દસ લાખ જાતનાં જીવો અને વનસ્પતિ નાશને આરે છે, માણસનો વિનાશ પણ તેની સાથે જોડાયેલો છે

ધોમ ધખતા મે મહિનામાં તેજસ્વી પીળાં ફૂલોનાં ઝૂમખાંથી લચી પડેલાં ગરમાળાનાં ઝાડ  હમણાં પાંચ-સાત વર્ષ પહેલાં સુધી અમદાવાદમાં ઠેર ઠેર જોવાં મળતાં, હવે તે બહુ જ ઓછાં છે, હજુ બે-પાંચ વર્ષ પછી બિલકુલ નહીં હોય. ગુલમહોરનું તો એવું થયું જ  છે. સફેદ ફૂલોવાળું ચાંદનીનું ઝાડ હવે ભાગ્યે જ દેખાય છે. છત્રી આકારની ઘટા જેવા આસોપાલવ ગયાં. ખિસખોલી, કાચિંડા, ભમરા, તમરા નથી દેખાતાં. ચકલીઓ અને સમડીઓ લગભગ ગઈ. ઊંટ બહુ ઓછાં દેખાય છે, ગધેડાં દેખાતાં નથી. અમદાવાદમાં આપણી આસપાસમાં આ બધું થતું રહ્યું છે, જે માત્ર એક સાવ નાનો દાખલો છે.

દુનિયામાં બધે જ આ થતું રહે છે. માનવ સિવાયની જીવસૃષ્ટિનાં અનેકવિધ રૂપોની આવરદા કુદરતી ક્રમમાં પૂરી થાય તેના કરતાં વહેલાં પૂરી થઈ રહી છે. કોઈક એક હેતુ માટે એક બાંધકામ ઊભું થાય છે. રહેઠાણ, ઉદ્યોગ, વાહનવ્યવહાર, બજાર … સેંકડો વાજબી હેતુઓ હોઈ શકે. એટલે એ બાંધકામ થવાની સાથે એ જગ્યા પરની માટી જાય છે. માટી સાથે પાણી, ઘાસ, મૂળિયાં, વનસ્પતિ, કેટલાં ય જીવો એ જગ્યા પરથી નાશ પામે છે અથવા પોતાનું રહેઠાણ ગુમાવે છે. આવાં સેંકડો બાંધકામો દર ક્ષણે દુનિયાભરમાં ઊભાં થતાં રહે છે અને તેની સાથેની જીવસૃષ્ટિ ખતમ થતી રહે છે. આ રીતે પૃથ્વી પરનાં જીવવૈવિધ્યના નાશની સાદી, કદાચ વધારે પડતી સરળ, સમજૂતી આપી શકાય.

માણસ સિવાયની જીવસૃષ્ટિનો આ નાશ અટકાવી ન શકાય તો ય ધીમો પાડવો પડે કારણ કે તે માણસના જ નાશ તરફ દોરી જવાનો છે. કેવી રીતે ? બે સાદી વાત : ઝાડ અને માટીની. ઝાડનો નાશ ચાલે નહીં, ઝાડ કાપીએ એટલે તે જે પ્રાણવાયુ આપે છે તેનું પ્રમાણ ઘટે, તે હવામાંથી જે અંગારવાયુ લે છે તેનું પ્રમાણ આપણી હવામાં વધે, વળી ધુમાડાના ફેલાવાથી અંગારવાયુમાં ઉમેરો થાય. ઝાડ કપાતાં જમીન સહિત સર્વત્ર ઠંડકનો અભાવ થાય, પૃથ્વીનું તાપમાન વધે, જળસ્રોતો જલદી સૂકાય, વરસાદ ઘટે ,દુષ્કાળ માનવજીવનનો નાશ કરે.

અતિઠંડા પ્રદેશોમાં ય તાપમાન વધે, એટલે બરફ ઓગળે, નદીઓ અને સમુદ્રોમાં પૂર આવે માનવજીવનનો નાશ કરે. માટીનો નાશ ચાલે નહીં, કારણ કે જીવવા માટે અનિવાર્ય એવાં પાણીનાં રહેવાનું અને વનસ્પતિનાં ઊગવા-ટકવાનું એકમાત્ર સ્થાન જ માટી છે. મુદ્દો એ છે કે સૃષ્ટિના એક પછી એક ઘટકોનો નાશ થતો જશે તો માનવનું જીવન વધુ ને વધુ આકરું બનશે અને અંતે નાશ પામશે. આ બંનેમાં પહેલો વારો હાડમારીમાંથી થોડાક સમય માટે પણ બચવાના રસ્તા જેમની પાસે નથી એવાં વંચિતોનો આવશે. કુદરતનો નાશ ધીમો પાડવો પડશે.   

કુદરત પહેલાં ક્યારે ય નહીં એવી ઝડપે ખતમ થઈ રહી છે એવી ચેતવણી ૨૦૧૯માં બહાર પડેલાં ગ્લોબલ ઍસેસમેન્ટ રિપોર્ટ ઑન બાયોડાઇવર્સિટી ઍન્ડ ઇકોસિસ્ટમ સર્વિસેસ (જીવવૈવિધ્ય અને પરિસરતંત્ર સાથે સંકળાયેલી સેવાઓ પરનું વૈશ્વિક મૂલ્યાંકન) નામના અહેવાલમાં આપવામાં આવી છે.

અહેવાલ જણાવે છે કે દસ લાખ જાતનાં જીવો અને વનસ્પતિ નાશને આરે છે, પૃથ્વી પરની જમીનના 75% અને 66% દરિયાઈ હિસ્સાને નોંધપાત્ર નુકસાન થયું છે. વેટલૅન્ડ એટલે કે સપાટી પર દેખાતાં પાણીવાળી કે ભીનાશવાળી જમીનનો 85% ભાગ અલોપ થયો છે. દુનિયાની 23% જમીનની ફળદ્રૂપતા ઘટી ગઈ છે. દરિયાકાંઠા પરનાં કુદરતી જીવોનાં વસતીસ્થાનો (હૅબિટાટ્સ) ખલાસ થઈ રહ્યાં છે. આ હૅબિટાટ્સથી પૂર અને વાવાઝોડાં કાબૂમાં રહેતાં. પણ આ આપત્તિઓનાં જોખમ હેઠળ હવે દુનિયાના એક કરોડથી ત્રણ કરોડ જેટલા લોકો જીવી રહ્યા છે. પ્લાસ્ટિકને કારણે ફેલાતાં પ્રદૂષણમાં 1980થી દસ ગણો વધારો થયો છે.

કુદરતને થઈ રહેલાં નુકસાન અંગેની અનેક હકીકતો આપતો ઉપર્યુક્ત અહેવાલ ઇન્ટરગવર્નમેન્ટલ સાયન્સ-પૉલિસી પ્લૅટફૉર્મ ઑન બાયોડાઇવર્સિટી ઍન્ડ ઇકોસિસ્ટમ સર્વિસેસ નામના મંચે તૈયાર કર્યો છે, આ મંચની સાથે 135 દેશો જોડાયેલા છે. ૨૦૧૯માં તૈયાર થયેલા અહેવાલ માટે પચાસ દેશોના 145 નિષ્ણાતોએ ગયાં પચાસ વર્ષને લગતાં પંદર હજાર વૈજ્ઞાનિક અભ્યાસો અને સરકારી દસ્તાવેજોને આધારે ત્રણ વર્ષ કામ કર્યું છે.

પોતાની રીતે પહેલા એવા આ અભ્યાસમાં આર્થિક વિકાસની કુદરત પર અને અને પર્યાવરણ પર પડેલી અસરનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. તેના જર્મન સહપ્રમુખ જોસેફ સેટલ કહે છે: ‘અનેક પ્રજાતિઓ, પરિસર શૃંખલાઓ, વન્યજીવોની વસ્તીઓ, રોજબરોજની જિંદગીમાં જોવા મળતાં વનસ્પતિ અને પ્રાણીઓ – આ બધાંની સંખ્યા ઘટી રહી છે એટલું જ નહીં તે અલોપ પણ થઈ રહ્યાં છે. એકબીજા સાથે જોડાયેલી જીવશૃંખલાઓની પૃથ્વી પરની જાળ નાની થતી જઈ રહી છે અને ઘસાઈ જઈ રહી છે. આ માનવ-પ્રવૃત્તિઓને કારણે થઈ રહ્યું છે અને તેને લઈને દુનિયાના તમામ પ્રદેશોના માણસો જોખમમાં છે.’

બાયોડાઇવર્સિટી અહેવાલમાં સંખ્યાબંધ મહત્ત્વની વિગતો આપવામાં આવી છે. વનવિસ્તારની બાબતમાં એ કહે છે કે ખેતીના કુલ ફેલાવાનો અરધો વિસ્તાર એ જંગલોને ભોગે થયો છે. વિકાસશીલ અને વિકસિત દેશોના પાંચસો ચોરસ કિલોમીટરથી મોટો વિસ્તાર ધરાવતાં જંગલોમાં વર્ષ 2000 પછીના તેર વર્ષમાં 7% ઘટાડો નોંધાયો છે. 1992થી લઈને અત્યાર સુધીમાં શહેરીકરણ 100% વધ્યું છે અને 1970થી અત્યાર સુધી વિશ્વની વસ્તી 3.7 બિલિયનથી વધીને 7.6 બિલિયન એટલે કે 105% વધી છે.

આ ગાળામાં પાણી, ખોરાક અને જમીન માટે 2500 સંઘર્ષો નોંધાયા છે. દરિયાઈ પેદાશોમાં 3-10% અને ફિશ બાયોમાસમાં 3-25 % ઘટાડો નોંધાયો છે. વિશ્વભરમાં પાણીમાં દર વર્ષે ત્રણસોથી ચારસો ટન ઔદ્યોગિક કચરો છોડવામાં આવે છે. 1980થી અત્યાર સુધીમાં હવામાં છોડવામાં આવતાં કાર્બન ડાયોકસાઈડ, ક્લોરોફ્લુરોકાર્બન સહિતના વાયુઓનાં પ્રમાણમાં 100% વધારો થયો છે તેને કારણે પૃથ્વીનું તાપમાન ઓછામાં ઓછું 0.7 ડિગ્રી વધ્યું છે. પર્યાવરણ માટે લડનારા કર્મશીલો અને તેના માટે લખનારા પત્રકારોમાંથી સો જણની 2001-13 દરમિયાન હત્યા કરવામાં આવી.

અનેક ચેતવણીઓની વચ્ચે આ અહેવાલમાં એક આશાસ્પદ વાત કહેવામાં આવી છે :

‘મૂળનિવાસી લોકો (ઇડિજેનસ પીપલ-આદિવાસીઓ) અને સ્થાનિક સમૂહો (લોકલ કમ્યૂનિટીઝ) કુદરતનો ઉપયોગ જ્યાં કરે છે ત્યાં કુદરતને માથે જોખમ ઓછું છે.’ આ બાબત મહત્ત્વની એટલા માટે છે કે અહેવાલમાં જણાવ્યા મુજબ આ લોકો દુનિયાની ઓછામાં ઓછી ચોથા ભાગની જમીન સાથે જુદી જુદી રીતે જોડાયેલા છે. તેઓ પરંપરાગત રીતે કાં તો એના માલિકો છે અથવા તેની પર સદીઓથી રહે છે, તેઓ તેનો ઉપયોગ કરે છે અને તેની સાથે તેની સંભાળ પણ રાખે છે.

એટલા માટે આ અહેવાલ એ સ્વીકારે છે કે મૂળ નિવાસી અને સ્થાનિક સમૂહોનાં મંતવ્યો, દૃષ્ટિકોણ, અધિકાર અને તેમની પ્રદેશ અંગેની તેમ જ તેના પર્યાવરણ વિશેની સમજને પૂરેપૂરી રીતે ધ્યાનમાં લેવામાં આવે તો દુનિયાને ફાયદો થશે. સાદી ભાષામાં કહીએ કે સદીઓથી દુનિયા સંસ્કૃતિ અને પ્રગતિને નામે આદિવાસી-વનવાસી-ગિરીવાસીઓને તેમની ભૂમિમાંથી ખદેડતી આવી છે. તેમને કુદરતી સંપત્તિના આપણા ઉપભોગમાં અને વિકાસમાં અવરોધ માનતી આવી છે.

પણ ખરેખર તો તેમનાં સૂઝબૂઝ, જીવશૈલી, કેટલાંક રીતરિવાજો અને પરંપરાગત જ્ઞાનમાં જળ-જંગલ-જમીનની સાચવણીનો ખ્યાલ રહેલો જ છે. તેમની પાસેથી દુનિયાએ ઘણું શીખવાનું છે.

સંજય શ્રીપાદ ભાવે(નવગુજરાત સમયમાંથી સાભાર)

તસવીર : ecohealthalliance.org

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s