નગીનદાસ સંઘવી (10-4-1921 – 12-7-2020) જાણીતા રાજકીય સમીક્ષક, સ્પષ્ટવક્તા, અધ્યાપક, અનુવાદક અને નીડર વ્યક્તિ હતા. જન્મ બ્રહ્મદેશમાં, જ્યાં એમના પિતા વ્યાપાર અર્થે ગયેલા. બાળપણ અને પ્રાથમિક અભ્યાસ ભૂંભલી, ભાવનગરમાં તેમનાં દાદા-દાદી સાથે. માધ્યમિક અને અનુસ્નાતક સુધીનો અભ્યાસ ભાવનગરમાં. શામળદાસ કોલેજમાં ભણ્યા તેથી આચાર્ય અને સમાજવાદી વિચારવાળા સહાની સાહેબનો પ્રભાવ એમના પર રહ્યો.
1947માં ભારત અઝાદ થતાં નોકરી અર્થે મુંબઈ તરફ નજર દોડાવી. ત્યાં ટાઈપીસ્ટ તરીકે અને વીમા કંપનીમાં બહુ થોડાં વર્ષ કામ કર્યું. તે પછી 1951 થી ’80ના સમયગાળામાં ભવન્સ, અંધેરી; રૂપારેલ, માહીમ અને મીઠીબાઈ, વિલેપાર્લેની કોલેજોમાં અધ્યાપક તરીકે કામ કર્યું. અધ્યાપકનો પગાર ત્યારે ઘણો ઓછો, તેથી અનુવાદનું કામ કરતા. અનુવાદનું મોટાભાગનું કામ અમેરિકાની માહિતી કચેરી (ઞજઈંજ)માંથી મળતું. એક પેઈજના રૂ.2થી લઈને રૂ. 22 સુધી મળતા. મંગેશ પડગાંવકર અને સિતાંશુ યશશ્ર્ચંદ્ર ત્યારે તેમના સાથી અધ્યાપકો. અને હા, ચંદ્રકાંત બક્ષી પણ ખરા. મરાઠી વિદ્યાર્થીઓમાં ભણવાનો ઉત્સાહ ભારે. તેથી નગીનદાસ વિદ્યાર્થીઓથી ઘેરાયેલા રહેતા. મહાગુજરાત અને સંયુક્ત મહારાષ્ટ્રના આંદોલનનો સમયગાળો તેથી બિનમરાઠી અધ્યાપક અને વિદ્યાર્થીઓની સલામતીનું કામ અન્ય મરાઠી સાથીઓ ઉપાડી લેતા.
શરૂઆતમાં કાંદીવલી અને પછી જોગેશ્ર્વરીમાં તેઓ રહ્યા ત્યારે દસેક વર્ષ સ્થાનિક રાજકારણ અને પરાની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ પુષ્કળ સક્રિયતા દાખવેલી. કવિ પ્રહ્લાદ પારેખની શોકસભા કરેલી ત્યારે કોઈકે તેમને અખબારોના લેખન તરફ ખેંચ્યા. આજે તેઓ વધુ જાણીતા થયા તેમની રાજકીય કોલમને કારણે અને રામાયણ વિશેના તેમના લેખો, પુસ્તક અને તે પછી મોરારિબાપુ સાથેના ગાઢ સંબંધોને કારણે. પરિચય પુસ્તિકાઓ પુષ્કળ લખી. રાજમોહન ગાંધી લિખિત સરદારના જીવનચરિત્રના અનુવાદે તેમને ઘણો યશ અપાવ્યો.
એમના કોલમ-લેખનમાંથી ઘણાં પુસ્તકો પ્રગટ થયાં છે. એમણે મહાત્મા ગાંધી અને નરેન્દ્ર મોદી વિશે અંગ્રેજીમાં પુસ્તકો લખ્યાં છે. એમને વજુ કોટક એવોર્ડ ‘ચિત્રલેખા’ દ્વારા અર્પણ કરાયો હતો. મોરારિબાપુના પ્રયાસોથી રાજકોટમાં તેમની શતાયુવંદનાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એમને જે રૂ. અગિયાર લાખની રકમ અર્પણ કરવામાં આવી હતી તે તેમણે ઔપચારિકતા ખાતર સ્વીકારીને પરત કરી હતી. તેમાંથી યુવા પત્રકારોને ‘નચિકેત’ એવોર્ડ અપાય છે.
લોકપ્રિય સાપ્તાહિક ‘ચિત્રલેખા’માં દેશ અને દુનિયાના રાજકારણ વિશેની સાપ્તાહિક કોલમ તેમણે એકાદ દાયકા સુધી લખી. વાસુદેવ મહેતા અને હરસુખ સંઘાણી પછી આ કામ સંભાળનાર નગીનદાસ સંઘવી હતા, જેમનું નામ રમેશ પુરોહિતે સૂચવેલું.
એમની તડ-ફડ શૈલીને કારણે તેઓ ઘણા જાણીતા થયા. ગુજરાતી શૈલી ગોળગોળ લખવાની અને દહીંદૂધમાં પગ રાખવાની રહી છે ત્યારે તેઓ તેનાથી સતત ઊફરા ચાલ્યા. સો વર્ષની ઉંમરે લેખન કરનાર તેએા એકમેવ હતા. અગાઉ ખુશવંતસિંહ અને કુલદીપ નૈયર હતા ખરા, પણ શતાયુના ઊંબરે નહિ પહોંચી શકેલા ! એમની તડફડ શૈલીને કારણે ક્યારેક કોઈને તેઓ પક્ષિલ પણ લાગતા, પણ ફરી બીજી વખતે તેઓ કંઈક એવું લખતા જેથી વાચકને પોતાનો અભિપ્રાય બદલવો પડતો. રાજકીય કોલમ લેખકમાં જે તટસ્થતા, નિષ્પક્ષતા અને નિર્ભીકતા હોવાં જોઈએ, તે નગીનદાસમાં ભરપૂર માત્રામાં હતાં. પદ્મશ્રી એવોર્ડ તેમને યોગ્ય રીતે અપાયો હોવાનું કહી શકાય. વડાપ્રધાન અને મુખ્યપ્રધાન બંનેએ તેમના મૃત્યુ પ્રસંગે શોક પ્રગટ કર્યો ત્યારે કદાચ પહેલી વાર ઔપચારિકતાનો લોપ થયાનું લાગ્યું.
‘સમકાલીન’ દૈનિકની તેમની કોલમને કારણે મારે તેમની સાથે પરિચય થયો, જે મૈત્રીમાં પરિણમ્યો. ગાંધીનગર આવે ત્યારે મારે ત્યાં ઊતરે અને એમની સાથે અમે મિત્રો કલાકો સુધી સાંપ્રત વિષયો અંગે ચર્ચાઓ કરીએ. મહુવા ખાતે અસ્મિતા પર્વ કે અન્ય પર્વો નિમિત્તે ઉતારો અપાય તેમાં અમે સાથે હોઈએ. પત્ની પ્રભાબેનની બીમારીમાં તેમને નવડાવવાં અને કપડાં બદલાવવાં સુધીની સેવાઓ આ પતિએ કરી છે તે ભાગ્યે જ કોઈ કરી શકે, એના અમે સાક્ષી છીએ. આપણાથી આગલી પેઢીના છતાં એ પતિ-પત્ની એકબીજાને નામ દઈને તુંકારે બોલાવી શકતાં એ પણ ભારતીય સામાજિક સંદર્ભમાં નોંધનીય છે.
કાંદિવલીમાં ત્રીજે માળ એમને ત્યાં અમે ઊતરેલાં. એમનું જીવન એમનાં કપડાંની માફક તદ્દન સાદગીપૂર્ણ. યાદ રહી ગયું છે એમના ઘરનું મોટું ડામરનું પીપડું. પુષ્કળ છાપાં-સામયિકો આવે જે વાંચી રહ્યા પછી કામનું ન હોય તે પીપડામાં નાંખે. ત્યાંથી પ્રભાબેનને નિકાલ કરવાની છૂટ. નજીકમાં કાંતિ ભટ્ટ હતા, હું બંનેને મળું પણ એ બંનેને એકબીજા પ્રત્યે કંઈ સારો અભિપ્રાય નહિ. છેલ્લે ગાંધીનગર આવતા ત્યારે દેશના રાજ્યપાલો વિશે ઘણી વિગતો એકઠી કરી રહ્યા હતા ત્યારે રાજભવનમાં દસ રાજ્યપાલ સાથે કામ કરી ચૂકેલા મિત્ર જનક મહેતાનો મેં એમને સંપર્ક કરાવેલો. મને ખ્યાલ છે ત્યાં સુધી એ કામ અધૂરું જ રહ્યું.
એમને બે દીકરીઓ અને એક દીકરો જયંત, જે વડોદરામાં નાનો ઉદ્યોગ ચલાવતો હતો. અને અકસ્માતે મૃત્યુને વરેલો. એમની એક પુત્રી હર્ષા અમેરિકા હતી અને બીજી ઉષા મુંબઈમાં. અમેરિકા અવાર-નવાર જતા આપણે એમને કોઈપણ બાબતની રજેરજ વિગત પૂછી શકીએ એવી નિકટતા. જેનો અમે ઘણો લાભ લીધેલો. એમના પહેરવેશ વિશે પૂછીએ તો કહે, આ જ પહેરીને અમેરિકા જાઉં છું, ચાર ધોળિયાઓને ખાદી પહેરતા કરી દીધા છે. મોરારિબાપુ વિશે પણ પૂછેલું ત્યારે એમનો જવાબ હતો : આ બાવો કંઈક અલગ છે. જીવન પારદર્શક, વિચારો ઉમદા. પણ હરહંમેશ વાસ્તવિક ધરાતલ પર રહેનારા.
રામાયણની લેખમાળા તેમને અધૂરી સમેટી લેવી પડેલી એટલો ઊહાપોહ પેદા થયેલો. એ ગાળો 1985નો. એમની વિરુદ્ધના પત્રો છપાયા પણ તેનો જવાબ આપવાનો હક પણ તંત્રી સાહેબોએ નકારવો પડેલો. એમણે લખ્યું છે કે ભારતમાં દેવોનું ઉત્પાદન સતત ચાલતું રહે છે. વાલ્મીકિ રામાયણમાં રામના નામે કે હાથે પથરા તર્યાની વાત નથી. રાવણના વર્ણનમાં મોટાભાગે એક માથું અને બે હાથનો જ ઉલ્લેખ છે. હનુમાન કદી બ્રહ્મચારી કહેવાયા નથી, સ્ત્રીઓની ભેટ તેમણે સ્વીકારી છે. એમની ચિંતા સાચી અને સાધાર રજૂઆતની હતી. વ્યાપક થતી અસત્યતાને હકીકત સાથે પડકારવાની હતી. ઇતિહાસ સંદર્ભે અભ્યાસ વિનાની ગેરસમજો ફેલાવનાર સ્વામી સચ્ચિદાનંદની પણ તેમણે આકરી ટીકા કરી છે.
તેમણે લખ્યું છે કે મેઘાણીને રાષ્ટ્રિય શાયર કહેવાની ફેશન થઈ પડી છે તે બિન-પાયાદાર છે કારણ કે ગુજરાતની બહાર મેઘાણીને કોઈ ઓળખતું નથી….. ગાંધીજી ગુજરાતના સપૂત હોવાનો ખોટો ફાંકો રાખીને આપણે ફરીએ છીએ પણ ગુજરાતે તેમના વિકાસમાં કશો ફાળો આપ્યો નથી…. સરદાર વલ્લભભાઈ પટેલે વિભાજન થવું જોઈએ તેવો નિર્ણય સૌથી પહેલાં લીધો અને જવાહરલાલને ગળે ઊતરાવ્યો….. આંબેડકરે અથવા આર.એસ.એસ.ના અગ્રણીઓએ આઝાદીની લડતમાં કશો જ ભાગ લીધો નથી તેવી હકીકત તેમના આજના અનુયાયીઓને ખૂંચે છતાં કહેવી તો જોઈએ જ…. માજી ન્યાયમૂર્તિ ભગવતીએ ‘જાહેરહિત’ના ખટલાઓનું લફરું એવું વળગાડ્યું છે કે દરેક બાબતમાં અદાલત માથું માર્યા કરે છે… શાંતિપર્વમાં ભીષ્મે કહ્યું છે તેમ સડી ગયેલા ફળની માફક દરેક રાષ્ટ્ર આંતરિક સડાથી જ નાશ પામે છે…. રાંધેલી ખીચડી અને જીવતો માણસ ક્યારે બગડે તે કહેવાય નહિ એવી પંજાબી કહેવત છે. અને છેલ્લાં બે : (1) સંસ્કૃત ભાષામાં ‘હિંદુ’ શબ્દ નથી, (2) દુનિયાની સૌથી જૂની યુનિવર્સિટી અલઅઝહાર મસ્જિદમાં ચાલે છે.
જેમને રસ હોય તેમણે એમનાં સંખ્યાબંધ પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ. તેમાંના વિચારો આજે પણ તરોતાજા લાગે છે. આવા નગીનદાસે ‘આગિયાનો ઉજાસ’ અને ‘અત્તરના દીવા’ જેવાં નાનકડા પ્રસંગોનાં પુસ્તકો લખ્યાં છે, જે જીવનનું સત્ય ઉજાગર કરનારાં અને જીવન જીવવામાં માર્ગદર્શન આપનારાં પણ છે. તેમણે ગીતા વિશે, યોગ વિશે અને મહામાનવ કૃષ્ણ વિશે પણ પુસ્તકો લખ્યાં છે. જ્ઞાનગંગોત્રી શ્રેણીમાં સ્વરાજદર્શનનો ગ્રંથ લખ્યો છે. એમના એક પુસ્તકની પ્રસ્તાવના ચંદ્રકાંત બક્ષીએ લખી છે.
એમણે ગુણવંત શાહના ‘સેક્યુલર ઇડિયટ’ની પ્રસ્તાવના પણ લખી આપી છે, જેમાંનો નાનકડો પેરા ટાંકવાની લાલચ છે : “હકીકતો કરતાં ઘણું વધારે મહત્ત્વ અભિગમનું હોય છે. ગુણવંતભાઈનો અભિગમ સદ્ભાવના પ્રેરિત અને આદર્શલક્ષી છે. પયગંબરો, સજ્જનો અને સાહિત્યકારો મોટાભાગે આવો અભિગમ અપનાવી લેતા હોય છે. માનવસમાજ તેમને વખાણે છે પણ તેમને રસ્તે ચાલતો નથી. ઉપદેશથી કોઈને સુધારી શકાય કે નહિ તે હું જાણતો નથી. પણ તેના ઉપયોગથી સમાજને સુધારી શકાય નહિ તેવું લાગે છે.” છેલ્લાં પચાસ વર્ષથી લેખન કરતા રહીને તેમણે સમાજને ઘણું કાયમી પ્રદાન કર્યું છે. એમના લેખોમાંથી તમે પ્રયત્નપૂર્વક પણ એમના અંગત ઉલ્લેખો શોધી નહિ શકો. રાજકારણની સાથે એમણે સંલગ્ન અને ઊભા થતા અનેક વિષયો વિશે લખ્યું છે. ગુજરાતના અમદાવાદથી પ્રગટ થતાં મુખ્ય બે દૈનિકોમાં તેમણે કદી ન લખ્યું કારણ તેમના વિચારોમાં કોઈ રુકાવટ કે બાદબાકી થાય તે તેમને કદી પસંદ ન હતું.
તેમણે કદી રેશનાલિસ્ટ કે સેક્યૂલારિસ્ટ હોવાના દાવા કર્યા નથી. પોતાના વિચારો મજબૂતાઈથી અને નમ્રતાપૂર્વક રજૂ કર્યા છે. મોરારિબાપુ સાથે જોડાવાથી તેમના વિચારોમાં કોઈ ફેરફાર આવ્યો નથી, એ કોઈ પણ અભ્યાસી જોઈ શકે છે. વિચાર અને વિચારસ્વાતંત્ર્ય વિશેનો એમનો અભિગમ અંત સુધી પૂર્ણ રીતે પારદર્શક રહ્યો. તેમાં એમણે કોઈ દિલચોરી કરી નથી. આવા નગીનદાસમાંથી આપણે થોડું પણ સાચું સમજીએ અને એને વળગી રહીએ, એ ખૂબ જરૂરી છે. થતાં થાય એવી વ્યક્તિ અને મળતાં મળે એવા મિત્ર ગુમાવ્યાનો અફસોસ મારા સહિત ઘણાં બધાંને છે અને તે સાચો છે.
– ડંકેશ ઓઝા
ફિચર છબી : ડૉ. અશ્વિનકુમાર