નાનાં હતાં ત્યારે અમારી પરિસ્થિતિ કંઈ સારી કહેવાય એવી નહોતી પણ મા-બાપુએ અમને કદી કોઈ ચીજનો અભાવ લાગવા નહોતો દીધો. અમે ત્રણ ભાઈ-બહેનો. સૌથી મોટી બહેન, વચલો હું અને મારાથી નાનો રાઘવ. રાત પડે ને બાપુના પગ દાબવા અમારી વચ્ચે રકઝક ચાલતી કેમકે, જે બાપુની વધુ નજીક હોય એને એમની વાર્તા સાંભળવાની વધુ મજા આવતી. પગ દાબવા માટે અમને અંદર અંદર ઝઘડતા જોઈ બાપુ હસી પડતા અને કહેતા,
‘બસ બસ હવે, બહુ થઈ ગઈ ચંપી. ચાલો, મારી સામે બેસી જાવ જોઈએ, આજે એક નવી વાર્તા કહું.’
બાપુ એવી તો રસપ્રદ શૈલીમાં અવનવી વાર્તાઓ કહેતા કે,એક વખત એમની વાર્તા શરુ થાય પછી કોઈ ત્યાંથી ખસવા તૈયાર ન થતું. અમે જ્યારે વાર્તા સાંભળવામાં મશગૂલ હોઈએ ત્યારે મા ફટાફટ પોતાનાં કામ આટોપી લેતી.
ઉનાળાની મોસમ શરુ થાય અને ઉકળાટ વધવા લાગે કે તરત મા બાપુને યાદ કરાવવા લાગતી,
‘આજે દુકાનેથી આવતી વખતે કલિંગડ લેતા આવજો હં! આ ગરમીમાં છોકરાં ઠંડુ-મીઠું કલિંગડ ખાય તો લૂ ન લાગે.’
બાપુ હસીને કહેતા,’મારાં મનની વાત તું કેવી રીતે જાણી લે છે? આજે કલિંગડ લાવવાનું મેં નક્કી જ કર્યું હતું.’
આખી ગરમીની મોસમમાં બે-ત્રણ દિવસ થાય ન થાય કે બાપુ અમારું પાંચ માણસનું કુટુંબ ધરાઈને ખાઈ શકે એવડું મોટું કલિંગડ લાવતા ને વાળુ પતી જાય પછી મોટો થાળ અને છરી લઈને સમારતા પણ પોતે જ. અમે ત્રણે ભાંડરડાં થાળની ફરતે ગોઠવાઈ જતાં.
‘છોકરાંઓ, કલિંગડનું બીજું એક નામ પણ છે. કોને આવડે છે?’ બાપુ સવાલ પૂછતા.
‘હું કહું? કલિંગડને તરબૂચ પણ કહેવાય.’ પોતે સૌથી નાનો હવા છતાં જવાબ આવડ્યો તેથી રાઘવ ખુશ થઈ જતો.
‘હા, તરબૂચ પણ કહેવાય પણ એ સિવાય પણ હજી એનું એક નામ છે, ખબર છે?’
મા કહેતી,’હવે કહી દો ને! શું કરવા એ લોકોને ટટળાવો છો?’
‘કલિંગડનું બીજું નામ છે, ‘પાણીનો બાપ. એનાં આવા નામ પાછળ એક વાર્તા છે.’
વાર્તા શબ્દ સાંભળતાંની સાથે અમારા કાન સરવા થઈ જતા. ‘બાપુ, એ નામ પાછળની વાર્તા કહોને!’
‘એક વખત એક રાજા શિકાર કરવા નીકળ્યો. જંગલમાં શિકાર શોધતાં શોધતાં એ પોતાના સાથીઓથી છૂટો પડી ગયો અને રસ્તો ભૂલી ગયો.’
‘બાપરે, પછી શું થયું?’
‘બપોરનો સમય હતો. ભયંકર તાપ હતો. રાજાનું ગળું તરસના માર્યા સુકાવા લાગ્યું. એને લાગ્યું કે જો પાણી નહીં મળે તો એના પ્રાણ નીકળી જશે. એવામાં એક ફકીર જેવો માણસ દેખાયો. રાજાએ એની પાસે પાણી માગ્યું. ફકીર કહે, પાણી શું, પાણીનો બાપ આપું’. એમ કહીને એણે મીઠું સાકર જેવું કલિંગડ રાજાને ખવડાવ્યું.’
‘રાજા તો ખુશ થઈ ગયો હશે નહીં?’ મોટીબેને કલિંગડનો એક મોટો ટૂકડો મોંમાં મૂકતાં પૂછ્યું.
‘હાસ્તો, એણે પોતાની જિંદગીમાં આટલું મીઠું કલિંગડ કોઈ દિવસ ખાધું નહોતું. પછી તો એના સાથીઓ એને શોધતાં આવી પહોંચ્યા. ફકીરે પોતાના પ્રાણ બચાવ્યા એટલે રાજાએ ખુશ થઈને ગળામાંથી મોતીની માળા કાઢીને એને આપવા માંડી. ફકીરે હાથ જોડીને ના પાડી.
રાજાએ કહ્યુ,’ઠીક છે. તમારે કશું નથી જોઈતું પણ આજથી હું તમારા ઉપકારની યાદમાં આ ફળને ‘પાણીનો બાપ’ એવું નામ આપું છું.’
આમ હસી-ખુશીથી અમારા પરિવારના દિવસો પસાર થતા હતા. મોટીબેન પરણીને સાસરે ગઈ,હું ગ્રેજ્યુએટ થયો અને રાઘવ કૉલેજના પહેલાં વર્ષમાં આવ્યો. આટલા માત્રથી કંઈ બાપુની જવાબદારી પૂરી થયેલી ગણાય? પણ એ તો એવું કંઈ વિચાર્યા વિના અચાનક ચાલી નીકળ્યા. એમના જતાં આખો વખત ગુંજતું અને ગાજતું ઘર સૂમસામ થઈ ગયું. આગળ ભણવાનો વિચાર પડતો મૂકી મેં નોકરીની શોધ આરંભી. ઘરમાંથી નીકળું ત્યારે મા અચૂક કહેતી,’ લે ભાઈ, દહીં ખાઈને જા. સારા શુકન થશે તો નોકરી જરૂર મળી જશે.’
એક પછી એક દિવસો જતા ગયા પણ દહીંએ કંઈ અસર ન બતાવી. મને ધોયેલા મૂળાની જેમ પાછો ફરેલો જોઈ મા ઉદાસ થઈ જતી. રાઘવ પણ વારંવાર પૂછતો,’ભાઈ, તમને નોકરી નહીં મળે તો મને ભણાવશો કેવી રીતે? પણ ચિંતા નહીં કરતા. હું ભણવાનું છોડીને કંઈક કામ શોધી કાઢીશ.’ આટલું બોલીને એ ચોપડીમાં મોઢું ખોસી દેતો. ચોરીછૂપીથી અમારી વાત સાંભળી રહેલી મા ફાટેલી સાડીનો પાલવ આંખે દબાવતી.
સવારથી ઘરેથી નીકળીને ભૂખ્યો તરસ્યો હું કેટલીય દુકાનો, ઑફિસો અને બેંકોનાં પગથિયાં ઘસતો પણ બધેથી એક જ જવાબ મળતો,
‘સૉરી, હમણાં તો જગ્યા નથી. હશે તો જરૂર બોલાવીશું.’ હું બધે નામ-સરનામુ અને મોબાઈલ નંબર આપીને નિરાશ થઈને પાછો ફરતો. આકરો ઉનાળો ચાલુ થઈ ગયો હતો. આકાશમાંથી લૂ વરસતી હતી. તરસથી હું આકુળ-વ્યાકુળ થઈ ગયો હતો. ઘરેથી નીકળતી વખતે માએ આપેલી પચાસ રૂપિયાની નોટ ખીસામાં પડી હતી. શેરડીનો રસ પીને ક્ષુધા છીપાવું એમ વિચાર્યું ત્યાંજ કલિંગડની લારીવાળો દેખાયો. થયું, હું એકલો રસ પીઉં એના કરતાં ઘરે કલિંગડ લઈ જાઉં તો ત્રણે સાથે બેસીને ખાશું. આમ પણ બાપુના ગયા પછી ઘરમાં કલિંગડ આવ્યું જ નહોતું. માના હાથમાં કલિંગડ મૂક્યું ત્યારે એની આંખોમાં ભીનાશ ફરી વળી પણ મોં પર હાસ્ય આવ્યું.
‘સારું કર્યું ભાઈ, કલિંગડ લાવ્યો તે.’ એમ કહીને એણે મારા હાથમાં એક કવર મૂક્યું,’ જો ભાઈ, આ તારા નામનું કવર આવ્યું છે.’
‘મા, આ તો મને બેંકમાં નોકરી મળ્યાનો કાગળ છે.’ હું ખુશીથી માને ભેટી પડ્યો. મા કહે,’ ભાઈ, આજે ઘરમાં માત્ર ‘પાણીનો બાપ’ જ નહીં, એની સાથે તારા બાપુના આશીર્વાદ પણ આવ્યા છે.’
દીવાલ પરની ફ્રેમમાં હસી રહેલા બાપુના ચહેરાને મેં વંદન કર્યા.
(સંતોષ ઝાંઝીની હિંદી વાર્તાને આધારે) આશા વીરેંદ્ર