વિનોબાજીનો ગીતાનો અભ્યાસ અને ગીતા માટેનો પ્રેમ
લેખમાળાના 8મા ભાગને અંતે આપણે નોંધ્યું હતું કે ‘સ્વરાજ્ય શાસ્ત્ર’ અને યુદ્ધ વિરોધી સત્યાગ્રહ દરમ્યાન આપેલાં પ્રવચનો પર નજર નાંખ્યા પછી ‘સ્થિતપ્રજ્ઞ દર્શન’ પુસ્તક અંગે વાત કરીશું.
વર્ષ 1946માં 12 એપ્રિલના રોજ પુસ્તક ‘સ્થિતપ્રજ્ઞ દર્શન’ અંગેના નિવેદનમાં વિનોબાજી લખે છે, “ઓગણીસો ચુમ્માલીશની સાલના શિયાળામાં શીવની જેલમાં એક નાના સરખા મંડળ આગળ સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો પર આપેલાં આ વ્યાખ્યાનો છે. સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોમાં એક સમગ્ર દર્શન ભરેલું છે. તેને ઉકેલી સ્પષ્ટ કરી બતાવવાનો એમાં પ્રયત્ન છે.”
વિશેષમાં વિનોબાજી નોંધે છે, “ત્રીસ વરસના નિદિધ્યાસથી સ્થિર થયેલા અર્થનું અહીં વિવરણ કર્યું છે.”
વિનોબાજીએ ધુલિયા જેલમાં 21 ફેબ્રુઆરીથી 19 જૂન 1932ના ગાળામાં આપેલાં ગીતા પ્રવચનો અંગેની વાત લેખમાળાના 3 ભાગમાં નોંધી હતી. વિનોબાએ નોંધ્યું છે, વર્ષ 1913થી તેમણે ગીતાનું અધ્યયન શરૂ કર્યું હતું. આમ ‘સ્થિતપ્રજ્ઞ દર્શન’ રજૂ કરે છે ત્યાં સુધી ગીતા અંગેના અભ્યાસ ચિંતનના ત્રણ દાયકા ઉપરાંતનો સમય પસાર થયો છે. હિંદુ ધર્મમાં આસ્થા ધરાવનારી મોટાભાગની વ્યક્તિના ઘરે નાનો સરખો ‘ગીતા’નો ગૂટકો જોવા મળે જ. આટલા નાના સરખા પુસ્તક અંગે ‘વિનોબા સાહિત્ય ખંડ’માં 1200-1300 પાનાં ફાળવવામાં આવ્યાં છે. કુલ 20 ખંડોમાં બે સંપૂર્ણ ખંડ અને ત્રીજામાં 310 પાનાં ફાળવ્યાં છે.
વિનોબાને ગીતામાંથી ઊર્જા પ્રાપ્ત થાય છે. તેમણે કહ્યું કે – લોકો મારી ચિંતા કરીને કહે છે, બિચારા બાબા માત્ર 1000 કેલેરી જેટલો જ ખોરાક ખાય છે. પરંતુ લોકોને ખ્યાલ નથી કે, 1000 કેલેરી ઉપરાંત ગીતાના 18 અધ્યાય અને ખુલ્લું આકાશ પણ હું ખાઉં છું. સામાન્ય રીતે એક વ્યક્તિએ 2400 કેલરી જેટલો ખોરાક ખાવો જોઈએ. ગીતા અંગે થોડું ઘણું સમજતો થયો ને મારી મા મને ગીતામાતાના ખોળામાં મૂકીને આ સંસાર છોડીને ચાલી નીકળી. ગીતામાતાના દૂધથી જ મારું પાલનપોષણ થયેલું છે.
વિનોબાજી ગીતાને વિશ્વપાવની – વિશ્વને પાવન કરવાવાળી કહે છે. વિનોબાજી કહે છે, મારા જીવનમાં ગીતાનું જે સ્થાન છે તેનું શબ્દોમાં હું વર્ણન નથી કરી શકતો.
ગાંધીજી કહેતા, ‘My Life is My Message.‘ નારાયણભાઈ દેસાઈએ ગાંધીજીનું જીવનચરિત્ર લખ્યું. નામ આપ્યું, ‘મારું જીવન એ જ મારી વાણી.’ વિનોબાજીએ કહ્યું – “गीता प्रवचन मेरे जीवन की गाथा है और वही मेरा संदेश है ”
વિનોબાજી કહે છે, હું મારા કોઈ મિત્ર કે વ્યક્તિને ઓળખું છું તેના કરતાં વધારે ગીતાને ઓળખું છું, જાણું છું. ગીતાનો પરિચય મને બાળપણથી છે. હું જે કંઈ કરું છું તે ગીતામાતાની સેવા માટે છે.
વિનોબાજી પોતાના સમગ્ર ભૂદાનના કાર્યને પણ ગીતામાતાની સેવા જ ગણે છે.
વિનોબાજી 1932માં ગીતા પ્રવચનો આપે છે. તે સમયમાં 1915માં તિલક મહારાજનું પુસ્તક ગીતા રહસ્ય પ્રગટ થઈ ચૂક્યું હતું. શ્રી અરવિંદનું ‘Essay on Gita’ 1922માં પ્રગટ થઈ ગયું હતું. ગાંધીજીનું અનાસક્તિ યોગ 1929માં લખાઈ ચૂક્યું હતું. વિનોબાજી સામે ગીતાનું શાંકરભાષ્ય પણ હશે અને જ્ઞાનેશ્વરી પણ હશે.
ગીતા પ્રવચન – જ્ઞાનેશ્વરી સિમ્પ્લીફાઈડ
વિનોબાજીએ પોતાનાં ગીતા પ્રવચનો કોઈ એક ભાષ્યને સંપૂર્ણ રીતે સામે રાખીને આપ્યાં નથી. વિનોબાનું વાંચન વિશાળ હતું. પરંતુ પ્રવચનો અને જ્ઞાનેશ્ર્વરી અંગેની નોંધ જોવા જેવી છે. વિનોબા કહે છે, મહારાષ્ટ્રમાં 700 વર્ષ પહેલાં એક દિવ્ય વિભૂતિ થઈ ગઈ. ત્યાર પછી તેમના જેવો કોઈ બીજો મહાપુરુષ જન્મ્યો નથી. આ મહાપુરુષ હતા જ્ઞાનેશ્ર્વર મહારાજ. તેમણે જ્ઞાનેશ્ર્વરી ગ્રંથ લખ્યો. તેમાં તેમણે ગીતા અંગે લખ્યું છે. જે વાત તે પુસ્તકમાં છે તે વાત મારા ગીતા પ્રવચનમાં છે. તેમની ભાષા જૂની છે, જ્યારે મેં વર્તમાન ભાષામાં જ તે વાત મૂકી છે. થોડી સરળ ભાષામાં કહ્યું છે. તે મહાપુરુષના દર્શાવેલા પ્રકાશપથ પર ચાલવા નમ્ર પ્રયત્ન કરી રહ્યો છું.
આજે તો 20-22 ભાષાઓમાં ‘ગીતા-પ્રવચનો’ પુસ્તક પ્રાપ્ત છે. તેની લાખો નકલ લોકોના ઘરે પહોંચી છે. ગીતા હિંદુ ધર્મનો અદ્વિતીય ગ્રંથ છે. પરંતુ પંથોના ભેદભાવથી તે મુક્ત છે. ગીતા અપૂર્વ જીવન-શાસ્ત્ર છે. તેના શબ્દોમાં વ્યાપકતા અને અનાગ્રહ છે. ગીતા બદામની જેમ કોન્સન્ટ્રેટેડ ફૂડ છે. શંકરાચાર્યના મતે તે સર્વશાસ્ત્ર છે. ગીતાને સમજવા વિચારમંથન કરવાની જરૂર છે. ગીતા કહે છે, દુનિયામાં ઉચ્ચ-નીચના ભેદ મિથ્યા છે. માણસની યોગ્યતા તેના ભક્તિભાવથી ઓળખવામાં આવે છે. ભક્તિમાર્ગમાં જાતિભેદ નથી. ગીતા કહે છે, ચિત્તની શુદ્ધિ સાતત્યપૂર્વક કરતા રહેવું જોઈએ. ચિત્તશુદ્ધિ એ ગીતાનો મુખ્ય સંદેશ છે.
વિનોબાજી અને ‘ગીતા રહસ્ય’
લોકમાન્ય તિલક 1908થી 1914 દરમ્યાન બર્માની મંડાલે (Mandalay) જેલમાં રાજદ્રોહના આરોપસર કેદી તરીકે રહ્યા હતા. પાંચ મહિનાના ગાળામાં પેન્સિલથી ગીતા રહસ્ય પુસ્તક લખ્યું. જેલમાંથી બહાર આવ્યા પછી 1915માં ગીતા રહસ્ય પુસ્તક છપાયું.
વિનોબાજી કહે છે, કદાચ 1912માં મારા કાને વાત પહોંચી કે તિલક મહારાજે જેલમાં ગીતા પર પુસ્તક લખ્યું છે. મને થયું કે પુસ્તક જ્યારે પ્રકાશિત થાય ત્યારે વાંચવું રહ્યું. વિનોબાજીની ઉંમર તે વખતે 17 વર્ષની આસપાસ હશે. તિલક મહારાજના પુસ્તકને સમજવા માટે મૂળ ગીતા સમજવી હોય તો સંસ્કૃત પણ શીખવું પડે. આમ વિનોબાજીનો ગીતા અભ્યાસ શરૂ થયો. પછી તો શબ્દોને સારી રીતે સમજવા શબ્દોના મૂળમાં જવા વેદ અધ્યયન સુધી પહોંચ્યા. ગીતા પહેલાંના અને ગીતા પછીના વિચારોનું પણ અધ્યયન કર્યું. ગીતા પર ભારતમાં ઘણા બધાએ ટીકાઓ લખી છે, તેનું વાંચન પણ વિનોબાજીએ કર્યું. શંકરાચાર્યની ટીકા સૌથી જૂની છે.
ગીતા અને અહિંસા
આપણા દેશમાં ગીતામાંથી લોકો અલગ અલગ પ્રેરણા મેળવે છે. શંકરાચાર્યને અદ્વૈતની પ્રેરણા મળે છે. ગાંધીજીને અહિંસાની પ્રેરણા મળે છે અને ગોડસેને ગાંધી હત્યાની પ્રેરણા મળે છે. વિનોબાજી ખૂબ જ તીવ્રતા સાથે કહે છે,
‘ गीता का ठीक आशय समज लेना अत्यंत जरुरी है, अन्यथा हम गलत राह पर जा सकते है, ग्रामदान हो न हो, हमको उसकी परवा नहीं, जितनी गीता के बारे में ग़लतफ़हमी न हो, उसकी है. ‘
ગીતાના બહારના પોષાકને જોઈને એમ લાગે કે તે હિંસાનું સમર્થન કરે છે, તે ભ્રમમાં નાંખે છે. ગીતા નારિયેલ જેવી છે. તેનો બહારનો ભાગ કઠણ છે. તેને તોડતાં અંદરથી મૃદુ માવો નીકળે છે.
વર્તમાન સમયમાં ધર્મના નામે લોકો શસ્ત્રો ઉઠાવીને અજાણ્યા નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારે છે, તે જોઈને શું કહેવું તે સમજાતું નથી.
બીજી બાજુ આનંદની વાત છે કે ગાંધી-વિનોબાને લગતા સાહિત્ય માંથી સૌથી વધુ વેચાણ બે પુસ્તકોનું થાય છે. એક છે, ગાંધીજીની ‘આત્મકથા’ અને બીજું પુસ્તક છે, વિનોબાજીનાં ‘ગીતા પ્રવચનો’. આઠ-નવ દાયકા પહેલાં જેલના કોઈ ખૂણામાં ઉચ્ચારેલા શબ્દોનો ધ્વનિ આજે પણ વાતવણમાં ગૂંજી રહ્યો છે.
લેખમાળાના ત્રીજા ભાગમાં આપણે ગીતા પ્રવચનો અંગે કેટલીક વાતો ટૂંકમાં નોંધી હતી, હવે ‘સ્થિતપ્રજ્ઞ દર્શન’ પુસ્તક પર નજર નાંખવા જઈ રહ્યા છીએ તેથી ગીતા અને વિનોબા અંગેની કેટલીક વાતોનો અહીં ઉલ્લેખ કર્યો.
વિનોબાજીનું ગીતા દર્શન મુખ્યત્વે 0 ગીતા પ્રવચન 0 સ્થિતપ્રજ્ઞ દર્શન 0 ગીતાઈ ચિંતનિકા 0 ગીતાઈ 0 ગીતાઈ શબ્દાર્થ કોશ તેમજ 0 સામ્યસૂત્રમાં સમાયેલું છે. આ સમગ્ર સામગ્રીમાં વિનોબાજી ક્યાંક ભાષ્યકાર છે તો ક્યાંક સૂત્રકાર સ્વરૂપે છે.
બ્રહ્મ વિદ્યામંદિરનાં ઉષાબહેને વિનોબાજીની ગીતા અંગેની સમગ્ર સામગ્રી વિનોબા સાહિત્ય ખંડ નંબર ત્રણ, ચાર અને પાંચમાં એકત્ર કરીને એક કલ્યાણકારી કામ કર્યું છે.
સ્થિતપ્રજ્ઞ દર્શન
આ પુસ્તક વિનોબાજીના ‘ગીતા પ્રવચનો’ જેટલું લોકપ્રિય બન્યું નથી. ગુજરાતીમાં 1954માં નવજીવને 10,000 પ્રત છાપી હતી. યજ્ઞ પ્રકાશને વર્ષ 1974થી વર્ષ 2000 સુધીમાં 7,500 પ્રત છાપી છે.
સ્વતંત્રતા પ્રાપ્તિના આંદોલન સમયે હજારો સત્યાગ્રહી સ્ત્રી-પુરુષો રોજ સાંજની પ્રાર્થનામાં ગીતાના બીજા અધ્યાય – સાંખ્ય યોગમાંના સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો અંગેના 19 શ્ર્લોકો ભક્તિભાવપૂર્વક બોલતા હતા. આશ્રમ ભજનાવલિમાં પણ સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ અંગેના આ 19 શ્ર્લોકો છાપવામાં આવ્યા છે. વિદ્યાલયોમાં આજે પણ પ્રાર્થના દરમ્યાન તે બોલવામાં આવે છે.
વિનોબાજીએ આગળ જણાવ્યા પ્રમાણે 1944માં શીવની જેલ (મધ્યપ્રદેશ)માં સ્થિતપ્રજ્ઞ દર્શન પર પ્રવચનો આપ્યાં હતાં. તે પુસ્તક સ્વરૂપે પ્રગટ થયાં છે. વિષયની કઠિનતા તેમને ખબર હતી માટે તેમણે લખ્યું છે કે પુસ્તક વાંચતાં પહેલી વાર કદાચ ચિત્તમાં ન ઠસે એવો સંભવ છે પણ અનેક વખત વાંચી ચિંતન કર્યા કરવાથી આસ્તે આસ્તે અનુભવથી સમજાઈ જશે. ગીતામાં જેમ અઢાર અધ્યાય છે તેમ વિનોબાજીએ કુલ 18 પ્રવચનો આપ્યાં. 172 પાનાંના આ પુસ્તકના મહત્ત્વના અંશો પર નજર નાંખીશું.
વ્યાખ્યાન પહેલું – મહત્ત્વના મુદ્દા
- વિનોબાજી કહે છે, સ્થિતપ્રજ્ઞ શબ્દ ગીતા પહેલાં કોઈ જગ્યાએ જોવામાં આવતો નથી. ગીતા પછી તે શબ્દ ખૂબ વપરાતો થયો છે. સ્થિતપ્રજ્ઞ ગીતાનો આદર્શ પુરુષવિશેષ છે. ગીતામાં આદર્શ પુરુષોનાં બીજાં વર્ણનો પણ છે. કર્મયોગી, જીવન્મુક્ત, યોગારૂઢ, ભગવદ્ભક્ત, ગુણાતીત, જ્ઞાનનિષ્ઠ વગેરે અનેક નામોથી અનેક આદર્શ ચિત્રો જુદે જુદે ઠેકાણે આવેલાં છે. આ બધા સ્થિતપ્રજ્ઞથી કોઈ જુદા પુરુષો છે એવું નથી. સ્થિતપ્રજ્ઞનાં જ તે જુદાં જુદાં પાસાં છે. સંન્યાસી અથવા યોગીને સ્થિર બુદ્ધિ વાળો કહ્યો છે. ભક્તો માટે સ્થિર જાતિ શબ્દ વાપર્યો છે.
- કોઈ વ્યક્તિ જીવન્મુક્તિ પામ્યો છે તેનો પુરાવો તેનામાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો છે કે નહીં તેના પરથી મળે છે. સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો ગીતાના બીજા અધ્યાયના છેવાડે આવેલા છે. આ અધ્યાયમાં આગળના ભાગમાં,
(1) સાંખ્યબુદ્ધિ એટલે કે આત્મજ્ઞાન અથવા બ્રહ્મવિદ્યાનું શાસ્ત્ર અને (2) યોગબુદ્ધિ એટલે કે આત્મજ્ઞાનને અનુસરીને જીવન જીવવાની કળાની વાત કરવામાં આવી છે. આચરણ અને જ્ઞાન બંને જીવનમાં જરૂરી છે. તુલસીદાસજી ભક્તિરૂપી ગંગા, કર્મયોગરૂપી જમના અને બ્રહ્મવિદ્યારૂપી ગુપ્ત સરસ્વતીના સંગમની વાત કરે છે.
- યોગબુદ્ધિનું પહેલું સ્વરૂપ કર્તવ્ય નિશ્ર્ચયનું છે. નિશ્ર્ચય પછી એકાગ્રતા, સાધનાની તમન્ના, ફળ તરફ ધ્યાન રાખવું અને તલ્લીન થઈ આગળ વધવાનું છે.
- સમાધિની સમજણ આપતા વિનોબા કહે છે- જેમાં સ્થિરતા, અખંડિતતા અને સહજતા હોય, અને જે સ્વભાવગત હોય. એ જ સ્થિત- પ્રજ્ઞાવસ્થા છે.
- કૃષ્ણભગવાને યોગબુદ્ધિવાળી સ્થિતપ્રજ્ઞાવસ્થાની વાત કરી ત્યારે શ્રી અર્જુને સવાલ કર્યો, આવા સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો શું હોય ? તે કેમ બોલે, કેમ રહે ? તે જણાવવા કહ્યું. તેના જવાબમાં ભગવાને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો જણાવ્યાં.
- સમાધિ અંગે સામાન્ય રીતે સમાજમાં કેટલીક ખોટી માન્યતાઓ ચાલે છે તે દૂર કરવા ભગવાન પ્રકાશ ફેંકે છે, જે સમાધિ ચડે છે અને ઊતરી જાય છે તે ધ્યાન સમાધિ છે. પણ સ્થિતપ્રજ્ઞની સમાધિ જુદી છે. તે જ્ઞાનસમાધિ છે. તે ચડતીયે નથી કે ઊતરતીયે નથી તેવી સમાધિ-સ્થિતિ છે, વૃત્તિ નથી; જ્યારે ધ્યાનસમાધિ એ વૃત્તિ છે.
વિનોબાજીની આ વાત ખાસ ધ્યાનમાં રાખવી જેવી છે.
- વિનોબાજી જે શબ્દો વાપરે છે તેનો અર્થ પણ સ્પષ્ટ કરે છે. તેઓ કહે છે, સ્થિતપ્રજ્ઞની સમાધિ વૃત્તિ નથી. તે નિવૃત્તિ છે. પણ નિવૃત્તિ એટલે નિરાંતે બેસી રહેવાની વાત નથી. જેમ કર્મયોગ એક ઉપયોગી સાધન છે તેમ ધ્યાન પણ એક ઉપયોગી સાધન છે. પણ કર્મયોગ જેમ સ્થિતપ્રજ્ઞની સ્થિતિ નથી તેમ ધ્યાન પણ તેની સ્થિતિ નથી.
- પતંજલિના શાસ્ત્રને લીધે સમાધિ શબ્દનો ધ્યાન સમાધિ એવો અર્થ રૂઢ થયો છે. પણ પતંજલિએ સુદ્ધાં ધ્યાન સમાધિને છેવટની સ્થિતિ માની નથી.
- સ્થિતપ્રજ્ઞની કલ્પનામાં બુદ્ધિવાદની પરાકાષ્ઠા જોવા મળે છે. ક્યારેક આપણે કહીએ છીએ, ‘મારી બુદ્ધિને સમજાતું નથી.’ તેના સ્થાને બુદ્ધિને સમજાતું નથી તેમ કહો. ‘મારી’ શબ્દમાં રાગદ્વેષ વગેરે આવી જાય છે. મારાપણામાં અહંકાર છે. વિકાર રહિત બુદ્ધિ સીધી ટટાર ઊભી રહે છે. તે ડોલતી નથી, ડગમગતી નથી. તેમાં કંપ ધ્રૂજારી રહેતી નથી.
- ગીતાનો પ્રજ્ઞા શબ્દ વિશેષ અર્થ બતાવનારો છે. બુદ્ધિ શબ્દ સામાન્ય છે. બુદ્ધિ મનના વિકારો પ્રમાણે પલટાનારી છે. શુદ્ધ બુદ્ધિ એટલે જ પ્રજ્ઞા. તેને પોતાનો કોઈ રંગ હોતો નથી. તે થર્મોમીટર જેવી છે. થર્મોમીટરને પોતાને તાવ ચડતો નથી. તેથી જ તે બીજાના તાવનું માપ આપનારું થઈ શકે છે.
વ્યાખ્યાન બીજું
- સમાધિ શબ્દમાં सम् ને आ ઉપસર્ગ અને धा ધાતુ છે. સમાધાન શબ્દની વ્યુત્પત્તિ પણ એ જ છે. ચિત્તમાં સમાધાનની સ્થિતિ એટલે સમાધિ. સમાધાન એટલે સમતુલન-સમતોલપણું.
- अहिंसा શબ્દનો ‘હિંસા કરવી નહીં’ એ તેનો નિષેધક અર્થ છે. ‘પ્રેમ રાખવો’ એ તેનો વિધાયક અર્થ છે. બંને મળીને અહિંસાની પૂર્ણ વ્યાખ્યા થાય.
- आत्मन्येवात्मना तृष्ट : એ વિધાયક લક્ષણ છે. સ્થિતપ્રજ્ઞ આત્મામાં જ સંતુષ્ટ હોય છે. કામનાઓમાંથી શાંતિ-સમાધાન થતાં નથી. આત્મદર્શન અને કામનાત્યાગ એકબીજાનાં કાર્યકારણ છે. જેમ જેમ આત્મદર્શન થતું જાય છે તેમ તેમ કામનાનો રસ સુકાતો જાય છે. એટલે કે આત્મદર્શન સાધન અને કામનાનાશ તેનું ફળ છે. પણ પહેલું આત્મદર્શન કે પહેલાં કામનાત્યાગ એવો વાદ કરવો નકામો છે. પહેલું બી કે પહેલું ઝાડ એના જેવો જ એ વાદ થાય. આત્મદર્શન અને કામનાત્યાગ એકબીજાનાં કાર્યકારણ છે.
- કામના નાશની પ્રક્રિયાના સામાન્યપણે ચાર પ્રકાર છે : (1) વ્યાપક પ્રક્રિયા (2) એકાગ્ર પ્રક્રિયા (3) સૂક્ષ્મ પ્રક્રિયા અને (4) વિશુદ્ધ પ્રક્રિયા.
વ્યાપક પ્રક્રિયામાં વ્યક્તિગત કામનાને સામાજિક સ્વરૂપ આપવું. વ્યક્તિગત વાસનાને સામાજિક સ્વરૂપ આપવાથી તે વ્યાપક થતી થતી ઓગળી જશે, એવી આ પ્રકિયાની રુખ છે. એકાગ્ર પ્રક્રિયામાં મનમાંની અનેક વાસનાઓની તુલના કરી તેમાંથી જોરાવર કઈ છે તે શોધી નાંખીને તેના પર ચિત્ત એકાગ્ર કરવું, તે પ્રમાણે જીવન ગોઠવવું. પછી તે વાસના પણ છોડવી. સૂક્ષ્મ પ્રક્રિયામાં સ્થૂળ વાસનાઓને છોડો ને સૂક્ષ્મ પકડો. શણગારની હોંશ થતી હોય તો શરીર શણગારવાને બદલે અંતરંગને શણગારો, ને તેની સજાવટ કરો. શરીરના જાડા શણગાર કરતાં બુદ્ધિનો શણગાર ઝીણો છે, સૂક્ષ્મ છે. એનાથીયે સૂક્ષ્મ શણગારનો પ્રકાર હૃદયને શુભ ગુણોથી મંડિત કરવાનો, શણગારવાનો છે. વિશુદ્ધ પ્રક્રિયામાં શુભ વાસના, અને અશુભ વાસના એવો ભેદ કરી સારી વાસના રાખવાની છે. ગળ્યું ખાવાની ઇચ્છા થાય તો મીઠાઈ ન ખાતાં કેરી ખાઓ. અશુભને છોડો, શુભને વળગી રહો.
આપણે કામનાને સામાજિક બનાવવાનું કહ્યું છે, પણ તે કામના શુભ જ હોવી જોઈએ.
વ્યાખ્યાન ત્રીજું
- બૂરું આવી મળે તેથી ઉદ્વેગ થવા દઈશ મા. સુખ આવે કે ચેતી જઈને સાવધ થઈને મનને સંભાળી લેવું જોઈએ. દુ:ખ આવે ત્યારે ધીરજ રાખવી. સુખ આવે ત્યારે મનને તેમાં ભરાઈ પડવા દેવું ન જોઈએ. કામનાની ત્રણ અસરો છે. (1) તૃષ્ણા (2) ક્રોધ અને (3) ભય. અનુકૂળ સંવેદનમાંથી તૃષ્ણા નિર્માણ થાય છે. પ્રતિકૂળ સંવેદનમાંથી ક્રોધ. ભય પણ ક્રોધનું જ, પ્રતિકૂળ સંવેદનનું જ એક રૂપ છે.
- મનને ક્યાંયે ગૂંચવાઈ જવા દો મા, ભરાઈ પડવા દો મા. મનને ક્યાંય વળગવાપણું, ગૂંચવાવાપણું અથવા ઠરીઠામ થવાપણું ન હોવું જોઈએ.
- સ્થિતપ્રજ્ઞતાનું સુલભતમ, સહેલામાં સહેલું સાધન છે, ઇંદ્રિયોનું નિયમન કરવું. કાચબો જેમ પોતાના અવયવ ખેંચી લે છે તેમ ઇન્દ્રિયોને વિષયોમાંથી ખેંચી લો. પરંતુ પારમાર્થિક કામો માટે તેમને છૂટી મૂકો.
- ઇન્દ્રિયજય માટે ઇન્દ્રિયસંયમ અને ઇન્દ્રિયનિગ્રહ એવી બે રીત સૂચવવામાં આવે છે. ઇન્દ્રિયનો નિગ્રહ કોઈક એક વખત પૂરતો હોય છે. ઇન્દ્રિયોનો સંયમ આખાયે જીવનનું તત્ત્વ છે. મૌન થોડો સમય આચરવાનું સાધન છે. મિત ભાષણ નિત્યનું સાધન છે. તે જ પ્રમાણે ઉપવાસ નૈમિત્તિક સાધન છે, નિયમિત અને માપસરનું ખાવું નિત્ય આચરવાનું સાધન છે.
વ્યાખ્યાન ચોથું
‘નિરાહારની સાધનાથી વિષયો છૂટી જાય છે પણ તોયે મીઠાશ બાકી રહી જાય છે. આગળ ઉપર પરદર્શનથી નિવૃત્ત થાય છે, નિવારી શકાય છે. પરદર્શનથી એટલે આત્મદર્શનથી. પરતત્ત્વ એટલે સૌથી પેલી પારનું તત્ત્વ. અંદરની મીઠાશ છોડવાનું કંઈ સહેલું નથી. પ્રયત્નશીલ અને વિચારવંત પુરુષની ઇન્દ્રિયો પણ પેલી બાજુ જોર કરીને તેના મનને જ ઘસડી જાય છે. જ્ઞાન અને તિતિક્ષાપૂર્વક પ્રયત્ન, એ જ બે શક્તિ માણસ પાસે છે. ત્રીજી શક્તિ તેની પાસે છે જ નહીં.
વ્યાખ્યાન પાંચમું
યુક્તિપૂર્વક બને તેટલો ઇન્દ્રિયનિગ્રહ સાધી બળ ઓછું પડે ત્યાં ભક્તિનું આવાહન કરો. માણસની પુરુષાર્થશક્તિ કુંઠિત થાય છે, ભાંગી પડે છે તે વખતે ભક્તિની જરૂર ઊભી થાય છે. ઈશ્ર્વરે આપણને જે શક્તિ આપી રાખી છે તે પૂરેપૂરી વાપરવામાં જ નમ્રતા અને આસ્તિકતા છે. મળેલી શક્તિ પૂરેપૂરી વાપરીએ તો જ ઈશ્ર્વર પાસે વધારે શક્તિ માગવાનો અધિકાર છે. તમે થાકો એટલે ઈશ્ર્વરની આગળ ધા નાખો. તે તમને વધારે બળ આપ્યા વગર નહીં રહે. ઈશ્ર્વરની શક્તિનું આવાહન કરવામાં ખરેખર પરાધીનતા નથી. ઈશ્ર્વર અને આપણે એક જ ચૈતન્યનાં રૂપ છીએ. આપણે અંશમાત્ર છીએ, ઈશ્વર તે ચૈતન્યનું પૂર્ણ રૂપ છે.
સામાન્ય સંસાર વહેવારનાં કાર્યો માટે ઈશ્ર્વરની મદદ માગવાનો લોકોમાં રિવાજ પડી ગયો છે. આ તો પુરુષાર્થહીનતા છે. સકામ ભાવનાથી બાહ્ય કાર્યોમાં ઈશ્ર્વરની મદદ માગવાનું શોભે એવું નથી. મારે માટે શું યોગ્ય છે તે ઈશ્ર્વર જ જાણે છે તેથી સકામ પ્રાર્થના ન હોવી જોઈએ. પરમેશ્ર્વરને આપણી બુદ્ધિ મુજબ ચાલનારો નોકર ગણીએ છીએ, તે યોગ્ય નથી.
વ્યાખ્યાન છઠ્ઠું
બ્રહ્મ સાથે તન્મય થવાનો એટલે કે ઈશ્ર્વરપરાયણ થવાનો પ્રયત્ન કરવો એ વિધાયક સાધના છે. એને જ બ્રહ્મચર્ય કહે છે. વૃત્તિનું બ્રહ્મની સાથે અથવા ઈશ્ર્વરની સાથે તાદાત્મ્ય થવું જોઈએ. બ્રહ્મચર્ય એટલે કેવળ ઇન્દ્રિયનિગ્રહ નહીં. ઇન્દ્રિયનિગ્રહ કંઈ સ્વતંત્ર અથવા અંતિમ સાધ્ય નથી, તે પ્રજ્ઞા સ્થિર કરવાનું એક સાધન છે. પ્રજ્ઞા ઈશ્ર્વરમાં સ્થિર કરવાની છે.
- ભક્તને બધી વાતોમાં ઈશ્ર્વરની કૃપા જ કૃપા દેખાય છે. અનન્ય ભક્તની ભૂમિકાની આ જ મોટાઈ છે.
- ભૌતિક વિદ્યાની ઉપાસનામાં પણ નિષ્કામપણું, અનન્યપણું અને ઈશ્વરભાવના હોય તો ચિત્ત શુદ્ધ થઈ શકે. આ દૃષ્ટિથી ભૌતિક ને આધ્યાત્મિક એવો ભેદ જ રહેતો નથી.
વ્યાખ્યાન સાતમું
જેનામાં ઇન્દ્રિયનિરોધ નથી, જે વિષયોનું ધ્યાન કરી રહેલો છે તેને તે વિષયનો સંગ લાગે છે. મન વિષયને વળગવા માંડે છે. તેથી કામ પેદા થાય છે. વિષયોનું ધ્યાન પછી સંગ અને તે પછી કામ એવો ઉત્તરોત્તર ક્રમ છે. પછી કામમાંથી ક્રોધ નીપજે છે.
વિનોબાજી કેટલાક મહાપુરુષોની યુક્તિઓ દ્વારા ક્રોધ પેદા થવો, મોહ પેદા થવો, લોભ પેદા થવો વગેરે ક્રમને સમજાવવા પ્રયત્ન કરે છે. ક્રોધનો અર્થ ક્ષોભ પણ સમજવાનું કહે છે. ક્ષોભ એટલે ચિત્તની અપ્રસન્નતા.
મોહમાંથી સ્મૃતિભ્રંશ થાય છે, એટલે કે આપણે કોણ, એ વાતનું ભાન જતું રહે છે. સ્મૃતિ એટલે હું કોણ ? તે વાતનું નિરંતર ભાન, આત્માનું નિરંતર ભાન. આવું ભાન ભૂલી જતાં બુદ્ધિ નષ્ટ થાય છે. આત્મનિષ્ઠતા ગુમાવી બેઠેલી બુદ્ધિ બીજી રીતે ગમે તેટલી ચાલાક ભાસે તોયે પોતાનો નાશ વહોરી ચૂકી છે એમ જ જાણવું.
વ્યાખ્યાન આઠમું
આગળની વાતનો દોર ચલાવતાં વિનોબા સમજાવે છે, બુદ્ધિનાશ એ જ વિનાશનું છેવટનું પગથિયું છે.
ગીતામાં વપરાયેલા શબ્દોને માત્ર સ્થૂળ અર્થમાં લેતાં સૂક્ષ્મ અર્થ અભિપ્રેત છે.
- સ્મૃતિ શબ્દનો અર્થ આત્મસ્મૃતિ લેવાનો છે. મોહ શબ્દનો અર્થ કર્તવ્યમોહ કરવાનો છે. વિનોબા આ સાથે સ્પષ્ટતા પણ કરે છે કે, શબ્દોના સૂક્ષ્મ અર્થ જ કરીએ તો સામાન્ય માણસોને શ્ર્લોકો ઉપયોગી ન થાય. જરૂર પડે આપણે બંને અર્થ લેવાના છે.
- ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ એ કામનાઓના આશ્રયરૂપે ત્રણ કિલ્લા છે. ઇન્દ્રિયો સૌથી બહારનો કિલ્લો છે માટે લડાઈ ત્યાં જ માંડી દેવી પડે.
વ્યાખ્યાન નવમું
ગીતા ઇન્દ્રિયોને વાપરવી જ નહીં તેમ કહેતી નથી. ઇન્દ્રિય-જય પછી અવશ્ય વાપરવી જોઈએ. હવે આવી વ્યક્તિ પ્રસાદ એટલે પ્રસન્નતા મેળવે છે. પ્રસન્નતામાં રહેવાથી બુદ્ધિ સ્થિર થઈ જાય છે.
- સમાધિ આત્માની મૂળ, અસલ અવસ્થા છે. તો તે સહજ કુદરતી હોવી જોઈએ. તેને માટે બાહ્ય પ્રયત્નોની જરૂર જ ન રહેવી જોઈએ.
- બધા પ્રયત્નો છોડ્યા પછી જ ખરી એકાગ્રતા, સહજ એકાગ્રતા સધાય છે. એકાગ્રતાનાં સાધનો જ ચિત્ત પર સામાં આવે છે અને સાધનોથી થોડો સમય એકાગ્રતા સધાય છે પછી વ્યગ્રતા આવે છે. તેમ છતાં સાધનોને અવગણવાં ન જોઈએ.
વ્યાખ્યાન દસમું
અયુક્તને બુદ્ધિ નથી. અયુક્ત એટલે અસંયમી પુરુષ. અયુક્તને ભાવના નથી. ભાવના વગર સુખ નથી. સંયમ વગર બુદ્ધિ નથી. બુદ્ધિ વગર ભાવના નથી, ભાવના વગર શાંતિ નથી, શાંતિ વગર સુખ નથી. અયુક્ત એટલે આસક્ત, કામનાગ્રસ્ત; એટલે કે કામનાઓથી ગ્રસાયેલો; સંયમની યુક્તિ વગરનો.
પ્રવચનમાં વિનોબા સમજાવે છે કે સંયમથી માંડીને સુખ સુધીની સાંકળ સંયમ, ભાવના, સુખ, શાંતિ એ મુજબની જોડાઈ. પણ વચમાં બુદ્ધિ શું કામ જોઈએ ? नास्ति बुद्धि…. વાળા શ્ર્લોકમાં સંયમ વગર બુદ્ધિ નથી અને બુદ્ધિ વગર ભાવના નથી એવા અર્થવાળું સંસ્કૃત વાક્ય મૂકવું જોઈએ. પણ સાથે સાથે એમ પણ કહે છે, ભગવાને અહીં બુદ્ધિ અને ભાવનાનું અદ્વૈત કલ્પ્યું લાગે છે. બુદ્ધિપૂર્વક કરેલા અખતરાઓના પરિણામના અંતે કેટલીક ભાવનાઓ સમાજમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. પછી દલીલોને અવકાશ જ રહેતો નથી.
પરંતુ સમાજમાં બધી જ ભાવના બુદ્ધિયુક્ત હોય છે એવું નથી. તેથી તેમના પર બુદ્ધિનો પ્રકાશ નાખી તેમને તપાસી લેવી સારી. ભાવનાનો ઉચ્છેદ ન કરવો. તેની શુદ્ધિ કરવી. આમાં જરૂર પડે ત્યાં સ્થિતપ્રજ્ઞ વ્યક્તિને રસ્તો બતાવવાની જવાબદારી સોંપવી જોઈએ.
વ્યાખ્યાન અગિયારમું
બુદ્ધિપ્રધાન વિરુદ્ધ ભાવનાપ્રધાન એ ભેદ સ્થિતપ્રજ્ઞમાં રહેતો નથી. આપણે ઘણી વાર ભાવના શબ્દ બુદ્ધિના વિરુદ્ધ અર્થમાં વાપરીએ છીએ.
ગીતા હૃદય અને બુદ્ધિ એવો ભેદ પાડતી નથી. સ્થિતપ્રજ્ઞમાં બુદ્ધિ અને ભાવના એકબીજા સાથે એકરસ થઈ ગયા હોય છે. જપ, ધ્યાન અને આચરણ એ ત્રણ પ્રયોગો કરવાથી બુદ્ધિનું રૂપાંતર ભાવનામાં થાય છે. ભાવના એટલે ભક્તિ તેવો અર્થ પણ કરી શકાય.
આપણે વારંવાર સુખની વાત કરીએ છીએ પણ તે મનનું સુખ નહીં. મનનું સુખ જુદું અને માણસનું સુખ પણ જુદું હોય છે. ઘણા બધા લોકો દેશસેવા માટે માનસિક દુ:ખો વેઠે છે પણ તોય તેમને સુખ જ થાય છે.
વ્યાખ્યાન બારમું
આ પ્રકરણમાં ફરી સંયમ અંગેનો એકડો ઘૂંટવામાં આવ્યો છે. બુદ્ધિ નાવડી જેવી તારવાવાળી છે પણ મનની પકડમાં આવી જાય તો તે મારવાવાળી પણ બની જાય છે. બુદ્ધિ અને મન કાયમ અળગાં પડી શકતાં નથી. કાં તો બુદ્ધિ મનને વશ થશે અગર મન મુદ્ધિને તાબે રહેશે. માણસ લગભગ સ્થિતપ્રજ્ઞ થયો હોય તોયે તેણે અસાવધ રહેવા જેવું નથી. માણસે કોઈ પણ સ્થિતિમાં મનને ઢીલું છોડવું નહીં. સાવધાન-પણાની અપેક્ષા ન રાખવાવાળી સહજાવસ્થા એ એક રીતે માણસની આકાંક્ષા માત્ર છે તેથી સાવધપણાની સૂચના બિલકુલ યોગ્ય જ છે.
વ્યાખ્યાન તેરમું
પ્રાણીમાત્ર સૂતેલાં હોય છે ત્યાં સ્થિતપ્રજ્ઞ જાગતો હોય છે અને જ્યાં પ્રાણીમાત્ર જાગતાં હોય છે ત્યાં ત્યાં સ્થિતપ્રજ્ઞ નિરાંતે ઘોરતો હોય છે. ગીતાના આ શ્ર્લોકનો અક્ષરાર્થ લેવાનો નથી, લક્ષણાર્થ કરવાનો છે. સામાન્ય માણસો રાતનો વખત વિલાસ વગેરેમાં કાઢે છે. આપણે સ્થિત-પ્રજ્ઞની જીવનદૃષ્ટિ અને સામાન્ય માણસની જીવનદૃષ્ટિના ભેદને સમજવાનો છે. આત્માને કર્તા માનવો એ જ અંધારું. એ અંધારામાં સર્વ પ્રાણીઓનું જીવન અંધ થયેલું છે. પણ સ્થિતપ્રજ્ઞનું જીવન આત્માના પ્રકાશ વડે નિત્ય પ્રકાશિત છે.
- ગીતા કહે છે, “તેં આત્માનું અકર્તાપણું માન્ય રાખ્યું છે. તેથી જ્યાં કર્મ જ તારું નથી ત્યાં ફળ તો તારું ક્યાંથી જ હશે ? ‘હું દેહથી અળગો અકર્તા છું.’ એવો અભ્યાસ કર્મ છોડીને થનારો નથી. ફલ છોડીને જ તે અભ્યાસ થશે. આત્માના અકર્તાપણાના અનુભવનો આરંભ કર્મછેદથી થતો નથી. ફલચ્છેદથી થાય છે; કર્મને કાપી નાખવાથી થતો નથી, ફળને છેદી નાખવાથી થાય છે.”
- मा फलेषु એટલે ફળ વિષે અધિકાર નથી એ અર્થ ખોટો છે. અહીં मा फलेषु એવું કહ્યું છે, न फलेषु એવું નથી કહ્યું. વિનોબાજી વ્યાકરણની સમજ આપીને કહે છે – “કર્મ વિષે તારો અધિકાર હો, ફળ વિષે ન હો.” એવો તેનો અર્થ થાય. આખરે કહેવાનું થાય છે,
- “તારો કર્મમાં અધિકાર છે અને તેથી ફળમાં પણ છે. પણ કર્મ પૂરતો તે તું રાખ અને ફળ પૂરતો છોડી દે.” ગીતા કહે છે, તારું તત્ત્વજ્ઞાન જ કહે છે, હું કર્તા નથી. તારે પોતાનું અકર્તાપણું અનુભવવું હોય તો તું ફળ લઈશ મા.
વ્યાખ્યાન ચૌદથી અઢારમાંની મુખ્ય વાતો
સ્થિતપ્રજ્ઞ વ્યક્તિમાં અનેક બાહ્ય ઉપભોગ પ્રવેશે છે છતાં તે વિચલિત થતો નથી તેથી તેને શાંતિ મળે છે. સમુદ્રમાં સઘળી બાજુએથી પાણી પ્રવેશે છે છતાં તે હદ ઓળંગતો નથી.
પહેલાંના સ્થિતપ્રજ્ઞ કરતાં આજના સ્થિતપ્રજ્ઞ વધારે પ્રગત હશે. સ્થિતપ્રજ્ઞ માટે વિવેક એ તેનું નીતિસૂત્ર છે.
શુભ + અશુભ = શુભ, કેમ કે અશુભ = 0
પ્રકાશને અંધારાનો અભાવ કહેતા નથી. અંધારું વસ્તુ નથી. પ્રકાશ વસ્તુ છે. પ્રકાશ દેખાડવો તે અંધારાનું કામ છે. શુભનું સ્વરૂપ દેખાડવું એટલું જ અશુભનું કાર્ય છે.
- સર્વ કામના છોડી જે પુરુષ નિ:સ્પૃહ થઈને વિચરે છે, જેની અહંતા અને મમતા ગઈ તે શાંતિરૂપ જ થયો.
- સ્થિતપ્રજ્ઞ જીવવાની ઇચ્છાની સાથે મરવાની ઇચ્છા પણ છોડી દે છે. તેનું જીવન ફક્ત આનંદમય, લીલામય થઈ જાય છે.
વિનોબાજી ત્રણ અવસ્થાની વાતો કરે છે. ક્રિયાવસ્થા, ભાવાવસ્થા ને જ્ઞાનાવસ્થા. સ્થિતપ્રજ્ઞ ક્રિયા કરતી વખતે સજ્જન કે હરિજન વચ્ચે વિવેક કરશે. ભાવાવસ્થામાં બધાયને સંઘરશે અને જ્ઞાનાવસ્થામાં કહેશે, મારું કોઈ જ નથી. સ્થૂળ અર્થમાં આ ઈશ્ર્વરની અવસ્થા છે. ઈશ્ર્વરનું પહેલું રૂપ કેવળ શુભ, બીજું વિશ્ર્વરૂપ, ત્રીજું શુભાશુભની પેલી પારનું. ગીતાનું પરમ લક્ષ્ય બ્રહ્મનિર્વાણ છે. બ્રહ્મનિર્વાણ એટલે દેહને ફેંકી દઈ વ્યાપકતમ થવું. સ્થિતપ્રજ્ઞ શબ્દના જેવો ब्रह्म निर्वाण શબ્દ પણ ગીતાનો વિશિષ્ટ, ખાસ શબ્દ છે.
અહીં આપણે ‘સ્થિતપ્રજ્ઞ દર્શન’ પુસ્તકની થોડી ઝાંખી કરાવવાનો એક લૂલો પ્રયત્ન કર્યો છે. વિનોબાજી દાખલા, દલીલો, તર્ક વગેરેના આધારે તેમ જ શબ્દોના જુદા જુદા અર્થો દર્શાવીને ગીતાના બીજા અધ્યાયમાં આપેલાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોને ગહન રીતે સમજાવે છે.
આપણે પવનાર પ્રવૃત્તિનાં 12 વર્ષ અંગે કેટલાક સમયથી વાત કરીએ છીએ. 1945 થી 1950ના ગાળામાં કરેલી પ્રવૃત્તિઓ અંગે આગળના લેખમાં વાત કરીશું.
– રેવારજ