(પહેલાં ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં તીડનાં ઝુંડ દેખાવાનાં શરૂ થઈ ગયાં છે. જૂન માસમાં તો દિલ્હી, પંજાબ, હરિયાણા, મ.પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગૂજરાત, મહરાષ્ટ્ર અને બિહાર સુધી તીડનાં ઝુંડ ફરી વળ્યાં છે. રાજસ્થાન ઉપરાંત પંજાબ અને ગુજરાતમાં તીડનાં ઝુંડનું જોખમ વરતાઈ રહ્યું છે. લીમડો, જાંબુડો જેવાં થોડાં વૃક્ષો અને કેટલાક છોડને બાદ કરતાં તીડ બધું જ સફાચટ કરી જાય છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં તીડનું આગમન શરૂ થયું અને સૌરાષ્ટ્ર સુધી ફેલાયું. અત્યાર સુધી તીડનાં ઝુંડ બહારથી આવતાં હતાં, તેનો સમય નિશ્ચિત હતો, સંખ્યા મર્યાદિત હતી. હવે તેમાં બદલાવ આવ્યો છે. તીડના આક્રમણ પાછળનાં પર્યાવરણીય કારણો શું છે તે જાણવા પ્રયત્ન કરીએ. )
– સંપાદક
તીડના હુમલા અને આબોહવા પરિવર્તન
ગયા મહિનાઓમાં ઓસ્ટ્રેલિયાએ ભયંકર દાવાનળ(ઋજ્ઞયિતિં ઋશયિત)નો અનુભવ કર્યો, જેમાં માણસો અને અનેક જીવો મૃત્યુ પામ્યા. ઘણાં મકાનો સળગીને રાખ થઈ ગયાં. દવની તીવ્રતા અને ફેલાવો જોઈને એક બાબત સ્પષ્ટ છે કે આનો સંબંધ આબોહવા પરિવર્તન સાથે છે. દુનિયાભરનાં જંગલોમાં આગ લાગવાની ઘટનાઓ આમ તો સામાન્ય છે. પરંતુ દવનું કારણ છે, પૃથ્વી પર વધતી જતી ગરમી. આ ગરમીને પરિણામે સમગ્ર પ્રદેશ વિસ્ફોટક સ્થિતિમાં મુકાય છે. સાથે ઘણાં વર્ષોથી વિશ્વમાં દુષ્કાળનું પ્રમાણ પણ વધ્યું છે. આ બધું મળીને દાવાનળ માટે જાણે ‘આદર્શ’ પરિસ્થિતિનું નિર્માણ કરે છે.
આથી હમણાનાં વર્ષોમાં દાવાનળની સંખ્યા અને તીવ્રતા વધી છે. આ દાવાનળ એટલો વિકરાળ હતો કે વિશ્વ આખાની નજર તેના પર પડી. પરંતુ તેનાથી વધુ ખરાબ સંકટ માણસજાત પર આવી રહ્યું છે અને તેનાં કારણોમાં પણ આબોહવા પરિવર્તન જ જવાબદાર છે.
આ ડિસેમ્બર(૨૦૧૯)માં તીડનાં ઝુંડ રાજસ્થાન અને ગુજરાતનાં ખેતરો પર ત્રાટક્યાં અને ઊભો પાક સાફ કરી નાખ્યો. ખેડૂતોની આજીવિકા નષ્ટ કરી નાખી. પરંતુ નુકસાનનો સામાન્ય અંદાજ માંડીને વાત પડતી મૂકવામાં આવી. તેમ છતાં સરકારે દિલ્હીના ક્ષેત્રફળના લગભગ ત્રણ ગણા વિસ્તારમાં જંતુનાશકોનો છંટકાવ કરવો પડ્યો હતો.(અત્યારે ફરી તીડનાં ઝુંડનો પ્રકોપ શરૂ થયો છે. લોકડાઉનના સમયમાં તેને અટકાવવા સરકારને વધુ મુશ્કેલી પડી રહી છે.)
ઓસ્ટ્રેલિયાના દવની જેમ આ અંગે પણ એવું તો કહી શકાય કે તીડનો હુમલો કંઈ નવો નથી. તો પછી એટલી ચિંતા શા માટે કરીએ?
અમારી સંસ્થા દ્વારા જે કંઈ વિગતો ભેગી કરવામાં આવી છે તેના પરથી ખ્યાલ આવે છે કે તીડનાં ઝુંડના આવવાના સમયમાં ફેરફાર થયો છે. તેનું કારણ છે કમોસમી વરસાદ. આ વર્ષે ગુજરાતના ઘણા વિસ્તાર સહિત પશ્ચિમ ભારતના ઘણા પ્રદેશોમાં માવઠું થયું. આ માત્ર ભારતમાં જ થાય છે એવું પણ નથી.
સામાન્ય રીતે તીડનું ઉદ્ભવસ્થાન રેડ સી (લાલ સાગર : જે ઈજિપ્ત અને પાડોશી દેશોમાં ફેલાયેલ છે.) આસપાસનો વિસ્તાર છે. જ્યાંથી આરબના કેટલાક પ્રદેશો, ઇરાનમાં તેનો ફેલાવો વધી રહ્યો છે. તીડની વૃદ્ધિ ઝડપી બની છે.
તીડના એક ઝુંડમાં આશરે ૮૦ લાખ તીડ હોઈ શકે છે. જે એક દિવસમાં ૨૫૦૦ માણસોનો ખોરાક અથવા ૧૦ હાથી જેટલો ખોરાક આરોગી જાય છે! પ્રથમ પ્રજનન પછી તેમની સંખ્યા ૨૦ ગણી તેમજ ક્રમિક રીતે બીજા અને ત્રીજા પ્રજનન બાદ તેમની સંખ્યા ૪૦૦ અને ૧૬૦૦ ગણી થાય છે. જો પ્રજનનનો સમય અટકાવવામાં નહીં આવે તો તેમની સંખ્યા અકલ્પનીય થશે, જે આપણને દુષ્કાળના દિવસો ફરી યાદ કરાવે તો તેમાં કોઈ નવાઈ નથી!
આ વખતે તીડના ઝુંડનો આકાર સામાન્ય કરતાં ઘણો મોટો હતો. તેથી નુકસાન મોટાપાયે થયું. આ અંગે જુદી જુદી કડીઓ જોડીએ તો સમગ્ર ચિત્ર સ્પષ્ટ થાય. આ વખતે પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં અને રાજસ્થાનના પશ્ચિમ વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો. ભારતનો આ રણપ્રદેશ તીડના પ્રજનન માટે અનુકૂળ વિસ્તાર નથી. કારણ કે તેને પ્રજનન માટે ભેજવાળી હરિયાળી જગ્યા જોઈએ.
અત્યાર સુધી તીડ ચોમાસાના મહિનામાં આવતાં અને પછી પાછાં ચાલ્યાં જતાં હતાં. પરંતુ ગયા વર્ષે સમયથી પહેલાં વરસાદ શરૂ થયો. એટલે મે ૨૦૧૯માં તીડનાં ઝુંડ દેખાયાના સમાચાર આવ્યા. અને ચોમાસું જરા લાંબું ચાલ્યું, લગભગ ઑકટોબર માસ સુધી. સામાન્ય રીતે તીડનાં ઝુંડ આ સમયમાં પશ્ચિમ એશિયા અને આફ્રિકા તરફ ચાલ્યાં જાય છે. પરંતુ વરસાદ લંબાતાં તીડનું રોકાણ લંબાયું અને પ્રજનન શરૂ થયું.
મે અને ઓક્ટોબર ૨૦૧૮માં બે વાવાઝોડાંને કારણે આરબ પ્રદેશમાં ભારે વરસાદ થયો. ક્યાંક તો રણમાં તળાવ ભરાઈ ગયાં, એટલો વરસાદ વરસ્યો; જે તીડના પ્રજનન માટે અનુકૂળ વાતાવરણ સર્જનારો હતો. ગરીબી અને યુદ્ધગ્રસ્ત આ વિસ્તારોમાં તીડનાં ઝુંડે ભયંકર નુકસાન પહોંચાડ્યું. પરંતુ આ સમાચાર બહાર ન આવ્યા, દબાઈ ગયા. ૨૦૧૯ના જાન્યુઆરી માસમાં રેડ સી આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો. તે જ વર્ષે સારો વરસાદ થયો અને વરસાદનો સમયગાળો વધીને ૯ મહિના જેટલો થઈ ગયો.
તીડ પર અભ્યાસ કરતા વિજ્ઞાનીઓનું એવું માનવું છે કે તેમની સંખ્યા એટલી વધી ગઈ છે કે આ વિસ્તારોમાં જરૂરી અનાજનું ઉત્પાદન થશે કે નહીં તેની સામે પ્રશ્નો છે. આ ઉપરાંત ચક્રવાતને કારણે પવનોની દિશામાં ફેરફારો આવ્યા છે. પવનોની દિશાને આધારે તીડનાં ઝુંડનું આગમન થાય છે.
ભારતમાં લગભગ વરસાદના પવનો સાથે તેમનું આગમન જોડાયેલું છે. વિજ્ઞાનીઓ જણાવે છે કે વર્ષ ૨૦૧૯માં તીડનાં ઝુંડ આફ્રિકાથી ફારસની ખાડી અને રેડ સી પાસેથી ઈરાન પહોંચ્યાં. સામાન્ય રીતે શિયાળાના સમયમાં તે ઈરાનના પ્રદેશોમાં રહે છે અને મોટી સંખ્યામાં ચોમાસાની શરૂઆતમાં પાકિસ્તાન અને ભારત તરફ વળે છે.
વર્ષ ૨૦૨૦ના જાન્યુઆરી-ફેબ્રુઆરી માસમાં જ્યારે તીડનાં ઝુંડ ગુજરાત અને રાજસ્થાનથી પાકિસ્તાન અને ઈરાન તરફ જવા રવાના થયાં તે તેમની ત્રીજી પેઢી હતી. લંબાયેલા ચોમાસાને કારણે તે ભારતમાં જન્મી. આ જ કારણે આ વર્ષે અહીં વધુ નુકસાન થયું, કેટલીક જગ્યાએ તો ખેડૂતો દયનીય સ્થિતિમાં પહોંચી ગયા છે.
જેનું કારણ વાવાઝોડું, કમોસમી વરસાદ અને આબોહવા પરિવર્તન છે. તેના ઘણા પુરાવાઓ છે. આપણે એકબીજા સાથે જોડાયેલા છીએ અને પરસ્પરાવલંબનથી સંતુલન જળવાયેલું છે. તેની સમજ બજાર-મૂડીની વાત કે ગ્રીન હાઉસ વાયુઓની અસરોની જેમ કોઈ રોકેટ વિજ્ઞાન સમજવા જેટલી જટિલ નથી. આ વાત છે આબોહવા પરિવર્તનથી કીટકો અને તીડનાં આક્રમણોનો ફેલાવો થવાની.
પરંતુ માહિતીની દૃષ્ટિએ પણ વિભાજિત અને અસમાન દુનિયામાં એ બાબત ખૂબ જ ચિંતાજનક અને જોખમ ભરેલી છે કે આપણે ઓસ્ટ્રેલિયાની આગ વિશે તો જાણીએ છીએ. પરંતુ આપણી આસપાસ થઈ રહેલા તીડના હુમલા વિશે કોઈ ખાસ વિગતો જ આપણી પાસે નથી ! આપણે આની કડીઓ જોડીને સાદી સમજ કેળવી શકતા નથી.
આપણે એશિયાથી આફ્રિકા વચ્ચે રહેતા આપણા જ લોકોનું દુ:ખ અનુભવી શકતા નથી, જે આબોહવામાં આવેલા પરિવર્તનથી ઊભું થયું છે. અંતે તો એ જ ઇષ્ટ છે કે આપણે સલાહ આપવાનું બંધ કરી અને પોત-પોતાના સ્તરે કામે લાગી જઈએ.
ટૂંકમાં સમસ્યા તો આપણે છીએ, એ લોકો આ સમસ્યાના શિકાર છે. આ વાત કેવી રીતે યોગ્ય ગણી શકાય?
(ડાઉન ટુ અર્થમાંથી) – સુનીતા નારાયણ
રાજસ્થાનમાં થોડાં સમય પહેલાં જે તીડના ઝુંડ જોવા મળ્યાં તેની વિડીયો કલીપ.
સૌજન્ય ઇન્ડિયન એક્સપ્રેસ