કોઈ મને કહેશે કે માણસજાત ક્યારથી વસ્ત્રો ધારણ કરતી થઈ?
એ જ ખોટું થયું કે માણસે વસ્ત્રો બનાવ્યાં ને ધારણ કર્યાં?
તેમાં પણ સ્ત્રીઓને ઢાંકીને તો એ મૂર્ખ જ સાબિત થયો!
ના, ના, મૂર્ખ નહીં, મહામૂર્ખ!
શા માટે સ્તન અને યોનિ ઢાંક્યાં –
જ્યારે યોનિ સર્જનનું અને સ્તન પોષણનું પ્રતીક છે ત્યારે?
કાચીકુંવારી ક્ધયાઓને વારે વારે નિર્વસ્ત્ર થવાની નોબત આવે તેના કરતાં એ નિર્વસ્ત્ર જ રહેતી હોત તો?
આમ પણ એમની માતામહીઓ તો નિર્વસ્ત્ર જ રહેતી હતી ને!
કોણ જાણે એ બર્બર અમાનુષોના બાપ અને માએ શું ખાઈને એમને જણ્યા હશે?
અને એ વસ્ત્રાભૂષણ ધારણ કરેલી ક્ધયાઓની માએ શું ખાઈને એમને જણી હશે?
વાંચી શકો તો વાંચો, ભાઈઓ અને બહેનો!
નિર્વસ્ત્ર કરવું, બળાત્કાર કરવો,
સિત્તેરની હોય તો પણ સ્તન કાપી નાખવાં
આ બધું કરવા માટે હિંમત નથી જોઈતી!
તમે હિંસક, બર્બર, નિર્દય હો એટલું પૂરતું છે.
અને ભારત જેવા મહાન દેશમાં એટલા બર્બરો પૂરતા પ્રમાણમાં છે!
જેઓ ક્યારેક રક્ષક બનવાનાં શપથ લે છે કે
ક્યારેક અગ્નિની સાક્ષીએ સપ્તપદી અને મંગળફેરાની વિધિ કરે છે!
તો ક્યારેક બ્ચૂટિ કોન્ટેસ્ટ માટે માંધાતા બનીને ફરે છે!
ફેશન ડિઝાઈનર બનીને એવાં વસ્ત્રો બનાવે છે
જે કહેવા પૂરતાં જ વસ્ત્રો હોય!
પછી… પછી?
પછી એમને અગ્નિ પરીક્ષાનો અધિકાર મળે છે કે નિર્વસ્ત્ર કરવાની મજા લૂંટવાનો પરવાનો!
દાક્તરો, વકીલો, સમાજસેવકોને માઓવાદી કે ફલાણાઢીંકણા વાદી કહેવાનો અધિકાર પણ હવે આ વાંચીને એમ કહેશો નહીં કે
આ બધું જ્યાં બને છે તે હજારો માઈલ દૂરસુદૂર બને છે !
ના..ના..
તમે તો કાંઈ બી બોઈવાનાં નથી ને ચાઈવાનાં બી નથી!
તમે તો પેલાં કોરોનાના સૂક્ષ્મ જંતુથી જ ‘બી’‘બી’ને ઠેકાણે પડી ગેઈલા છો તે! હવે તો સૂક્ષ્મ,
નરી આંખે ન દેખાતાં જંતુઓ જ તમને મ્હાત કરી દે છે,
ને સાથે બુકાની કમ્પલસરી થેઈ ગયેલી છે તે!
એ બુકાનીનું નામ માસ્ક છે ને વર્ગ, વર્ણ,
જાતિ, લિંગ ભેદ વગર સૌએ ધારણ કરવાનું છે.
તો પછી આનંદો સૌ કે કોણે કોને પકડીને ઠેકાણે પાડ્યા કે પાડી તેનો અણસાર કે અહેસાસ સુધ્ધાં થવાનો નથી!
ઓકે ઓકે પણ મારે એ વાત ભૂલવી નથી કે
આ વસ્ત્રોની શોધ જ શું કામ કરી હતી ?
જો, નિર્વસ્ત્ર થઈને જ સૌ ઘૂમ્યાં હોત તો
આજે આ નોબત ન આવી હોત કે નિર્વસ્ત્ર કરો, બળાત્કાર કરો ને
ફેંકો સ્ત્રી શરીરને રાહેરસ્તે!
રસ જ ન રહ્યો હોત કોઈને કોઈના શરીરમાં!
જુઓને, પશુપક્ષીઓ,મચ્છર કે માખી વસ્ત્ર ધારણ કરે છે?
માસ્ક પહેરે છે? સેનેટાઈઝર વાપરે છે?
વારંવાર સાબુથી હાથ ધૂએ છે? પેલાં જંતુથી ડરે છે?
તો માણસજાત કેમ નગણ્ય જંતુથી આટલી ડરે છે ?
ફરી પાછી મારી ગાડી પાટા પરથી ઊતરી પડી!
આપણી ગાડીએ તો વસ્ત્રો ફગાવી દેવાના પાટા પર જ પૂરપાટ દોડવાનું હતું!
સીધીસટ વાત : હવે તમારે આને કવિતા કહેવું હોય તો કહેજો.
સામાજિક નિસબત માનવી હોય તો માનજો.
પ્રતિબદ્ધતા અને કટિબદ્ધતા માનવી હોય તો માનજો ને ન માનવી હોય તો તમારી મરજી!
પણ મહેરબાની કરીને આનું પિષ્ટપેષણ
એ સાહિત્યકૃતિ છે કે નહીં, એ વાચનસામગ્રી છે કે કાવ્ય છે,
એ ફલાણું છે કે ઢીંકણું છે, એ અહીંની વાત છે કે તહીંની..
એવાં વલોણાં કરી કરીને એની ધાર બુઠ્ઠી ના કરતાં.. શું કહ્યું?
‘વિકાસની વિકરાળતા’ સમજવી હોય તો સમજો
ને ન સમજવી હોય તો તમે જાણો!
એની સચ્ચાઈ સહન કરી શકો તો કરો ને ન કરી શકો
તો પણ તમે જાણો!
તમારે ગાયની રક્ષા કરવી હોય તો તમે જાણો!
ને બેનદીકરીઓને વસ્ત્રાભૂષણથી સજાવી નિર્વસ્ત્ર કરાવવા માટે રસ્તા પર મૂકવી હોય તો તમે જાણો!
બાકી, સીધ્ધીસટ્ટ ને ચોખ્ખી વાતનો જવાબ આપો કે
આપણે ક્યારથી વસ્ત્રો ધારણ કર્યાં? ને કેમ?
– બકુલા ઘાસવાલા
(1/7/2020ના ભૂમિપુત્રમાં હિમાંશુકુમારનું પ્રવચન વાંચીને વહેલી સવારે સ્ફુરેલું કાવ્ય)

લેખમાં અને કાવ્યમાં જે પ્રદેશની વાત છે, તે અંગે વિગતો જાણવા આ પુસ્તક જોઈ-વાંચી શકાય.
પુસ્તક મેળવવા ભૂમિપુત્ર કાર્યાલયનો સંપર્ક કરશો.
*લેખની ફિચર ઈમેજ લેખિકાની ફેસબુક વોલ પરથી સાભાર