સત્ય, ધર્મ અને શાસન

ભારતને વૈચારિક ક્રાંતિઓની ટેવ પડી ગઈ છે. ભક્તિ અને સૂફીની ક્રાંતિ ઈ.સ.ના આઠમાથી પંદરમા સૈકાની – અને તે રીતે તાજેતરની છે. પરંતુ વૈદિક કાળમાં પ્રચલિત બનેલા ‘ધર્મ’ના વિચાર સામે એક ક્રાંતિરૂપે ઉપનિષદો પ્રગટ્યાં. એમ મનાય છે કે ઈ.સ. પૂર્વે 800થી ઈ.સ. પૂર્વે 300ના લગભગ 500 વર્ષના ગાળામાં અનેક ઋષિ કે મુનિ થઈ ગયા. આશ્રમો બન્યા, અનેક લોકોએ ઘરબાર છોડ્યાં, વનવાસ સ્વીકારી જીવનનાં વિવિધ પાસાં વિશે ગહન વિચારો કર્યા. તેમના આ વિચારો જાણવા-સમજવાની સમાજમાં ઉત્કંઠા જાગી અને ઉપનિષદો રચાયાં. કુલ લગભગ 200 ઉપનિષદો છે, જે પૈકી વિનોબા એકસો આઠને અલગ તારવે છે. જોકે ઈશાવાસ્ય, માંડુક્ય, કેન, કઠ, છાંદોગ્ય, બૃહદારણ્યકના પ્રશ્ર્ન, તૈતરેય, ઐતરેય વગેરે જેવાં ચૌદેક ઉપનિષદો વધુ જાણીતાં બન્યાં છે.

ઉપનિષદનો વાચ્યાર્થ બહુ સરળ છે : ગુરુના ચરણ પાસે બેસવું તે – એવો તેનો સાવ સાદો અર્થ બેસાડાય છે. પણ જો સવાલ કરીએ કે ચરણ પાસે બેસનાર કોણ, બેસવું એટલે શું, તો વિનોબાના અર્થ તરફ ધ્યાન આપવું પડે. વિનોબા ‘ઉપનિષદ’નો સાચો અર્થ છાંદોગ્ય ઉપનિષદમાંથી જ આપે છે તે મુજબ :

‘ सं यदा बलि भवति, अथ उत्थाता भवति, उतिष्ठन् परिचरिता भवति, परिचरन् उपसत्ता भवति, उपसीदन् द्रष्टा भवति, श्रोता भवति, मन्ता भवति, बौध्धा भवति, कर्ता भवति, विज्ञाना भवति .’

ઉપનિષદ શબ્દનો પ્રચલતિ અર્થ એક ફોટા જેવો છે. ગુરુને ચરણે બેઠેલો શિષ્ય એવો આ ફોટો છે. પણ ઉપર આપેલી છાંદોગ્ય ઉપનિષદની વ્યાખ્યા પોતે શિષ્યની એક આખી યાત્રા સમજાવે છે. બળવાન શિષ્ય ગુરુસેવા કરે, ગુરુનાં પ્રવચનો અને વ્યવહારનું નિરીક્ષણ કરે, તેમને સાંભળે, તેની ઉપર ચિંતન-મનન કરે, વ્યવહારમાં તે પ્રમાણે જીવવાનો પ્રયાસ કરે અને જ્ઞાનનો અનુભવ કરી પરમતત્ત્વને પામે – આ સળંગ વિચાર છે. ઉપનિષદોએ યજ્ઞ-યાગાદીનો માર્ગ છોડીને આંતરનિરીક્ષણ, વિચાર, ફિલસૂફી અને આધ્યાત્મિક અનુભૂતિનો માર્ગ બતાવ્યો.

આ ઉપનિષદો પૈકીનું એક તે ઈશાવાસ્ય છે. ગણિત કે વિજ્ઞાનની ફોર્મ્યુલા હોય તે રીતે લખાયું છે. તેમાંનો એક શ્ર્લોક સત્ય વિશે છે.

सुवर्णभयेन पात्रेण सत्यस्वापिहिता मुखा

तत् त्वं पूषन, अपावृणु, सत्य-धर्माय दृष्टये | (१५)

સત્યને અનુલક્ષીને આ શ્લોક અર્થગંભીર અને ચિંતનસભર વિચાર વ્યક્ત કરે છે. સત્યનું સુખ સુવર્ણમય પાત્ર વડે આચ્છાદિત છે. હે પરમતત્ત્વ, જગતના પોષણ અર્થે તેનું મુખ અનાવૃત્ત કરો. આ વિચારને માત્ર આ શાબ્દિક અર્થ પૂરતો સીમિત રાખીને છોડી દઈ શકાય તેમ નથી. વળી ‘સત્ય’ની પણ મીમાંસા જરૂરી છે.

‘સત્ય’ શબ્દરૂપે અને ભાવ તથા સંદર્ભે પુષ્કળ પ્રચલિત શબ્દ છે. સત્ય અને તથ્ય એક જ નથી. તથ્ય તાર્કિક સહસંબંધ અને કાર્યકારણ ગૂંથણીમાં સમેટાઈ રહે છે. પશ્ર્ચિમના અનેક ફિલસૂફોએ સત્યની મીમાંસા કરી છે. એરિસ્ટોટલથી માંડી રસેલ અને વિટગનસ્ટાઈનના તેમાં ઘણાં ઉમદા પ્રદાન છે. પણ તે જગતના સંદર્ભમાં અને વિજ્ઞાનની ક્ષિતિજોની સીમામાં વિચારાયા છે.

ઉપનિષદ યજ્ઞ-યાગાદિ અને કર્મકાંડથી બહાર નીકળી જીવનનાં આધિભૌતિક રહસ્યો અને ગૂઢ અનુભૂતિના ક્ષેત્રમાં સત્યને શોધે છે. સત્યની આ શોધ ઘણીવાર પ્રખર બની છે. સત્ય અને ધર્મ જ્યારે જ્યારે વિખૂટા પડ્યાં છે ત્યારે કોઈક ઊંડા મંથન અને ચમત્કારિક ગણાય તેવી ઘટનાઓ પણ ઘટી છે.

ઈશાવાસ્યમાં કહ્યું છે તેમ માનવજાતના પોષણ-પૂષન અર્થે પણ સત્ય બહાર આવ્યું છે. ભારતીય પરંપરાના દશાવતાર વિશે આ સંદર્ભે પણ વિચારી શકાય. ધર્મ અને સત્ય વચ્ચેની અતિગંભીર, કશ્મમકશ મહાભારતમાં દેખાઈ આવે તેવા અનેક પ્રસંગો છે. દ્રૌપદીના વસ્ત્રાહરણ જેવા પ્રસંગે વિદુર, ભીષ્મ અને દુ:શાસનનાં પાત્રો તરફ સહેજ નજર ફેરવીએ તો આ સંઘર્ષ દેખાઈ આવે છે. દુ:શાસન તો રજસ્વલા દ્રૌપદીનો ચોટલો પકડીને ઢસડી લાવે છે. ભીષ્મ કહે છે, અઠૃશ્ર્ન્રૂ ક્ષૂ્યરળજ્ઞ ડળલ: અલબત્ત, ‘અર્થ’ શબ્દના અગિયાર અર્થ છે પણ ભીષ્મ જેવા પ્રચંડ વ્યક્તિત્વને અર્થની વિભાવનાઓમાં છુપાઈ જવા જેવું લાગ્યું. ત્યારે વિદુર એક અદ્ભુત શ્ર્લોક બોલે છે :

न सा सभा यत्र न सन्ति वृद्ध:

न त वृद्ध: य न वदन्ति सत्यम् |

વૃદ્ધ (જ્ઞાની-અનુભવી) વગરની સભા કેવી ? અને સાચું ન બોલે તે વૃદ્ધ શેનો ?

પણ મહાભારતની સત્ય અને ધર્મ વચ્ચેની આ અસમંજસ યુધિષ્ઠિરના नरो वा कुंजरो वा પાસે તાણી જાય છે, ગુરુ દ્રોણ જ્યારે યુધિષ્ઠિરના મોઢેથી અશ્ર્વત્થામા હણાયો એમ સાંભળે છે ત્યારે હથિયાર હેઠાં મૂકે છે. પણ સવાલ તો એક શૃંખલારૂપે ઉદ્ભવે છે. યુધિષ્ઠિર જેવા સત્વાદી જૂઠું – કહો અર્ધસત્ય – કેમ બોલ્યા ? આ યુધિષ્ઠિરને બાલ્યાવસ્થામાં ગુરુ દ્રોણે सत्यम् वद એ આદેશ વાક્ય બોલવાનું કહ્યું ત્યારે ‘સત્ય’ને આત્મસાત્ કર્યા વગર તે બોલ્યા ન હતા. માત્ર ગુરુ દ્રોણને હરાવવા, કૌરવ સેનાને હરાવવા કે રાજપાટ મેળવવા વાસ્તે યુધિષ્ઠિર અર્ધસત્ય બોલ્યા ? અને તે માટેની પ્રેરણા ભગવાન શ્રીકૃષ્ણ આપે ? આ જ ભગવાન અર્જુનને ગીતાના ઉપદેશમાં યુદ્ધના પ્રારંભે જ સંસારની ક્ષણભંગુરતા દર્શાવી ચૂક્યા છે. જો નિષ્કામ કર્મ કરવાનું હોય તો વિજયની કામના માટેનું આ અર્ધસત્ય શા માટે ?

આ સવાલો તાર્કિક છે પણ તેનો સંભવિત ઉત્તર ભારે માર્મિક છે. વેદ વ્યાસે મહાભારત દ્વારા એક ભાવિ સમાજરચના માટેનો પાયો નાખ્યો છે. આ સમાજરચનામાં શાસન પાત્ર વ્યક્તિગત સિદ્ધાત્માઓથી ભરેલું હોવું ન જોઈએ. સમગ્ર સમાજના ઉપલક્ષ્યમાં પોતાના સર્વોત્તમને પણ ત્યજી દેનારું હોવું જોઈએ. જો યુધિષ્ઠિર આ અર્ધસત્ય બોલ્યા ન હોત તો કૌરવોનું રાજ્ય હોત. આવું શાસન લંપટ અને ઘાતકીઓનું હોત. સમગ્ર સમાજને તેમાંથી બચાવવા માટે, કહો કે એક સત્યુગી શાસન માટે યુધિષ્ઠિરે પોતાના સત્ત્વનો ત્યાગ કર્યો. યુધિષ્ઠિરનું આ અધ્યાત્મકૃત્ય હતું, ભાવિ સમાજની સત્યપ્રાણ પ્રતિષ્ઠા સારુ પોતાની સુચિંતિત ઓળખનો પણ ત્યાગ કરવો એમ આ ‘સત્ય’નિષ્ઠ ‘ધર્મ’રાજ કહે છે. સત્ત્વ, ધર્મ અને શાસન વચ્ચેની આવી બારીક કોતરણી તો ‘વિશાળ બુદ્ધિ’ ધરાવતા મહર્ષિ વેદ વ્યાસ જ કરી શકે !

ધર્મ અને સત્ય હંમેશા સાથે રહેતાં નથી. કાળના પ્રવાહે કરીને બે વચ્ચે અંતર પડે છે અને ઘર્ષણ પણ થાય છે. તે સમયે ધર્મ અને સત્ય સાથેનો અનુબંધ ફરી વાર મેળવવો પડે છે. કારણ એ જણાય છે કે સત્ય એક ધ્રુવતારક છે પણ ધર્મ એક જહાજ છે. માનવજાત ધર્મના જહાજ ઉપર સવાર ખરી પણ તેનો ઉદ્દેશ તો સત્યનો જ. આથી જ ભગવાન સ્પષ્ટ રીતે કહે છે – ધર્મની જ્યારે જ્યારે ગ્લાનિ થશે ત્યારે ત્યારે હું અવતરીશ.

દશાવતારના વૃત્તાંત આનાથી સભર છે.

સત્યપાલનની કથાઓમાં રાજા હરિશ્ર્ચંદ્ર અને રાજા રઘુ સુવિખ્યાત છે.

रघुकुळ रीति सदा चली आई,

प्राण जाय अरु बचन न जाई |

આ કથાઓ સત્યના ધ્રુવતારક સાથે ગંતવ્યને સાંકળીને અતિ વિકટ અને તોફાની સમુદ્રમાં પેલી ધર્મની નૌકા હંકારવાનો ઉદ્યમ છે.

સત્યના શોધકોએ ભારતીય વિચારવિશ્ર્વમાં ચાર મહાવાક્યોનું પ્રદાન કર્યું છે. આ મહાવાક્યો આ પ્રમાણે છે :

१. प्रज्ञानम् ब्रह्मं

२. अयम् आत्मा ब्रह्मं

३. तत्त्वमसि

४. अहम् ब्रह्मास्मि

અદ્વૈત મતના સમર્થનનાં આ ચાર મહાવાક્યો, એક દૃષ્ટિએ, વ્યક્તિ જ્યારે શિષ્ય બને અને પછી સાધક બને તથા ઉત્તરોત્તર પગથિયાં ચડીને સિદ્ધ બને તેની શૃંખલા દર્શાવે છે.

प्रज्ञानम् ब्रह्म ઉપનિષદનું વાક્ય છે. ગુરુ શિષ્યને સાધના- પથ ઉપર ચડાવતા ધ્યાનની પ્રક્રિયામાં પોતાની પ્રજ્ઞાને નિરખવા, સ્વીકારવા અને અનુભવવા કહે છે. તે પછી શિષ્યને સર્વ જીવોમાં વસતા આત્માને બ્રહ્મ સ્વરૂપે નિરખવાનું પગથિયું આવે છે. આવી અવસ્થાઓ પસાર કર્યા બાદ ગુરુ તેની આત્માની સાચી ઓળખ આપતાં કહે છે – તું તે જ છે અને છેલ્લે શિષ્ય પોતે જ પોતાના બ્રહ્મ-સાયુજ્યરૂપને જોઈ શકે છે.

ગુરુ-શિષ્ય-સાધના અને પરંજ્ઞાનની એક સુંદર રચના શ્ર્વેતકેતુના ઉદાહરણ દ્વારા સમજી શકાય છે. શ્ર્વેતકેતુ બાર વર્ષ ગુરુ પાસે ભણીને આવ્યો ત્યારે તેના પિતા ઉદ્દાલકે એક સાવ સાદો સવાલ કર્યો : જે જાણવાથી બધું જ જાણી શકાય છે તે તું જાણે છે ? પછી તેના પિતા જ તેને આત્મમાર્ગે દોરે છે અને શ્ર્વેતકેતુ પરિપક્વ થાય છે ત્યારે પિતા તેને ‘तत्त्वमसि’ કહે છે.

ઉપનિષદોમાં આ પ્રકારની વ્યક્તિગત આત્મોન્નતિ અને સિદ્ધિની ભૂમિકા તો છે જ પરંતુ સત્યને સમગ્ર સમાજના ઉપલક્ષ્યમાં વિચારવાનું પણ ચાલતું જ રહ્યું છે. સત્ય માટેની આ શોધ સૈકાઓ સુધી અવિરત ચાલી છે.

ઉપનિષદો અને પુરાણોના આ સત્યને વીસમી સદીમાં આચરી બતાવ્યું ગાંધીજીએ. દક્ષિણ આફ્રિકાના ઇમ્પિરિયલ હોલમાં 19મી જૂન 1906ના દિવસે ‘સત્યાગ્રહ’નો જન્મ થયો. સરકારના એટલે કે શાસનના ધર્મહીન પગલા સામે ગાંધીજીએ સત્યનો અવાજ બુલંદ કર્યો. 1915માં ભારત આવ્યા પછી પણ સત્ય જ તેમને દોરતું રહ્યું. નીલવરોના શોષણ સામે, હિંદુ-મુસ્લિમ એકતા અને ભાઈચારા બાબતે, અગિયાર મહાવ્રતો દ્વારા અને દરિદ્રનારાયણની સેવા-અંત્યોદય માટે – એમ સર્વત્ર અને સર્વદા તેમણે સત્યની દિશા પકડી રાખી. ઉપવાસો કર્યા, મૌનવ્રત રાખ્યાં, જેલોમાં દિવસો વીતાવ્યા, બસ…. રેંટિયો કાંતતા રહ્યા અને સત્ય વરતતા રહ્યા.

આ માત્ર ગાંધીજીનું સત્ય ન હતું. ખાન અબ્દુલ ગફારખાન જેવા પઠાણે, અંગ્રેજોની ગોળીઓ સામે નિ:શસ્ત્ર પઠાણોને ઊભા રાખ્યા. જલિયાંવાલાથી પણ અતિ ક્રૂર અને બર્બરતાભરી એ ઘટના હતી. પણ ગાંધીજીનું સત્ય ધીમે ધીમે નિખરતું જતું હતું. 1914થી 1945 દરમિયાન બે વિશ્ર્વયુદ્ધો તથા નાઝી-ફાસીવાદ હેઠળ ભયાનક વિદ્વંસ થયો. તેને સત્યની આણ દઈને રોકી ન શકાયો. પણ નર્યા નિષ્ઠુર એવા સોવિયત શાસનનો અંત આણવામાં પોલેન્ડના ગોદી કામદારોના નેતા લેક વાલેઝાની પદ્ધતિ સત્યાગ્રહની હતી. માર્ટિન લ્યુથર કિંગે પણ એ જ સત્યાગ્રહની પદ્ધતિ અપનાવી અમેરિકામાં રંગભેદને હટાવ્યો. નેલ્સન મંડેલાએ દ.આફ્રિકામાં અશ્ર્વેતોના સ્વરાજ્યની લડત પણ તોપ કે તલવારથી નહીં, પણ સત્યના આધારે જીતી બતાવી. આધુનિક ભાષાની ‘ગેમ થિયરી’ પ્રમાણે કહીએ તો અહિંસા વડે જિતાયેલી આ લડાઈ એક ‘વિન-વિન’ ગેમ હતી. અંગ્રેજો હાર્યા ન હતા અને આપણે જીત્યા હતા. ખરેખર તો સામ્રાજ્યવાદ હાર્યો અને માનવીય ગૌરવકેન્દ્રી સર્વોદય વિચાર જીત્યો.

માણસ વિચારશીલ તો છે જ, પણ પ્રત્યેક સમાજમાં વિવિધ સમયે વિચારનિષ્ઠ અને વિચારપ્રધાન વ્યક્તિઓ પણ પ્રગટતી રહે છે. એરિસ્ટોટલ, સોક્રેટિસ, ઈસુ ખ્રિસ્ત, હજરત મહંમદ પયગંબર, હિંદુ ધર્મના અવતારી પુરુષો, ભક્તો, સંતો, સૂફીઓ, વગેરેએ માનવજાત માટે અતિ ઉપકારક વિચારો આપ્યા છે. સત્ય અને અહિંસા એક વિચારબીજ છે. ગાંધીજીનાં અગિયાર મહાવ્રતોમાં પ્રથમ બે સત્ય અને અહિંસા છે. ગાંધી વિચારના સત્ય અને અહિંસા માત્ર પરસ્પરાધારિત જ નથી પણ બંને પરસ્પરને પરિપુષ્ટ પણ કરે છે. સત્યના આધારે અહિંસા પોષાય છે અને અહિંસા સત્યનું પોષણ કરે છે.

આ અહિંસાનો વિચાર જૈન ધર્મમાં ખૂબ સુંદર રીતે ઘૂંટાયો છે. ઉપનિષદની सत्यास्वापिहिता मुखा: ને હિરણ્યમય પાત્રની સમજ પણ જૈન અને બૌદ્ધ ધર્મોના આચરણ અને ઉપદેશોમાંથી સાંપડે છે. જૈન ધર્મનો સ્યાદવાદ અને અનેકાંતનો વિચાર આ મુદ્દે સમગ્ર માનવજાત માટે અતિ મહત્ત્વની વિચારધારાઓ બને છે.

ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ લગભગ સમકાલીન હતા અને બંને આજના બિહારમાં પ્રગટ્યા હતા. બુદ્ધના સંસારત્યાગની ઘટનામાં એક દૃઢ સંકલ્પની ભૂમિકા છે જ્યારે મહાવીરમાં સમગ્ર પરિવારની અનુજ્ઞા સુધી રાહ જોવાની તૈયારી છે. મહાવીર સ્વામી કુટુંબીજનો સમક્ષ જાણે કે સંસાર છોડવા દેવાની અપીલ કરતા રહે છે. જ્યાં સુધી મંજૂરી નથી મળતી ત્યાં સુધી ‘સ્યાદ’ તેમના અંતરતમનો આધાર બની રહે છે. ‘સ્યાદ’ કદાચ મારે સંસાર છોડવાનો ન પણ હોય ! સંસાર છોડવાના કર્મના તે સ્વામી બનતા નથી પણ એક વૈચારિક સ્વરૂપના વાહકરૂપે પોતાને જ નીરખતા રહે છે. મહાવીર સ્વામી આ રીતે સત્યાગ્રહી-સત્યના આગ્રહી બનતા નથી પરંતુ સત્યગ્રાહી-સત્યને ગ્રહણ કરવા મથનારા બને છે. અનેકાંતવાદ આ સત્યનો જ શોધપ્રબંધ બને છે.

ઉપનિષદનું સત્ય કેવા સ્વરૂપ કે આકાર-રંગ-રૂપ-સ્વાદનું હશે? જે વ્યક્તિને ‘સત્ય’ દેખાયું લાગે તે એક અને અદ્વિતીય હશે ? જૈન ધર્મ અનેકાંતવાદ દ્વારા સત્યના વિવિધ-એક નહીં – તેવા આવિષ્કારો અને અનુભૂતિઓને સ્વીકારે છે. આ એક અત્યંત મહત્ત્વનો વિચાર છે. કોઈક એક સ્વીકૃતિને કંઈક એક ચોક્કસ સમયે અને પરિસ્થિતિમાં જણાવેલું ‘સત્ય’ નથી તો શાશ્ર્વત અને નથી સંપૂર્ણ. આ ખુલ્લાપણું સમાજોની પ્રગતિ, સમાજનાં વિવિધ જૂથોની નિરીક્ષણ અને અનુભૂતિની નિષ્ઠા માટે માર્ગ ખોલી આપે છે. ઉપનિષદના સત્યની ઉપર પથરાયેલા સુવર્ણપાત્રને સમાજોના પોષણ માટે ઉઘાડી આપવાનું ઋષિ કહે છે. મતલબ કે આ કોઈ નિરપેક્ષ અને શાશ્ર્વત એવા, મુખ્યત્વે અજ્ઞેય એવા બ્રહ્મ-પરબ્રહ્મની ખોજ નથી પણ જેના વડે સમાજને પોષણ અને પછી તૃપ્તિ મળે એવા વ્યાવહારિક સત્યની ખોજ છે. જૈન ધર્મનો અનેકાંતવાદ આવા સત્યને ખૂબ સુચિંતિતરૂપે ઉજાગર કરી આપે છે. ‘તમને તમારું સત્ય દેખાયું તો ભલે. પણ મને મારું સત્ય જરાક અલગ અને આગવા સ્વરૂપે દેખાય છે.’ એવું કહેવાની વિભાવના અહીં ઊપજે છે. તો પછી एकम सत्यम् विप्रा: बहुधा वदन्ति ને સ્થાને विविधं विप्रा विविधं सत्यम् वदन्ति એમ કહેવું પડે.

આ સંજોગોમાં સ્વાભાવિક જ એક સમસ્યા ઊભી થાય છે. દરેક જણ સત્ય જ બોલે છે તેની ખાતરી શી ? જૈન ધર્મમાં જાણે કે આ માટે તકેદારી રખાઈ હોય તેમ તપ ઉપર ભાર મુકાયો છે. ક્રમ એવો ગોઠવાય છે કે તપ કરીને ચિત્તશુદ્ધિ પામવી, શુદ્ધ ચિત્તથી આત્મનિરીક્ષણ, પરીક્ષણ અને ચિંતન-અવગાહન કરવાં. પછી જે બોલાય તે સત્યની વધુમાં વધુ નજીક હોવાની સંભાવના વધે છે. વર્ષ દરમિયાન પોતાનાથી થઈ ગયેલી ભૂલોનું પ્રાયશ્ર્ચિત્ત અને ક્ષમાપના પણ આ સ્વજાગૃતિનો જ હિસ્સો બની શકે તેમ છે. આત્મનિરીક્ષણ, તપ, ભૂલ, ક્ષમાપના, વગેરેના બનેલા એક ઉબડખાબડ માર્ગે પડતાં-આખડતાં ચાલતા રહીને બીજાના સત્યને ગ્રહણ કરવું અને પોતાના સત્યનું સમાર્જન કરતા રહેવું તે જૈનધર્મનું અદ્ભુત પ્રદાન છે.

બૌદ્ધ ધર્મ સત્યને માનવમાત્ર માટે અનિવાર્ય એવાં દુ:ખોના દારૂણ અનુભવરૂપે જુએ છે. સંસાર દુ:ખોથી ભરેલો છે, દુ:ખનાં કારણો છે, દુ:ખનો અંત આવી શકે છે અને આવા અંત માટેના માર્ગ પણ છે- એ ચાર બાબતો આ સત્ત્વદર્શનના પાયામાં રહેલી છે. આ માર્ગમાં મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા જેવા આયામો છે.

વળી બૌદ્ધ વિચારમાં સત્ય દ્વિસ્તરીય છે એવું પણ કહેવામાં આવ્યું છે. વાસ્તવિક અથવા વ્યાવહારિક સત્ય, પારમાર્થિક અને શાશ્ર્વત સત્યથી અલગ છે. બુદ્ધમતમાં સમય જતાં ઘણા નવા પ્રવાહો ઉમેરાયા અને મહાયાન તથા હીનયાન જેવાં મતસંકુલો પણ જન્મ્યાં. પણ ઈ.સ. 150-250 દરમિયાન બૌદ્ધમતને લગભગ અદ્વૈતવાદી બનાવી દેવામાં મહાયાનના નાગાર્જુનના વિચારોનો પ્રભાવ રહ્યો. તેમણે ‘શૂન્યતાની ભીતરે રહેલી શૂન્યતા’ના વિચાર દ્વારા વ્યાવહારિક જગતનો છેદ જ ઉડાવી દીધો. જો વ્યાવહારિક જગત જ મિથ્યા હોય તો દુ:ખ અને દુ:ખના ઉકેલ અર્થેના માર્ગો પણ મિથ્યા બની જાય છે.

કાળચક્રના ઘુમાવ સાથે ભારતમાં અદ્વૈત, દ્વૈત, દ્વૈતાદ્વૈત તથા શુદ્ધ અને વિશિષ્ટ દ્વૈતના વિચારો ફેલાયા. પણ આ તમામ માર્ગો સત્યની ખોજના કેન્દ્રબિંદુની આસપાસ ઘૂમતા ફરતા રહ્યા.

વેદકાળથી શરૂ થયેલી ભારતની સત્ય માટેની ખોજ ઉપનિષદોમાં આગળ ચાલી. આ વિચારોને કારણે ધર્મ અને સત્ય વિશે ચિંતન ચાલ્યું. આ જ સત્યની ખોજ નવા નવા સ્થપાતા ધર્મોને પણ ઓળંગતી ગઈ. ધર્મનું અંતરત્ત્વ વિચારોના પ્રવાહોમાં સત્યના પરમતત્ત્વને ઓળખવા આગળ વધતું રહ્યું.

આઠમીથી પંદરમી સદી દરમિયાન આ ધર્મ અને સત્યની ગડમથલમાં અનેક સંતો, ભક્તો અને સૂફીઓ જોડાયા. વેદથી માંડીને પંદરમી સદી સુધીના સંતો-ભક્તો સુધીની સત્યની ખોજની આ એક અતિરોચક અને પ્રભાવક વૈચારિક ક્રાંતિઓનો મેળો છે. નવા વિચારો, નવા ધર્મો, નવા વિગ્રહો-સંપર્કો, વળી સમાધાન અને નવી જીવન વ્યવસ્થા માટેના વિચારોનું મંથન, આમ ભારત વહેતું, બદલાતું અને રમતું રહ્યું છે. ખૂબી એ છે કે આ સમગ્ર વિચારક્રાંતિઓના મેળામાં શાસન નથી ખાસ ઉપયોગી બન્યું અને નથી ખાસ અવરોધક બન્યું. શાસને ધર્મ ઉપર પકડ જમાવવા પ્રયાસ કર્યો છે અને ઘણી વાર ધર્મ અને શાસન એક સરખી રીતે, સમાજ માટે, ઉપરછલ્લાં બન્યાં છે. પણ આવા સંજોગોમાં ધર્મ અને સત્યનું મિલન પણ થતું રહ્યું છે. આથી જ આ દેશમાં શાસન કે શાસક ગૌણ છે અને ધર્મ વધુ પ્રભાવક રહ્યો છે.

આ ‘ધર્મ’ એટલે શું – તેની પણ મીમાંસા ઉપનિષદોએ કરી છે. જે ધારણ કરી બતાવે તે ધર્મ તે તો સાચું જ પણ છાંદોગ્ય ઉપનિષદ ધર્મના ત્રણ સ્તંભનું નિરૂપણ કરે છે. આ ઉપનિષદ ભગવાન શ્રીકૃષ્ણની પરંપરાનું છે. શ્રીકૃષ્ણ સામવેદી હતા – તેમણે કહ્યું છે : वेदानाम् सामवेदोस्मि । છાંદોગ્ય ઉપનિષદ સામવેદી વિચાર પરંપરાનું છે. આ ઉપનિષદ ધર્મના જે ત્રણ સ્તંભો નિરૂપે છે તે છે, યજ્ઞ, અધ્યયન અને દાન. વિનોબાની દૃષ્ટિએ ‘યજ્ઞ’ સમગ્ર જીવન સાથે જોડાઈ રહેવાની પ્રક્રિયા છે. તેમણે ‘ભૂદાન’ને યજ્ઞનું રૂપ આપ્યું છે. જમતી વખતે આપણી થાળીમાં પીરસાતી વાનગી પાછળ કેટલા બધાનો શ્રમ અને પ્રેમ ભળ્યા હશે ! ધરતી, ગરમી-ઠંડી, સૂર્યપ્રકાશ, વરસાદ વગેરે જેવાં પ્રાકૃતિક તત્ત્વો, ખેડૂત, બળદ વગેરેનો શ્રમ, રસોઈ બનાવનારાનો પ્રેમ – આ બધાના યજ્ઞના ફળસ્વરૂપે ભોજન પ્રાપ્ત થાય છે.

યજ્ઞ પછી અધ્યયનનું સ્થાન આવે છે. સમાજના લોકો માત્ર યંત્ર-મનુષ્ય નથી. તે સઘળાં પુષ્કળ તાલીમ અને અધ્યયનથી પરિપૂર્ણ થયેલાં હોય છે. ખેડૂતને ‘અનસ્કિલ્ડ’ કહેનારાએ તેની જેમ ખેતરમાં એક સીધો ચાસ પાડી બતાવવો જોઈએ. કુંભાર, લુહાર, સોની, મોચી, વણકર એમ બધા પાસે અધ્યયન પછી નીપજેલી વિદ્યાઓ છે. ઉપનિષદકાળમાં ઋષિ અને બ્રાહ્મણોએ વધારે વ્યાપક ઉપયોગની વિદ્યાઓનું પરિશિલન કર્યું.

ધર્મનો ત્રીજો સ્તંભ ‘દાન’ છે. કાર્લ માકર્સે શોષણની પ્રકૃતિગત ભૂમિકા ઉપરથી સામ્યવાદના વિચારો વિકસાવ્યા. ‘દાસ કેપિટલ’ ગ્રંથ 1867માં પ્રસિદ્ધ થયો. આર્થિક અસમાનતા અને શોષણની રચના હવેના મૂડીવાદી વિશ્વીકરણ પણ એટલી જ પ્રબળ છે પણ સામ્યવાદની ભારે પીછેહઠ થઈ છે. ધર્મના સંદર્ભમાં દાનનો મહિમા કરતા વિનોબા કહે છે – दानम् संप्रभाग: ।’ દાન એટલે સમાજમાં સૌને ભાગ વહેંચી આપવો. ગાંધીજીએ ટ્રસ્ટીશિપના વિચારના અન્વયે આ જ વાત કહી.

પરંતુ શાસનતંત્ર અને સમાજ ધર્મના કાર્યમાં રહેતાં નથી. ઘણા લાંબા સમય સુધી ધર્મની નૌકા સત્યના ધ્રુવતારકને છોડીને ગોથાં ખાધા કરે છે. ભારતીય પરંપરામાં આ માટે સૌ પ્રથમ તો એક હૈયાધારણ આપવામાં આવી છે : सत्यमेव जयते । મતલબ કે ધીરજ રાખો, આખરે તો સત્ય જ જીતશે. ગીતામાં એક બીજી આશા પણ આપવામાં આવી છે : यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत…। જ્યારે પણ ધર્મથી સમાજ વિમુખ થશે ત્યારે હું જાતે ઊતરી આવીશ ! મત્સ્ય, કૂર્મ અને વરાહ અવતારોને કોરાણે રાખીએ તો વામન, નરસિંહ, રામ, કૃષ્ણ અને બુદ્ધ અવતારોમાં આ અવતારકાર્યોની પ્રતીતિ સાંપડે છે. હિરણ્યકશિપુ એક રાક્ષસ હતો તો નરસિંહ અવતાર ધરી તે વખતના સમાજને પાછો ધર્માચરણ તરફ વાળ્યો. પણ કૃષ્ણાવતારમાં તો દેવરાજ ઇન્દ્રના શાસનને ઠેકાણે લાવવા ગોવર્ધનલીલા આચરી.

સત્યની શાશ્ર્વતતા ધર્મ અને શાસનના અનુસંધાને છે. તામસી વૃત્તિઓવાળું શાસન જ્યારે ધર્મના કલેવર ઉપર કબજો જમાવે છે ત્યારે સમાજ નિષ્પ્રાણ થવા માંડે છે. આવા સમાજને માટે આશા અને અપેક્ષા સત્યની શાશ્ર્વતતામાંથી પ્રગટે છે. યુગોથી ચાલતી આવતી આ અસ્ખલિત રચના છે. જાણે કે પ્રારંભે અલકનંદા, ભાગીરથી વગેરે નદીઓ મળીને રસ્તામાં પંચપ્રયાગ સર્જતી હોય છે. પણ ધર્મરૂપે વહેતી આ નદી મેદાનમાં પ્રવેશે છે ત્યારે પાખંડ, સત્તા અને ભ્રષ્ટતા તથા શાસન વડે પ્રદૂષિત બને છે. વળી સત્ય પ્રગટતું રહે છે અને શુદ્ધિકરણ થતું રહે છે.

          – રોહિત શુકલ

(345, સરસ્વતીનગર, આઝાદ સોસાયટી પાસે, અમદાવાદ-380 015.)  મો.: 7567227437

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s