ઈનહેલર

એકની એક દીકરી અનુને જ્યારે ડોક્ટરે ઈનહેલર વાપરવાની સલાહ આપી ત્યારે રાખાલબાબુ ચિંતામાં પડી ગયેલા. ડોક્ટર મિત્રએ હસતાં હસતાં કહેલું, ‘રાખાલ, દીકરી ત્રીસ વરસની થવા આવી. પરણી ગઈ હોત તો તું નાનો પણ બની ગયો હોત. હવે તો એની ફિકર કરવાનું ઓછું કર! શહેરના પોલ્યુશનને કારણે કેટલાય દર્દીઓને પંપ લેવો પડે છે ને એનાથી કંઈ નુકસાન નથી થતું.’ અનુ કલકત્તામાં જ જન્મી, ઊછરી, ભણી અને હવે નોકરીએ પણ અહીં જ લાગી. ઉંમરલાયક દીકરીને મા-બાપ મુરતિયા બતાવી બતાવીને થાક્યાં પણ અનુનું મન હજી સુધી એક્કેમાં માન્યું નહોતું.

 રાખાલબાબુએ એક દિવસ એને બાજુમાં બેસાડીને કહ્યું, ‘જો બેટા, હવે અમારી ઉંમર પણ વધતી જાય છે અને ચિંતા પણ વધતી જાય છે કે કાલ સવારે અમે નહીં હોઈએ ત્યારે…’ ‘પપ્પા, મને ઈમોશનલી બ્લેકમેલ કરવાનું છોડીને મૂળ મુદ્દાની વાત કરો.’

 ‘સારું ચાલ, સીધી જ વાત કરું તો મારી ઑફિસમાં સુકેતુ કરીને છોકરો કામ કરે છે. મારી નજરમાં એ તારે માટે વસી ગયો છે. અત્યારે ભલે એના ઘરની પરિસ્થિતિ સાધારણ છે પણ એ એટલો મહેનતુ છે કે, મને એના ઉજ્જવળ ભવિષ્યની ખાતરી છે.’

 ‘ક્યાં રહે છે?’

 ‘એનું કુટુંબ તો દુર્ગાપુર રહે છે એટલે એ અહીં પેઈંગગેસ્ટ તરીકે રહે છે.’

                ‘બાપ રે દુર્ગાપુર ! ના બાબા ના, મને કલકત્તા છોડીને એવા ગામડામાં ન ફાવે.’

                ‘પણ તારે ક્યાં ત્યાં કાયમ રહેવાનું છે? નોકરી અહીં કરે છે એટલે એ તો અહીં જ સેટલ થવાનો. એક વાર એને મળ તો ખરી! પ્લીઝ, મારે ખાતર.’ રાખાલબાબુની ઇચ્છા સામે એમની લાડકીને ભલે ઝૂકવું પડ્યું પણ મુલાકાતને અંતે પોતાનો ફેંસલો સંભળાવતાં એણે કહ્યું, ‘ઠીક છે, છોકરો સારો છે પણ પાપા, એ શહેરમાં રહેતા છોકરાઓ જેવો સ્માર્ટ નથી લાગતો.’

શનિવારે સાંજે હિંચકે બેસીને બાપ-દીકરી વચ્ચે આ સંવાદ થયો અને રવિવારે સાંજે તો રાખાલબાબુ અનંતની સફરે ઊપડી ગયા. હત્પ્રભ થઈ ગયેલાં મા અને દીકરીને સંભાળી લેવામાં સુકેતુ સૌથી પહેલો હતો. ડેથ સર્ટિફિકેટ લેવું, એમ્બ્યુલંસ માટે તજવીજ કરવી, સગાં વ્હાલાઓને ફોન કરવા, એવાં બધાં કામ એણે સહજતાથી ઉપાડી લીધેલાં. રાખાલબાબુની ઓચિંતી વિદાયને કારણે મૂઢ થઈ ગયેલી અનુને વારંવાર ઈનહેલરની જરૂર પડવા માંડેલી. સુકેતુએ મનોમન એની નોંધ લીધી હતી. એક દિવસ એણે ધીર ગંભીર અવાજે અનુને કહેલું, ‘જુઓ, મને તમારા પપ્પા માટે ખૂબ પ્રેમ અને આદર હતા. મારે માટે સાવ અજાણ્યા આ શહેરમાં શરૂઆતમાં તેઓ જ મારો આધાર બન્યા હતા. એમની ગેરહાજરીમાં તમારી સંભાળ લેવાની ફરજ સમજીને કહું તો ખરાબ ન લગાડશો કે હવે તમારે તમારાં મમ્મીને પણ સંભાળવાનાં છે. કંઈ નહીં તો એમને ખાતર પણ તમારે તબિયતનું ધ્યાન રાખવું  પડશે.’

તે દિવસે અનુએ વિચાર્યું કે પપ્પાએ બહુ વિચારપૂર્વક મારે માટે સુકેતુની પસંદગી કરી હશે. એની પરિપક્વતા જોઈને લાગે છે કે એનાથી વધુ યોગ્ય પાત્ર મને નહીં મળે. એની સંમતિ જાણીને માને પણ હાશકારો થયો. ઉતાવળે અને સાવ સાદાઈથી લેવાયેલાં લગ્ન સમયે સુકેતુના ઘરેથી કોઈ હાજર ન રહી શક્યું પણ માને પગે લાગવા વરઘોડિયાં તરત જ દુર્ગાપુર પહોંચ્યાં. ગામડાના નાનકડા ઘરમાં આટલાં બધાં લોકોને એક સાથે રહેતાં જોઈને અનુ તો ડઘાઈ જ ગઈ. એને થયું, થોડા દિવસ પણ અહીં શી રીતે રહેવાશે?

                માને પગે લાગી ત્યારે એમણે સ્નેહથી એને ગળે વળગાડી અને જૂની ફેશનનો એક હાર એના હાથમાં મૂકતાં બોલ્યાં, ‘બેટા, હું જાણું છું કે, તારી પાસે તો કેટલાય દાગીના હશે. મારો આ જૂના ઘાટનો હાર કદાચ તું પહેરીશ પણ નહીં પણ સુકેતુના બાબુજીની યાદગીરી તરીકે તને આપું છું.’ એમની આંખોમાં બોલતાં બોલતાં આવેલાં ઝળઝળિયાં જોઈ અનુથી અનાયાસે બોલાઈ ગયું, ‘ના મા, મને હાર બહુ ગમ્યો. આવો ઘાટ તો હવે જોવા પણ નથી મળતો. હું જરૂર પહેરીશ.’

નાનકડી નણદી સ્મૃતિએ શરમાતાં, સંકોચાતાં અનુને કહ્યું, ‘ભાભી, તમે તો શહેરમાં રહેવાવાળા લોકો. તમારી પસંદગી ઘણી ઊંચી હોય. મને કંઈ એવું સરસ ખરીદતાં આવડે નહીં પણ મને થયું કે, ભાભી પહેલી વાર ઘરમાં આવે છે ત્યારે મારે કંઈક આપવું જોઈએ. મારા પોકેટ મનીમાંથી ખાસ તમારા માટે આ સલવાર-સૂટ લાવી છું. તમને કેવો લાગ્યો, કહેજો.’ અનુના હાથમાં ગીફ્ટ પેકેટ મૂકીને એ ભાગી ગઈ. ભાઈ-ભાંડુઓનો પ્રેમ કેવો હોય એ અનુને ખબર જ નહોતી. આજના આ પહેલવહેલા અનુભવે એની આંખો ભીની કરી નાખી.

રાત્રે ભાભી એનો હાથ પકડીને સુંદર સજાવેલા રૂમમાં લઈ ગયાં. એમણે કહ્યું, ‘તને અહીં રહેવામાં અગવડ તો ઘણી લાગશે પણ આનાથી વધુ વ્યવસ્થા કરવાનું અમારું ગજું નથી. તમે અહીં છો એટલા દિવસ…’ ‘ના ભાભી, આ તો તમારો રૂમ છે. અહીં નહીં. હું સ્મૃતિ સાથે સૂઈ જઈશ અને સુકેતુ મા સાથે…’ ‘બસ બસ, મારી વ્હાલી દેરાણી, મને ખબર છે કે, તને મનમાં ભાવે છે ને મૂંડી હલાવે છે.’ શરમથી અનુની પાંપણો ઝૂકી ગઈ. રાત્રે રૂમમાં આવતાંની સાથે સુકેતુને યાદ આવ્યું, ‘અરે અનુ, તેં તારા સામાનમાં ઈનહેલર મૂક્યું છે કે નહીં? તને જરૂર પડશે તો?’

સુકેતુની આંખમાં આંખ પરોવતાં અનુએ કહ્યું,‘ના, એની જરૂર નહીં પડે કેમકે, અહીં પોલ્યુશન નથી અને હા, બીજી એક વાત, તમે કહેતા હતાને કે, આપણે અહીંથી સીધાં હનીમૂન માટે જઈશું. મને થાય છે કે ફક્ત આપણે બે જ જઈએ એના કરતાં મા, ભાઈ-ભાભી, મુન્ની, સ્મૃતિ – બધાં સાથે ક્યાંક ફરવા જઈએ તો? એવો મોકો ફરી ક્યાં મળશે?’

અનુના પ્રફુલ્લિત ચહેરામાં સુકેતુ એક નવી જ અનુને જોઈ રહ્યો.

(અર્પા ઘોષની અંગ્રેજી વાર્તાને આધારે)         – આશા વીરેન્દ્ર

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s