11 જાન્યુઆરી 1927ને રોજ જન્મેલાં કુન્દનિકાબહેનનું 30 એપ્રિલ 2020ના રોજ 93 વર્ષની ઉંમરે જીવન થંભી ગયું. આંતરડાનું કેન્સર છેલ્લાં વર્ષોમાં પીડા આપતું હતું. નંદીગ્રામે ‘સ્નેહધન’ની છત્રછાયા ગુમાવી. બેનનું પેન નેમ ‘સ્નેહધન’ હતું.
વિશ્ર્વ માંગલ્ય અને સૌન્દર્યનું ગાણું ગાનાર બેલડીનું યજ્ઞકાર્ય અટક્યું. આમ તો મકરન્દભાઈએ વર્ષ 2005માં વિદાય લીધી, ત્યારબાદ, બંનેએ સાથે સેવેલાં સ્વપ્નોને પૂરાં કરવા 15 વર્ષ કુન્દનિકાબહેન કાર્યરત રહ્યાં.
1985માં નંદીગ્રામની સ્થાપના કરવામાં આવી. મકરન્દભાઈ અને કુન્દનિકાબહેને સાધના અને સેવાનો સમન્વય કરવાનાં સ્વપ્ન સેવ્યાં હતાં. મકરન્દભાઈ જ્ઞાન અને ભક્તિ પથના યાત્રિક હતા. સુરેશભાઈ દલાલના શબ્દોમાં તેઓ શબ્દના ઉપાસક અને મૌનના સાધક. એમના કોઈ પણ લખાણમાં શબ્દની સાધના અને સાધનાનો શબ્દ પ્રતિબિંબિત થયા વિના રહેતો નથી. તેમનો જીવ મરજીવો થઈને આંતરચેતનામાં ડૂબકી મારીને મોતીનાં લૂમખે ઝૂમખાં લઈ આવી આપણી સમક્ષ ધરે છે. (મકરન્દ-મુદ્રા-સં. સુરેશ દલાલ)
મકરન્દભાઈ વિષે પ્રથમ જાણકારી ‘યોગી હરનાથના સાંનિધ્યમાં’ પુસ્તક 1970ના દાયકામાં વાંચતાં મળી. પણ પ્રત્યક્ષ મળવાનું 1989ના વર્ષમાં માનવીય ટેકનોલોજી ફોરમે તીથલમાં ‘વિજ્ઞાન અને અધ્યાત્મ’ અંગે સંમેલન યોજ્યું હતું, તે પતાવ્યા બાદ નંદીગ્રામમાં મહેન્દ્રભાઈ ભટ્ટ સાથે મળવા ગયા ત્યારે થયું. સારી એવી વાતો કરી હતી. કુન્દનિકા- બહેન પણ સાથે હતાં. મકરન્દભાઈની તબિયત નરમગરમ હતી પણ મળવાનો સમય ફાળવ્યો હતો. નંદીગ્રામ ત્યારે આકાર લઈ રહ્યું હતું.
મારી સમજણ એવી રહી હતી કે પંચતત્ત્વની આરાધનાનું એક વિશેષ કેન્દ્ર બનવાનું હતું. કદાચ રસ ધરાવતા યોગ્ય સાથી મિત્રો ન મળતાં સ્વપ્ન તે સ્વરૂપમાં સાકાર ન થયું. મુંબઈથી નંદીગ્રામમાં આવ્યા બાદ મકરન્દભાઈ અને કુન્દનિકાબહેને સારું એવું સાહિત્યસર્જન પણ કર્યું. આશ્રમની શરૂઆતનાં વર્ષો તો સ્થાનિક રહેવાસીઓ સાથે સંઘર્ષમાં ગયા. પણ ધીરે ધીરે લોકોનાં દિલ જીતી લેવાયાં.
આપણા સાહિત્ય જગતમાં જે ચિંતકો, લેખકો અધ્યાત્મના પ્રદેશમાં પ્રવેશ કરે છે તેને તેના સંપૂર્ણ સ્વરૂપમાં સ્વીકારવાના સ્થાને તેનાં કાવ્યો, વાર્તા, વિવેચન, લેખો, નવલિકા, નવલકથા જેવી સાહિત્યિક રચનામાં જ સીમિત કરીને જોવામાં આવે છે. સુંદરમ્ પોંડેચેરી ગયા તેમાં ઘણાને એક સાહિત્યકાર ખોયાનો ભાસ થતો હતો. ભોગીલાલ ગાંધીએ જ્યારે ‘ચમત્કારોનું વિજ્ઞાન’ અને ‘ચમત્કારિક શક્તિની શોધમાં’ પુસ્તકો લખ્યાં તો તે પુસ્તકોને અવગણવામાં આવ્યાં.
સાહિત્યકાર કોને ગણવા, તેની વ્યાખ્યા થોડી વિશાળ કરવા જેવી છે. પેલે પારનો ચમકાર જેણે ઝીલ્યો છે તેની રચના પણ સમાજના જ્ઞાનની ક્ષિતિજો વિસ્તૃત કરી શકે છે. ‘સાત પગલાં આકાશમાં’ને મળેલો આવકાર આનંદની વાત છે પરંતુ ‘ઊઘડતાં દ્વાર અંતરનાં’, કે ‘હિમાલયના સિદ્ધ યોગી’ જેવા અનુવાદોને પણ આવકાર મળવો જોઈએ.
ગોંડલના નાથાભાઈ જોશી અધ્યાત્મની દુનિયાની એક અનોખી વ્યક્તિ હતા. મકરન્દભાઈ સાથે સારો નાતો હતો. મકરન્દભાઈએ નાથાભાઈ સાથે વાતો કરતાં જણાવ્યું કે હું શક્તિપાતમાં માનતો નથી. નાથાભાઈએ જણાવ્યું કે એવી ભગવદ્શક્તિ છે, અને જેનો ઉપયોગ કરી સામેની વ્યક્તિમાં ચેતના જાગરણનું એક દ્વાર ખોલી શકાય છે. નાથાભાઈએ મકરન્દભાઈના માથા પર હાથ મૂકીને તે શક્તિનો અનુભવ પણ કરાવ્યો હતો.
કુન્દનિકાબહેને ‘હિમાલયના સિદ્ધયોગી’ પુસ્તકમાં લખ્યું છે – ‘પુસ્તકમાં અનેકાનેક ચમત્કારિક ઘટનાઓનું વર્ણન છે. હું એમાં માનું છું ? એનો સ્પષ્ટ જવાબ છે : ‘હા’. આ ઘટનાઓ સાચી હોઈ શકે છે, એમ હું માનું છું. આવી શક્તિઓ ધરાવતા યોગીઓનું અસ્તિત્વ છે, એમાં મને અંગત રીતે જરા પણ શંકા નથી. અનુવાદ કરવા પાછળનો મારો ઉદ્દેશ પણ એ જ છે કે આ દેખીતા જગત પાછળ એક વિરાટ સૂક્ષ્મ જગત આવી રહેલું છે અને મનુષ્ય યોગશક્તિ વડે તેને પામી શકે છે એની ઝાંખી કરાવવી.’
કહેવાય છે, મકરન્દભાઈનાં કાવ્યો પર જેટલી વાતો થાય છે તેટલી વાતો તેમના ગદ્ય અંગે થતી નથી. મકરન્દભાઈએ તેમના અધ્યાત્મના અનુભવોના ચમકારા તેમજ તત્ત્વદર્શન અને ચિંતનને ડઝન જેટલાં પુસ્તકોમાં પ્રગટ કર્યા છે. સ્વામી આનંદ સાથેના પત્રોમાં પણ તે ઝિલાયું છે (સ્વામી અને સાંઈ પુસ્તક – સંપાદન હિમાંશી શેલત).
મકરન્દભાઈ અને કુન્દનિકાબહેનનાં લગ્ન એ માત્ર બે સાહિત્ય-કારોનું જોડાણ ન હતું. બંનેના મિલન અંગે મકરન્દભાઈ કહે છે – ‘અમને લાગ્યું કે સમાન વિચાર છે, સમાન દૃષ્ટિ છે. ખૂબ સંવાદિતા છે. સાથે એવી રીતે જીવન જીવી શકીશું અને એ સાચું ઠર્યું.’
આ ઉપરાંત મકરન્દભાઈ કહે છે – ‘હું તમને નિખાલસપણે કહું તો એમાં (લગ્નની બાબતમાં) અંદરની પ્રેરણાએ જ બહુ ભાગ ભજવ્યો છે. મને અંદરથી કેટલીક સ્ફુરણા થતી હોય છે, પછી હું બહુ વિચાર નથી કરતો. હું એને અનુસરીને અંધકારમાં પણ ઝંપલાવું.’
બંનેનું સાહિત્યસર્જન પણ એકબીજાની ઓથ સાથે થયું છે. મકરન્દભાઈ કહે છે – ‘મારું લખાણ પહેલાં કુન્દનિકાને જ વંચાવું. એ ચર્ચા કરે, સુધારા સૂચવે. અમે ભાષામાં ફેરફાર પણ કરીએ…. મેં ઘણી વાર કુન્દનિકાના શબ્દો કાવ્યમાં ગૂંથ્યા છે : ‘ગમતાંનો કરીએ ગુલાલ’ મારા શબ્દો નથી, કુન્દનિકાના છે. એવી જ રીતે કુન્દનિકાની કેટલીક વાર્તાઓ મારાં સ્વપ્નો પર રચાયેલી છે.’
આ જોડીએ ભૂ:લોકથી સત્યલોક સુધીની યાત્રામાં અનંત રૂપોનું દર્શન કરીને પરમતત્ત્વની પ્રાપ્તિ પણ કરી હશે પરંતુ ધરતી પરથી તેમના પગ ઊંચકાઈ ગયા ન હતા. મકરન્દભાઈ કહે છે – ‘મને લાગે છે કે એક અધ્યાત્મનો પ્રદેશ છે – શુદ્ધ પ્રકાશનો. પણ એ પ્રકાશ ધરતી પર આવે ત્યારે તેની સાથે આપણો નાતો બંધાય છે. આપણો આ માનવનો મેળો. મને માનવ બહુ સ્પર્શે છે. ને એમાં કબીર જેવો કોઈ પાંગરે ત્યારે માણસાઈ આભને આંબી જતી લાગે, કારણ કે મનુષ્ય જ આપણો પાયો છે. એને ગુમાવીને ક્યાંય આકાશમાં જઈ શકાય નહીં.
‘માણસાઈ-માનવતા, સામૂહિક જવાબદારીઓ મને બહુ સ્પર્શે છે. અધ્યાત્મની વાતો થાય ત્યારે કહું છું કે જેમાં માનવતાનો પાયો નથી તે અધ્યાત્મ ખોટું છે. એક જૂઠ છે. ધર્મને નામે, સંપ્રદાયને નામે જે ભાગલા પડે છે તેથી મારું મન ઘવાય છે.’
કુન્દનિકા બહેન સ્ત્રી-પુરુષ-સંબંધોમાં, માનવ-માનવ વચ્ચેના સંબંધોમાં ક્રાન્તિ લાવવા ‘સાત પગલાં આકાશમાં’ની એક મશાલ પ્રગટાવે છે. સાથે સાથે નંદીગ્રામમાં સેવાની ગંગા પણ વહેતી કરે છે. શિક્ષણ, આરોગ્ય, ગ્રામવિકાસનાં કામો યથાશક્તિ કરે છે. સાત પગલાં ભલે આકાશમાં ભરાતાં હોય પરંતુ આઠમું પગલું માનવતાની ભોંય પર છે. અધ્યાત્મની તે કસોટી છે.
નંદીગ્રામની વાટે ઊપડતાં પહેલાંની આતુરતા મકરન્દભાઈના શબ્દોમાં જોઈએ – ‘ત્યાં પછાત વિસ્તાર છે. ધરમપુરનો એ વિસ્તાર અમે પસંદ કર્યો. હવે ત્યાં જઈને રહીશ તો મારું અંતર ઠરશે. જમીન સાથે, જમીનના મિત્રો સાથે, આપણા ભાઈભાંડુનાં દુ:ખ દર્દ વચ્ચે આપણે બેસીએ તો ઈશ્ર્વર રાજી થાય. પરમાત્માના ઘરનો આ રસ્તો છે. એટલે કવિતા, અધ્યાત્મ, યોગ જે કહો તેમાં મારી ધ્રુવકડી છે – નિર્ભેળ પ્રેમ.’
‘સાહિત્યની વાત કરું છું, કવિતાની વાત કરું છું કે અધ્યાત્મની વાત કરું છું ત્યારે હું એ જ કહું છું કે નિર્ભેળ, નિ:સ્વાર્થ ને મુક્ત પ્રેમ એ જ ખરી પ્રાપ્તિ છે. બીજું કશું નથી. હું તમને ચાહી શકું અને તમે મને મારી મર્યાદાઓ છતાં ચાહી શકો એ જ મુખ્ય વાત છે.’
કુન્દનિકાબહેન લખે છે : ‘લખવું – એ હંમેશાં મને બીજી કોટિની – સેકન્ડરી – વસ્તુ લાગી છે. પહેલી કોટિની વસ્તુ છે : જીવવું. અનુભૂતિ તે મુખ્ય વસ્તુ છે. આલેખન પછી આવે છે. મર્મ તે મુખ્ય વસ્તુ છે, આકાર પછીની વાત છે; સંગીત તે મુખ્ય વસ્તુ છે, વાયોલિન પછીની વાત છે. પ્રેમ તે મુખ્ય વસ્તુ છે, વ્યક્તિ પછીની વાત છે. પણ ઘણી વાર પછીની વસ્તુ જ આગળ આવીને રહે છે.’
નવનીત સમર્પણમાં હિમાંશીબહેન શેલત કુન્દનિકાબહેન સાથેના 35 વર્ષના સંબંધોની વાત લખે છે. તેઓ કહે છે – ‘બહેનનો ઉત્કટ જીવનરસ હકારાત્મક અભિગમથી કશુંક વિશેષ હતો.એમાં પ્રયોગ કરવાની ઊર્જા એમણે અંત સુધી જાળવી રાખેલી. ક્યારેક વિપરીત પરિણામ આવે તો એ ભોગવી લેવાની તૈયારી તેમનામાં હતી. આદર્શવાદી, કર્મશીલ અને થનગનતી વ્યક્તિઓ માટે નંદીગ્રામ પ્રિય સ્થળ બની ગયેલું.’
‘અજ્ઞાતમાં શ્રદ્ધા, માનવની સારપમાં શ્રદ્ધા, પૃથ્વીના સૌંદર્ય માટેનો અહોભાવ કુન્દનિકાબહેનના લેખમાં પ્રતિબિંબિત થયાં, તેવાં એમના જીવનમાં યે વણાયેલાં હતાં.’
પૂરાં 35 વર્ષ સુધી સ્વપ્નો સાકાર કરવા નંદીગ્રામના ગર્ભદીપમાં પ્રગટાવેલી જ્યોત બુઝાઈ. આશા રાખીએ આશ્રમવાસીઓ પુન: આ જ્યોતને પ્રગટાવે અને અખિલ જીવનનું શિક્ષણ આપવા મથતી નંદીગ્રામની આધ્યાત્મિક વસાહતને જીવંત બનાવે, તેવી શુભકામના.
– રજની