કોરોના વાયરસ કટોકટીથી વૈશ્વિક અર્થતંત્ર અને સમાજ હલી ગયો છે. આપણને સમજાયું કે આપણે જેને આર્થિક સમૃદ્ધિ માની બેઠા છીએ તે સઘળું એક સુક્ષ્મજીવ નાબૂદ કરી શકે તેમ છે. કોરોના વાયરસના રોગચાળાએ આપણને સામૂહિક વિકાસ અને સમૃદ્ધિના ખ્યાલ અંગે ફેર વિચાર કરવા બાધ્ય કર્યા છે અને નવો રસ્તો પસંદ કરવાનો સમય આપ્યો છે. જેમાં સમૃદ્ધિને જોવાની આપણી દ્રષ્ટિ કઈ તરફ હશે? પર્યાવરણીય-પ્રકૃતિની સમૃદ્ધિ તરફ કે પછી માત્ર આવકના સ્તરમાં વધારો થાય તે તરફ, તે અંગે વિચારવાનો આ અવકાશ છે.
પાછલા બે દાયકામાં સાર્સ, મર્સ, ઇબોલા, નિપાહ અને હવે કોરોના વાયરસથી વૈશ્વિક અર્થતંત્ર અને સમાજ હચમચી ઉઠ્યો છે. કુદરત જાણે થોડાં થોડાં સમયે રીસેટનું બટન દબાવતી ન હોય છે! વૈશ્વિક અર્થવ્યવસ્થાઓ ભારે મંદીની સ્થિતિમાં છે. કોરોનાની બાબતમાં ખાસ વાત એ છે કે આપણા જીવનકાળમાં આ પ્રકારનો વાયરસ જેનો ફેલાવોનો દર વધુ છે, એવું પ્રથમ વખત જોવા મળી રહ્યું છે.
લોકડાઉન કરીને અથવા સીમાઓ બંધ કરીને રોગચાળો નિયંત્રિત ચોક્કસ કરી શકીએ છીએ – પરંતુ પ્રકૃતિની કોઈ સીમાઓ નથી. આપણે યાદ રાખવું જોઈએ કે પ્રકૃતિના દરેક અંગો-જીવો ગાઢ રીતે જોડાયેલા છે. પરંતુ દુર્ભાગ્યે આપણને જે લાભદાયી હોય અથવા અનુકૂળ હોય તેને જ યાદ રાખવાનું આપણે પસંદ કરીએ છીએ. સમગ્ર વિશ્વમાં જે ઝડપે વાયરસનો ફેલાવો થયો છે એ ધટના એ વાતનો પુરાવો છે કે આપણે બધા એકબીજા સાથે કેટલી હદે જોડાયેલા છીએ.
વાયરસ તો માત્ર એક લક્ષણ છે – આ સંકેતથી જો આપણે આજે બોધપાઠ નહી લઈએ તો ભવિષ્યમાં પણ આથી વધુ મોટા લોકડાઉન માટેની તૈયારી રાખવી પડશે. આજે પ્રકૃતિ આપણને જીવન જીવવાની રીત અંગે જાગૃત કરવા માટે હાકલ કરી રહી છે. ઘણાં લોકો એવું માનતા હતા કે તેઓ વૈશ્વિક કટોકટીઓથી સલામત રહેશે જાણે આબોહવામાં થઇ રહેલું પરિવર્તન બીજી દુનિયામાં ન થતું હોય! મને લાગે છે કે આજે આ પરપોટો ફૂટ્યો છે. કોરોનો વાયરસને જેમ કોઈ ક્ષિતિજો નડતી નથી, તે બાબત આબોહવા પરિવર્તન માટે પણ લાગુ પડે છે.
કલ્પના કરો કે, જો આપણી જમીન અનાજનું ઉત્પાદન કરવામાં નિષ્ફળ જાય, આપણો ભૂગર્ભજળનો ભંડાર સૂકાઈ જાય, આપણી નદીઓ પ્રદૂષિત અને નિર્જીવ બની જાય અને આપણો જંગલોનો નાશ થઈ જાય. કલ્પના કરો કે ગરમ પવનથી બચવા માટે આપણે મહિનાઓ સુધી આપણા ઘરોની અંદર રહેવું પડશે. આપણે એવો રસ્તો પસંદ કર્યો છે કે આપણે કાર્બન ઉત્સર્જન ઘટાડી શકીએ તેમ નથી, બરફનું પીગળવું ધીમું કરી શકીએ કે નદીઓમાં માછલીને જીવવા દઈએ કે કાચબાને સુરક્ષિત રાખી શકીએ તેમ નથી!
જો આપણે અન્ય સજીવો તેમજ તેમના નિવાસસ્થાનનું સન્માન નહીં કરીએ તો કોવિડ -19 જેવા રોગચાળા વધુને વધુ જોવા મળશે. એ પણ સ્પષ્ટ છે કે, આપણી કુદરતી રોગપ્રતિકારક શક્તિને વન્ય પ્રાણીઓમાંથી આવતા નવા રોગકારક જીવાણુઓ દ્વારા પડકાર મળતો જ રહેશે.
પ્રકૃતિ જગત સાથે માણસનું અનૈતિક વર્તન રોગચાળાના જોખમનું પ્રમાણ વધારે છે. જ્યારે વન અને પ્રકૃતિની વાત આવે છે, ત્યારે માણસે તેની સાથે વ્યવહારિક અંતર જાળવવાનો સમય આવી ગયો છે.
કુદરત ફક્ત માણસોને બચાવવા માટે નહીં, પણ બધા પ્રાણીઓના સામૂહિક ભવિષ્ય માટે રીસેટ બટનને દબાવી શકે છે. આપણે સમજવું રહ્યું કે સંસ્કૃતિઓ પહોળાં રસ્તાઓ અને મસ મોટા મકાનોથી ટકી શકશે નહીં, પરંતુ તેના જંગલો, નદીઓ અને જૈવવિવિધતાથી જ ટકી શકે. જ્યારે જૈવવિવિધતા જે લાખો જીવોના નિવાસ સ્થાન છે અકબંધ રહેશે અને જંગલો પણ જાળવવામાં આવશે, ત્યારે રોગના જીવાણું મનુષ્યને ચેપ લગાવે તેવી શક્યતા પણ ઓછી થશે.
અત્યાર સુધીના અનુભવ પરથી જાણવા મળે છે કે વન્ય પ્રાણીઓમાંના વાયરસ માનવ રોગચાળા માટે ઘણી રીતે અનુકૂળ છે. વાયરસથી થતાં મોટાભાગના રોગો વન્ય જીવનમાંથી આવે છે. વન્ય પ્રાણીઓ સાથેના વાયરલ આપ-લેની નબળી કડીને દૂર કરવા માટે આપણે સમગ્ર વન્ય જીવોની આહાર સાંકળ પર નજર નાંખવાની જરૂર છે.
એક સંતુલિત અને તંદુરસ્ત નિવસનતંત્ર આપણને રોગો સામે રક્ષણ આપી શકે છે. પૃથ્વી આપણને વારંવાર ચેતવણી આપી રહી છે. અયોગ્ય વાતાવરણ અને તેમાં આવેલા બદલાવથી ‘નવી સામાન્ય બની ગયેલી ઘટના’ જેની સાથે આપણે જીવવું અને અનુકૂલન કરવું પડશે. વિજ્ઞાનીઓએ એન્ટાર્કટિક મહાસાગરના તાપમાનમાં રેકોર્ડ વધારો નોંધ્યો છે. આર્કટિકના દરિયાઇ બરફ છેલ્લા એક દાયકામાં ઝડપથી ઘટી રહ્યો છે.
વર્ષ ૨૦૧૨માં સેટેલાઇટ રેકોર્ડમાં સમુદ્રમાં બરફનું આવરણ 1979 પછી સૌથી ઓછું નોંધાયુ છે. માર્ચ 2020ના આંકડાઓ દર્શાવે છે કે આર્ક્ટિકમાં દરિયાઈ બરફની માત્રા 14.78 મિલિયન ચોરસ કિલોમીટર હતી, જે અત્યાર સુધીના રેકોર્ડમાં સૌથી ઓછી છે.
એન્ટાર્કટિકા અને ગ્રીનલેન્ડ બંનેમાં 2002 થી દર વર્ષે 281 ગીગા ટનના દરે બરફની ચાદર ઓગળી રહી છે. આ પ્રકૃતિની ચેતવણીનો ઘંટનાદ છે. બીજી તરફ દરિયાની વધતી સપાટી છે, જેનું મુખ્ય કારણ ગ્લોબલ વોર્મિંગને કારણે ઓગળતાં બરફથી વધતા દરિયાઈ પાણી છે.
2001 પછીના છેલ્લા વીસ વર્ષોમાં, 19 વર્ષો સૌથી ગરમ વર્ષ રહ્યા છે. તાપમાનમાં વધારો થવાનું એક મુખ્ય કારણ માનવ પ્રવૃત્તિઓ દ્વારા ગ્રીનહાઉસ વાયુઓમાં વધારો, જેમ કે જંગલોનો નાશ, વાહનો દ્વારા થતું ઉત્સર્જન અને ઊર્જા માટે પેટ્રોલીયમ બળતણનું દહન કરવું વગેરે છે. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું સ્તર હાલમાં 413 પીપીએમ છે, જે 1960 માં 316 પી.પી.એમ હતું.(આ માત્રામાં થયેલો વધારો આમ તો નજીવો લાગે છે પરંતુ તેની અસરો અતિ ગંભીર છે.)
આપણે ગયા એક વર્ષના ગાળામાં કેલિફોર્નિયાથી લઈને સાઇબિરીયા સુધી(અમેરિકાથી લઇ રશિયા સુધી), પહેલાં ક્યારેય ન જોઈ હોય તેવી આગ અને પૂરની ઘટનાઓ જોઈ છે. દુર્ભાગ્યે, આગ અને પૂરની સંખ્યામાં થયેલો વધારો અને તેની તીવ્રતા બંને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. જો આપણે એવું માનીએ કે, આપણે તેને ભૂલી જઈએ તો મારે દુઃખ સાથે કહેવું જોઈએ કે પ્રકૃતિ આપણને સતત યાદ કરાવતી જ રહેશે.
જંગલો હજી આજે પણ વિશ્વનો આશરે 30 ટકા જેટલો વિસ્તાર આવરી લે છે, પરંતુ તે ભયંકર ઝડપે અદૃશ્ય થઈ રહ્યાં છે. 1990થી 2016 ની વચ્ચે એટલે કે 15 વર્ષમાં, વિશ્વમાં લગભગ 1.3 મિલિયન ચોરસ કિલોમીટર જંગલોનો નાશ થયો છે, જેનો મોટો ભાગ અતિ મહત્વના ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોનો છે, જે ક્ષેત્રફળની દૃષ્ટિએ દક્ષિણ આફ્રિકા કરતા મોટો વિસ્તાર થાય છે. જંગલોની સાથે, અમે વન્યપ્રાણીસૃષ્ટિ માટેનું સૌથી મૂલ્યવાન કહી શકાય તેવા નિવાસો પણ ગુમાવ્યાં છે, જે ફરી ક્યારે ઊભા કરી શકાશે કે નહી આપણે તે જાણતા નથી.
ઘણા વન્યજીવો લુપ્ત થવાને આરે છે. સાથે માનવ-વન્યપ્રાણીઓની તકરારની ઘટનાઓ સતત વધી રહી છે, કારણ કે રહેઠાણના અભાવે વન્યજીવો માનવ વસવાટના ક્ષેત્રોમાં આવી રહ્યા છે(અથવા કહીએ કે માણસે જીવોના વિસ્તારો કબજે કર્યા છે.). વધતા તાપમાનને લીધે આપણા જંગલો ઝડપથી સુકાઈ જાય છે, જેનાથી તેઓ વધુ જ્વલનશીલ બને છે અને વધુ સરળતાથી દવ લાગી જાય છે.
આવી આગ કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્જનનો એક મોટો સ્રોત પણ બની રહી છે. આપણે ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલી ભયંકર આગ ગયા વર્ષે જ જોઈ છે, જેમાં આશરે 1,10,000 ચોરસ કિલોમીટર વિસ્તરમાં જંગલો, વૃક્ષો અને સંરક્ષીત વિસ્તારનો નાશ થયો છે. પાલતું પ્રાણીઓ પણ જંગલોના નાશ માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે, કારણ કે તેમના માટેના ચારાની જરૂરિયાત દિવસે દિવસે વધતી જાય છે. જંગલની જમીનનો ઉપયોગ ઘાસચારો ઉગાડવા અથવા પ્રાણીઓને ચરવા માટે થાય છે.
ઘણા વન્ય પ્રાણીઓ વાયરસના યજમાન હોય છે – જંગલોનો નાશ થતાં આખરે વન્યપ્રાણીઓથી સુક્ષ્મજીવો મનુષ્ય સુધી પહોંચી શકે છે. બધા પ્રાણીઓને પરિવાર હોય છે. તેમની લાગણી હોય છે. તેમને ખાતી વખતે સમયે શું આપણે એ નૈતિક સત્યને ભૂલી જઈએ છીએ કે આપણે માણસ છીએ?
આપણે આપણા રોજિંદા જીવનમાં પ્લાસ્ટિક એટલું તો મહત્વનું બની ગયું છે કે દર વર્ષે ઓછામાં ઓછું 8 મિલિયન ટન પ્લાસ્ટિક દરિયામાં નાખવામાં આવે છે. વાર્ષિક 300 મિલિયન ટનથી વધુ પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે, તેમ છતાં તમામ પ્લાસ્ટિકમાંથી 90% કરતા વધારે રિસાયકલ કરવામાં આવતાં નથી. અત્યાર સુધી ઉત્પાદિત તમામ પ્લાસ્ટિકમાંથી અડધું પ્લાસ્ટિક તો છેલ્લા 15 વર્ષમાં ઉત્પાદિત કરવામાં આવ્યું છે.
પ્લાસ્ટિક વિવિધ રીતે આપણા ખોરાકમાં આવી રહ્યું છે. તે પક્ષીઓ, માછલી, કાચબા અને માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યું છે.
શું આપણે ઓછામાં ઓછું પ્લાસ્ટિક વાપરીને જીવવાનું શીખી શકીએ ખરા?
શું આપણે પ્લાસ્ટિકની ગંદકીને સાફ કરી શકીએ તેમ છીએ?
શું આપણે આ સિન્થેટીક સંસ્કૃતિથી પોતાને અલગ કરી શકીશું?
એન્થ્રોપોસીનના(એક સૂચિત યુગનું નામ છે જેમાં પૃથ્વીના ભૂપૃષ્ઠ અને પર્યાવરણ પર માનવ પ્રવૃત્તિઓનો નોંધપાત્ર પ્રભાવ પડે છે. આ શબ્દને હજી સુધી સત્તાવાર મંજૂરી મળી નથી.)
આ યુગમાં – આપણે ભૂલી ગયા છીએ કે બધી પ્રજાતિઓ અનન્ય છે – મનુષ્ય સિવાયના અન્ય જીવો અને વનસ્પતિ આપણી સેવા માટે નથી, આપણું જીવન પરસ્પર અને સહિયારું છે. નિવસનતંત્ર તટસ્થ છે – તે માણસોની શ્રેષ્ઠતાને માન આપતું નથી. આપણે આમ તો એવો દાવો કરીએ છીએ કે આપણે શ્રેષ્ઠ બુદ્ધિ સાથેની સૌથી વિકસિત પ્રજાતિ છીએ. પરંતુ, એ પણ હકીકત છે કે આપણે જ આપણી ઇકોસિસ્ટમનો સૌથી વધુ નાશ કર્યો છે.
આ કટોકટી, એકરીતે જાણે આપણને સૌને ઉગારવાનો અવસર લઈને આવી છે. કુદરતને ફરીથી સમૃદ્ધિ અને સુંદર બનાવવાની જરૂર છે – આપણે બીમાર છીએ કારણ કે આપણી પ્રકૃતિ બીમાર છે. આપણું આરોગ્ય પ્રકૃતિ સાથેના આપણા સંબંધોનું જ પરિણામ છે. વાયરસ આપણા મારગને સુધારવા માટે સંકેત આપી રહ્યો છે – તે આપણને કહે છે કે : આપણે પ્રકૃતિનો આદર કરવો જોઈએ, તેની બદલે આપણે પ્રકૃતિનો કબજો કરી લીધો છે અને અન્ય જીવો પર પ્રભુત્વ મેળવવા પ્રયત્નો આદર્યા છે. પરંતુ આપણે ભૂલી ગયા છીએ કે આપણી આર્થિક સમૃદ્ધિ નાના સુક્ષ્મસજીવથી નાબૂદ થઈ શકે છે. સાચા અર્થમાં, એક રીતે પૃથ્વી જાણે ખૂબ જ સુક્ષ્મ અને નાજુક ગ્રહ છે!
એન્ટાર્કટિકામાં જે પણ ઘટના ઘટે તેની અસર દરેકને થશે. એટલે ત્યાં થાય છે….મારે શું? તે અભિગમ ચાલી ન શકે.
- આપણે જે જંગલ વિસ્તારોને નુકસાન પહોચાડ્યું છે તેને ફરી જીવંત કરવા પડશે અને સુરક્ષિત કરવા જોઈએ.
- આપણે વૃક્ષો કાપવાના દરમાં નોંધપાત્ર ઘટાડો કરવો જોઇએ.
- જમીનો પર જંગલો ફરી વિકસશે તો આપણી કાર્બન ફૂટપ્રિન્ટમાં તીવ્ર ઘટાડો થશે અને વન્યજીવો માટે નિવાસસ્થાન પણ ઉભા થશે.
- આપણે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો સમજપૂર્વક ઉપયોગ કરવાનો છે અને આપણા પાણીના સ્રોતોમાં પ્લાસ્ટિકનું પ્રમાણ ઘટાડવું પડશે.
વૈશ્વિક પડકારોને પહોંચી વળવા માટે હિંમતભેર કેટલાક પરિવર્તનનો સ્વીકાર કરવાની જરૂર છે – એવા ફેરફારો ફક્ત સરકાર અથવા કંપનીઓ દ્વારા થાય તે પુરતું નથી અને શક્ય પણ નથી. વ્યક્તિગત વર્તનમાં/જીવન શૈલીમાં પરિવર્તન લાવવાની પણ જરૂર છે. પરિવર્તન માટે આ બંને પ્રક્રિયા સમાંતર ચાલવી જરૂરી છે. જો કોરોના વાયરસ કટોકટી એ કોઈ એક વાત શીખવી હોય તો તે એ છે કે : આપણે – દરેક, જુદાં ચોક્કસ છીએ પરંતુ સાથે છીએ. આ વ્યવસ્થાને સાથે મળીને બદલી શકીએ તેમ છીએ. આપણે છેલ્લા કેટલાક અઠવાડિયામાં જોયું છે કે સરકારો કડક પગલાં લઈ શકે છે અને આપણે આપણું વર્તન પ્રમાણમાં ઝડપથી બદલી પણ શકીએ છીએ.
આપણે ખપ પુરતું લઈને જીવન જીવવાનો અભિગમ કેળવવો પડશે, સાથે ઓછામાં ઓછો કાર્બન ઉત્સર્જીત કરતી જીવનશૈલી તરફ આગળ વધવું પડશે. તે માટે કદાચ આપણે વિકાસની નવી પરિભાષા વિકસાવવી પડશે. જેમાં વિકાસને માપવાનો આધાર પર્યાવરણીય સમૃદ્ધિ હોય નહી કે માત્ર આવકમાં થયેલો વધારો.
છેવટે, વધુ ગુણવતા સભર અને ટકાઉ જીવન જીવવાની આ તક હોઈ શકે, આશા રાખીએ કે આ છેલ્લી તક સાબિત ન થાય.
ડૉ. વેંકટેશ દત્તા(ડાઉન ટુ અર્થમાંથી સાભાર)