શાંકર વેદાંતમાં, આ યુગમાં વિવેકાનંદ જેટલું પરાક્રમશાળી વ્યક્તિત્વ કદાચ બીજું કોઈ મળતું નથી. આધુનિક યુગમાં વેદાંતના આટલા મોટા આચાર્ય, જેમણે દુનિયાનું ધ્યાન ખેંચ્યું હોય એવા બીજા જોવા મળતા નથી.
એક ત્રીસ-બત્રીસ વર્ષનો યુવાન, ગુલામ હિંદુસ્તાનમાં જન્મેલો, એક પરદેશી ભાષામાં પારંગત થઈ સંન્યાસીના રૂપમાં મલ્લની જેમ દંડ લઈને શિકાગોની વિશ્ર્વધર્મ પરિષદમાં ઊભા થઈ, ભારત તરફથી વેદાંતની ગર્જના સંભળાવે છે. આ એક પ્રવચનથી આખી દુનિયા પર પ્રભાવ પડે છે કે હિંદુસ્તાનમાં એક જીવંત ધર્મ છે. આથી આખી દુનિયામાં હિંદુસ્તાનની ઇજ્જત સ્થાપિત થાય છે. આ એક અસાધારણ ઘટના છે. આ ઘટનાથી ભારતની જે ઇજ્જત દુનિયામાં થઈ તેને લોકો ભૂલી નહીં શકે, જેમણે એ ગુલામીકાળમાં જીવનમૃતપ્રાય ભારતની જનતાને જોઈ હતી.
સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા હતા. ત્યાં એમણે કહ્યું, “હું વેદાંત-ધર્મમાં માનું છું, વેદાંત એક એવો ધર્મ છે, જે કોઈ એક ગુરુને માનતો નથી.” એમનું શિકાગોનું એ પ્રવચન વાંચવા જેવું છે. એમાં તેમણે વેદાંતની વિશેષતા બતાવી છે. ક્રિશ્ર્ચિયાનીટી ઈશુના વ્યક્તિત્વની આસપાસ ઊભી છે. બૌદ્ધધર્મની બાબતમાં બુદ્ધને અલગ રાખી વિચારી નથી શકાતું. પરંતુ રામ કે કૃષ્ણ વગર વેદાંતની કલ્પના કરી શકાય છે. બીજાં પણ પાંચ-દસ નામ લઈ શકાય, એ બધા વગર પણ વેદાંત ચાલી શકે છે. વેદાંત જાતિ, ધર્મ, પંથ અને વ્યક્તિ-નિરપેક્ષ છે.
વિવેકાનંદ કહે છે કે જો તમે વેદાંતનો પ્રચાર કરવા ઇચ્છતા હોવ તો લોકોને સંસ્કૃત ભાષા શીખવી દો. એટલે કે વિવેકાનંદના મતે સંસ્કૃત એટલે વેદાંત, ગીતા, ઉપનિષદ વગેરે જે સંસ્કૃતનું જીવંત સાહિત્ય છે તે.
વિવેકાનંદ વિદેશમાં તેમજ હિંદુસ્તાનમાં બહુ ફર્યા છે. એમણે દરેક જગ્યાએ જોયું કે આ મિશનરી લોકો સેવા કરે છે. તેમણે આ જોયું ત્યારે લોકોને સમજાવ્યું કે જ્યાં આપણે સિદ્ધાંતમાં અદ્વૈત સુધી પહોંચ્યા છીએ ત્યારે આપણે લોકોની સેવા કરવી જોઈએ. એટલે એમણે ઘણી જગ્યાઓએ સેવાનાં મિશનો પણ સ્થાપ્યાં. વિવેકાનંદે કહ્યું અળટ્ટપણળજ્ઞ રુવટળ્રૂ ઘઉંટ: લૂઈંળ્રૂ – આપણું હિત અને દુનિયાનું સુખ જુઓ.
અદ્વૈતની સાથે ઇસ્લામ, ખ્રિસ્તી ઉપાસનાઓને જોડી ઉપાસનાઓમાં સમન્વયનું કામ, આ યુગમાં શ્રીરામકૃષ્ણ પરમહંસે કર્યું. વિવેકનંદને ઉપાસના-સમન્વયનું જ્ઞાન સહજ રીતે પોતાના ગુરુ પાસેથી મળ્યું હતું. પરંતુ વિવેકાનંદે વિશેષ વાત કરી તે એ કે અદ્વૈતની સાથે, જેમાં પરમેશ્ર્વરની અલગ અલગ ઉપાસનાઓ સમાયેલી છે, તેમાં પીડિતોની સેવા અને દરિદ્રનારાયણની સેવાને પણ જોડી દીધી. દરિદ્રનારાયણ શબ્દ પણ એમનો પોતાનો છે. પ્લેગના દિવસોમાં બંગાળમાં વિવેકાનંદે જાતે સેવાનું બહુ મોટું કામ કરેલું.
વિવેકાનંદે સાબિત કર્યું કે દરિદ્રનારાયણની સેવા કરવી, તેમને નારાયણ સ્વરૂપે જોવા એ જ નારાયણની ભક્તિ છે. આ રીતે લોકોના અને ખાસ કરીને દરિદ્ર લોકોના પહેલા પ્રતિનિધિ સ્વામી વિવેકાનંદ છે. એમણે એ રીતે દરિદ્રનારાયણની ઉપાસનાનું આધ્યાત્મિક સ્વરૂપ લોકો સમક્ષ મૂક્યું.
દરિદ્રનારાયણ શબ્દથી બધા જ આસ્તિકો અને બધા જ નાસ્તિકો વચ્ચેનો ભેદ મરી જાય છે. એક જનેસેવાનો વિચાર છે, તો બીજો હૃદય-પરિવર્તનનો વિચાર – ભક્તિમાર્ગ. તેઓ કહે છે કે આપણે મનુષ્યની સેવા કરીશું. સેવા થકી એમનું હૃદયપરિવર્તન કરીશું. એ માટે આપણે નારાયણનો સ્પર્શ કરવો પડશે. નારાયણના આ સ્પર્શ થકી જે સેવા થશે એમાં હૃદયપરિવર્તનની તાકાત પણ આવશે. દરિદ્રનારાયણ શબ્દથી આ બંને વાતો જોડાઈ જાય છે.
જ્યાં સુધી ભારતીય વેદાંતનો અદ્વૈતની સાથે સંબંધ છે, તેમાં માનવસેવાનું કામ સૌથી પહેલાં વિવેકાનંદે કર્યું. આ બહુ મોટી વાત તેમણે કરી. જેના પરિણામ સ્વરૂપે અદ્વૈત તત્ત્વજ્ઞાન, તત્સાધક વિભિન્ન ઉપાસનાઓ, તત્પ્રકાશક ભૂતસેવા અને તેમાં રહેલી માનવસેવા, આ પ્રમાણે જીવનમાં એકરસનો વિચાર ભારતને મળી ગયો.
હિંદુસ્તાનમાં પાછલાં સો વર્ષોમાં સામાન્ય લોકો ને દરિદ્રોના પક્ષમાં બોલવાવાળા ત્રણ મોટા દૃષ્ટા થઈ ગયા. સ્વામી વિવેકાનંદ, લોકમાન્ય તિલક અને મહાત્મા ગાંધી. વિવેકાનંદે પહેલી વખત દરિદ્રનારાયણ શબ્દનો પ્રયોગ કર્યો. એ વિચારને હાથમાં લઈને લોકમાન્ય તિલકે જનતા વચ્ચે આંદોલન કર્યાં. એને ઘરઘરમાં પહોંચાડવાનું અને તેને રચનાત્મક કાર્ય સાથે જોડવાનું કામ મહાત્મા ગાંધીએ કર્યું. ગાંધીજીએ માનવસેવાના આ વિચારને વધારે વ્યાપક બનાવીને એની સાથે ઉત્પાદક શરીરશ્રમની આવશ્યકતાને સ્પષ્ટ કરી. એમણે સ્વરાજ્યપ્રાપ્તિના કામને પણ માનવસેવાનું રૂપ આપ્યું.
મહાત્મા ગાંધી અને વિવેકાનંદની પ્રતિભા પણ એકરૂપ હતી. મહાત્મા ગાંધી બાહ્ય જીવનાકારમાં વધારે અંતર્નિષ્ઠ હતા. એટલે તેઓ વિવેકાનંદથી વધારે નજીકના લાગે છે. જેમનો ભારત પર મોટો ઉપકાર થયો છે, એવા આ પુરુષો હતા. તેઓ બંને બિલકુલ પાસે-પાસે લાગે છે. બંને પ્રવૃત્તિપ્રધાન (એક્ટિવિસ્ટ) હતા, સાથે ગૂઢવાદી (મિસ્ટીકલ) હતા. એકનું ગૂઢવાદીપણું પ્રગટ છે. તેની પાછળ પ્રવૃત્તિનિષ્ઠાનું બળ છે. તો બીજા પાસે પ્રવૃત્તિનિષ્ઠાનું બળ વધારે છે. અને તેમની પાછળનું ગૂઢવાદનું બળ છે. એટલે કે એકની પાસે આગળનું જે બળ છે એ બીજા પાસે પાછળનું બળ છે. પણ બંને પાસે બંને મોરચા છે.
વિવેકાનંદ ‘દરિદ્રનારાયણ’ મંત્રના દૃષ્ટા હતા. ગાંધીજીએ મંત્રને સાર્થક કર્યો. આપણે એમના દાસાનુદાસ છીએ. આવી આ નારાયણપરાયણની પરંપરા છે.
વિવેકાનંદનાં પ્રવચનોમાં બે ભાવનાઓ બધે જોવા મળે છે. દુર્બળતા માટે ગુસ્સો અને આત્મવિશ્ર્વાસ. એક વાર ગૌરક્ષાની બાબતમાં એમને ગુસ્સો આવી ગયો. ગાયની બાબતમાં એમણે કહ્યું કે “તમે બધા ગાયને માતા-માતા કહીને બળદ જેવા થઈ ગયા છો.” આથી ગૌરક્ષાવાળા ભાઈને ખોટું લાગ્યું. પણ વિવેકાનંદને પૂછવાની હિંમત પેલા ભાઈમાં નહોતી. પાછળથી વિવેકાનંદના ભક્ત અને ગુરુભાઈ અશ્ર્વિનીકુમાર દત્તે તેમને અનેક પ્રશ્ર્નો કર્યા. તેમાં એક પ્રશ્ર્ન આ પણ હતો. ‘મેં અખબારમાં વાંચ્યું કે તમે ગુસ્સો કર્યો, તો તે યોગ્ય કહેવાય ? તો વિવેકાનંદે જવાબ આપ્યો કે “કોણે કહ્યું કે તે યોગ્ય કહેવાય ? ગુસ્સો થઈ ગયો પણ તે યોગ્ય નહોતો. ગુસ્સો થઈ ગયો એટલે થઈ ગયો, એનો બચાવ કોણ કરે છે.”
વિવેકાનંદ સ્વભાવત: પ્રખર જ હતા. પણ જેવી રીતે કપૂરની જ્યોત સળગાવવાથી જોતજોતાંમાં સળગી જાય છે, એવી રીતે એમની પ્રખરતા મહાપુરુષોના સહવાસમાં ઓગળી ગઈ. જેના સહવાસથી બધા નિર્ભયતા અનુભવે, સહજતાથી નિ:સંકોચ વર્તી શકે છે, એની જ આધ્યાત્મિકતા પૂર્ણતા પામેલી છે.
એક વાર સાંજે સગડીની પાસે બેસીને વાતો થઈ રહી હતી ત્યારે વિવેકાનંદે કેટલાક વિચાર રજૂ કર્યા. એક બહેને કહ્યું, “તમારો અમુક વિચાર મને બિલકુલ પસંદ પડ્યો નહીં.” વિવેકાનંદે કહ્યું કે “તો પછી એ વિચાર તમારે માટે હતો જ નહીં.” બીજી એક બહેને કહ્યું, “પણ મને તો ઠીક પસંદ પડ્યો.” વિવેકાનંદ બોલ્યા, “તો તે તમારે માટે હતો.”
વિવેકાનંદ ગીતાના પરમ ઉપાસક હતા. પરંતુ એક જગ્યાએ તેમણે કહ્યું છે કે “આપણા લોકોએ આ સમયે ગીતાને બદલે નાચવા કૂદવાની વધારે જરૂર છે.” આવી વાતનો ભાવાર્થ લેવો જોઈએ. ભાવાર્થ એટલો કે તમોગુણી જનતાનો રજોગુણ જાગ્રત કર્યા વિના એકદમ સત્ત્વગુણની તરફ લઈ જવું સંભવ નથી. એટલે કે હિંદુસ્તાનના લોકોએ સત્ત્વગુણની પ્રાપ્તિ માટે પહેલાં રજોગુણી બનવું પડશે. એ પછી સત્ત્વગુણમાં જઈ શકે. એટલે ભગવદ્ગીતામાં વાંચવાનું મહત્ત્વ છે એના કરતાં વધારે મહત્ત્વ ફૂટબોલ રમવાનું છે. વિવેકાનંદની કહેવાની પોતાની એક શૈલી હતી.
જડ-ચેતનનું ઉદાહરણ વિવેકાનંદે આપ્યું છે, તે હું ભૂલતો નથી. એક કીડી રેલવેના પાટા પરથી જઈ રહી હતી. ટ્રેન જેવી પાસે આવી તો તે પાટા પરથી ધીરે રહીને ઊતરી ગઈ. બચી ગઈ. આટલી મોટી ટ્રેન અને આટલી નાની કીડી. પણ કીડી ચેતન છે. ટ્રેન જડ છે. ચૈતન્યનો અનુભવ જે કીડીને છે તે ટ્રેનને નથી. આટલી મોટી ટ્રેન એને કંઈ કરી શકી નહીં. ટ્રેન અચેતન છે. નીચે ઊતરવાની શક્તિ એનામાં નથી. ચૈતન્ય જ જ્ઞાન છે.
આ જમાનામાં સ્વામી દયાનંદે અને વિવેકાનંદે બ્રહ્મચર્યને બહુ ઉત્તેજન આપ્યું. વિનોબાને નાનપણથી ભગવાન શંકરાચાર્ય અને સ્વામી રામદાસ પાસેથી બ્રહ્મચર્યની પ્રેરણા મળી હતી. પછી સ્વામી દયાનંદ અને વિવેકાનંદનાં દૃષ્ટાંતો પણ સામે આવ્યાં. બ્રહ્મચર્યમાં કેવો આનંદ ભર્યો છે, કેવું બળ પડ્યું છે, વળી બુદ્ધિ અને પ્રજ્ઞાને માટે એ કેટલાં જરૂરી છે એનો અનુભવ વિનોબાએ જીવનમાં કર્યો છે. આપણે એ વાત સમજવી જોઈએ કે આ બ્રહ્મચર્ય જેવી આપણા દેશની વાત છે, તે વેદોથી લઈને આજના જમાનામાં દયાનંદ, વિવેકાનંદ જેવા બધા મહાપુરુષોએ શીખવી છે. એ વાત આગળ વધે તો આપણો સમાજ સારો બનશે. પછી એ ફરિયાદ ક્યારેય નહીં થાય કે આપણા દેશની જનસંખ્યા – વસતી વધતી રહે છે. દેશમાં વિદ્યા-જ્ઞાન-પ્રજ્ઞાવાન બ્રહ્મચર્યથી સભર બાળકો નીકળશે. તો દેશનો અને દુનિયાનો ઉદ્ધાર થશે.
વિવેકાનંદે ગુરુસેવાનો પણ એક આદર્શ આપણી સામે મૂક્યો છે, જે આપણે માટે નવો નથી. પણ એ જમાના માટે, જ્યારે ચિકિત્સક તાર્કિક વૃત્તિ બહુ દૂર સુધી ફેલાઈ હતી. ત્યારે તે જરૂરી પણ હતું. ગોવિંદ પૂજ્યપાદ અને શંકરાચાર્ય, નિવૃત્તિનાથ અને જ્ઞાનદેવ; એવી આ જમાનાની જોડી છે, રામકૃષ્ણ અને વિવેકાનંદ !
આપણે માનીએ છીએ કે વિવેકાનંદ ન નીકળ્યા હોત, તો રામકૃષ્ણની હાલતમાં કોઈ પણ ન્યૂનતા પેદા થઈ ન હોત. વિનોબા નથી માનતા કે સંતોના વિચારને માટે કોઈ પણ પ્રકારના પ્રચારકોની જરૂર હોય છે. છતાં એ માનવું પડશે કે આજે રામકૃષ્ણ પરમહંસનું જે કામ ચાલ્યું છે, એને માટે વિવેકાનંદ બહુ મોટા પ્રચારક બન્યા. વિવેકાનંદે રામકૃષ્ણની કિર્તી આખી દુનિયામાં ફેલાવી દીધી.
બ્રહ્મવિદ્યા માટે અક્ષર પણ ભણવાની જરૂર નથી. પણ સાક્ષાત્ રામકૃષ્ણે સ્વામી વિવેકાનંદને અધ્યયન કરતાં રોક્યા નથી. તે સર્વોત્તમ શિષ્ય હતા. એમનું ગીતા, બ્રહ્મસૂત્ર વગેરે પરનું અધ્યયન ઉત્તમ હતું. એના પર એમણે ભાષ્ય પણ લખ્યું છે. વિવેકાનંદ ખૂબ અધ્યયનશીલ હતા, એટલે દુનિયાભરમાં પ્રચારનું કામ કરી શક્યા.
રામકૃષ્ણ વિવેકાનંદ સાથે હંમેશાં એકાંતમાં વાત કરતા હતા. બધા સાથે વાતો થતી હોય ત્યારે વિવેકાનંદને કહેતા હતા, “તું અહીંથી જા, તું અહીંયાં બેસ નહીં.” લોકો એમને પૂછતા, “આપ આવો ભેદભાવ કેમ કરો છો ?” ત્યારે તેઓ કહેતા, “એનું મગજ જરા વિશેષ છે. એને નિર્ગુણ કહેવાથી વધારે સમજાઈ જાય છે.” બીજા લોકોને રામકૃષ્ણ સગુણ કહેતા હતા. પરિણામ એ આવ્યું કે રામકૃષ્ણનો ફોટો ન હોય એવું એક પણ સ્થળ બાકી નહોતું રહ્યું. કારણ કે નિર્ગુણ કાનમાં કહેવામાં આવ્યું હતું અને સગુણ બધાની સામે. વિવેકાનંદના મગજમાં નિર્ગુણ બેસી ગયું હતું. એટલે વિવેકાનંદે કહ્યું, એક સ્થળ એવું પણ જોઈએ જ્યાં રામકૃષ્ણનો ફોટો ન હોય.
શ્રીરામકૃષ્ણ માટે સ્વામી વિવેકાનંદને ખૂબ આદર હતો. પણ છેલ્લે અલમોડા જઈને આવ્યા પછી જ્યારે એમણે આશ્રમની સ્થાપના કરી, તે વખતે વિવેકાનંદે કહ્યું કે ઓછામાં ઓછું આ આશ્રમ એવો હોવો જોઈએ જ્યાં કોઈનું પણ ચિત્ર ન હોય. એટલે માયાવતીમાં વિવેકાનંદના સ્થળે રામકૃષ્ણનો ફોટો નથી. આ એમની કેવી ભાવના હતી ? આ ઉપાસનાસ્થળ એવું હોય, જ્યાં અત્યંત આદરણીયનું પણ ચિત્ર ન હોય. આ ભાવના વિવેકાનંદમાં આવી એ એમની વ્યાપક બુદ્ધિનું લક્ષણ છે.
સ્વામી વિવેકાનંદનું મૃત્યુ નાની ઉંમરમાં થયું હતું. તેઓ ૪૦ વર્ષ પણ પૂરાં કરી શક્યા નહોતા. એમણે થોડા આયુષ્યમાં પણ ઘણું કામ કર્યું. લોકાધારિત રહ્યા, બધું ભગવાનને સોંપ્યું. અને પૂર્ણ નિર્ભયતાથી કામ કર્યું. વિવેકાનંદની શિષ્યા ભગિની નિવેદિતા ઈસાઈ હતાં. પછીથી એમણે પોતાને હિંદુ માન્યાં. તેઓ ભારતીય પદ્ધતિથી, એટલે કાંટા-ચમચા વગર હાથથી જ જમતાં. વિવેકાનંદના મૃત્યુના બે દિવસ પહેલાંની વાત છે. નિવેદિતાજી ભોજન કરીને ઊઠ્યાં. બીજું કોઈ પાસે હતું નહીં, તો વિવેકાનંદે જાતે પાણી નાંખી તેમના હાથ ધોવડાવ્યા. ભગિની નિવેદિતા વિવેકાનંદને પોતાના ગુરુ માનતાં હતાં. એમણે કહ્યું. “આપ આવું કરો છો એ મારાથી સહન થતું નથી.” વિવેકાનંદે કહ્યું, “ઈસામસીહે પણ પોતાના શિષ્યોના પગ ધોયા હતા.”
આજે આપણે એક મહાપુરુષનું સ્મરણ કરી રહ્યા છીએ. જેમ જેમ સમય આગળ વધે છે, તેમ તેમ તેમનું માનવત્વ ક્ષીણ થઈને એમાં દિવ્યતા આવે છે. એમનું દિવ્ય રૂપાંતર થાય છે. જેમ-જેમ આ લોકો જૂના થતા જાય છે, તેમ-તેમ એમની ગુણ-સંપત્તિ વધતી જાય છે. વિવેકાનંદ હજી જૂના થયા નથી પણ આપણે માટે એક પ્રતીક સમાન થઈ ગયા છે.
અનુવાદ : ભદ્રા સવાઈ ગુણનિવેદન – વિનોબા
ઘણોજ મનનીય વિષય.
LikeLike