મારાં પ્રિય પુસ્તકો

જીવનમાં જુદા જુદા સમયે જેમ વ્યક્તિઓ આવતી હોય છે, તેમ પુસ્તકો પણ આવતાં હોય છે. વ્યક્તિની જેમ જ પુસ્તકો સાથે પણ બને છે. કોઈ આવીને જરા રોકાઈને ચાલી જાય છે, કોઈની સાથે સ્નેહનો સંબંધ બંધાય છે, કોઈ કશુંક ખૂબ સુંદર-અર્થસભર અર્પણ ધરે છે અને જીવનમાં ચિરસ્થાયી રહે છે.

જુદા જુદા તબકકે પુસ્તકો બદલાતાં જાય છે, પણ મારી નાની એટલે કે 17-18 વર્ષની ઉંમરથી જ બે પુસ્તકોનો ઊંડો સંબંધ સળંગ બંધાયેલો રહ્યો છે, તે બે પુસ્તકો : ગાંધીજીની આત્મકથા અને ગીતા. આત્મકથા વિશે તો સૌ જાણે છે. કોઈ માણસ પોતાની છેક ઊંડી વાત આટલી સરળતાથી, આટલી આરપારતાથી આલેખી શકે અને પોતે સ્વીકારેલાં સત્યોમાં આટલી અડગતા દાખવી શકે એ ખરેખર અદ્ભુત બાબત છે.

ગીતા મને કેમ ગમે છે તેનું ચોક્કસ કારણ ન આપી શકું. હું કૃષ્ણભક્ત નથી. સાહિત્યમાં આલેખાયેલાં હજારો કૃષ્ણકાવ્યો મારા હૃદયને સ્પર્શીને આંદોલિત કરતાં નથી. એમ તો ગીતામાંનું યે બધું કાંઈ રુચતું નથી. 9મા અધ્યાયના 32 અને 33 નંબરના શ્ર્લોકો અમારી પ્રાર્થનામાંથી અમે બાદ રાખ્યા છે, કારણ કે એમાં સ્ત્રી અને શૂદ્રને નીચાં ગણી, બ્રાહ્મણને ઉચ્ચ સ્થાને સ્થાપવામાં આવ્યા છે, જે મારા સમાનતાવાદી મનને કેમેય સ્વીકાર્ય નથી. વળી, જે વ્યક્તિ ‘સર્વ ભૂતોમાં હું છું અને મારા એક અંશથી સમગ્ર જગત ઊભું રહેલું છે’ એવું કહે, તે આવા મનુષ્યોમાં ઉચ્ચ-નિમ્નનો ભેદ પાડતું વિધાન કેમ કરી શકે ?

બીજા અધ્યાયમાં પણ, ‘નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ’ અને ‘ન હન્યતે હન્યમાને શરીરે’ જેવી શિખરોચ્ચ વાત કર્યા પછી તરત જ અર્જુનને ‘સ્વર્ગનાં ખુલ્લાં દ્વાર’નું પ્રલોભન આપે છે અને યુદ્ધ નહિ કરે તો તું હલકો પડશે અને તારી નિંદા થશે એવો ભય પણ બતાવે છે – તે કાંઈ સારું લાગતું નથી.

પણ એ જ કૃષ્ણ કહે છે કે, ‘વેદાહં સમતીતાનિ’ અને મેં આ યોગ સૂર્યને, અનુને, ઈશ્ર્વાકુને કહ્યો હતો એમ કહે છે અને અર્જુન પૂછે છે કે, એ લોકો તો પહેલાં થઈ ગયા ને તમે તો હમણાંના છો તો આ યોગ તમે સૂર્યને કેવી રીતે કહ્યો ? તેના જવાબમાં કૃષ્ણ કહે છે – ‘બહુનિ મે વ્યતીતાનિ’ – મારા ને તારા ઘણા જન્મ થયા છે અર્જુન, તું એ જાણતો નથી, પણ ‘તાન્યહં વેદ સર્વાણિ’ – એ બધા જન્મો હું જાણું છું.

પોતાના બધા જન્મો જાણ્યા હોવાનું આવું અધિકૃતપણે કહી શકવું, તે મનમાં અદ્ભુત વિસ્મય જગાડે છે. બુદ્ધે પોતાના પૂર્વ જન્મોની વાત કરી હતી, તેમ કૃષ્ણે પૂર્વ જન્મો ઘણા થયા છે એમ કહ્યા પછી એ વિશે વાત કરી નથી. તો બુદ્ધની જેમ જ શું તે અનેક જન્મોમાં પગથિયાં ચડતાં ચડતાં ઈશ્ર્વરત્વના શિખરે પહોંચ્યા હશે ? ઈશુ વિશે પ્રશ્ર્ન છે કે, એ મનુષ્ય જન્મીને ઈશ્ર્વરત્વ ભણી આરોહણ કરે છે કે ઈશ્ર્વર હોઈને મનુષ્ય રૂપે અવરોહણ, અવતરણ કરે છે ? કૃષ્ણનું દૈવી સ્વરૂપ તે અનેક જન્મોની સાધનાનો પરિપાક છે કે દિવ્યત્વનો તેમનામાં સીધો જ આવિર્ભાવ થયેલો છે ?

જે હોય તે, પણ 1.1.45ના દિવસે ચાર આનામાં ખરીદેલું ગીતાનું નાનકડું પુસ્તક આજે પંચાવન કરતાં વધુ વર્ષથી મારી સાથે છે.

અને તે ર્જીણ થયું નથી.

ગાંધીજીની આત્મકથા અને ગીતા વિશે તો લગભગ બધાંને ખબર હોય, છતાં આટલું કહેવાનો આનંદ ટાળી શકાયો નહિ, પણ તબક્કાવાર વાત કરું તો જરાક મોટા થયા પછી 50ના દાયકામાં જે ગંભીર પુસ્તકોનો પરિચય થયો તેમાં મુખ્ય હતાં – પી.ડી. ઉષ્પેન્સ્કીનાં પુસ્તકો ‘ઈન સર્ચ ઑફ ધ મિરેક્યુલસ’ વાંચીને મુગ્ધ થઈ જવાયું હતું, પણ સમજણનો પ્રદેશ ઉઘાડ્યો ‘ધ ફોર્થ વે’ નામના પુસ્તકે (આ બંને પુસ્તકોના ગુજરાતી અનુવાદ થયા છે). ગુર્જિયેફની ફિલસૂફીને વિસ્તૃત કરીને સમજાવતું આ પુસ્તક પ્રશ્ર્નોત્તરીના રૂપમાં લખાયું છે. પોતાની અંદર રહેલા ઘણા ‘હું’ને કારણે આવતી વ્યક્તિત્વની વિચ્છિન્નતા અને સ્વ-નિરીક્ષણ અને સ્વાધ્યાય દ્વારા એ વિખરાવને એકત્રિત કરવાની પદ્ધતિઓ એમાં નિરૂપી છે. પોતાની જાતને, પોતાનાં વ્યવહાર, વાણી, વર્તનને જોવાનું, નીરખવાનું ઉષ્પેન્સ્કી કહે છે, તેવું જ જે.કૃષ્ણમૂર્તિ કહે છે. વિપશ્યના પણ પોતાની અંદર થતા દરેક સ્પંદન પ્રત્યે સજાગ બનતાં બનતાં, સ્પંદનનાં મૂળ કારણો ભણી અને જીવનના પ્રત્યેક કર્મ પ્રત્યેની જાગૃતિ ભણી લઈ જાય છે. આ એક બહુ જ ગંભીર અને રસ પડે તેવી પ્રક્રિયા છે. એ માટે મનુષ્યે પોતાની જાત ઉપર કામ કરવું જોઈએ. પોતાની ઉપર કામ કરવાની આ વાત મને બહુ જ ઉપયોગી લાગી હતી.

આ દાયકામાં બીજું એક પુસ્તક હાથમાં આવેલું ‘આમિયલ્સ જર્નલ’.  1821માં જન્મેલા આ ફ્રેંચ ચિંતક, વિવેચક, સાહિત્યકાર, જીવનમર્મી માણસનું ડાયરીઓ રૂપે પ્રગટ થયેલું લખાણ એક વિષાદમય જીવનયાત્રીની આંતરમથામણો રજૂ કરવા સાથે સમગ્ર યુરોપીય સંસ્કૃતિનાં અનેક પાસાંનું દર્શન કરાવે છે. આમિયલને બહુ લોકો ઓળખતા નહોતા. એનાં પુસ્તકો જાહેર પ્રજાની સમક્ષ બહુ રહ્યાં હોય, બહુ વંચાયાં કે ચર્ચાયાં હોય એવું નથી. એ એક એકલવાયો જીવ હતો. મિત્રોની પોતાની પાસેથી બહુ મોટી અપેક્ષા હતી, તે પૂરી નથી કરી શકાઈ તેવો તેને રંજ હતો, પણ 1885માં પુસ્તક રૂપે પ્રગટ થયેલી આ ડાયરીઓનું સત્ત્વ 30-32 વર્ષ પછી આખરે સ્વીકારાયું અને ફ્રેન્ચ સાહિત્યમાં આ ડાયરીઓને અમર સ્થાન મળ્યું.

આ ડાયરીઓના ફ્રેન્ચમાંથી અંગ્રેજી અનુવાદો જુદા જુદા લોકોએ કર્યા છે, મારી પાસે છે તેનો અનુવાદ મેરી વોર્ડે કરેલો છે. પ્રખર બૌદ્ધિકતા અને નાજુક સંવેદનશીલતાનું મિશ્રણ આ આલેખનોમાં છે. ખરી પડેલાં ફૂલોના વિષાદની સાથોસાથ મહાન ઉપવનનું-વિશાળ સૃષ્ટિનું એમાં સળંગ થતું આવતું દર્શન છે. તે કહે છે : ‘વીરત્વ એ આત્માએ શરીર પર એટલે કે ભય – ગરીબીનો ભય, દુ:ખનો ભય, આપત્તિનો ભય, માંદગીનો, એકલતાનો, મૃત્યુનો ભય – પર મેળવેલો જ્વલંત વિજય છે. વીરત્વ વિના કોઈ ગંભીર ધર્મનિષ્ઠા શક્ય નથી.’

60ના દાયકામાં જે.કૃષ્ણમૂર્તિનાં પ્રવચનો સાંભળ્યાં. તેમનાં પુસ્તકો વાંચ્યાં. તેમણે પણ કોઈ બાહ્ય આધાર – અધિકારિતા ન સ્વીકારતાં પોતાની જાતને જ નીરખવાની, સમજવાની, કામનાના મૂળને ઓળખી તેમાંથી મુક્ત થવાની વાત કરી. કોઈ ગુરુ નથી, કોઈ શિષ્ય નથી. સત્યનો ચીલાચાલુ માર્ગ નથી, પોતાનાં સત્યો પોતે જ ખોળવાનાં છે, એવી વાત તેમણે કરી. તેમના હમણાં વાંચેલા એક પુસ્તકની વાત છેલ્લે કરીશ.

એ પહેલાં ઝડપથી થોડાંક પુસ્તકો વિશે વાત કરી લઉં. પુસ્તકોની વાત આવતાં મારું મન જરા ઉત્તેજિત થઈ જાય છે. પાંચ પુસ્તકોની મર્યાદામાં વાત કરવાનું જરા અઘરું પડે છે, શક્ય તેટલી કોશિશ કરું છું.

70ના દાયકામાં એક અજબ સૃષ્ટિમાં પ્રવેશ થયો. અમેરિકાનો કાર્લોસ કાષ્ટાનેડા મૂળે એન્થ્રોપોલોજીનો વિદ્યાર્થી. ‘પેયોટ’ નામના કેફી દ્રવ્ય ધરાવતા છોડવાના વધુ સંશોધન અર્થે તે મેક્સિકો ગયો. ત્યાં મેક્સિકોના ‘યાકી ઇન્ડિયન’ આદિવાસી જાતિના આંતર-સામર્થ્યથી ભરપૂર એવા ડોન જુઆન (ડોન વાન)ના સંપર્કમાં આવ્યો. સંશોધનનું કામ બાજુએ રહ્યું અને તે ડોન વાનનો લગભગ શિષ્ય જેવો બની રહ્યો. ડૉન વાને જે વાતો કરી, જે પ્રક્રિયાઓ શીખવી, તે એણે લખી લીધી અને તેમાંથી પુસ્તકો પ્રગટ કર્યાં.

‘ધ ટીચિંગ્સ ઓફ ડૉન વાન’, ‘એ સેપરેટ રિયાલિટી’, ‘જર્ની ટુ ઇક્ષ્ટલાન’, ‘ટેઈલ્સ ઓફ પાવર’ વગેરે. ગૂઢ રહસ્યોનો જાણકાર ડૉન વાન કાર્લોસ સમક્ષ એક જુદી જ દૃષ્ટિથી નિહાળી શકાતું જગત દેખાડે છે. તેના કહેવા પ્રમાણે રોજિંદા જીવનમાં વણાતું જગત સત્ય નથી. આપણે જેને સત્ય કહીએ છીએ તે ફક્ત વર્ણન છે, જે ગળથૂથીથી આપણી ચેતનામાં ઠસાવવામાં આવ્યું છે. (શંકરાચાર્યની બ્રહ્મ સત્ય, જગત્ મિથ્યા જેવી કંઈક વાત થઈ, પણ તે છતાં જુદી છે.)

ડૉન વાન અત્યંત આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે. એક વાર કાર્લોસ એને પૂછે છે કે, તમારી દિનચર્યામાં હું વિક્ષેપ નથી પાડતો ને ? ત્યારે એ કહે છે કે, મારે કોઈ દિનચર્યા નથી. ‘જર્ની ટુ ઈસ્ટલેન્ડ’માં એક સ્થળે તો કહે છે કે, પાતેે શરાબ અને ધૂમ્રપાન એક વેળા કરતો હતો, પછી છોડી દીધું, પટ દઈને છોડી દીધું. ‘કોઈ પણ મનુષ્ય કોઈ પણ વસ્તુ પોતાના જીવનમાંથી કોઈ પણ ક્ષણે ફેંકી દઈ શકે છે – તે ઇચ્છે તો.’ અને એ જ રીતે માણસ પોતાનો અંગત ઇતિહાસ પણ ફેંકી દઈ શકે છે. ‘તમારે તમારી જાતને ભૂંસી નાખવી જોઈએ. અંગત ઇતિહાસની જેમ જ જાત-મહત્ત્વ બીજી એવી બાબત છે, જે ખંખેરી નાંખવી, ફેંકી દેવી જોઈએ.

મૃત્યુ વિશે તે કહે છે : ‘મૃત્યુ આપણું નિત્યનું સંગાથી છે. તમારી ડાબી બાજુએ, હાથ લંબાવો એટલે દૂર એ તમને નીરખતું ઊભું છે. એ તમારા કાનમાં ધીરેકથી વાત કરે છે. એ હંમેશા જ તમને નીરખ્યા કરતું ઊભું હોય છે અને એક દિવસ એ તમારા ખભા પર ટકોરો મારશે. તમે અતિ અધીર થઈ જાવ ત્યારે સહેજ ડાબે ફરીને તમારા મૃત્યુ પાસેથી સલાહ માગો. મૃત્યુ તમને કંઈ પણ ઈશારો કરે, તમે એની એક નાનકડી ઝાંખી પણ મેળવી શકો તો ઘણી બધી શૂદ્રતાઓ ખંખેરાઈ જશે.’

જીવન, જગત અને મૃત્યુનાં અજબગજબનાં રહસ્યોની વાત કહેતાં કાસ્ટાનેડાનાં પુસ્તકોએ એક વાર ધૂમ મચાવી હતી અને ઘણાએ એ પુસ્તકોને બનાવટી, કેવળ કલ્પનાત્મક આલેખનવાળાં ગણાવ્યાં હતાં. આ પુસ્તકો પ્રગટ થયા પછી અનેક લોકોએ મેક્સિકો જઈ ડૉન વાનની ભાળ કાઢવા પ્રયત્ન કરેલો, પણ સફળતા મળી નહોતી. કાર્લોસ પોતે કોઈને મળતો નહિ કે તેના સરનામાની કોઈને જાણ નહોતી. મારી લાગણી એવી છે કે, આ પુસ્તકો કલ્પનાત્મક હોય તો પણ તેમાં સત્યનો ઘણો અંશ છે. જગત્ વિશે અને મનુષ્યો વિશે તે આપણી જાણીતી વિભાવનાઓ અને વિચારધારાઓથી તદ્દન જ જુદી, તદ્દન જ ભિન્ન વાત કરે છે. એનાં બધાં પુસ્તકોમાં ‘જર્ની ટુ ઈષ્ટલેન્ડ’ મને સૌથી વધારે ગમેલું.

’80 ને ’90ના દાયકાઓમાં જે પુસ્તકો અંગત જીવનના સાથી બન્યાં તેની વાત કરું તો તેમાંનું એક પુસ્તક તે કાર્લોસ કાસ્ટાનેડાનું જ નામ ધરાવતા કાર્લોસ વાલેસ – તે આપણા જાણીતા, માનીતા ફાધર વાલેસ – દ્વારા લિખિત ‘અજએન્કમ્બર્ડ બાય બેગેજ’.

ફાધર વાલેસ જેમની શિબિરોમાં જતા એ એન્થની ડિમેલો વિશેનું આ પુસ્તક છે. ગીતામાં – સ્થિતપ્રજ્ઞ માણસ કેમ બોલે, કેમ રહે, કેમ વર્તે, તેનાં લક્ષણો કયાં હોય તેની વાત છે. ફાધર વાલેસ લિખિત એન્થની ડિમેલો – એક જેસુઈટ પાદરીના વ્યક્તિત્વ વિશેના આ પુસ્તકમાં એક મુક્ત માણસ, બધા પ્રકારના માનસિક-વૈચારિક રાચરચીલાથી રહિત માણસ કેવો હોય તેની છબી આંકી છે. ધર્મ, સંપ્રદાય, જાતિ તો ઠીક પણ પોતે પૂર્વે ધારેલી ધારણાઓ અને માનેલા સિદ્ધાંતોને સળંગ બદલી નાખવાની ક્ષમતા ધરાવનાર એન્થી એટલે કે ટોની ડિમેલોની ખંડાલામાં થયેલી 31 દિવસની શિબિર, પૂણેમાં ‘સાધના’નો નવ મહિનાનો અભ્યાસક્રમ અને લોનાવાલામાં એવા બીજા ત્રણ અભ્યાસક્રમોમાં ફાધર વાલેસે હાજરી આપી હતી. આ પુસ્તક અને ટોની ડિમેલોનાં કોઈ પણ જાતના પૂર્વગ્રહ વગરનાં બીજાં પુસ્તકો ઘણાં લોકપ્રિય થયાં છે, પણ ચર્ચના સ્થાપિત ધર્મને એ કેમ ગમે ? પુસ્તકોમાંની કેટલીક વાતો ખ્રિસ્તી ધર્મથી અલગ પડતી લાગતાં, પોપની સહીથી એક ફરમાન બહાર પાડી ખ્રિસ્તીધર્મી સમાજને આ પુસ્તકોથી અળગા રહેવાનું કહ્યું છે. આમ છતાં આ પુસ્તકો ખૂબ વેચાય છે ને વંચાય છે. તેથી ફક્ત ખ્રિસ્તી સમાજને માન્ય પુસ્તકો-વસ્તુઓ વેચતા સ્ટોર પણ આ પુસ્તકો રાખે છે. પુસ્તકોમાં સાથે આ ફરમાનનું ફરફરિયું પણ મૂકે છે.

પાંચ પુસ્તકોની મર્યાદા ઓળંગી રહી છું તેની સભાનતા છે. તેથી થોડાંક વધુ પુસ્તકોની સાવ ટૂંકમાં વાત કરીશ. એક છે કેન કેરી કૃત ‘રિટર્ન ઑફ ધ બર્ડ ટ્રાઈબ.’ અમેરિકાના નવા ગોરા વસાહતીઓએ મૂળ આદિવાસી ઇન્ડિયનોનો નિષ્ઠુરપણે સંહાર કર્યો. આ જાતિઓ જુદાં જુદાં પંખીઓના નામે ઓળખાતી, પુસ્તકમાં કેન કેરીએ, આવા એક પ્રજ્ઞાવંત ઇન્ડિયનના મુખેથી કહેવાતી વાત અંત:સ્ફુરણાથી ઝીલીને લખી લીધી છે. એ ઇન્ડિયન કહે છે : ‘ગોરા લોકોએ ભલે અમને મારી નાખ્યા, પણ અમે નાશ પામ્યા નથી. અમે એમનાં બાળકો રૂપે એમને ત્યાં જન્મ લઈશું.’ પુનર્જન્મમાં ન માનતી પશ્ર્ચિમી સંસ્કૃતિ અને પશ્ર્ચિમી પ્રજા માટે આવાં પુસ્તકો દિશા ખોલવાનું કામ કરે છે. ડૉ. બ્રાયન વેઈસના બહુ જાણીતા થયેલા ‘મેની લાઈવ્ઝ મેની માસ્ટર્સ’માં પણ આપણા વર્તમાન જીવનની ગૂંચો ને ગાંઠોનું મૂળ પૂર્વના અનેક જન્મોમાં રહેલું છે, તે પુરવાર કરવા સાથે, મહા પ્રજ્ઞાવાન સિદ્ધ ગુરુઓનું સૂક્ષ્મ અસ્તિત્વ છે અને તે માનવજાતને શાણપણનો સંદેશ આપવા તત્પર હોય છે એ પણ સ્થાપિત કર્યું છે.

છેલ્લે ફક્ત નામ જ આપીશ પુસ્તકનું – ‘ધ કિચન ક્રોનિકલ્સ – વન થાઉઝન્ડ એન્ડ વન લન્ચીઝ વિથ કૃષ્ણમૂર્તિ’. લેખક છે, માઈકલ ક્રોહનેન. બીજા વિશ્ર્વયુદ્ધ પછી ઊછરેલા અને હિટલરનો મહા સંહાર જોઈ જર્મન સંસ્કૃતિ વિશેનું ગૌરવ ગુમાવી બેઠેલા અનેક યુવાનોમાંનો એક નિર્ભ્રાંન્ત યુવાન માઈકલ સત્યની શોધમાં અનેક દેશોમાં ભમ્યો. અનેક શાસ્ત્રો, પુસ્તકો, ધર્મો, પરંપરાઓનો અભ્યાસ કરી છેવટે તે પંથ અને પરંપરાથી મુક્ત, મહાન ક્રાન્તિકારી વિચારક અને માર્ગદર્શક જે0 કૃષ્ણમૂર્તિ પાસે પહોંચ્યો. ઓહાઈ (કેલિફોર્નિયા – અમેરિકા)માં કૃષ્ણમૂર્તિ રહેતા હતા, તેમની સાથે તે લાંબા સમય સુધી રહ્યો, તેમના રસોડામાં રસોઈ બનાવી અને આ વરસો દરમિયાન થયેલા વિવિધ વ્યક્તિઓ સાથેના વાર્તાલાપો, અન્ય વાતો, કિસ્સાઓ, ઘટનાઓની નોંધ રાખી, આ નોંધમાંથી કૃષ્ણમૂર્તિની – એક જીવનમુક્ત, પવિત્ર, ઉચ્ચતમ કોટિએ પહોંચેલા મનુષ્યની છબી ઊપસે છે. કૃષ્ણમૂર્તિ વિશે લખવા જતાં પાનાંઓ ભરાય. જીવન પ્રત્યે ગંભીરતાથી જોનાર શાણા લોકોએ કૃષ્ણમૂર્તિનાં કે એમના વિશેનાં પુસ્તકો વાંચવાં રહ્યાં.

પાંચ પુસ્તકોની મર્યાદા ઓળંગીને આટલું લખ્યું ત્યાં હવે અટકવું જોઈએ. કલમ મૂકી દેવા જતાં ત્રણ પુસ્તકોનો સાદ આવ્યો : ‘અમારા વિશે પણ કહો ને !’ વારુ, એક પુસ્તક તે ‘દેવદૂત’, લે. મૃદુલા મહેતા. એક હબસી ગુલામ છોકરો, શિક્ષણ વગરનો, સ્વજન વગરનો છોકરો. કેવી રીતે તે મહાન વિજ્ઞાની બન્યો તેની વાત જ્યોર્જ વોશિંગ્ટન કાર્વરની આ જીવન-કથામાં કહેવાઈ છે.

બીજું પુસ્તક તે ‘લોઝ ઓફ ધ સ્પિરિટ વર્લ્ડ’ અકસ્માતમાં મૃત્યુ પામનાર બે ભાઈઓ રતુ અને વિસ્પી, તેમણે પેલે પારથી પાઠવેલા મૂલ્યવાન સંદેશાઓ આ પુસ્તકમાં છે અને ત્રીજું, મારું અતિપ્રિય પુસ્તક છે ‘કોન્વર્સેશન વિથ ગોડ’. નીએલ વૉલ્સ નામની વ્યક્તિને અચાનક જ કોઈક દિવ્ય તત્ત્વ તરફથી, જેને એ ભગવાન કહે છે તેના તરફથી સંકેત મળે છે અને પછી બંને વચ્ચે વાર્તાલાપ થાય છે – બહુધા પ્રશ્ર્નોત્તર રૂપે. સૂરજ હેઠળની હજારો બાબતો વિશે તેમાં કહેવાયું છે. એના ત્રણ ભાગ પ્રસિદ્ધ થયા છે.

આ બધાં પુસ્તકો મારાં સ્વજનો, આત્મીય મિત્રો છે, કલાપીની જેમ ‘બની શકે તો જીવીશ એકલાં પુસ્તકોથી’ જેવી વાત તો નથી, પણ આ મિત્રોની સંગે જીવવામાં ભરપૂર આનંદ આવે છે.

સાભાર : ‘પંચતીર્થ’         – કુન્દનિકા કાપડિઆ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s