બે નિષ્ઠાઓ
ગુણવિકાસ અને સમાજરચના આ બે એકાંતિક નિષ્ઠાઓ પુરાણ કાળથી હજુ સુધી ચાલુ જ છે. ગુણવિકાસવાદી કહે છે : “ગુણોને લઈને જ આ જગત ચાલે છે. માણસનું જીવન પણ આવું જ ગુણપ્રેરિત છે. ગુણોનો જેમ જેમ વિકાસ થાય છે તેમ તેમ સમાજનું ઘડતર સહેજે બદલાતું જાય છે. માટે સજ્જનોએ પોતાનું બધું લક્ષ ગુણવિકાસ પર કેન્દ્રિત કરવું જોઈએ. સમાજરચનાના ફંદામાં પડવું તે નકામો અહંકારનો વળગાડ છે. ” जगद् व्यापरवर्जम्” – જગતના (ઉત્પત્તિ વગેરેના) વ્યાપારના અપવાદ છોડીને – આ ભક્તોની મર્યાદા છે.
અહિંસા, સત્ય, સંયમ, સંતોષ, સહકાર વગેરે યમનિયમોની નિષ્ઠા દૃઢ કરવી, આ ગુણો પોતાના રોજના વ્યવહારમાં ઉત્તરોત્તર પ્રગટ થાય તે માટે પ્રયત્ન કરવો, એટલું જ આપણું કામ છે. આટલું કરીએ તો બાકીનું બધું આપોઆપ થશે. બાળકને ‘દૂધ પીવડાવ’ એમ માતાને કહેવું પડતું નથી. દુ:ખ પડે એટલે રડવું એ નાના બાળકને શીખવવું પડતું નથી. વાત્સલ્ય હશે તો દૂધ આપોઆપ પીવડાવાશે. દુ:ખ હશે તો સહેજે રડાશે.
આ એક નિષ્ઠા છે. તે બધા સંતોના હૃદયમાં સહજસ્ફુર્તિથી રહે છે. ગીતામાં દૈવી સંપત્તિના ગુણ અને જ્ઞાનનાં લક્ષણની જે યાદી આપી છે તેના એક એક ગુણ અને લક્ષણ પર જ્ઞાનદેવે જે રસાળ વિવેચન કર્યું છે તેના મૂળમાં આ જ નિષ્ઠા છે.
તેથી બિલકુલ ઊલટું કૉમ્યુનિસ્ટોનું તત્ત્વજ્ઞાન છે. તેઓ કહે છે : “જેને તમે ગુણવિકાસ કહો છો તે થાય છે. જોકે ચિત્તમાં પણ તે ચિત્તે કરેલો હોતો નથી, પણ પરિસ્થિતિએ કર્યો હોય છે. ચિત્ત જાતે જ પરિસ્થિતિ પ્રમાણે બનેલું હોય છે. ‘भैतिकम् चित्तम्’ (ચિત્ત ભૌતિક પદાર્થ છે).
નાના બાળકને દાઢીમૂછ રાખનાર બાવાની બીક લાગે છે, તેનું કારણ તેની માતાને દાઢીમૂછ નથી હોતાં, તે સિવાય બીજું શું છે ? જો તેની માને દાઢીમૂછ હોત તો બડમૂછાનો વેશ જોઈને બાળક ગભરાત. દુ:ખ થાય તો સહેજે રડવું આવે છે એમ કહો છો, પણ સોય ભોંકીએ તો દુ:ખ પણ સહેજે થાય. ચિત્ત કંઈ સ્વતંત્ર પદાર્થ છે શું ? સાચું પૂછતાં તે સૃષ્ટિનું એક પ્રતિબિંબમાત્ર છે, છાયારૂપ જ છે. છાયાના નિયમનથી વસ્તુનું નિયમન થાય કે વસ્તુના નિયમનથી છાયાનું થાય ? રાત્રે ગાઢ નિદ્રા આવે તો ચિત્ત પ્રસન્ન થાય છે અને સત્ત્વગુણ પ્રગટે છે. ત્યારબાદ થોડા વખત પછી ભૂખ લાગે છે, એટલે રજોગુણ જોર કરે છે, અને જમ્યા કે તરત તમોગુણ વધે છે. તો પછી ગુણોનો શા માટે મહિમા ગાઓ છો ?
યોગ્ય પરિસ્થિતિ નિર્માણ કરી દો એટલે યોગ્ય ગુણોનો ઉદય થશે જ. માટે પરિસ્થિતિ બદલો. ને તે પણ જલદીમાં જલદી અને ગમે તે રીતે બદલેા. મનોવૃત્તિની જાળ ગૂંથતા ન બેસો. મનુષ્યનું મન જે છે તે છે. તે કોઈ રીતે પશુનું મન થવાનું નથી, અને કલ્પનાના દેવો જેવુંયે બનાવી શકાતું નથી. તે પોતાની મર્યાદામાં જ રહે છે. પરિસ્થિતિ સુધરે તો થોડુંઘણું સુધરશે અને બગડે તો થોડુંઘણું બગડશે. તેની ચિંતા ન કરો. સમાજરચનાને બદલવા હિંસા કરવી પડે માટે ‘સદ્ગુણ મરી ગયો રે !’ કહીને રડવા ન બેસો. ખરાબ રચનાનો નાશ થયો એટલું જ સમજો. તે માટે કરવી પડેલી હિંસા સામાન્ય હિંસા ન ગણાય. તે તો એક ઊંચી કક્ષાની હિંસા કહેવાય. તેવી હિંસાને એક સદ્ગુણ જ સમજવો જોઈએ. આ સમજશો તો તમારો યોગ્ય ગુણવિકાસ થશે.”
આ થયા બે છેડા. આ બેની વચ્ચે બીજા બધાને બેસવાનું છે. દરેક પોતપોતાની સગવડ પ્રમાણેની જગ્યા જોઈને બેસે છે. કોઈ કહે છે: “સમાજરચના બદલવાનીયે જરૂર છે એની ના નથી, પણ ખાસ ગુણોના વિકાસ સાથે જ તે થવું જોઈએ. સમાજમાં કેટલાંક સ્થિર મૂલ્યો હોય છે, તે ગુમાવીને અમુક એક સમાજરચના સિદ્ધ કરવાની ઉતાવળ કરવામાં लाहे कारण मूल गँवायो – વ્યાજના લોભમાં મૂળ રકમ ખોવા જેવું થાય. સમાજરચના એ કંઈ શાશ્ર્વત વસ્તુ નથી. દેશકાળ પ્રમાણે તે બદલાશે અને બદલાવી જોઈએ. કાયમ માટે એક સમાજરચના કરી લઈએ અને પછી નિરાંતે ઊંઘીએ એમ થઈ શકવાનું નથી. સમાજરચનાને દેવી કરીને બેસાડવામાં કંઈ જ સાર નથી. વળી, સમાજરચના કરશે પણ કોણ ? મનુષ્ય જ ને ? તો જેવા મનુષ્યો હશે તેવી જ તે બનશે.
સૌજન્યની મર્યાદા સંભાળીને, એટલું જ નહીં બલ્કે ઉત્તમ સૌજન્ય રાખીને, સૌજન્ય વધારીને સૌજન્યના બળથી જ સમાજરચનામાં પલટો લાવવો જોઈએ. આવો પલટો ધીરે ધીરે થાય તોપણ તેની ચિંતા કરવાની જરૂર નથી. ધીરે ધીરે ચાવીને ખાધેલું પચે છે પણ સારું. અને છેવટે એ ધીરી ગતિ જ જલદીમાં જલદી કાર્યસાધક નીવડશે. સૌજન્ય વધારવાની વાતો આપણે કહીએ તેનો અર્થ એ નથી કે આપણે દેવ બનવા માગીએ છીએ. તે અહંકાર આપણને ન જોઈએ. આપણે માનવ જ હોવાથી, સૌજન્યનો ગમે તેટલો વિકાસ કરીશું તોયે આપણને દેવ બની જવાની ધાસ્તી જ નથી. માટે જેટલો વધારેમાં વધારે ગુણોનો ઉત્કર્ષ સધાય તેટલો આપણે બેધડક સાધી લેવો.
સમાજરચના સારી હોય તો સદ્ગુણોનો વધારો થવામાં મદદ મળે એ વાત ખોટી નથી, પણ સદ્ગુણોની યોગ્ય વૃદ્ધિ થાય તો જ સમાજરચના પણ સારી થાય એ તેથીયે વધારે મૂળભૂત વસ્તુ છે. સદ્ગુણનિષ્ઠા એ પાયો છે. સમાજરચના ઇમારત છે. પાયાને ઉખાડીને ઇમારત શી રીતે મજબૂત બનાવી શકાશે ?”
ત્યારે બીજા કહે છે : “સમાજરચના બદલવાનું કામ શાશ્ર્વત મૂલ્યો સંભાળીને જ કરવું જોઈએ. સદ્ગુણનિષ્ઠા નીચી પડવા ન દેવી જોઈએ એ અમને પણ કબૂલ છે, પણ નૈમિત્તિક કર્મ માટે નિત્યકર્મ છોડવાં પડે છે, તે પણ ભૂલશો નહીં. તમે પ્રાર્થનાને નિત્યકર્મ સમજો છો. પણ તમારી પ્રાર્થના વખતે ક્યાંક આગ લાગે તો પ્રાર્થના છોડીને આગ હોલવવા જશો કે નહીં ? આગ હોલવ્યા પછી નિરાંતે પ્રાર્થના કરશો. આ નિત્ય-નૈમિત્તિક-વિવેક કહેવાય. આવો જ વિવેક બધે કરવો પડે છે. ક્રાંતિ માટે હિંસાનાં સાધન વાપરવાં જ જોઈએ, હિંસા સિવાય ક્રાંતિ થઈ શકતી જ નથી, એમ કૉમ્યુનિષ્ટોની જેમ અમે માનતા નથી. હિંદુસ્તાન જેવા દેશમાં અને લોકશાહી રાજ્યમાં હિંસક સાધનનો ઉપયોગ કર્યા વિના માત્ર મતદાનના બળ પર રાજ્યક્રાંતિ કરી શકાશે એવો અમને વિશ્ર્વાસ છે. તે માટે લોકમત તૈયાર કરવામાં પાંચ પચીસ વર્ષ લાગે તોપણ અમને હરકત નથી.
અમે ધીરજથી લોકમત તૈયાર કરતા રહેશું. પણ ધારો કે સત્તાધારી પક્ષ ચૂંટણીની પવિત્રતા રાખે નહીં, અને સત્તાનો દુરુપયોગ કરી ચૂંટણીઓ લડે તો એવે પ્રસંગે સાધનશુદ્ધિનો આગ્રહ રાખવો એટલે સદા માર ખાતા રહેવું એવો અર્થ થાય. માટે લાચારીથી ખાસ પ્રસંગે તેટલા પૂરતો બીજાં સાધનોનો ઉપયોગ કરવામાં અમને દોષ દેખાતો નથી, અમને તે નૈમિત્તિક ધર્મ લાગે છે. જોઈએ તો તમે તેને આપદ્ધર્મ કહો, પણ અધર્મ ન કહેશો એ જ અમારી તમને વિનંતિ છે. તેટલાથી શાશ્ર્વત મૂલ્યો ખોવાવાને કારણ નથી. કારણસર સ્ક્રૂ ઢીલો કરવો પડ્યો હોય તો તે પછી પાછો મજબૂત કસી શકાય.
સત્તાની ફેરબદલી થતાં શાશ્વત મૂલ્યોને એથી પણ વધારે પાકાં કરી લઈશું. હલાવી હલાવીને ખૂંટો મજબૂત કરવો એમ કહે છે તે જ પ્રમાણે આ સમજો. અહિંસાના લાભ માટે જ આ કામચલાઉ હિંસાનો આશ્રય છે. નહીં તો અહિંસા જ આપણાથી દૂર જશે. ઝાડ જલદી વધે એટલા માટે તેની કાપકૂપ કરીએ છીએ કે નહીં ? ઝાડનાં મૂળ પર ઘા કરવો એ એક વાત છે અને શાખાઓની કાટછાંટ કરવી એ બીજી વાત છે.
પૂંજીવાદ, સામ્રાજ્યવાદ, જાતિ-વંશવાદ – આ બધા વાદો અહિંસાના મૂળ પર જ પ્રહાર કરે છે. કૉમ્યુનિસ્ટોની ભારોભાર હિંસાની રીતને લઈને તેમનો પ્રહાર પણ અહિંસાની જડ પર જ પડે છે. જોકે તેમનો તેવો ઉદ્દેશ નથી હોતો પણ તેનું પરિણામ તે જ આવે છે. માટે અમે તેવી રીતોને સંમતિ આપી શકતા નથી. પણ વિશિષ્ટ ગુણોમાં નિષ્ઠાને નામે આખા સમાજની પ્રગતિ રોકી રાખવી અને ગરીબોની સતામણી લાંબો સમય ચાલવા દેવી તેમાં અમને ગુણનિષ્ઠાનો અતિરેક થતો લાગે છે.
ઉપરાંત, પરરાજ્યનો હુમલો રોકવા માટે અને આંતરિક હુલ્લડ-બળવા શમાવવા માટે શસ્ત્રબળનો પ્રયોગ કરવો પડે તો અમારું એ કહેવું છે કે તેની ગણના હિંસામાં ન કરતાં તેને દંડધર્મ કહેવો જોઈએ. આટલો અપવાદ છોડી બાકી બધા પ્રસંગોમાં અહિંસાનાં સાધનોનો આગ્રહ રાખવો બહુ જ જરૂરી છે, એમ અમે માનીએ છીએ.”
સંતોની અને કૉમ્યુનિસ્ટોની ભૂમિકાઓ એ બે નૈષ્ઠિક ભૂમિકાઓ છે. તે બે વચ્ચેની આ બે ભૂમિકાઓને આપણે નૈતિક ભૂમિકા કહીશું. આમાંથી પહેલી નૈતિક ભૂમિકાનું આપણા દેશમાં ગૌતમ બુદ્ધ અને ગાંધીજીએ પ્રભાવશાળી રીતે પ્રતિપાદન કર્યું. બીજા પણ કેટલાક ધર્મસંસ્થાપકોએ તેનો આશ્રય બનાવી લીધો છે.
થોડાંક જ સ્મૃતિવચનોએ તેને માન્યતા આપી છે. બીજી નૈતિક ભૂમિકાનું પ્રતિપાદન અનેક સ્મૃતિકારોએ કર્યું છે. આજના સમયમાં હિંદુસ્તાનમાં ઘણાખરા કૉંગ્રેસવાળા કે કૉંગ્રેસના ઉપપક્ષોવાળા, અને રાષ્ટ્રીયતાનું અભિમાન રાખનારા લગભગ બધા સમાજવાદી આ ભૂમિકા પર જ રહેલા દેખાય છે. ગાંધીવાદી કહેવડાવનારા પણ ઘણાખરા ફરી ફરીને છેવટે આ ભૂમિકાની નજીક જ રહે છે.
આ વિશ્ર્લેષણ પ્રમાણે કિશોરલાલભાઈના આ પુસ્તકમાં ગાંધીજીની સત્યાગ્રહી નૈતિક ભૂમિકા અને કૉમ્યુનિસ્ટોની રચનાગ્રહી ક્રાંતિનિષ્ઠાની વચ્ચે તુલના કરવામાં આવી છે એવો અર્થ થાય છે.
માકર્સ અને ગાંધી
મહાત્મા ગાંધી અને માકર્સ મહામુનિ – બંનેના વિચારોની તુલના કરવા કરતાં વધારે આકર્ષક વિષય આજના સમયમાં બીજો કયો હોઈ શકે ? પાછલાં સો-દોઢસો વર્ષનું મનુષ્યસમાજનું જીવન ચાળી નાખીએ તો ઘણું કરીને છેવટે આ બે જ નામો હાથમાં રહી જશે. માકર્સના ઉદરમાં લેનિન સમાઈ જાય છે. ગાંધીજીની પાછળ ટૉલ્સ્ટૉયની છાયા ગૃહીત છે જ.
આ બે વિચારપ્રવાહો એકબીજાને ગળી જવા માટે સામસામા ઊભા છે. આજે ઉપરથી તો સંસારના આંગણામાં રશિયાની આગેવાની નીચે સામ્યવાદ અને અમેરિકાની આગેવાની નીચે લોકશાહીના ઢાંકણ તળે છુપાયેલો પૂંજીવાદ પરસ્પર ભુજદંડ ઠોકતા ઊભેલા દેખાય છે. પરંતુ તપાસીને જોતાં આ બીજા નકલી દળમાં સત્ત્વ રહ્યું નથી. આથી લશ્કરી તાકાતના બળ પર તે ગમે તેટલી શેખી કરે, તો પણ કૉમ્યુનિષ્ટ પક્ષની હરીફાઈમાં તેનું અસ્તિત્વ રહ્યું જ નથી એમ જ હું તો સમજું છું. ઊલટું, ગાંધીવિચાર સંગઠિત રૂપે જોકે આજે ક્યાંય વ્યવસ્થિત થયેલો દેખાતો નથી છતાં તેમાં વિચારનું સત્ત્વ હોવાને કારણે કૉમ્યુનિઝમને તેનો જ સામનો કરવો પડશે.
આવાં આ બે બળવાન દર્શનોની તુલના કિશોરલાલભાઈએ આ નાનકડી લેખમાળામાં કરી છે. વિષય અદ્યતન રસથી એટલો ભરેલો છે કે કિશોરલાલભાઈની વિશિષ્ટ પ્રકારની “નિરસવિશદ” વિવેચનશૈલી છતાં વાચકોથી એ પુસ્તક સંપૂર્ણ વાંચ્યા સિવાય રહી શકાશે નહીં. કિશોરલાલભાઈએ ગાંધી-વિચાર-દોહન પહેલાં જ કરી રાખેલું હોવાથી ગાંધી-વિચારનું આ પુસ્તકમાં તેમણે કરેલું વિશ્ર્લેષણ અધિકૃત મનાશે. માકર્સવાદનું તેમનું વિશ્ર્લેષણ એટલું અધિકૃત ન માનવામાં આવે તોપણ તે વાદને અન્યાય ન થાય, એટલી કાળજી તેમાં રાખેલી છે, એમ મને લાગે છે.
જગતની વાત છોડી દઈએ તોયે ઓછામાં ઓછું હિંદુસ્તાનમાં આજે ગાંધી-વિચાર અને સામ્યવાદની તુલના એક રોજની ચર્ચાનો વિષય બનેલો છે. દરેક જણ પોતપોતાની રીતે બંનેની તુલનાત્મક કિંમત જ આંક્યા કરે છે. ગાંધી-વિચારની ચારે તરફ આધ્યાત્મિક તેજપુંજ દેખાય છે. સામ્યવાદની પાછળ શાસ્ત્રીય પરિભાષાનું મોટું પીઠબળ દેખાય છે. ગાંધી-વિચારે ભારતની સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનું શ્રેય મેળવીને અવહેવારુપણાના આક્ષેપમાંથી છુટકારો મેળવી લીધો છે. સામ્યવાદે ચીન જેવા પુરાણપુરુષને તારુણ્ય આપી તાત્કાલિક શક્તિ દેખાડી આપી છે.
આથી બની શકે એમ હોય તો બંને વિચારોનો મેળ કરવો એવી લાલસા કેટલાક પ્રચારકોના મનમાં ઊઠ્યા કરે છે. પછી ‘ગાંધીવાદ એટલે હિંસાવર્જિત સામ્યવાદ’ એવાં કેટલાંક સ્થૂળ લેખાં રચવામાં આવે છે. વસ્તુત: આ બે વિચારોનો મેળ બેસી શકતો નથી. તેમનો વિરોધ છેક મૂળમાંથી છે. આ બંને એકબીજાના પ્રાણ હરવા ખડા છે, એ વાત આ પુસ્તક ‘ગાંધી અને સામ્યવાદ’માં આરસા જેવી સ્પષ્ટ થઈ છે.
એક વખત “ગાંધીવાદ અને સામ્યવાદમાં ફક્ત અહિંસાનો જ ફરક છે” એવી ચર્ચા ચાલી રહી હતી. મેં કહ્યું : “બે મનુષ્યો નાક, કાન, આંખની દૃષ્ટિએ બિલકુલ એક સરખા હતા. એટલા મળતા કે રાજકપટના કામમાં એકની જગ્યાએ બીજાને બેસાડી શકાય. ફરક એટલો જ હતો કે એકના નાકમાંથી શ્ર્વાસ ચાલી રહ્યો હતો, જ્યારે બીજાનો બંધ પડી ગયો હતો. પરિણામ એ આવ્યું કે એને માટે ભોજનની તૈયારી ચાલતી હતી, ત્યારે બીજાને માટે નનામી બાંધવાની.” અહિંસાનું હોવું, ન હોવું – આવો એક ‘નાનકડો’ ફરક બાદ કરતાં બચેલી સમાનતા આ પ્રકારની છે.
કિશોરલાલભાઈએ તો નાક, કાન, આંખમાં પણ ફરક દેખાડી આપ્યો છે. ભલે ઉપરઉપરથી તે ગમે તેટલાં સમાન દેખાતાં હોય પણ જેનો શ્ર્વાસ ચાલી રહ્યો છે અને જેનો નથી ચાલી રહ્યો તેનાં નાક, કાન અને આંખોમાં પણ ફરક પડ્યા સિવાય કેવી રીતે રહે ?
સામ્યવાદ એ એક દેખીતી રીતે આસક્તિનો (રાગદ્વેષાત્મક) વિચાર હોવાથી તેના તાત્ત્વિક પરીક્ષણની મને કોઈ દિવસ જરૂર લાગી નહીં. જોકે એ લોકોએ તેની ચારે બાજુ એક લાંબીપહોળી તત્ત્વજ્ઞાનની ઇમારત ઊભી કરી દીધી છે, છતાં તત્ત્વજ્ઞાન તરીકે એમાં કશો સાર નથી. કારણ કે તેમાં ‘ઉભારણી’ (ઊભું કરવાપણું) નથી પણ ‘ભારણી’ (ટીપીને બેસાડી દેવાપણું) છે. એ કમળાવાળાની દૃષ્ટિ છે. દા.ત. ‘સંઘર્ષ’ નામના એક પરમતત્ત્વને આ લોકો માને છે. સર્વત્ર સંઘર્ષ સિવાય આ દુનિયામાં બીજું કંઈ છે જ નહીં. ” नान्यत् अस्ति” એ એ વાદીઓનું બિરુદ હોય છે. જેમ પેલો પરમાણુવાદી કણાદ મરણ સમયે, ” पिलव, पिलव, पिलव: ” (પરમાણુ, પરમાણુ, પરમાણુ)નો જાપ કરતાં મર્યો, તે જ પ્રમાણે આ સંઘર્ષવાદીઓનું છે. નાના બાળકને માતાના સ્તનમાંથી દૂધ મળે છે; આ ચમત્કાર કેવી રીતે થયો ? તેમની દૃષ્ટિએ તો એ એક મહાન સંઘર્ષ જ હોય છે – માતાના સ્તનનો અને બાળકના મોઢાનો !
હું તો આ દૃષ્ટાંત વિનોદમાં આપું છું, પણ તે લોકો તો આને ગંભીરતાથી સ્વીકારી લેશે. સારાંશ કે આપણે જેને સહકાર સમજીએ છીએ તે પણ જો સંઘર્ષ જ છે, તો પછી પ્રતીકાર કેટલો મોટો સંઘર્ષ હશે ? ડૉ. રઘુવીરની ભાષામાં કહીએ તો એ એક ‘પ્રસંઘર્ષ’ જ હશે. આવા એકાંતિક વિચારથી ભારેલા લોકો સાથે વાદ શો કરવો ? તેમનું કુતૂહલ જ કરી શકાય. એમાં તત્ત્વજ્ઞાનને અનુસરી આચારમાર્ગની રચના કરવાની નથી, પણ નક્કી કરેલા આચાર પ્રમાણે તત્ત્વજ્ઞાન રચવાનું છે.
સૃષ્ટિનું મન થયું છે કે મનની સૃષ્ટિ થઈ છે, આવો વાદ પણ આ લોકો કર્યા કરે છે. સૃષ્ટિનું મન થયું છે – એ વિષયમાં ભ્રાન્ત મનુષ્ય સિવાય બીજા કોઈને સંદેહ નથી. જો મનની જ સૃષ્ટિ બની હોત, તો સૃષ્ટિકર્તા ઈશ્ર્વરની કોને જરૂર પડત ? પરંતુ સૃષ્ટિનું મન ભલે બન્યું હોય, છતાં સૃષ્ટિ અને મન બંનેથી અલગ આત્મા સિલકમાં રહી જાય છે. પણ તેનું તો અહીં ઠેકાણું જ નથી; અને કોઈ ઠેકાણું બતાવી દે, તો તે તુરત જ તેનો ઇન્કાર કરશે. શંકરાચાર્ય એવા મનુષ્યને કહે છે : ‘ભાઈ રે, તારી જોડે મારે વાદ જ નથી. કારણ કે આત્માનો અસ્વીકાર કરનાર જે તું છે, તે તું પોતે જ આત્મા છે.
જો તું તેનો સ્વીકાર કરીશ તો તારા સ્વીકારથી તે સિદ્ધ થશે. તું તેનો અસ્વીકાર કરીશ તો તારા અસ્વીકાર કરવાથીયે તે જ સિદ્ધ થશે.’ “હું જાગું છું” કહેનારની જાગૃતિ જેટલી સહજ રીતે સાબિત થાય છે તેટલી જ “હું ઊંઘું છું” કહેનારની પણ સાબિત થાય છે. સૃષ્ટિ અને મન એ બંનેને આકાર આપનાર આ ત્રીજા આત્માનો વિચાર ન કરતાં સમાજરચનાના ચક્કરમાં પડવાને લીધે સદ્ગુણોનું સ્વતંત્ર મહત્ત્વ જ રહેતું નથી. જેને આપણે આધ્યાત્મિક સદ્ગુણ કહીએ છીએ તે એ લોકોની દૃષ્ટિએ ફક્ત અર્થશાસ્ત્ર (ભૌતિક પરિસ્થિતિ)ની ઊપજ છે.
આત્મશૂન્ય વિચારમાં વ્યક્તિસ્વાતંત્ર્યનો સવાલ જ ઊભો થતો નથી. હજામતમાં કેટલા વાળ કપાયા તેની ગણતરી કોણ અને શું કામ કરવા બેસે ? તેમ વ્યક્તિઓ આવે છે અને જાય છે, સમાજ નિત્ય ચાલે છે. માટે સમાજનું અસ્તિત્વ છે, વ્યક્તિ શૂન્ય છે, એટલું જ સમજી લેવાનું છે.
સગરપુત્રે જે રીતે ગંગાના મૂળ પ્રવાહ (ગંગોત્રી)ની શોધ કરી, તેમ આ તત્ત્વવેત્તાઓએ સંપૂર્ણ માનવ ઇતિહાસનો મૂળ પ્રવાહ શોધી કાઢ્યો છે. નિર્ણય એ આપ્યો છે કે જેવી રીતે બાણ છૂટી ગયા પછી તેની દિશા બદલી શકાતી નથી, ચોક્કસ દિશામાં જવાનું તેના નસીબમાં લખાયેલું જ છે તેવી જ રીતની આપણી સ્થિતિ છે. પૂર્વ ઇતિહાસના પ્રવાહે આપણા કાર્યની દિશા નક્કી કરી નાખેલી છે. આપણે માટે ક્રિયા-સ્વાતંત્ર્ય રહ્યું નથી. પહેલાં લોહીની નદીઓ વહેશે, ત્યાર પછી દૂધ અને મધની નદીઓ વહેશે, અને છેવટે બધાંની તરસ છિપાવનાર શીતળ જળની નદીઓ દરેકના ઘર આગળથી વહેશે. આમ બધું પહેલેથી નક્કી થઈ ચૂકેલું છે.
યુક્લિડની ભૂમિતિની માફક ક્રાંતિનું એક સુવ્યવસ્થિત શાસ્ત્ર ઇતિહાસની સંપૂર્ણ તપાસ અને શોધખોળથી તેમને પ્રાપ્ત થયું છે. પહેલાં ક્રાંતિ કયાં ક્યાં થશે તેનું ભવિષ્યકથન પણ માકર્સે કરી રાખ્યું છે. જોકે તે સાચું નથી પડ્યું, પણ તે તો જ્યોતિષના ભવિષ્યકથનમાં થાય તેવી થોડી નજરચૂક જ થઈ છે. તેટલાથી ફલજ્યોતિષનું શાસ્ત્ર નિષ્ફળ ગણાતું નથી. યમરાજનું નોતરું જેમ ટાળી શકાય નહીં, તે પ્રમાણે ક્રાંતિનું ભવિષ્ય ટાળી શકાવાનું નથી. આમ હોવાથી તેમાં ભાગ લેવો, સાથ દેવો, એટલું જ આપણા હાથમાં છે. અને માત્ર એટલું જ આપણે કરવાનું છે.
આવી આ આત્યંતિક નિષ્ઠામાં ગાંધી-વિચાર બેસી શકતો નથી, આ જણાવી દેવાની જરૂર લાગવાથી કિશોરલાલભાઈએ આ નાનકડો પ્રયત્ન કર્યો છે.
નવજીવન પ્રકાશન – વિનોબા