છત્તીસગઢમાં એક છોકરી મારી પાસે આવી – સોનિયા ભાસ્કર. મેં એને પૂછ્યું, શું થયું ? ત્યારે એણે કહ્યું કે મારા ગામમાં સીઆરપીએફે મારો ચોટલો રસ્સીથી પોતાના પગ સાથે બાંધ્યો અને પછી મારા ગામની ગલીઓમાં મને ઘસડી. પછી મને મારતા મારતા પોલીસ ચોકીએ લઈ ગયા. ત્યાં 15 પુરુષોની સાથે 24 કલાક સુધી મને કાચી જેલમાં રાખી. મેં સોનિયાની વાતનું વીડિયો રેકોર્ડિંગ કર્યું અને રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષને એ બતાવ્યું. હું એ છોકરીને ન્યાય તો ન અપાવી શક્યો. પણ આદિવાસીઓને ખબર તો પડી ગઈ કે પોલીસની ફરિયાદ ક્યાં કરી શકાય. જો તમારી ઉપર કોઈ હુમલો કરે તો તમે પોલીસને ફરિયાદ કરો છો. પણ પોલીસ જ હુમલો કરે તો ? બે વિકલ્પો હતા એમની પાસે – કાં તો અમારી સંસ્થા પાસે આવે કાં તો નકસલવાદીઓ પાસે જાય. નકસલવાદી લોક આંદોલન હંમેશાં ન્યાય કરતું હતું. અમે લોકો સરકારી સ્તરે રસ્તો કાઢતા હતા.
અમારી સંસ્થા જે સરકારી આંખોના તારા સમાન હતી, ત્યાં આદિવાસીઓ પોલીસો અને સરકારની ફરિયાદો લઈને આવવા લાગ્યા. મેં મારાં પત્નીને કહ્યું કે જુઓ, અત્યાર સુધી તો આપણી સંસ્થા ખૂબ સારી રીતે ચાલે છે. ખૂબ પ્રતિષ્ઠા છે, આપણી પાસે પૈસો છે, ખ્યાતિ છે. પણ જો આપણે આ સોનિયા ભાસ્કરનો પ્રશ્ર્ન હાથમાં લેશું તો બધું જ ખતમ થઈ જશે. મારાં પત્નીએ કહ્યું કે તમે તમારી જાતને ગાંધીવાદી સમાજસેવક કહો છો અને આ છોકરી તમારી મદદ માગી રહી છે, ત્યારે તમે વિચારમાં પડી ગયા ! બસ, પછી તો અમે સોનિયાનો પ્રશ્ર્ન હાથમાં લીધો. અમે એ અધિકારીઓને મળ્યા અને કહ્યું કે જુઓ, આવું બધું થઈ રહ્યું છે. તેઓ ભલા ક્યાં કંઈ સાંભળે એવા હતા ! કહ્યું કે સરકારનો આદેશ હતો. અમે મીડિયામાં વાત ચલાવી. એનાથી સરકાર થોડી પરેશાન તો થઈ. પણ કશો ફરક ન પડ્યો. પછી અમે અદાલતમાં પ્રશ્ર્ન લઈ ગયા. ત્યાં સરકારે પલ્લું બદલી નાખ્યું- તમારો આશ્રમ ગેરકાયદેસર છે!
આ હજુ ચાલતું હતું ત્યાં એક બીજો બનાવ બન્યો. એક ગામની 19 છોકરીઓને પોલીસોએ પકડી અને અલગ અલગ જગ્યાએ લઈ જઈને બળાત્કાર કરીને ચાકુ મારી દીધું ! છોકરાઓને લાઈનમાં ઊભા રાખીને ગોળી મારીને ઉડાવી દીધા. એમનાં સગાંસંબંધીઓ અમારી પાસે આવ્યાં. હું હાઈકોર્ટમાં ગયો. જ્યારે પૂછવામાં આવ્યું કે કેમ માર્યાં ? પોલીસોએ કહ્યું કે એ બધાં ‘એનકાઉન્ટર’ હતાં. મેં પૂછ્યું – એ બધા આદિવાસીઓએ કેટલા ગોળીબારો કર્યા ? પોલીસોએ કહ્યું કે અંધાધૂંધ ! તમે કેટલા કર્યા ? એમણે કહ્યું કે અમે 25 ગોળીબાર કર્યા. મેં કહ્યું કે એમણે અંધાધૂંધ ગોળીબાર કર્યા અને એક પણ પોલીસને ગોળી ન વાગી. અને તમે 25 ગોળીબાર કર્યા તેમાં 19 લોકો માર્યા ગયા ? પોલીસોએ સાબિતીમાં 5 બંદૂકો બતાવી. એના બેરલમાં એવાં કાણાં હતાં કે તેનાથી ગોળીબાર થઈ જ ન શકે.
પછીથી અમને ખબર પડી, એમની પાસે આવી 5-7 બંદૂકો છે, જે તેઓ વારંવાર બતાવ્યા કરે છે. અમે કહ્યું : 2000માં છત્તીસગઢ બન્યું. ત્યારથી દિવસના અજવાળામાં આવા કેટલા ગોળીબાર થયા છે ? જેમાં એક પણ પોલીસને ગોળી નથી વાગી. તેમાં જે પકડાયા છે તેની યાદી અદાલતમાં રાખવામાં આવે. પોલીસો ગભરાઈ ગયા. પછી તો વાર્તા એટલી બધી બદલાઈ ગઈ કે જેને ન અમે સમજી શક્યા, ન ઉકેલી શક્યા ! બુલડોઝરો, એન્ટી લેન્ડ માઈન્સ, મશીનગન સાથેની જીપો લઈને અમારા આશ્રમને ઘેરી લીધો. આશ્રમમાં હોસ્પિટલ હતી, ઓફિસ અને ટ્રેનિંગ સેન્ટર હતું. આદિવાસીઓ માટે ધરમશાળા હતી. સેંકડો યુવાનો સાથેનું પોલીસોનું ધાડું અને હથિયારોએ બે કલાકમાં અમારા 17 વરસ જૂના આશ્રમને ખેદાનમેદાન કરી નાખ્યો. અમે કહ્યું : ભલે, આ તો લડાઈ છે ! અમે તમારી ઉપર ઘા કર્યો હતો, તમે અમારી ઉપર વળતો ઘા કર્યો ! અમે ભાડેનું એક ઘર લીધું અને અમારું કામ ચાલુ કરી દીધું.
આ બધું ચાલી રહ્યું હતું ત્યાં તત્કાલીન ગૃહપ્રધાન ચિદંબરમ સાહેબે એક નિવેદન આપ્યું કે જો નકસલવાદીઓ હિંસા છોડી દે અને મને 72 કલાકનો સમય આપે તો હું શાંતિ સ્થાપી શકું છું. એમણે એક ઇન્ટરવ્યૂમાં એમ પણ કહ્યું કે હિમાંશુકુમાર જો મને બોલાવે તો હું જાહેર સુનાવણીમાં આવીને આદિવાસીઓ સાથે વાત કરવા ઇચ્છું છું. મને દિલ્હી બોલાવ્યો, ત્યાં ચિદંબરમ સાહેબને અને રાહુલ ગાંધીને મળ્યો. જ્યારે હું રાહુલ ગાંધીને મળ્યો ત્યારે એમણે મને પૂછ્યું કે આદિવાસીઓ અમારાથી દૂર કેમ જઈ રહ્યા છે ? મેં એમને મજાકમાં કહ્યું કે તમારે બ્રાહ્મણોની જેમ કરવું જોઈએ. એમણે બુદ્ધની સાથે જે વ્યવહાર કર્યો હતો તેવો વ્યવહાર કરવો જોઈએ. એમણે કહ્યું કે એનો મતલબ ?
મેં કહ્યું કે બુદ્ધ જ્યારે બ્રાહ્મણવાદની વિરુદ્ધ ઊભા રહ્યા હતા ત્યારે બ્રાહ્મણોએ મોટી ચાલાકી કરી હતી. એમણે ઘોષણા કરી દીધી કે બુદ્ધ તો વિષ્ણુના દશમા અવતાર છે. એમણે બુદ્ધનું અપહરણ કર્યું છે પોતાના ધર્મમાં. પછી બૌદ્ધધર્મ આખી દુનિયામાં ફેલાયો. એટલે તમે પણ કહો કે આ નકસલવાદીઓ અમારા મિત્રો છે. એમણે અમને લોકતંત્રની ખામીઓ બતાવી છે. હવે લોકોએ અમને ચૂંટ્યા છે. તમે લોકતંત્રની જે ખામીઓ છે તે દૂર કરો. જ્યારે હું ચિદંબરમ સાહેબને મળ્યો ત્યારે એમને મેં કહ્યું કે જુઓ, પ્રત્યેક નકસલવાદી પાસે બે હથિયાર હોય છે. એમના એક ખભા પર ઝોલિયો હોય છે, જેમાં પુસ્તકો હોય છે – માર્કસનાં, લેનિનનાં, માઓનાં. બીજા ખભા પર બંદૂક હોય છે. જ્યારે શાંતિકાળ હોય છે ત્યારે તેઓ ઝોલિયામાંથી પુસ્તકો કાઢીને વાંચે છે અને લોકોને વાંચવા-વંચાવવા આપે છે. અને જેવા સામે દુશ્મનો દેખાય એટલે તરત જ બંદૂક કાઢીને લડવા માંડે છે. સરકારની પાસે માત્ર બંદૂક છે, વિચાર નથી. એટલે હું તમને આમંત્રણ આપું છું. તમે આવો અને આદિવાસીઓની સાથે વાત કરો, ચિદંબરમ સાહેબે જવાબ આપ્યો કે હું 7મી ફેબ્રુઆરીએ આવીશ. મેં કહ્યું તમને છત્તીસગઢના મુખ્યપ્રધાન રોકે તો નહિને ? એમણે કહ્યું, અરે ! ભારતના ગૃહપ્રધાનને કોણ રોકે ? હું પાછો આવતો રહ્યો. અને મેં મારા કાર્યકર્તાઓને કહ્યું કે ભાઈઓ, ગામેગામ જઈને કહી દો કે ભારતના ગૃહપ્રધાન આવી રહ્યા છે.
મેં ચિદંબરમ સાહેબને એક સીડી આપી. એ સીડીમાં બે બનાવોની ચર્ચા હતી. એક ગામ હતું ગોપાંડ. જેમાં 16 આદિવાસીઓને સીઆરપીએફની કોબરા બટાલિયને તલવારોથી કાપી નાખ્યા હતા. 80 વરસના એક વૃદ્ધનું પેટ ચીરી નાખ્યું હતું. અને 70 વરસની એક મહિલાનાં બંને સ્તનો કાપી નાંખ્યાં હતાં. દોઢ વરસના એક છોકરાના બંને હાથો કાપી નાખ્યા હતા. માના ખોળામાં સૂતેલા એક બાળકના માથામાં ચાકૂ મારી દીધું હતું. 8 વરસની એક બાલિકા અને એનાં દાદા-દાદીને મારી નાખ્યાં હતાં. એ સીડી લઈને અમે સુપ્રીમ કોર્ટ ગયા હતા.
ગૃહપ્રધાનને મેં કહ્યું કે જાહેર સુનાવણી વખતે હું આ લોકોને હાજર કરીશ. પોલીસોએ સુપ્રીમ કોર્ટમાં ગોપાંડ કાંડના અરજદારની ધરપકડ કરી. હવે એ કેસમાં હું એકલો જ અરજદાર હતો. બીજો કેસ હતો એક ગામની ચાર છોકરીઓ, જેમની સાથે પોલીસોએ સામૂહિક બળાત્કાર કર્યો હતો. એ છોકરીઓ જ્યારે પોલીસ ચોકીએ ગઈ ત્યારે પેલા નરાધમો ત્યાં જ બેઠા હતા. એ છોકરીઓ અમારી પાસે આવી. અમે એસપીને આખો પ્રશ્ર્ન લખીને મોકલ્યો. કોઈ જવાબ નહિ. પછી અમે ખાનગી ફરિયાદ દાખલ કરી. પોલીસોએ કહ્યું કે આ પ્રશ્ર્નના આરોપી પોલીસો અમને મળતા નથી. ત્યારે એ બધા એ જ પોલીસચોકીમાં રહેતા હતા. હવે તેઓ નવા નવા જુલમો કરી રહ્યા છે. ગામેગામ આગ લગાડી રહ્યા હતા. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ મુખપૃષ્ઠ પર આના ફોટા છાપ્યા હતા અને લખ્યું હતું કે આ લોકો ફરજ પર પણ છે અને ફરાર પણ છે. ગૃહપ્રધાનને આ ખબર છે. તેઓ મુખ્ય પ્રધાનને કહે છે ત્યારે આખું રાજતંત્ર બળાત્કારીઓને બચાવવાના કામમાં લાગી જાય છે. એમને ખબર હતી, એ છોકરીઓ સામે આવશે. એટલે 400 પોલીસો બળાત્કારી પોલીસોની સાથે એ ગામમાં જાય છે અને એ છોકરીઓને ઉપાડી લાવે છે. પાંચ દિવસ સુધી એમની સાથે ફરીથી બળાત્કાર થાય છે. પછી એમને બાજુના ગામના ચોરા પાસે ફેંકી દેવામાં આવે છે, પોલીસોએ એમને એમ પણ કહ્યું જો ફરી પાછી હિમાંશુકુમારની પાસે ગઈ છો તો તમારા આખા ગામને ફૂંકી મારીશું.
આ અતિ શરમજનક બનાવ પછી હું એ ગામમાં ગયો. મુંબઈની પત્રકાર પ્રિયંકા અને જાવેદ પણ સાથે હતાં. એ છોકરીઓએ મને કહ્યું કે તમે અમને કહ્યું હતું : સામે આવો. કાનૂન-સંવિધાન છે. હિંમત કરો. અવાજ ઉઠાવો, ડરો નહિ. અમે એ બધું જ કર્યું. પણ થયું શું? તમે અમને બચાવી પણ ન શક્યા. મને એમ થયું કે હું એમને વધુ જોખમમાં મૂકી રહ્યો છું. કાયદા પર અને સંવિધાન પર મારો જે વિશ્ર્વાસ હતો તે હવે ડગી ગયો હતો. આદિવાસીઓ પોતાનું સ્વમાન, પોતાનું જીવન અને પોતાની જીવિકા નહિ બચાવી શકે. રાજસત્તા, મીડિયા અને અદાલત બધાં જ એમની વિરુદ્ધ છે. કશું જ રહેવા નથી દીધું આપણે. આદિવાસીઓ પોતાની દીકરીઓને કઈ રીતે બચાવે ? લડવું અને લડતાં લડતાં મરી જવું, તે સિવાય નથી કોઈ રસ્તો કે નથી તો અમે કઈ સૂચવી શકીએ તેમ છીએ. આ બનાવના ત્રણ દિવસ પછી ચિદંબરમ સાહેબ આવવાના હતા. તે વખતે મારા આશ્રમમાં એક બહેન રહેતી હતી. તે ગોપાંડ ગામની હતી. એના હાથમાં ગોળી મારવામાં આવી હતી. એનાં હાડકાં તૂટી ગયાં હતાં. અમે એને હોસ્પિટલ લઈ ગયા. એના હાથમાં સળિયો નાંખીને ડોક્ટરે કહ્યું કે એને ફરી લાવજો. એને લઈને હું 4 જાન્યુઆરીએ દિલ્હી ઊપડ્યો. ચિદંબરમ સાહેબ 7મીએ આવવાના હતા. રસ્તામાં પોલીસોએ અમારી ગાડી રોકી અને પેલી બહેનનું અપહરણ કરવામાં આવ્યું. સાંજનાં છાપાંમાં એવા સમાચાર છપાયા કે શિવકુમારે એ છોકરીનું અપહરણ કર્યું છે અને ફરાર થઈ ગયો છે. પણ પોલીસો એને શોધી કાઢશે.”
બીજે દિવસે સવારે મારી પાસે મારા એક સાથીદાર આવ્યા. એમણે કહ્યું કે કલાકેક પછી પોલીસો તમારા ઘર પર હુમલો કરવાના છે. અને આજે રાત્રે તમને મારી નાખવાના છે. હું તો મારી દીકરી અને પત્નીને લઈને ભાગું છું, તમે પણ ભાગી જાવ. કલાકેક પછી પોલીસોએ એમના ઘર પર હુમલો કર્યો. એમની મોટર સાયકલ પણ ઉપાડી ગયા. ટી.વી. તોડી નાંખ્યું. તે દિવસે રાતે મને મારી જ નાખવાના હતા. મને થયું કે મારા સાથીદારો જેલમાં છે. એમનાં ઘરોમાં પોલીસો પહોંચી ગયા છે. મારા સૌથી નિકટના આદિવાસી નેતાને, ચિદંબરમ સાહેબ મને મળી ગયા તે પછી માનવાધિકારને દિવસે જ, પોલીસો પકડીને લઈ ગયા. હાઈકોર્ટના વકીલ એમની પાછળ પાછળ ગયા. થાણેદારે કહ્યું કે વકીલ સાહેબ, આજ સુધી કોઈ વકીલે હિંમત નથી કરી કે થાણેદારની સાથે વાત કરે. અને તમે છેક થાણાની અંદર આવી ગયા !
એમણે પોલીસોને કહ્યું કે એમને પણ પકડી લો અને બંનેને નગ્ન કરીને ઊંધે માથે લટકાવી દો. આખી રાત એમને મારવામાં આવ્યા. પછી હત્યા અને અપહરણના જૂઠા કેસમાં અઢી વરસની જેલની સજા કરવામાં આવી. સવારે વકીલ સાહેબ પાસે લખાવી લીધું કે મારી સલામતી માટે હું રાત્રે થાણામાં રોકાયો હતો. સવારે સહીસલામત પાછો જાઉં છું. તેઓ મારી પાસે આવ્યા. ત્યારે એમનું શરીર સૂજી ગયું હતું. એ ફોટો આજે પણ મારી પાસે છે. આજ સુધી એમની એફઆરઆઈ પણ દાખલ નથી થઈ, તેમ ન તો એ થાણેદાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ. આદિવાસીઓના સેંકડો કેસો અદાલતોમાં પડ્યા છે. મેં વિચાર્યું અને પછી મને એવું લાગ્યું કે આજે મરવું ઠીક નહિ. અહીંથી ભાગવું જોઈએ અને લડાઈ ચાલુ રાખવી જોઈએ. એટલે મેં મારું વલણ બદલી નાખ્યું અને અડધી રાત્રે પાછળની દીવાલ કૂદીને ટેકસી લઈને ભાગી છૂટ્યો. પછીથી મને ખબર પડી કે મારી વિરુદ્ધ લગભગ 100થી વધુ વોરંટ છે.
મારી વિદ્યાર્થિની અને મારી સાથીદાર સોની સોરી અને એમના ભત્રીજા લિંગા કોડીપીએ મારી ગેરહાજરીમાં ત્યાં અવાજ ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું. પહેલાં લિંગા કોડોપીને બનાવટી પ્રશ્ર્નમાં પકડીને લઈ ગયા, એને નગ્ન કરીને અકલ્પનીય રીતોથી ત્રાસ આપવામાં આવ્યો. એમનાં આંતરડાં સુધ્ધાં ફાટી ગયાં. આજ સુધી એમનો રક્તસ્રાવ થયા કરે છે. કેટલાંયે ઓપરેશનો કર્યાં પણ કંઈ ફેર પડતો નથી. પછી સોની સોરીને પોલીસ ચોકીએ લઈ ગયા અને એને કહ્યું કે તમે લખીને આપો કે અરૂંધતી રૉય, પ્રશાંત ભૂષણ અને હિમાંશુકુમાર આ બધા જ નકસલવાદીઓના શહેરી નેતા છે, સોની સોરીએ એમ કરવાની ના પાડી દીધી. બસ, પછી તો પોલીસોને આદેશ આપવામાં આવ્યો કે સોની સોરીને નિર્વસ્ત્ર કરો. પોલીસોએ એને નિર્વસ્ત્ર કરી દીધી. એસપીના આદેશથી એને વીજળીના ઝાટકા આપવામાં આવ્યા. એ બેભાનાવસ્થામાં જીપમાં પડી રહી.
મેજિસ્ટ્રટે એને જોવાની પણ દરકાર ન કરી. જ્યુડિસિયલ રિમાન્ડ આપીને એને જેલમાં મોકલી દીધી. અમે લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. અમે કહ્યું કે છત્તીસગઢની બહાર એની તપાસ કરાવવામાં આવે. એટલે કલકત્તા એન.આર.એસ. હોસ્પિટલમાં એની મેડિકલ તપાસ કરાવવામાં આવી. એના શરીરમાંથી પથ્થરના ટુકડા કાઢ્યા. અને એ સુપ્રીમ કોર્ટના ટેબલ પર મૂકવામાં આવ્યા. આ વાતને આજે સાત વરસ થયાં. પણ સુપ્રીમ કોર્ટની હિંમત નથી કે એ એક એસ.પી.ની વિરુદ્ધ એફ.આઈ.આર દાખલ કરે, કેમ ? કેમ કે ભારતના વિકાસનું એ મોડેલ છે, જે બંદૂકના જોરે જ ચાલી શકે છે. આઝાદી પછીથી આજ સુધી વિકાસનો એકેય પ્રોજેક્ટ પોલીસ અને બંદૂકની ગોળી વિના નથી થયો. જો આપણે અદાલતોને અને પોલીસોને જેલોમાં પૂરીશું તો શહેરી લોકોનો વિકાસ કેવી રીતે થશે? વિકાસનું આ મોડેલ ગરીબોની સાથે વાતચીત કરીને ચાલી જ ન શકે. એને પોલીસ અને બંદૂકના જોરે જ સ્થાપી શકાય. પછી સુપ્રીમ કોર્ટ એક અપરાધી પોલીસ અધિકારીને જેલમાં પૂરી દેવાની હિંમત કેવી રીતે કરે ?
સુપ્રીમ કોર્ટમાં છેલ્લાં સાત વરસથી સોની સોરીનો કેસ લબડ્યા કરે છે. એ પોતાને માટે લડી રહી છે અને બીજાંઓને માટે પણ લડી રહી છે. સરકારને માટે એક પડકારરૂપ બની ગઈ છે. મારે એની સાથે વાત થઈ, ત્યારે એણે મને કહ્યું કે સલવા જુડુમ ફરીથી આવી રહ્યું છે. હમણાં થોડા મહિના પહેલાં નવાં ગામો બાળી નાખવામાં આવ્યાં છે. સ્ત્રીઓને મારવામાં આવી છે. સુરક્ષાબળવાળા આદિવાસીઓના મહુડાને અને અનાજ ભરવા માટેનાં ટોપલાંને કુહાડીથી ફાડી નાખે છે. એમનું અનાજ આમતેમ ફેંકી દે છે. ગોળીઓ ચલાવીને એમની ગાયોને અને બકરીઓને જંગલમાં ભગાડી દે છે. તેઓ લોકોને ધમકી આપે છે, ગામ છોડીને ભાગી જાવ નહિંતર તમારી ગરદન ઉડાવી દેશું.
આદિવાસીઓને સાંભળનાર હવે કોઈ રહ્યું નથી. હવે ન તો વિનાયક સેન છત્તીસગઢ જઈને કામ કરી શકે છે, ન તો વકીલ ઈશા ખંડેલવાલ ત્યાં મફત કાનૂની સહાય આપવા જઈ શકે છે. ડીજીપી પૂરી નિર્લજ્જતાથી કહે છે, અમે વકીલોને બસ્તરમાંથી એટલા માટે કાઢી મૂક્યા કે તેઓ માઓવાદીઓને કાનૂની સહાય કરે છે. કોણ છે માઓવાદીએા ? પોલીસો જેને કહી દે કે આ માઓવાદી છે એ ? મને પણ માઓવાદી કહેવામાં આવ્યો ! તો હવે પોલીસ અદાલત ફેંસલો કરશે કે હું માઓવાદી છું કે નહિ ? મારે આ આરોપ ફગાવી દેવા માટે વકીલની જરૂર પડશે. અને તમે મારા વકીલને ભગાડી દો છો. મારો છો. તો હું કેસ કેવી રીતે લડીશ ? હું ન્યાય કેવી રીતે મેળવીશ ? શું પોલીસોને અદાલતે એ ન કહેવું જોઈએ કે તેઓ ન્યાયિક પ્રક્રિયામાં વિઘ્ન ઊભું કરી રહ્યા છે ? આ જુલમ છે, કોર્ટે એની નોંધ લેવી જોઈએ. પણ નથી લેતી. પાંચ પત્રકારોને જેલમાં પૂરી દીધા છે. સોની સોરીની ઉપર બીજી વાર તેજાબ નાંખવામાં આવ્યો છે. હૈદરાબાદ હાઈકોર્ટની આખેઆખી સત્યશોધક ટીમને જેલમાં પૂરી દીધી. એમને નગ્ન કરીને જેલમાં એમની પરેડ કરાવી ફેરવવામાં આવ્યા. જેથી લોકો ડરી જાય અને સત્ય બહાર લાવવા કોઈ હિંમત ન કરે.
આદિવાસીઓને મદદ કરવા માટેના તમામ રસ્તા બંધ કરી દેવામાં આવે છે. કાનૂન, મીડિયા, વ્યવસ્થા, તમામને બંધ કરીને આદિવાસીઓનો નરસંહાર કરવામાં આવે છે. એવું લાગે છે કે જાણે સો વર્ષ જૂના કોઈ દૂર દૂરના દેશની વાત છે. કોઈ સુદાન કે કોઈ પાકિસ્તાનની. પણ આ તો આપણી જ વાત છે. આપણી સરકાર અને આપણા દેશમાં આ થઈ રહ્યું છે. આપણે આપણને ઘણાં વિકસિત, લોકતાંત્રિક, મહાન સંસ્કૃતિના વાહક કહીએ છીએ અને આપણી જ સેનાઓના માધ્યમથી આપણા જ દેશના કરોડો લોકોની હત્યા કરી રહ્યા છીએ ! આ ઘણી બેચેન કરનારી, સહન ન થાય તેવી, સ્થિતિ છે. પણ દેશમાં જેટલી બેચેની દેખાવી જોઈએ તેટલી દેખાય છે ક્યાંય ? હું પ્રયત્ન કરું છું. આ બેચેની ફેલાય. જે આગ બસ્તરમાં લાગી છે તે દેશના લોકોને, આપણા વિવેકને સ્પર્શે, ઢંઢોળે. તમે કહેશો કે આ તો હિમાંશુકુમારનો સંઘર્ષ છે. ના, મારો સંઘર્ષ નથી. આ સંઘર્ષ તો બસ્તરના લોકો કરી રહ્યા છે. આપણે એમને વિશે વધુમાં વધુ વાતો કરવી જોઈએ, લખવું જોઈએ. સમાજ જેટલો વધુ જાગૃત હશે, અવાજ જેટલો બુલંદ કરશે, સરકાર એટલી વધુ ડરશે. સમાજ જેટલો ચૂપ રહેશે, સરકારની હિંમત એટલી જ વધશે. આપણે સૌ આ ખતરનાક વાત બરાબર યાદ રાખીએ. જો આપણે સરકારને છત્તીસગઢમાં આ બધું કરવાની છૂટ આપી દીધી તો કાલે આ જ સરકાર તમારી સાથે પણ એ જ કરશે.
હમણાં યુ.પી.માં એન્ટી રોમિયો સ્કોવોડ બનાવવામાં આવી છે. ઉત્તરપ્રદેશનું એ સલવા જુડુમ છે. ગુંડાઓને છૂટ આપવામાં આવી છે. તેઓ કોઈપણને, ક્યાંય પણ, પકડી શકે અને મારી શકે. હરિયાણામાં ગૌરક્ષકોને જે પરિચયપત્રો આપવામાં આવ્યા છે, એ પણ સલવા જુડુમ જ છે. એટલે જ્યાં ક્યાંય પ્રશાસન, પોલીસો, સરકાર કે સંવિધાન, કાનૂન, માનવાધિકારોને કચડે, તરત એને પડકાર આપવો જોઈએ. એને ત્યાં જ અટકાવી દો. ત્યાં જ અવાજ ઉઠાવો. એક વ્યક્તિના માનવાધિકારોનું હનન કરવું, ભારતના પ્રત્યેક નાગરિકના માનવાધિકારનું હનન છે.
(2 ઑક્ટોબર 2019ને દિવસે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન દિલ્હીની વાર્ષિક વ્યાખ્યાનમાળામાં અપાયેલા વ્યાખ્યાનનો અંશ)
અનુ : મોહન દાંડીકર – હિમાંશુકુમાર
આ અંગે રસ ધરાવતાર મિત્રોએ ‘વિકાસની વિકરાળતા અને આદિવાસીઓની કરુણ દાસ્તાન’ પુસ્તક વાંચવું રહ્યું.