એક ઉત્તમ સિરેમિક કળાકાર અને કળાગુરુ શ્રી જ્યોત્સ્ના ભટ્ટની વસમી વિદાય

જ્યોત્સ્ના ભટ્ટ

ભારતના એક ઉત્તમ સિરેમિક કળાકાર શ્રી જ્યોત્સ્ના ભટ્ટે આપણી વચ્ચેથી અણધારી વિદાય લીધી. તારીખ ૧૧ જુલાઈ ૨૦૨૦ના શનિવારના રોજ એંશી વર્ષની વયે પોતાની વિદ્યાભૂમિ તેમજ કર્મભૂમિ વડોદરામાં એમનું અવસાન થયું. સૌ કળાકારો અને કળારસિકોને એમનાં ઉષ્મા અને સૌહાર્દની શાંત છતાં ઉત્ફુલ્લ અનુપસ્થિતિ કઠશે. આજના કપરા કાળમાં વિદ્યાર્થીઓ અને યુવાન કળાકારો માટે વાત્સલ્યભર્યું એક ઠેકાણું ઓછું થયું. આ અંજલિ-લેખમાં એમના વિશે એક આછોતરો પરિચય મેળવીએ.

સિરેમિક કળાકાર શ્રીમતી જ્યોત્સ્ના ભટ્ટનો જન્મ ૬ માર્ચ ૧૯૪૦, માંડવી, કચ્છમાં. વડોદરાની મ. સ. યુનિવર્સિટીની વિખ્યાત ફાઈન આટર્સ ફેકલ્ટીમાં શિલ્પકળાનો અભ્યાસ કરતી વખતે પ્રો. શંખો ચૌધરી, કે. જી. સુબ્રહ્મણ્યમ્ અને વાસવ કુમાર બરૂઆ જેવા ગુરુઓ એમને મળ્યા (૧૯૫૮-૧૯૬૨). ત્યારબાદ સિરેમિકની કળામાં પ્રશિક્ષણ મેળવ્યું જોલિયન હોપસ્ટેડપાસે અમેરિકાની બ્રુકલિન મ્યૂઝિયમ આર્ટ સ્કૂલમાં (૧૯૬૫-૬૬).

આ અમેરિકાનિવાસનો એમની કળાયાત્રામાં દૂરગામી પ્રભાવ પડ્યો અને પોતાનાં સર્જનોમાં શિલ્પકળા અને સિરેમિક કળાનો સમાયોગ એમણે સાધ્યો. ૧૯૭૨માં મ.સ.યુનિવર્સિટીની ફાઇન આર્ટસ્ ફેકલ્ટીમાં સિરેમિકના અધ્યાપક તરીકે જોડાયાં અને સિરેમિક્સ પોટરીનો વિભાગ વિકસાવવામાં ફાળો આપ્યો.ચિત્રકળાનો અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓમાં સિરેમિક કળા પ્રત્યે એમણે લગની લગાડી અને એ રીતે ભારતીય સિરેમિક કળાને વધારે સમૃદ્ધ કરી. એમની કૃતિઓના દેશ-વિદેશમાં એકાધિક એકલ તેમજ સમૂહ પ્રદર્શનો યોજાયાં છે.

૨૦૦૨માં અધ્યાપન કાર્યમાંથી નિવૃત થયાં. ૧૯૯૮માં સિરેમિકની કળાને પ્રોત્સાહન આપવાના હેતુથી વડોદરામાં સ્થપાયેલ સિરેમિક સેન્ટરને વિકસાવવામાં પછીથી તેઓનું સક્રિય માર્ગદર્શન પણ મળ્યું. આ જ સેન્ટર પર તેઓ લોકડાઉનના દિવસો કે અન્ય જરૂરી રોકાણોને બાદ કરતાં નિયમિતપણે પોતાનું સિરેમિકનું કામ કરતાં રહેલાં.

અંગ્રેજી શબ્દ સિરેમિક્સ્ (Ceramics) ગ્રીક શબ્દ ‘Keramikos’માંથી ઊતરી આવ્યો છે. માટી અથવા તો માટી જેવાં ખનિજ(Minerals)માં રચાયેલાં સર્વ પદાર્થોનો સિરેમિક્સ્માં સમાવેશ થાય છે. ઉદાહરણ રૂપે માટીનાં વાસણથી માંડીને માટીની મૂર્તિઓ અને  માટીનાં રમકડાંનો ઉલ્લેખ કરી શકાય. કેટલાંક લોકો માટે સિરેમિક્સ્ એટલે ચીની માટી. સિરેમિક અભિવ્યક્તિનું વિશિષ્ટ માધ્યમ પણ ગણાય છે. કોઈ શિલ્પકાર જ્યારે એ માધ્યમમાં કામ કરે ત્યારે એમાંથી એ શિલ્પ સર્જે છે અને જ્યારે મૃદાકાર (Potter) આ જ માધ્યમમાં કામ કરે ત્યારે એમાંથી એ મૃતપાત્ર (Pot) સર્જે છે. પોટ બનાવવાનો કળાકસબ એ જ પોટરી (Pottery). કોઈ પણ મૃતપાત્ર એક રીતે શિલ્પ જ છે.

જ્યોત્સ્નાબેનનાં સર્જનોમાં પારંપરિક મૃદાકારની કળા અને આધુનિક કળાકારની પ્રયોગશીલ સંવેદનાનો સુભગ સંયોગ રચાયો છે. એટલે પારંપરિક રૂપાકારોને એમણે નવતર આયામોથી સમૃદ્ધ કર્યાં છે. એમણે વિવિધ વાસણો-પાત્રો તો ઘડ્યાં પણ એમાં પ્રકૃતિ અને પશુપંખી જગતનાં સાહચર્યોને ભેળવ્યાં. એમ માટીના પિંડે પિંડે માર્મિક વિસ્મયજનક સૃષ્ટિ રચી છે. રોજિંદા જીવનમાં એ સિરેમિકનાં પાત્રો/ શિલ્પોની  વપરાશક્ષમતા સાથે એના રૂપની સૂરુચિપૂર્ણતા અને સુચારુતાને  પણ તેઓ પ્રાધાન્ય આપતાં. આકારોની સુરેખતા, આછા છતાં સ્પૃહણીય રંગોની છાંટ અને અનિવાર્ય વિગતો સાથેની રમ્ય રૂપરચના એ આ શિલ્પકારની વિશેષતા હતી.

પોતાની કળા વિશે જ્યોત્સ્નાબેન લખે છે, ‘એક શિલ્પકારની તરીકેનો મારો અભ્યાસ એટલે હું મારાં પાત્રોને શિલ્પની જેમ ઘડું છું. માટીના માધ્યમની શક્યતાઓને તાગું છું. માટીમાં લવચિકતા અને નમનીયતા અપાર હોય છે.. આ રૂપાકારો/ પાત્રોની વપરાશક્ષમતા મારે માટે એટલી જરૂરી નથી. અલબત, મારી મૂળ સંકલ્પના અળપાતી ન હોય તો એ રૂપાકારોને વપરાશક્ષમ પણ બનાવું છું.. સિરેમિક્સમાં કામ કરવું એ મારે માટે હંમેશા આનંદની વાત રહી છે. નાના ફલક પર કામ કરવું મને વધુ માફક આવે છે. એમાં ક્યારેય સંકુલ, તાત્ત્વિક કે સામાજિક રાજનીતિક ઈંગિતો નહીં જોવા મળે. મને એવા આકારો રચવામાં આનંદ આવે છે કે જે માટીના માધ્યમની વિશેષતાને પ્રગટ કરી શકે..’ આમ ખૂબ ઓછા શબ્દોમાં જ્યોત્સ્નાબેન પોતાની કળાની ભૂમિકા બાંધી આપે છે.

જ્યોત્સ્ના ભટ્ટની કળા વિશેની આ ઉપયોગિતાના સંદર્ભે અનુગામી પેઢીના સિરેમિક કળાકાર અને હિન્દી ભાષાના જાણીતાં લેખિકા શમ્પા શાહ પાસેથી માર્મિક નિરીક્ષણ સાંપડે છે : ‘જો હું જ્યોત્સ્ના ભટ્ટના કામની ‘ઉપયોગિતા’ મારા પોતાના પૂરતી તપાસવાનો પ્રયાસ કરું છું તો મને તો એ નિશ્ચિતપણે ખૂબ જ ઉપયોગી જણાય છે. એમની કૃતિઓની આસપાસ નિરાંત પથરાયેલી  હોય છે, જેની સીધી અસર આપણી ઉપર પડે છે. દિવસે દિવસે વધતી જતી ભાગદોડની વચ્ચે આ તુષ્ટિની બિછાત ખૂબ જ રાહત અને શાતા આપનાર હોય છે. સમયની ધડધડાટ કરતી ઝડપી ટ્રેનની ગતિ વિરૂદ્ધ અહીં સંધ્યાટાણે મંથર ગતિમાં પાછી વળતી ગાયોની નિરાંત જોવા મળે છે. કાચબા અને સસલાની સ્પર્ધાની વાર્તા અહીં એટલે જ તો સાંભરી આવે છે. કહેવાનો આશય એ કે જ્યોત્સ્ના ભટ્ટની કૃતિ જો ઓરડામાં હાજર હોય તો એ વિચક્ષણ રીતે તમારા સ્નાયુતંત્રને આરામ આપે છે, હળવાશ આપે છે. હું એમની કૃતિઓની આ ખૂબીને જ એમની કૃતિની અદ્ભુતત ‘ઉપયોગિતા’ ગણું છું.’

‘Celebrating Earth Ceramics by Jyotsna Bhatt’ નામે ઓગસ્ટ ૨૦૧૯માં નવજીવન પ્રકાશને એક દર્શનીય ગ્રંથ પ્રકાશિત કર્યો છે. એમાં જ્યોત્સ્નાબેનની કળાયાત્રાનો સુપેરે પરિચય મળી રહે છે. વિષયવાર કળાકૃતિઓને વર્ગીકૃત કરી છે અને અત્યંત જરૂરી હોય એવા લઘુઆલેખો એમાં સમાવ્યા છે. આ ગ્રંથમાં જ્યોત્સ્નાબેનનો ટૂંક પરિચય નવી પેઢીના સિરેમિક કળાકાર નેહલ રાચ્છ નંદીના શબ્દોમાં મળે છે. અત્રે એમની પાસેથી  જ્યોત્સ્નાબેન એક કળાશિક્ષક વિશે જાણીએ : ‘જ્યોત્સ્ના મેમ તરીકે અમે એમને બોલાવતાં. તેઓ મારા ગુરુ, મારા મિત્ર, અને જરૂર પડ્યે મારા વડીલ થનાર ખૂબ જ સુંદર વ્યક્તિ હતાં. ત્રીસેક વર્ષનો અમારો પરિચય.

એક અદ્ભુત પ્રકારની ધીરજ અને મૃદુતા એમનામાં ઝલકતી,ખાસ કરીને તેઓ માટી સાથે કામ કરતાં ત્યારે. એમને કામ કરતા જોવાનો પણ એક લહાવો હતો. કેટલું બધું શીખવા મળતું. એમનામાં જે એક જાદુઈ ગુણ હતો, તે હું ગ્રહણ ન કરી શકી.

કોલેજમાં હતી ત્યારે ચિત્રકળાની હું વિદ્યાર્થિની. પણ માટીકામમાં મારી રુચિ જોતાં એમણે મને એ માટે હંમેશા પ્રોત્સાહિત કરેલી. જાન્યુઆરી ૨૦૨૦માં અમે વડોદરાનું પહેલું સ્ટુડિયો પોટર્સ માર્કેટ યોજેલું ત્યારે મેમ અને સર બન્ને હર્ષપૂર્વક હાજર રહેલાં. અમારા આવા અખતરાઓમાં એમની ઉપસ્થિતિ અમને હિંમત આપતી. આવનારા સમયમાં જ્યોત્સ્ના મેમના માર્ગદર્શનને હું મીસ તો કરીશ જ પણ એમની ઊર્જા અને હૂંફની ખોટ અમને વધુ સાલશે. એમના વિના હું મારી સિરેમિક જર્નીમાં આટલે પણ ન પહોંચી હોત!’

જ્યોત્સ્નાબેન એટલે વિશ્વખ્યાત ચિત્રકાર- છબીકાર જ્યોતિ ભટ્ટનાં પત્ની. એટલે એક અનોખું દંપતી. એકમેકના સહવાસમાં અન્યોન્યને કૉળવાની મોકળાશ આપતું સખ્ય. શાંત છતાં શાલિન ઉપસ્થિતિ. એકબીજાની અનુપસ્થિતિમાં અન્યની કલ્પના કરવી દોહ્યલી. જ્યોત્સ્નાબેનની વિદાયથી આ સર્જકજોડીને ખંડિત થતી જોવી વસમી છે. જેમ ભારતીય કળાજગતમાં અને તેમ આ દંપતીના વ્યાપક એક સ્નેહકુટુંબને પણ આથી ઊંડી ઘેરી ખોટ પડી છે. આપણા સૌની એમને ભાવભીની અંજલિ.

– પીયૂષ ઠક્કર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s