વિનોબા : એક ઊર્જાવાન વ્યક્તિત્વ
વિનોબાજી જેલમાં હોય કે બહાર, સંઘર્ષના માર્ગે હોય કે રચનાના માર્ગે, તેઓ પોતાની સંપૂર્ણ ઊર્જા સાથે ક્રિયાશીલ રહ્યા છે. જેલમાંથી મુક્ત થયા પછી, લાવ જરા આરામ કરી લઉં, તેવું વલણ દાખવતા નથી. જ્યાં તક મળે ત્યાં નવું નવું લખવામાં કે કંઈક નવું નવું શીખવામાં સમય વિતાવતા. કોઈ તેમની પાસેથી કંઈ શીખવા માંગતું હોય તો તેઓ વિના સંકોચ શિક્ષકની ભૂમિકા પણ નિભાવતા.
આપણે આ શ્રેણીના અગાઉના લેખમાં ‘સ્થિતપ્રજ્ઞ દર્શન’ પુસ્તક વિષે વિચાર કર્યો હતો. વર્ષ 1944માં મધ્યપ્રદેશની સિવની જેલમાં આપેલાં પ્રવચનોના આધારે આ પુસ્તક તૈયાર થયું હતું. આપણે હવે જેલયાત્રાના આખરી તબક્કામાં વિનોબાજીએ તૈયાર કરેલ અન્ય કૃતિઓ તેમજ પ્રવૃત્તિઓ અંગે વિચાર કરીશું.
જેલયાત્રા : વર્ધા-નાગપુર-વેલોર અને સિવની
1942, 9-ઓગસ્ટના રોજ સરકારે વિનોબાજીને વર્ધાની જેલમાં કેદ કર્યા. સરકારે શા માટે તેમની ધરપકડ કરી તે સમજવા માટે આપણે કેટલીક મહત્ત્વની ઘટનાઓ પર નજર નાંખવી પડશે.
બીજા વિશ્ર્વયુદ્ધમાં ભારત બ્રિટનને મદદ કરે અને યુદ્ધ પતી ગયા પછી સરકાર ભારતને સ્વતંત્ર કરવાની દિશામાં આગળ વધશે તેમજ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને વધુ સત્તા સોંપશે તેવાં તેમજ અન્ય પગલાંની વાત કરવા ઇંગ્લાન્ડના પ્રતિનિધિ તરીકે સર સ્ટેફર્ડ ક્રિપ્સ ફેબ્રુઆરી 1942માં ભારત આવે છે. તેમની સમગ્ર પ્રક્રિયા Cripps Mission તરીકે ઓળખાય છે.
આ અંગે જેને વિસ્તારથી સમજવું હોય તેણે નારાયણ દેસાઈના પુસ્તક ‘મારું જીવન એ જ મારી વાણી’ના તૃતીય ખંડ – સત્યપથનો અંતિમ ભાગ અને ચતુર્થ ખંડ – ‘સ્વાર્પણ’નો શરૂઆતનો ભાગ વાંચવો રહ્યો. ગાંધીજી અને કોંગ્રેસને ક્રિપ્સની દરખાસ્તો સ્વીકારવા જેવી ન લાગી. ગાંધીજીને લાગી રહ્યું હતું કે અંગ્રેજો તરત જ ભારત છોડી જાય તેમાં જ ભારત અને બ્રિટનનું કલ્યાણ સમાયેલું છે. દેશમાં ‘ભારત છોડો’ સૂત્રે એક નવી ઊર્જાનો સંચાર કર્યો હતો. સૌ કોઈ મુઠ્ઠીમાં માથું લઈને આ આંદોલનમાં ઝંપલાવવા તૈયાર થઈ રહ્યા હતા.
ગાંધીજીએ આઝાદી મેળવવા અનેક વખત જેલવાસ ભોગવ્યો હતો. લાંબો સમય જેલમાં રહેતા પણ હતા. પણ વર્ષ 1942માં તેમને લાગ્યું, હવે જેલમાં જઈને માત્ર દિવસો વિતાવવાનો શો અર્થ? હવે તો જેલમાં પ્રવેશતાંની સાથે જ ઉપવાસ ચાલુ કરી નાંખવા અને બલિદાન આપવું. પરંતુ તેમ કરવું તે યોગ્ય છે ? તેમ પ્રશ્ર્ન થતાં નજીકના સાથીઓ સાથે વાત કરે છે, મોટા ભાગના સાથીઓને આ વાત મંજૂર ન હતી. બાપુ વિનોબાને બોલાવે છે. વિનોબા સેવાગ્રામ મળવા જાય છે.
ગાંધીજીના મૂંઝવતા પ્રશ્ર્નનો જવાબ વિનોબાજી એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર આપે છે – અહિંસક આંદોલનમાં આવું બલિદાન યોગ્ય છે : વિનોબાજી આટલો જવાબ આપી અટકતા નથી – સહસ્મિત કહે છે – જે કામ રામ જ્ઞાનપૂર્વક કરે તે કામ હનુમાનજી શ્રદ્ધાપૂર્વક કરી શકે.
રામના હનુમાન
આમ તો વિનોબાજી રામના હનુમાન જ હતા ને ! 9 ઓગસ્ટની વહેલી સવારે ગાંધીજીને મુંબઈમાં બિરલા હાઉસમાંથી ગિરફતાર કર્યા. વિનોબાજી મહદ્અંશે પોતાના રચનાત્મક કાર્યક્રમમાં વધારે ગૂંથાયેલા રહેતા હતા પરંતુ બ્રિટીશ સરકાર કોઈ જોખમ ઉઠાવવા માંગતી ન હતી. ગાંધીજીને પકડ્યા તે જ દિવસે વિનોબાજીની પણ ધરપકડ કરવામાં આવી. પવનાર આશ્રમ, નાલવાડી સંસ્થા અને ગોપુરી આશ્રમને જપ્ત કરવામાં આવ્યા. સરકારી સીલ લગાવવામાં આવ્યાં. વિનોબાજીના સાથીઓને તેમજ રાધાક્રિશ્ર્નન બજાજને પણ પકડી લેવામાં આવ્યા. તેમના પર ભાંગફોડ કરવાનો અને રાજદ્રોહ નો આરોપ લગાવવામાં આવ્યો. જોકે પાછળથી સાથીઓને છોડી મૂકવામાં આવ્યા. કારણ કે આવા વાહિયાત આરોપોની વાત કોર્ટમાં ટકી શકે તેમ ન હતી. વિનોબાજીએ જેલમાં પ્રવેશતાં જ ઉપવાસ ચાલુ કરી દીધા.
બીજી બાજુ ગાંધીજીએ જેલમાં જતાં વિચાર્યું કે ઉપવાસ પર જતાં પહેલાં સરકાર સાથે પત્રવ્યવહાર કરવામાં આવે. વિનોબાજીના ઉપવાસ અટકાવવા માટે પ્યારેલાલ, કિશોરલાલ મશરૂવાળા સક્રિય થયા અને જેલમાં ખુદ સામાજિક કાર્યકર વાળુંજકરજી ગયા અને ઉપવાસ નહીં કરવાનો બાપુજીનો સંદેશો વિનોબાજીને સંભળાવ્યો, અને ઉપવાસ અટક્યા. આવા હતા ગાંધીના હનુમાન !
વર્ધા જેલમાંથી વિનોબાજીને નાગપુર જેલમાં લઈ જવામાં આવ્યા. ત્યાંથી વેલોર જેલ-તામિલનાડૂમાં લઈ જવામાં આવ્યા. ત્યાં સમાચાર એક દિવસ મોડા મળ્યા કે ગાંધીજીએ 21 દિવસના ઉપવાસ ચાલુ કર્યા છે. વિનોબાજીએ પણ વેલોર જેલમાં 20 દિવસ, 11-2-43 થી 3-3-43ના ગાળામાં ઉપવાસ કર્યા.
ગાંધીજીના ઉપવાસ શા માટે ?
ગાંધીજીએ ‘ભારત છોડો’ આંદોલન છેડ્યું હોવાથી તેમની ધરપકડ કરીને પૂનાના આગાખાન મહેલમાં રાખવામાં આવ્યા હતા. કસ્તુરબા ગાંધી અને મહાદેવભાઈ દેસાઈનું આગાખાન મહેલમાં જ મૃત્યુ થયું હતું. ગાંધીજીની તબિયત પણ બગડતી જતી હતી.
ગાંધીજીના ‘ભારત છોડો’ – ‘હિંદ છોડો’ આંદોલનના કારણે સરકારે તેમની ધરપકડ કરી પછી દેશ ભડકે બળતો હતો. સરકાર દમનકારી પગલાં ભરી રહી હતી. 57 જેટલી બટાલીયન આંદોલનને કચડવા માટે ઉતારવામાં આવી હતી. 1 લાખ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કોંગ્રેસ વર્કિંગ કારોબારીના બધા જ સભ્યોને જેલભેગા કરવામાં આવ્યા હતા.
પ્રજાએ સરકારનો પ્રતિકાર કરવા 550 પોસ્ટ ઑફિસોમાં તોડફોડ કરી, 250 સ્થાને રેલવેને નુકસાન પહોંચાડ્યું. 70 પોલીસ ચોકી અને 85 સરકારી મકાનો તોડવામાં આવ્યાં હતાં. 2500 સ્થળે ટેલીગ્રામના વાયરો કાપવામાં આવ્યા હતા.
સરકાર ગાંધીજીને આના માટે જવાબદાર ગણાવતી હતી. ગાંધીજી સરકારના બળપ્રયોગના અતિરેકને કારણભૂત માનતા. ગાંધીજી સરકારના પ્રતિનિધિઓ સાથે સતત પત્રવ્યવહાર કરતા રહેતા. 14મી ઓગસ્ટને રોજ વાઈસરોય લોર્ડ લિન્લિથગોને લાંબો પત્ર લખીને પોતાની ભૂમિકા સમજાવી. પરંતુ સરકારનો એક માત્ર રસ બ્રિટિશ સામ્રાજ્યવાદને હિંદમાં બને એટલો લાંબો ટકાવવાનો હતો. 1942 ઓગસ્ટ 17થી 19ના ગાળામાં વરાડના ચિમૂરમાં લોકોનાં ટોળાંઓ ઉપર પોલીસે અત્યાચાર ગુજાર્યો હતો. 19 તારીખે આણંદ પાસે અડાસ ગામે વિદ્યાર્થીઓની એક ટુકડી ગાડી પકડવા સ્ટેશને જતી હતી ત્યારે સડક પર જ તેમની પર ગોળી છોડવામાં આવી.
ગાંધીજી વાયસરોયને લખે છે – “સરકારે પોતાના વર્તનથી પ્રજાને પાગલ કરી મૂકી છે. દુ:ખની આ કથનીમાં દેશ આખામાં ફેલાઈ ગયેલી અનાજની તંગીમાં લાખો-કરોડો દરિદ્ર લોકો ઉપર ઊતરેલી આફત અને હાડમારીઓનો ઉમેરો….”
આગળ ગાંધીજી લખે છે – “મારી (પત્રમાં દર્શાવેલી) આ વ્યથાનું નિવારણ જો તમારી પાસેથી મને ન જ મળવાનું હોય તો પછી મારે સત્યાગ્રહીના આખરી ધર્મને આચરીને મારું સાંત્વન મેળવવું રહ્યું. એટલે કે મારે યથાશક્તિ ઉપવાસ કરવા.”
પત્રમાં ગાંધીજી 9 ફેબ્રુઆરી 1943થી 1 માર્ચ 1943 સુધી 21 દિવસના ઉપવાસની જાહેરાત કરે છે. આપણે આગળ નોંધ્યું તેમ વિનોબાજી પણ ગાંધીના પગલે ઉપવાસ પર ઊતરે છે.
વેલોર જેલની અન્ય પ્રવૃત્તિઓ
વેલોર જેલમાં વિનોબાજી મોટા ભાગનો સમય કાંતવામાં વિતાવતા. જેલરે શરૂઆતમાં જ વિનોબાને પૂછ્યું, તમારે શું સગવડ જોઈએ છે ? તે વખતે વિનોબાજીના વાળ ખૂબ વધી ગયા હતા માટે વાળ કાપવા માટે હજામની માંગણી કરી. તે ઉપરાંત તમિલ શિખવાડે તેવી વ્યક્તિ જોઈએ, તેમ કહ્યું. 10 દિવસ તમિલ શીખ્યા પછી તેલુગુ શીખવાનું ચાલુ કર્યું. પાંચ-છ દિવસ પછી ક્ધનડ અને મલયાલમ શીખ્યા. આમ એક જ મહિનામાં ચાર ભાષાનું અધ્યયન કર્યું. શિખવાડનાર ભાઈ થોડી ઘણી અંગ્રેજીમાં વાત કરી શકતા હતા.
શ્રીમન નારાયણ પોતાના પુસ્તક ટશક્ષજ્ઞબફ : Vinoba : His Life and Work લખે છે : ડૉ. ભારતન કુમારઅપ્પા, જે જે.સી.કુમારઅપ્પાના નાના ભાઈ થાય તેમણે વિનોબાજીને દ્રવિડીયન ભાષાઓ શિખવાડી હતી. વિનોબાજીએ ભારતનને તુલસીદાસ રામાયણ સમજાવી હતી.
વેલોર ગીતા પ્રવચનો
વેલોર જેલમાં કેટલાક રાજકીય કેદીઓ સમક્ષ ગીતા પર પ્રવચનો આપ્યાં હતાં. આ પ્રવચનો ‘વેલોર ગીતા પ્રવચનો’ તરીકે ઓળખાય છે.
વિનોબાજીએ ધુળિયા જેલમાં પ્રવચનો આપ્યાં ત્યારે સાને ગુરુજીએ સારી રીતે તેની નોંધ લીધી હતી. વેલોર પ્રવચનની વ્યવસ્થિત નોંધ લેવાઈ ન હતી. તેમજ વિનોબાજીએ જે કાંઈ નોંધ લેવાઈ હોય તેના પર નજર પણ નાંખી ન હતી. કેટલાક મિત્રોએ પોતાના જોગ તેની નકલ કરી લીધી હતી.
પવનાર સ્થિત ઉષાબહેને સારું સંકલન કરીને વિનોબા સાહિત્ય ખંડના પાંચમાં ખંડમાં વેલોર પ્રવચન છાપ્યાં છે. ગુજરાતીમાં પૂ. રવિશંકર દાદાની 22મી પુણ્યતિથિને રોજ 1-7-2006માં વેલોર પ્રવચનનો રસાનુવાદ કૃષ્ણવદન શાહે તૈયાર કર્યો હતો, તે ગ્રંથ પ્રગટ કરવામાં આવ્યો હતો. પ્રગટ થાય તે પહેલાં શ્રી કૃષ્ણવદનભાઈનું 71 વર્ષની વયે 14-12-2005ના રોજ અવસાન થયું હતું. (કૃષ્ણવદન શાહ જન્મ 3-5-1934 – અવસાન 14-12-2005) સંસ્કૃતના પ્રાધ્યાપક અને લેખનમાં ખૂબ જ ચીવટ દાખવનાર શ્રી નીતીન ર. દેસાઈએ ભાષાકીય રીતે તેમજ વિષયવસ્તુની દૃષ્ટિએ શ્રીમદ્-ભગવદ્ગીતા-ચિંતન પુસ્તકને સમગ્ર રીતે તપાસી જોયું હતું.
વિનોબાના અગાઉના ગીતા પ્રવચનો જેવું આ પુસ્તક લોકચાહના મેળવી ન શક્યું. વિનોબાજીના ગીતા અંગેના વિચારો સમજવામાં રસ ધરાવનારાઓએ વેલોર પ્રવચનો વાંચવા જેવાં છે. 1932નાં ગીતા પ્રવચનો પછી 1944 સુધીમાં વિનોબાજીએ જે વધારાનું ચિંતન ગીતા અંગે કર્યું હશે તેની અવશ્ય અસર વેલોર પ્રવચનોમાં ઝિલાઈ હશે.
વિનોબાજીના લિપિ અભિયાનનાં મૂળ કદાચ વેલોર અને સિવનીમાં
વિનોબાજી વેલોરમાં દક્ષિણ ભારતની ભાષાઓ – દ્રવિડિયન ભાષાઓ શીખ્યા. વેલોર જેલમાં એક વર્ષ વીતાવ્યા પછી સિવની જેલમાં લઈ જવામાં આવ્યા. ત્યાં દક્ષિણ ભારતની ચાર ભાષામાં લખાયેલું સાહિત્ય વાંચવાનું કામ કર્યું.
વિનોબાજી માટે મરાઠી માતૃભાષા હતી. હિંદી અને ગુજરાતી સાબરમતી આશ્રમમાં શીખ્યા. પોતાના વતનથી વડોદરા આવ્યા ત્યારે પિતાજી પાસેથી પાયાનું અંગ્રેજી શીખ્યા. પાછળથી કૉલેજમાં અંગ્રેજીનો વધુ અભ્યાસ કર્યો. કૉલેજમાં ફ્રેંચ ભાષા પણ શીખ્યા. સંસ્કૃતનો અભ્યાસ બનારસમાં અને વાઈ-મહારાષ્ટ્રમાં કર્યો. આ બધા અભ્યાસના નિચોડ રૂપે ભાષાના સવાલોના ઉકેલો અને લિપિ અભિયાન દ્વારા લોકનાગરીનો સુઝાવ મૂકી શક્યા. વિનોબાજીએ સ્પષ્ટ રૂપે એવું નોંધ્યું નથી કે વેલોર અને સિવનીમાં આ ચિંતનનાં મૂળ નંખાયાં છતાં માનવાનું મન થાય કે, ઉત્તરભારત અને દક્ષિણભારતને જોડવામાં ભાષા એક દીવાલનું કામ કરે છે, તેમ આ જેલોમાં તેમની સામે આવ્યું હશે. આ અંગે આપણે આગળ ઉપર વધુ વિગતો સાથે વાત કરીશું.
ઈશાવાસ્ય-વૃત્તિ
લેખમાળાની આ શ્રેણીના ભાગ-3માં (ભૂમિપુત્ર 16-11-2019) આપણે ‘ઉપનિષદોનો અભ્યાસ’ પુસ્તકની નાની નોંધ મૂકી હતી. વિનોબાજીનું આ પહેલું પુસ્તક છે. વર્ષ 1923માં લખાયું એક લેખમાળાના સ્વરૂપે. પરંતુ પુસ્તકાકારે 1946માં મરાઠીમાં પ્રગટ થયું. ગુજરાતીમાં તો છેક 1961માં પુસ્તક આકારે પ્રગટ થયું. વર્ષ 2017 સુધીમાં તેનાં કુલ સાત પુનર્મુદ્રણો યજ્ઞ પ્રકાશન દ્વારા બહાર પડ્યાં. કુલ 11500 નકલો છપાઈ છે.
ઉપનિષદ પરનું બીજું પુસ્તક ઈશાવાસ્યવૃત્તિ મૂળમાં ગાંધીજીની માંગણીને ખ્યાલમાં રાખીને લખાયું હતું. પહેલાં નાનકડી ટીકાના રૂપે લખાયું હતું પરંતુ 1945માં સિવની જેલમાં વિવેચનાત્મક ભાષ્યના સ્વરૂપે ‘ઈશાવાસ્યવૃત્તિ’ નામે લખાયું. મૂળ મરાઠીમાં લખાયેલ પુસ્તકનો ગુજરાતી અનુવાદ શ્રી પાંડુરંગ ગણેશ દેશપાંડેએ કર્યો. આ એ જ દેશપાંડેજી છે જેમણે અંગ્રેજી-ગુજરાતી કોશ તૈયાર કર્યો છે, જે Oxford University Press છાપ્યા કરે છે. આપણે આગળ ઉપર નોંધ્યું છે, ‘સ્વરાજ્ય શાસ્ત્ર’ જે મૂળ મરાઠીમાં લખાયું હતું તેનું ગુજરાતી ભાષાંતર પણ ગણેશ દેશપાંડેજીએ કર્યું છે. સમાજશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, સંશોધક ઇંદિરાબહેન હિરવેના તેઓ પિતાશ્રી થાય.
ઈશાવાસ્ય-વૃત્તિ પુસ્તક વિષે વિનોબાજી 1950માં કહે છે – મારા જીવનનાં કેટલાંયે વર્ષ આ અંગેના ચિંતનમાં વ્યતીત થયાં છે. એ ચિંતનનો સાર ઓછામાં ઓછા શબ્દોમાં આ પુસ્તકમાં આપવાની કોશિશ કરી છે. અનુભવગમ્ય વસ્તુ શબ્દ-વિસ્તારથી પ્રકાશિત નથી થતી. ઈશોપનિષદ મારા હૃદયને અવર્ણનીય સમાધાન આપે છે. એના કેટલાક મંત્ર ગૂઢવત્ ભાસે છે, પરંતુ મારી સાથે તેઓ ખુલ્લા દિલે વાત કરે છે. “ઈશાવાસ્ય એ એક પૂર્ણ ઉપનિષદ છે. પારમાર્થિક જીવનનો એક આખો નકશો તેમાં ટૂંકાણમાં દોરેલો છે. વેદોનો એ સાર છે ને ગીતાનું બીજ છે.”
સ્વ.મહાદેવભાઈ દેસાઈની ત્રીજી પુણ્યતિથિએ સેવાગ્રામના ખાદી વિદ્યાલયમાં નારાયણભાઈ દેસાઈએ વિનોબાજીને ઈશાવાસ્ય પર પ્રવચન આપવા બોલાવ્યા હતા. આ પ્રવચન ‘ઈશાવાસ્ય-બોધ’ પ્રકરણમાં પુસ્તકનાં 7 પાનાંમાં છપાયેલું છે. આખું પુસ્તક ન વાંચવું હોય તો આ પાનાં વાંચી જવા જેવાં છે.
યજ્ઞ પ્રકાશને 1954માં પ્રથમ આવૃત્તિ પ્રકાશિત કરી હતી. જુલાઈ 2019 સુધીમાં કુલ 14500 નકલો છપાઈ છે. 92 પેજનું આ પુસ્તક રૂ. 40માં મેળવી શકાય છે. પુસ્તકમાં પરિશિષ્ટનો ગુજરાતી અનુવાદ અમૃતભાઈ મોદીએ કર્યો છે. ભૂદાનયાત્રા દરમિયાન એક ઉપનિષદ ગોષ્ઠીમાં વિનોબાજીએ આપેલા પ્રવચનમાંનાં કેટલાંક મહત્ત્વનાં વાક્યો પર નજર નાંખીએ.
- આ ઉપનિષદ પર સંસ્કૃત યા અન્ય ભાષાઓમાં જેટલાં ભાષ્ય થયાં છે, એટલાં બીજા કોઈ ઉપનિષદ પર નથી થયાં. આ ગ્રંથે વિચારકોનું જેટલું ધ્યાન ખેંચ્યું છે, તેટલું ‘ભગવદ્ગીતા’ અને પતંજલિના ‘યોગસૂત્ર’ને બાદ કરતાં ભારતના બીજા કોઈ ગ્રંથે કદાચ ખેંચ્યું નહીં હોય.
- આ ઉપનિષદમાં 18 મંત્ર છે. જ્યારે ગીતામાં 18 અધ્યાય છે. પોતાના મૂળ અર્થમાં ‘મંત્ર’ શબ્દ આ ઉપનિષદને પૂરેપૂરો લાગુ પડે છે. મંત્ર તે છે, જેના અર્થના પ્રકાશન સારુ આપણને કંઈક મનન કરવું પડે તેમજ કંઈક પ્રયોગ પણ કરવા પડે. મનન અને પ્રયોગથી જેનો અર્થ પરત્વે પ્રકાશ પડે છે તેમજ ઉત્તરોત્તર જેનો અર્થ વિકસિત થઈ શકે છે યા થવાનો છે – તે ‘મંત્ર’ કહેવાય છે.
- અધ્યાત્મ-વિચારને પારખવાની મારી (વિનોબાજીની) કસોટી એ છે કે જે વિચાર, જે ખોજ યા જે પદ્ધતિનો સદ્-ઉપયોગ અને દુર-ઉપયોગ બંને થઈ શકે છે, તે આધ્યાત્મિક વસ્તુ નથી. તે વિજ્ઞાનનો વિષય છે. અણુશક્તિનો ઉપયોગ સંહારક કામમાં થઈ શકે છે અને ઉદ્ધારક કામમાં પણ થઈ શકે છે. આમ તે વિજ્ઞાનનો વિષય છે.
- અધ્યાત્મ વિશે ઘણા બધા ભ્રમો આ દેશમાં ચાલે છે. કહે છે કે અમુક વ્યક્તિ જ્ઞાની છે. કેમ ? એને કશું ભાન જ નથી રહેતું. તે ગમે ત્યાં શૌચ-પેશાબ કરશે, ગમે તે ખાશે, પથ્થર ફેંકશે, ગાળો દેશે વગેરે. ત્યારે હું તો કહું છું કે ભાઈ, બીજું જે કંઈ હોય પણ એને આધ્યાત્મિક અર્થમાં “જ્ઞાની” ન માનવો જોઈએ તે મૂઢ, ભ્રાંત કે ઢોંગી હોઈ શકે. એને વિશે શ્રેષ્ઠ કલ્પના કરવી હોય તો કહી શકો છો કે ‘તે ધ્યાનમાં મગ્ન છે માટે સર્વ કાંઈ ભૂલી ગયો છે.’ આ રીતે ભ્રાંત, ઢોંગી ને ધ્યાની એમ ત્રણ પ્રકારના લોકો હોઈ શકે છે.
- જો ધ્યાન પરમાત્મા સાથે જોડાઈ જાય તો તે ‘આધ્યાત્મિક’ છે.
- ઈશાવાસ્ય-ઉપનિષદ એક અત્યંત આધ્યાત્મિક કૃતિ છે, ઉત્તમ વાઙ્મયાત્મક કૃતિ છે.
- એક ઈશાવાસ્ય જ પહેલો ગ્રંથ છે, જે કહે છે કે જેટલી જ્ઞાનની જરૂર છે, તેટલી જ અજ્ઞાનની પણ છે.
- ઈશાવાસ્યના ઋષિ અત્યંત નમ્રતાથી કહી રહ્યા છે : ‘હે પરમાત્મા, હું સત્ય દર્શન ચાહું છું, એને મેં મારો ધર્મ માન્યો છે. હું સત્યધર્મનો ઉપાસક છું. મારા દર્શન માટે તું સત્યને ઉઘાડું કર. મારે સત્યનાં દર્શન કરવાં છે અને સુવર્ણ પાત્ર વડે, સત્યનું મુખ ઢંકાયેલું છે.’ -કોઈનું સુવર્ણમય પાત્ર હોય છે તો કોઈનું કુટુંબનું પાત્ર, કોઈનું રાજનીતિનું પાત્ર હોય છે, તો કોઈનું રાજકીય પક્ષનું. એ બધાં પાત્રોની અંદર સત્ય ઢંકાયેલું છે. ચિત્ત પરનાં બધાં સ્તરોને હઠાવીને અંદર જોતાં સત્ય દેખાશે, અંદરના ભગવાન સત્યનારાયણનાં દર્શન થશે. આવું સ્મરણીય દર્શન આ ઉપનિષદમાં છે.
જીવનની છેલ્લી જેલ સિવનીમાંથી મુક્તિ
વિનોબાજીની ‘ભારત છોડો’ આંદોલન દરમ્યાન ધરપકડ કરવામાં આવી હતી. 9 ઓગસ્ટ 1942થી 9 જુલાઈ 1945નો કારાવાસ ભોગવીને તેઓ મુક્ત થયા. તેઓ પહેલાં થોડો સમય વર્ધા-ગોપુરીમાં રહ્યા. ગોપુરીમાં સમૂહ જીવનના સામ્યયોગના અનુભવ માટે વિનોબાજીએ સામૂહિક રસોડું ચાલુ કર્યું. આપણે આગળ નોંધ્યું છે તે પ્રમાણે પરંધામ પવનાર આશ્રમ સરકારે સીલ કર્યો હતો. આશ્રમ જપ્તીમાંથી મુક્ત થયા બાદ વિનોબાજી પવનાર રહેવા આવ્યા.
પવનાર આવ્યા બાદ તેઓ રચનાત્મક કામોમાં લાગી પડ્યા. સાથે સાથે લેખનકાર્ય પણ ચલાવ્યું ગાંધીજીને આગાખાન મહેલમાંથી છઠ્ઠી મે 1944ના રોજ તેમની કથળી રહેલી તબિયતના કારણે મુક્ત કરવામાં આવ્યા હતા. સરકારને એમ લાગ્યું કે ગાંધીજીની જે અવસ્થા છે તે જોતાં હવે પાછા તે રાજકારણમાં સક્રિય થઈ શકે તેમ લાગતું નથી. ગાંધીજીની તબિયત અંગેના સરકારી દાક્તરી રિપોર્ટ પ્રમાણે “તેમના હૃદયની ધમનીમાં ગાંઠ (કોરોનરી થ્રોમ્બોસિસ) થવાનું જોખમ છે. એમની સામાન્ય સ્થિતિ નબળી છે. અને ખૂબ ભાંગી પડેલા દેખાય છે.”
સરકારે ગાંધીજીને બિનશરતે મુક્ત કર્યા. આગાખાન મહેલ છોડતી વખતે ગાંધીજીએ સુશીલાબહેન નાયરને કહ્યું – “બા (કસ્તુરબા)ને જેલમાંથી છૂટવાની કેટલી ઈંતેજારી હતી ? પણ હું જાણું છું કે આનાથી વધારે ધન્ય મૃત્યુ તેને ન મળ્યું હોત. બા અને મહાદેવ બંનેએ સ્વતંત્રતાની વેદી પર પોતાના પ્રાણની આહુતિ આપી છે. બંને અમર થઈ ગયાં.”
આગાખાન મહેલમાં મહાદેવભાઈ દેસાઈનું 15 ઑગસ્ટ 1942ના રોજ અને કસ્તુરબાનું 22 ફેબુ્રઆરી 1944ના રોજ અવસાન થયું હતું.
ઉપરની વિગતો જોતાં સમજાય છે કે ગાંધીજી જેલમાંથી મુક્ત થયા પરંતુ વિનોબાજી તેમજ ગાંધીના અન્ય સાથીઓ પણ જેલમાં હતા. ગાંધીજીને તે વખતે સર્વત્ર અંધારું લાગતું હતું. નહેરુ, અબ્દુલ કલામ આઝાદ, સરદાર પટેલ અહમદનગરના કિલ્લામાં 15 જૂન, 1945 સુધી જેલમાં હતા.
ગાંધીજી અતિગંભીર માંદગીની અવસ્થામાં જેલમાંથી મુક્ત થયા હતા. છતાં પ્રજા તેમની પાસે દેશના કોયડાઓના ઉકેલની અપેક્ષા રાખતી હતી. સરકારે ‘ભારત છોડો’ આંદોલનને કચડી નાંખવામાં કોઈ કચાશ બાકી રાખી ન હતી. ગાંધીપ્રેરણાથી ઉદ્ભવેલી સામાજિક સંસ્થાઓના તાંતણાઓ વિખરાઈ ગયા હતા.
નારાયણ દેસાઈ તેમના પુસ્તક મારું જીવન એ જ મારી વાણીમાં લખે છે – “ગાંધી કાંતનાર અને વણનાર વણકર હતા. તેમને તૂટેલા તાર સાંધતાં આવડતું હતું. ગાંધીજીને આસ્થા હતી, સૃષ્ટિની મંગલમય ગતિ વિશે. તેમને ખાતરી હતી કે સ્વરાજ ઝાઝું દૂર નથી. કાળ તેમની સાથે છે. તેમને વિશ્ર્વાસ હતો કે બે દાયકાથી વધારે કાળના અહિંસક આંદોલને આણેલી જાગૃતિ એળે જાય એમ નથી. તેમને શ્રદ્ધા હતી કે ઘોર તિમિર ચીરીને જ્યોતિ પ્રગટશે.
ગાંધી સ્વરાજ માટે વાટાઘાટો કરવા 14 જૂન – 1945ના દિવસે વાયસરોયને મળવા સિમલા પહોંચી જાય છે. બીજી બાજુ વિનોબાજીએ દેશ સ્વાવલંબનની દિશામાં આત્મનિર્ભર બને તે માટે પોતાની કર્મભૂમિમાં વિવિધ પ્રયોગો કરવાનું ચાલુ કરી દીધું. આ માટે પૈસાનો આધાર લેવાના સ્થાને લોકો એકબીજાના સહકાર દ્વારા આગળ વધે તે માટે મથામણ ચાલુ કરી. ન બહારના કોઈનો પૈસો સ્વીકારવો, ન કોઈ સરકારી મદદ લેવી.
ગામડાઓ સ્વચ્છ રહે, પોતાના આરોગ્યની કાળજી રાખે તે માટે 2 એપ્રિલ, 1946થી 20 મહિના માટે પવનારથી ત્રણ માઈલ દૂર આવેલા સુરગામમાં રસ્તા સફાઈ, મળ સફાઈ કરવા નિયમિત રીતે જવાનું રાખ્યું. રોજ સવારે ખભા પર પાવડો લઈને જાય. દોઢ કલાક કામ કરીને પાછા આવતા હતા. શિયાળો, ઉનાળો, ચોમાસું તેમના આ કાર્યક્રમને રોકી શકતાં ન હતાં. માંદગીના કારણે માત્ર 3 દિવસ જઈ શકયા ન હતા.
જેલયાત્રા પછીનું કેટલુંક સાહિત્યસર્જન
ગાંધી મરણપથારીમાંથી ઊભા થઈ રાષ્ટ્રીય સ્તરે કામે લાગે છે તેમ ઊર્જાવાન – ઊર્જાસભર વિનોબાજી શારીરિક, માનસિક શ્રમ કરવા લાગી જાય છે. જેલમાંથી મુક્ત થયા પછી સાહિત્યક્ષેત્રે પ્રવૃત્ત થતાં નીચેની કૃતિઓ તૈયાર થાય છે. 0 ગીતાઈ – શબ્દાર્થ કોશ 0 જ્ઞાનદેવ ચિંતનિકા 0 લોકનાગરી લિપિમાં ‘સેવક’ માસિક પ્રકાશન 0 પત્રવ્યવહાર ‘લોકનાગરી’માં કરવાનું ચાલુ કર્યું.
અહીં આપણે ગીતાઈ શબ્દાર્થ કોશ અંગે થોડી વાત કરીશું. લેખ-માળાના 12મા આગામી ભાગમાં જ્ઞાનદેવ ચિંતનિકા અને જ્ઞાનદેવ અંગેના વિનોબાજીના ચિંતન અંગે વિચાર કરીશું.
ગીતાઈ-શબ્દાર્થ કોશ
આપણે લેખમાળાના ભાગ-4માં ‘ગીતાઈ’ પુસ્તક અંગેની થોડી વાતો લખી હતી. આ પુસ્તક માટે વિનોબાજીના શબ્દો છે, “સમાધિ અવસ્થામાં સર્જાયેલી બરફી.” 1932માં મરાઠીમાં લખાયેલા આ પુસ્તકની 1994 સુધીમાં તો 22 લાખ ઉપરાંત પ્રતો વેચાઈ ચૂકી હતી. યજ્ઞ પ્રકાશને 1976માં 2500 પ્રત છાપી હતી. મૂળ મરાઠીમાંથી સમશ્ર્લોકી ગુજરાતી અનુવાદ ગોકુળભાઈ દૌલતરામ ભટ્ટે કર્યો હતો.
વિનોબાજી લખે છે, જેમ જેમ ગીતાઈનું અધ્યયન શરૂ થયું તેમ તેમ શબ્દાર્થ કોશની માંગ આવવા લાગી. વિનોબાજી અને તેમના નાના ભાઈ શિવાજીએ બે તબક્કામાં સાથે વિચારી કુલ 12 મહિનામાં વર્ષ 1945-1946ના ગાળામાં ‘ગીતાઈ-શબ્દાર્થ-કોશ’ની મરાઠીમાં રચના કરી, જેનું પ્રથમ પ્રકાશન 1950માં કરવામાં આવ્યું. ગીતાઈ અને શબ્દાર્થ કોશ બંને મરાઠી ભાષામાં રચવામાં આવ્યા હતા. વિનોબાજી કહે છે, ગીતાઈ રચનામાં હું (મૈં) ન હોવું તેનું ધ્યાન રાખ્યું હતું, જ્યારે શબ્દકોશમાં ‘હું’ જ છું. મતલબ કે ગીતા-ચિંતન પરની મારી વિચારવાની રીત પ્રગટ થઈ છે. કોશ અંગે વિનોબાજીની કેટલીક સૂચના પર નજર નાંખીએ.
- આ કોશ કોઈ અઘરા શબ્દોના સરલ અર્થ આપવા માટે નથી બનાવ્યો. ક્યારેક તો સરલ અર્થ મૂળ શબ્દ કરતાં પણ વધારે અઘરો બની જાય છે.
- આ કોશ હિંદુધર્મ તેમજ અન્ય ધર્મોની દૃષ્ટિએ ગીતાના સમન્વયકારી અર્થને દર્શાવવા માટે બનાવાયો છે.
- એક જ શબ્દના, એક જ અર્થનાં અનેક વિવરણ વિશિષ્ટ દૃષ્ટિથી આપ્યાં છે.
- એક જ અર્થના અનેક વિકલ્પ ઘણી વખત વિચારના ઉત્તરોત્તર વિકાસ સુઝાડે છે.
- કોશમાં ક્યાંક ક્યાંક લોકપ્રસિદ્ધ અથવા રુઢ થયેલા શબ્દના અર્થના સ્થાને બિલકુલ નવો, જેની અપેક્ષા પણ ન રાખી હોય તેવો અર્થ આપવામાં આવ્યો છે.
કોશની વધુ સમજ કોઈ ભાષાવિજ્ઞાની અથવા સાહિત્યકાર જ આપી શકે તેમ છે. લેખકનું તે ગજું નથી. અહીં પારંપરિક કોશ કરતાં આ કોશ અલગ પ્રકારનો છે તે દર્શાવવા માટે જ થોડી નોંધ આપી છે. વિનોબાજી સાહિત્ય ગ્રંથાવલીના ખંડ-4માં (ગીતામૃત-2), વિનોબાજીએ ગીતાઈ શબ્દાર્થ કોશ પુસ્તકની પ્રસ્તાવના 1950માં લખી હતી, તે આપેલી છે. આ અંગે વધુ રસ ધરાવનારા તે વાંચી શકે છે. તેની સાથે સાથે, ગીતાઈ પુસ્તક મૂળમાં મરાઠીમાં લખાયેલું હતું પરંતુ મરાઠી ન જાણનારા માટે ગીતાઈ-ચિંતનિકામાં હિંદી ગદ્યાનુવાદ આપ્યો છે. તેમના માટે સંક્ષિપ્ત ગીતાઈ-કોશ હિંદીમાં પણ તૈયાર કરવામાં આવ્યો છે. શબ્દોના તુલનાત્મક અર્થ અંગે અધ્યયન કરનારા માટે આ મરાઠી તેમજ હિંદી કોશ પૂરતું માર્ગદર્શન આપશે તેમ લાગે છે.
– રેવારજ