મહામારી : કોવિડની કે બીકની?

કોવિડ મહામારીને રાજનેતાઓ અને મીડિયા “કોરોનાનો કહર” કહીને જે રીતે લોકોને બીવડાવી રહ્યા છે, તે એટલી ખતરનાક નથી. સ્પેન, ઇટાલી, ન્યૂયોર્ક અને ઈંગલેન્ડમાં મોટી સંખ્યામાં કોરોના વાયરસથી થયેલ કેસો અને મરણ જોઇને બધાંને ધ્રાસ્કો લાગ્યો તે સ્વાભાવિક છે. પણ પશ્ચિમનાં દેશો કરતાં આપણી રહેણીકરણી, વાતાવરણ, વસ્તી અને રોગપ્રતિકારક ક્ષમતા જુદા પ્રકારની છે.

આ માંદગીમાં ૮૦ વર્ષથી વધારે ઉમર વાળા લોકોમાં મરણનું પ્રમાણ બહુ વધારે છે. સ્પેન ઇટાલીમાં ૮૦ વર્ષ ઊપરનાં વડીલોની સંખ્યા વધારે હોવાને લીધે ત્યાં મરણ વધારે થયાં છે. ત્યાં મોટાભાગનાં ઘરડા લોકો ઘરડાઘર કે કેર સેંટરમાં રહે છે. ત્યાં ત્રણમાંથી બે મરણ આ સેંટરોમાં થયેલ છે જે સામાન્ય રીતે લૉકડાઊન જેવી સ્થિતીમાં જ રહે છે. આપણે ત્યાં ૮૦ વર્ષથી વધુ ઉમરના વડીલો ફક્ત ૦.૮ ટકા હોવાને લીધે, આપણી વસ્તી વધું હોવા છતાં મરણનું પ્રમાણ ઓછું છે.

યુ.એસ.એના મેસાચુસેટ્સમાં ઉમર પ્રમાણે કોરોનાથી મરણ

કોરોના પોઝીટિવમાંના ૮૦ ટકા લોકોમાં માંદગીનાં કોઈ લક્ષણ જ દેખાતાં નથી અનેે ગંભીર લક્ષણો ફક્ત ૨ ટકામાં જ દેખાય છે. (જેમાં કૃત્રિમ રીતે ઓક્સીજન આપવાની જરૂર પડે છે). વેંટીલેટરની જરૂર ફક્ત ૦.૦૦૪ ટકા દરદીઓમાં પડે છે. વળી આ માંદગીના લીધે મરણનું પ્રમાણ ૦.૨ ટકા છે. જે ફ્લૂની માંદગી જેટલૂં જ છે. મરણ પામેલાઓમાં ફક્ત ૧ ટકા લોકો એવા હતા જેમને બીજી કોઈ માંદકી ન હોય. ભારતમાં કોરોનાને લીધે છેલ્લા ૩ મહિનામાં આશરે ૪૫૦૦ લોકો મરણ પામ્યા છે. લોકડાઊન સિવાયનાં દિવસોમાં આપણાં દેશમાં દર મહિને ૧૨૦૦૦ લોકો તો માર્ગ અકસ્માતમાં મરી જાય છે.

આ માંદગી કોરોનાનાં દરદીનાં છીંક ઉધરસમાંથી નિકળતા વાયરસ વડે ફેલાય છે. જો કોરોનાનાં દરદીને સાજા લોકોથી દૂર રાખવામાં આવે તો માંદગી ફેલાતા અટકાવી શકાય છે. આપણે ત્યાં કેરળમાં પ્રાથમિક આરોગ્ય કેંદ્ર અને સ્વયંસેવકોની મદદથી વહેલી તકે દરદીઓને શોધીને જુદા રાખીને કોરોના ફેલાતા અટકાવી શકાયું. બીજા દેશો જેમકે જાપાન, તાઇવાન, દક્ષિણ કોરિયા અને ન્યૂઝીલેંડમાં પણ મોટાભાગે આજ રીતે લૉકડાઉન વગર કોરોનાને નિયંત્રણમાં રાખી શકાયો છે. આ બધી જગ્યાઓએ સરકારી તબીબી તંત્ર સાબદું અને સક્રિય છે. યૂરોપ, અમેરિકા અને અન્ય દેશોમાં જ્યાં ખાનગી ધંધાદારી હોસ્પિટલોને પ્રોત્સાહન અપાયું છે, ત્યાં વધારે મરણ નીપજ્યાં છે. આપણે ત્યાં પણ મોટાભાગની ખાનગી હોસ્પિટલો બીકને લીધે બંધ છે.

કોરોના આપણને સંદેશ આપે છે કે જાહેર આરોગ્ય સેવાઓનેં સક્ષમ બનાવવાની જરૂર છે. કેરળ, અરૂણાચલ પ્રદેશ, સિક્કીમ, હિમાચલ પ્રદેશ, પુડૂચેરી, મિઝોરમ જેવા પ્રદેશો જાહેર આરોગ્ય પાછળ વ્યક્તિદીઠ ₹૩,૫૦૦થી ₹૧૦,૦૦૦ સુધી ખર્ચ કરે છે. એટલે જ તેઓ કોરોનાને નાથવામાં ઘણે અંશે કારગર રહ્યા છે.

કોરોના વાયરસ હવે આપણી સાથેજ રહેવાનો છે એટલે એની જોડે જીવવાની કળા આપણે શીખી લેવી પડશે. કોરોનાએ એક બોધપાઠ એ આપ્યો છે કે જાહેર આરોગ્ય સેવાઓને સજ્જ કરવી પડશે. આ અગાઉ ઘણા ચેપી રોગો જેમ કે પ્લેગ, બળિયા, ઓરી-અછબડા, કોલેરા, પોલિયો અને એચ.આઇ.વી. વિગેરે આપણે જાહેર આરોગ્ય તંત્ર મારફતે જ નાથી શક્યા છીએ.  મૂડીવાદી દેશોની નકલ કરી તબીબી વિજ્ઞાનનો ઉપયોગ દરદીને રાહત પહોંચડવાની જગ્યાએ નફો કરતો ધંધો બનાવવાના જે રસ્તે આપણે ચઢી ગયા છીએ તેની ઊપર લગામ કસવી પડશે.

આશીશ અવસ્થી અને ડૉ દિલીપ માવળંકરે કરેલા એક અભ્યાસમાં જણાવ્યું છે કે આપણાં દેશમાં કોરોનાનાં ૬૭.૨ ટકા કેસો અને ૭૭.૨ ટકા મરણ 739 પૈકી ફક્ત ૨૦ જિલ્લાઓનાં શહેરી વિસ્તારમાં આવેલા છે. આ જિલ્લાઓની વસ્તી ૧૦.૫ ટકા છે. હજી વિગતે જોઇએ તો ૫૦.૮ ટકા કેસો અને ૫૩.૨ ટકા મરણ કેવળ પાંચ મોટા શહેરો – મુંબઇ, દિલ્હી, અમદાવાદ, ચેન્નઇ અને થાણેમાં થયાં છે. આ શહેરોની વસ્તી માત્ર ૪.૪ ટકા છે.

અહીં કોરોનાનો ચેપ વધુ ફેલાવાનું મુખ્ય કારણ છે વસ્તીની ગીચતા. આ સિવાય લોહીનું દબાણ, સ્થૂળતા, મધુમેહ જેવી માંદગીઓ તેમના જોખમમાં વધારો કરે છે. આમ ભારતમાં કોવિડને લીધે મરણનું પ્રમાણ ૧૦ લાખ વસ્તી દીઠ ૩.૪ છે. પણ આ શહેરોમાં મરણનું પ્રમાણ વધુ છે જેમકે અમદાવાદમાં ૮૭ અને મુંબઇમાં ૮૫ છે. જોકે બેલ્જિયમ-૮૦૫, ઇંગ્લેડ-545 અને ફ્રાંસ-437 ની સરખામણીમાં તે ઘણું ઓછું કહેવાય.

૨૦ જિલ્લાઓની વિગતો જ્યાં સૌથી વધુ કોરોનાના કેસો નોંધાયા છે

પડકાર

નાનપણમાં એક વાર્તા વાંચી હતી જેમાં એક રાજા જ્યારે રસ્તા પર ચાલતો ત્યારે એના પગ માટીથી ખરડાઈ જતા. રાજાએ એક ચર્મકારને બોલાવીને હુકમ કર્યો કે પાટનગરનાં બધાં રસ્તાઓ ચામડાથી મઢી દેવા જેથી પગમાં ધૂળ ના લાગે. આટલા મોટા જથ્થામાં ચામડું મેળવવું અશક્ય હતું એટલે ચર્મકારે પગરખાં ઇજાદ કર્યાં. લૉકડાઊન એટલે રસ્તાને ચામડાથી મઢવા.

આ સમસ્યાનો ઉકેલ લૉકડાઊનમાં નથી. કેરળ, જાપાન અને દક્ષિણ કોરિયામાં લૉકડાઊન કરતાં વહેલી તકે દરદીને શોધી ચેપ ફેલાતો અટકાવવાની કામગીરી પર ભાર મુકાયો હતો. જાહેર આરોગ્યને લીધે એમની પાસે દરદીને શોધવાનું તંત્ર હતું, આરોગ્ય કાર્યકરોની ફૌજ હતી જેની મારફતે તેઓ આ પડકારનો સામનો કરી શક્યા.

આપણે ત્યાં કોરોનાનું જોખમ મોટી ઉમરનાં એટલે કે ૭૦ ઊપરનાં વડીલોને બહુ વધારે છે. આ ઉપરાંત જેઓને મધુમેહ, લોહીનું દબાણ, હૃદય રોગ, દમ અને સ્થૂળતા જેવી માંદગી હોય તેમને જોખમ વધી જાય છે. આવા લોકોને પરિવારથી વિખૂટા પાડ્યા વગર કોરોનાના ચેપથી બચાવવું એ એક મોટો પડકાર આપણી સામે છે.

બીજો એટલોજ મોટો પડકાર છે શારીરિક દૂરી જાળવીને કામધંધા ચાલૂ રાખવા. મુંબઇ આગરા જેવા શહેરોમાં ૩૦ ટકા કરતા વધુ ઘરોમાં એક ઓરડામાં ૪ કરતા વધુ લોકો રહે છે. ત્યાં ૨ ગજ દૂરી કઇ રીતે સચવાશે?

ત્રીજો અને સૌથી મોટો પડકાર છે કોરોનાની બીક ભાંગવાનો. આજે ખાનગી ડૉક્ટરો હૉસ્પિટલમાં જવા તૈયાર નથી.  હૉસ્પિટલમાં એક કર્મચારીને ચેપ લાગે તો આખી  હૉસ્પિટલ બંધ કરી દેવામાં આવે છે. ૧૯૦૪માં જોહૈનેસબર્ગમાં જ્યારે ગાંધીજી ન્યૂમોનિક પ્લેગની જે મહામારીનાં દરદીઓની કાળજી લેવા રોજ જતા હતાં તેમાં મૃત્યુ દર ૧૦૦ ટકાનો હતો. આજની જેમ ત્યારે રક્ષા કવચ (PPE) નહોતા તો પણ ગાંધીજીને બીક નહોતી લાગતી.

જાહેર આરોગ્ય તંત્રના દાક્તરો, નર્સ અને ફીલ્ડ વર્કર રક્ષા કવચ વગર જ્યારે જીવનાં જોખમે કોવિદની સામે લડી રહ્યા છે ત્યારે એમની મદદ માટે અસરગ્રસ્ત શહેરોમાંથી કેરળની જેમ સ્વયંસેવકોની ફૌજ ઊભી કરવાની તાતી જરૂર છે.

અશોક ભાર્ગવ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s