
જ્ઞાન, કર્મ, ભક્તિ અને યોગના સમન્વયાત્મક સુગંધી સંદેશ દ્વારા, જિજ્ઞાસુઓ આનંદી જીવન કઈ રીતે જીવી શકે તે માટે પ્રકાશિત પથ દર્શાવનાર વૈશ્ર્વિક આધ્યાત્મિક ગ્રંથ એટલે શ્રીમદ્ભગવદ્ગીતા. ભારતના પ્રથમ ગવર્નર જનરલ વોરન હેંસ્ટિંગ્જથી માંડીને આજ સુધી સૌ માટે, મોહ-વિષાદનું વિગલન કરનાર આ કાલાતીત શાસ્ત્ર નિરંતર માર્ગદર્શક સાથીદાર સિદ્ધ થયું છે.
ગીતાજીના અઢાર અધ્યાય ગુરુ શિખર સમાન છે. બીજા અધ્યાય-સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોના, છેલ્લા અઢાર શ્ર્લોકો 55 થી 72 અને બારમા અધ્યાય – ભક્તિયોગના તમામ વીસ શ્ર્લોકો. ભારત સરકારના નિમંત્રણથી ખાદી ગ્રામોદ્યોગ કમિશનના ચેરમેન તરીકે વરણી પામેલા ગાંધીજન દેવેન્દ્રભાઈ દેસાઈને વ્યક્તિત્વનું આમૂલાગ્ર રૂપાંતરણ કરાવનારા આ 38 શ્ર્લોકો ઉપર દેશના મહાન એકવીસ ચિંતકોના દોહનને પ્રસ્તુત કરવાનો વિચાર આવ્યો. ગહન અભ્યાસ અને મંથનની ફલશ્રુતિરૂપ તેમનું સંપાદિત પુસ્તક છે ‘ગીતામૃત’ ભાગ 1/2 (પેજ 750 પ્રવીણ પ્રકાશન, રાજકોટ).
આયુર્વેદ ક્ષેત્રે ગુજરાતની નામાંકિત આંતરરાષ્ટ્રીય કંપની ‘વાસુ હેલ્થકેર’ના સ્થાપક પૂર્વ ચેરમેન તેમજ રામાયણ-મહાભારત-ગીતા જેવા વિષયો પર પાંચેક પુસ્તકોના રચયિતા વિઠ્ઠલભાઈ ઉકાણીએ આ મૂલ્યવાન ગ્રંથનું પરિશીલન કર્યું. તેમને પ્રતીતિ થઈ કે સ્થિર, શાંત-નિશ્ર્ચયાત્મક બુદ્ધિ જ પ્રજ્ઞાવાન મનુષ્યનું સર્જન કરી શકે છે અને પ્રજ્ઞાના પ્રસાદથી જીવનમાં નિત્ય આનંદનો સાગર લહેરાય છે.
તે જ રીતે અપાર મૂંઝવણોનો પ્રત્યુત્તર આપે છે ભક્તિ. ગરીબી, અન્યાય, અસમાનતા, શોષણ ઉદ્ભવે છે – બીજા માણસ પ્રત્યેના રાગદ્વેષમાંથી. ભક્તિ જન્મ આપે છે નિ:સ્વાર્થ સ્નેહને. આ પ્રતીતિ થયા પછી દળદાર ‘ગીતામૃત’ના સારદર્શનરૂપ વિઠ્ઠલભાઈની સંક્ષિપ્ત આવૃત્તિ (પેજ 80) તાજેતરમાં જુલાઈ-2020માં પ્રકાશિત થઈ છે.આ પુસ્તિકામાં સ્થિતપ્રજ્ઞ-ભક્તિનાં લક્ષણો ઉપરાંત ભક્ત-પંડિત-જ્ઞાની-જીવનમુક્ત સમાધિસ્થ-ગુણાતીત-દૈવી સંપત્તિનાં લક્ષણો, ધ્યાન તેમજ ગીતાનો જીવન સંદેશ વિશિષ્ટ રીતે રજૂ થયાં છે.
ઉત્સુકો આ નિ:શુલ્ક પ્રકાશન ‘ગીતામૃત’ વિઠ્ઠલભાઈના મોબાઈલ નંબર : 9879293012 ઉપર સંપર્ક કરી મેળવી શકે છે.
– પ્રવીણચંદ્ર ઠક્કર