માણસજાતનું અસ્તિત્વ અનેક જિંદગીઓના તાણાવાણા સાથે જોડાયેલું છે. આ જાળું ઘણું જટિલ તેમજ આંતરસંબંધોથી બનેલું છે. વળી તેનો (આ જાળાનો) દરેક ઘટક ખુબ જ મુલ્યવાન પણ છે. તેથી જ તેના એક પણ ઘટકમાં કોઈ ફેરફાર થાય અથવા કરવામાં આવે અથવા તો તેની બાદબાકી કરવામાં આવે તો આખી વ્યવસ્થા તેનાથી અસર પામે છે. જેના સકારાત્મક કે નકારાત્મક પરિણામો આવતા હોય છે. તેથી જ કુદરતના દરેક જીવનું આખી વ્યવસ્થામાં આગવું સ્થાન છે અને વિશેષ કાર્ય પણ. એક શબ્દમાં આનું નામ છે જૈવવિવિધતા. એ નિર્વિવાદ છે કે પૃથ્વી માટે, પર્યાવરણ માટે, પૃથ્વી પરના દરેક જીવ માટે અને તેથી મનુષ્ય માટે પણ જૈવવિવિધતા અત્યંત મહત્ત્વની બાબત છે.
અને તેથી જ વર્ષ ૨૦૨૦ના વિશ્વ પર્યાવરણ દિવસનો વિષય રાખવામાં આવ્યો છે, Biodiversity એટલે કે જૈવવિવિધતા.
આપણે જાણીએ છીએ કે 5મી જૂન 1974ની સાલથી વિશ્વભરમાં પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. આ ઉજવણીમાં ૧૫૦થી વધુ દેશો ભાગ લે છે. સંયુક્ત રાષ્ટ્ર આ નિમિત્તે દુનિયાભરમાં પર્યાવરણ જાગૃતિ, તેમજ તે અંગેના પગલાં ભરવા માટે સૌને આહવાન કરે છે. આપણે વર્ષાનું વર્ષ વિશ્વ પર્યાવરણ દિવસ, તેનું મહત્વ જે-તે વર્ષના આ દિવસ માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરાયેલ વિષયની છણાવટ ભૂમિપુત્રમાં કરતા રહ્યા છીએ.
૨૦૨૦ના આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસનો યજમાન કોલંબિયા દેશ છે. જર્મની, કોલંબિયા અને UNEP (યુનાઇટેડ નેશનનો પર્યાવરણ અંગેનો કાર્યક્રમ)ના હોદ્દાધીશોએ જણાવ્યું હતું કે : જ્યારે આપણી પૃથ્વી પરથી ૧૦ લાખ જેટલી વનસ્પતિ તેમજ પ્રાણીઓ લુપ્ત થવાને આરે ઉભા હોય, ત્યારે ‘જૈવવિવિધતા’ એ વિષયની પ્રસ્તુતતા ખૂબ વધી ગઈ છે અને તેથી જ વર્ષ 2020માં જૈવવિવિધતા બચાવવા અંગેના કાર્યક્રમો અને આપણે વધુ પ્રાધાન્ય આપીશું.
2020નું વર્ષ કુદરત જે કટોકટીમાંથી પસાર થઈ રહી છે તે અંગે તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટેનું વર્ષ છે. આ વર્ષ એટલા માટે પણ નિર્ણાયક ગણાય છે કારણ કે આ વર્ષે ચીનમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જૈવવૈવિધ્ય અંગેના સંમેલનનું આયોજન થવાનું છે. (કોવિડ-19ને લીધે બદલાયેલા સંજોગોમાં કદાચ મોકૂફ પણ રહે) આવતા વર્ષે UN Decade of Ecosystem Restoration, નિવસનતંત્રને પુનઃ પ્રાપ્ત કરવાના દાયકા (2021થી 30)નો પણ આરંભ થવાનો છે. ક્લાઇમેટ ચેન્જની કટોકટી, અન્નસુરક્ષા, ચોખ્ખું પાણી તેમજ જૈવવિવિધતા ઉપર જે જોખમ તોળાઈ રહ્યું છે, તે અંગે ના કામો યુદ્ધને ધોરણે કરવા અને નષ્ટ થઇ રહેલ પર્યાવરણને બચાવી લેવાના સક્રિય પ્રયત્નો આ દાયકામાં કરવાનું સંયુક્ત રાષ્ટ્રે ઠરાવ્યું છે.
કોલંબિયા દક્ષિણ અમેરિકા સ્થિત એક દેશ છે. તેની ગણતરી વિશાળ જૈવવિવિધતા ધરાવતા દેશોમાં થાય છે. પૃથ્વી પરની 10% જૈવવિવિધતા કોલંબિયામાં મળી આવે છે. પક્ષીઓ અને ઓર્કિડની વિવિધતા માટે પહેલો નંબર ધરાવે છે. વનસ્પતિ, પતંગિયા, તાજું વહેતું પાણી, ઉભયચર પ્રાણીઓની વિવિધતા બાબતે કોલંબિયા દેશ વિશ્વમાં બીજો નંબર ધરાવે છે. એટલું જ નહીં એન્ડિયન(Andean) નિવસનતંત્રમાં કેટલાક વિસ્તારો એવા છે જેમાં વિપુલમાત્રામાં જૈવવિવિધતા મળી આવે છે. અહીં મળી આવતી કેટલીક વનસ્પતિઓ તેમજ પ્રાણીઓ માત્ર આ વિસ્તારની જ ખાસિયત છે. કોલંબિયામાં એમેઝોનનું વર્ષાવન પણ આવેલું છે.

તેમજ ચોકો જૈવ ભોગોલિક ભેજવાળું નિવસનતંત્ર પણ કોલંબિયામાં છે. આમ જૈવવિવિધતા અંગેની પર્યાવરણ દિનની ઉજવણી કરવા માટે કોલંબિયા એકદમ યોગ્ય અને મહત્વનું સ્થાન છે.
આબોહવામાં જે ફેરફાર થયા છે તેને અંગે પગલાં લેવા અને જૈવ વૈવિધ્યનું જતન કરવું એ એક સિક્કાની બે બાજુઓ છે. વનસ્પતિ તેમજ પ્રાણીઓની જાતિઓ લુપ્ત ન થાય તેને માટે બધા દેશોએ નીતિઓ બનાવી પડશે અને તેનું કડકાઇથી પાલન પણ કરવું પડશે. આજે આ નહીં કરીએ તો પૃથ્વી અને તેના પર રહેતા સમસ્ત જીવો માટેનું જોખમ પ્રતિદિન વધતુ જાય છે. તેનું ભાન માનવજાતને રહેવું જોઈએ. જુદી જુદી પ્રજાતિઓ લુપ્ત થતી જાય છે તેના ગંભીર પરિણામો પૃથ્વી ભોગવી રહી છે. પણ આપણે તે અંગે આંખ આડા કાન કરીએ છીએ. કેમ જાણે આપણને તો તેની કોઈ અસર જ ન થવાની હોય !! પરંતુ એ સમજવું જરૂરી છે કે આખુંયે પર્યાવરણ, નિવસનતંત્ર – કુદરતની આખી પ્રણાલી એવી રીતે એકબીજામાં ઓતપ્રોત અને પરસ્પરાવલંબી છે કે માણસ જેવા માણસને દરેક જીવની જરૂરિયાત છે, પ્રત્યક્ષ અથવા પરોક્ષ.
જૈવ વિવિધતા અને કોરોના વાયરસ, સૌ પ્રશ્નનો ઉકેલ કુદરતમાં સમાયેલો છે. આજે માનવજાત જે પડકારોમાંથી પસાર થઈ રહી છે તેનો પ્રતિભાવ કુદરત આપતી હોય છે તેમ જ તેના દ્વારા તે માનવને કેટલું કરતા રોકે પણ છે. જે હવા આપણે શ્વાસ વાટે અંદર લઈએ કે તેને સાફ કરવાનું કામ તે કરે છે, આપણું પીવાનું પાણી તે શુદ્ધ કરતી રહે છે અને આપણા નિરોગી અને તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે જરૂરી એવો ખોરાક ઉગાડતી રહે છે. આવા અનેક કામો કરનારી કુદરતને લીધે જ આપણું જીવન શક્ય છે. આબોહવા પરિવર્તનને લીધે ઊભા થતાં પ્રશ્નોને હળવા બનાવવાનું કામ પણ કુદરત જ કરે છે. હવામાં કાર્બન ડાયોક્સાઈડ શોષી લઈને પ્રદૂષણને હળવું બનાવીને તેમજ શહેરોના તાપમાનને ઓછું કરવાનું કામ તે સતત કરતી રહે છે.
પડકાર તો છે માણસજાત :
માણસ જે પ્રવૃત્તિઓ જે ઉત્પાદન કરે છે તેને કારણે અભૂતપૂર્વ ઝડપે જૈવવૈવિધ્ય ઓછું થઈ રહ્યું છે. તેમજ વન્યજીવોના જીવનમાં માળખાગત ફેરફારો થઈ રહ્યા છે. છેલ્લા 50 વર્ષમાં માનવ વસ્તી બમણી થઇ છે, વૈશ્વિક અર્થતંત્ર ચાર ગણું થયું છે, તો વૈશ્વિક વ્યાપાર દસ ગણો વધી ગયો છે. આજની ગણતરી પ્રમાણે માણસની જરૂરિયાતો માટે ૧.૬ પૃથ્વીની જરૂર પડે તેમ છે અને તેથી જ વધુને વધુ પ્રજાતિઓને માથે લુપ્ત થવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
અંદાજે લગભગ ૨૫ ટકા પ્રાણીઓ તેમજ વનસ્પતિની પ્રજાતિઓ લુપ્ત થવાના આરે છે. 85 ટકા જળ પ્લાવિત પ્રદેશો (wetland) કે પર્યાવરણની દ્રષ્ટિએ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. તેમાં ફેરફાર થયાં છે. ૭૫ ટકા જેટલી જમીનનો તેના કુદરતી સ્વરૂપ ગુમાવી ચૂકી છે એટલે કે તેમાં મકાનો બંધાઈ ગયા છે અથવા ઉદ્યોગો કે અન્ય પ્રકલ્પો આવી ગયા છે.
અન્ય પ્રાણીઓમાં સૌથી મહત્વના છે પરાગનયન કરનારા પતંગિયા, મધમાખીઓ અને અન્ય માખીઓ. આ જીવો જ્યારે એક છોડમાંથી બીજા છોડમાં પરાગરજ લઈ જાય ત્યારે જ ફળો, અનાજ વગેરેનું ઉત્પાદન થાય છે. જો આ પરાગવાહકો ન હોય તો અનાજનું ઉત્પાદન બંધ થઇ જશે. જૈવવૈવિધ્ય તેમજ નિવસનતંત્રના મુદ્દે બનેલા આંતર સરકારી વિજ્ઞાન નીતિ મંચના 2016ના અહેવાલ પ્રમાણે પરાગવાહકો ખૂબ જ ઝડપથી નાશ પામી રહ્યા છે. માખીની સંખ્યામાં ૩૭ ટકા જેટલો ઘટાડો તેમજ પતંગિયાની સંખ્યામાં ૩૧ ટકાનો ઘટાડો નોંધાયો છે.
કોવિદ-૧૯ના પ્રકોપના લીધે આપણને એ વાત વધુ સ્પષ્ટ રીતે સમજાવી જોઇએ કે જૈવવિવિધતા નષ્ટ કરવાનો અર્થ છે કે માણસની જિંદગીને જે પ્રણાલીઓ જીવંત રાખે છે તેને નષ્ટ કરવી. આપણા નિવસનતંત્રમાં જેમ જૈવવિવિધતા વધુ હશે તેમ એક રોગ ફેલાવનારા સૂક્ષ્મ જીવ માટે આક્રમણ કરવાનું અને ફેલાવવાનું અઘરું થઈ પડશે. જયારે જૈવવિવિધતાનું નષ્ટ થવું આ સૂક્ષ્મ જીવને પ્રાણીઓમાંથી મનુષ્યમાં પહોંચી જવા માટે ખુલ્લો દોર આપે છે. આથી ભવિષ્યમાં ખોરાકની અછત સર્જાઈ શકે છે.
જંગલોનો નાશ, વન્ય પ્રાણીઓના રહેઠાણનું નષ્ટ થવું, ઉદ્યોગિક ધોરણે ખેતી તેમજ આબોહવામાં ધરખમ ફેરફાર જેવા પરિબળોને કારણે કુદરતનું નાજુક સંતુલન ખોરવાયું છે. જે વ્યવસ્થા કુદરતી રીતે આપણું રક્ષણ કરતી હોય તેને આપણે વિખેરી નાંખી છે. અને એવી પરિસ્થિતિ ઊભી કરી છે જેને કારણે આવા સૂક્ષ્મ જીવાણુઓ સહેલાઈથી ફેલાઈ શકે. દાખલા તરીકે કોરોનાવાયરસનો ફેલાવું. આપણે જાણીએ છીએ કે કોરોનાનો ચેપ 55 લાખથી વધુ લોકોને લાગી ચૂક્યો છે અને આને કારણે સાડા ત્રણ લાખ મૃત્યુ થયાં છે. જેમાંથી 75% ચેપ Zoonotic છે,એટલે કે પ્રાણીઓમાંથી ફેલાયેલા છે. કોરોનાએ આપણને ફરી એકવાર વિચારવાની તક આપી છે, આપણે એ પાકું સમજી લેવું જોઈએ કે મનુષ્ય આખા નિવસનતંત્રનો નાનકડો ભાગ છે. સ્વામી નહી.
આ નિવસનતંત્રના એક જવાબદાર ઘટક તરીકે જો માણસ નહીં વર્તે તો પોતાના અસ્તિત્વને જોખમમાં મુકશે આપણને વારંવાર આ માટેની ચેતવણી મળી રહી છે.
પર્યાવરણ દિવસ નિમિત્તે આ અંકમાં જૈવવિવિધતા અંગે વિશેષ વાંચન સામગ્રી મૂકી છે. આ માહિતી ગ્લોબલ વોર્મિંગની અસરો, કોરોનાના અનુભવો, આપણી આંખ ઉઘાડે એવી આશા રાખીએ.
– સ્વાતિ
featured image : UN Environment day Website