બે બૌદ્ધ લામા સાવ નિર્જન સ્થળે બેસી આંતર્નિરીક્ષણ, ધ્યાન, નિદિધ્યાસન અને સમાધિ દ્વારા જ્ઞાનની ખોજ કરી રહ્યા હતા. બંને મૌન હતા. આવી અવસ્થામાં છ મહિના પસાર થયા ત્યારે એક લામાએ અત્યંત ગહનગંભીર ભાવે કહ્યું : ‘સંસાર કૂવા જેવો છે.’ વળી મૌન પ્રસર્યું. બીજા છ મહિના પસાર થયા, એટલે બીજા લામાએ પૂછ્યું, ‘ભન્તે, એવું કેમ લાગે છે ?’ વળી નિ:શબ્દ શાંતિ છવાઈ ગઈ. વળી છ મહિના વીત્યા એટલે પ્રથમ લામાએ કહ્યું, ‘કદાચ, એવું ન પણ હોય.’
વિચારવાનું એ છે કે આ છ-છ મહિનાના અંતરાળ અને નિ:શબ્દ, ઊંડી સમાધિ દરમિયાન બંનેનાં ચેતાતંત્રોમાં શું બનતું રહ્યું હશે! વિચારની દુનિયામાં ભાગ્યે જ કશું આખરી હોય છે. જ્ઞાનના સિદ્ધાંતના ક્ષેત્રે કામ કરનારા કુન્હ, લાટાકોસ વગેરે આથી એક શબ્દ પ્રયોજે છે, તે છે ‘ફોલ્સિફાયેબિલિટી.’
નિરીક્ષણ, પરીક્ષણ, તર્ક, ગહન ચિંતન વગેરે કર્યા પછી કોઈક સિદ્ધાંતનો પાયો નંખાય છે. આ સિદ્ધાંત કાર્ય-કારણ સંબંધ પ્રસ્થાપિત કરી આપે છે. આર્કિમિડીઝને પદાર્થની વિશિષ્ટ ઘનતાનો કે ન્યૂટનને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત સાંપડ્યો તે જગતના કાર્ય-કારણ સંબંધની ઘટનાને સમજાવે છે. જ્યારે વિજ્ઞાન આવો સંબંધ સ્થાપી આપે છે ત્યારે માણસજાતના હાથમાં પ્રચંડ શક્તિ આવી પડે છે. પ્રસ્થાપિત થતા સિદ્ધાંતોના ખંડનમંડનના આધારે જ્ઞાન-વિજ્ઞાન વિસ્તરતાં રહે છે.
આટલાં બધાં ક્ષેત્રોમાં આટલું બધું વિજ્ઞાન પ્રસરેલું હોવા છતાં, સવાલ ઊભો થાય છે કે માણસ સુખી ખરો? જીવન સુખ માટે છે એમ ચાર્વાકે કહ્યું પણ તેને હડસેલો મારીને બહાર કાઢી મૂકનારા આપણા અનેક સાધુ, સંતો, મઠો, સંપ્રદાયોની અંદરની રચના જોઈએ તો ચાર્વાક વણાઈ ગયેલો જણાય છે. ભવ્યતા, અકલ્પ્ય લખલૂંટ ખર્ચા, નિતનવાં મિષ્ટાન્ન, અન્નકૂટ, વસ્ત્રાભૂષણ વગેરે વગર એક પણ મંદિર શોભતું નથી. સોના-ચાંદીની ઘંટીઓમાં દળાતાં કેસર અને કસ્તુરી છતાં આપણે ચાર્વાકને સ્વીકારવાના નથી જ. પણ સવાલ તો ઊભો જ રહે છે : આ બધામાં સુખ ખરું ? મીરાંબાઈએ ગાયેલું, “સંત દેખ દોડ આઈ, જગત દેખ રોઈ.” આવાં મંદિરોમાં ‘ભગત’ ખરા, પણ ભગવાન ક્યાં?
અર્થશાસ્ત્ર તો પાયામાંથી જ ધારી લે છે કે માનવમાત્ર સુખપ્રાપ્તિ માટે તર્કયુક્ત વર્તન કરે છે. જોન એફ. કેનેડીની હત્યા પછી જેક્વેલિન કેનેડી ગ્રીસના ધનકુબેર ઓનાસીસને પરણી તેમાં આ અર્થશાસ્ત્રીય સુખની શોધ માટેનું તર્કયુક્ત વર્તન વાંચવું હોય તો વાંચી શકાશે. કદાચ નવેસરથી આદમ અને ઈવની વાર્તા લખવામાં આવે તો તેમાં જ્ઞાનનું ફળ નહીં પણ સુખનું ફળ ખાધું હતું તેમ કહેવાય તો નવાઈ નહીં.
સુખની ઘટનાને ત્રણેક ક્ષેત્રોમાં ફેલાવીને જોઈ શકાય. આ ક્ષેત્ર એટલે : ધર્મ, આયુર્વિજ્ઞાન અને અર્થજગત.
(1) ધર્મ અને સુખ : વિવિધ ધર્મો અને સંપ્રદાયોમાં જોડાતા અને જીવતા લાખો કે કરોડો માણસો સુખની પ્રબળ આકાંક્ષા ધરાવે છે. જન્નત અને હૂર, સ્વર્ગ અને અપ્સરાઓ, દેહદમન અને નિગ્રહ, વૈકુંઠ અને મોક્ષ – બધામાં આ કલ્પના રહેલી છે. ધ્યાન અને સમાધિ, ગ્રંથિભેદ, કર્મફળનો નાશ, પુણ્યનો ઉદય, ઈશ્વરના આશીર્વાદ વગેરે જેવા અનેક વિચારોમાં ખાંખાંખોળા કરનારને સુખનો માલ મળી આવશે. તમામ ધર્મમાં શરતી વિધાનો જોવા મળે છે. પુણ્ય કમાવાય તેવાં કર્મો આચરવાં જેથી ઈશ્વર, સ્વર્ગ કે પરમપદની પ્રાપ્તિ થશે અને તમામ દુન્યવી તથા ઐહિક દુ:ખોનું નિવારણ થશે એમ કહેવાય છે. ક્યારેક ક્યારેક આ સુખની શોધ આત્યંતિક લાગે તેવા સ્વપીડનના માર્ગો સુધી પણ વિસ્તરે છ.ે
(2) આયુર્વિજ્ઞાન અને સુખ : આયુર્વિજ્ઞાનમાં સુખની અનુભૂતિ શરીરમાં સ્રવતા કે સંસરતા હોર્મોન્સ ઉપર અવલંબે છે. આયુર્વિજ્ઞાન (આયુર્વેદ નહીં!)નાં અનેક સંશોધનો અને અભ્યાસો દ્વારા સુખની અસર ઊભી કરે તેવા સાત હોર્મોન્સની ઓળખ થઈ છે. માણસને સુખની અનુભૂતિ કરાવનારા આ સાત હોર્મોન્સ અને તેની પ્રક્રિયા આ પ્રમાણે છે :
(ક) ડોપામાઈન : આ હોર્મોન ન્યૂરો કેમિકલ રૂપે શરીરને આનંદની અનુભૂતિ કરાવે છે. ડૉ પામાઈન મેથાફેટામાઈન અને કોકેન જેવા ડ્રગ્સમાંથી મળે છે. 1960ના દાયકામાં અમેરિકાના યુવાઓમાં આ ડ્રગ્સની બોલબાલા હતી. એક નવું હિપ્પી કલ્ચર ઊભું થયું હતું. ‘દમ મારો દમ-મીટ જાયે ગમ’ પણ આ સમજ આપે છે. ઘણા સાધુબાવાઓ ચલમ, ગાંજા અને અફીણના બંધાણી હોય છે અનેે પોતે કોઈક અદ્ભુત ઈશ્વરતત્ત્વની અનુભૂતિ કરે છે એમ સૌને મનાવે છે.
ડોપામાઈન માત્ર ડ્રગ્સમાંથી જ સાંપડે છે તેવું નથી. તે વ્યક્તિની માનસિકતા અને વલણ ઉપર પણ આધારિત છે. જેને ‘મૂંજી’ કહેવાય છે તેવાં અંતરમુખી વ્યક્તિત્વોમાં આ તત્ત્વનું ખાસ સંસરણ થતું નથી. જો વ્યક્તિ બહિર્મુખી હોય તો આ તત્ત્વનું સંસરણ (સિક્રિશન) વધુ થાય છે. ઘણાને ‘અમથું અમથું’ હેત ઊભરાતું હોય છે અને દરેક પ્રસંગે ઉત્સાહમાં જ હોય છે તે આ કારણે. દરેેક વાતે વાંકું પાડનારા-સિનિસિઝમ ધરાવનારા પોતાના લગ્નમાં પણ દુ:ખી હોવાના!
(ખ) એન્ડોકાનાબિનોઈડ્સ : આ હોર્મોનનો આગળનો ભાગ – ‘એન્ડો’ સંસ્કૃતના આનંદ ઉપરથી લેવામાં આવ્યો છે. આ હોર્મોનના સંસરણને કારણે વ્યક્તિની સંવેદના તથા જગતને જોવાની દૃષ્ટિમાં ફરક આવે છે. વ્યક્તિને આનંદની અનુભૂતિ થતી રહે છે. સામાન્ય રીતે, આ હોર્મોનના સંસરણ માટે શરીરનો વ્યાયામ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેને ‘રનર્સ હાઈ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેટલાક આ માટે એવી સમજૂતી આપે છે કે વ્યાયામ કરવાથી શરીરમાંથી પરસેવા વાટે ટોક્સિક તત્ત્વો બહાર ફેંકાઈ જાય છે. વળી શ્વાસ ઝડપથી ચાલવાને કારણે ફેફસાંમાંથી ઓક્સિજન વધુ પ્રમાણમાં લોહીમાં ભળે છે. આ વધુ ઓક્સિજનવાળું લોહી ઝડપથી મગજના કોષોમાં ધકેલાય છે, આથી પણ આનંદની અનુભૂતિ થાય છે.
(ગ) ઓક્સિટોસિન : આ હોર્મોનને ‘જાદુ કી જપ્પી’નું પરિણામ ગણી શકાય. સ્પર્શ, હાથ ફેરવવો, પંપાળવું વગેરે માત્ર માણસને જ નહીં બલકે, પ્રાણીમાત્રને આનંદ આપે છે. ભીડવાળી જગ્યાએ જવું, અંબાજી કે ડાકોરની પદયાત્રા કરવી, હજયાત્રા કરવી, કુંભના મેળામાં કે અજમેર શરીફના ઉર્સમાં સામેલ થવું – આ હોર્મોનના કારણે આનંદ આપે છે.
(ઘ) એન્ડોરફીન : શરીરની હાઈપોથેલેમસ અને પિચ્યુટરી નામની ગ્રંથિઓમાંથી તેનું સંસરણ થાય છે. આ હોર્મોન એક પીડાશામક તરીકે પણ કામ કરે છે. તેનું કામ મોર્ફિન જેવું હોય છે. બીબીસીની એક ડોકયુમેન્ટરીમાં દર્શાવેલું કે એક મહિલા પોતાની સંપૂર્ણ સભાન અવસ્થામાં પગના હાડકાનું ઓપરેશન કરાવતી હતી. આ ગ્રંથિઓનો સ્રાવ આમ તો સ્વૈચ્છિક નથી, પરંતુ કેટલાક સંજોગોમાં કેટલીક વ્યક્તિઓ આ ગ્રંથિઓ ઉપર પ્રભાવ પાડી શકે છે. અંગારા ઉપર ચાલવામાં કે માતમના જુલૂસમાં પોતાના હાથે પોતાના જ શરીર ઉપર ચાબખા મારવામાં આ હોર્મોનની કરામત કામ કરે છે.
(ચ) સેરોટોનિન : આ હોર્મોન આત્મવિશ્વાસ અને જાત માટે પડકારો ઊભા કરી તેને હાંસલ કરી બતાવવાથી પ્રગટે છે . ‘હમ હોંગે કામિયાબ’ અથવા ‘યસ, આઈ કેન ડુ ઈટ’ જેવા વિચારો અને તે પછીની સિદ્ધિઓ હાંસલ થાય તેથી આનંદ આવે છે. એવરેસ્ટ આરોહણ, ઇંગ્લિશ ખાડીમાં તરવું, રમતમાં જીતવું વગેરે આ પ્રકારના આનંદ છે.
(છ) એડ્રિના ડ્રિ લિન : શરીરમાંથી એડ્રિના ડ્રિ લિન વહે ત્યારે હૃદયના ધબકારા અને લોહીનું દબાણ વધી જાય છે. લોહી જોરથી વહીને મોટા સ્નાયુ સંકુલમાં પહોંચે છે. કોઈક પ્રિયપાત્રને અચાનક મળવામાં કે ક્રિકેટ જવી રમતમાં ચોગ્ગો કે છગ્ગો મારવામાં આ હોર્મોન મોટો ભાગ ભજવે છે. ‘જિયરા ધક્ ધક્ કરને લગા’ આ પ્રકારના આનંદની અનુભૂતિ છે. ભાગવતમાં ધ્રુવને ઈશ્વરનાં દર્શન થયાં ત્યારે તેની મન:સ્થિતિનું વર્ણન આ હોર્મોનના સંસરણના પ્રભાવનું ઉદાહરણ પૂરું પાડે છે.
(જ) ગાબા : આ હોર્મોનના સંસરણથી માણસને શાંતિનો અનુભવ થાય છે. આ હોર્મોનનું સંસરણ થાય ત્યારે ચિંતા, ઉદ્વેગ, તણાવ વગેરે વધે-ઘટે છે. ભારતની યોગ, જપ અને ધ્યાનની પરંપરા, નમાજ, કારસેવા, ક્ધફેશન વગેરે આ હોર્મોનના સંસરણ માટે ખપના છે. અભ્યાસ અને સંશોધન દ્વારા તારણ નીકળે છે કે ખૂણામાં બેઠાં-બેઠાં એક પુસ્તક વાંચનારની તુલનાએ સાઠ મિનિટ માટે યોગ કરનારના શરીરમાં ગાબા હોર્મોનનું સંસરણ 27 ટકા વધુ થાય છે. વિવેકાનંદે પણ કહેલુંને કે પુસ્તકો વાંચવાને બદલે ફૂટબોલ રમો !
આયુર્વિજ્ઞાનને ઓળખી બતાવેલા આ સાત હોર્મોન અને સુખને સંબંધ છે તે એક વૈજ્ઞાનિક તથ્ય છે. વળી સુખની શોધ અને તેને પારિભાષિત કરવામાં ધર્મ અને સંપ્રદાયોએ મથામણ પણ કરી છે.
મુદ્દો એ છે કે ધર્મનાં ઉપદેશો કેપુસ્તકોમાં આ હોર્મોનની કરામતના કોઈ ઉલ્લેખ નથી. અહીં એક મહત્ત્વની ભૂમિકા રચાય છે : યોગ, ધ્યાન, સમાધિ, પૂજા, ઇબાદત, પ્રાર્થના, પુણ્ય, યાત્રા વગેરેને કારણે જે ‘સુખ’ કે ‘આનંદ’ સાંપડે છે તે ખરેખર તો શરીરમાંથી સ્રવતા હોર્મોન્સનું પરિણામ હોઈ શકે? ‘ગુરુ’ માથા ઉપર હાથ મૂકે ત્યારે ઓક્સિટોસિનના સંસરણને કારણે આનંદ સાંપડે છે ? પર્વત ચઢીને દર્શન કરીએ ત્યારે સેરોટોનિન કે ગાબા હોર્મોન્સનું સંસરણ આનંદ આપે છે? આ રીતે જોતાં કોઈ ધાર્મિક પ્રક્રિયા નહીં પણ હોર્મોન્સનું સંસરણ જ મહત્ત્વનું બને છે. આ સંસરણ માટે ધાર્મિક પ્રક્રિયા ઉપયોગી છે જ પણ ધર્મમાં ન માનનાર નાસ્તિક પણ જો અન્ય રીતે આ હોર્મોન્સનું સંસરણ કરી શકે તો તેને પણ તેવો જ સુખાનુભવ થશે એમ આ વિજ્ઞાન કહે છે.
આનો મતલબ એ થશે કે જેને ‘આત્માનુભૂતિ’, ‘સમાધિ’, ‘ગુરુના આશીર્વાદ’, ‘શક્તિપાત’, ‘દર્શન’ વગેરે દ્વારા ઓળખવામાં આવે છે તે અનુભવોને નકારવાની જરૂર નથી.
આવા અનુભવો થઈ શકે પણ તે માટે કશુંક ગૂઢ કે રહસ્યમય અને ચમત્કારી બને તે જરૂરી નથી. ગાંધીજીનાં અગિયાર વ્રતોનો સંદર્ભ આ સુખાનુભવ સાથે છે. રસોઈ બેસ્વાદ બને અને ઉશ્કેરાટ થતો હોય તો ગાબા હોર્મોન્સ પ્રગટે ને ત્યારે ગાંધીજીનો ‘સ્વાદત્યાગ’ સ્મરણમાં આવે છે. એન્ડોકાનાબિનોઇડ્સ શરીરશ્રમ સાથે જોડાય છે. ‘કોઈ અડે નવ અભડાવું’ને ઓક્સિટોસિન સાથે સીધો સંબંધ છે. અંધશ્રદ્ધા અને ધાર્મિક કટ્ટરતા પેદા કર્યા વગર ગાંધીજીના માર્ગે પણ સુખ મળી શકે છે.
હોર્મોન્સના સંસરણ દ્વારા થતી અનુભૂતિ કોઈ સ્થિરતા દર્શાવતી નથી. તે એક પ્રકારનાં ગલગલિયાં સમાન બની રહે તે શક્ય છે. વળી જો તે ડ્રગ્સ પ્રેરિત હોય તો ચિત્તની ભ્રમિત અવસ્થા પણ જન્માવી શકે છે. જ્ઞાની અને સિદ્ધ આત્માઓને થતી અનુભૂતિ સાથે તેની તુલના કરવી શક્ય નથી. શ્રી રમણ મહર્ષિ, મા આનંદમયી, કબીર, ગુરુનાનક, મીરાંબાઈ, સાંઈબાબા, તુકારામ વગેરે અનેકોને થયેલા અનુભવ સ્થિરભાવ અને ચિત્તની પરમ અવસ્થાના હતા. હોર્મોન્સના ટૂંકા ગાળાના અનુભવોને કડક આત્મનિરીક્ષણ દ્વારા વ્યક્તિ સતત તપાસતી રહે તો ગહન અને ઉપરછલ્લા અનુભવો વચ્ચે ભેદ કરીને સાચો માર્ગ પસંદ કરી શકે.
પણ આ બધી ચર્ચા વ્યક્તિગત સુખનો સંદર્ભ ધરાવે છે. સમગ્ર સમાજગત સુખની પણ એક વિશાળ ચર્ચા ચાલી છે. આ ચર્ચા અર્થશાસ્ત્ર અને રાજનીતિના સંદર્ભમાં – વ્યાપક રીતે કહીએ તો થિયરી ઓફ પબ્લિક ચોઈસના સંદર્ભે છે. રાજ્ય લોકોનાં કલ્યાણ અને સુખ માટેનો નિર્ણયો કરે છે. કેમ અને કયાં કારણોસર લોકો એક સમાજસ્વરૂપે સુખ અનુભવી શકે છે તે મતલબની આ ચર્ચા છ.ે
(3) અર્થજગત : સમાજ સમસ્તના સુખની બાબતમાં અર્થશાસ્ત્રમાં ઘણું ખેડાણ થયું છે. આ પ્રક્રિયામાં અર્થશાસ્ત્ર મનોવિજ્ઞાન અને રાજ્યશાસ્ત્રની સીમાઓમાં પણ પ્રવેશ્યું છે. તે સાથે તે તત્ત્વજ્ઞાન, ગણિત, તર્કશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રનો પણ ભરપૂર ઉપયોગ કરે છે. આ અતિ વિશાળ ક્ષેત્રમાંથી માત્ર ત્રણ બાબતો – જીડીપી, માનવવિકાસ સૂચકાંક તથા સુખના સૂચકાંકનો વિચાર આ તબક્કે ઉપયોગી છે.
(ક) જીડીપી અને આર્થિક વૃદ્ધિ : અર્થશાસ્ત્રીઓ મૂડીવાદને ઉત્તમ ગણે તેમાં નવાઈ નથી. જીડીપી વધે તે માટે રાજ્યે કશું જ કરવાનું નથી, ખાનગી ક્ષેત્રના હાથમાં એટલે કે બજારના હાથમાં બધું છોડી દેવાનું છે. ગરીબો આજે મરતા હોય તો મરે. બજાર, ગ્રાહક, મૂડીરોકાણ, માંગ અને પુરવઠો, કિંમત અને નફો, આ પ્રકારના મંત્રો વડે મૂડીવાદનો યજ્ઞ ચાલે છે. તેમાં સમાજનું કલ્યાણ, સબસિડી, મદદ, રાહત, દરકાર વગેરે શબ્દો નિષ્પ્રાણ થઈને વેરવિખેર પડ્યા છે. જો મૂડીવાદ બરાબર ચાલશે તો જીડીપી ઝડપથી વધશે અને જો જીડીપી વધશે તો – જાણે કે કોઈક ‘અદૃશ્ય હાથ’ વડે સૌનું આપોઆપ કલ્યાણ થશે.
પણ મૂડીવાદનું આ સ્વપ્ન ભાગ્યે જ સાચું પડ્યું છે. જીડીપી વધે અને સંપત્તિનું સર્જન વધુ થાય પણ જો રાજ્ય અને કોર્પોરેટ કે વેપારી જગત બધું હડપ કરી જાય તો? અસમાનતા વ્યાપક બને, જીડીપી વધે અને ગરીબી પણ વધે. મૂડીવાદીઓની દલીલ એવી હોય છે કે અર્થતંત્રમાં એક ‘ઝમણનો સિદ્ધાંત’ કામ કરે છે જે મુજબ સંપત્તિનું સર્જન વધે એટલે સમાજના નીચલા વર્ગના હાથમાં પણ ધન આવશે અને તેમની ગરીબી આપોઆપ દૂર થશે.
(ખ) માનવ-વિકાસનો સૂચકાંક : મૂડીવાદ દ્વારા ફેલાવાતી આ દલીલનો પાકિસ્તાની અર્થશાસ્ત્રી મહેબૂબ-ઉલ હકે પ્રતિકાર કર્યો. ’પોવર્ટી ડ્રામા’ નામના પુસ્તકમાં તેમણે કહ્યું કે, ગરીબી નિવારણ કાંઈ આર્થિક વૃદ્ધિની આડપેદાશ નથી. હક અને અમર્ત્ય સેને માનવ વિકાસ સૂચકાંકની પદ્ધતિ ઊભી કરી. આ પદ્ધતિમાં અન્ય અનેક ગૌણ અને પેટા વિભાગો છતાં મુખ્ય ચાર બાબતોને લક્ષમાં લેવાઈ – શિશુ મૃત્યુદર, શિક્ષણ, આયુષ્ય અને માથાદીઠ આવક. અહીં પણ એમ વ્યાપક રીતે ધારી લેવાયું કે સુખ આ રીતે સાંપડી શકશે.
(ગ) સુખનો સૂચકાંક : પણ ભૂતાન નરેશે યુએનમાં સુખના પ્રત્યક્ષ યાપનનો સુઝાવ મૂક્યો. સુખનો સૂચકાંક ગણવામાં સૌપ્રથમ સેમ્પલ કરેલા લોકોને પુછાય છે : દસ પગથિયાંની સીડીમાં તમે ક્યાં? આ દસ પગથિયાંમાં શૂન્ય એટલે દુ:ખી અને દસ એટલે આનંદ-ઉત્સાહથી ભર્યાપૂર્યા. વળી લોકોને અન્ય ચૌદ ક્ષેત્રોની સ્થિતિ અને અનુભવ વિશે પણ પુછાય છે. આ ચૌદ ક્ષેત્રોમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્વતંત્રતા, સગવડો, સરકારોની કામગીરી ઉપરાંત સમાજની સહાનુભૂતિ, અન્યો તરફની દરકાર, દાન વગેરે વિશે પૂછવામાં આવે છે. જીડીપી અને માનવ વિકાસ સૂચકાંક પછીની આ વિચારણાનો પ્રારંભ હજુ હમણાં જ થયો ગણાય. તેનો પ્રથમ અહેવાલ એપ્રિલ, 2012માં બહાર પડ્યો.
2019ના સુખના સૂચકાંકના હેવાલ અનુસાર સ્કેન્ડિનેવિયાના દેશો પ્રથમ દસમાં સમાવાય છે. ફિનલેન્ડ, આઈસલેન્ડ, ડેન્માર્ક, નેધરલેન્ડ, નોર્વે વગેરેમાં રહેતા લોકો સુખની આગલી હરોળમાં બિરાજે છે.
પણ ભારતનું શું? ભારતનું સ્થાન સતત ગબડતું જાય છે. 2019માં કુલ 156 દેશોની ગણતરીમાં ભારત 140મા સ્થાને છે. પણ 2017માં તે 117મા સ્થાને હતું. 2018માં તે 133મું થયું. હવે સવાલ એ છે કે આપણા પડોશી દેશોની હાલત કેવી છે ? પડોશીઓમાં પાકિસ્તાન સૌથી સુખી છે – તેનું સ્થાન 67મું છે. તેે પછી ચીન 93મું, ભૂતાન 95મું, નેપાળ 100મું અને બાંગલાદેશ 125મું સ્થાન ધરાવે છે. જગતના સૌથી દુ:ખી દસ દેશોમાં સુદાન, અફઘાનિસ્તાન, તાન્ઝાનિયા, રવાન્ડા, યમન, સિરિયા વગેરેનો સમાવેશ થાય છે.
બીજી તરફ માનવ વિકાસ સૂચકાંક અને સુખના સૂચકાંક વચ્ચે કોઈ મેળ બેસે છે કે કેમ તે તપાસવું રહ્યું. જ્યાં માનવ વિકાસ વધુ હોય ત્યાં સુખ પણ વધુ હોવું જાઈએ. આ અંગેની 2019ના વર્ષની વિગતો આ પ્રમાણે છે :
નોર્વે : સુખ ક્રમાંક (2) માનવ વિકાસ ક્રમાંક (1)
ડેન્માર્ક : સુખ ક્રમાંક (2) માનવ વિકાસ ક્રમાંક (5)
નેધરલેન્ડ : સુખ ક્રમાંક (6) માનવ વિકાસ ક્રમાંક (7)
કેનેડા : સુખ ક્રમાંક (7) માનવ વિકાસ ક્રમાંક (9)
આ પ્રકારે ઘણા દેશોની વિગતો જોઈએ તો જણાય છે કે જે દેશોમાં માનવ વિકાસ વધુ છે ત્યાં સુખ પણ વધુ છે. સામેે પક્ષે જ્યાં માનવ વિકાસ ઓછો છે ત્યાં કેવી સ્થિતિ છે તેે પણ જોવું જોઈએ :
પાકિસ્તાન : સુખ ક્રમાંક (67) માનવ વિકાસ (147)
ચીન : સુખ ક્રમાંક (93) માનવ વિકાસ (90)
બાંગલાદેશ: સુખ ક્રમાંક (125) માનવ વિકાસ (139)
નેપાળ : સુખ ક્રમાંક (100) માનવ વિકાસ (144)
પાકિસ્તાનના એક અપવાદ સિવાય આ વિગતો પણ દર્શાવે છે કે માનવ વિકાસનો આંક ઊંચો તો સુખનો પણ આંક ઊંચો અને માનવ વિકાસ ઓછો તેમ સુખ પણ ઓછું. આ સમગ્ર ચર્ચા કેટલાક વિચારવા લાયક મુદ્દા ઊભા કરે છે. માણસ માત્ર સુખની શોધમાં નીકળ્યો છે તે સાચું. ઈડનના બગીચામાંથી તેણે જ્ઞાનનું નહીં પણ સુખનું સફરજન ખાધું હોય તે વધુ સંભવ છે. બની શકે કે જ્ઞાન મેળવ્યા પછી તેના દ્વારા આખરે સુખની શોધ જ કરવાની હોય. જ્ઞાનના સાધન દ્વારા સુખનું સાધ્ય હાંસલ કરવાનું હોય! પરંતુ આ સુખની શોધમાં નીકળેલા માણસને ધર્મ કે અર્થનાં શાસ્ત્રોમાંથી ખાસ કશું પ્રાપ્ત થતું જણાતું નથી. જૂજ અપવાદો બાદ કરતાં ધર્મ દ્વારા મોક્ષ, વૈકુંઠ, સ્વર્ગ, સાક્ષાત્કાર, વગેરેની વાતો કરનારાથી સમાજ ચેતવા જેવું છે. વ્યક્તિગત સુખનો અનુભવ હોર્મોન્સના સંસરણ ઉપર આધારિત છે અને તે માટે કોઈ વ્રત, યજ્ઞ, મંત્ર-તંત્ર વગેરેની ખાસ જરૂર નથી. તે બધા સિવાય પણ હોર્મોન્સનું સંસરણ થઈ શકે છે અને તે વડે પણ સુખાનુભૂતિ થઈ શકે છે.
વધુ અગત્યની બાબત સમગ્ર સમાજની સુખની અનુભૂતિની છે. અહીં ગાંધીજીનું સ્મરણ અનિવાર્ય છે. તેમનાં અગિયાર વ્રતો સામાજિક અનુબંધમાં તેમ જ વ્યક્તિગત અનુભૂતિમાં સુખકારક છે. તેમનાં વ્રતોને હોર્મોન્સના સંસરણ સાથે જોડીને જોઈ શકાય છે.
1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનો પાયો નાખ્યો, જેમાંથી ‘અદૃશ્ય હાથ’ અને ‘ઝમણના સિદ્ધાંત’ના વિચારો ચાલ્યા. મૂડીવાદમાં રાજ્યના હસ્તક્ષેપ વગર સુખની પ્રાપ્તિ થશે તેમ આ વિચાર કહે છે. પરંતુ 1780માં જેરમી બેન્થામે રાજ્ય પાસેથી ધાર્યું કામ લેવાની સમાજની જવાબદારી વિશે પણ લખ્યું હતું. જો સુખના સૂચકાંક અને માનવ વિકાસના સૂચકાંક વચ્ચેના સહસંબંધનો વિચાર કરીએ તો જણાય છે કે જે દેશોમાં સરકારોએ માનવ વિકાસલક્ષી પગલાં ભર્યાં છે ત્યાં લોકો સુખી પણ થયા છે. ખરી જરૂર સમાજે સરકારનો કાન પકડી તેની પાસે લોકહિતનાં કાર્યો કરાવવાની છે.
ભારત સહિતના ઓછા સુખી અને ઓછા માનવ વિકસિત દેશોમાં પણ લોકો સુખની વાંછના તો રાખે જ ને ! એટલે તો એ આટલા બધા ધર્માગ્રહી નહીં બનતા હોય? જે દેશો વિકસિત છે અને જ્યાં સુખ પણ છે ત્યાં ચર્ચ ખાલી પડે છે. લોકો ધર્મ પાસે મોક્ષ નહીં પણ સુખની આશાએ જાય છે. મોક્ષ, જન્નત, આશીર્વાદ, શક્તિપાત, વગેરે સુખના પારિભાષિત શબ્દો છે. જો ઐહિક પગલાંથી સુખ મળતું હોય તો ગૂઢ અને ચમત્કારોથી ભરેલી પારમાર્થિક સંપદાનો ખાસ ખપ રહેતો નથી. સુખનો દાખલો ગણવાની કોઈ એક જ રીત નથી અને જવાબ જોઈને દાખલો ગણી શકાતો નથી.
– રોહિત શુક્લ
છબી સૌજન્ય ડૉ. અશ્વિનકુમાર