ધ્યાનનો પ્રદેશ એટલો વિસ્તૃત અને વિવિધ છે કે તેનું પૂરેપૂરું વર્ણન થઈ ન શકે. મનને શૂન્ય કરી નાખવાથી માંડી કોઈ ઈષ્ટ રૂપમાં સ્થિર કરવા સુધી ધ્યાનના પ્રકાર છે ને એની અનેકવિધ રીતો છે. મનના જે કાંઈ સંકલ્પ-વિકલ્પ ઊઠે તે સજાગપણે ને નિર્લેપભાવે જોયા કરવાનું કોઈ કહે છે, તો કોઈ એનું નિયંત્રણ કરવાનો ઉપદેશ આપે છે. એને માટેના ઉપાયો પણ અનેક છે. ધ્યાનના આ બધા જ પ્રકારોનો મુખ્ય ઉદ્દેશ મનનું અત્યારનું સ્વરૂપ છે તેને ધરમૂળથી પલટાવી નાખવાનો છે. મનુષ્યનું મન જ્યાં સુધી પોતાનાં રંગીન આવરણો તજે નહીં ત્યાં સુધી સત્યનો ધવલ પ્રકાશ એ ઝીલી શકે નહીં. પણ મનથી પર ઊઠવું શી રીતે ? મન વિના તો કોઈ સાધન નથી અને મન જેવો માયાવી જાદુગર બીજો કોઈ નથી. જ્યારે મન જ મનથી પર રહેલા સત્યનો સ્વાંગ ધરી આવે ત્યારે તેને પારખવું શી રીતે ? એટલા માટે ધ્યાનના અતાગ પ્રદેશમાં પ્રવેશ કરતાં પહેલાં સાવચેતી રાખવાની અને ધીરે ધીરે સાધનબળ વધારતા જવાની જરૂર છે.
મન જ્યારે ધ્યાનમાં એકાગ્ર થાય, સ્થિત થાય ત્યારે મનની વાસના, તૃષ્ણાઓ શિથિલ થઈ જાય એ સ્પષ્ટ નિશાની છે, અને એ તો માણસ આંતરપરીક્ષણથી તપાસી શકે. કોઈ પણ દિવ્ય દર્શન, શ્રવણ કે ચમત્કારિક ગણાતી શક્તિ માણસને પોતે છે તેનાથી વધારે સ્વસ્થ ને મુક્ત ન બનાવે તો તેને આધ્યાત્મિક ન ગણાવી શકાય. આ એક માપદંડ છે. મન એકાગ્ર થાય તેમ તે વધુ વ્યાપક બને. ધ્યાનનું આ લક્ષણ છે. એ માટે બીજા કોઈને પૂછવા જવાની જરૂર રહેતી નથી.
ધ્યાન દ્વારા માણસ પોતાના અંતરતમ સત્ત્વની શોધ કરે છે, અને એ સત્ત્વ માણસે પોતાની આસપાસ ઊભી કરેલી દીવાલોમાંથી તેને મુક્ત કરતું જાય છે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ – એ ત્રણ શરીરમાં માણસબદ્ધ છે. ત્રણેને ભેદ્યા વિના પરમ સત્નો સાક્ષાત્કાર થતો નથી. સ્થૂળ ને સૂક્ષ્મના પ્રદેશમાં મૂર્તિઓ, પ્રતીકો અને ભાવગુણોનો સહારો લઈ શકાય છે. એથી પર સૂક્ષ્માતીત પ્રદેશમાં તો કોઈ અવલંબનો ચાલતાં નથી. પણ એમાંય ભયસ્થાન ઓછાં નથી. દિવ્ય અનુભૂતિઓનો દાવો કરી મન જેમ છેતરે છે તેમ જડતા કે શૂન્યવૃત્તિ ધારણ કરી શૂન્યત્વ સિદ્ધ થયાનો ભ્રમ ઊભો કરે છે. એટલે જીવનના અંત સુધી જાગૃતિ રાખ્યા વિના છૂટકો નથી. ગોરખનાથે કહ્યું છે :
યહ દુનિયા કુબુદ્ધિ કા ખેત, જબ લગ જીવે, તબ લગ ચેત
ધ્યાન માટેનાં ત્રણ સ્થાનો છે : રૂપ, ગુણ અને ગુણાતીત કે શુદ્ધ ચૈતન્યની અવસ્થા. મન હંમેશાં ઇન્દ્રિયો દ્વારા બહારની વસ્તુઓ સાથે જોડાયેલું રહે છે. ધ્યાન દ્વારા જ્યારે તેને અંદર લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે તે મનગમતી વસ્તુઓ પણ સાથે લઈ જાય છે. મનને ત્યારે આ વસ્તુઓથી મુક્ત કરવું પડે છે. નાના બાળકના હાથમાંથી રમકડું છોડાવવા જેવી આ વાત છે. હઠીલું મન પોતાની પ્રિય વસ્તુઓના ચિંતનને છોડી શકતું નથી.
એવી જ રીતે જેણે આઘાત આપ્યો હોય એના ચિંતનને પણ વિસારી શકતું નથી. ત્યારે શું કરવું ? મન પર જોરજુલમ કરવો ? તેને વિધિ-નિયમનાં દોરડાં બાંધી પરાણે અંદર ખેંચી જવું ? એનાથી કદાચ મન વશ થશે પણ કોઈક ખૂણે અસંતોષ કે વિદ્રોહનાં બીજ રહી જશે, અને અવસર મળતાં વરસોની અધીનતાને મન માથું ફેરવીને ધૂળધાણી કરી નાખશે. ત્યારે મનને સમજાવવું ? પોતે જેને પ્રિય માને છે તે કેટલી ક્ષુદ્ર અને ક્ષણભંગુર વસ્તુઓ છે તે ઠસાવી દેવું ?
આ પહેલાં કરતાં સારી રીત છે. પણ નજર સામે જે વસ્તુઓ લલચાવી રહી હોય તેને છોડી તો શકાય – છતાંયે ક્યાંક ઊંડો અદીઠ રાગ રહી જાય છે. ગીતા કહે છે તેમ વિષયો તો છૂટે છે પણ તેનો રસ રહી જાય છે. પરમનાં દર્શન વિના એ છૂટતો નથી. આ પરમને મૂર્તિરૂપે, પ્રતીકરૂપે, સર્વભાવે ઉપાસ્ય આધાર તરીકે સ્થૂળ સૃષ્ટિમાં જ સામે લાવવામાં આવે તો ? મન એની સહાય વડે બહાર નીકળી શકે. રૂપધ્યાન એ મનની મુક્તિનું પહેલું પગથિયું છે.
માણસનાં નેત્રો સામે કોઈ સુંદર, મધુર આકૃતિ ઊભી થાય તો એનું સહેજે આકર્ષણ થાય છે. જેને જોઈ નેત્રો ઠરે એને મનમાં વસાવવાનું મુશ્કેલ બનતું નથી. આ નિવાસ વધુ સમય સુધી કેમ સ્થિર રહે ?- એ મનનો પોતાનો જ પ્રશ્ર્ન બની જાય છે. મનને પછી પરાણે જોડવું પડતું નથી, આપમેળે જોડાઈ જાય છે. અને હરેક પળે મન હજુ ઓછું જોડાયું – એવી ઝંખના જાગતી જાય છે. માણસને સહજ સાધનાની વાટે દોડતી કરી મૂકે છે. મનની ચંચલતાનો ત્રાસ પછી અનુભવવો પડતો નથી. મન જ્યાં ત્યાં દોડે છે એવી ફરિયાદ ઊઠતી નથી. પણ મન હજુ કેમ ઈષ્ટનાં ચરણોમાં પૂરેપૂરું નિમગ્ન નથી થઈ ગયું એવી લગની લાગે છે. મનની ચંચલતાથી હારી જઈને કોઈએ ગોપાલાનંદ સ્વામીને પૂછ્યુ હતું :
‘સ્વામી, મનમાં સારા ને ખરાબ વિચારો આવ્યા જ કરે છે. ઘડી વાર પણ મન ક્યાંય ઠરીને ઠામ થઈ બેસતું નથી અને ખરાબ વિચારોને કાઢવા જતા નીકળતા નથી. શું કરવું ?’
સ્વામીએ કહ્યું :
“સારા ને નરસા વિચાર તો ધોળા અને કાળા કાંકરા જેવા છે. એકને કાઢો ત્યાં બીજો આવ્યા વિના નહીં રહે. પણ અમે તો બેય કાંકરા વચ્ચે શ્રીહરિનો હીરો મૂકી દઈએ છીએ એટલે મનમાં પછી બીજું કાંઈ કાળુંધોળું આવતું નથી.”
રૂપધ્યાનની સિદ્ધિનો આ સર્વોધમ દાખલો છે. ગીતાએ પણ જેને ‘સુ-દુર્લભ’ કહ્યા એ, સર્વત્ર વાસુદેવને નિહાળતા મહાત્માની આ દૃષ્ટિ છે. આપણે ત્યાં સ્તોત્રોમાં ઈષ્ટદેવનું નખશિખ વર્ણન આવે છે તે માત્ર વાંચી જવા માટે નથી, પણ એની અંતરમાં ધારણા કરવા માટે છે. સ્થૂળ નેત્રો સાથે જ્યારે અંતરનો ભાવ ભળે છે ત્યારે એક જાતની ભાવદૃષ્ટિ મળે છે. બહારનાં નેત્રો અંદરનાં નેત્રને ખુલ્લાં થવાનું આમંત્રણ આપતાં રહે છે, અને જ્યારે ભાવનેત્રો ઊઘડી જાય છે ત્યારે સ્થૂળ મૂર્તિમાં ચૈતન્યની જાગૃતિ થાય છે. એક મૃણ્યમય મૂર્તિ કેવી રીતે ચિન્મય બની ઊઠે છે, એક સ્થૂળ, સીમિત આકારમાં કેવી રીતે અસીમ દિવ્યતા આવિર્ભાવ પામે છે, તે રૂપધ્યાનનો ચમત્કાર છે. અત્યંત સ્થૂળ અને સૂક્ષ્મતમ ચૈતન્ય વચ્ચેના પ્રેમસંબંધનું રહસ્ય અહીં પડ્યું છે.
રૂપધ્યાન સિદ્ધ થયેલું ક્યારે માનવું ?
ગોપાલાનંદ સ્વામીના ઉત્તરમાં જ આવી જાય છે કે મનના સંકલ્પ-વિકલ્પો શમી જાય અને ઈષ્ટદેવનું સ્વરૂપ અનાયાસ અવિરત મનમાં રમ્યા કરે ત્યારે રૂપધ્યાન સિદ્ધ થયું સમજવું. એ ઉપરાંત બીજી પણ એક પદ્ધતિ છે કે માખી, મચ્છર, જીવજંતુ શરીર પર બેસે, ફરે, ડંખ મારે તેનું ભાન ન થાય ત્યારે રૂપધ્યાન પરિપક્વ થયેલું ગણી શકાય, રૂપધ્યાન પછી સ્થૂળ શરીર સાથેનું બંધન છૂટી જવું જોઈએ.
પણ મનુષ્ય માત્ર સ્થૂળ શરીરનો બનેલો નથી. એની સાથે સૂક્ષ્મ અને કારણ શરીર જોડાયેલાં છે. આ ત્રણે શરીરો સાથે જે આત્મબુદ્ધિ જોડાઈ ગઈ છે એમાંથી છૂટ્યા વિના મુક્તિ મળતી નથી. સૂક્ષ્મ શરીરનાં બંધનો શિથિલ કરવા માટે રૂપધ્યાન પછી આવે છે ગુણગાન. આ ધ્યાન એકબીજા સાથે એવાં સંકળાયેલાં છે કે એને જુદાં પાડી શકાતાં નથી પણ જે અંગની પ્રમુખતા ને પ્રબળતા હોય એની સિદ્ધિ પહેલી થાય છે.
ગુણધ્યાનમાં ઈષ્ટની આકૃતિની સુંદરતા, તેજસ્વિતા, મનોહારિતા તો આવી જ જાય છે પણ એ ઉપરાંત તેનો પ્રેમ, સર્વજ્ઞતા અને સર્વ-શક્તિમત્તા વગેરે ગુણોનું સિંચન પણ ભળે છે. રૂપધ્યાન વિના પણ ગુણધ્યાન થઈ શકે છે. આપણા કબીર, નાનક, દાદુ વગેરે સંતોએ આ સગુણ-નિરાકારનો માર્ગ અપનાવ્યો છે. ગુણધ્યાન એ રૂપધ્યાનના અભ્યાસીને મૂર્તિની એકદેશીયતામાંથી બહાર લાવતું પગલું છે. જેને સર્વવ્યાપી ગણીએ તેને એક જ સ્થળે કેમ બાંધી રાખી શકાય ? પંઢરીનાથની મૂર્તિમાં આસક્ત થયેલા નામદેવને આ ગુણધ્યાનની ઉપાસના દ્વારા જ્ઞાનેશ્ર્વરે બહાર કાઢ્યા હતા, તે એટલે સુધી કે પંઢરીનાથનાં દર્શન વિના ઘડી વાર પણ ન રહી શકનારા નામદેવ છેક પંજાબમાં સ્થાયી નિવાસ કરી રહ્યા, ત્યાં જ તેમનું મૃત્યુ થયું. પણ પંઢરીનાથનો એમને કદી વિયોગ ન થયો. પોતાના પ્રાણેશ્ર્વરને એક મૂર્તિમાંથી ઘટઘટના વાસી બનાવતી આ ગુણધ્યાનની પ્રક્રિયા છે.
ગુણધ્યાન સૂક્ષ્મ દેહના તાણાવાણાને છિન્નવિચ્છિન્ન કરી નાખે છે. ગુણનિધિ ભગવાનનું ધ્યાન કરતાં કરતાં સાધકમાં ભગવદ્ગુણોનો આવિર્ભાવ થાય છે. રૂપધ્યાન દ્વારા જેમ ઈષ્ટમૂર્તિ જાજવલ્યમાન, જીવંત અને જવાબ આપતી બને છે તેમ ગુણધ્યાન દ્વારા માણસ પોતે જ અસીમ શક્તિનું વાહન બનતો હોય એમ અનુભવ કરવા લાગે છે. પોતાના શરીરને કોઈ ધક્કો મારીને ચલાવે ત્યારે શંકા રહેતી નથી કે હું ચાલું છું કે કોઈ ચલાવે છે. એવી જ રીતે પોતાથી તદ્દન નિરાળી પણ પોતાની અંદર જ રહેલી મહાશક્તિની લીલાનો અનુભવ થાય છે. ઈસુ, ગૌરાંગ, સહજાનંદ, રામકૃષ્ણ વગેરે અવતારી પુરુષોમાં જે મનુષ્યત્વ અને દેવત્વનાં પાસાં દેખાય છે તે ગુણધ્યાનની પરમાત્મશક્તિ સાથે એકમયતા, એકરસતા છતી કરે છે. ‘હું અને મારો પિતા એક છીએ’ – એ ઈસુનું વાક્ય કે ગૌરાંગ-સહજાનંદ-રામકૃષ્ણમાં ‘હું જ કૃષ્ણ છું’, ‘હું જ કાલી છું.’ – એ વચનોની પાછળ ભગવત્શક્તિનું માનવમાં અવતરણ જોઈ શકાય છે.
ગુણધ્યાન એ એક આનંદમયી, કલ્યાણમયી, ગતિમાન, શક્તિમાન ચેતનાનું ધ્યાન છે. પણ આ સદા ક્રિયાશીલ શક્તિના કેન્દ્રમાં એક નિત્ય પ્રશાંત નિશ્ર્ચલ તત્ત્વ રહ્યું છે. એના સાક્ષાત્કાર વિના આ રૂપ-ગુણની સાધના અધૂરી રહી જાય છે. આ છે ગુણાતીત ધ્યાન, સત્તામાત્રનું ધ્યાન કે બ્રહ્મધ્યાન. ગુણના ધ્યાન વિના સીધા બ્રહ્મધ્યાનમાં પણ સાધક જઈ શકે છે. આ અવ્યક્તની ઉપાસનામાં અધિક કલેશ છે એ ગીતાવાક્ય આ સીધા નિરાલંબ આરોહણની કઠિનતા સૂચવે છે. આ ગુણાતીત ધ્યાનમાં રૂપ-અરૂપ, ગુણ-અગુણ બધું જ એક મહાશૂન્ય કે મહાપૂર્ણમાં ઓગળી-પીગળી જાય છે. રૂપ નેત્રનો વિષય છે, ગુણ પ્રજ્ઞાનો વિષય છે, પણ આ શુદ્ધ અસ્તિત્વને બીજા કોઈ સાધન વડે ઓળખી શકાતું નથી. આ ધ્યાન સિદ્ધ થતાં કારણ શરીર કે લિંગદેહનો લય થઈ જાય છે, કારણ કે ત્યાં કોઈ લિંગની કે ચિહ્નની સંજ્ઞા રહેતી નથી.
રૂપ, ગુણ અને ગુણાતીત – એમ ધ્યાનનાં આ ત્રણ પગથિયાં મનુષ્યના સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ દેહનો નાશ કરી તેને પરમ સત્માં સ્થિર કરી દે છે. મનુષ્ય ત્યારે ત્રિગુણમયી પ્રકૃતિનો દાસ નથી રહેતો, પણ પ્રકૃતિને માથે પગ મૂકી સ્વાધીન ઊભો રહે છે. બલિને મસ્તકે પગ ચાંપી ઊભા રહેલા વામનના સ્વરૂપમાં આ સત્ય વણી લેવામાં આવ્યું છે. ઓમ્કારને માથે રહેલી અર્ધમાત્રા આ પદને સૂચવે છે. આ ત્રણ પ્રકારના ધ્યાનને આપણે ઈષ્ટ, વિશિષ્ટ અને સમાવિષ્ટ એ ત્રણ નામથી ઓળખી શકીએ. ઈષ્ટના રૂપદર્શનથી આ સ્થૂળ દેહ પર કાબૂ મેળવી શકાય, વિશિષ્ટના ગુણદર્શનથી સૂક્ષ્મ દેહનાં આંદોલનો શમી જાય અને સમાવિષ્ટના સર્વ દ્વન્દ્વોથી પર એવા ધ્યાનથી કારણદેહનો પણ વિલય થતાં એકમાત્ર અવિભાજ્ય પરમસત્ સઘળે પ્રકાશી રહે. આ ત્રણે પગથિયાંમાં, જેમાં કશાનો પરિત્યાગ નથી પણ પરિશુદ્ધિ છે એવી ભારતની ધર્મસાધના આવી જાય છે.
બ્રહ્મમાં ન કશું જ બહિષ્કૃત
પરમમાં સઘળું જ પરિષ્કૃત.
– મકરન્દ દવે