જ્યારે તમે વાયોલિન પાસેથી કોદાળીનું કામ લેવા લાગો ત્યારે તમે રાગરાગિણીઓની અપેક્ષા કેવી રીતે રાખી શકો ? એટલા માટે અયોધ્યાના પ્રશ્ર્નમાં, દેશના કાનૂની ઇતિહાસની બીજી સૌથી લાંબી સુનાવણી પછી, આવેલો ફેંસલો આપણને ન્યાય વિશે કશું જ નથી કહેતો. પણ જમીન વિશે વાત કરે છે. ત્યારે આપણે ફરિયાદ ન કરવી જોઈએ. આપણે એ જ જાણવું અને માનવું જોઈએ જે સર્વોચ્ચ ન્યાયાલયે સર્વસંમતિથી કહ્યું છે. ૧૩૪ વરસ જૂનો ઘા જ્યારે પણ તમે ખોલો, થવાનું તો આ જ હતું. ક્યાંક લોહી વહેત, ક્યાંક આહ ઊઠત; ક્યાંક સ્વપ્નો તૂટત તો ક્યાંક જીત અને ક્યાંક હારનો ભાવ દૃઢ થાત.
એટલા માટે આજે આપણે સર્વોચ્ચ ન્યાયાલયની વાત માની જ લેવી જોઈએ. કેમકે આપણે એની પાસેથી એ કામ લીધું છે જે કામ માટે એ બની જ નહોતી. આપણી હઠ અને આપણા ઉન્માદે એક સંયમિત, સજાગ અને સંસ્કારી સમાજની ઓળખ ગુમાવી દીધી છે. આપણું સામાજિક નેતૃત્વ એટલું પ્રભાવશાળી રહ્યું નહિ કે એ લોકોને રસ્તો ચીંધી શકે. આપણું રાજકીય નેતૃત્વ અત્યંત વામણું, સ્વાર્થી અને સામ્પ્રદાયિક સાબિત થયું. પછી બાકી રહી આપણી ન્યાય વ્યવસ્થા ! સંવૈધાનિક વ્યવસ્થા અને સંવૈધાનિક નૈતિકતા બંને કહે છે કે સામાજિક વિવેક જગાડવો અને ટકાવવો કોઈ દેશના સામાજિક કે રાજકીય નેતૃત્વનું કામ છે, અદાલતનું નહિ. પણ અહીં તો સમાજે પોતાની અયોગ્યતા અને રાજનીતિએ પોતાની અક્ષમતાનો સ્વીકાર કરીને, અદાલતને વિવશ કરી દીધી કે એ આ પ્રશ્ર્નને ઉકેલે.
આપણે આપણી ન્યાય વ્યવસ્થાનો આભાર માનવો જોઈએ. એણે આ આહ્વાનનો સ્વીકાર કર્યો અને અનેક સ્તરે એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો. અંતે સર્વોચ્ચ ન્યાયાયલે વિશેષ સંવિધાનપીઠની રચના કરી. આ પ્રશ્ર્નની સતત સુનાવણી કરી. તમામ પક્ષોને પોતાની વાત અને સાબિતી રજૂ કરવાનો પૂરેપૂરો મોકો આપ્યો. અને પછી ફેંસલા સુધી પહોંચી. એટલે ફેંસલો કબૂલ.
પણ તે પછી આગળ જતાં એવા કેટલાય પ્રશ્ર્નો ઊભા થાય છે, જે ખુદ અદાલતને જ આરોપીના પાંજરામાં ઊભી કરી દે છે. આપણે અદાલતના ફેંસલાને સોએ સો ટકા માન્ય કરીએ છીએ. ન્યાયાધીશોનો આદર પણ કરીએ છીએ. પણ આ કહેતાં ખુદને રોકી નથી શકતા કે માઈ લોર્ડ, કાં તો આપે વિવાદના આત્માને ઓળખ્યો નથી, કાં તો પછી એની પાછળ છુપાયેલી રાજનીતિની કુટિલતાની અવગણના કરી છે. એ ખૂબ જરૂરી હતું કે આ ઝેરિલા વિવાદનો ઝટ ઉકેલ આવે. સામાજિક વિવેકથી આવે, રાજકીય સંમતિથી આવે, નિષ્પક્ષ મધ્યસ્થતાથી આવે અથવા દેશના ગાંધીજનોએ જે એક દિશા દેશની સામે મૂકી હતી કે ‘જ્યાંનો પ્રશ્ર્ન ત્યાંનો ફેંસલો’ – જેવો કોઈ રસ્તો શોધાયો હોત, તો આ વિવાદમાંથી ભારતીય સમાજ અને આપણું લોકતંત્ર વધુ પ્રૌઢ બનીને બહાર આવ્યું હોત. એવું થઈ શક્યું નહિ. જે થયું તેમાં સર્વોચ્ચ ન્યાયાલયે ન્યાયનાં ત્રાજવાં બાજુ પર મૂકી દીધાં અને સૌને સમજાવી પટાવીને વચલો રસ્તો કાઢ્યો. નહિતર આમ કેવી રીતે બને કે ન્યાયાલય જેને જમીનની માલિકીનો પ્રશ્ર્ન કહી રહી હતી, તેમાં ધાર્મિક વિશ્ર્વાસ, પુરાણકથાઓ, આસ્થા વગેરેનો પણ સમાવેશ થઈ ગયો ? સંભવ છે, જ્યારે પ્રશ્ર્ન નીકળ્યો ત્યારે સર્વોચ્ચ ન્યાયાલયને ખ્યાલ આવ્યો હશે. આ માત્ર જમીનની માલિકીનો સામાન્ય પ્રશ્ર્ન નથી પણ ભારતીય સમાજના કેટલાયે તારોને સ્પર્શવાનો પ્રશ્ર્ન છે.
આ સમજાયું એ તો સારું જ થયું. પણ એની કોઈ અસર ફેંસલા પર કેમ ન થઈ ? અદાલતે રામ જન્મભૂમિ સ્થળને કાનૂની માન્યતા આપી દીધી. તો એ કયે આધારે આપી ? જો એ આધાર ધાર્મિક હોય તો એ કાનૂની ત્રાજવે કઈ રીતે તોલવામાં આવ્યો ? સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ રંજન ગોગોઈએ જ તો કહ્યું હતું કે અમે આસ્થા કે માન્યતાને આધારે નહિ, જુબાનીને આધારે ફેંસલો કરીશું. તો રામજન્મભૂમિ પ્રશ્ર્નમાં એવી કઈ જુબાની રજૂ કરવામાં આવી હતી, જે એવી કાનૂનસંમત હતી કે અદાલતે એને જેમની તેમ સ્વીકારી લીધી ? આપે ફેસલામાં કહ્યું તો એ જ ને કે હિંદુઓએ પોતાનો પ્રશ્ર્ન વધુ સારી રીતે રજૂ કર્યો. તો શું વાક્ચાતુર્ય કે વેદપુરાણ આવા વિવાદોમાં ન્યાયનું પલડું પોતાની તરફ નમાવી શકે ? ન્યાયાલયનો કહેવાનો આશય એ પણ છે ને કે સામેવાળાને પોતાનો પ્રશ્ર્ન રજૂ કરતાં ન આવડ્યું. જો એવું હતું તો ન્યાયાલય માટે વધુ જરૂરી એ હતું કે એ સામેવાળાને તૈયારી માટેનો મોકો આપત. ફેંસલો સંભળાવવાનું નહિ, સત્ય સુધી પહોંચવાનું કામ છે અદાલતનું.
અમારે તો અદાલત પાસેથી ન્યાયથી વધુ કે ઓછું કશું જ નથી જોઈતું. તો પછી અમને એ સમજાવો માઈ લોર્ડ કે વચન પ્રમાણે ૧૯૩૪માં મસ્જિદોના ગુંબજોને નુકસાન પહોંચાડવું, ૨૨ ડિસેમ્બર, ૧૯૪૯ની રાતે ગર્ભગૃહમાં ચોરીછૂપી મૂર્તિઓ લઈ જઈને મૂકી દેવી અને પછી ત્યાં મુસલમાનોના પ્રવેશનો નિષેધ કરવો તથા ૬ ડિસેમ્બર ૧૯૯૨ને દિવસે મસ્જિદને તોડી પાડવી, કાયદાનું ગંભીર ઉલ્લંઘન હતું. કાયદાનો ભંગ કરવો તે ગુનો છે. તો પછી આ બધાં જ ગુનાહિત કૃત્યો છે. શું કોઈ એવું ગેરકાનૂની ગુનાહિત કૃત્ય હોઈ શકે, જેને અદાલતમાં રજૂ કરવામાં આવે, અદાલત એ ગુનાને માન્ય પણ કરે અને છતાં એની સજા ન કરે ? માઈ લોર્ડ, આપના ફેંસલામાં આ ત્રણ ગંભીર અને અનૈતિક ગુનાઓની શું સજા કરવામાં આવી ? આપની જ અદાલતમાં વર્ષોથી બાબરી મસ્જિદ ધ્વંસનો કેસ ચાલી રહ્યો છે. શું આ વધુ ન્યાયસંગત ન હોત કે આપ આપનો ફેંસલો એ જ સંભળાવત જે આપે હમણા સંભળાવ્યો છે ? પણ એ પણ કહેત કે આ ફેંસલાનો અમલ ત્યારે જ કરવામાં આવશે, જ્યારે મસ્જિદ ધ્વંસના કેસનો ફેંસલો થાય અને એના ગુનેગારો નક્કી થઈ જાય. અને એ પણ કે એ કેસની સુનાવણી એક પખવાડિયામાં પૂરી કરવામાં આવે. જેથી આ તાજો ફેંસલો લાંબા સમય સુધી લટક્યા ન કરે. અને કદાચ એ પણ કે એ કેસમાં જે ગુનેગારો સાબિત થશે તેઓ કાયમને માટે કોઈ પણ પ્રાતિનિધિક પદ માટે અયોગ્ય ગણાશે. આખરે એવો ન્યાય કેવી રીતે થઈ શકે કે જે ગુનેગારપક્ષને સ્પર્શતો જ ન હોય ? અને આપ તો સારી રીતે જાણો છો કે આજની સરકાર એમની જ છે, જેઓ આ ગુનામાં આપાદ્ મસ્તક ડૂબેલા છે. વળી એ જ લોકોની સરકારને આપે એ અધિકાર પણ આપી દીધા કે તેઓ જ ટ્રસ્ટની રચના પણ કરે. એના સભ્યોની પસંદગી પણ તેઓ જ કરે. મંદિરના નિર્માણની આખી પ્રક્રિયા પણ તેઓ જ નક્કી કરે અને રચના પણ તેઓ જ કરે ! આ સજા છે કે ઈનામ ?
આપ ગોથું ખાઈ ગયા છો માઈ લોર્ડ ! જમીનની માલિકી નક્કી કરવાને બદલે આપ ઇતિહાસ વાંચવામાં-લખવામાં લાગી ગયા. જુઓને, આપે તો રામને, ભગવાનને માણસો જેવી કાનૂની લાયકાત આપી દીધી ! કોઈ કહે છે કે આ તો ઈશ્ર્વરનું અપમાન છે. તો આપ શું બચાવ કરશો ? ઈશ્ર્વર આપણી એક એવી શોધ છે, જે દરેક માનવીય પકડથી બહાર છે. પછી આપે એને કાનૂનની માનવીય મર્યાદામાં કેવી રીતે બાંધી દીધા ? અને કદાચ આ માની લેવામાં આવે કે આપના ફેંસલા પછીથી ભગવાન માણસ બની ગયા તો પછી સીલિંગના તમામ કાયદાઓને છેતરવાને માટે જે સેંકડો એકર જમીનો ભગવાનને નામે લખી દીધી છે તેનું શું થશે ? ભગવાન જો માણસ હોય તો માણસ તો જમીનની કાયદાકીય માલિકી જ રાખી શકે. તો પછી ભૂમિ અધિકારના એ તમામ સંઘર્ષોનું શું થશે, જે ભગવાનને નામે કરવામાં આવતી એવી ચાલાકીની વિરુદ્ધ લડવામાં આવ્યા છે, લડાઈ રહ્યા છે, લડવામાં આવશે ? એમનો આખો સંઘર્ષ ઈશ્ર્વરની વિરુદ્ધ બગાવત બની જશે.
કોઈ પણ કાનૂની ફેંસલાની સફળતાની કસોટી એ છે કે તેનાથી ગુનેગારોના મનમાં પશ્ર્ચાત્તાપ કે પ્રાયશ્ર્ચિત્તનો ભાવ જાગે. આપના આ ફેંસલાથી આવું કંઈ થયું ? હિંદુત્વના દાવેદારો એવું કહી રહ્યા છે કે એમને એમનું લક્ષ્ય મળી ગયું છે. બસ, હવે મંદિર બનાવવું છે ! આ ગુનાના સર્જકો એવું કહી રહ્યા છે કે એમને ગર્વ છે કે તેઓ બાબરી મસ્જિદ ધ્વંસ આંદોલનમાં સામેલ થઈ શક્યા. બીજા બધા જ વિજયોત્સવ મનાવી રહ્યા છે. અપરાધબોધ લેશમાત્ર પણ ક્યાંય દેખાતો નથી. બીજી બાજુ મુસલમાન સમુદાયમાં હતાશા છે. પરાજયનું દુ:ખ છે. ઉદારતા નથી. આપણે એમને શાબાશી આપવી જોઈએ. એમણે વિરોધ ન કરવાનો નિર્ણય કર્યો છે. પણ ઘા ઊંડો છે. જરા વિચાર કરો. આ નિર્ણય મસ્જિદની તરફેણમાં આવ્યો હોત તો ? સડકો પર, મંદિરોમાં, હિંદુત્વના તમામ ગઢોમાં શું થઈ રહ્યું હોત ? દેશભરની મસ્જિદો પર શું વીતી રહ્યું હોત ? સંસદમાં પોતાની અપાર બહુમતીની તલવારથી આપનો નિર્ણય ઉડાવી દીધો હોત. અને સંસદ એ જ નિર્ણય કરત જે આપે કર્યો છે. જાતીય શ્રેષ્ઠતાના દર્શનમાં વિશ્ર્વાસ કરવાવાળી રાજનીતિનો આ ચહેરો આપ કેવી રીતે ભૂલી ગયા ? આપે સાચું જ કહ્યું હતું કે અદાલતો ઇતિહાસની ભૂલોને સુધારવાનું કામ નહિ કરી શકે. પણ આપ ભૂલી ગયા – અદાલતો ઐતિહાસિક ભૂલો પણ ન કરી શકે.
અનુ. મોહન દાંડીકર – કુમાર પ્રશાંત