ફિલીપાઈન્સમાં વધતો જતો રાષ્ટ્રવાદ

કોરોના કટોકટી વચ્ચે પણ લોકશાહી માટે સંઘર્ષ….લડત

(અન્ય દેશોમાં ચાલી રહેલા સંઘર્ષો, રાજનૈતિક પરિસ્થિતિનો ચિતાર આપવાનો આ લેખ દ્વારા પ્રયત્ન છે. જે પરિસ્થિતિમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ તેવી કે તેના જેવી પરિસ્થિતિ અન્ય દેશોમાં પણ છે. આપણાં સમાચાર માધ્યમોમાં આ બાબતની ચર્ચા જવલ્લે જ જોવા મળે છે. અહીં ફિલીપાઇન્સની પરિસ્થિતિ તેમજ ત્યાંના રાષ્ટ્રપતિના એકહથ્થુ શાસન વિશે રજૂઆત કરવામાં આવી છે.  – સં.)

કોરોના મહામારીને કારણે ફિલીપાઈન્સમાં પણ માર્ચના મધ્યથી ભારતની જેમજ કોઈ તૈયારી વિના લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું. આ દરમ્યાન વાયરસના ચેપની સંખ્યામાં ખાસ કોઈ ઘટાડો નોંધાયો નથી. પરંતુ આપણી જેમ બેફામપણે વધી પણ નથી. ૧લી જૂનથી દેશ અનલોકની સ્થિતિમાં છે પરંતુ આ બધા વચ્ચે ફિલીપાઇન્સમાં એન્ટી ટેરરીઝમ બિલ ૨૦૨૦ના ખરડાને લઈને ભયંકર ઊથલ-પાથલની પરિસ્થિતિ ઊભી થઈ છે.

આ બિલની ટીકા તત્કાલીન ઉપરાષ્ટ્રપતિશ્રી લેનિ રોબ્રેડોથી માંડીને સામાજિક કાર્યકરો, વિપક્ષના નેતાઓ, પત્રકારો, રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાઓ પણ કરી રહ્યાં છે. આમ છતાં આ ખરડો ત્યાંની સંસદમાં પાસ થઈને રાષ્ટ્રપતિની સહી માટે પહોંચી ગયો છે, જે એક ઔપચારિકતા માત્ર છે. ફિલીપાઇન્સના ૧૨૨મા સ્વાતંત્ર્ય દિવસ ૧૨મી જૂને આખા દેશમાં લોકોએ એક અવાજે આ ખરડાનો વિરોધ કર્યો. રાષ્ટ્રપતિ દુએર્તે તેના ઉપર સહી નહીં કરે તો પણ ૩૦ દિવસમાં આ કાયદો ત્યાં લાગુ થઈ જશે.

આ વિધેયક આતંકવાદીઓ તેમજ આતંકની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું છે. ન્યાયની પ્રક્રિયાઓને નજરઅંદાજ કરીને માત્ર શંકાના આધારે વોરંટ વિના ધરપકડ તેમજ લાંબી અવધિની જેલની સજાની જોગવાઈ વાળો આ ખરડો સુરક્ષાબળોને અમર્યાદિત સત્તા આપે છે. આ કાયદાના દુરુપયોગની પૂરેપૂરી આશંકા હોવાને કારણે જ નાગરિક સમાજ, વિરોધપક્ષો, મીડિયા તેમજ માનવ અધિકાર કાર્યકર્તાઓમાં એક પ્રકારના ભયની સ્થિતિ છે. એક રીતે જોવા જઈએ તો આ કાયદો ભારતમાં હાલમાં એનડીએ સરકાર દ્વારા ગેરકાનૂની ગતિવિધિ નિરોધક કાયદા (UAPA)માં કરવામાં આવેલ ફેરફારોના જેવો જ છે. ત્યાંના આંદોલનકારીઓના મતે આ કાયદામાં કશું જ નવું નથી. રાષ્ટ્રપતિ દુએર્તે દ્વારા ડ્રગ માફિયાને ખતમ કરવાના બહાને ચલાવવામાં આવી રહેલ અભિયાન અંતર્ગત ભરવામાં આવી રહેલ પગલાંઓનો આ એક ભાગ જ છે. વર્ષ ૨૦૧૬ના જૂનમાં ભારે બહુમતીથી ચૂંટાઈને આવ્યા ત્યારથી આજ સુધીનો તેમનો કાર્યકાળ આવા અનેક વિવાદાસ્પદ મામલાઓથી ભરેલો છે.

ફિલીપાઇન્સના આંદોલનનો મુખ્ય નારો છે, “આંદોલન, આંદોલનકારી કે અસહમતિ આતંક નથી.” કોવિડને કારણે લાગુ સામુદાયિક સંસર્ગ-નિષેધ (Community Quarantine) નું ઉલ્લંઘન કરીને હજારો વિદ્યાર્થીઓ, કાર્યકર્તા તેમજ નાગરિકો આ કાળા કાયદાનો વિરોધ કરવા રસ્તા પર ઊતરી આવ્યા હતા. વિદ્યાપીઠોનાં પરિસરોમાં સુરક્ષાબળ દ્વારા આ વિદ્યાર્થીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો, તેમને પકડી લેવાયા તેમજ હેરાન કરવામાં આવ્યા, આપણે ત્યાં જામિયા મિલીયા અને જેએનયુના વિદ્યાર્થીઓ સાથે જે વર્તણૂક પોલીસ દ્વારા કરવામાં આવી હતી તેવું જ ફિલીપાઈન્સમાં પણ બન્યું.

લોકડાઉનને કારણે લોકો અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આપણે ત્યાં જેમ પરપ્રાંતથી આવેલા મજૂરો ફસાયેલા હતા તેવી જ કંઈક પરિસ્થિતિ ફિલીપાઇન્સમાં પણ થઈ છે. પરંતુ સરકાર આરોગ્યની કટોકટી કે આર્થિક કટોકટીના ઉપાયો કરવાને બદલે આ નવો ખરડો પસાર કરીને લોકોના વિરોધને ગમે તેમ કરીને દબાવી દેવાના પેંતરા રચી રહી છે, નાગરિક સમાજને ડરાવી-ધમકાવી રહી છે. જેથી આગળ જતાં કોઈ પણ જાતનો વિરોધ તે ન કરી શકે.

આ ખરડાનો વિરોધ કરનારાઓ માટે બિલકુલ આપણી સરકારોની જેમજ શાસનનું કહેવું છે કે, માત્ર આતંકવાદના સમર્થન કરનારા લોકો આ કાયદાથી ડરે છે, બીજા કોઈએ એની ચિંતા કરવાની જરૂર નથી. બધું એકદમ પરિચિત લાગે છે. સોશિયલ મીડિયા પર સરકારી આઈટી સેલનું છાઈ જવું, દક્ષિણપંથી સમાચાર ચેલનોના પત્રકાર, Fake News , ન્યાયપાલિકાના માધ્યમથી સરકારનાં બધાં કામોમાં સમર્થનનો એક માહોલ; એવું લાગે છે જાણે બંને દેશોની પટકથા એક જ વ્યક્તિએ ન લખી હોય !

રાષ્ટ્રપતિ દુએર્તેનો કાર્યકાળ ડ્રગ માફિયા વિરુદ્ધ ચલાવવામાં આવેલ અભિયાન અને તેને સંલગ્ન વિવાદોથી ભરેલો છે. આ અભિયાન અંતર્ગત સુરક્ષાબળો દ્વારા અંદાજે ૩૦,૦૦૦ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. મારવામાં આવેલા ઘણા લોકોને માદક પદાર્થની લે-વેચ સાથે કોઈ લેવા-દેવા ન હતી. સૌથી વધુ અસર ગરીબ, ગ્રામીણ તેમજ હાંસિયા પરના લોકો ઉપર થઈ છે. સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકારના એક દસ્તાવેજ પ્રમાણે ૨૦૧૫ અને ૨૦૧૯ વચ્ચેના ગાળામાં ઓછામાં ઓછા ૨૪૮ માનવ-અધિકાર કાર્યકર, વકીલ, પત્રકાર તેમજ કામગાર સંગઠન સાથે જોડાયેલા લોકો મૃત્યુ પામ્યા છે.

ભારતમાં જેમ ‘અર્બન નક્સલ’નું લેબલ લગાવાય છે તેમ ફિલીપાઇન્સમાં ‘રેડ ટેગીંગ’નું લેબલ આવા કાર્યકરોને લગાવી દેવાય છે, જેને લીધે નાગરિક સમાજ તેમજ અભિવ્યક્તિની સ્વતંત્રતા ઉપર ગંભીર જોખમ ઊભું થયું છે. આ રિપોર્ટ આગળ કહે છે કે જેમનું રેડ-ટેગીંગ કરવામાં આવ્યું હતું તેમાંના ઘણાને પાછળથી મારી નાંખવામાં આવ્યા. કર્મશીલોને ડરાવવા, ધમકાવવા, ફોન પર ધમકીઓ આપવાનું પણ બનતું રહે છે. તત્કાલીન શાસન દ્વારા ચોક્કસરૂપે એક વિકૃત સંસ્કૃતિને પ્રોત્સાહન તેમજ સંરક્ષણ આપવામાં આવે છે.

રાષ્ટ્રપતિ દુએર્તેની કાર્યશૈલી એટલે ખોટા વાયદા, ખોટો પ્રચાર અને મોટાં મોટાં સૂત્રો. ડ્રગ માફિયાને ખતમ કરવાનો સ્વાંગ રચીને તેઓ લોકોને બહેકાવતા રહે છે અને તાકાતવર તથા લોકપ્રિય નેતા તરીકે પોતાની છબી ઉપસાવી શક્યા છે. જેમ આપણે ત્યાં ચૂંટણી તેમજ અન્ય સ્થળોએ ખૂબ નીચા સ્તરની ભાષા, ગાળો બોલાય છે તેવું જ ફિલીપાઈન્સના રાષ્ટ્રપતિ પણ ખુલ્લેઆમ – “જો તમે ડ્રગ્સથી મારા દેશના યુવાઓને નુકસાન કરશો તો હું તમને મારી નાંખીશ – મારો, મારો” એવી ભાષા બોલે છે. આ બધાનું પરિણામ દીવા જેવું સાફ છે. આપણા દેશની જેમજ ફિલીપાઇન્સની જનતાએ પણ સરકારી તેમજ પોલીસ હિંસાને યોગ્ય માની લીધી હોય તેવું લાગે છે.

ડ્રગ માફિયા સામેની આ લડાઈમાં થનારા માનવ અધિકારોના હનન માટે ફિલીપાઇન્સની સરકારને આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા તેમજ વિરોધનો સામનો કરવો પડ્યો છે, પરંતુ તેનાથી કંઈ ત્યાંના રાષ્ટ્રપતિશ્રીને ફેર પડતો નથી. આંતરરાષ્ટ્રીય અપરાધ ન્યાયાલય; હેગમાં જ્યારે માનવતાની વિરુદ્ધના ગુનાઓ બદલ એક કેસ દાખલ થયો તો ઊલટું ફિલીપાઇન્સે એના સભ્યપદેથી  રાજીનામું આપી દીધું. ફિલીપાઇન્સનાં ન્યાયાલયોમાં પણ દુએર્તે અને તેના સાથીદારોની સામે થયેલ કેસો (ખટલા) બહુ આગળ વધી શક્યા નથી.  યાદ રહે, ભૂતકાળમાં અહીંના ઘણા રાષ્ટ્રપતિઓને જેલમાં જવું પડ્યું છે અથવા કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું છે. આ જ કારણ છે કે તત્કાલીન રાષ્ટ્રપતિ આયોજનબદ્ધ રીતે દરેક સંસ્થાને નબળી બનાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છે.

હાલની ફિલીપાઇન્સની પરિસ્થિતિ બહુ આશા જન્માવનારી નથી. ૨૦૧૯માં થયેલ ચૂંટણીઓમાં સેનેટમાં દુએર્તેના ગઠબંધન ‘હગપોંગ પગબાગો’એ ભારે બહુમતી સાથે જીત મેળવી. આવું એવા સમયે થયું છે જ્યારે છેલ્લા વર્ષમાં સૌથી વધુ ફુગાવો, ચીનનું આક્રમણ, ભ્રષ્ટાચાર, દમન, પ્રેસની સ્વતંત્રતા પર તરાપ અને સૌથી ગંભીર બાબત તો ૩૦,૦૦૦ નાગરિકોનાં મૃત્યુ થયાં છે. આ બધી વાતો પણ જોકે આપણા જેવા દેશ માટે નવાઈ પમાડે તેવી નથી જ.

ભારતની જેમ ફિલીપાઇન્સમાં પણ એક મજબૂત, વિશાળ અને પ્રભાવશાળી આંદોલનકારી સમાજ છે, જેનાં મૂળિયાં લોકશાહી પરંપરામાં ખૂબ ઊંડે ગયેલાં છે. અહીં ગોરીલા વિદ્રોહનો પણ એક લાંબો ઇતિહાસ છે. ૧૯૬૦માં સામંતવાદના શોષણની સામે ખેડૂતોનું આંદોલન, ૧૯૭૨ના માર્શલ લૉ પછી લોકશાહી તેમજ અધિકાર માટેનાં સંગઠનોનો જન્મ, રાષ્ટ્રપતિ માર્કોસની સરમુખત્યારશાહી અને પછી ૧૯૮૬ની લોકક્રાંતિ તેમજ ૧૯૮૭માં નવા બંધારણની સાથે નવી રાજનૈતિક શક્તિઓનું આકાર પામવું.

ત્યારબાદ નેવુંના દશક પછી મુદ્દાઓ આધારિત આંદોલનો, નેટવર્ક તેમજ સ્વયંસેવી સંસ્થાઓનો જન્મ. આ ઉપરાંત એક બહુ જ શક્તિશાળી પર્યાવરણીય આંદોલન, મહિલા આંદોલન, ખેડૂતોનાં સંગઠન, ટ્રેડ યુનિયન વગેરે ત્યાં ફાલ્યાં છે. વિશ્વભરમાં એક કરોડ ફિલીપીનો ફેલાયેલા છે, જેમનો દેશના સમાજ પર તેમજ રાજકારણ પર ખાસ્સો પ્રભાવ છે. હાલની પરિસ્થિતિમાં વિદેશમાં વસતા ફિલીપીની લોકો તેમજ સમૂહોએ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. (અલબત્ત, આ વાત આપણા એન.આર.આઈ. બાંધવો કરતાં નિરાળી છે !!)

રાષ્ટ્રવાદ તેમજ તેના પર ચાલી રહેલું રાજકારણ આજે દુનિયાભરમાં તેની ચરમસીમા પર પહોંચેલું છે. તે દેશોને, અને દેશમાં વસતા લોકોને બહુ ખરાબ રીતે વિભાજિત પણ કરી રહ્યું છે. ફિલીપાઇન્સમાં પણ શાસન દ્વારા પ્રયોજિત રાષ્ટ્રવાદી રાજકારણે સમાજને વિભાજિત કરી દીધો છે તેમજ રોજિંદા રાજકારણના તાણાવાણાને સ્પર્શ કર્યો છે. રાષ્ટ્રપતિ દુએર્તે એક અત્યંત વિભાજનકારી વ્યક્તિત્વ છે. તેમણે પોતાની એક શક્તિશાળી અને લોકપ્રિય એવી રાજનૈતિક છબી તેમજ એક બ્રાન્ડ બનાવી છે. એકદમ આયોજનબદ્ધ રીતે ખ્રિસ્તી પાદરીઓ, મુસલમાનો, કમ્યુનિસ્ટ ગોરીલા, માનવ અધિકાર કાર્યકર્તાઓના વિરોધમાં એક માહોલ બનાવવામાં આવ્યો છે, જેથી સત્તાને તેમના તરફથી કોઈ પડકારનો સામનો ન કરવો પડે.

વિવિધ ચિત્રો દ્વારા પણ લોકશાહી મૂલ્યો માટેની લડત

આ આખી પ્રક્રિયામાં એક બાબતે દેશમાં વિશેષ ધ્યાનાકર્ષણ કર્યું છે. તે છે હાલની સેનેટના સભ્ય, માનવ અધિકાર આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ અને દેશના ભૂતપૂર્વ ન્યાયમંત્રી લીલા ડી લીમાની ડ્રગ માફિયાને મદદ કરવાના આરોપ બદલ ધરપકડ. આ બાબતની કડક નિંદા દેશ-વિદેશમાં દરેક જગ્યાએ થઈ છે. ઉપજાવી કાઢેલા તેમજ પાયા વગરના આક્ષેપોથી કરવામાં આવેલી આ ધરપકડને લીધે ન્યાયિક પ્રક્રિયાઓમાંથી કશું ઊપજતું ન હોવા છતાં ત્રણ વર્ષથી તેમને જેલમાં કેદ કરી રાખ્યા છે. તેઓ જેલમાંથી જ સેનેટની કાર્યવાહીમાં ભાગ લે છે, પોતાના મત પ્રદર્શિત કરે છે અને દેશના રાજકારણને પ્રભાવિત કરતા રહે છે.

પ્રશાંત મહાસાગરમાં ૭,૫૦૦થી વધુ ટાપુઓ તેમજ દસ કરોડની વસ્તી ધરાવતો આ દેશ ચીન, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા સાથે સારા સંબંધો ધરાવતો હોવાથી આર્થિક, ભૌગોલિક તેમજ વ્યૂહરચનાની રીતે મહત્ત્વ ધરાવતો દેશ છે. ૩૦૦ વર્ષ સુધી સ્પેનનું શાસન અને ત્યાર પછી બીજા વિશ્ર્વયુદ્ધ સુધી દેશ પર યુ.એસ.એ.ના કબજાએ ફિલીપાઇન્સના રાજકારણ ઉપર ઊંડી અસર કરી છે. પ્રશાંત મહાસાગરમાં યુ.એસ.એ.નો આ એક ખૂબ નજીકના સંબંધો ધરાવતો સાથીદાર છે. અને અહીં યુ.એસ.ના લશ્કરની છાવણી પણ છે. આજે ભારત અને ફિલીપાઇન્સ પોતાના ઇતિહાસના એક સરખા વળાંક પર ઊભા છે. બંને દેશોમાં દક્ષિણપંથી લોકપ્રિય સરકારોનો ઉદય અને સરમુખત્યારશાહી પ્રવૃત્તિઓનું ફાલવું આંદોલન માટે એક મોટો પડકાર છે. આ દેશોમાં ચાલી રહેલા ઘટનાક્રમ આખા વિશ્વમાં લોકશાહીના ભવિષ્ય પર પ્રભાવ પાડવાની ક્ષમતા ધરાવે છે.

ફિલીપાઇન્સના અત્યંત મહત્ત્વના વિચારકોમાંનાં એક તેમજ ભૂતપૂર્વ સંસદ સભ્ય વાલ્ડેન બેલો કહે છે, “આજે ભારત અને ફિલીપાઇન્સમાં જે શાસન છે તેને Populist Politics (લોકપ્રિય રાજકારણ)ન કહેતાં તેને પ્રતિક્રિયાવાદી રાજકારણનો ઊભાર કહેવો જોઈએ.” તેઓ આગળ કહે છે, “આજે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, પરંતુ માનવ અધિકાર, જનતાંત્રિક પ્રતિક્રિયાઓ, લોકશાહીના અધિકારોની રક્ષા માટે આક્રમક આંદોલન કરવું પડશે, એક વિકલ્પ તૈયાર કરવો જ પડશે અને તે આ સંઘર્ષોમાંથી જ નીકળશે.”

સેનેટર લીલા ડી લીમા કહે છે, “આજે જે રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ છે તેને માટે ક્યાંક ને ક્યાંક હાલની લોકશાહીથી લોકોનો મોહભંગ થયો છે તે પણ એક કારણ છે, જે આ નવા બાહુબલી નેતાઓ તરફ લોકોને આકર્ષિત કરે છે. કમનસીબે આજ સુધી આપણે તેનો વિશ્ર્વાસજનક વિકલ્પ આપી શક્યા નથી. પરંતુ આ શક્તિશાળી એકલ-દોકલ નેતાઓને બદલે લોકશાહીપૂર્ણ શાસનનો વિકલ્પ ન આપીએ ત્યાં સુધી સંઘર્ષ કરતા જ રહીશું. આ આખી બાબત ખૂબ જટિલ છે. આવા નેતાઓના વારંવાર સત્તા પર આવવાની ઘટનાને તેમની ચાલાકી, છળ-કપટ કે ભ્રમમાં નાંખીને જીતવાની કળા માનતા હોઈએ તો આપણે એક મોટી ભૂલ કરીએ છીએ. આ વાત ભારતના સંઘર્ષો માટે પણ એટલી જ લાગુ પડે છે.”

‘જનપથ’માંથી અનુવાદિત      – મધુરેશકુમાર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s