શું હવે પર્યાવરણના ભોગે થશે ઉદ્યોગોનો વિકાસ?

જૂન ૨૦૧૪માં આઈ.બી. રિપોર્ટ લીક થયો (કે કરવામાં આવ્યો?) તેમાં ૧૨૯  જેટલી વ્યક્તિઓ/સંસ્થાઓને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અટકાવવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા. વળી, કહેવામાં આવ્યું કે આવાં તત્ત્વો દ્વારા દેશનો વિકાસ રૂંધાયો છે અને જીડીપીમાં ૨ થી ૩ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

૧૫ ઓગસ્ટ, ૨૦૧૪ના રોજ લાલ કિલ્લા પરથી એક સૂત્ર અપાયું. ‘મેઇક ઇન ઇન્ડિયા’, ‘મેઈડ ઇન ઇન્ડિયા’ સાથે સાથે બીજું સૂત્ર પણ ત્યારબાદ અપાયું તે ‘ઝીરો ડિફેક્ટ એન્ડ ઝીરો ઈફેક્ટ.’ વિદેશોની ભૂમિ પરથી બોલવામાં આવ્યું કે, ભારતમાં આવો, મૂડી રોકાણ કરો; તમને અમારા કોઈ કાયદા (ખાસ કરીને પર્યાવરણ અને કામદાર કાયદા) નહિ નડે અને પ્રવર્તમાન કાયદાઓની અડચણ દૂર કરીશું.

આ પ્રક્રિયાને એક ઉદાહરણ દ્વારા વિસ્તૃત રીતે જોઈએ. ૨૯ ઓગસ્ટ, ૨૦૧૪ ના રોજ ભારત સરકારના વન પર્યાવરણ તથા ક્લાઈમેટ ચેન્જ મંત્રાલયના કાર્યાલય તરફથી હુકમ બહાર પડાયો હતો જેમાં શ્રી ટી. એસ. આર. સુબ્રમણ્યમ્ ભૂતપૂર્વ કેબીનેટ સેક્રેટરીના અધ્યક્ષ પદે ઉચ્ચ સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું. જે સમિતિએ વિવિધ કાયદાઓનું આકલન કર્યું.

ચાર તજ્જ્ઞ સભ્યો અને બે સચિવોની બનેલી આ સમિતિમાં (૧) શ્રી ટી. એસ. આર. સુબ્રમણ્યમ્ (ચેરમેન) (૨) શ્રી વિશ્વનાથ આનંદ (ભૂતપૂર્વ સેક્રેટરી) વન અને પર્યાવરણ મંત્રાલય (૩) જસ્ટીસ શ્રી એ.કે. શ્રીવાસ્તવ (નિવૃત્ત જજ, દિલ્હી હાઈકોર્ટ) અને (૪) સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ શ્રી કે. એન. ભાટનો સમાવેશ થયેલ હતો. સમિતિના બે સચિવોમાં વન અને પર્યાવરણ મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી વિશ્વનાથ સિન્હા તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તત્કાલીન સભ્ય સચિવ શ્રી હાર્દિક શાહનો સમાવેશ કરાયો હતો.

આ ઉચ્ચસ્તરીય સમિતિને નીચે મુજબ પર્યાવરણના કાયદાનું મૂલ્યાંકન કરીને સુધારા સૂચવવા માટે બે માસની મુદત આપવામાં આવી હતી

 1. Environment (Protection) Act, 1986
 2. Forest (conservation) Act, 1980
 3. Wildlife (protection) Act,1972
 4. The water (prevention and control of Pollution) Act 1974
 5. The Air (prevention and control of Pollution) Act 1981

ઉપરોક્ત કાયદાઓના અમલીકરણમાં મેળવેલ અનુભવોને લીધે નીચે મુજબના સંદર્ભોના આધારે આ ઉચ્ચ સ્તરીય સમિતિને કામ કરવાનું કહેવાયું હતું :

 • ઉપરોક્ત પ્રત્યેક કાયદાની હાલની સ્થિતિએ થઈ રહેલું અમલીકરણ,  જુદી-જુદી અદાલતો દ્વારા આપેલા ચુકાદાઓનું અવલોકન કરવું અને કાયદાઓના સંદર્ભ આવેલ ઉચ્ચારણોને ગણતરીમાં લેવાં.
 • કાયદાઓના મૂળ ઉદ્દેશોને લક્ષમાં રાખીને પ્રત્યેક કાયદામાં સુધારા સૂચવવા.
 • સૂચવેલ ભલામણને પહોંચી વળવા સુધારાઓનો કાચો મુસદ્દો તૈયાર કરવો.

આ કાર્યાલય આદેશ વન, પર્યાવરણ અને ક્લાઈમેટ ચેન્જ મંત્રાલયની વેબસાઇટ પર મૂકવામાં આવ્યો અને એક મહિના સુધીમાં નાગરિકો પાસેથી મંતવ્યો મંગાવ્યાં હતાં. ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ બીજો એક સુધારો રજૂ થયો, જેમાં મંત્રાલયે ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ ૧૯૨૭ નો પણ સમાવેશ કર્યો.

તા. ૨૮ ઓક્ટોબર ૨૦૧૪ના બીજા એક કાર્યાલય આદેશ દ્વારા આ ઉચ્ચસ્તરીય સમિતિની મુદત એક મહિનો વધારવામાં આવી એટલે કે તારીખ ૨૯ ઓક્ટોબર ૨૦૧૪થી તારીખ ૨૮ નવેમ્બર ૨૦૧૪ કરવામાં આવી.

આ સમગ્ર પ્રક્રિયામાં નીચે મુજબના પ્રશ્નો ઊભા થાય. છ જેટલા મોટા પર્યાવરણના કાયદાઓ સુધારવાના હોવા છતાં કોઈ જાહેર સૂચના અખબારો કે અન્ય માધ્યમો દ્વારા આપવામાં આવી ન હતી. માત્ર વન પર્યાવરણ તેમજ કલાયમેટ ચેન્જ મંત્રાલયની વેબસાઈટ દ્વારા જ જાહેરાત કરવામાં આવી. વેબસાઈટ પર કેટલાંક મોટાં શહેરોમાં પબ્લિક ક્ધસલ્ટેશનની વાત પણ કરવામાં આવેલી હતી. અલબત્ત, તેમાં હંગામી તારીખો જણાવેલી, સ્થળ વિશેની જાણકારી ન હતી.

‘પર્યાવરણ મિત્ર’એ પત્ર લખીને જાણ કરેલી કે બહોળા પ્રમાણમાં લોકમત ઊભો કરવા માટે વિવિધ અખબારો, ટીવી ચેનલો જેવાં માધ્યમોનો ઉપયોગ કરો. તદુપરાંત, પર્યાવરણ મિત્રએ બીજો પત્ર લખીને મંત્રાલયને જાણ કરી કે હંગામી તારીખો અને શહેરોનાં નામ લોક સંપર્ક બેઠક હેતુ મૂકવામાં આવ્યાં છે. પરંતુ, ચોક્કસ સ્થળ અને સમય બતાવાયો નથી. આ પત્ર પછી પણ મંત્રાલયે સમય/સ્થળ જણાવ્યાં ન હતાં. આમ કુલડીમાં ગોળ ભાંગવામાં આવ્યો. ઉચ્ચસ્તરીય સમિતિએ તેના અહેવાલમાં સમયની મર્યાદાનું ગાણું ગાયું છે. પરંતુ, અહેવાલ નિયત તારીખ કરતાં વહેલો સુપ્રત કરવવામાં આવ્યો.

અહેવાલ મળતાંની સાથે જ પર્યાવરણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે જાહેર કરી દીધું કે આગામી બજેટ સત્રમાં પર્યાવરણના કાયદાના સુધારા લઈને સંસદમાં રજૂ કરીશું. અહેવાલમાં આપવામાં આવેલ જોગવાઈઓ કે અહેવાલની પૂર્ણતાની સ્વીકૃતિ વગર જ પ્રકાશ જાવડેકરનું આ વિધાન જરૂર સૂચક હતું.

આ અહેવાલ સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ વિભાગની પાર્લામેન્ટરી સ્ટેન્ડિંગ કમિટીને સોંપવામાં આવ્યો. તેના દ્વારા ૧૯ ડિસેમ્બરના રોજ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા વેબસાઈટ પર જાહેરાત મુકાઈ કે ૩૧ ડિસેમ્બર ૨૦૧૪ સુધી લોકોએ પોતાનાં મંતવ્યો સંસદીય સમિતિને આપવાં. દેશભરના પર્યાવરણવાદીઓએ સખત વાંધો લેતાં શ્રી અશ્વિનીકુમાર (સાંસદ)ના નેતૃત્વ હેઠળની આ સ્ટેન્ડિંગ કમિટીએ એનવાયરમેન્ટલ લો મેનેજમેન્ટ એક્ટને નામંજૂર કર્યો.

સરકાર આટલેથી ન અટકતાં ‘મેઇક ઇન ઇન્ડિયા’, ‘મેડ ઇન ઇન્ડિયા’ને સાકાર કરવા ઔધોગિક ગૃહોને પર્યાવરણની મંજૂરી મેળવવામાં કાયદાઓનું કોઈ બંધન આડે ન આવે તેનું જ ધ્યાન રખાયું હોય તેવું લાગે છે. ઝીરો ઇફેક્ટના રૂપાળા સૂત્રની ઓથે પર્યાવરણની ઐસી કી તૈસી કરીને સરકાર દ્વારા પર્યાવરણના કાયદાઓને હળવા કરી ઉદ્યોગોને લાવીને પર્યાવરણ બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેને માટે EIA નોટિફિકેશનમાં સુધારો લાવવાનું જાહેરનામું તારીખ ૧૦/૦૫/૨૦૧૬ના રોજ વન અને પર્યાવરણ મંત્રાલય દ્વારા પ્રસિદ્ધ કરાયું હતું.

આ નવા મુસદ્દામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે પર્યાવરણનો ભંગ કરો તો કંઈ વાંધો નહીં. પરંતુ સરકારે એક તજ્જ્ઞ સમિતિ બનાવી છે. તેના કહેવા મુજબ એન્વાયરન્મેન્ટ સપ્લિમેન્ટ પ્લાન તૈયાર કરો એટલે બધા ગુના માફ. મતલબ કે જો કોઈ પ્રકલ્પ દ્વારા પર્યાવરણીય સંમતિ ના લીધી હોય અને ઉદ્યોગ કે કોઈ પ્રકલ્પ ચાલુ કરી દીધો હોય તો તેની મંજૂરી રદ નહીં થાય. તેની સામે કાનૂની કાર્યવાહી નહીં થાય. માત્ર સપ્લિમેન્ટ પ્લાન મંજૂર કરાવી દો. પ્રદૂષણ કરો, પર્યાવરણને નુકસાન કરીને પૈસા ભરી દો એટલે ગુનો માફ !

દેશમાં જ્યારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ મજબૂત બની છે ત્યારે તેમાંથી મુક્તિ મેળવવા સરકારે આ રસ્તો અપનાવ્યો છે. હાલની સરકારની રચના થયાની શરૂઆતમાં જ છ પર્યાવરણીય કાયદાને એક કાયદામાં રૂપાંતર કરવાની પહેલ કરેલી. પરંતુ, દેશભરમાં થયેલા વિરોધને પગલે સરકારે એન્વાયરન્મેન્ટ લો મેનેજમેન્ટ કાયદાને પડતો મૂકયો હતો. અલબત્ત, તે કાયદાનું એક પ્રતિબિંબ આ મુસદ્દામાં છે.

સાભાર : કાર્ટૂનિસ્ટ સતીશ આચાર્ય

ત્યારબાદ ૧૫ એપ્રિલ, ૨૦૧૯ના રોજ સારથકુમાર નીતિ વિભાગના નિર્દેશક (Director/IA Policy Division)ની સહીથી ઓફિસ મેમોરેન્ડમ દ્વારા ઊઈંઅ નોટિફિકેશન ૨૦૧૯ સરકારી વિભાગોમાં આંતરિક સૂચનો માટે મુકાયું, જેનું પણ અમલીકરણ ના થયું.

છેવટે બહુ ચર્ચાસ્પદ બનેલ ડ્રાફ્ટ ઈ.આઈ.એ. ૨૦૨૦ લોકોનાં સૂચનો માટે પ્રસ્તુત છે.

ભારતના વડાપ્રધાનશ્રીએ ૧૫ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતાં કહ્યું હતું કે, આપણો દેશ કુદરતી સંસાધનોથી સમૃદ્ધ છે. કુદરતી સંસાધનોનો વ્યાપક ઉપયોગ કરીને આપણે દેશનો વિકાસ કરવો છે. ખાસ કરીને ઉત્તર પૂર્વીય રાજ્યોના વિકાસ સંદર્ભે વાત કરી. આ ડ્રાફ્ટ ઊઈંઅ નોટિફિકેશન ૨૦૨૦માં વડાપ્રધાનશ્રીના ભાષણનું અમલીકરણ કરવાનો પ્રયાસ કરાયો છે.

ડ્રાફ્ટ એન્વાયરન્મેન્ટલ ઈમ્પેક્ટ એસેસમેન્ટ નોટિફિકેશન  ૨૦૨૦ : ૨૩ માર્ચ, ૨૦૨૦ના રોજ જાહેર કરાયું. પરંતુ, લોકોનાં સૂચન માટે તે ૧૧ એપ્રિલ, ૨૦૨૦ના રોજ વેબસાઈટ પર મૂકવામાં આવ્યું અને ૧૧ જૂન, ૨૦૨૦ સુધીમાં સૂચનો મંગાવવામાં આવ્યાં. આ ગાળામાં સમગ્ર દેશ લોકડાઉન હેઠળ હતો જેથી સમગ્ર દેશમાંથી વિરોધ થયો કે, આ નોટિફિકેશન પાછું ખેંચી લેવું જોઈએ. અલબત્ત, ભારત સરકારે આ નોટિફિકેશન માટે સૂચનો મંગાવવાની તારીખમાં ૩૦ જૂન, ૨૦૨૦ સુધી વધારો કરી આપ્યો. દરમ્યાન, દિલ્હીની વડી અદાલતે ૧૧ ઓગસ્ટ, ૨૦૨૦ સુધી સૂચનો સ્વીકારવા આદેશ કર્યો.

જો આ ડ્રાફ્ટ નોટિફિકેશનનું અમલીકરણ થશે તો પર્યાવરણને ખૂબ જ મોટું નુકસાન થશે તેમજ કુદરતી સંસાધનો આધારિત જીવતા લોકોની પણ મુશ્કેલીઓ વધી જશે. એટલે ચોમેરથી આ ડ્રાફ્ટ નોટિફિકેશન પાછું ખેંચી લેવાની માંગ ઊઠી છે. ઈ.આઈ.એ. ૨૦૦૬ પ્રમાણે ૮ પ્રકારની કેટેગરી માટે પર્યાવરણીય સંમતિ (એન્વાયરન્મેન્ટ ક્લીયરન્સ) લેવાની હતી. નવા નોટિફિકેશનમાં આ કેટેગરી દૂર કરીને ૪૩ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય સંમતિ લેવાનું નક્કી કર્યું છે. પહેલી નજરે એવું લાગે કે, બહુ બધા પ્રકલ્પને પર્યાવરણીય અનુમતિ માટે આવરી લેવામાં આવ્યા છે. હકીકતમાં, કેટેગરી બી-૨ નો ઉમેરો કરીને મહદ્અંશે ઉદ્યોગોને એન્વાયરન્મેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ અને પર્યાવરણીય અનુમતિમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે.

અચરજ એ વાતની છે કે, ડ્રાફ્ટ ઈ.આઈ.એ. ૨૦૨૦ માં બી-૨ કેટેગરીના પ્રકલ્પોને પર્યાવરણીય મંજૂરી લેવાની થાય, જે સામાન્ય રીતે વહીવટીય મંજૂરી છે. પર્યાવરણીય મંજૂરીથી પર્યાવરણનું જતન કરવાને સ્થાને ઉદ્યોગો જલદી કાર્યરત થાય તેવો હેતુ છે. આ ડ્રાફ્ટ નોટિફિકેશનમાં ૪૦ જેટલી પ્રવૃત્તિઓને મુક્તિ મળે છે.

 1. જેમાં સોલાર પાવર પ્લાન્ટ્સ, સોલાર થર્મલ પ્લાન્ટ્સ, સોલાર પાર્ક્સ વગેરેને પર્યાવરણીય મંજૂરી લેવાની નથી થતી. દેશમાં વ્યાપક ફરિયાદો ઊઠી છે કે, વિશાળ જમીનમાં પથરાયેલા સોલાર પાર્ક્સથી સામાજિક આર્થિક અને પર્યાવરણને  વ્યાપક નુકસાન થયું છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં પણ આ બાબતના કેસ નોંધાયા છે.
 2. આ ડ્રાફ્ટ નોટિફિકેશન દ્વારા ધંધાદારી પ્રોજેક્ટ ઉત્પાદન ન હોય તેવા રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટને મુક્તિ આપવામાં આવી છે. સવાલ ધંધાદારી ઉત્પાદન હોય કે ન હોય તેનો નથી પરંતુ, પ્રદૂષણની ખરાબ અસરો કેટલી થાય છે તેને આધારે નક્કી કરવાનો છે.
 3. દેશમાં મોટી જગ્યામાં અને વિશાળ સંખ્યામાં પથરાયેલા પવન ચક્કી પ્રોજેક્ટ અંગે ડ્રાફ્ટ નોટિફિકેશન ચુપકીદી સેવે છે. પવનચક્કી પ્રકલ્પોને લીધે સામાજિક અને પર્યાવરણ બાબતે વિપુલ માત્રામાં આર્થિક નુકસાન થવાના બનાવો નોધાયા છે.
 4. આ ડ્રાફ્ટ નોટિફિકેશનમાં એક જ પ્રકારના ઉદ્યોગો જો કોમન ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના હોય તો આ પ્રકારના CETPને પર્યાવરણીય સંમતિમાંથી મુક્તિ જાહેર કરી છે. ખરેખર, પર્યાવરણને નુકસાન કરનાર આ પગલું છે.
 5. સુરેખ પ્રકલ્પો જેવાકે, નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે વગેરેના ક્ષમતા વર્ધન એક્સપાન્શન માટે પર્યાવરણીય અનુમતિમાંથી મુક્તિ આપવામાં આવી છે.
 6. આ ઉપરાંત લાઈન ઓફ એક્ચ્ચુલ કંટ્રોલથી ૧૦૦ કિ.મી.ના અંતરે બનનાર રોડ રેલવેને પણ મુક્તિ આપવામાં આવી છે.
 7. આ ઉપરાંત સંરક્ષણના પ્રકલ્પો તેમજ સરકાર જેને સ્ટ્રેટેજીક પ્રોજેક્ટ તરીકે ઓળખાવે તેવા પ્રકલ્પોને પણ મુક્તિ બક્ષવામાં આવી છે.
 8. આ નોટિફિકેશનમાં ૧૦% જેટલી ક્ષમતા વધારતા પ્રકલ્પો હોય તેમને વધારાના ઉત્પાદન માટે પર્યાવરણીય સંમતિમાંથી મુક્તિ આપવામાં આવી છે, જે ખૂબ ગંભીર છે. મોટા કદના પ્રોજેક્ટની ૧૦% ક્ષમતા વધારતા પ્રદૂષણની શક્યતા તેમજ તેની સામાજિક-આર્થિક અસરો તથા પર્યાવરણને થતું નુકસાન પણ નોંધપાત્ર હોવાનું.

આ ડ્રાફ્ટ નોટિફિકેશનમાં પર્યાવરણીય કાયદાઓનો ભંગ કરતા એટલે કે, પર્યાવરણને લક્ષમાં ન લેતા ઉદ્યોગો સામે દંડની જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ, ઉદ્યોગ/પ્રકલ્પ સ્વયંભૂ રીતે સરકારને જાણ કરે કે તેમણે પર્યાવરણના કાયદાનો ભંગ કર્યો છે તો દંડની રકમમાં અને પર્યાવરણ મેનેજમેન્ટ પ્લાન બનાવવામાં મોટી રાહતો જાહેર કરી છે. જેમકે, સ્વયંભૂ જાહેર કરે કે, તેમણે પર્યાવરણીય કાયદાનો ભંગ કર્યો છે તો, દિવસનો માત્ર એક હજારનો દંડ. પરંતુ, સરકાર ભંગ કરતા પકડે તો દિવસનો ૨૦૦૦નો દંડ.

આના પરથી સ્પષ્ટ ફલિત થાય છે કે, સરકાર ઉદ્યોગોને પર્યાવરણના ભોગે છાવરી રહી છે અને પર્યાવરણીય કાયદાઓનો ભંગ કરવા પ્રોત્સાહન આપી રહી છે. આ બાબત તર્કહીન એટલા માટે છે કે, પર્યાવરણને નુકસાન થાય છે, તે હકીકત છે. પછી તેમાં દંડની રકમ જુદી જુદી કેવી રીતે હોઈ શકે ? સ્વયંભૂ ભંગ કરનાર ઉદ્યોગો પોતે પોતાનો ગુનો સ્વીકારે તો સજા (દંડનીય રકમ) માફ અને પર્યાવરણીય નુકસાની ભોગવવામાં પણ રાહત ! સમજવા માટે સીધી ભાષામાં વાત કરીએ તો એક ગુનેગાર પોલીસ સ્ટેશનમાં જાતે હાજર થઈને ગુનાનો એકરાર કરે તો દંડ અને સજામાંથી રાહત મળે.

આ ડ્રાફ્ટ નોટિફિકેશનમાં જિલ્લા સ્તરે એન્વાયરન્મેન્ટલ એસેસમેન્ટ કે મેનેજમેન્ટ પ્લાન માટે જિલ્લા કક્ષાએ જમા થયેલા ડિસ્ટ્રીકટ મિનરલ ફંડનો ઉપયોગ કરવા છૂટ આપી છે જે બરાબર નથી. જેના માટે ફંડ એકત્રિત કરવામાં આવ્યું છે તે જ હેતુ માટે ફંડ વપરાવું જોઈએ. આ ડ્રાફ્ટ નોટિફિકેશન દ્વારા ભંગ કરનાર ઉદ્યોગો પાસેથી બેંક ગેરંટી લેવાનું નક્કી કર્યું છે. પરંતુ, જમા થયેલ બેંક ગેરંટીનો ઉપયોગ શું કરવો તે બાબતે ડ્રાફ્ટ નોટિફિકેશન મૌન છે. બેંક ગેરંટી અને કાયદાનું પાલન ન કરનારા પાસેથી દંડનીય રકમ મેળવવાનો મતલબ એવો થયો કે, આવા ઉદ્યોગોને જ્યુડિશિયલ ટ્રાયલમાંથી બચાવી લેવા અને પર્યાવરણ સુરક્ષા ધારો-૧૯૮૬ ને બુઠ્ઠો કરી દેવો !

પર્યાવરણીય લોક-સુનાવણીના માધ્યમથી લોકોને જે તે પ્રકલ્પો અંગે પોતાના અભિપ્રાયો/સૂચનો/વાંધા રજુ કરવાની તક મળતી હતી તે મહદ્અંશે છીનવી લેવામાં આવી છે. લગભગ ૧૫ જેટલા પ્રકલ્પો નોટિફાઇડ એરિયામાં આવતા હોય ઉપરાંત કેટેગરી-એમાં આવતા હોય છતાં પણ પર્યાવરણીય લોક-સુનાવણીમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે.

નેશનલ પાર્ક/સેન્ચુરી/ ઈકોલોજીકલ સેન્સિટિવ એરીયાના વિસ્તારોમાં કોઈપણ પ્રકલ્પ આવતો હોય તો તે પ્રકલ્પોને લોક-સુનાવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે. ખરેખર તો પર્યાવરણીય રીતે સંવેદનશીલ પ્રકલ્પો માટે લોકોના વિશેષ અભિપ્રાય લેવા જોઈએ. પર્યાવરણીય લોક-સુનાવણી અંગેની જાહેરાત જે એક મહિના પહેલા કરવામાં આવતી હતી તે મુદત ઘટાડીને ૨૦ દિવસની કરવામાં આવી છે, જેનો મતલબ એ થયો કે, અંતરિયાળ વિસ્તારોમાં લોકોને સમયસર સૂચનાઓ નહિ મળે.

આમ, ડ્રાફ્ટ EIA-૨૦૨૦ દ્વારા ઉદ્યોગોને પર્યાવરણીય કાયદાઓમાંથી રાહત આપી છે, જે પર્યાવરણ તેમજ કુદરતી સંસાધનો પર નભતા લોકોને પારાવાર નુકસાન કરશે.

EIA નોટિફિકેશન-૨૦૦૬માં અત્યાર સુધી ૨૬ જેટલા ઓફિસ મેમોરેન્ડમ અને બાવન વખત સુધારા આવ્યા છે. આ પાંચ મુખ્ય સુધારાઓમાં- (૧) પર્યાવરણીય સંમતિ અંગેની પ્રક્રિયા  (૨) પ્રોજેક્ટની કેટેગરીમાં બદલાવ  (૩) સમિતિઓમાં બદલાવ  (૪) પર્યાવરણીય લોક-સુનાવણીમાં બદલાવ  (૫) પર્યાવરણીય સંમતિની મુદતોમાં વધારાનો સમાવેશ થાય છે.

સંપર્ક : ૯૭૧૪૮૩૯૨૮૦ – મહેશ પંડ્યા

ડિરેક્ટર, પર્યાવરણ મિત્ર

One thought on “શું હવે પર્યાવરણના ભોગે થશે ઉદ્યોગોનો વિકાસ?

 1. ચૈતાલી રાવલ

  છેવટે કોઇ નિષ્ણાતે આના વિશે ગુજરાતીમાં લખ્યું અને ભૂમિપુત્રે છાપ્યું એટલે રાહત થઈ!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s