વિનોબા – જીવન અને દર્શન : ઇતિહાસનાં ઓછાં વંચાયેલાં પાનાં (ભાગ-9)

 

વિનોબાજીનો યુદ્ધવિરોધી સત્યાગ્રહ

આ લેખમાળાના ભાગ-5માં 16-1-2020ના અંકમાં પાન નં.14 અને 15માં 1940માં ગાંધીજીની સૂચનાથી વિનોબાજીએ આદરેલા વ્યક્તિગત સત્યાગ્રહની વાત નોંધી હતી. પરંતુ આ સત્યાગ્રહ છેડવા માટે તેમણે કરેલાં પ્રવચનોની વિશેષ નોંધ લીધી ન હતી. બીજા વિશ્ર્વયુદ્ધમાં અંગ્રેજ સરકાર ભારતને તેની મરજી વિરુદ્ધ જોતરી રહી હતી.

પવનારથી પ્રકાશિત ‘પેઠ્ઠિ’ સામયિકનો 15 નવેમ્બર 1988નો વિશેષાંક ‘્રૂૂથ્ રુમફળજ્ઞઢિ લટ્ટ્રૂળઉૃં઼વ’ અંગેનો છે. કાલિન્દીબહેન, કુસુમબહેન દેશપાંડે તેમજ મીરાબહેન ભટ્ટે તેનું સંપાદન કયુર્ં છે. આપણે આ અંકમાં પ્રગટ થયેલી વિગતોનો આધાર લઈને વિનોબાજીના યુદ્ધવિરોધી સત્યાગ્રહ સમયગાળાની કેટલીક વાતો જોઈશું.

ગાંધીજીએ કહ્યું એટલે એકાદ સત્યાગ્રહ કરીને વિનોબાજીએ સંતોષ ન માન્યો. ગાંધીજીએ પણ વિનોબાને આગળ કરીને વાત પતી ગઈ છે તેમ ન માન્યું. તેઓ બંને માટે આ મહત્ત્વનું કામ હતું. વિનોબાજીએ આ કામ માત્ર સરકાર સામે વિરોધ દર્શાવવાનું ન માન્યું પણ લોકજાગૃતિનું યે માન્યું. ગાંધીજીએ પણ વિનોબાજી તેમનાં પહેલાં 3 પ્રવચનોમાં શું કહે છે તે જાણવા માટે મહાદેવભાઈને ખાસ મોકલ્યા હતા. આ પ્રવચનો ‘હરિજન’માં છાપવામાં આવ્યાં. જો કે આ પ્રવચનોના પ્રકાશન પર પ્રતિબંધ હતો. આ પ્રવચનો છાપ્યા પછી થોડો સમય હરિજનનું પ્રકાશન બંધ કરવામાં આવ્યું હતું (હરિજન 11 ફેબ્રુઆરી 1933 થી 1948 સુધી પ્રગટ થયું હતું).

વિનોબાજીએ સત્યાગ્રહના સ્થળ તરીકે કોઈ મોટાં મોટાં શહેરો પસંદ કરવાને બદલે પોતાના સેવાક્ષેત્ર આસપાસનો વિસ્તાર પસંદ કર્યો. સત્યાગ્રહ કરવાના કારણે વિનોબાજીને ત્રણ વખત ન્યાયાલયમાં લાવવામાં આવ્યા અને 3 વખત જેલવાસ ભોગવવો પડ્યો.

 ક્રોનોલોજી – સમય સારણી

પ્રવચનના પહેલા તબક્કામાં પવનારમાં તા. 17-10-40, સુરગાંવમાં તા. 18-10-40, સેલુમાં તા. 20-10-40 અને દેવલીમાં તા. 20-10-40ના રોજ પ્રવચનો થયાં, ત્યારબાદ તા. 21-10-40ના રોજ તેમની ધરપકડ કરવામાં આવી અને તે જ દિવસે વર્ધા ન્યાયાલયમાં હાજર કરવામાં આવ્યા. તેમને 3 મહિનાની જેલ થઈ. તા. 15-1-41ના રોજ મુક્ત કરવામાં આવ્યા.

વર્ધામાં લોકોએ સ્વયંભૂ હડતાળ પાડી હતી. વિનોબાજીએ છૂટ્યા પછી પ્રવચનના બીજા દોરમાં સેવાગ્રામમાં 17-1-41ના રોજ, નાગઝરીમાં 18-1-41, સોનેગાંવમાં 19-1-41ના રોજ, આગરગાંવમાં 20-1-41 અને લોણીગામમાં 21-1-41ના રોજ પ્રવચનો કર્યાં. આના કારણે ધરપકડ થઈ અને 23-1-41ના રોજ વર્ધા ન્યાયાલયમાં હાજર કરવામાં આવ્યા અને 6 મહિનાની જેલ થઈ.

જેલમાંથી છૂટ્યા પછી નાલવાડીમાં 17-7-41ના રોજ પ્રવચન કયુર્ં. ફરી ધરપકડ અને એક વર્ષની જેલ થઈ. પરંતુ સરકારે ડિસેમ્બર મહિનામાં બધા જ સત્યાગ્રહીઓને છોડી મૂક્યા હતા. ત્યારબાદ ત્રણ પ્રવચનો  વર્ધામાં 7-12-41, 14-12-41 અને 25-5-42ના રોજ કર્યાં. આમ વિનોબાજીએ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે કુલ 13 પ્રવચનો આપ્યાં હતાં.

વિનોબાજીનું પ્રજાજોગ નિવેદન

આ નિવેદનમાં પોતાના જીવનના હેતુ અંગે પોતાની અહિંસા પરની શ્રદ્ધા અંગે, યુદ્ધ અંગે, આ લડતમાં હિંદુસ્તાનને ન જોડવા અંગે, કોંગ્રેસ અંગે અને અંગ્રેજ સરકાર વિષે કેટલીક વાતો નોંધે છે. આ નિવેદન પ્રકાશિત પણ થયું હતું.

વિનોબાજી કહે છે, મેં 24 વર્ષ પહેલાં (25 માર્ચ 1916ના રોજ) ઈશ્ર્વરદર્શન પ્રાપ્ત કરવા ઘર છોડ્યું હતું. આગળ કહે છે, આ માટે જનસેવા જ સર્વોત્તમ અને સુલભ સાધન છે, તેવી મારી સમજ છે. વિનોબાજી નોંધે છે, પોતાને અહિંસામાં પૂર્ણ શ્રદ્ધા છે. માનવ સમાજના બધા પ્રશ્ર્નોનો ઉકેલ તેના દ્વારા લાવી શકાય છે. ખાદી, હરિજન-સેવા, જાતીય એકતા વગેરે રચનાત્મક કાર્યક્રમો અહિંસાની બાહ્ય પ્રવૃત્તિઓ છે તેમ માનું છું.

યુદ્ધ માનવતાને શોભા નથી આપતાં. આધુનિક સાધનો દ્વારા લડાતાં યુદ્ધો તો નિર્દયતાની હદ વટાવી જાય છે. કોંગ્રેસે છેલ્લાં 20 વર્ષ અહિંસાની શક્તિ નિર્માણ કરવામાં પસાર કર્યાં છે. હિંદુસ્તાન તેના વડે સ્વરાજ્ય મેળવવા માંગે છે.

અંગ્રેજ સરકાર આપણને જબરજસ્તીથી યુદ્ધમાં ખેંચી જાય અને જો તેનો પ્રતિકાર ન કરીએ તો કોંગ્રેસે અત્યાર સુધી જે મહેનત કરી છે તે વ્યર્થ જાય. અંગ્રેજ સરકાર આપણને યુદ્ધમાં સામેલ કરવાના નિર્ણયનો વિરોધ અહિંસક રીતે પણ ન કરવા દે તો આપણાથી ચૂપ કેમ બેસાય ?

અંગ્રેજ સરકાર સંકટમાં છે ત્યારે કોંગ્રેસ તેની પાસે હાલ અન્ય કોઈ માંગણી પણ કરતું નથી. વિનોબાજી સ્પષ્ટતા કરે છે કે, હું લોકો વચ્ચે જઈશ અને તેઓ સરકારને કોઈ પણ રીતે યુદ્ધ લડવામાં મદદ નહીં કરે તેમ કહીશ સાથે સાથે તેમને વર્તમાન યુદ્ધની ભયાનકતા સમજાવીશ અને પ્રજા સમક્ષ અહિંસાનું દર્શન રજૂ કરીશ. ઉપરાંત સમજાવીશ કે નાઝીવાદ, ફાસિસ્ટવાદ, સામ્રાજ્યવાદ બધા એક જ સિક્કાનાં પાસાં છે.

વિનોબાજીનાી ઇચ્છા ઈશ્ર્વરની કૃપા અને સજ્જનોના આશીર્વાદથી આ કામ આગળ ધપાવવાની છે.

13 પ્રવચનોનો સાર

પ્રથમ પ્રવચન – વિનોબાજી આખી પ્રક્રિયા એક લોકશિક્ષકની અદાથી કરે છે. જે જમાનામાં શિક્ષણનો ઓછો ફેલાવો હતો, પ્રિન્ટ મીડીયા કે ટી.વી. મીડીયાનો ફેલાવો થયો ન હતો ત્યારે દૂરના દેશોમાં થતા યુદ્ધ અંગે સામાન્ય લોકોમાં વાત કરવી કેટલું કપરું કામ હોઈ શકે ?

પ્રથમ પ્રવચન વરસાદના છાંટાઓ વચ્ચે થયું. 50 મિનિટ સુધી લોકો પણ પોતાના સ્થાને આસનબદ્ધ રહ્યા.

આપણે લેખમાળાના ભાગ-4માં જોયું કે વિનોબાજીનું શરીર નબળું પડી જવાથી 9 માર્ચ 1938ના રોજ હવાફેર કરવા પવનારમાં જમનાલાલજીના મકાનમાં આવે છે. આ વાતને યાદ કરીને પ્રવચનમાં કહે છે : પવનારમાં 3 વર્ષથી રહું છું. અહીંનાં હવા, પાણી ખોરાકથી મારું શરીર હૃષ્ટપુષ્ટ થયું છે. આપ સૌનો ઉપકાર કેમ ભૂલી શકું ? આપ લોકો સાથે સારો એવો વાર્તાલાપ-સંપર્ક થતો રહ્યો છે. જ્યારે લોકોને ખબર મળ્યા કે હું સત્યાગ્રહ કરવાનો છું, પછી મને જેલ ભેગો કરશે તે જાણી કેટલાંકની આંખોમાં આંસુ આવી ગયાં. પવનારમાં મારા સત્યાગ્રહથી આપ લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડશે. મેં ગ્રામજનોની મંજૂરી માંગી ત્યારે ગ્રામજનોએ જ કહ્યું, સત્યાગ્રહનું પહેલું ભાષણ અહીં જ થવું જોઈએ.

વિનોબાજીના પ્રવચનના દિવસે જ સરકારે ગામમાં દાંડી પીટાવી જાહેરાત કરી કે સેનામાં ભરતી થનારને મહિને રૂ.20નો પગાર મળશે. તે ગાળામાં ખેતરમાં કામ કરનારી આવક મહિને રૂ. 4 થતી હતી. સરકારે લાલચ સાથે ધમકી પણ આપી હતી, યુદ્ધમાં મદદ ન કરનારની બૂરી હાલત થશે.

વિનોબાજીએ લોકોને સમજાવ્યું કે સરકાર આપને રૂ. 20 આપી દેશની બહાર લઈ જઈ અજાણ્યા લોકોને મારી નાંખવાનું કહેશે. વિનોબા કહે છે, આજે હું તમને રૂ. 100 આપીને પણ કોઈને મારી નાંખવાનું કહું તો પણ તમે તેમ નહીં કરો. યુદ્ધમાં તો વિમાનમાં ઉપરથી બોમ્બ વર્ષા કરીને નિર્દોષ નાગરિકોને મારી નાખવામાં આવે છે. યુદ્ધમાં કામ કરનારને મૃત્યુ નજીક આવતું લાગે ત્યારે અજાણ્યા લોકોને મારી નાંખવા માટે ભારે પસ્તાવો થાય છે અને આંખમાં આસું આવી જાય છે.

વિનોબાજી કેટલીક ધાર્મિક વાતો કરીને સમજાવવા પ્રયત્ન કરે છે કે આપણા સંતો કોઈની પણ સાથે દુશ્મની કરવાની ના કહે છે, ભલે આપણને તે દુશ્મન માનતો હોય. આ યુદ્ધમાં તો આપણને એવા લોકોને મારવાનું કહેવામાં આવશે જે આપણને દુશ્મન મનાતા નથી, જેને આપણે પણ દુશ્મન ગણતા નથી.

વિનોબાજી લોકોને સમજાવે છે, સરકાર કહે છે કે આ યુદ્ધ (બીજું વિશ્ર્વયુદ્ધ) લોકતંત્રની રક્ષા માટે છે. તેમજ જર્મનીમાં રહેલા હિટલર સામે છે. સરકાર તેને રાક્ષસ તરીકે ગણાવતી હતી.

વિનોબા કહે છે, સરકાર જો લોકતંત્રની વાત કરતી હોય તો હિંદુસ્તાનને સ્વરાજ્ય કેમ નથી આપતી ? વળી અંગ્રેજ સરકાર હિટલરની યાદ અપાવે છે પણ તેણે હિંદુસ્તાનમાં શું કર્યું ? કલ્યાણકારી કામ તો તેણે કર્યાં નથી. દોઢસો વર્ષ પહેલાં દેશ જેટલો ગરીબ હતો તેના કરતાં આજે વધુ ગરીબ છે. સરકાર કહે છે, આઝાદી મળતાં આપણે અંદર અંદર લડી મરીશું. દેશના 40 કરોડ લોકોમાં (તે વખતની જનસંખ્યા) જ્યાં સુધી એકતા નહીં સ્થપાય ત્યાં સુધી આઝાદી નહીં મળે.

વિનોબાજી આના જવાબમાં કહે છે, ગાંધીજીએ કહ્યું છે કે અમારી માંગણીની વાત છોડો પણ હિંદુસ્તાનના બધા જ લોકોના મત લો, તેમના ચૂંટેલા પ્રતિનિધિની વાત માનો, તેમની માંગણી પ્રમાણેનું તંત્ર અમને આપો. એ પણ યુદ્ધ પતી ગયા પછી આપો. અમારા સાથી મિત્રો કહે છે, અમે સરકારને અત્યારે યુદ્ધના કાળમાં મુશ્કેલીમાં મૂકવા નથી માંગતા. પણ જો સરકાર દિલ્હીની સત્તામાં અમને જવાબદાર રાજતંત્ર આપે તો અમે સરકારને યુદ્ધમાં મદદ કરવા તૈયાર છીએ.

જો કે વિનોબાાજીને આ વાત મંજૂર ન હતી. સરકારે જ્યારે આ વાત પણ ન માની, ત્યારે વિનોબાજીએ કહ્યું, ઈશ્ર્વરે આપણને ખોટા મોહમાંથી બચાવ્યા. જોકે અંગ્રેજ સરકાર એવો દાવો કરતી રહી કે પૂરું હિંદુસ્તાન અમારી સાથે છે. પણ વિનોબાજી કહે છે, આ ખોટી વાત છે. તે વખતે રાજગોપાલાચારી મદ્રાસના મુખ્યમંત્રી હતા. ચાર કરોડ લોકોએ તેમને ચૂંટ્યા હતા. તેમને તો પૂછવામાં પણ આવ્યું ન હતું. બધા મંત્રીઓએ રાજીનામાં આપ્યાં હતાં છતાં સરકાર ખોટી વાતો ફેલાવે છે, હિંદુસ્તાન સ્વેચ્છાએ યુદ્ધમાં દાખલ થયું છે. અંગ્રેજ સરકારની આ વાત ખોટી છે છતાં દુનિયા તેમની વાતને સાચી માને છે, ત્યારે આપણે કેમ ચૂપ રહી શકીએ ?

ગાંધીજીએ આપણને યુદ્ધમાં સામેલ કરવા સામે સત્યાગ્રહ કરવા અંગે એક નિવેદન તૈયાર કર્યું હતું. સરકારને તેમાંની બે લાઈનો હિંદુસ્તાનના વિરોધમાં છે તેમ લાગતાં નિવેદનમાંથી કઢાવી નાંખી. વિનોબાએ આવી હુકમશાહીનો વિરોધ નોંધાવ્યો.

વિનોબા પ્રવચનમાં કહે છે, પોતે માત્ર સંઘર્ષ કરશે તેનાથી કામ પતી જતું નથી. ખેતરોમાં વરસાદના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે, છતાં સરકાર મહેસૂલ (લગાન) ઉઘરાવવાનું નહીં છોડે, કારણ કે તેને યુદ્ધ લડવા માટે પૈસા જોઈએ છે.

પણ આપણે ગામમાં સ્વરાજ (સ્વાવલંબન) સ્થાપવા માટે ગામમાં કંતાયેલા સૂતરનું કાપડ વાપરીશું. મિલનું કાપડ કે મિલનું સૂતર ગામમાં આવવા દઈશું નહીં. પવનારમાં તો સૂતર કાંતવાવાળી ટુકડી છે. તે આ કામ કરશે. આપણે ગામને સ્વચ્છ રાખીશું. ગામનાં સૌ લોકોને, બધા ધર્મોનાં લોકોને પ્રેમ કરીશું. દુનિયામાં ઈર્ષા – નફરતનો માહોલ છે. આપણે સૌ પ્રેમની વાત કરીશું.

અંતમાં કહે છે, સરકાર મારી ધરપકડ કરશે તો માનીશ કે સરકારનું મગજ બગડી ગયું છે. અને તેનો નાશ નજીક આવી રહ્યો છે.

બીજું પ્રચન – ‘યુદ્ધ વિરોધનો અર્થ પ્રેમ’

ગ્રામજનોએ યુદ્ધ વિરોધી સભાનું આયોજન કર્યું હોવાથી નિર્ભયી ગ્રામજનોનું અભિવાદન કર્યું. વિનોબાજીએ યુદ્ધ શા માટે થઈ રહ્યું છે તેનાં કેટલાંક પાયાનાં કારણો જણાવ્યાં.

 • ભોગવિલાસની તૃષ્ણા
 • ઇંગ્લેન્ડના સામ્રાજ્યવાદની ઈર્ષા

 

મુખ્યત્વે ઇંગ્લેન્ડ અને જર્મની વચ્ચેનું આ યુદ્ધ હતું. ઇંગ્લેન્ડ કહેતું હતું જો હિટલરનો વિજય થશે તો દુનિયાનું સત્યાનાશ થશે. વિનોબાજી કહે છે, શું ઇંગ્લેન્ડ જીતશે તો રામરાજ્ય સ્થપાશે ?

પહેલા વિશ્ર્વયુદ્ધમાં હિંદુસ્તાને ઘણા બધા પૈસા અને સૈનિકો આપ્યા હતા. અમારા સૈનિકોની વાહવાહ થઈ પરંતુ અમને શું મળ્યું – રોલેટ એક્ટ અને જલિયાનવાલા બાગમાં નિર્દોષ લોકોની હત્યા ! અમારે ન સામ્રાજ્યવાદ, ન તો નાઝીવાદ જોઈએ, અમારે તો માત્ર સ્વરાજ્ય જોઈએ છે. લોકોને સમજાવવા માટે વિનોબાજી કેટલીક રમૂજી વાતો કહે છે : કહેવામાં આવે છે કે હિટલર કરતાં અંગ્રેજો સ્વભાવે નરમ છે. આ તો કોઈ કહે હોળીના અગ્નિ કરતાં ચૂલાની ગરમી ઓછી છે તેના જેવી વાત છે. બંને દઝાડનારા છે. એક વખત દેડકાઓએ બ્રહ્માને કહ્યું, અમને એક રાજા આપો. બ્રહ્માએ એક લાકડાનો ટુકડો પાણીમાં ફેંક્યો. ટુકડો પડતાં જ ચાર-પાંચ દેડકાં મરી ગયાં. ભગવાન પાસે બીજા રાજાની માંગણી કરી. બ્રહ્માએ પથરો ફેંક્યો. તે પડતાં વેંત 100-150 દેડકાં મરી ગયાં !

આપણે ન નાઝીવાદ, ન સામ્રાજ્યવાદ જોઈએ, માત્ર સ્વરાજ્ય જ જોઈએ. સરકાર કહે છે, અમે જબરજસ્તીથી મદદ નહીં લઈએ પરંતુ આપણા માણસો જે સરકારમાં અધિકારી છે, નોકર છે તેઓ વધારે ઉત્સાહી છે. તેમણે રેલવેના ભાડા, પેટ્રોલના ભાવ વધાર્યા છે. પોસ્ટની ટિકિટના પણ ભાવ વધાર્યા છે. આનાથી થતી આવક યુદ્ધમાં વાપરશે. આમ અપ્રત્યક્ષ મદદ તો સરકાર લઈ જ રહી છે. માની લો, મારી મા બીમાર છે. ટ્રેઈનમાં તેને મળવા જાઉં તો તેનાથી સરકારને જે આવક થાય તેનો ઉપયોગ બોમ્બ બનાવીને અવકાશમાંથી ફેંકે અને કોઈની મા મરી જાય. આમ આપણે યુદ્ધમાં થતા પાપના ભાગીદાર બનીએ છીએ.

આ પાપથી મુક્ત થવા ઇંગ્લેન્ડના રાજ્યમાં નહીં પણ આપણા રાજ્યમાં, સ્વરાજ્યમાં જીવવું છે. આ માટે આપણા ગામમાં એક ઇંચ જેટલું પણ કાપડ બહારથી ન આવવું જોઈએ. સ્વરાજ્ય પ્રાપ્ત કરવાની છટપટાહટ આપણામાં તીવ્ર હોવી જોઈએ. હવે ધીરે ધીરે કામ કરવાથી પરિણામ નહીં આવે. પૂરા ગામને આપણે ખાદીધારી બનાવવાનું છે.

પરિવારમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારે એકબીજા વચ્ચે પ્રેમ વધી જાય છે. ભયાનક યુદ્ધમાં સેંકડો લોકો મરે છે. આપણે સમાજમાં એકબીજા માટેનો પ્રેમ વધારવો પડશે. ગામમાં હિંદુ-મુસ્લિમ ઝઘડા ન થવા જોઈએ. દલિતોને ગામકૂવો વાપરવાની છૂટ હોવી જોઈએ. હજુ સુધી આમ થયું નથી. પરંતુ તેમ કરવું જોઈએ. નફરતનો, ક્રોધનો, ઝઘડાનો વિરોધ; દલિતો માટે કૂવા ખોલવા; હિંદુ-મુસ્લિમ વચ્ચે ભાઈચારો વધારવો તે યુદ્ધનો વિરોધ જ છે. ગામમાં સ્વચ્છતા જળવાય, શિક્ષણ સારું અપાય તે બધા સ્વરાજ્યના જ કાર્યક્રમ છે.

ત્રીજું પ્રવચન – યુદ્ધની મનોવૃત્તિથી બચવું

વિનોબાજી કહે છે, મને પૂછવામાં આવે છે કે શું તમે ગામોગામ ફરી આગ લગાવવાનો કાર્યક્રમ કરી રહ્યા છો ? સરકાર સામે પ્રજાને ઉશ્કેરવાનું કામ કરી રહ્યા છો ? ત્યારે વિનોબા જવાબ આપે છે, આગ તો યુરોપમાં લાગી છે. હું તો તેને બુઝાવવાનું કામ કરું છું. યુરોપના લોકોને તેમનો વિસ્તાર નાનો લાગતાં વિશ્ર્વમાં અન્ય સ્થળોએ પણ આગ લગાડવાનું કામ તેઓ કરી રહ્યા છે.

પહેલાં બે વ્યક્તિ વચ્ચે નાનો મોટો વિવાદ થાય તો હાથોહાથ લડતા હતા, પછી તલવાર-ભાલાનો ઉપયોગ થવા માંડ્યો. ત્યારબાદ દૂરથી વાર કરવા ધનુષ્યબાણ વાપરવા લાગ્યા. પછી બંદૂકનો ઉપયોગ થવા લાગ્યો. આપણા યુદ્ધખોર માનસે આકાશમાંથી બોમ્બ વરસાવવા વિમાન અને સમુદ્રમાં લડવા સબમરિનો તૈયાર કરી. યુદ્ધોને વધારવાનું કામ ઇતિહાસ કરે છે. જૂની જૂની વાતો યાદ કરાવે છે. તેમાં ઝઘડાની વાતોનો વિસ્તાર હોય છે. લોકો એકબીજાને પ્રેમ કરે છે તે વાતને ઇતિહાસમાં સ્થાન નથી હોતું. ઘણાં લોકો કહે છે, ભારતમાં ઇતિહાસ લખવાની પરંપરા ન હતી. તે તેમને મન દુ:ખદ વાત હતી. વિનોબાજી કહે છે, આ તો અભિમાન લેવા જેવી વાત છે. પશ્ર્ચિમના લોકોએ ઇતિહાસ વાંચવાની ટેવ પાડી. આપણે ત્યાં શંકરાચાર્યના સ્થૂળ જીવનની વાતનો કોઈ ઇતિહાસ નથી પરંતુ તેમણે જે પ્રચંડ કામ કર્યું તેની જાણકારી આપણાં જૂનાં પુસ્તકોમાં – ઇતિહાસમાં નોંધાયેલી છે. લોકો જૂની જૂની વાતોને વાંચીને, માન-અપમાન-ઘટનાઓને યાદ કરી એકબીજા સાથે યુદ્ધ કરે છે.

ગાંધીજીએ વીસ વર્ષો પહેલાં યુદ્ધની આ વૃત્તિના વિરોધમાં લોકોને સમજાવ્યું હતું કે આનો ઉપાય સ્વરાજ્ય છે. સ્વરાજ્ય એટલે સૌનું રાજ્ય. જે દેશમાં ત્યાંનો જ કોઈ રાજા રાજ્ય કરે તેને સ્વરાજ્ય ન ગણાય. ઘણા તેને આઝાદ દેશ ગણે છે, ભલેને પછી રાજા જુલમી હોય ! પણ જ્યાં નબળામાં નબળા, ગરીબમાં ગરીબ માણસને લાગે કે પોતાનું રાજ્ય છે અને પોતાને ન્યાય મળી શકે તેમ છે, તેને આપણે સ્વરાજ્ય કહીશું. આપણું ધ્યેય તેવું સ્વરાજ્ય મેળવવાનું છે. અને તે માટે એકમાત્ર સાધન અહિંસા છે. અહિંસા એટલે પરપીડન વૃત્તિનો અભાવ. જરૂર પડે પોતે સહન કરી લેવું. અહિંસા એટલે અન્યોન્ય પ્રેમ !

આવું સ્વરાજ્ય મેળવવા માટેની તો આપણી માંગણી છે. આપણે અંગ્રેજ સરકારના કહેવા પ્રમાણે યુદ્ધમાં સામેલ ન થઈએ અને લોકોને પણ યુદ્ધનો વિરોધ કરવાનું કહીએ તે વાત સરકારને મંજૂર નથી. ગાંધીજીએ વાઈસરોયને વાત કરી. વાઈસરોયે કહ્યું, ચોક્કસ મર્યાદામાં રહીને પ્રચાર કરો, પરંતુ સામ્રાજ્યવાદીઓનું આ યુદ્ધ છે તેમ ન કહો. સરકારનાં કેટલાંક લખાણો વાંચ્યા પછી મને ખબર પડી કે સરકાર કહે છે, નૈતિક દૃષ્ટિથી કેટલાક પ્રમાણમાં પ્રચાર કરવાની છૂટ છે પરંતુ રાજનૈતિક દૃષ્ટિ રાખી પ્રચાર કરવાની મનાઈ છે. પહેલાં મારી સમજ એવી હતી કે સંપૂર્ણ પ્રચાર પર પ્રતિબંધ છે.

વિનોબાજી કહે છે, અમે સામ્રાજ્યવાદનો વિરોધ કરીએ છીએ તેનો મતલબ એવો નથી કે હિટલર સારો છે, અને તેનો વિજય થાય તેમ ઇચ્છીએ છીએ. અંગ્રેજો હિટલર સાથેના યુદ્ધમાં હારે તેમ માની અમે યુદ્ધમાં મદદ નથી કરતા, એમ રખે માનતા. અમે તો બંનેની આલોચના કરીએ છીએ. બંને એક જ કોટિના છે.

વિનોબાજી કહે છે, યુદ્ધની મનોવૃત્તિ અને યુદ્ધ એક રોગ છે. આ માટે નિષેધાત્મક કામ કરીને અટકવાનું નથી. સાથે સાથે કર્તવ્યપાલનની પણ જરૂર છે. આપના ગામમાં વણકરોની સારી એવી સંખ્યા છે. મેં પણ આઠ દશ વર્ષ વણાટનું કામ કર્યું છે. આપણે મિલનું સૂતર વાપરવાનું નથી. હાથે કાંતેલા સૂતર પર વણાટકામ કરવું પડશે. નહીં તો તમારો ધંધો નહીં ચાલે. અત્યારે પરદેશથી આવતું સૂતર સસ્તું છે માટે વાપરો છો. પણ ધીરે ધીરે પરદેશથી આવતું સૂતર બંધ થશે અને તમે દેશની મિલોનું સૂતર વાપરવાનું ચાલુ કરશો ત્યારે તે અત્યારે છે તેના કરતાં વધારે  મોઘું થઈ ગયું હશે. માટે દીર્ઘ દૃષ્ટિથી વિચારી હાથે કાંતેલા સૂતરનો ઉપયોગ કરો, તેમાં જ તમારું લાંબે ગાળે હિત સમાયેલું છે.

વિનોબાજી અંતમાં લોકોને સમજાવે છે કે ગામમાં પ્રવેશ કરવાના રસ્તે બંને બાજુ લોકો મળ વિસર્જન કરીને તેના પર માટી નાંખતા નથી, તે બરાબર નથી. આવી હાલતમાં આપણે કયા મોઢે સ્વરાજ્યની વાત કરીએ ! આપણે ખાડામાં મળને માટીથી દાટી દઈને ‘મળ દેવતા’ની પૂજા કરવાની છે. આનાથી આરોગ્ય, વૈરાગ્ય અને ઐશ્ર્વર્યની પ્રાપ્તિ થાય છે, તેમ મેં મારા એક કાવ્યમાં કહ્યું છે.

प्रत्यही मळासी नीट निरखूनि टाकावें झांकूनि मृत्तिकेनें

येणें लक्ष्मी वाढे आरोग्य हि जोडे देहासक्ति मोडे विन्या म्हणे

(विन्या कहता है, प्रतिदिन मल का अच्छी तरह निरीक्षण करके उसे मिट्टी से ढक दें | इससे लक्ष्मी बढती है, आरोग्य का लाभ होता है, देहासक्ति टूट जाती है |)   -अभंग-व्रतें ९४,१२

વિનોબાજી કહે છે, મળ પર માટી નાંખવાથી કોઈ અપવિત્ર નથી થઈ જતું. માટી ન નાંખવી તે ગંદકીની પરાકાષ્ઠા છે. આવી મહત્ત્વની વાતોને ધ્યાનમાં રાખી આચરણ કરવામાં જ યુદ્ધ-વિરોધ રહેલો છે. આ ત્રણ પ્રવચનો ભવિષ્યની પ્રજા સુધી પહોંચાડવા માટે શ્રી મહાદેવભાઈ દેસાઈનો ખરેખર આભાર માનવો જોઈએ. અહીં એ પણ નોંધવાનું મન થાય છે કે આપણા ઇતિહાસકારોએ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબાના પ્રદાનને કેટલું મહત્ત્વ આપ્યું છે તે પણ તપાસવા જેવું છે.

ભારતીય વિદ્યાભવને એક સુંદર કામ કર્યું છે. પ્રથમ વખત ભારતનો ઇતિહાસ ભારતના ઇતિહાસકારોના હાથે લખાયો છે. 11 ગ્રંથોના આ સમૂહનું નામ છે, The History and Culture of The Indian People

 એક પર એક આ 11 ગ્રંથોને મૂકવામાં આવે તો ઊંચાઈ 24” ઈંચ જેટલી થાય. 60 જેટલા વિદ્વાનોએ 1951થી 1969ના ગાળામાં ગ્રંથો પ્રગટ કર્યા. આ માટે 26 વર્ષ મહેનત કરી. મુખ્ય સંપાદક હતા, રમેશચંદ્ર મજુમદાર. પ્રેરણા કનૈયાલાલ મુનશીની. મુનશીજીએ છેલ્લા ગ્રંથની Foreword લખી છે. શરૂઆતમાં જ લખે છે : ‘ The publication of the volume is to meet the near realization of a long cherished ambition of preparing and publishing a comprehensive history and culture of the Indian people by Indians.’

11મા નંબરના છેલ્લા ગ્રંથનો સમયગાળો છે 1905થી 1947 સુધીનો.

ગ્રંથમાં પાન 631 પર 17 ઑક્ટોબર 1940ના રોજ વ્યક્તિગત સત્યાગ્રહનો ઉલ્લેખ છે. પણ સત્યાગ્રહીનું નામ નજરમાં ન આવ્યું. હોઈ શકે વિદ્વાનોની નજરમાં વિનોબા એક ઐતિહાસિક પાત્ર ન પણ હોય. આ ગ્રંથાવલિમાં 12મો ગ્રંથ આઝાદી પછીનાં 25 વર્ષનો ઇતિહાસ માટે લખાયો હોત તો કદાચ તેમાં વિનોબાનું નામ આવ્યું હોત !

વિનોબાજીનાં બાકીનાં 10 પ્રવચનોનો સાર

બાકીનાં પ્રવચનોની નોંધ વિનોબાજીના નાના ભાઈ શિવાજી ભાવે પાસેથી મળી હતી. વિનોબાજીની રજૂઆતના મુખ્ય મુદ્દા :

 • દુનિયાભરમાં યુદ્ધનો વિરોધ કરવાવાળા ઘણા બધા લોકો છે. અમેરિકામાં 18 વર્ષથી ઉપરનાને સેનામાં ભરતી કરવાનું કામ ચાલુ થયું છે. પરંતુ ઇંગ્લેન્ડમાં આવું નથી. લશ્કરમાં ભરતી મરજિયાત છે. તેમજ યુદ્ધનો વિરોધ પણ આપ કરી શકો છો. પરંતુ ભારતના લોકોને મરજી વિરુદ્ધ યુદ્ધમાં જોતરવામાં આવી રહ્યા છે.
 • સત્યાગ્રહમાં મારી ભાષા સૌમ્ય રહી છે. સરકારના હૃદય- પરિવર્તનની આશા રાખું છું.
 • અંગ્રેજોને ગાળો આપવા સ્વરાજ્ય મળવાનું નથી. સ્વરાજ્ય તો આપણા હાથની વાત છે. પણ તે આપણે ભૂલી ગયા. આના કારણે સ્વરાજ્ય ખોઈ બેઠા.
 • ગાંધીજીએ હરિજનયાત્રા શરૂ કરી હતી. દલિતો માટે મંદિરો ખોલવાની માંગ કરતા હતા. સનાતનીઓ ગાંધીની પાછળને પાછળ ચાલતા હતા. પરંતુ તેમણે જોયું કે ગાંધી કોઈ જબરજસ્તી કરતા ન હતા. તેમ છતાં અમુક જ મંદિરોમાં દલિતોને પ્રવેશ મળ્યો. આશા છે, પ્રવચન સ્થળ દેવલીમાં પણ દલિતો માટે મંદિર ખૂલશે.
 • સ્વરાજ્ય જેવી પવિત્ર વસ્તુ પવિત્ર સાધનોથી જ મેળવવી છે.
 • પ્રહ્લાદનો પિતા રાક્ષસ હતો. તે પ્રહ્લાદને રામનામ લેવા દેતો ન હતો. “યુદ્ધમાં મદદ ન કરો” એ રામનામ જ છે પણ સરકાર તે લેવા નથી દેતી.
 • આજે સભામાં ભાઈઓ જેટલી જ સંખ્યામાં બહેનો પણ આવી. તે ઘણી સારી ટેવ છે. અહિંસક લડાઈમાં બહેનોની શક્તિ સારું પ્રદાન કરી શકે છે.
 • દેશમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ કિસાનની છે. અંગ્રેજો આવ્યા તે પહેલાં આવી સ્થિતિ ન હતી.
 • આજની લડાઈમાં (World War 2) ઇંગ્લેન્ડનો રોજનો 13 કરોડનો ખર્ચ થાય છે, જે પૂરા હિંદુસ્તાનના ભોજનના ખર્ચ કરતાં ત્રણ ગણો ગણાય ! જર્મની પાસે 17 લાખ સૈનિકો છે. ખેડૂત મહેનત કરે અને આ લોકો મનુષ્ય-સંહારમાં ખર્ચ કરે. અહીંનો પૈસો સતત ઇંગ્લેન્ડ પહોંચે છે. ત્યાં બેકાર લોકોને સરકાર પૈસા આપે છે. તેવી જવાબદારી અંગ્રેજ સરકાર હિંદુસ્તાનમાં નથી સ્વીકારતી. લોકો યાત્રા કરવા કાશી-રામેશ્ર્વર જાય છે. પરંતુ ઈશ્ર્વર ત્યાં નથી મળવાના. યાત્રા માટે ઓરીસ્સા જેવાં સ્થાનો પર જવું જોઈએ, જ્યાં લોકોને ભરપેટ ખાવા નથી મળતું.
 • સ્વરાજ્ય માટે વિધાયક કાર્યક્રમો કરવા પડશે, જેમાં હિંદુ-મુસલમાન એકતા લાવવી પડશે. આના અભાવમાં અંગ્રેજો કહે છે, પહેલાં અંદર અંદર એકતા કરો પછી સ્વરાજ્ય આપીશું.
 • પહેલાં હિંદુસ્તાન સમૃદ્ધ દેશ હતો. દુનિયાભરમાં તેની ખ્યાતિ હતી. આના કારણે અનેક લોકો આવ્યા. મુસલમાન પણ આવ્યા. તેમણે ઘણાં વર્ષો શાસન ચલાવ્યું. ત્યારે પણ હિંદુસ્તાન સુખી હતું. મુસલમાનો અહીંની સંપત્તિ બહાર ન લઈ ગયા. ખૂબ જ થોડા મુસલમાનો થોડી સંપત્તિ લઈ ગયા. પરંતુ અંગ્રેજો માત્ર પૈસા નહીં, ઘણી બધી ચીજો લઈ ગયા. હાડકાં પણ લઈ ગયા, જેની કૃષિ પર અસર થઈ. અંગ્રેજોના રાજ્યમાં પ્રજા શિક્ષિત ન થઈ.
 • આગર ગાંવના લોકો આ વર્ષે 100 વ્યક્તિ ખાદીધારી બને તેવું આયોજન કરે. બાળકો રોજ અડધી આંટી સૂતર કાંતે તો વર્ષભરમાં તેમના માટે 12 ગજ, આશરે 36 ફૂટ કાપડ તેમના સ્વાવલંબન માટે તૈયાર થઈ જાય. ગ્રામજનો વાર્ષિક ધોરણે ખેતમજૂર રાખે. તેને અનાજ અને પૈસા આપે છે તેની સાથે 4 શેર (આશરે 2 કિલો) કપાસ આપે તેમજ રોજ અડધો કલાક કાંતવાની સગવડ કરે તો તે પોતા પૂરતું કાપડ તૈયાર કરી લેશે.
 • એક એક ગામે સત્યાગ્રહ કરતાં કરતાં દિલ્હીની દિશામાં આગળ વધવાનો અમારો કાર્યક્રમ છે.
 • પોલીસથી ડરવાની જરૂર નથી. તે તો આપણો સેવક છે. લંડનમાં લોકો પોલિસથી ડરતા નથી. તેની સાથે પ્રેમભર્યો વ્યવહાર રાખે છે.
 • અહિંસક વ્યક્તિ ભય અને વેરભાવથી મુક્ત હશે. 40 કરોડના લોકો પર નાનો સરખો દેશ સત્તા ભોગવે છે, તે આપણી ભયવૃત્તિના કારણે છે. આપણે મૃત્યુનો ડર છોડવો પડશે.
 • છેલ્લાં નવ વર્ષથી નાલવાડી ગામમાં રહ્યો છું. મેં માત્ર 2-3 વ્યાખ્યાન આપ્યાં હશે. વણકરોની જેમ કામમાં લાગેલો રહ્યો છું. પણ આજની કપરી સ્થિતિમાં પ્રવચનો કરું છું.
 • વિશ્ર્વપ્રેમી રવીબાબુએ કહ્યું, ઇંગ્લેન્ડના કિનારે અમેરિકાની સ્ટીમરો અનાજ ભરી ભરીને લાવે છે પરંતુ ભૂખ્યા કંગાલ હિંદુસ્તાન માટે કોઈ અનાજ આવતું નથી. છેલ્લાં દોઢસો વર્ષમાં આ સ્થિતિ થઈ છે. આપ કયા મોઢે યુદ્ધમાં અમારી મદદ માંગો છો ?

વિનોબા ન્યાયાલયમાં

વિનોબાની ત્રણ વખત ધરપકડ થઈ. ત્રણે વખત કોર્ટમાં નિવેદન રજૂ કર્યું હતું. વિનોબા પોતે સ્વીકારે છે, મેં યુદ્ધવિરોધી પ્રચાર કર્યો છે. રચનાત્મક કામમાં લાગેલી વ્યક્તિ જ્યારે વિરોધ કરે ત્યારે સમજવું જોઈએ કે તે તેની અનિવાર્ય ફરજ બજાવે છે. કૉંગ્રેસ અહિંસક સત્યાગ્રહ કરી તાનાશાહી રાષ્ટ્રોને મદદ કરે છે તે આક્ષેપ માત્ર કોંગ્રેસને બદનામ કરવા માટે કરવામાં આવે છે. યુદ્ધવિરોધી સત્યાગ્રહને કોર્ટ અપરાધ માને તો, મળવાવાળી સજા ખુશીથી ભોગવવા તૈયાર છીએ. અમારા માટે તે સામાજિક અને રાજનૈતિક પુણ્યકાર્ય છે. છેલ્લું નિવેદન ગાંધીજીએ લખીને આપ્યું હતું, તે કોર્ટમાં રજૂ કર્યું હતું.

વિનોબાજીના વ્યક્તિગત સત્યાગ્રહમાં વધુ રસ દાખવનારે ‘યુદ્ધ વિરોધી સત્યાગ્રહ – વિનોબા’ મૈત્રી – 15 નવેમ્બર-1988 વિશેષાંક વાંચવો. આ લેખમાં તેનાં 144 પાનાંમાંની થોડી જ વાતો ટૂંકમાં નોંધી છે.

– રેવારજ

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s