કોરોના રાજકારણ-ભૂખી જનતા-પિસાતો ખેડૂત

કોરોનાના ખપ્પરમાં એક ખેડૂતની આપવીતી સાંભળો એના મુહ જબાની

-સં

એક ‘મા’ કહે છે કે પીકૂના પપ્પા આ વર્ષે તો કુદરત આપણા બધા પર ખૂબ મહેરબાન થઇ છે, ચોમાસુ સારૂ રહ્યું,  કુવાના તળ ઊંચા આવ્યા, પિયત પણ સારી થઇ, ખેતરમાં જ્યારે જાઊં ત્યારે લીલાછમ ખેતર જોઈને હું હરખાતી. આ વર્ષે તો દેવું પૂરું અને બીજા વર્ષમાં ઘરમાં કરવાના કામોનું લિસ્ટ મનમાં ને મનમાં બનતું રહ્યું.

આ વર્ષે તો ખેતીનું આયોજન પણ ખૂબ વિચારપૂર્વક કરેલું  કે રમઝાન મહિનો એક મહિનો વહેલો છે. માટે ગયા વર્ષે ધમધમતી ગરમીમાં પણ કેળાની રોપણી કરવાનો પ્રયોગ કર્યો. બાપ દીકરા બંને મે મહિનાની ગરમીમા કેળાને બચાવવા નવા નવા પ્રયોગો કર્યા જ કરતા હતા. જીવામૃત નહીં તોય છથી સાત વખત રેડાવ્યું હશે. તો પણ કેળના ટીશ્યુ તો બળીજ ગયા. પણ હાર ન માની, આખરે તેમની મહેનત રંગ લાવી અને વરસાદની શરૂઆત થતા જ કેળના ટીશ્યુ લીલાછમ થયા. માર્ચ મહિનો આવતા આવતા એક છોડ પાછળ 52 રૂપિયાનો ખર્ચ થયો. જે નર્મદા જિલ્લામાં અન્ય ખેડૂતોને થતા ખર્ચ કરતાં અડધો જ કહેવાય. બીજા બધાને તો આ ખર્ચ ૯૦રૂ થી પણ વધુ થતો હશે અને બીજું બંને બાપ-દીકરાની મજૂરી તો મેં ગણી જ નથી, એ તો ગણાય જ નહી કારણકે એ તો ખેડૂત જ છે ને…!

કેળ ઘણી સારી થઈ, લોકો જોવા પણ આવતા, ઘણા બધા સલાહ પણ લેવા આવતા. વધુમાં પૂરું વિદેશના દવાઓના વેપારીઓ પણ અમારી વાડી જોઈને હરખાઈ ગયા અને ફોટા પાડીને તેમની દવાઓનો વેપાર પણ કરી લીધો હશે. પણ આ ખેડૂતે ખૂબ મહેનત કરી છે તેનું પ્રમાણપત્ર તો માર્ચ મહિનામાં જ આવવાનું હતું કારણકે ત્યારે તેનો પાક કાપવા લાયક થવાનો હતો.

માર્ચ મહિનો આવ્યો, વેપારીઓ વાડીઓ જોવા આવવા લાગ્યા. અમારી ત્રણ વાડીઓ મળીને દસ એકર જમીનમાં એકર દીઠ ૧,૨૦૦ની ગણતરીથી ૧૨,૦૦૦ કેળના ટીશ્યુની વાવણી કરેલી. માટે જ આટલો મોટો કેળાનો જથ્થો અને તે પણ એક્સપોર્ટ કવોલીટીનો મળતો હોય તો વેપારી કેમ પાછળ રહે? તમારો બધો માલ અમને  જ આપજો કાકા એમ કહેતા અને કાકા પર દબાણ કરવા છોકરાને પણ ફોન કરીને કહેતાં કે કાકા એ તો આ વર્ષે બધા કેળા મને આપવાનું કહ્યું છે. આમ છેતરપિંડી કરવા માટે એ-વન નમૂનાઓ ની લાઇન લાગી ગઈ હતી.

અચાનક કોરોના નામની હવા આપણા પત્રકારો અને મીડિયાના માધ્યમથી અમારા ઘરના ટીવી અને પછી મોબાઈલ દ્વારા આવી પછી તો  જોવું જ શું અહીંયા કોરોના ને ત્યાં કોરોના અહીંયા આટલા દર્દી ને ત્યાં આટલા. મૃત્યુઆંક વધતા રહ્યા ને ખેડૂતના માલ નો ભાવ ઘટતો રહ્યો. આજે આ દેશ બંધ અને કાલે પેલો દેશ બંધ આ પરિસ્થિતિમાં આપણા દેશનો પણ નંબર આવી જ ગયો. અને એક બાજું વાડીઓમાં કેળા કટીંગ માટે તૈયાર થઈ ગયા હતા. બીજી બાજું જે ૨૦ કિલો કેળાનો ભાવ ૨૭૫/-  રૂપિયા હતો તે કેળા કોઈ લેવા જ તૈયાર નહીં.

૨૨ માર્ચે પબ્લિક કરફ્યુનો હુકમ અને ત્યાર પછી કર્ફ્યુની ઉજવણી જોરશોરથી થતી જોઈ, જેનાથી મને લાગ્યું કે હવે બધું ખુલી જશે અને આપણા દેશ માંથી કોરોના નામક વાયરસ જતો રહ્યો. પણ આ ફરજીયાત પળાવવામાં આવેલા જનતા કરફ્યુ પછી સરકારી કરફ્યુ આવ્યો જેમાં થોડા દુઃખી તો થયા પરંતુ ખેડૂત તો  જગતનો તાત કહેવાય એટલે છાતી પર પથ્થર રાખીને મનને મનાવ્યું. સૌની ભલાઈ માં જ આપણી ભલાઈ, આ લોકડાઉનમાં ઘણા કેળા વાડીમાં જ  પાકી ગયા, ડરના કારણે મજૂરો ઓછા આવતાં, પોલીસ બંદોબસ્ત જાણે કે પડોશી દેશ આપણા પર હુમલો ન કરવાનો હોય. તેવો ગામે ગામ મૂકી દેવાયો હતો.

જેમ તેમ કરીને માણસોને લાવ્યા, માણસો પાસે પણ પૈસા પતી ગયા હશે, તેઓ તો દરરોજ  કમાઈને દરરોજ ખાય. તેમની દયા પણ આવે. ખેતરે ન આવતા છતાં પીકૂના પપ્પા ઘરે જઈને માણસોને પૈસા આપી આવતા. ઘરે વલોણુ થાય તે દિવસે છાશ પણ આપવાનું અચૂક કહેતા.  કેમ જાણે અચાનક દયા આવી, મૂળ હાડના તો પટેલ ખેડૂ જ ને, પાંચ દિવસ પછી ખેતરે ગયા ત્યારે જોયું તો પાકેલા કેળા, પડી ગયેલા થડીયા, ભૂડોએ બગાડેલી લુમો, પાણી વગરના સુકાતા ખેતરો…

જેમ કે મા વગરનું બાળક પોલીસની ગાડીના ગભરાટથી મજૂરોની અનિશ્ચિતતા વગેરે તકલીફો વચ્ચે વાડીએ બગડતો માલ, ખર્ચ કરીને ખેતર બહાર કાઢ્યો અને ગણતરી કરી કે કેટલાક કેળાની લૂમ તૈયાર થઈ છે. દરરોજ  પીકૂ ના પપ્પા ઘરે આવે ને હું પૂછું કે કેમ છે આપણી બરાબર છે ને? કેળા કટીંગ ક્યારે કરવાનું છે? મને એક જ જવાબ મળતો, હજી વાર છે. આપણુ તો ધણું સારું છે પણ પેલાની આખી વાડી પાકી ગઈ, આનું આટલું નુકસાન થયું, વગેરે વાતો થતી. પરંતુ પોતાની વાડીની વાત ન કરે. પણ મને ખબર છે કે ખેડૂત વાડીની લીલોતરી જોઈને ખર્ચ કરે અને બીજા કરતાં થોડુંક ઓછું નુકસાન થાય તો કોઈ દિવસ દુઃખી ન થાય. એ જ તો આ જગતના તાતની ખાસિયત છે.

જોતજોતામાં પ્રથમ લોકડાઉન પૂર્ણ થયું. ગામમાં તમામ ધરોમાં ચર્ચા થવા લાગી આના ઘરમાં આટલા દિવેલા, તલ, સીંગ, કપાસ વગેરે પાકો પડયા છે. તમામ વ્યક્તિ લોકડાઉન પહેલાં બજારમાં જે ભાવ હતો તેની  ગણતરી કરતા અને રાજી રાજી થતા,  હવે થોડી ઘણી છૂટ મળશે, વાહન વ્યવહાર શરૂ થશે. શહેરોની દુકાનોમાં માલ પતી ગયો હશે એટલે આપણને વધારે ભાવ મળશે આમ કરીને વાડીમાં રહેલો માલ અને ઘરમાં રહેલા માલની ગણતરી ગામે  ગામના લોકો કરવા લાગ્યા પણ એમને ક્યાં ખબર હતી કે…..

બધાની જેમ અમારી વાડીમાં પણ 50% કેળા તૈયાર થઈ ગયા હતા, ૧૫ ટકા જેટલું નુકસાન થયું. ચાલો કંઈ વાંધો નહી, બાકી રહેલા માલનો વધારે ભાવ મળશે એટલે સરેરાશ આવી જશે આમ માની આખું ગામ સૂઈ ગયું. સવાર થઈ પ્રથમ લોકડાઉન પૂર્ણ થવાનું હતું. ને કોન બનેગા કરોડપતિના બચ્ચનની જેમ આપણા વડાપ્રધાન તમામ ચેનલો પર છવાઈ ગયા. તમામ ખેડૂત  ટીવીની સામે ટગર ટગર જોયા કરતા કે અત્યારે લોકડાઉન ખુલશે અને અમારો બગડતો પાક કોઈકને કામ લાગશે અને બે પૈસા અમને મળશે. પરંતુ તેને બદલે બીજું લોકડાઉન જાહેર કરાયું સાથે જ અમારી તમામ આશાઓ અને ગણતરીઓ પર પાણી ફરી ગયું. પીકૂના પપ્પાની બેચેની વધતી જતી હતી. આગળ જાય, પાછળ જાય, પાણી પીવે આ લોકડાઉનમાં પહેલી વાર બહાર જવાનું અને ઓટલા પર બેસવાનું મારે કહેવું પડ્યું જેથી તેમનું મન થોડું હળવું થાય કેમકે ૬,૫૦,૦૦૦/- નો ખર્ચ જે ખેડૂતને થયો હોય અને એના માલની ગણતરીના અડધા કરીએ તો પણ ૧૫,૦૦,૦૦૦/- મળશે એવી ગણતરી કરનારની હાલત કેવી હોય તે તમને કયા મનથી કહું? મારી પાસે શબ્દો નથી. માફ કરશો.

બીજા લોકડાઉનમાં વાહન વ્યવહારની છૂટ તો મળી પણ અગાઉ કહ્યું તેમ છેતરપિંડી કરતા વેપારીઓની લાઈન લાગી ગઈ. લોકડાઉનને કારણે વડોદરા-અમદાવાદ શહેરો બંધ છે માટે કેળાની માંગ ઓછી છે, આમ કહીને પહેલું કેળાનું કટીંગ થયું માત્ર ૨૫/- રૂપિયામાં (૨૦ કિલો).

એટલે કે સવા રૂપીયાના કિલો. વળી કેળની લૂમ દીઢ પંદર રૂપિયા તે ખેતરની બહાર કાઢવાના લાગ્યા. એટલે લૂમ દીઢ પાંચ રૂપિયા મળ્યા. આમ જો ગણતરી કરીએ તો લૂમદીઢ  ૪૭/-  રૂપિયાની ખોટ ગઈ એમ કહેવાય. ત્યારબાદ દસ રૂપિયાનો વધારો થયો ક્રમશ: પાંચ-દસ રૂપીયા વેપારીઓ વધારતા. પરંતુ આ સમયે શહેરોમાં પરિસ્થિતિ કંઇક જુદી જ હતી ત્યાં તો ૧ કિલો કેળાના ૨૫ થી ૩૦ રૂપિયા ભાવ ચાલતો હતો.

આમ ત્યાં જ થાય જ્યાં સંપના હોય બીજા જિલ્લાઓમાં ૧00/- રૂપિયા નીચે કોઇપણ ખેડૂતે વેપારીને કેળા આપ્યા નહીં. પરંતુ સંપ વિના અફવાઓમાં દોરવાઈ નર્મદા જિલ્લાના ખેડૂત જેમ તેમ કરીને ઓછામાં ઓછું નુકસાન થાય તેવા પ્રયત્નમાં જલદીમાં જલદી વાડી ખાલી કરી કપાસ માટે ખેતર તૈયાર કરવામાં લાગ્યા. આ વર્ષનું નુકસાન આવતી સાલ કપાસ કરીને મેળવવાની લ્હાયમાં ઉભા પાક પર ટેકટર ફેરવવા લાગ્યા. એકનું  જોઈને બીજું અને બીજાનું જોઈને ત્રીજુંને એક દિવસ અમારો પણ વારો આવી ગયો! ઓછામાં ઓછા 2500 થી 3000 જેટલી કેળની લૂમો જે એકાદ મહિનામાં તૈયાર થાય એમ હતી., પણ આ લોકડાઉન, વેપારીઓની રમત અને ખેડૂતની ખૂટતી ધીરજ આ બધા પરિબળોને કારણે ખેતરો મેદાનમાં ફેરવાઈ ગયા‌. લૂમોની ઉપર જ્યારે ટેકટરના વ્હીલ ફરતા હશે ત્યારે એ ખેડૂતની શું હાલત થઇ હશે એ વિચારું છું તો ગભરામણ થાય છે, માટે મારાથી આગળ લખાતું નથી.

બીજી છ એકરની વાડી બચી છે. પરંતુ જો ભાવ નહીં સુધરે તો કપાસની વાવણી માટે આનો પણ ખાતર તરીકે ઉપયોગ કરવો પડશે. કપાસ કરીશું તો પણ એનો ખર્ચ બાદ કરતા મળતી રકમ કેળામાં થયેલ નુકસાનની ભરપાઈ ભાગ્યેજ કરી શકશે. એમ થાયતો અમારા બે વર્ષ તો ગયા જ સમજો. કહે છે કે સરકારી સહાય આવશે પણ સરકારી સહાય એ બેન્કના વ્યાજ જેવી જ હશે જેમાં દસ્તાવેજનો  ખર્ચ વધારે, દિવસોની બરબાદી અને સરકારી કર્મચારીને ભાઈ બાપા કરવાના. આટલી મહેનત પછી પણ મળે શું?  ત્રણ-ચાર કુતરાઓની વચ્ચે એક રોટલી નંખાય ને જે હાલત થાય તેમ કેન્દ્ર-રાજ્ય- જિલ્લા અને તાલુકા  ખાય પછી જે બચે તે કીડી  રૂપી ગામના ખેડૂતને મળશે.

આ તો થઈ માત્ર એક ગામની અથવા તો એક જિલ્લાની વાત પણ આવા તો ઘણા જિલ્લાને ઘણા રાજ્યોમાં રહેતા તમામ ખેડૂતો ની હાલત શું થઈ હશે એ વિચારતાં જ કંપી ઉઠાય છે. જેમણે શાકભાજી, ફ્રુટ જેવાકે તરબૂચ, જામફળ, ચીકુ, કેરી વગેરેની  ખેતી કરી હશે અને માર્ચ મહિના પછી જ પાક લણવાનો થયો હશે તેમની શું દશા થઈ હશે? એ વિચારતાં કમકમા આવે છે!  

જાગૃતતાનો ઢોંગ કરતી જાગૃત જનતાને મારા પાંચ સવાલ

૧) શું ખેડૂતના પરસેવાની કોઈ કિંમત નથી?

૨) શું ખેડૂતના બગડતા પાકની જગતને કોઈ  જરૂર નથી?

૩) અથૅતંત્રમાં ખેડૂતનું કોઈ  યોગદાન નથી?

૪) આ જગતમાં હંમેશા ખેડૂતના દીકરાને વારસામાં દેવું જ મળશે?

૫) ખેડૂત ક્યારે પોતાના પાકામાલનો ભાવ પોતે નક્કી કરશે?

દીપેન દેસાઈ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s