હિંદ સ્વરાજના અદના સૈનિક

IMG_6724-1024x683 (1)
Lakhanbhai

સમાજે, આ વ્યવસ્થાએ વ્યક્તિ, કુટુંબ, સંસ્થા માટે ચોક્કસ માળખાં બનાવ્યાં  છે અને તેની અપેક્ષા એવી રહે છે કે બધું તે પ્રમાણે જ ચાલતું રહે. આ વ્યવસ્થા એક વર્ગ, મોટા ભાગે પૈસાદાર અને ઉપલા મધ્યમ વર્ગ માટે તો ઉપર ઉપરથી ખૂબ સારી દેખાય છે. પરંતુ આ વ્યવસ્થામાં ગરીબ તેમજ મધ્યમ વર્ગને ભાગે અન્યાય તેમજ સહન કરવાનું જ આવે છે. આ વિશ્વમાં આપણા દેશ-સમાજમાં એવા લોકો મળી આવે છે જે પોતાનો નહીં, નીચામાં નીચાનો વિચાર કરે છે. ગાંધીના દેશમાં આમ તો આ વિચારનો પરિચય કરાવવાનો ન હોય, કારણ કે તેમણે સમાજસેવા કરનારા, જેમને વિશેષ સગવડો પ્રાપ્ત છે તેવાઓને બીજાઓનો  વિચાર કરવાની પ્રેરણા આપી અને સમાજસેવાની પરિપાટી આ દેશમાં ઊભી કરી.

એક આખી જમાત આ દેશમાં ઊભી થઈ, જેણે પોતાના વ્યક્તિગત સ્વાર્થ, વ્યક્તિગત જીવનો બાજુ પર મૂકીને પોતાનું જીવન સંપૂર્ણપણે સમાજને સમર્પિત કરી દીધું. લખન મુસાફિર, પ્રેમથી જેમને આપણે લખનભાઈ તરીકે ઓળખીએ છીએ તે આ જ જમાતના એક વીરલા છે કારણ કે તેમણે ચીલાચાલુ પ્રચલિત માળખાઈંને તોડ્યાં છે. આવા લોકોને દુનિયા પાગલ પણ ગણે છે. તેમને નથી પૈસા કમાવામાં રસ, નથી પોતાનું ‘કરિયર’ બનાવવામાં કે ન પોતાની ‘પ્રોફાઇલ’ વધારવામાં. તેમને રસ છે એક સારી વ્યક્તિ બનવામાં; સમાજ  કેવી રીતે વધુ સ્વસ્થ, ન્યાયી બને તેમાં.

મૂળ ભાવનગર જિલ્લાના વતની લખનભાઈના નવજીવનની શરૂઆત એંશીના  દાયકાની શરૂઆતમાં થઈ.  વિનોબાજીની પ્રેરણાથી શરૂ થયેલા ગૌવંશ બચાવવાના દેવનાર (મુંબઈ)ના  આંદોલનમાં તેઓ જોડાયા. ગાય બચે તો ખેતી બચે અને ખેતી બચે તો ગામડાં બચે, એ હેતુથી શરૂ થયેલ આ આંદોલનમાં દેશભરના લોકોએ દેવનાર કતલખાના સામે  વર્ષો સુધી સત્યાગ્રહ કર્યો હતો.

૧૯૮૨ની સાલમાં વિનોબાજીના પવનાર આશ્રમમાં સાદગી-સ્વાવલંબનના પાઠ શીખ્યા. ત્યારબાદ ૧૯૮૩ થી ૧૯૮૬ સુધી જાણીતા સર્વોદય કાર્યકર ડૉ. દ્વારકાદાસ જોષી સાથે વડનગરમાં રહીને રચનાત્મક કાર્યોમાં જોતરાયા. અહીં તેમણે યુવાશિબિરો, ખેડૂતોને સજીવ ખેતી તરફ વાળવા તથા ગ્રામવિકાસનાં કામો કર્યાં.  ત્યારબાદ ત્રણેક વર્ષ સુધી રાજપીપળા વિસ્તારનાં ગામોમાં બાયોગેસ તેમજ પાયખાનાં અને બાથરૂમ બનાવવાનાં કામ કર્યા તો સજીવખેતીની શરૂઆત પણ તેમણે અહીં કરી.

લખનભાઈ મૂળ તો મૌલિક વિચાર અને વિવિધ પ્રયોગોના માણસ. છેવાડાનો માણસ પોતાના પગ ઉપર ઊભો રહે, શોષણવિહીન તેમજ સ્વસ્થ સમાજની રચના થાય, વગેરે હેતુઓને લઈને તેમણે જીવનમાં કામો કર્યાં ચૈતન્યભાઈ ભટ્ટ અને મિત્રો સાથે મળીને ‘લોકમિત્રા’  ઢેઢુકી (જિ.રાજકોટ)માં બાલમંદિર, આંગણવાડી, શિક્ષણ, સજીવ ખેતીનો પ્રચાર-પ્રસાર જેવાં પાયાનાં કામો કર્યાં.

સજીવ ખેતીની વિવિધ પેદાશોની સાથે લખનભાઈનો બીજો એક મૌલિક અને સફળ પ્રયોગ એટલે રસાયણ વિનાનો (રવિ) ગોળ. બજારમાં ઊજળો ગોળ મળે છે તેમાં અનેક રસાયણો નંખાય છે, જેવાં કે કેમિકલ પ્રોસેસ દિવેલ, હાઈડ્રોસલ્ફાઈટ, યૂનો, ફોસ્ફરિક ઍસિડ, સાઇટ્રિક ઍસિડ, ઓકઝલીક ઍસિડ, બેન્ઝીન અને કેટલાંક કિસ્સામાં ધોવાના સોડા / ડીટરજન્ટ, ટિનોપોલ, યુરિયા, સેક્રીન પણ વપરાતા હોય છે.

કાંટીદ્રા (જિ.ભરૂચ)ના નિવાસ દરમ્યાન મિત્રો સાથે મળીને આવાં હાનિકારક રસાયણોને બદલે માત્ર જંગલી ભીંડી (ખડભીંડી)નો રસ અને દેશી દિવેલ નાખીને ગોળની અશુદ્ધિ સાફ કરવા ઉપરાંત ઈલાયચી, વરિયાળી, જાયફળ, સૂંઠ, ઘી, દૂધ, કાજુ, બદામ, વાસણા, અધોતી જેવા વિવિધ ગોળ આપી નાના મોટેરાઓને આરોગ્ય સાથે બાળકોને ચોકલેટનાં વિકલ્પ આપવાના પ્રયોગ કર્યો. આજે હવે છેલ્લા બે દાયકાથી લખનભાઈના મિત્રો દ્વારા આવો સજીવ શેરડી /કેમિકલ ફ્રી પ્રોસેસ ગોળ બનાવાય છે અને ગુજરાતભરમાં તેમજ બહાર પણ લોકોએ તેને અપનાવ્યો છે.

ગુજરાતભરમાં લોકોએ તેને અપનાવ્યો છે. કાટીંદ્રા  નિવાસ દરમ્યાન તેમનો બીજો પ્રયોગ હતો ખેતી દ્વારા જીવનયાપન  કરવાનો. સાથે સાથે પર્યાવરણ સુરક્ષા સમિતિના નેજા હેઠળ ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક પ્રદૂષણને કારણે થતા નુકસાન અંગે લોકજાગૃતિનાં કામોમાં પણ તેમણે મહત્ત્વની ભૂમિકા નિભાવી.

છેલ્લાં પંદર વર્ષથી લખનભાઈ રાજપીપળા વિસ્તાર (નર્મદા જિલ્લો)માં  આદિવાસી ખેડૂતો, યુવાનો, બહેનો અને બાળકો સાથે વિવિધ પ્રવૃત્તિઓમાં જોતરાયેલા છે. અંતરિયાળ માથાવાડી ગામમાં લોકો વચ્ચે રહે છે. આદિવાસીની ખેતી એટલે મહદ્અંશે વરસાદ આધારિત સૂકી ખેતી. વર્ષભરનું અનાજ મેળવવાની મુશ્કેલી. આ ગામોમાં વોટરશેડનાં કામો દ્વારા તેમજ ખેતી સુધારણાનાં કામો, સજીવ ખેતી, બીજ સંગ્રહ વગેરે કરીને લોકો સ્વાવલંબી બને તેવા પ્રયત્નો કર્યા. તો અગરબત્તી બનાવવી, નાગલી – લાલ જુવારના પાપડ બનાવવા, સજીવ શાકભાજી વગેરે ઉચિત ભાવે વેચવા યુવાનોને-બહેનોને તાલીમ આપી. ઘેર ઘેર હળદર ઉગાડી શકાય તેવો પ્રયોગ પણ આ ગામોમાં તેમણે કર્યો.

સાથે-સાથે આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે તે હેતુથી એકલવ્ય વિદ્યાલયમાં પ્રવેશ મળે તે માટે નિયમિતરૂપે તેમને પણ ભણાવે ને વળી ગામના યુવાનોને પણ તેમાં ભેળવે.

લોકો સાથે જીવતો, તેમનાં સુખ-દુ:ખનો સાથી આ માણસ જ્યારે જુએ છે કે એક તરફ આદિવાસીઓનાં જીવન વધુ સારાં થાય તે માટે આટલા બધા પ્રયત્નો કરવામાં આવે છે તો બીજી તરફ તેમની જમીન, તેમની રોજીરોટી, તેમનાં જીવનો અને સંસ્કૃતિ ખતમ થઈ જાય તેવા ફેરફારો ખૂબ વેગથી આવી રહ્યા છે, ત્યારે તે અંગે જાગૃતિ ફેલાવવામાં સ્થાનિક મિત્રોની સાથે આ કામમાં પણ તે મંડી પડે છે.

કેવડિયા વિસ્તાર એટલે ગુજરાત અને દેશમાં નર્મદાબંધથી જાણીતો વિસ્તાર. એક જમાનામાં ગુજરાતની જીવાદોરી ગણાનારો નર્મદાબંધ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઝાકઝમાળમાં વિસારે પડી ગયો છે. સફારી પાર્ક, રિવર રાફ્ટિંગ, ક્રુઝ, ખરીદી માટેના મોલ્સ, અને ફાઈવસ્ટાર હોટલો વિકસાવવામાં આવી રહ્યાં છે.

આદિવાસી વિસ્તારમાં બંધારણના અનુચ્છેદ-૫ પ્રમાણે PESA કાયદો લાગુ પડવો જોઈએ, જે આદિવાસીઓને નિર્ણયની સ્વતંત્રતા આપે છે. એટલે કે ગ્રામસભાની પરવાનગી વિના આ વિસ્તારમાં કોઈ પ્રોજેક્ટનું આયોજન થઈ શકે નહીં.  તેને બદલે આજે આખો વિસ્તાર સહેલાણીઓ માટેના આનંદ-પ્રમોદનું કેન્દ્ર બનાવી દેવાયો છે. એટલે કે સ્થાનિક રહેવાસીઓ (આદિવાસીઓ)ને ભાગે બાકી રહે પ્રવાસીઓના ફેંકેલા ટુકડા પર જીવવાનું!

૨૦૧૨-૧૩માં ગુજરાત સરકાર દ્વારા કેવડિયા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી. લોકોએ તેનો વિરોધ કર્યો અને સરકારે આ યોજના પડતી મૂકવી પડી. પરંતુ, પાછળથી સરકારે ફેરવી તોળ્યું અને સરદાર પટેલનું પૂતળું તેમજ પ્રવાસનના ૩૦ પ્રોજેક્ટ લોકોના માથે થોપી દેવાયાં. એટલું ઓછું હોય તેમ લોકોના વિરોધને ક્રૂરતાપૂર્વક ડામી દેવા સરકારે ડિસેમ્બર મહિનામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરિઝમ ગવર્નન્સ એક્ટ પસાર કર્યો. આ કાયદાથી આદિવાસી વિસ્તારને અનુચ્છેદ-૫માં મળતા વિશેષ અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. આવા કિસ્સાઓમાં અનુભવ એવો છે કે મોટા પ્રમાણમાં લોકોને વિસ્થાપિત  કરી દેવાય, વળતર મળે જ નહીં, મળે તો પણ નજીવું.

લોકો અન્યાય સામે લડી રહ્યા છે અને પોતાના અધિકારની માગણી કરી રહ્યા છે. લખનભાઈ, જેઓ વર્ષોથી આ વિસ્તારમાં લોકો સાથે એક થઈને રહ્યા છે તે પણ આ લડતમાં ખભેખભો મિલાવીને લડી રહ્યા છે. પોતાનું સર્વસ્વ આપીને લોકોની મુશ્કેલીઓને વાચા આપવા તેઓ બધા પ્રયત્નો કરી રહ્યા છે.

સત્તાને ક્યારેય તેનો કોઈ વિરોધ ગમે ખરો ? કહેવાય છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આખો પ્રોજેક્ટ સરકારનો અને દેશના ઉચ્ચ પદે બેઠેલા નેતાનો ચહીતો પ્રોજેક્ટ છે. તેઓ કોઈ પણ ભોગે અહીં સ્વપ્નની સૃષ્ટિ રચવા માગે છે. હા, કોઈ પણ ભોગે ! એટલે જ્યારે પણ કોઈ મંત્રી, મુખ્યમંત્રી કે વડાપ્રધાન આ વિસ્તારમાં આવવાના હોય ત્યારે લખનભાઈ તેમજ ગામોના અન્ય લોકોને જેલમાં પૂરી  દેવાય છે,  કે નજરકેદ કરી દેવાય છે. તેમના ઉપર ખોટા વાહિયાત કેસ દાખલ કરાય છે. સાવ અકારણ જ વર્ષમાં ઓછામાં ઓછા બે-ત્રણ વાર તો તેમને જેલમાં ઠોકી જ બેસાડાય  છે. પરંતુ, આ વખતે સરકારના ગભરાટે માઝા મૂકી.

તારીખ ૮મી માર્ચ રવિવારના દિવસે લખનભાઈને રસ્તા વચ્ચે, રીક્ષામાં બેઠા હતા ત્યારે નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર તેમજ તાપી જિલ્લાઓમાંથી તડીપાર કરવાની નોટિસ નર્મદા પોલીસે બજાવી છે. આ કંઈ નોટિસ બજાવવાની રીત હોઈ શકે !?

લખનભાઈ વિશે પોલીસ કહે છે કે તે પ્રમાણિક રીતે કોઈ કામધંધો કરતા નથી. પોલીસની સમજણ આ બાબતમાં મર્યાદિત હોય તે સમજી શકાય છે. દુનિયામાં કેટલાક લોકો એવા હોય છે જેમને સમાજ હોંશે હોંશે પોતાના ગણી લે છે. તેમની જરૂરિયાતો પૂરી કરવી એ સમાજને લહાવો લાગે છે. લખનભાઈ એ જમાતના છે. આ માણસ પોતાના માટે નહીં, સમાજ માટે જીવે છે. અને તેથી જ તેના યોગક્ષેમની ચિંતા સમાજ કરે છે, આ વાત ભ્રષ્ટાચાર અને જીહજૂરીથી ટેવાયેલા સરકારી તંત્રને ન સમજાય તે સ્વાભાવિક જ છે.

લખનભાઈ પર કરવામાં આવેલા આક્ષેપો તદ્દન બેબૂનિયાદ, વાહિયાત અને નિંદનીય છે જે નીચે મુજબ છે :

  1. તે મારક હથિયાર લઈને ફરે છે અને તેના વડે તેઓ હુમલો કરે છે.
  2. તે કોમી માનસ ધરાવે છે.
  3. લોકોને ડરાવે છે, તેથી તેમની સામે જુબાની આપવા કોઈ તૈયાર નથી.
  4. અસરગ્રસ્ત અને અસામાજિક તત્ત્વો સાથે મળીને સરકારી યોજનાનો વિરોધ કરે છે, નારા લગાવે છે.
  5. સરકારી કર્મચારીઓ સાથે ઝઘડો કરે છે.

અન્ય આક્ષેપો જેમાં પોલીસ કહે છે કે ‘સ્થાનિક અને બહારના લોકો સાથે મળીને સરકારી પ્રોજેક્ટનો વિરોધ કરે છે’. આ તો દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. આમ કરવું તે કંઈ ગુનો નથી. દેશમાં આજે એકહથ્થુ શાસન અને દમનનું વાતાવરણ છે. તેને લીધે લોકશાહીના ત્રણ સ્થંભ એટલે કે સમાચાર માધ્યમો, સરકારી અધિકારીઓ (બ્યુરોક્રેસી) તેમજ ન્યાયતંત્ર પોતાની ભૂમિકા યોગ્ય રીતે નથી બજાવતાં. લખનભાઈને મળેલી તડીપાર થવાની આ નોટિસ એ ઉપર દર્શાવેલા માહોલની નીચેના સ્તર પર થનારી અસર છે.

રાજપીપળા વિસ્તાર નસીબદાર છે કે ત્યાં લખનભાઈ જ નહીં, તેમના જેવા બીજા મિત્રો પણ આ વિસ્તારને પોતાનો માની ધૂણી ધખાવીને બેઠા છે. સમાજસેવામાં ખૂંપી ગયા છે. સાચી વાત તો એ છે કે સમાજે (જેમાં સરકાર પણ આવી જાય) આવા લોકોના કામમાં મદદરૂપ થવાનું હોય, તેમની કદર કરવાની હોય. લખનભાઈ જેવી સંપૂર્ણ સમર્પિત વ્યક્તિને પોલીસતંત્રએ બજાવેલી તડીપારની નોટિસ અત્યંત બેહૂદી, શરમજનક અને અર્થ વિનાની છે.

સમસ્ત આદિવાસી સમાજ, કર્મશીલ અને સંવેદનશીલ નાગરિકો તેનો વિરોધ કરે છે. ૧૨મી માર્ચે જ્યારે લખનભાઈને રાજપીપળાની સબડિવિઝનલ કોર્ટમાં હાજર થવાનું હતું ત્યારે રાજ્યના ભૂતપૂર્વ મંત્રી સુરેશભાઈ મહેતા સહિત રાજ્યભરમાંથી કર્મશીલો અને ગામેગામથી મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ હકીકત લખનભાઈની સારપ અને લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે.

સ્વાતિ

Leave a comment