ગુજરાતમાં રક્તપિત્તના ઘણા દર્દીઓ છે. ચામડીના આ રોગ માટે કામ કરનારા બહુ ઓછા છે. આ રોગના દર્દીઓને કલંકિત કરવામાં આવ્યા છે. પૂર્વજન્મના પાપને કારણે આવો રોગ થાય એવી ખોટી વ્યાપક માન્યતા છે.
ભારતમાં 1982માં રક્તપિત્તના ચાલીસ લાખ દર્દીઓ હતા. હવે 2017ના આંકડા પ્રમાણે તે માત્ર 85 હજાર છે. તેમ છતાં ભારતમાં આ રોગના સૌથી વધુ દર્દીઓ મનાય છે. ગુજરાતમાં તે આઠેક હજાર જેટલા છે. આપણે જાણીએ છીએ તેમ સિંધરોટ (વડોદરા), રાજેન્દ્રનગર (સાબરકાંઠા) બે જગ્યાએ આ દર્દીઓ માટેનો સેવાયજ્ઞ દાયકાઓથી ચાલે છે. એવું જ મહત્ત્વનું કામ જામનગર ખાતે ડૉ. કે.એમ.આચાર્યનું છે. જેમના વિશે સૌરાષ્ટ્રના દૈનિક ‘ફૂલછાબ’ના તંત્રી કૌશિક મહેતાએ આ પુસ્તક લખ્યું છે. રક્તપિત્ત માટે જીવન ખર્ચી નાખનાર ફાધર ડેમિયનનું જીવન-ચરિત્ર આ ડૉક્ટરે વાંચ્યું ત્યારથી તેમણે સ્કીન ફેકલ્ટી પસંદ કરી અને રક્તપિત્તના દર્દીઓની સેવા કરવાનું બીડું ઉઠાવ્યું. ગાંધીજીનું કાર્ય પણ આ ક્ષેત્રે નોંધાયેલું છે.
સને 1881-82ની સાલમાં રામચંદ્રજીના પરમ ભક્ત બિલેશ્ર્વરના કથાકાર લાધા મહારાજને રકત-પિત્ત થયેલો. ગાંધીજીએ તેમની પાસે રામાયણ સાંભળેલું. દક્ષિણ આફ્રિકામાં પણ ગાંધીએ આ દર્દીઓની સેવા કરેલી. સંસ્કૃતના પ્રખર વિદ્વાન શ્રી પરચુરે શાસ્ત્રીજીને રક્તપિત્ત લાગુ પડ્યો ત્યારે ગાંધીજી વર્ધા આશ્રમમાં હતા. પોતાના નિવાસની બાજુમાં કુટિર બાંધીને શાસ્ત્રીજીને ત્યાં રાખીને તેમની નિયમિત સેવાચાકરી કરતા. એક વખત તો કોંગ્રેસની બેઠક છોડીને ગાંધી શાસ્ત્રીજીની સેવા કરવા ઊઠ્યા. નહેરુએ કટાક્ષમાં પૂછ્યું કે સ્વરાજ કરતાં પણ શું આ કામ વધુ મહત્ત્વનું છે ? તો ગાંધીએ હા પાડેલી. ગાંધીએ એવું લખ્યું છે કે જો મને પુનર્જન્મ મળવાનો જ હોય તો હું કુષ્ઠરોગીઓની જમાતમાં જન્મવાનું પસંદ કરું. જેથી તેમની વેદનાનો સાક્ષાત્ અનુભવ કરી શકું. પુસ્તકનો પ્રવેશક ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ લખ્યો છે, જેમણે ડૉ. આચાર્યને ‘આાશાનું કિરણ’ માન્યા છે.
ડૉક્ટર મૂળે સૌરાષ્ટ્રના સાવરકુંડલાના ગરીબ પરિવારમાંથી. નાનપણથી તેમને ગાંધીવાદી સંસ્કાર પ્રાપ્ત થયેલા. જન્મે બ્રાહ્મણ પણ અસ્પૃશ્યતામાં માને નહિ. 1966માં મેટ્રિકમાં આખા સૌરાષ્ટ્રમાં પહેલા નંબરે આવેલા. આચાર્ય પરિવારનો પહેલો દીકરો એમ.પી.શાહ કૉલેજમાં દાખલ થયો. મેડિકલમાં હોવા છતાં લેંઘો-શર્ટ પહેરતા. પ્રોફેસરે રોકીને તેમને પૂછેલું : આ શું પહેયુર્ં છે ? તું મેડિકલ સ્ટુડન્ટ છે કે મજૂર ? આવા અવરોધો વચ્ચે ઊંચી ટકાવારી મેળવતા રહ્યા. અત્મવિશ્ર્વાસ જાળવી રાખ્યો. તેમણે વાંચેલું કે એક જમાનામાં કુષ્ઠરોગના દર્દીઓને જીવતા સળગાવી દેવામાં આવતા અથવા દરિયામાં નાખી દેવામાં આવતા અથવા મોલોકોઈ ટાપુ પર ધકેલી દેવામાં આવતા ! બેલ્જિયમના ફાધર ડેમિયન આ લોકોની સેવા કરતાં ચેપનો ભોગ બનેલા પણ સેવા ન છોડેલી, 48મા વર્ષે મૃત્યુ પામેલા. ડૉ. કિરીટ આચાર્ય પર એની જબરદસ્ત અસર રહેલી.
ત્યારે અમદાવાદમાં ગીતામંદિર પાસે લેપ્રસી હોસ્પિટલ હતી. ત્યાં જઈને પતિયાઓના ઘા ધોવા લાગ્યા. એક વાર ડીપ્રેશન આવી ગયેલું, ફેકલ્ટી બદલવાનો વિચાર પણ આવેલો. ત્યારે પિતાએ કહેલું, આ તો ભગવાનનું કામ છે. ડ્રેસીંગ કરતી વેળા એમ સમજજે કે શિવલિંગને ચંદન લગાવું છું. છોડતો નહિ.
1977માં એમ.ડી. થયા, ઈરવીન હોસ્પિટલમાં નીમાયા. ત્યાં જેવી તેમણે આ દર્દીઆનેે દાખલ કરવાની વાત કરી તો નર્સીંગ યુનિયન વિરોધમાં ઊભું થઈ ગયું. ડૉક્ટર જાતે વ્હીલચેર લઈ જતા, સુપરિન્ટેન્ડન્ટે નોટિસ આપી કે આ જનરલ હોસ્પિટલ છે એમાં રક્તપિત્તના દર્દીઓને દાખલ ન કરી શકાય. ગાંધીગીરીથી તેના ઉકેલો લાવ્યા. આસપાસનાં ગામોમાં ચર્મરોગ નિદાન કેમ્પો શરૂ કર્યા. એમાંથી આ દર્દીઓને શોધીને લઈ આવતા.
સહકારી બેંકો દ્વારા સાજા થયેલા દર્દીઓને રોજગારીનાં મફત સાધનો અપાવવાનું ગોઠવ્યું. આણદાબાવા સેવા સંસ્થા દ્વારા આ રોગથી મુક્ત થયેલી દીકરીઓનાં લગ્નો કરાવ્યાં. કાયમ સફેદ કપડાં જ પહેરતા. પિતાએ કહેલું કે સફેદ કપડાંની લાજ રાખજે ! વિદ્યાર્થીઓ કહેતા કે દર્દીની ગમે તે પથીથી સારવાર કરો પણ સિમ્પથી ગુમાવતા નહિ. દર્દીઓ પ્રત્યે સૂગ સેવતા નહિ. નેશનલ સેમિનારોમાં આ રોગની વાત કરતાં ગાંધીની વાતથી સમાપન કરતા. એમના કેટલાક વિદ્યાર્થીઓ પણ સેવાભાવી નીકળ્યા. એમાં ડૉ. તિમિર મહેતા, ડૉ. નીલાબહેન ભૂપતાણી અને ડૉ. કાનન શાહ પણ ગુરુના માર્ગે ચાલ્યાં.
1995-96માં જૈન મુનિ પન્યાસ વ્રજસેન મહારાજને ચામડીનો રોગ થયો. ડૉ. આચાર્યે તેમને સાજા કર્યા. ત્યારથી આ રોગના દર્દીઓ માટે આ જૈન મુનિએ આખા જૈન સમાજને જોડી દીધો. મોરારિબાપુ પણ જોડાયા. રમેશભાઈ ઓઝા પણ દર્દીઓના પુન:સ્થાપનમાં મદદ કરવા લાગ્યા. કેટલાક વ્યક્તિગત કિસ્સાઓની પણ ચરિત્રકારે નોંધ કરી છે. અધ્યાપનની સાથે સાથે ગાંધી વિશે અને ગાંધીવિચાર વિશે પણ પ્રસાર કરતા રહ્યા. તેમણે રક્તપિત્ત વિશે પરિચય પુસ્તિકા અને પુસ્તક પણ લખ્યું છે. અહીં એક પ્રકરણ તેમની લાંબી મુલાકાતનું પણ છે.
રક્તપિત્તના દર્દીઓની સેવામાં જ જીવન વ્યતિત કરવાની ખેવના છે. 85થી વધુ એવોર્ડ અને સન્માન તેમની સેવાપ્રવૃત્તિને મળી ચૂક્યાં છે. તેમાં મહત્ત્વનાં ગણીએ તો પદ્મશ્રી એવોર્ડ, અશોક ગોંધીયા એવોર્ડ અને આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા ડી.લિટની પદવી મહત્ત્વનાં ગણી શકાય. કેટલાક પત્રો મુકાયા છે જેમાં મધર ટેરેસાનો પત્ર પણ છે. રોગ, તેનો ફેલાવો અને તેના નિદાન વિશેની કેટલીક મહત્ત્વની વિગતો પણ મુકાઈ છે. છેલ્લે થોડા ફોટોગ્રાફસ પણ મૂક્યા છે.
માત્ર 100 પાનાંમાં ગાંધીમાર્ગના મુસાફર અને રક્તપિત્તના દર્દીઓના મસીહાનું આ જીવનચરિત્ર પ્રેરણાદાયી છે. શક્ય હોય તો તબીબી વિદ્યાર્થીઓને વધારાના વાંચન તરીકે તેની ભલામણ થવી જોઈએ, જેથી ભવિષ્યમાં સેવાભાવી તબીબો આપણને મળતા રહે.
6, સ્વાગત સિટિ, મુ.પો.અડાલજ 382421 – ડંકેશ ઓઝા