રનગર અને કચ્છમાં થતો વાગડ કપાસ સૂકી ખેતી માટે વરદાનરૂપ છે, તેને કાલાં કપાસ પણ કહે છે. જેવું પાકોનું તેવું જ ખેતીમાં ઉપયોગી પશુઓનું છે. એક જ પાકની અલગ-અલગ જાતો હોય તેમ એક જ પ્રજાતિના પશુની અલગ અલગ ઓલાદો હોય. ગુજરાતમાં ગીર, કાંકરેજ અને ડાંગી ઓલાદની ગાયો અને બન્ની, મહેસાણી અને જાફરાબાદી ઓલાદની ભેંશો જે તે સ્થળના પર્યાવરણ મુજબ અનુકૂલન સાધી ઉદ્ભવ પામી. ભારતમાં ગાયોની ૫૦, ભેંશોની ૧૭, બકરીની ૩૪, ઘેટાંની ૪૪, ઘોડાની ૭, ગધેડાંની ૩,ઊંટની ૯, યાકની ૧, ભૂંડની ૧૦ ઓલાદો તથા મરઘાંની ૧૯ અને બતકની ૨ જાતો અસ્તિત્વ ધરાવે છે, જે બધી ખેતી સાથે સંકળાયેલી છે.

આ ઉપરાંત ખેતીમાં આર્થિક રીતે ઉપયોગી પાકો કે સજીવો સિવાયનાની પણ વિવિધતા (Non-Crop Interspecific Biodiversity) હોય છે, જે પાકોની ખેતીને ખૂબ મદદ કરે છે. જમીનમાંના આ ફૂગ, લીલ, એકટીનોમાઇસીટ્સ, પ્રજીવો, જીવાણુ, વિષાણુ, કૃમિ જેવાં સૂક્ષ્મજીવ; દેડકાં, અળસિયાં, કીડી-મકોડા, ખપેડી જેવાં મોટા જેવાં મોટાં જીવ; જમીનની ઉપર વસતાં પક્ષીઓ, ભમરાં, પતંગિયાં, ફૂદીઓ, મધમાખી, કીટકો એકમેકને સહારે જીવે છે.

જેમ કોયલ કાગડાના માળામાં પોતાનાં ઇંડાં મૂકે તેમ ખસખસના દાણા કરતાં ય ઝીણી ટ્રાઇકોગ્રામા ભમરી પાકને નુકસાન કરતી લીલી ઈયળના ઈંડાંમાં પોતાનું ઇંડુ મૂકી પોતાનો વસ્તી વધારો કરે છે અને લીલી ઇયળને કાબૂમાં રાખે છે. ક્રાયસોપર્લા નામની જીવાત નુકસાનકારક જીવતોના ઈંડાં ખાઈને જીવે છે. ચણાની દાળના કદના પણ રંગે લાલ કે પીળાં (તેની ઉપર કાળાં ટપકાં) ઢાલપક્ષી દાળિયા (Ladybird Beetle) ખેતીમાં નુકસાન કરતાં મોલોને સફાચટ કરી નાંખે છે. ગુજરાતમાં આ દાળિયાની બારેક જાતો નોંધાઈ છે.

એક દેડકો રોજના પોતાના વજન જેટલાં કીટકો ખાઈ જઈને પાક સંરક્ષણનું કેટલું મોટું કામ કરે છે! ખેડ થતી હોય ત્યારે હળ પાછળ કૂદાકૂદ કરતાં કાગડા, કાબર અને બગલાં જમીનમાં રહેતાં કીટકોની લિજ્જત ઊડાવે છે. બાજરો પાકે ત્યારે વૈયાં ઠેઠ યૂરોપથી આવી ચડે છે. બાજરાને ઇયળોથી બચાવવા બદલ આપણે વૈયાંનો આભાર માનવો પડે નહિં તો કાઠીયાવાડીને પૂરતા રોટલા મળે કે કેમ તે સવાલ છે. દિવસ-રાત અથાક કામ કરતાં અળસિયાંનો પરસેવો અને હગાર મૂળિયાંને પોષણ આપે. તેની હગાર ઉપર બીજાં કેટલાંય સૂક્ષ્મજીવો જીવે, ઉપરાંત કુદરતી ખેડ કરી વરસાદના પાણીને જમીનમાં ઉતારી જળ-જમીન સંરક્ષણ કરે તેની તો નોંધ જ કોણ  લે છે?

ભારતના તમામ માનવસર્જિત સરોવરો અને ચેકડેમ જેટલાં વરસાદી પાણીનો સંગ્રહ કરે છે તેના કરતાં અનેક ગણું પાણી જમીનમાંના આ જીવોની મદદથી ખેતરની જમીનમાં ને ભૂગર્ભમાં સચવાઈ રહે છે તે ભૂલાવું ન જોઈએ. આ ઉપરાંત અનેકવિધ પ્રકારના ઘાસ, નિંદણો આપણને ભાજી પૂરી પાડે છે (દા.ત. ચીલ,લુણી), પશુઓને ચારો પૂરો પાડે છે, અન્ય સજીવોને આશ્રય આપે છે, જમીનને ઢાંકી જમીનનું ધોવાણ અટકાવે છે અને ઔષધો ય પૂરાં પાડે છે.

ખેતરના પાકરૂપે આંબા, ચીકુ જેવા ફળપાકોના વૃક્ષો, સમડી, લીમડા, મહુડા, ગોરસઆમલી જેવાં વાડમાં થતાં વૃક્ષો, વેલીઓ, ક્ષુપ, વિવિધ પ્રકારના થોર, વગડાઉ વનસ્પતિઓ, વાડમાં રહેતાં ઘો, કાચીડાં, શાહુડી, શેળા, નોળિયા, સાપ, કરોળિયા, પાકોને લાગતાં રોગ-જીવાત. વાડીનું રખોપું કરતાં કૂતરાં અને હવે તો જંગલી ભૂંડ, રોઝ અને રખડતા ગાય-બળદનો ય સમાવેશ થાય છે. આ બધું કૃષિ જૈવવિવિધતાનો હિસ્સો ગણાય. વળી જેમ વાડ, આંબાવાડિયાં, પાક લહેરાવતા ખેતરો તેમ ચેકડેમ, ખેતતલાવડી, ખડકાળ વગડો પોત-પોતાનું નિવસનતંત્ર (Ecology) તૈયાર કરે છે અને જૈવ વૈવિધ્યમાં ઉમેરો કરે છે.

સૌરાષ્ટ્રના પ્રગતિશીલ ખેડૂત અને અચ્છા કૃષિ-લેખક હીરજીભાઈ ભીંગરાડિયાએ પુસ્તક લખ્યું છે, ‘બોલકી વાડીનો સજીવ સંસાર’. તેમાં પોતાની વાડીના જાત અનુભવે વાડીમાંના સજીવો તેમને ખેતીમાં કઈ રીતે મદદ કરે છે તેનું સુંદર વર્ણન છે.

ખેતીની આ જૈવ વિવિધતાનું સૌથી આગવાપણું એ છે કે તેનો વિકાસ માણસે કર્યો છે. માણસ જેમ જેમ ખેતી કરતો થયો તેમ તેમ જરૂરી સજીવો (વનસ્પતિઓ અને પ્રાણીઓ)નું ડોમેસ્ટીકેશન (Domestication) તેણે કર્યું. જો માણસજાતે તે પ્રયત્ન ન આદર્યો હોત તો આજે આ કૃષિ જૈવવૈવિધ્ય ન વિકસ્યું હોત અને તે બધા સજીવો હજી જંગલી રૂપે જંગલમાં જ રહયા હોત! કુદરતની બીજી કોઈ જૈવ વિવિધતા વિકાસમાં માણસનું યોગદાન એટલું નથી જેટલું કૃષિ-જૈવવિવિધતામાં છે. અને તેથી જ હજી પણ તેને જાળવી લેવામાં માણસની ભૂમિકા અત્યંત મહત્વની રહેવાની છે.

 આ કૃષિ-જૈવવૈવિધ્ય આપણી આર્થિક પ્રવૃત્તિનો મહત્ત્વનો ભાગ છે. તેના પર કેટલાંય ઉદ્યોગો અને રોજગાર ટક્યા છે. તે આપણને પોષણ પૂરૂં પાડે છે, પશુઓને ઘાસચારો અને ખાણ-દાણ પૂરૂં પાડે છે. આપણાં ઔષધોનો મોટો હિસ્સો તેમાંથી આવે છે હવે તો તેની ય ખેતી શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત બળતણ, ઈમારતી લાકડું, રેસા પણ આપે છે. રેશમના કીડા વિનાનું કુદરતી રેશમ શક્ય જ નથી અને કપાસ વિના સુતરાઉ કાપડ ક્યાંથી મળે? આપણાં અનેક ઉત્સવો અને રીત-રિવાજમાં કૃષિ-જૈવવૈવિધ્ય તાણા-વાણાની જેમ જોડાયેલું છે.

અક્ષત, સોપારી અને શ્રીફળ વિના પ્રસંગો કેમ ઉજવાય? સામા પાંચમની ઊજવણી સામા વિના થાય? શીંગોડાના લોટનો શીરો અને મોરૈયાની ખીચડી વિના ઉપવાસની શી મઝા આવે? ધરો વિનાની ધરોઆઠમ કેમ ઊજવાય? અને વડ વિના વટસાવિત્રીમાં કરીએ શું ? મંડપમૂહુર્ત કરવા સમડીની લાકડી જોઇએ. અગ્નિદાહ વખતે તલ જોઇએ. શિવરાત્રીને દિવસે ભાંગ અને બીલીપત્ર વિના ચાલે?

ખેતીની કહેવાતી આધુનિક તરાહે પરંપરાગત ખેતીના જૈવ વૈવિધ્યનો દાટ વાળી દીધો છે. બજાર માટે થતી ખેતી એક જ પાક પસંદ કરવા (Monocropping) કરવા લલચાવે છે. લાગઠ શેરડી, કપાસ અને મગફળીના ખેતરો પાક-વૈવિધ્ય વિનાના છે. તેમાંય વળી, જે જાત વધુ ઉત્પાદન કે આવક આપે તેની જ ખેતી થાય. આપણને કેસર-હાફૂસ વધુ ભાવે, એના દામ ઊંચા આપીએ એટલે ચૂસવાની દેશી કેરીઓના આંબા કપાતા જાય. ડાંગરની ત્રીસેક જાતો જ આજે ભારતમાં વ્યાપક રીતે પ્રચલિત છે, બાકીની જાતો ધીમે ધીમે મ્યુઝિયમ કે જીન બેંકોમાં સમાતી જાય છે.

આંધ્રપ્રદેશના ચિત્તુર વિસ્તારમાં જોવા મળતી પુંગાનૂર ગાયની ઓલાદ ત્રણેક ફૂટ જ ઊંચી છે, ૧૧૫ થી ૨૦૦ કિલોનું વજન. કહેવાય છે કે તે રોજનું ૫ કિલો દાણ ખાય તો ય ૩થી ૫ લિટર દૂધ આપે. સૂકા પ્રદેશમાં લીલા ચારા વિના તેને ચાલે. તેના દૂધમાં ૮% ચરબી હોય! એચએફ અને જર્શી ગાયો તરફના મોહને લીધે તેની દરકાર કોઇએ જ કરી નહિ. આ ઓલાદના માત્ર ૨૦૦-૨૫૦ જીવ બચ્યાં છે તે સાચવી ન લેવાય તો એ ઓલાદ નામશેષ થઈ જશે અને માત્ર ફોટામાં જોવા મળશે. ભારતમાં ગાયની આવી તો દસેક ઓલાદો નામશેષ થવાની અણી પર છે.

ઋષિવેલીની ગૌશાળામાં પૂંગાનૂર ઓલાદનો  આખલો (બાજુમાં ઉભેલી વ્યક્તિને જોઇને આપને આખલાની ઊંચાઈનો ખ્યાલ આવશે.)

બીજું જોખમ ટેકનોલોજી દ્વારા ઉભું થાય છે. ભારેખમ ટ્રેક્ટરો જમીનને એવી દબાવેછે કે જમીનના જીવોને રહેવાની જગ્યા જ ન રહે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક ઝેર તો આ જૈવ વૈવિધ્યનો જોત-જોતામાં સફાયો કરી નાંખે છે. અધૂરામાં પૂરું હવે નીંદણનાશક પ્રતિરોધક (હર્બીસાઇડ ટોલરન્ટ) પાકોની ખેતીથી તો જે તે પાક સિવાયનો એકેય છોડવો ખેતરમાં જીવતો રહેતો નથી. તેની સાથે મિશ્રપાક પણ સંભવ નથી. નકામા ગણાતા છોડવા અનેક સજીવોનું આશ્રયસ્થાન છે. પાક સિવાયનો કોઈ છોડ જ ન હોય તો બીજા સજીવોનો પણ નાશ થાય અથવા ખેતર છોડી ભાગી જાય. કેટલીકવાર સરકારી નીતિઓ પણ જૈવવૈવિધ્યનો આડકતરો નાશ કરે છે. જેમ કે ગોચર, ખેતીની જમીનો કે જળમગ્ન વિસ્તારો ઉદ્યોગોને કે ખાણકામ માટે અપાઈ જાય એટલે જૈવવૈવિધ્યનો ખાત્મો જ થાય. શહેરોની આસપાસની ખેતીની જમીનો મકાનો બાંધવા, ઇંટો પાડવા, રસ્તા અને એરોડ્રોમ બનાવવા વપરાતી જાય એટલે ત્યાંની કૃષિ વિવિધતા નાશ પામે.

અલબત્ત, હવે ધીમે ધીમે જેમ સજીવ ખેતીનું મહત્ત્વ સમજાતું જાય છે તેમ કૃષિ-જૈવવૈવિધ્યનું મહત્ત્વ પણ સમજાતું જાય છે. નવા રોગ-જીવાત સામે લડવા, નવા ઔષધો શોધવા, બદલાતા હવામાનથી ઊભી થતી પરિસ્થિતિને ખમી લેવા, જમીનમાંથી વછૂટી વાતવરણમાં ભળેલા કાર્બનને પાછો જમીનમાં ધરબવા, બજાર ભાવના ઉતાર-ચઢાવ સામે ટકવા, સજીવોના સંરક્ષણ-સંવર્ધન માટે કૃષિ-જૈવવૈવિધ્ય ખૂબ મહત્ત્વનું ગણાવવા માંડ્યું છે. વિવિધ દેશો, રાજ્યો તે માટેની નીતિઓ અને કાર્યક્રમો બનાવી રહ્યા છે. કેટલાંક દેશોમાં ખેતીમાં જીવતી વાડની લંબાઈ મુજબ સબસીડી અપાય છે. કેરળમાં કૃષિ-જૈવવૈવિધ્ય માટે ડાંગરની ખેતી મહત્ત્વની ગણાય છે તેથી રાજ્ય સરકાર એકર દીઠ પાંચ હજાર રૂપિયાની સબસિડી આપે છે. ભારતમાં દેશી બીજના સંરક્ષણ કરનારને ભારત સરકાર તરફથી ખાસ પ્રોત્સાહન અને એવોર્ડ અપાય છે. દેશ-વિદેશની ફંડીગ એજન્સીઓ એગ્રો બાયોડાવર્સિટીનું સંવર્ધન કરતા પ્રોજેક્ટસને મદદ કરતી થઈ છે.

કૃષિ-જૈવવિવિધતાને આપણા રોજિંદા ખોરાક સાથે સંબંધ છે. ફાસ્ટફૂડ અને રેડીમેડ ફૂડના જમાનામાં આપણી વાનગીઓ વધી છે પણ તે જેમાંથી બને છે તે વનસ્પતિઓની સંખ્યા ઘટતી જાય છે.વિવિધ અંદાજ મુજબ વિશ્વમાં ૫૦૦૦થી ૭૦,૦૦૦ વનસ્પતિઓનો ખોરાક અને ઔષધ તરીકે ઉપયોગ નોંધાયો હોવા છતાં વિશ્વમાં ખવાતી કુલ કેલરીનો અડધોઅડધ જથ્થો માત્ર ત્રણ જ પાક (ઘઉં, ચોખા અને મકાઇ)માંથી આવે છે.

આપણે જ યાદ કરોનેકે આપણે છેલ્લે કોઠાં, કરમદાં, શીંગોડા, તાડફળી, બીલાં, ચણીબોર, કંથારા, પીલુ, ડોડી ક્યારે ખાધાં? શહેરમાં વસતાં કેટલાં લોકો સામો, બાવટો, બંટી, કોદરા, કોદરી, ચીણો ઓળખી શકે? આ બધાં ખનિજ પ્રચૂર, ઓછાં સ્ત્રોતોથી પાકતાં, પ્રદૂષણ વગર પેદા થતાં અદ્ભુત ધાન્યો કેમ અદ્રશ્ય થતાં જાય છે? ઘઉં, ચોખા, બાજરી સિવાયનું કયું ધાન આપણાં કોઠારમાં છે? છેલ્લાં વીસેક જ વર્ષમાં મકાઈ-જુવાર અદ્રશ્ય થતાં જોયાં છે ને!

જે સમાજ ઓછાં પાકો પર જીવે છે તેમની ખોરાક અને પોષણ સંબંધી સલામતી (Food and Nutrition Security) જોખમાય છે. ૧૮૪૭માં આયર્લેંડમાં બટેટાને સૂકારાનો રોગ લાગ્યો પરિણામે  એવો દુષ્કાળ પડ્યો કે ૧૦ લાખ લોકો મરી ગયા અને બીજા એટલા જ ઘર છોડી બીજે ભાગ્યા! કૃષિ- જૈવવૈવિધ્યનો નાશ માત્ર પર્યાવરણીય નુકસાન નથી આપણા આરોગ્યનું ય નુકસાન છે. વૈવિધ્યસભર ખોરાક આપણને તંદુરસ્ત રાખે છે. દરેક સામાન્ય નાગરિકે આ કૃષિ-જૈવવૈવિધ્યને પ્રોત્સાહન આપવું જરૂરી છે તે માટે નીચેના પગલાં ભરી શકાય.

  1. ખેતીની જમીન હોય તો જીવતી વાડને મજબૂત રીતે પાંગરવા દો. તારની વાડ કે દિવાલ કરી હોય તો પણ સરહદ ફરતે વાડને ઊગવા દો. ખેતીની જૈવવિવિધતા સંવર્ધન માટે જીવતી વાડ મહત્ત્વનું યોગદાન આપે છે. ખેતરોમાં વૃક્ષોના ઉછેરને મહત્ત્વ આપો તે માટે ખાસ વિસ્તાર કે જગ્યા ફાળવો.
  2. કૃષિ રસાયણો વાપર્યા સિવાયની એટલે કે સજીવ ખેતી કરો, આવી ખેતીથી જૈવવૈવિધ્યનું સંવર્ધન થાય છે.
  3. ખેત તલાવડી બનાવો. દરેક સજીવને પાણી જોઈએ પાણીનો સંગ્રહ સજીવનું અદ્ભૂત આશ્રયસ્થાન છે.
  4. મિશ્ર પાકો અને પાકની ફેરબદલી કરતા રહો, ક્યારે ય એકપાકી ખેતી પસંદ ન કરો.
  5. સજીવ ખેતીની પેદાશો વાપરવાનો આગ્રહ રાખો.
  6. ભોજનમાં માત્ર વાનગીની નહીં, વનસ્પતિની વિવિધતાને મહત્ત્વ આપો. ફાસ્ટ ફૂડ ટાળો.
  7. ઘરમાં મકાઈ, જુવાર, બાજરી, જવ, કળથી, અડદ જેવા ભૂલાતાં અનાજ-કઠોળની વાનગી બનાવતા રહો. નક્કી કરો કે અઠવાડિયામાં ચાર-પાંચ ટંક ઘઉં કે ચોખા સિવાયનું ધાન્ય વપરાશે.
  8. ભૂલાતાં જતા ફળોને ખરીદતાં અને ખાતાં રહો. ફળોની પસંદગી દરમિયાન સ્વાદ-સોડમની વિવિધતાને પ્રાધાન્ય આપો. દેશી કેરી ચૂસવાનું ભૂલાઇ ન જાય હોં!
  9. કૃષિ- જૈવવૈવિધ્ય અને ખોરાકની પરંપરાઓને સીધો સંબંધ છે. પ્રવાસમાં જાઓ ત્યારે જે તે પ્રદેશના ફળ-શાક બજારમાં આંટો મારો. અમુક વિસ્તારના હાટમાં હજી પણ ખૂબ વિવિધતા જોવા મળશે. જે તે વિસ્તારની ખોરાકની પરંપરાઓને માણો. ત્યાંની નવી નવી રેસિપી શીખો. “ગુજરાતીઓને તો પોતાની રસોઈ સિવાય બીજું ફાવે નહીં” એવો ટોણો શરમજનક ગણાય.
  10. ખેતરમાં ઉગતી વિવિધ સલામત વનસ્પતિઓની રેસીપી શોધો તેના પ્રયોગો કરો અને તેને માણો. પરંપરાગત ફૂડ ફેસ્ટિવલ જેવા આયોજન કરો. શાળાઓમાં અને ઘરમાં બાળકોને તે પ્રત્યે આકર્ષિત કરો.            

– જગત જતનકર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s